" મારા પછી ...મારી વાત "
## ક્રિષ્ના આશર
શાશ્વત બ્રહ્માંડનાં બે વણઉકેલાયા રહસ્યો એટલે જન્મ અને મૃત્યુ. મૃત્યુ એટલે બે જીવન વચ્ચે નો વિરામ.મૃત્યુ એટલે આત્મા નું ઘર બદલવું.એમ જ આ શરીર એ આત્માનું ઘર છે. બધા એ જ આ દેહ છોડી ને બીજા દેહમાં પ્રવેશ કરવાનો જ છે મૃત્યુ પછી….
આ એક સનાતન સત્ય છે…પણ જે આ જીવન જીવ્યા એમાં મૃત્યુ પછી પણ શું રહેશે મારું આ સૃષ્ટિમાં ..? એ વિચાર આવતાં જ અનેક ચહેરાઓ છવાઇ જાય છે આંખોમાં ... ઝળઝળિયાથી ધૂંધળી બનતી નજરમાં દ્રશ્યો ઉપસે છે .
સૌ પ્રથમ મા બાપ જ યાદ આવે કે જેણે આ જીવનની ભેટ આપી અને એને સરળતાથી જીવી શકવા માટે સંસ્કાર અને શિક્ષણ જેવી કાબેલિયત પણ આપી. કોઈ મા બાપ જીવનનું અસહ્ય દુઃખ, પીડા કે ઓછપ સહી શકશે પણ સંતાનને થતી તકલીફ કે મૃત્યુ એમના માટે પહાડ જેવડી વેદના છોડી જાય છે .
પતિની સાથે સપ્તપદીના સૂત્રોથી બંધાઈને આજીવન સાથે જીવવાનું વચન જો મૃત્યુના ઘેરાવવાથી તૂટી જાય તો.... એ અપરાધભાવ મારા આત્માને વિંધે અને એના તૂટેલા સ્વપ્નો સાથે નાં એકલવાયા જીવનની કલ્પના જ કષ્ટદાયક છે .
બાળકો માટે ...એના સુંદર ભવિષ્ય માટે સજાવેલા સ્વપ્નો અને મહત્વકાંક્ષાઓની એક લાંબી યાદી ... એને અધૂરા કાર્યોની જેમ છોડીને જવાનું ...જો મૃત્યુ સાદ પાડે તો ...? એક જનની ની ખોટ કોઇ પૂરી શકે ભલા...?
હવે યાદ આવે છે સઘળી સખી સાહેલીઓ ... જેણે બાળપણને યાદગાર , યુવાનીને સમજદાર અને જીવનને મજેદાર બનાવ્યું. એ જીગરજાન દોસ્તીમાં મારો આત્મા હંમેશાં ધબકતો રહેશે . એને પણ હું યાદ રહીશ આજીવન...!
હા દોસ્તો... મૃત્યુ આપણા હાથની વાત નથી, ક્યારેય પણ આવી શકે... પણ આ સુંદર જીવન તો અત્યારે આપણા હાથમાં છે ... એની એક એક ક્ષણને ઉત્સાહથી ભરપૂર જીવી લઇએ ... ઘરડા વડિલોને લાગણીની હૂંફ આપીએ, જીવનસાથીને માન અને પ્રેમથી છલોછલ રાખીએ, સંતાનોને નિ:સ્વાર્થ વહાલ આપીને - સમજદારી દાખવીને 'જનરેશન ગેપ' દૂર કરીએ અને મિત્રોનાં સુખ-દુઃખમાં સાથ આપીને સંબંધોમાં ઉષ્મા જાળવીએ.
શ્વાસની આખરી ઉમેદ રહે છે જીવન ,
વહેતી રગોનો ઉચ્છેદ રહે છે જીવન .
ક્ષિતિજમાં ઓગળતાં મર્મ બધાં અહીં,
હયાતીનાં કોચલામાં કેદ રહે છે જીવન.
અધૂરી એષણાઓની લાંબી યાદી ને,
યંત્ર જેમ અટકે...ખેદ રહે છે જીવન .
ઝંઝાવાતની સામે આમ તરી જવાતું,
પછી ..નાવમાં બનીને છેદ રહે છે જીવન.
કર્મ અને ફળનાં કોઈ ત્રાજવે તોલાતું,
વિધાતાનાં હાથમાં ભેદ રહે છે જીવન.
