કોલેજનાં વિદ્યાર્થીઓનો કોલાહલ દરવાજા પાસે શરુ થઇ ગયો હતો. “આ વખતે તો મને વાંચવાની ઈચ્છા જ નથી થતી....” “ ... પણ આ વખતે એક્ઝામ જેવું કાઈ લાગતું જ નથી.....” “ એ તો આગળની રાત્રે રેલો આવશે એટલે ઓટોમેટિક લાગવા માંડશે...” આવી અઢી કોમેન્ટો પાસ થવા લાગી.
“સીંગ... ભરૂચની સીંગ... ૧૦ રૂપિયા.. ૨૦ રૂપિયા... ખા... રી... સીં...ગ...” કહેતો એક માણસ હાથમાં ૫-૬ પડીકા લઈને આવી પહોચ્યો.
જીગ્નેશે અંકિતાને નેણ હુલાવીને ઈશારામાં પૂછી લીધું કે “ સીંગ ખાવી છે કે નહિ?” અંકિતાએ અંશને પૂછ્યું “ બેટા સીંગ ખાવી છે તારે?” “હા...” અંશે મમી તરફ જોઇને કીધું.
“ભૈયા... દો ૧૦-૧૦ વાલી દેના...”
પેલા એ હાથમાં રહેલા સીંગના પડીકા અકબંધ રહેવા દઈને થેલામાંથી બીજા બે પડીકા કાઢીને જીગ્નેશના હાથમાં મુક્યા. આ ફેરિયાવાળા આવું શુકામ કરતા હશે એ મને આજ સુધી સમજાયું નથી. (કદાચ “હાથીના દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ..” એ કેહવત ને સાર્થક કરતા હશે.)
“પણ બે શુકામ લીધી? ૨૦ વળી એક જ લેવી હતી ને?” અંકિતા એ આશ્ચર્યથી પૂછી લીધું.
“વધારે આવે...” જીગ્નેશ પોતે આ વાતનો અનુભવી નિષ્ણાંત હોય એમ બોલ્યો અને દાંતથી એક પડીકું ખોલીને સીંગ ખાવા લાગ્યો. સવારના નાસ્તાના પ્રતિક રૂપે એને સીંગ ખાઈને ઊંઘને અલવિદા કહી. હવે સુવાનો કોઈ પ્રશ્ન નહોતો. તડકો બરાબર લાગી ચુક્યો હતો. સીંગ વાળા નો અવાજ આગળ જઈને ધીમો પડી ને બંધ થઇ ગયો.
સામેની સીટ પર બેઠેલાં પતિ-પત્નીએ તેની બેગ ખોળામાં લઈને કઈક શોધવાનું શરુ કર્યું. અને થોડી વાર શોધ્યા પછી એક સ્ટીલનો ડબ્બો કાઢ્યો. તેમાંથી થેપલા અને અથાણું કાઢીને બેવ ખાવા લાગ્યા. એ લોકોએ જીગ્નેશ ને ઓફર પણ કરી.. પરંતુ મુસ્કાન સાથે જીગ્નેશે નાં પડી... (ફોર્માલીટી.. યુ નો..). પછી બીજી વખત થેલો ફંફોસીને એક પાણીની બોટલ કાઢી જેનું ઢાંકણું પ્લાસ્ટિક ની આડશ લગાવીને બંધ કરેલું હતું. કટક-બટક પતાવીને તેઓ થેલાને તેની જાગ્ય પર મૂકી ને જૈ-સે-થે બેસી ગયા.
બહારની તરફ ખેતરો આવવા લાગ્યા. ધુમ્મસનાં વાતાવરણમાં ખેતરોમાં સવાર-સવારનો માહોલ કઈક અલગ જ હોય છે. ઠંડી મેહસૂસ થતી હતી. જીગ્નેશે એક ઊંડો શ્વાસ લઈને ઠંડીનું પ્રમાણ કાઢી લીધું. ધડામ્મ દઈને પાછળની સીટવાળાએ બારી બંધ કરી દીધી.
“આપણે પણ બારી બંધ કરી દ્યો ને...!” અંકિતાએ જીગ્નેશને ઠોંસો મારતા કહ્યું.
“ભલે ને ખુલ્લી રહી... તડકો આવે છે..”
