Resan Jack Island - 02 in Gujarati Fiction Stories by Bhavik Radadiya books and stories PDF | રીસન જેક આઈલેન્ડ - ૦૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

રીસન જેક આઈલેન્ડ - ૦૨

રીસન જેક આઈલેન્ડ–૨

રહસ્યમય રોમાંચક પ્રેમસફર

( ભાર્ગવનું ઘર )

(આગળના ભાગમાં આપણે જોયું કે ભાર્ગવ અકસ્માતનો ભોગ બન્યો હતો જેથી તેની સ્મૃતિ જતી રહી છે. તેના મિત્રો આયુષ અને મોનાર્થ ડૉક્ટર સાથે વાત કરીને તેને અમદાવાદ લઈ જવાની પરમીશન મેળવી લે છે. હવે આગળ.....)

ભાર્ગવ, આયુષ અને મોનાર્થ ત્રણેય અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ થવા આવી હતી. રસ્તામાં નક્કી કર્યા મુજબ સૌથી પહેલા ભાર્ગવનાં ઘરે જવાનું હતું. હિંમતનગર થી અમદાવાદ સુધીના લાંબા રસ્તામાં પણ ત્રણેય વચ્ચે ખાસ એવી વાતો નહોતી થઈ. ભાર્ગવ એ માટે હજી તૈયાર નહોતો. જેમ જેમ રસ્તો કપાતો જતો હતો તેમ તેમ સાંજ વધારે ઢળતી જતી હતી અને ભાર્ગવનાં મન પર વધારે ને વધારે ઉચાટ છવાતો જતો હતો.

ભાર્ગવ ખુદ અસ્પષ્ટ હતો કે તેને ખરેખર કરવું શું છે. તેને સમજાતુ નહોતું કે તે શું પોતાનો ભૂતકાળ શોધવાં અહી આવ્યો છે? શું એવું કરવાથી તેને ખુશી મળશે ? પોતાની જાતને સ્વસ્થ રાખી શકશે ? કે પછી બધું ભૂલી જવું? પણ મહેતા સરની વાત પર ભરોસો મૂકીએ તો હજી તેનાં પર ખતરો મંડરાઈ રહ્યો હતો. તો હવે તેને જીવનની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? એક બે મહિના પાછળ જઈને કે પછી આજથી જ?! એ ફરી ગુંચવાયો ગયો.

***

હવે ત્રણેય ભાર્ગવનાં ઘરની એકદમ સામે ઉભા હતાં. યુનિવર્સિટી વિસ્તારથી બેત્રણ કીલોમીટર દુર એક નિર્જન કહી શકાય એવી જગ્યાએ તેનું ઘર હતું. એકદમ પરફેક્ટ લોકેશન. માનવ વસવાટથી દુર પણ પ્રકૃતિના ખોળામાં ઉછરેલું સાક્ષાત સ્વર્ગ! ઘરનાં પાછળના ભાગમાં થોડે દુર રહેલા લીમડાનાં ઘેઘુર વૃક્ષો બપોર પછી પડતાં સૂર્યનાં આકરા તાપ સામે રક્ષણ આપે એવી રીતે હતા. સામેના ભાગમાં ગુલમહોરની એક આખી હરોળ હતી. લાલચોળ કેસરીયા ફૂલોથી મધમધતા ગુલમહોર વાતાવરણને વધારે મોહક, વધારે રમણીય બનાવતા હતાં.

ભાર્ગવ ઘરના આગળના ભાગમાં ફરતે બનાવેલી લોખંડની રેલીંગ ખોલીને પ્રાંગણમાં અંદર પ્રવેશ્યો. કાશ એ આટલી જ સહેલાઈથી પોતાની યાદોનાં દરવાજા ખોલી શકવા જેટલો સમર્થ હોત! છતાં તેને બે ઘડી માટે અહેસાસ તો થયો જ કે આ જગ્યા તેની માલિકીની છે. માણસ બધું જ ભૂલી શકે, પણ એ જગ્યાને ક્યારેય નહીં જેની હવામાં તેણે રાત દિવસ શ્વાસ લીધાં હોય, રાહતના શ્વાસ!