ક્રિષ્ના આશર
********************************
"
મારા પછી મારી વાત"
## લતાબેન કાનુનગા
મિત્રો તમને થશે આ તે કેવી વાત! પણ આપણે જેમ નવજાત બાળક આવવાનું હોય તો એના આવ્યા પહેલા જ એના વિષેની કેટલી બધી કલ્પનાઓ કરીએ છીએ. એમ જ જ્યારે હું નહી હોઉ ત્યારે મારા આપ્તજનો મારા વિષે શું વિચારતા હશે એની મને કલ્પના આવે છે. એ હું અહી લખવા માગુ છું. હું કેટલે અંશે સાચી હતી એ તો સમય જ કહેશે.
એટલું તો નક્કી કે જેવુ વાવો તેવુ લણો.
મને ખબર છે મારા વહાલા જે સતત મારી આસપાસ અહરનિશ રહે છે એમને મારી ખોટ લાગશે જ. કુટુંબ ની કર્તાહર્તા સ્ત્રી તરીકે બને એટલો પ્રયત્ન કર્યો છે સહુ ને એક તાંતણે જોડી રાખવાનો. એ મારો પ્રયત્ન એળે નહી જાય એની ખાતરી છે. અને એ જ મારા ગયા પછી મારી ખોટ પુછવામાં એમને સહુ ને ટકી રહેવા એકબીજા ના સહાયરૂપ થશે.
હું સતત માનું છું કે ભાવના કરતા કર્તવ્ય શ્રેષ્ઠ છે. Show must go on.
અને એજ વાત નો હું અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરતી રહી છું, કે જેથી આવી પડેલા કપરા સંજોગો માંથી બને એટલા જલ્દી સહજ જીવન જીવી શકે.
અનંત વાટે
જવુ એક દિવસ
શાને દુઃખી?
કરીએ એવુ
રહે સહુ હ્રદયે
ચિરકાલિન
હું દ્રઢ પણે માનું છું કે અનંતની વાટ પકડીએ એ પહેલા જ એવું વાતાવરણ ઉભુ કરુ કે મારા વગરની મારા વહાલાઓની જીંદગી દોહ્લલી ન બને. અને એ રીતે મારી ખોટ ઓછાં માં ઓછી સાલે. તો જ મને જલ્દી ભુલી શકે ને આગળ વધે.
આજે મને એમ કેમ થાય છે કે મારી અંતિમ ઘડીઓ આવી ગઈ છે! કદાચ મને જે ગભરામણ થાય છે, જીવ ચુંથાયા જેવુ લાગેછે! આમે ઘણા વખતથી જે બિમારી માંથી છુટી નથી શકી એની અસર...હવે લખાતુ નથી. હાથ ખુબ દુખે છે. બધાને ઘરે જ રાખવા છે. ન મને કે ન મારા વહાલાઓ ને અફસોસ રહે કે છેલ્લી ઘડીએ ન મળ્યુ. ઓમ શાંતિ!
‘
અરે હું આ શું જોઉ છું? મારી આસપાસ આટલા બધા લોકો! આ તો બધા મને વિદાય કરવાની તૈયારીઓમાં પડ્યા છે. મારા બાળકો ક્યાં? અરે તેઓ તો મારી આસપાસ વિટળાઈ ગયા છે. અરે કોઈ તો એ લોકો ને ચુપ કરો! હું બુમો પાડુ છું પણ કોઈ સાંભળતુ નથી. મને તો એમનો અહેસાસ થાય છે પણ મારો અવાજ કોઇને સંભળાતો નથી લાગતો. હ...હ...મારો દિકરો ઉભો થયો..હાશ! “પપ્પા મમ્મીના કબાટની ચાવી આપો ને” રોતી આંખે બોલ્યો “ અત્યારે?” “હા પપ્પા મારે મમ્મીની ઈચ્છા પુરી કરવી છે.” કહી તે ગયો ને થોડી જ વારમાં પાછો આવ્યો. અરે આ તો મેં મારી અંતિમ ઘડીએ વાપરવાની વસ્તુઓ ની તૈયાર કરેલી થેલી. મને તો એમ કે બધા ભુલી જશે મુંઝવણમા. પણ હાશ! કર્તવ્ય શ્રેષ્ઠ છે એ મારા દિકરાએ એના હ્રદય માં મારી શીખ ઉતારી છે. બસ આમાં જ બધુ આવી ગયુ.
હવે મારે મારા પછી ની મારી વાતમાં વિશેષ કઈ જ કહેવાનું રહેતુ નથી.
લતા સોની કાનુગા
*******************************
## અર્ચિતા પંડ્યા
મારા પછી મારી વાત ....