“તમે તો પાછુ મફલર પણ ના લીધું...”
“ ના... ના... વાંધો નહિ....”
નિરંતર ગતિ (કોન્સ્ટંટ સ્પીડ) પર ગાડી ચાલવા લાગી. વચ્ચે-વચ્ચે ક્યારેક સામેથી બીજી ટ્રેન સુમ્મ-સુમ્મ કરતી પસાર થઇ જતી હતી. જેના લીધે હજુ પણ સુતેલા લોકોની નીંદમાં ખલેલ પડતો. તે જાગી જતાં. શું થયું છે એ જોઇને ફરી પાછા એ જ મુદ્રામાં આંખ મીંચીને સુઈ જતાં.
“ અરે.... એ... એ... કોનો છે ભઈ આ થેલો...!!” નીચે બેઠેલા એક છોકરાના માથા પર પેલો થેલો પડતા એ તો ઉભો થઇ ગયો. જીગ્નેશ અંદર ને અંદર વિજયભાવની લાગણી અનુભવી રહ્યો હતો કારણ કે તેની આશંકા સાચી ઠરી હતી.
બે જણાએ થઈને એ થેલો પાછો સરખો મુક્યો. “ પડી જશે પાછો...” એવું કોઈ પાછું બોલ્યું અને પેલા એ ફરી થેલા ને અંદર ની તરફ ધક્કો આપીને ઘૂસેડી દીધો.
વડોદરા અને આણંદ આઈ જ રીતે પસાર થઇ ગયાં. આણંદ જતાં જ સામે બેઠેલાં ભાઈ એ તૈયારી કરવા માંડી. નીચે કાઢેલા તેના બૂટ શોધવા લાગ્યા અને પેહરીને ટટ્ટાર બેસી ગયા. (જાણે કોઈ મોટી જંગ જીતી લીધી હોય એમ!!!)
નડિયાદ સ્ટેશન પર ટ્રેન ધીમી પડી એટલે જીગ્નેશ સાથે શેક-હેન્ડ કરીને પેલા ભાઈ ઉતરી ગયા. આજુબાજુના કોલાહલમાં ગુજરાતી બોલવવાની ઢંગ બદલાઈ ચુકી હતી. “લાવજે ભઈ, એક પોણીની બોટલ આલજે...” દરવાજા પાસે ઉભા રહેલા એક ભાઈએ ફેરિય સાથે વાત કરી એના ઉપરથી જીગ્નેશ સમજી ગયો ક ચરોતર આવી ચુક્યું હતું. ગુજરાતમાં જ અલગ-અલગ શહેરોમાં ગુજરાતી બોલવાની ઢંગ અલગ-અલગ છે. બાજુની ત્રણની સીટ પર બેઠેલા એક છોકરો અને બે છોકરીઓ પોતાની બેગ તૈયાર કરવા લાગ્યા. છોકરાએ ઈયર-ફોન નું ગૂંચળું વાળીને ખિસ્સામાં મુક્યું. છોકરીએ પોતાનું ગુલાબી રંગનું પર્સ, જે સુરતથી હુક પર ટાંગેલું હતું એ લઈને ખોળામાં મુક્યું. ટ્રેને વ્હીસલ મારી અને ગાડી ધીમી પડી.
સામે બેઠેલા દાદાએ પેલા છોકરાને પૂછ્યું, “કયું સ્ટેશન આવ્યું બેટા??”
“મહેમદાવાદ...” ચીગમ ચાવતા ચાવતાં પેલા એ જવાબ આપ્યો અને ઉભો થઇને પોતાની બેગ લઈને ચાલવા લાગ્યો. તેની પાછળ જ પેલી બેવ છોકરીઓ લટુક-મટુક ચાલીને દરવાજા પાસે ઉભી રહી ગઈ. પેલા દાદાને પણ મહેમદાવાદ જ ઉતારવાનું હતું એટલે તેણે પણ બે ટેકા લઈને ઉભા થઇ ને ધીરે ધીરે ચાલવા લાગ્યું. મહેમદાવાદ સ્ટેશન આવ્યું એટલે બાજુની આખી સીટ જે સુરતથી ભરેલી હતી એ ખાલી દેખાવા લાગી.