ભાર્ગવે ઊંડો શ્વાસ લીધો અને પોતાની તમામ જ્ઞાનેન્દ્રિયોને કામે લગાવી દીધી. દરેક વસ્તુઓનું બારીકાઈથી નીરીક્ષણ કર્યું. આખા આંગણામાં ફક્ત એક મહિન્દ્રા ક્લાસિક જ પડી હતી જેનું આગળનું જમણું ટાયર પંક્ચર થયેલું હતું! બાકીની બધીજ જમીન પર ગુલમહોરે પોતાની કેસરી જાદુઈ છડી ફેરવી દીધી હતી.

ઘરનાં પ્રવેશદ્વાર આગળ બનેલા સફેદ ઈટાલીયન માર્બલના પગથિયાં ચડીને ત્રણેય ઉપર પહોચ્યા. જેવાં ત્રણેય દરવાજાની બરાબર સામે ઊભા રહ્યા કે એક ઘેરો કર્કશ અવાજ સંભળાયો ઘરની અંદરની તરફથી. કંઈક ફર્શ પર ઢસડાયું હોય એવો કે કોઈ દરવાજો અચાનક બંધ થયો હોય એવો અસ્પષ્ટ અવાજ. ત્રણેય ગુંચવાયા, એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું કે કોઈને કશું જ સમજાયું નથી.

"ભાર્ગવ, દરવાજો 'ફીંગરપ્રિન્ટ લૉક સેફ્ટી'થી બંધ છે. અહીં સ્કેન કર..." આયુષે આગળ આવીને કહ્યું.

"એક મિનિટ" મોનાર્થે ભાર્ગવને રોક્યો અને ખિસ્સામાંથી કેમિકલ પેપર કાઢીને કહ્યું, "આના પર ધૂળ ચઢી ગઈ હોય એવું લાગે છે, હું સાફ કરી આપું." કહીને એણે ફિંગરપ્રિન્ટ રીડરને સાફ કર્યું.

"હમમ હવે બરાબર છે." પોતાની બુધ્ધિ ચાતુર્ય પર ગર્વ કરી એ ખંધુ હસ્યો. પણ કોઈનાં ધ્યાનમાં નહોતું કદાચ.

ભાર્ગવે જ્યારે ફિંગરપ્રિન્ટથી દરવાજો ખોલ્યો ત્યારે એને ખબર નહોતી કે પોતાની જ આંગળીની છાપ એને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવા માટે મોરચો માંડશે. એ બસ કંઈ વધારે વિચારવા નહોતો માંગતો. વારંવાર તેની સાથે બની રહેલી અનઅપેક્ષિત ઘટનાઓથી એ ત્રાસી ગયો હતો. આ બધામાંથી એને છૂટવું હતું, પણ એ એટલું સહેલું નો'તું.

"ભાર્ગવ, સૉરી યાર મારે જવું પડશે. એક અગત્યનું કામ યાદ આવી ગયું તો." મોનાર્થે તેની કાંડા ઘડિયાળમાં જોતાં કહ્યું, "આયુષ તું ભાર્ગવને બધું સમજાવી દેજે અને પેલો મોબાઈલ તેના માટે લીધો છે એ પણ ભૂલ્યા વગર આપી દેજે ઓકે. તો આપણે કાલે સવારે ભેગા થશું દોસ્તો." કહી મોનાર્થ ફટાફટ ત્યાંથી નીકળી ગયો.

ભાર્ગવ અને આયુષ બંને ઘરમાં અંદર ગયાં. સદ્દનસીબે લાઈટની સમસ્યા નહોતી નડી. સૌપ્રથમ તો બંનેએ મળીને આખાયે ઘરની વ્યવસ્થિત તપાસ કરી.

મુખ્ય દરવાજાની બરાબર સામે એક મોટું લાકડાનું ટેબલ પડ્યું હતું અને તેની પાછળ દિવાલને અડીને ત્રણ મોટા સોફા અર્ધગોળાકારે ગોઠવેલાં હતાં. ટેબલ પર થોડા પુસ્તકો, પેન બોક્ષ, એક નાની સાઇકલ કે જેનાં આગળના ટાયરમાં ઘડિયાળ બનેલી હતી તે, થોડા કાગળ અને વેઈટ સ્ટોન, એક ડાયરી, ન્યુઝપેપર અને કૉફીનો ખાલી કપ પડ્યો હતો.