એક વાર મને લાગ્યું કે મારો જીવ બહુ બળી રહ્યો છે ; હૃદય દ્રવે છે . કેમ આવું થાય છે ? મેં આજુ બાજુ નજર કરી , મારા પતિ દેખાયા , મને થોડીક હાશ થાય ત્યાં જોઉં તો એ ઉદાસ દેખાયાં , અંદરથી ચિરાડો પડી ગયો , એ કલ્પાંત કક્ષાનું રડી રહ્યા હતાં . મને થયું હમણાં દીકરો આવશે એમને સંભાળશે પણ આ શું ? બંને ભેટીને રડી રહ્યા છે . દીકરી અને જમાઈ નાની દોહિત્રી .... અરે , બીજા સગાઓ પણ છે ! બધા દુઃખી છે , હું બધે ફરું છું તો કોઈ મને જોઈ કેમ નથી શકતું ?... અરે , બધાં મારા માટે જ રડી રહ્યા છે !...
સ્વાભાવિક છે અત્યારે જ રડવું , થોડી વાર પછી મારે બધાને મળવું છે . જીવનના અંતે મારે એ ચકાસણી કરવી છે કે હું બધાની અપેક્ષામાં ખરી ઉતરી છું કે નહીં પછી જ ઈશ્વરને મોં બતાવીશ .
હું થોડા સમય પછી ગઈ તો મારા પતિ એમના મિત્રને કહી રહ્યા હતા કે હું એવી પત્ની પામ્યો કે જેણે સાંસારિક જીવન સરળ બનાવી દીધું અને ખૂબ પ્રેમ બધાને આપ્યો મને ખબર હતી એ આવું જ કહેશે , આંખમાં ઝળહળીયા આવ્યા ...
દીકરો મને યાદ કરી રહ્યો હતો . જીવનના સંઘર્ષ એણે જાતે પાર પાડવા એવા મારા આગ્રહથી એ મજબૂત તો હતો જ પણ દરેક સંજોગે એના માથે ફરતો મારો હાથ આજે હું જ ક્યાંથી લાવું ?
દીકરી અને જમાઈ ... દોહિત્રી સાથે .... મારો પ્રેમ જ યાદ કરી રહ્યા છે . એક સામાન્ય ગૃહિણી તરીકે મેં આપ્યું છે જ શું એમને ? પણ હું હોઉં ત્યારે નહિ પણ મારી ગેરહાજરી એમને મારી યાદ અપાવ્યા જ કરે છે , એ મેં જોયું . 'આવકાર' થી માંડી 'આવજો ' સહુ કોઈને કહેવા હું અગ્રેસર રહેતી એ લોકો એ ઝંખી રહ્યા છે .....
સગા -મિત્રો બધા પોતાની રોજનીશી માં પડી જવાના પણ મને દિલથી યાદ કરી રહ્યા છે ; મને લાગ્યું ઈશ્વરને જવાબ આપવા હું તૈયાર છું . એમણે મને પૃથ્વી પર આપેલો સમય મેં વ્યર્થ નથી ગૂમાવ્યો . મારા થકી સહુ કોઈ કઈ નું કઈ પામ્યું છે અને મેં .....
પ્રેમ ની અઢળક દોલત . આજે દુનિયા છોડીશ પણ પ્રેમ સંપત્તિ તો મારી પાસે જ રહેશે .....
હું આગળ વધવા ગઈ અને મારો પગ ક્યાંક ફસાયો .... અરે , આ તો મારુ ઓઢવાનું .... મારુ સ્વપ્ન તૂટ્યું પણ મને ચોક્કસ સમજાયું કે જીવનમાં સૌથી અગત્યનું શું છે ?
અર્ચિતા દીપક
********************************
## વત્સલા દેસાઈ
"મારા પછી મારી વાત "
મૃત્યુ એટલે એક સ્કુલમાંથી બીજી સ્કુલ માં જવા જેવું. થોડો ડર લાગે પણ પછી બધું સેટ...
અત્યારે ૫૪ થઈ ગયાં. નાની મોટી બીમારીઓ આ શરીરને ભોગવી પડે છે, એમ કહેવાં કરતાં એ કહેવું વધુ યોગ્ય ગણાશે બીમારી શરીરનો ભાડુઆત હોય છે.
જીંદગીમાં મેં ચઢાવ ઉતાર જોયાં છે. સુખ સાથે દુઃખ નો હસતાં હસતાં સાથે મળીને સામનો કર્યો એ યાદ અમારાં દિલમાં સદા રહેશે.જીંદગી કે બાદ ભી...
આ શરીર કેટલી ઉંમર ખેંચશે તેની તો ખબર નથી હોતી.. હા પણ મૃત્યુ પછી મારા સ્વજન, કુટુંબીઓ, મિત્રો જેવાં નું શું થશે? તે શું વિચારશે? તે મારી એ કલ્પના છે.
