Kagdo udi gayo in Gujarati Adventure Stories by DrKishor Pandya books and stories PDF | કાગડો ઊડી ગયો

Featured Books
Categories
Share

કાગડો ઊડી ગયો

કાગડો ઊડી ગયો

ડો.કિશોર પંડ્યા

ભરતે દોડતા આવીને કહ્યું; કે મહાદેવ પાસેના વાડામાં લીમડાના ઝાડમાં કાગડો ભેરવાયો છે. ત્યારે હું એમ જ બેઠો હતો. વિજય કહેતો હતો, કે ચાલ નીલકંઠ મહાદેવ જઈએ. નીલકંઠ મહાદેવની ઉપરની અગાશીમાં ચડીશું. નીલકંઠ મહાદેવનું મંદિર આંબલીના ઘટાદાર વૃક્ષની છાયામાં હતું. છોકરા પથરા ફેકીને આંબલી પરથી કાતરા પાડતા હોય, ત્યારે જો એકાદ પથરો મહાદેવની અગાશી પરના પતરા પડે તો એના અવાજથી દીવાળીબાની ઊંઘ ઊડી જાય. દીવાળીબાના ઘરનું જાળિયું અને મહાદેવની જાળી વચ્ચે માંડ આઠ-દસ ફૂટનું અંતર.

એંશીના આરે અડિખમ ઊભેલા દીવાળીબા ‘મારા રોયાંવ, ખરી બપ્પોરેય જંપતા નથી.’ એવો હાકોટો પાડતા જાળીએ આવે એટલે છોકરાં આઘા-પાછા થઈ જાય.

એકાદ છોકરો એમ જ બાઘાની જેમ ઊભો રહી ગયેલો દેખાય, તો દીવાળીબા પૂછેય ખરા; “એલા દીપકા , કોણ ઘા કરતું’ તું? મારા માથામાં વાગે છે.”

“એ તો જીવરામનો હરશદ હતો.”

આવો જવાબ મળે એટલે દીવાળીબા એની પાસે આવીને કહે: “એ તો નખ્ખોદિયો, છે જ વાંગડ જેવો, તું એની હારે નો રમતો. ચાલ તને પરસાદ આપું.” પછી એનો હાથ ઝાલીને પોતાના ઘરની જાળી સુધી લઈ જાય અને અંદર જઈ અંધારિયા ઘરમાથી આગલા દિવસની સાંજે મંદિરેથી લાવીને ખાસ ફળીના છોકરાઓ માટે સાચવી રાખેલો પ્રસાદ આપે.

ને પછી કે ય ખરા, “તું ભણજે હો, તોફાની નો થાતો. લે થોડો વધારે પરસાદ લે, બીજા કોઈ આવે તો એને ય આપજે. ને કાતરા નો ખાતો; કાચા કાતરા ખાઈએ ને શરીરમાં ખટાશ ચડે તો માંદા પડી જવાય ને પછી...” દિવાળીબા ડૂમો ભરાયેલા અધૂરા વાક્યે સાડલાનો છેડો મોં પર ડાબી અંદર ઓરડીમાં જતાં રહેતા.

ભરતે કહ્યું; “લીમડાની ડાળમાં પતંગ ભરાયો હતો. કાગડાની પાંખમાં પતંગનો દોર ભેરવાયો હતો. કાગડો લીમડાની ડાળીએ લટકતો હતો.”

કુંવળ નાખીને ગાર કરેલી વંડી ઉપર કપાસની સાંઠી નાખેલી હતી. એટલે વંડી ઉપર ચડી શકાય એવું ન હતું. વાડામાં ખંડિયેર થયેલા મકાનની પથ્થરની ભીંત અડધી-પડધી ઊભી હતી. બાજુમાં આકાશને આંબવા ઉપર તરફ ફેલાયેલ લીમડો હતો. લીમડામાં પતંગ અને તેના દોરમાં ગૂંચવાઈને કાગડો લટકતો હતો. બીજા કાગડા ત્યાં ભેગા થઈ ગયા હતા. કોઈ કાગડા પાસે જવાની હિમત કરતું ના હતું. બધા દૂર ઊભા ઊભા લટકતા કાગડાને જોતાં હતા. પતંગની દોરનો છેડો જે કોઈ છોકરાના હાથમાં હોવો જોઈએ તે કાગડાની પાંખમાં ભેરવાયો હતો.