ટેબલની પાછળની સફેદ દિવાલ પર સ્વામી વિવેકાનંદની વિશાળ છબી લટકતી હતી, તેની બરાબર ઉપર મોટાં અક્ષરોથી અંગ્રેજીમાં એક વાક્ય લખેલું હતું : All is Fair in Love and War. એ એક દિવાલને છોડીને બાકીની ત્રણેય દિવાલ ડીઝાઈન કરેલી અથવા તો રંગાયેલી હતી. તેનાં પર વિવિધ અશ્મિઓના અવશેષો અને કેટલાક ડાયાગ્રામ ચિતરેલા હતાં. ક્યાંક ક્યાંક કાગળના મોટાં ચાર્ટ પણ લગાડેલા હતાં. મુખ્ય દરવાજાની ડાબી બાજુના ભાગમાં કિચન અને બેડરૂમ હતા, જ્યારે જમણી બાજુ એક જ મોટો હોલ જેવડો રુમ હતો. તેનો ઉપયોગ લાઈબ્રેરી અને લેબ એમ બંને રીતે થતો હશે એવું લાગ્યું.

ભાર્ગવને તેનાં ઘરમાં કંઈ અજુગતુ કે શંકાસ્પદ લાગ્યું નહીં. બારીબારણાં બધુ જ ચૂસ્તપણે બંધ હતું. તો પછી અવાજ આવ્યો હતો એ શું હતું? એ શેનો અવાજ હતો? એનું મગજ ઘુમવા લાગ્યું.

"આયુષ, સૌથી પહેલાં તો થેંક્યુ દોસ્ત." ભાર્ગવે આયુષનાં બંને ખભા પર હાથ મૂકીને કહ્યું, "તમે બધા મારા માટે જે કંઈપણ કરી રહ્યા છો એ માટે. પણ અત્યારે મારું માથું દુ:ખવા લાગ્યું છે. એવું થાય છે કે હમણાં જ ફાટી જશે. તો પ્લીઝ તું અત્યારે ઘરે જા. મારે એકલા રહેવું છે. આપણે સવારે વાત કરીશું."

"હા, હા ઠીક છે. પણ તું આ નાસ્તો કરી લેજે અને આરામ કરજે ઓકે..." અમદાવાદ આવતી વખતે રસ્તામાંથી રાત માટે લીધેલો નાસ્તો ભાર્ગવનાં હાથમાં આપતા તેણે કહ્યું, " અને હા, તારા માટે આ મોબાઈલ લાવ્યા છીએ, કંઈપણ કામ હોય તો બિંદાસ્ત મને કૉલ કરજે, મારો મોબાઈલ નંબર તેમાં છે."

"હા કહીશ" ભાર્ગવે મોબાઈલ પરથી ધ્યાન હટાવ્યા વિના કહ્યું.

આયુષના ગયા પછી ભાર્ગવે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો અને ટેબલ સાથેની ખુરશીમાં ગોઠવાઈ ગયો. એ વિચારતો હતો કે, "આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે? જોવામાં બધું સામાન્ય જ લાગે છે, પણ સામાન્ય છે નહીં. મારો અકસ્માત થવો, સ્મૃતિ જતી રહેવી અને મારું આમ અમદાવાદ માંથી એક દોઢ મહિના માટે ગાયબ થઈ જવું, છતાં કોઈને કંઈ ખબર પણ ના પડે! આ આયુષ અને મોનાર્થ પણ થોડા અજીબ લાગે છે. દોઢ મહિના પછી(?!) મને અચાનક શોધી કાઢ્યો, વળી મારા માટે મોબાઈલ પણ પહેલેથી જ લઈ રાખ્યો હતો! એનો મતલબ એવો થયો કે મારી પાસે મોબાઈલ નથી એ વાતની તેઓને પહેલીથી જ ખબર હતી.... પણ કેવી રીતે?? તો પછી મને હવે મદદ શા માટે કરે છે તેઓ? ના, ના. હું કંઈપણ જાણ્યા સમજ્યા પહેલાં તેઓ પર શંકા ના કરી શકું."

