Sajish - 10 in Gujarati Adventure Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 10

Featured Books
Categories
Share

સાજીશ - 10

સાજીશ (ભાગ-૧૦)

અત્યાર સુધી .....

(સ્નેહા હવે વૃંદાવન સોસાયટી માં ખુશ રહેવા લાગે છે અને પછી સ્નેહા ની મુલાકાત આદર્શ થી થાય છે આદર્શ સ્નેહા ને મોલ થી આવતા ગુંડાઓ થી બચાવે છે. મનોમન સ્નેહા આદર્શ ને પસંદ કરવા લાગે છે. અને આદર્શ પણ સ્નેહાને પસંદ કરતો હોય છે. બંને સન્ડે ના દિવસે બહાર ફરવા જાય છે. વરસાદ માં બંને એકબીજા તરફ આકર્ષાવા લાગે છે, બંને પ્રેમ નો એકરાર કરે છે.અને આદર્શ ના પપ્પા સ્નેહા ના ઘરે લગ્ન ની વાત કરવા જાય છે. બંને ની સગાઇ થાય છે, મૌલિક સ્નેહા નું એડ્રેસ શોધે છે અને રાજકોટ જવા નીકળે છે. મૌલિક સ્નેહા અને આદર્શ ને સાથે જોય છે અને આદર્શ વિશે જાણવા માટે તપાસ કરાવે છે અને ખબર પડી જાય છે કે આદર્શ પોલીસ માં કામ કરે છે. થોડા દિવસ માં આદર્શ અને સ્નેહા ના લગ્ન થાય છે. આ તરફ બોસ મૌલિક ને મળવા આવે છે....)

હવે આગળ...

“બોસ હું તમારી આતુરતા થી રાહ જોઈ રહ્યો હતો, આખરે વાત શું છે ડીટેલ માં કહો.” મૌલિકે કહ્યું.

“હા તો ધ્યાન થી સાંભળ વાત એમ છે કે ગુજરાત માં એક મોટી સાજીશ રચાવા જઈ રહી છે. જેનું સંચાલન કરવાની જવાબદારી આપણા ને સોપવામાં આવી છે. અને એના માટે એક મોટી રકમ આપણા ને મળવાની છે અને એ રકમ છે પુરા ૧૦૦ કરોડ. પણ એના માટે એક શરત છે કે એક વખત હા કહ્યા પછી આ કામ કોઈ પણ શરતે પૂરું કરવું પડશે. અને મે હા કહી દીધી છે.” બોસે કહ્યું.

“ઠીક છે બોસ પણ એમ તો જણાવો કે કરવાનું શું છે?” મૌલિકે પૂછ્યું.

“ હા તો વાત એમ છે કે ગુજરાત માં અલગ અલગ જગ્યાઓ પર બોંબ બ્લાસ્ટ કરવાના છે જેના માટે RDX એક કન્ટેનર માં કંડલા બંદર સુધી પહોચી જશે, હવે તારું કામ શરૂ થાય છે કઈ જગ્યાએ અને કેટલા બ્લાસ્ટ કરવા અને એના માટે ના માણસો તારે ગોતવા ના છે, આ આખી સાજીશ ને તારે અંજામ આપવાનો છે મને તારા પર પૂરે પૂરો વિશ્વાસ છે કે તું આ કામ ને બખૂબી અંજામ આપી શકીશ. અને આ કામ માટે તારી પાસે માત્ર દસ દિવસ નો સમય છે અને RDX કાલે જ કંડલા પહોચી જશે. બાકીની ડીટેલ આ કવર માં છે” બોસે કવર આપતા કહ્યું.

“ઠીક છે.” મૌલિક આ કામ માટે તૈયાર થઇ જાય છે. બોસ અને મૌલિક બંને છુટ્ટા પડે છે.