વાત એવી હતી કે કપાયેલા પતંગની પાછળ દોડતા દોડતા બધા નીલકંઠ મહાદેવ સુધી આવ્યા. પતંગ તો પાછળ બટુકના વાડામાં ગયો. હાથમાં ઝરડા લઈને દોડતા ઊભા રહી ગયા. પાછળ વાડામાં જવું તો હતું, પણ જવું ક્યાંથી? વાડામાં જવા માટે લાકડાનું એક માત્ર બારણું. ને બારણા પર લગાવેલી સાંકળ, સાંકળ ઉપર તાળું. જો કે મહાદેવની સામેના ટેકરા પરથી ગોખલામાં પગ મૂકી વંડી ઉપર ચડવું હોય તો આસાનીથી ચડી જવાય. પણ પહેલ કોણ કરે?

વંડી ઉપર ચડતા જ પેલી તરફથી વાગડિયા શેરીમાથી પથરાનો અને ગાળનો મારો શરૂ થઈ જાય. પથરા તો કદાચ આમતેમ નમીને ચૂકાવી દેવાય, એકાદ વાગે તો ઘા પણ રૂઝાઈ જાય. પણ ગાળ તો કાન સોંસરવી હૈયામાં જ ઉતરી જાય. ગાળ ખાવા કરતાં તો બીજો પતંગ આવે એની રાહ જોવી સારી. પણ, આ પતંગની દોરમાં લટકતો કાગડો?

કાગડાઓએ ભેગા થઈ કાગારોળ કરી મૂકી હતી.

ફળીના નાકે થઈ છેક અપાશરા સુધી સમાચાર પહોંચી ગયા કે, નિલકંઠ મહાદેવની સામેના વાડામાં કાગડો લટકે છે.

“જીવતો છે?” કેટલાકને જીવતો કાગડો લટકતો હોવાની વાત સાંભળી નવાઈ લાગતી હતી. મરેલા તો માણસ લટકાતા હોય છે. જ્યારે કાગડા તો જીવતાય લટકતા હોય છે. મરી ગયા પછી કોઈને લટકવા જેવુ રહેતું નથી. વાડામાં લટકતો કાગડો બારણાની તિરાડમાંથી દેખાતો હતો. કાગડો વાડામાં લટકતો હતો. બધા એને જોતાં હતા. લીમડાની ડાળીઓ ઉપર બેસીને બીજા કાગડાઓ કા.. કા.. કા.. કા.. કરતાં હતા. કોઈ કાગડા વળી ડાળી પરથી પોતાનો પગ છૂટો કરવા એની આજુબાજુ ઊડાઊડ કરતાં હતા.

લટકતા કાગડાને જ્યારે ભાન થયું કે, પોતે જેમ છૂટવા માટે મથામણ કરે છે, તેમ દોર વધુ ને વધુ વીંટળાતો જાય છે. એટલે તેણે થાકીને શાંતિથી લટક્યા કર્યું. તેને શાંત થયેલો જોઈ બીજા કાગડાઓએ વધારે કા.. કા.. કા... કા.. કરવાનું શરૂ કરી દીધું.

જમીનથી વીસેક ફૂટ ઊંચે કાગડો લટકતો હતો. વાડાની દીવાલ આઠેક ફૂટ ઊંચી હતી. જો હાથમાં લાંબો વાંસ આવી જાય તો વળી વંડી ઉપર ચડીને કદાચ પતંગના દોરને ખેંચી શકાય. તો લટકતો કાગડો નીચે ઊતારી શકાય. પણ બીજા કાગડા આમ કરવા દેશે ખરા?

ત્યાં જ એક પતંગ લૂંટવાવાળો હાથમાં લાંબો વાંસ લઈને આવ્યો. નીલકંઠ મહાદેવથી આગળ ક્યાય જઈ શકાય એમ તો હતું જ નહીં. તે આવીને ઊભો રહ્યો એટલે તેનો વાંસ માંગી લીધો. હાથમાં વાંસની સાથે હિમત પણ આવી.

એવામાં વિદ્યાકાકી એમના ઘરમાંથી હાથમાં ચાવીનો ઝૂડો લઈને આવતા દેખાયા.

“કેમ લ્યા ? છોકરાંવ કેમ ઊભા છો?”

“કાકી વાડામાં પતંગ છે.”

“જો હું વાડામાંથી છાણાં લઉં એટલીવાર માટે આ બારણું ઊઘાડું છુ.”

કાકીએ ચાવી વિજયના હાથમાં આપતા કહ્યું. તાળું ઉઘડ્યું. તરત જ સાંકળ પણ ઊઘડી. બારણું ખૂલ્યું. અમે પણ કાકી સાથે વાડામાં દાખલ થયા. વિજય તો તરત જ વાગડિયા શેરી વાળી દીવાલ પર ચડી ગયો. એના હાથમાં ઝરડું હતું. તે લીમડાની ડાળ પાસે પહોંચ્યો; એટલી વારમાં મે તેને વાંસ આપી દીધો.