મારાં મૃત્યુ પછી લોકો મારાં બેસણામાં આવશે. કેટલાક દેખાવ કરવાં સફેદ કપડાં પહેરીને આવશે. તો કેટલાક મને સાચાં દિલથી ચાહે છે એવા પણ હશે.
પણ હું હંમેશ એ જ ઇચ્છું કે કોઇ આડંબર નહિ બધાં મને હસીખુશી થી શ્રધ્ધાંજલી આપે. મારાં ઘરમાં હંમેશ કહું છું. 'મારી પાછળ કોઇએ રોવું નહિ ને કોઇ વિઘી પણ નહિ. હું ખોટાં ખર્ચમાં કે એવાં કોઇ આડંબરમાં નથી માનતી.' એવું વિચારું છું.
મારાં પછી હસતા હસતા સાથે વીતાવેલ એ યાદોને વાગોળે.
મારું મૃત્યુ પણ એવું આવે કે હું સુવા આંખ બંધ કરુંને પછી એ નાં ખુલે સદા માટે.
મારાં પછી મારાં અંગો લોકોને ઉપયોગી હોય તેનું દાન....કરે.
મારાં ઘરની હું ધરી છું એટલે મારાં પતિ ને દિકરાં ને મારી ખોટ હંમેશ રહેશે. પણ એટલી સારી ખુશીઓ જીંદગીમાં મૂકીશ કે એ સમેટતાં એની યાદોમાં જ એ જીવે. અમારાં ઘરમાં હંમેશ અમે સારાં મિત્રની જેમ રહીએ છીએ એટલે એ ખોટ પણ સાલશે..
હું સારાં કર્મો કરી મારાં પછી પણ હું લોકોનાં દિલમાં મહેકીશ હંમેશ.. આ વિચાર છે.
બાકી મૃત્યુ તો છે જ !
ચાર પંક્તિ. ....
અચાનક અમે જઇશું
જ્યારે દુનિયા છોડીને
ત્યારે તને મારી યાદ
સતાવશે હરપલ.
મારી જગ્યા કોઇ નહિ પુરી શકે.
તું સતત ખાલીપણું અનુભવીશ
તારાં અશ્રુ પણ મને પાછા
નહિ લાવી શકે.
અચાનક વિખૂટા પડવાથી
તારી એકલતા વઘશે...
કંઇ સમજાશે નહિ તને
અચાનક દુનિયા છોડીને
જતાં રહીશું અમે અહીંથી
તારી સવારનાં કિરણોને
સમી સાંજનાં અજવાળાં
અચાનક ફરી જવાનાં અહીં .
"વાત્સલ્ય" મૂકી અમારું
અચાનક ચાલી જઇશું અમે....
વત્સલા દેસાઈ
********************************
## નીતા શાહ
"
મારા પછી મારી વાત"
વૈભવશાળી બોર્ડમીટીંગ જેવો માહોલ હતો. રાઉન્ડટેબલની જગ્યાએ એન્ટીક,સિંગલ,ગોલ્ડ અને સિલ્વર થી મઢેલા અલગ અલગ સોફા હતા. વૈભવશાળી પોશાકમાં ઘણા બધા લોકો હતા.એ કોણ છે એની મને જાણ ન હતી. ન તો ત્યાં કોઈ મિનરલ વોટર બોટલ, પેન, રાઈટીંગ પેડ,કોમ્પ્યુટર કે પછી પ્રોજેક્ટર સ્ક્રીન હતું ! આગળ-પાછળ મેઈડ સર્વન્ટની ફોજ સુસજ્જ હતી. હા, દરેક ના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું. ત્યાં જ એક રાણી જેવા પોશાકમાં જાજરમાન સ્ત્રીએ મને સ્માઈલ આપ્યું અને બોલ્યા, '' વત્સ, જરા અચરજભર્યું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશો. પૃથ્વી લોકમાંથી અહી સ્વર્ગલોકમાં આપના આત્માનું સ્થળાંતર થયું છે. મારી ઓળખાણ આપું. મેં જ પૃથ્વીલોક માં તમારા જીવન ના લેખ લખ્યા હતા. જીવન-મરણ અને લગ્ન ! અને આ પળે તમારું સ્થળાંતર પણ નિશ્ચિત હતું જ ! દેવી, પૃથ્વીલોકમાં તમે કેવું જીવ્યા અને તમારા સ્વજનો હાલમાં શું કરી રહ્યા છે તે જાણવાની ઈચ્છા ધરાવો છો ?
હું તો સાવ દિગ્મૂઢ હતી. માત્ર ડોકું હલાવીને આંખોથી 'હા' ભણી.