“કોઈ છે અહિયાં???” ત્યાંથી ચઢેલાં એક યુવાને જીગ્નેશ અને આજુબાજુ બેઠેલાં લોકોને પૂછ્યું. કોઈએ જવાબ ના આપ્યો એટલે તે ત્યાં બેસી ગયો અને એક મોટી સ્ક્રીનવાળો સ્માર્ટફોન કાઢીને અંદર કૈક મેથી મારવા લાગ્યો.
જીગ્નેશે એક બગાસું ખાધું અને બારીની બહાર જોવા લાગ્યો. અંશ ફરી સુઈ ગયો હતો.
વટવા આવ્યું ત્યાં સુધીમાં ટ્રેનમાં ભીડ ઓછી થઇ ગઈ હતી. જીગ્નેશની સામેની સીટ ખાલી પડી હતી. ત્યાં તેણે પગ લાંબા કરીને શરીર ને આરામ આપ્યો. સમ્મ-સમ્મ કરતી સામેથી એક માલગાડી પસાર થઇ ગઈ. પેસેન્જર ટ્રેન કરતા માલગાડી વધારે લાંબી હોય છે.
એક યાર્ડ આવ્યું જ્યાં માલગાડીના મસમોટા કાર્ટૂન્સ અનલોડ થઇ રહ્યા હતા. ત્રણ - ચાર મોટી લાંબી ગરદન વાળી ક્રેઈનો પોતાની ડોક ઉપર કરીને ઉભી હતી. કાર્ટૂન્સ પર તેની કંપનીના લોગો અને નામ લખ્યા હતા. કોઈ નાના હતા, તો કોઈ લાંબા કલર - કલરના કાર્ટૂન્સ.
"ચાલો ભાઈ મણીનગર આવી ગયું..." ભીડમાંથી કોઈ બોલ્યું.
"આપણે તો કાલુપુર ઉતારવાનું છે ને?" અંકિતા એ પૂછ્યું.
"હા.."
અંકિતાએ અંશને જગાડ્યો.
"ચાલો બેટા... ઉતારવાનું છે..."
બે જ મિનીટ મણીનગર પર ટ્રેન ઉભી રહી.
મહેમદાબાદથી મણીનગર અને કાલુપુર સુધી અપડાઉનવાળા લોકો વધારે હોય છે. મણીનગરમાં તો ટ્રેન લગભગ અડધી ખાલી થઇ ગઈ.
વ્હીસલ વાગી અને ટ્રેન તેના આખરી સ્ટેશન કાલુપુર તરફ આગળ વધી.
તાંબા પિત્તળ અને નકલી ચેઈન વેચવાવાળો મણીનગરથી ચઢ્યો અને બધાને ચેઈન પર ચપ્પુ ઘસીને ડેમો બતાવવા લાગ્યો.
"૨૦ રૂપિયા... ૨૦ રૂપિયા... કલર ના જાય... "
એમ બોલતો બોલતો એ ચેઈનની પબ્લીસીટી કરતો રહ્યો પણ કોઈએ નજરથી રસ ના દાખવ્યોએટલે એ આગળ વધી ગયો. તેની પબ્લીસીટીના અક્યો ભીડમાં થોડે દૂરથી દબાઈ દબાઈને આવતા રહ્યા.
સ્ટેશન વગર ગાડી ક્યાંક અવાવરું જગ્યા પર ઉભી રહી ગઈ.
"શું થયું? કેમ ઉભી રહી ગઈ?" અંકિતાએ અંશને ખોળામાંથી નીચે ઉતારતાં પૂછ્યું.
"સિગ્નલ નહિ મળ્યું હોય." જીગ્નેશે કહ્યું.
એક અંધ માણસ હાથમાં વાડકો લઈને થોડા સિક્કા ખખડાવતો હાથમાં આકળી લઈને આવ્યો. લાકડી આગળ ઠપ - ઠપ કરીને એ રસ્તો બનાવતો જતો હતો. ગેલેરીની જગ્યામાં ઉભેલા લોકો એને રસ્તો આપતા જતા હતા.
ટ્રેન ચાલુ થઇ અને અંકિતા બેગ ઉતારવા લાગી.
"મોટી બેગ રહેવા દેજે. હું લઇ લઈશ" જીગ્નેશે અગાઉથી કહી દીધું. "તું અંશને સાથે રાખજે."