ભાર્ગવનું ધ્યાન ટેબલ પર પડેલાં રજનીશ ઓશોના પુસ્તક "નો વૉટર, નો મૂન" પર ગયું. બધા પુસ્તકથી અલગ એકલું અટૂલું, ફાટેલા પૂંઠા વાળું એ પુસ્તક ભાર્ગવે વચ્ચેથી ખોલ્યું. પહેલું જ વાક્ય તેની નજર સામે આવ્યું, "જીસસ કહે છે: દરવાજો ખટખટાવશો તો એ ચોક્કસ તમારા માટે ખુલશે કે તમને રસ્તો આપશે. પણ મહેરબાની કરીને પહેલાં એ જાણી લ્યો કે ત્યાં દરવાજો છે કે નહીં? દિવાલ પર હાથ પછાડવાથી ક્યારેય દરવાજા નથી ખૂલતા. સાચો દરવાજો તમારી રાહ જુએ છે. દરવાજો સ્વાગતનું પ્રતિક છે, ગ્રહણશીલતાનું પ્રતિક છે. એ તમારી રાહ જુએ છે ને' તમે દિવાલ પર બળ અજમાવતા રહો છો!"

ભાર્ગવને થયું કે કદાચ હું પણ આવું જ કરી રહ્યો છું. એટલે જ મને મારા પ્રશ્નોના જવાબ નથી મળી રહ્યા. દરવાજો ખટખટાવવાને બદલે હું દિવાલ પર સમય વેડફી રહ્યો છું. મારે શંકા કરવાને બદલે બધું ટેકનીકલી વિચારવું પડશે.

એ ઊભો થયો, કંઈક વિચાર્યું અને ઘરની બહાર નીકળી ગયો. તેણે દરવાજાને બહારથી લોક કર્યો અને દાદર ઉતરી આંગણામાં આવી ગયો. સંધ્યા ઢળી ચૂકી હતી, અંધારું ઘેરાઈ રહ્યું હતું.

આંગણાની રેલીંગના ખૂણામાં રહેલ થાંભલા પરની સૌરઉર્જાથી ચાલતી લાઈટ તેણે શરૂ કરી. દરવાજા તરફ અછડતી નજર નાંખી એ મહિન્દ્રા ક્લાસિક જે તરફ પડી હતી ત્યાં ગયો. તેણે પંક્ચર થયેલું ટાયર ધ્યાનથી જોયું તો ધ્યાનમાં આવ્યું કે ટાયર માંથી હવા કાઢીને ટ્યૂબનું વાલ્વ એક્સ્ટેન્ડર્સ જબરજસ્તી વાળી દિધેલું હતું. જેથી તેમાં ફરીથી હવા ભરી ના શકાય. "પણ આવું કોઈ શા માટે કરે? અને એ પણ ઘરે આવીને એવાં વિસ્તારમાં કે જ્યાં આજુબાજુમાં કોઈ રહેતું નથી! જે કોઈ પણ હોય, તેણે બહુ ચાલાકીથી આ બધું પ્લાનિંગ સાથે કરેલું છે. ચોક્કસ, આટલી સફાઈથી તો કોઈ અંગત જ આવું કરી શકે" ભાર્ગવે વિચાર્યું.

એ થોડીવાર માટે આંગણામાં જ ઉભો રહ્યો અને પછી દાદર ચઢીને દરવાજાની બરાબર સામે ઉભો રહી ગયો. તેણે કાન સરવા કર્યા. તે ફરીથી પહેલાં જેવો જ અવાજ સાંભળવા માટે થનગની રહ્યો હતો.

***

• આયુષ હિંમતનગરની હોસ્પિટલમાં ફોન પર કોની સાથે વાત કરી રહ્યો હતો?

• ડૉ. મહેતા શા માટે ભાર્ગવમાં વધારે પડતો રસ લઈ રહ્યા છે? ફક્ત માનવતા ખાતર કે બીજું કંઈ.

• આયુષ અને મોનાર્થ મિત્રો બનીને આવ્યા છે કે બીજું કંઈ?

• ભાર્ગવના ઘરમાંથી શેનો અવાજ આવ્યો હતો?

• ભાર્ગવના ઘરેથી મોનાર્થ શા માટે અચાનક જતો રહ્યો?

• મહિન્દ્રામાં પંક્ચર કરવાનું કારણ શું હોય શકે?

( પ્રશ્નો ઘણાં છે. દરેકના જવાબો મળશે. આ નવલકથાને લગતા નકશા / ડાયાગ્રામ મારી ફેસબુક વોલ પર મુકવામાં આવ્યા છે. થેંક્યુ. )

( ક્રમશ:...)

લેખક: ભાવિક એસ. રાદડિયા