ત્યાં તો વિધાત્રી દેવીએ આંખો બંધ કરીને ખોલી ત્યાં તો હજારો એલ-ઈ-ડી ભેગા કરીને વિશાળસ્ક્રીન બનાવ્યું હોય એવું કૈક મને દેખાયું. અને એક પછી એક દ્રશ્યો ચાલતા હતા. જાણે મારા જ જીવન નું લાઇવ મુવી ...!
અરે, આ તો મારા સુખ-દુઃખના સાથી,એક મિત્ર,એક પ્રેમી અને પ્રેમાળ પતિ ! એક ખૂણામાં બેસીને અનિમેષ નજરે આકાશને તાકી રહ્યા હતા. વાચા અને વિષાદનું રુદન અલોપ હતું. પ્રેમના ઘૂઘવતા દરિયા જેવી એમની આંખો સાવ શુષ્ક હતી. વાચા તો જાણે હણાઈ ગઈ હતી...એક ફરિયાદનો ભાવ હું એમના ચહેરે સ્પષ્ટ વાંચી શકતી હતી. મારાથી વધારે એમને કોણ ઓળખે ?
આ... તો મારો દીકરો છે એ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો છે. થોડા અસ્પષ્ટ શબ્દો સંભાળતા હતા,'' ડોક્ટર અંકલ, મોમની અંતિમ ઈચ્છા 'દેહદાન' ની હતી અને કોઈ કાળે એ આપણે પૂરી કરવાની છે. એનું એફિડેવિટ પણ કરાવેલું છે મોમે, તો પ્લીઝ તમે જલ્દી આવી જાવ અને આગળ શું કરવું એ સમજાવો...! મને તો કઈ જ સુજતુ નથી અને ડેડ ને પણ સા...ચવવાના છે'' મારી દીક....રી ...કેટલું રડી રહી છે અને એની આંખો તો સુજીને ટેટા જેવી થઇ ગઈ છે.એના પતિને રડતા રડતા કહી રહી છે, ''મારું તો બેકબોર્ન જ ખોરવાઈ ગયું, મારી તો આદત જ મમ્મી હતી, કેવી રીતે જીવીશ ? પણ માં હું તારી જ પ્રતિકૃતિ છું અને તારા જ પગલે ચાલીશ..તને ગમતી તારી દરેક એક્ટીવીટીને આગળ ધપાવીશ. તારા સેવાના કાર્યો, માતૃભાષા માટેનો તારો પ્રેમ અને કાર્ય અને હા તારું એક મિશન ' કે આગળની નવી પેઢીને વાંચતા આવડશે પણ કદાચ લખતા નહિ આવડે '...વગેરે ને હું એક પગલું આગળ લઇ જઈશ. તારા જેટલી પેશન્સ કે સમજ નથી અને તારા જેવું જીવી પણ નહિ શકું પણ પ્રયત્ન તો ચોક્કસ કરીશ.
ઓહ...આ વ્હીલચેર માં તો મારા પંચાશી વર્ષના 'સાસુમા' ! કેટલું આક્રંદ કરે છે જાણે રુંવાડા ઉભા થઇ જાય ! '' આ યમડો તો ભૂલથી મારા બદલે મારી વહુ ને લઇ ગયો છે. મને કોણ ચા પાશે ? કોણ સેવા કરશે ? મારા કડવા વેણ કોણ હાભળશે ? શ્રીજી ....શ્રીજી ...મને ય ઉઠાવી લે મારા વ્હાલા, મારે ત્યાંય મારી વહુ જોડે જ રહેવું છે...'' ચારે બાજુ સગા વહાલા અને સ્વજનો બેઠા છે.
અરે ....જુવો આ હાંફળી ફાંફળી ...મારી વ્હાલી સખીઓ ભેગી મળીને શું કરે છે ? પ્રકાશિત દીવડા સામે કૈક પ્રણ લઇ રહી છે '' અમે તમારી સાહિત્યની સફરને આગળ ધપાવશું, વેલવિશરવુમન ની એક માળા માં બંધાઈને રહીશું અને એકમેકના પડખે રહીશું.''
હું તો ધ્રુસકે ધ્રુસકે રડી રહી છું પણ મારા આંસુ ક્યાં ? આતમ ચકરાવે ચડ્યો છે...વારંવાર એક વિચાર ટકોરા મારે છે...!
''
જીવન તો સુંદર છે જ ! પણ મૃત્યુ તો એનાથી પણ સુંદર અને અલૌકિક છે ! મારા પછી મારી વાત સદ્રશ્ય જોઇને લાગ્યું કે પૃથ્વીલોકમાં હું મારી જાતને સાવ 'એકલી' માનતી હતી, મારું કોઈ જ નથી. પણ હું કેટલી ખોટી હતી ! હવે હું કોઈ પણ યોની માં હોઈશ પણ નકારાત્મક તો નહિ જ વિચારું.