***

આજ ની રાત સ્નેહા અને આદર્શ ના જીવન માં ખૂબ જ મહત્વ ની હતી બંને નું દાંપત્ય જીવન શરૂ થવા જઈ રહ્યું હતું, આદર્શ નો રૂમ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. રૂમ ની અંદર પગ મુકતા જ ગુલાબ ની સુગંધ આવતી હતી. બાલ્કનીમાંથી ચંદ્રનો મીઠો પ્રકાશ રૂમ ને ઉજાસ આપતો હતો. રૂમ ની વચોવચ આદર્શ નો બેડ હતો જેને ચારે તરફ થી ફૂલો ની લાંબી હાર થી સજાવેલો હતો, અને બેડ પર ગુલાબ, મોગરા ના ફૂલો ની પાંદડીઓ વિખેરેલી હતી.

સ્નેહા આદર્શ ની રાહ જોતી બેડ પર બેઠી હોય છે. આદર્શ રૂમ માં આવે છે અને સ્નેહા ની બાજુમાં આવે ને બેસે છે, અને ધીરે થી સ્નેહા ના ઘૂંઘટ ને ઉપર કરે છે. સ્નેહા ખૂબ જ સુંદર લગતી હોય છે,ચંદ્ર નો શીતળ પ્રકાશ સ્નેહા ના ચહેરા પર આવતો હોય છે. ચંદ્રનો પ્રકાશ સ્નેહા ની સુંદરતા માં ચારચાંદ લગાવે છે. સ્નેહા જાણે સ્વર્ગ માં થી કોઈ પરી ઉતરી આવી હોય એવી સુંદર લાગી રહી હતી.

આદર્શ સ્નેહા ને ખૂબ જ સુંદર ડાયમંડ ની રીંગ ગીફ્ટ આપે છે, અને સ્નેહા પણ આદર્શ માટે એક ખૂબ જ સુંદર બ્રેસલેટ લાવી હોય છે. બંને ખૂબ જ ખુશ હતા કારણ કે આજે બંને એકબીજાના જીવનસાથી બની ગયા હતા.

***

આ તરફ બીજા દિવસે મૌલિક એના બે ખાસ માણસો સાથે કંડલા જવા માટે નીકળે છે, કંડલા માં એક વહેપારી ના માલ સાથે છુપાવી ને RDX એક કન્ટેનર માં આવવાનું હોય છે, મૌલિક એના માણસો સાથે ત્યાં પહોચે છે, અને ત્યાનો વહેપારી કસ્ટમ ક્લીયર કરાવી ને તે કન્ટેનર ને ટ્રક પર મુકાવી ને નજીક આવેલા એક કન્ટેનરના ગોડાઉન સુધી પહોચાડે છે, મૌલિક RDX ને કન્ટેનરના ગોડાઉન માં જ છુપાવાનું નક્કી કરે છે. એના બે સાથીઓ ને ત્યાં જ નજીક ગાંધીધામ માં રોકાવાનું કહે છે, જેથી બેમાંથી એક વારાફરતી ત્યાં નજર રાખી શકે.વેપારી મૌલિક ના માણસો ને ત્યાં રહેવાની વ્યવસ્થા કરાવે છે,અને મૌલિક ત્યાંથી પાછો અમદાવાદ જવા માટે નીકળી જાય છે. રાત્રે અમદાવાદ પહોચે છે.

***

આ તરફ બીજા દિવસે સ્નેહા અને આદર્શ ઘર ના રીતરીવાજો પુરા કરી ને સાંજ ની ૪ વાગ્યા ની ફલાઈટ થી શિમલા મનાલી હનીમૂન મનાવા જવાના હતા. જેનું બુકિંગ આદર્શ ના સીનીયર સર એ ખૂદ બુકિંગ કરી આપ્યું હતું. અને હનીમૂન પેકેજ બૂક કરાવી આપ્યું હતું, અને ખાસ ૧૦ દિવસ ની છુટ્ટી આપી હતી. બપોરે આદર્શ ના સર અને સ્નેહા ના મમ્મી પપ્પા જમવા આવે છે, અને જમ્યા બાદ બધા એરપોર્ટ પર મુકવા જાય છે. અને સાંજે ૭ વાગ્યા ની આસપાસ શિમલા પહોચે છે. અને હોટેલ માં ચેક ઇન કરી ને જમવા નું મંગાવીને આરામ કરે છે.