તેને કાગડા તરફ વાંસ લંબાવ્યો ત્યાં તો બીજા કાગડાઓએ આમતેમ ઊડવાનું શરું કરી દીધું.

હું દીવાલ ઉપર વિજય પાસે પહોંચી ગયો.

“પતંગ તરફ વાંસ લઈ જા, ને પતંગ કાઢ એટલે કાગડો પણ નીચે આવી જશે.” મે સૂચના આપી.

દીવાલ ઉપર એક તરફ વાંસ નમાવેલો રાખીને સમતોલપણું જાળવી રાખવું અઘરું હતું. મે વિજયને પકડી રાખ્યો હતો અને વિજયે મારો આધાર લીધો હતો. વંડી પર પાથરેલી સાંઠી પગમાં ખૂંચતી હતી.

હવે તેણે લટકતા કાગડાને બદલે દૂરની ડાળીમાં ભરાયેલા પતંગ તરફ વાંસ લંબાવ્યો. મને થયું કે આજે તો નક્કી કાગડાનો મૃત્યુઘંટ વાગવાનો. પછી આ બધા કાગડાઓ ચાંચો મારીને મારીને અમારી હાલત બગાડી નાખશે. હું હવે દીવાલ પર બંને બાજુ પગ લટકાવીને બેસી ગયો હતો.

પતંગ ડાળમાં ઊંચે હતો. ત્યાં સુધી વાંસ પહોંચતો ન હતો. એટલે ડાળની વચમાં ફસાયેલો દોર શોધવાનો હતો.

અચાનક વિજયના હાથમાંથી વાંસ છૂટી ગયો. તે સમતોલપણું ગુમાવે, એ પહેલા મે તેને પકડી લીધો. વાંસ પડતાની સાથે જ દોર તૂટ્યો અને લંબાયેલી દોર સાથે બંધાયેલો કાગડો અતિ ઝડપથી જમીન પર પડ્યો. ના. બંધ આંખ શું જૂએ? તે જમીન પર ન પડ્યો; પણ, જમીનથી માંડ એકાદ ફૂટ ઊંચે હતો; ત્યાં જ તે ઉપર ઊડીને દૂર જતો રહ્યો.

ડાળીથી દોરમાં બંધાઈને લટકતો કાગડો છેક જમીન સુધી આવીને ક્ષણભરમાં ઊડી ગયો. જમીન પર પડ્યો કે પડશે-નુ દ્રશ્ય જોતી સઘળી આંખો એની પાછળ પાછળ આકાશમાં ઊડવા લાગી હતી. કાગડાની સાથે અમારા ઊંચા થયેલા જીવ પણ હેઠે બેઠા.

કાગારોળ કરતાં બધા કાગડા ક્યાં ઊડી ગયા એ ખબર ન પડી. નીરવ શાંતિ છવાઈ ગઈ.

અમે વાડામાંથી બહાર આવ્યા.

વાડાના બારણાને તાળું મારતા દીપકે વિદ્યાકાકીને પૂછ્યું: “હે કાકી, એક વાત પૂછું?”

“હા. પૂછ.” કાકીએ દીપકના હાથમથી ચાવીનો ઝૂડો લેતા કહ્યું.

“આ દિવાળીબા, અમે કાતરા પાડીએ, એમાં કેમ અમને ખીજાય છે?”

“આ બાજુ આવ એટલે તને વાત કરું.” કાકી પોતાના ઘર તરફ જતા કહ્યું.

દીપક એમની પાછળ પાછળ છેક એમના ઘર સુધી ગયો.

“ જો સાંભળ” પોતાને પણ માંડ માંડ સંભળાય એવા ધીમા અવાજે કાકી બોલ્યા: “એમને તમારી જેવડો દીકરો હતો. કાચા કાતરા ખાધા હશે; એટલે રાત્રે આંચકી શરૂ થઈ અને સવાર થતાં સુધીમાં તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું. આજે કાગડાને આમ લટકતો જોઈ તમને કેવું થયું ? જ્યારે એમનો તો જુવાનજોધ દીકરો.. એક રાતમાં આ જગત પરથી ઊડી ગયો. એટલે આ દીવાળીબા તો તમારું બધાનું ખૂબ ધ્યાન રાખે છે.”

નિલકંઠ મહાદેવ પાસે આવીને જોયું તો પાછળ રાવ બહાદૂરના વંડાના પતરાં ઉપર કાગડાની પંગત શાંત થઈને હારબંધ બેઠી હતી.