વિધાતા મા મને એવી શક્તિની પાંખ અને સત્યની આંખ જરૂર આપશે !!!
નીતા શાહ
********************************
## ચૌલા ભટ્ટ
"મારા પછી મારી વાત"
આપણે માનવ જાતે આ પૃથ્વી પર અવતાર ધરી, કમૅનાં બંધન સુપેરે નીભાવ્યા..
બચપન-જવાની- ઘડપણ બધા પડાવ પસાર કયાૅ ..
હા, એક વાત અલગ છે કે જન્મની સાથે તેમની મૃત્યુ તિથી લખાઇ જ ગઇ હોય,પછી ભલે આપણે તેનાથી અજાણ હોઇએ..!!
સનાતન સત્ય તો એજ કે આપણે મહેમાન રૂપે સંસારમાં આવ્યા,મહાલ્યા ને વિધીએ આપેલ પત્તાબાજી રમ્યા,પત્તા જેવા હોય તેવા, પણ આપણે તેને સારી રીતે,રમવા જ રહ્યા..!!
જીવનું શિવમાં વિલીની કરણને જો મૃત્યુ કહેવાતુ હોય,તો એજ પણ મહેમાન આખર ક્યા સુધી..? એક વાર તો જવુ જ પડે છે.પત્તા સારા હોય તો રમતમાં થોડી વાર વધુ ટકી શકાય નહી તો બાજી છોડવી જ રહી, ઈશ્ર્વરે આપણી તાસક માં જેટલા શ્ર્વાસ લખ્યા હોય તેટલા સારી રીતે લઇ મહા પ્રયાણ કરવું જ રહ્યુ ..!!
પણ હા, એ સમયમા આપણે કેવું જીવ્યા એ મહત્વનું છે..!!
સ્રીઓ,કેટ કેટલા સંબંધોથી વિંટળાઇ ને જીવે છે, જેમકે મા,બહેન,પત્ની, પુત્રી, નણંદ,ભાભી મામી માસી સખી સહિયર આવા અનેક આવરણો વિંટી જીવતી હોય,છે ને આ સંબંધોની ગરિમા માટે અથાગ ભોગ પણ આપ્યો હોય! !
પણ અંતે આ બધી માયાજાળ થી મુક્ત થવુ જ રહ્યું.!!
હા, ભારેખમ શબ્દોને બદલે કહુ તો આ બધુ સહેલું તો નથી જ ને એક વિચાર પણ આવે કે આટલા બધા સ્વજનોનો,મારા પછી શું પ્રતિભાવ હશે..?
મારો વિચાર બધાને કદાચ ભલે અલગ લાગે પણ હું આજે મોકો મળ્યો છે તો જરૂર તેને વાચા આપીશ.!!
હુ એવું જરૂર ઇચ્છીશ કે મારા પછી મારી સાથે વિંટળાયેલા સ્વજનો મારી સાથેના ખાટા મીઠ્ઠા અનુંભવોને યાદ કરી ને ભલે રડે નહી પણ હ્રદયસ્થ થડકાર સાથે એની આંખના ખુણા ભીના થાય જ.!!
બસ મારુ જીવ્યું સાથૅક બનશે, પણ હા, કોઇની યાદમાં આવવા માટે મારે કમૅ પણ એવા કરવા પડશે ને..?
તો ચાલો શરૂઆત કરી જ દઉં તમારા થી જ બોલો ને યાદ કરશોને તમારી આ થોડી નાદાન થોડી ભોળી સખી ને.? મારા પછી. ? બોલો. બોલો..
ચૌલા ભટ્ટ
********************************
## સુષ્મા ઠક્કર
"મારા પછી મારી વાત"
મારા પછી મારી વાત..!
આજે મને યાદ આવે છે એ ત્રણ મહિના પહેલાનો દિવસ ! કોણજાણે હજુ પણ મને એટલુજ હલકું હલકું ફિલ થાય છે... કેમકે મારા શરીરનો ભાર જ નથી લાગતો મને !