છેલું સ્ટેશન કાલુપુર આવ્યું એટલે બધા જ ઉતરી જતા હોય છે. જીગ્નેશે જોયું કે આખી ટ્રેન ખાલી થઇ જવાની છે. આલમારી પૂરી ખાલી થઇ ગઈ હતી જે ખીચો-ખીચ ભરેલી હતી. ખાલી સીટો તરફ તેને નજર કરી. સીટની તિરાડમાં એક ખાલી પાણી ની બોટલ ભરાવેલી પડી હતી. પંખાની ઉપર કોઈએ ન્યુઝ-પેપર વાંચીને આઠ ગાડી વાળીને મૂકી દીધું હતું. ઈમરજન્સી ચેઈનની ઉપર ઇલેક્ટ્રિક પેનલનાં ઢાંકણાની તિરાડમાં વિમલની પડીકીઓ ઠુંસીને ભરાવેલી હતી. આલમારીમાં એક નાનું બેગ પડી રહ્યું હતું. કદાચ કોઈ ભૂલી ગયું હશે.
છેલ્લું સ્ટેશન હતું એટલે કોઈ ઉતાવળ કર્યા વગર શાંતિથી ઉતરતાં હતા.અંકિતા અને અંશને આગળ કરીને જીગ્નેશ ઉતાર્યો.
અંકિતાએ બેગને પ્લેટફોર્મપર મુકીને વાળ ખોલીને સરખા કર્યા અને ફરી બક્કલ લગાવ્યું.
"આ બાજુ દરવાજો છે... ચાલ..." જીગ્નેશે દરવાજા તરફ ડગલા મંડ્યા અને અંકિતાને તેની પાછળ પાછળ આવવા ઈશારામાં કહી દીધું. લાલ શર્ટ પહેરીને કુલીઓ પ્લેટફોર્મ પર આટાપાટા કરી રહ્યા હતા. તેના દરેકના હાથ પર કાળી પટ્ટી બજુબંધની જેમ બાંધેલી હતી. એક ભિખારી પાણીની પરબની પાસે બેસીને ભીખ માગતો હતો. દાદરની નીચે બૂટ પોલીશ વાળા તેનું બ્રશ ટેબલ પર પછાડીને પટ્ટ-પટ્ટ અવાજ કરતા હતા. તેની બાજુમાં પેપરવાળો બધા જ પેપર કતારબદ્ધ ગોઠવીને બેઠો હતો. માઈકમાં જુદી જુદી ટ્રેનોના એનાઉંન્સ થતા હતા.
દરવાજાની બહાર નીકળતા જ જીગ્નેશે મોટી બેગ ખભા પર લઈને ચાલવા લાગ્યું. ATMની બહાર બે ત્રણ માણસો રાહમાં ઉભા હતા. એક ખૂણામાં કચરા ટોપલી પડી હતી અને ત્યાં દીવાલ પર લખેલું હતું "અહિયાં થૂકવું નહિ... यहाँ थूकना मना है| DO NOT SPIT HERE." એની બરાબર નીચે જ પાનની એટલી બધી પિચકારીઓ હતી કે દીવાલનો રંગ પણ નહોતો દેખાતો.
સ્ટેશનનાં દાદર ઉતરતા જ રિક્ષાવાળાઓ પૂછવા લાગ્યા..
"કહાં જાનેકા સા'બ?"
પણ જીગ્નેશે એ તરફ ધ્યાન ન આપ્યું. તે EXIT ની બહાર નીકળીને ગીતામંદિરની લોકલ રીક્ષામાં બેસી ગયો. રીક્ષા ધુમાડા કાઢતી ચાલી નીકળી.
એ રીક્ષાની પાચલ સ્કૂટરવાળા એ બ્રેક મારી અને "ચીઈઈઇ..." અવાજ આવ્યો.. રોડ પર અવાજ અને ધુમાડાનું મિશ્ર પ્રમાણ હતું. બપોરનો તડકો તપી રહ્યો હતો.
જીગ્નેશે એના શર્ટના પહેલા ખિસ્સામાં રાખેલી ટીકીટ કાઢીને જોયું.
"19109 GUJARAT QUEEN EXPRESS"
તેને ટીકીટ ફોલ્ડ કરીને પાછી ખિસ્સામાં મૂકી દીધી.
(સમાપ્ત)