***

બીજા દિવસે મૌલિક સવાર થી જ સાજીશ ની તૈયારીઓ શરૂ કરાવે છે, અને એના ખાસ માણસો ને ઓર્ડર કરે છે કે જલ્દી થી એવા ૫ માણસો ને હાજર કરો જે પૈસા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ શકે. અને પોતાની સામે જલ્દી થી હાજર કરે. અને પોતે સાજીશ ને કેવી રીતે સફળ કરવી એ વિચાર માં ખોવાય છે. અને થોડી વાર માં એના મગજ માં એક જોરદાર વિચાર આવે છે. નવેમ્બર મહિનાથી કચ્છ માં રણોત્સવ શરૂ થવા જઈ રહ્યો હતો અને આ વર્ષે એના ઉદઘાટન માટે ગુજરાત ના CM ખૂદ ત્યાં આવવાના હતા અને સાથે ગુજરાત આખા ના જીલ્લા સુરક્ષા અધિકારીઓ,અને પોલીસ કમિશ્નર ની મીટીંગ બોલાવામાં આવવાની હતી. આથી મૌલિક સૌથી પહેલા રણોત્સવમાં જ બોંબ બ્લાસ્ટ કરવાનું વિચારે છે. જો મૌલિક આ સાજીશ માં સફળ નીવડે તો આખા ગુજરાત માં હોબાળો મચી જાય અને ગુજરાત ની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થાય આખા દેશ નું ધ્યાન એ તરફ ખેંચાય અને મૌલિક બીજી જગ્યાઓ પર બ્લાસ્ટ કરવામાં સફળ થાય.

થોડી વાર માં મૌલિક ના માણસો એના સામે ૫ જણને લઇ આવે છે, જે ખરેખર ખૂબ જ આર્થિક તંગી ભોગવતા ગરીબ માણસો હતા. એ લોકો ને એમના જીવ ની કઈ જ પરવા ન હતી, કારણ કે એ લોકો પાસે બે વખત નું પૂરું ખવાનું પણ ન હતું, કોઈ મજુરી કરી ને તો કોઈ ચોરી કરી ને તો કોઈ ભીખ માંગી ને પોતાનું ગુજરાન કરતું હતું.

મૌલિક બધા ને પોતાની સામે ઉભા રાખી ને બધા ને કહે છે,

“મારી વાત ને ધ્યાન થી સાંભળો, તમે મારી સમક્ષ હાજર છો એનો મતલબ કે ખરેખર તમને પૈસાની ખૂબ જ જરૂર છે, તમે જે જીવન જીવો છો એ જીવી ને પણ ક્યારેય એટલા પૈસા નહિ કમાઈ શકો જેટલા હું તમને આ કામ કરવા માટે આપીશ. પણ શરત એટલી કે પૈસા ની સામે તમારે તમારા જીવન નો સોદો કરવાનો છે. જો તમે તમારો જીવ કોઈ અકસ્માત કે હાદ્સા માં ખોઈ બેસો તો તમારા પરિવાર ને રસ્તે રઝળવું પડે અને કોઈ હોનારત થાય તો કદાચ ૧, ૨, અથવા તો ૫ લાખ સરકાર આપે અને એમાં પણ તમારા પરિવાર ના હાથ માં કેટલા આવે એ તો કોને ખબર, પણ હું તમને મારા આ કામ માટે પૂરા ૧૫ લાખ ની ઓફર આપું છુ. કોઈ ને કોઈ જાત ની બળજબરી નથી, જેમની ઈચ્છા ના હોય એ ના પણ કહી શકે છે. નક્કી તમારે કરવાનું છે.” મૌલિકે કહ્યું.

ક્રમશ.

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો...

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com