એ દિવસ કેવો હતો ! અરે! આ શું? હું બેડરૂમમાંથી ઉભી જ નહોતી થઇ શકતી..!! અને કેટલાબધા લોકો મારા ઘરે એકઠા થયા હતા! ઓહોહો...જેને કદાચ જીવનમાં એકાદવાર મળી હોઉં, તે પણ ત્યારે મારા જોવામાં આવ્યા હતા ! હવે મને ખબર પડી કે સારું કાર્ય કે સારા વિચાર ક્યારેય એળે નથી જતાં ..! હું તો ભૂલી ગઈ હતી પેલા ભાવનાબેનને! એમની દીકરીને માંડ એડમીશન મળ્યું અને એમના પતિ બહારગામ હતા, તો દીકરીની ફી ભરવાનો છેલ્લો દિવસ હોઈ એ મારી પાસે આવ્યા અને રૂપિયા દસ દિવસે આપીશ કહીને લઇ ગયા..! પછી તો હું પણ ભૂલી ગઈ ! અચાનક એમને જોયા, અને યાદ આવ્યું..! અરે, પેલી કાન્તાની તો મને જરાય આશા નહોતી, એને તો મારું કામ છોડી દેશમાં ગયે કેટલાય વર્ષો થયાં ! એને બચતનું મહત્વ શીખવાડી બચત કરતી કરી, તો તેણે ગામમાં પોતાનાં બે ખેતર બનાવ્યાં અને મકાન સરસ બનાવી દીધું ! અને સુખેથી ખેતી કરી બંને બાળકો સાથે રહે છે ! અને રમીલાબેન, મારા પાર્લર વાળા બેન જ સ્તો! એ કહે, “ સુષ્માબેન, બપોરનો ટાઈમ મને ના ફાવે, મારે ઘરે જઈ બધાને જમાડી વાસણ સાફ કરવાના હોય..! તો મેં એને સમજાવી,” રમીલા, વાસણ તું બંધાવી દે ને! એના ૨૦૦ રૂપિયા તને પોસાય, પણ તું છુટ્ટી રહે, અને ૩૦ દીઅસ આ ૩ કલાક કામ કરે, તોય એ બસો રૂપિયા કાઢતાં તને બીજા ૨૦૦૦ રૂપિયા મળે !” અને મારી વાત એના ગળે ઉતરી, અને પછી તો હું કેનેડા ગઈ, પાછી આવી તો પેંડાનું બોક્ષ લઈને રમીલા આવી, અને મને જણાવ્યું કે તેણે એક નાનો ફ્લેટ ખરીદ્યો છે, અને તેને ભાડે આપી દીધો છે, ૮૦૦૦ રુપિયા ભાડું આવે છે...! વાહ, કેટલી બધી જૂની યાદો તાજી થઇ! કેટલા બધા લોકો કે જેમની મેં આશા પણ નહોતી રાખી...જેવા કે સંતોષ...કેસર...માધુરી...અને મારી બાળપણની સખીઓ.. ગાયત્રી.. અલ્પા ..પન્ના..દીપ્તિ..ઓહ, પેલા મણીનગર રહેતી ત્યારે મારા બંગલાની બાજુમાં ભાડે રહેતાં, તે બહેન..કે જેમનું મને નામ પણ યાદ નથી..! ઓહો, અમને ફૂત્પત્તીથી મારતાં, એ મારા પિયરના પાડોશી અને મારા ચોથા ધોરણના ક્લાસ ટીચર મધુબેન અત્યારે કેટલા વૃદ્ધ થઇ ગયા છે!
ખરેખર, પિયર છોડ્યા પછી ક્યારેય મળી નાં હોઉં, એવા ચહેરા પણ દેખાયા, કે જેમના ફક્ત ચહેરા જ મને યાદ છે, નામ નહિ!
અને આજે એ વાતને પણ ત્રણ મહિનાનો સમય વીતી ગયો છે! ઘરમાં બરાબર મંદિરની સામેની દીવાલ પર મારી સસ્મિત તસ્વીર લટકી રહીછે, મારી બાજુમાં જ મારાં વડસાસુની તસ્વીર છે. જાણે અત્યારે પણ હું તેમની જ છત્રછાયામાં હસી રહી છું. અરે આ દોડતી આવી, તે ગૂંજની જ ઢીંગલી આશુ! કેવી સરસ લાગે છે! સાચું કહું તો હું તો એનું નામ ઘટા જ પાડવા માગતી હતી..કેવા ઘટાદાર અને કાળાભમ્મર વાળ અને મસ્ત કાળી આંખો એના ગોરા-ગોરા ચહેરા પર તારાની જેમ ચમકી રહી છે! ખૂબ સરસ જીવન પસાર થયું, કોઈ અફસોસ નથી સિવાય કે આ તોફાનીને રમાડવા ના મળ્યું મને ! લવ ત્યાં પોતાના ફેમીલી જોડે ખુશ છે, અને ઉમેશ એમના ગ્રુપમાં બીઝી...! બધા પોતપોતાની લાઈફમાં સરસ રીતે સેટ થઇ ગયા છે, હું જેમ કોઈપણ તકલીફ આવે ત્યારે મારી દાદીને યાદ કરતી હતી એમ જ આ લોકો પણ પ્રોબ્લેમ આવે ત્યારે મને યાદ કરે છે..!
મારી ઘટા પણ મારા જેવી જ છે, ગુસ્સો તો નાક પર! અને ગૂંજ અને ભૂમિને ગુસ્સે થાય ત્યારે ઉભાને ઉભા જ રાખે..પણ કોઈને હેરાન પરેશાન નથી કરતી..! જુઓને, આ માળીકાકાને મદદ કરવા દોડી ગઈ..! એની ચોક્લેટમાંથી બીજાને વહેંચે છે! મને ખૂબ સંતોષ છે!
બાળકો એ માતાપિતાનો આયનો હોય છે! બીજું કઈ નહિ તો સંસ્કાર તો આપી જ શકી છું ! ખરેખર જીવવાની બહુ મજા આવી, અને મૃત્યુની કોઈ ફરિયાદ નથી !
સુષ્મા ઠક્કર
********************************
## રેખા સોલંકી
"મારા પછી મારી વાત"
મરણ આવે રે કાયાને
આતમ ઓઢે નવાં ચીર....
પહેરે રે નવાં નવાં વાઘાં
જીવ મળે શિવને...
થાય માટીની કાયા
રાખમાં વિલિન......
મુકીને માયા મમતાં
જવાની બધી અહીં
ખુલ્લી હથેળી લઇ આવ્યા
બંધ બાંધી યાદો લઇ જવાની....!!
મૃત્યું....... એક અનંત પ્રવાસ જીવની શિવમાં વિલીનીકરણ પામવાની એક ઘટના....જીવનની શરૂઆત સાથે જ આપણે હરદમ મૃત્યું ભણી એક એક કદમ આગળ વધતા રહીએ છીએ. કંઈ કેટલીય ઝંખના, આશા અને હર્ષોલ્લાસ સાથે જીવતાં રહીએ છીએ. બાળપણથી લઇને યુવાની સુધી. મહિયરની મીઠી મધુરી મિજબાની માણતા માણતા, કયારે કોઇ ના દિલમાં વસીને તેનાં ઘરનો એક હિસ્સો બની જઇએ એની જાણ પણ નથી થતી આપણને. સપ્તપદીનાં સાત ફેરાં, સાત વચન, બધાં નિભાવી શકાય એવાં ભરચક પ્રયત્ન સાથે સ્ત્રી ની એક આખરી ઇચ્છા હોય છે સદા સોહાગણ રહેવાની. સઘળાં સાજ શણગાર સાથે પતિના ખભે થી ચિતા સુધીની સફર ને અખંડ સૌભાગ્ય નાં આશિષ ને સફળ કરવાની. જીવન ભલે લાંબુ ન હોય પણ સૌના દિલમાં યાદ મુકી જવાય એવું જીવન જીવવાની. મારાં દિલથી સૌથી નજીક એવાં પપ્પા નાં અચાનક મૃત્યું વખતે મેં જે દુઃખ અને લાગણી અનુભવેલી, અસહાયતા અને એકલતા અનુભવેલી એ અકલ્પનીય હતી. ને મારા સ્વજનોને, મારો દિકરો ને મારા પતિ પણ મારાં મૃત્યું પછી..... એવી લાગણી નાં અનુભવે, મારી ખોટ સાલે પણ મારા વિના એ અસહાયતા ન અનુભવે એવી તમામ કોશિષ કરીને હું જઇશ. હું જેમ સુખદુખમાં હસીખુશીથી જીવી છું. નાની નાની વાતોમાંથી ખુશી મેળવી સદાય સૌને ખુશ રાખીને હસાવતી આવી છું, તો મારા મૃત્યું પર હું કોઈ ને રડતાં કેમ નિહાળી શકુ? ના..... ના..... જરાય નહીં, કોઈ એ પણ રડવું નહીં..... બસ મને એક મધમીઠા સ્મિત સાથે આખરી અલવિદા આપવાની......!
રમેશ...... જેમને કયારેય રડવું નથી આવ્યુ...... હું ઇચ્છું છું કે મારાં ગયાં પછી પણ તમારી આંખ ભીની ન થાય !
મારી શરારતો, મસ્તી, હેરાન ગતિ યાદ આવે ત્યારે તમારા ચહેરા પર હાસ્ય અને મો પર એક જ શબ્દ હોય! મરી જા ને..! તારા વિના અહીં કંઈ સુનુ નથી પડી જવાનું, સાચ્ચે જ !
રેખા સોલંકી
********************************
અસ્તુ...!