Saraswati Chandra - Part 3 - Ch. 3 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 3

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩

મુંબઇના સમાચાર : ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ

સરસ્વતીચંદ્રના શોધ સારુ ચંદ્રકાન્ત મુંબઇથી નીકળ્યો તે પછી ત્યાં શું થયું તે સમાચાર જાણવાનો હવે અવસર છે.

પ્રિય પુત્રના વિયોગથી અને પોતે જ તેનું કારણ હતો તે જાણી વૃદ્ધ લક્ષ્મીનંદનના હ્ય્દયમાં ઊંડો ઘા પડ્યો હતો. યુવાવસ્થામાં સ્ત્રીપુત્રાદિવિષયો નવો ઉત્સાહ હોય છે ખરો, પણ તે કાળનું લોહી મનને સ્થિતિસ્થાપક બળ આપે છે અને તે બળથી સ્ત્રીપુત્રને વિયોગે પણ દુઃખનો ઘા રૂઝવાની આશા રહે છે. પણ જેમ જેમ વૃદ્ધાવસ્થાની ઋતુનો વા વાય છે તેમ તેમ મન પોંચુ થાય છે, અને જેમ જેમ સંસારના ત્યાગનો પ્રસંગ આવે છે તેમ તેમ યમરાજનાં પગલાંના ધબકારા દૂરથી સંભળાતા હોય અને વિયોગથી કલ્પના ખડી થતી હોય વૃદ્ધોનાં હ્ય્દય વૃદ્ધાવસ્તાના દંડરૂપ બાળકોના ઉપર લટકે છે અને તેમનાં સુખદુઃખના અનુમોદન તેમ અનુશોચન બળવાન થાય છે. વિદ્ધાન બુદ્ધિમાન સરસ્વતીચંદ્ર જેવા પ્રિય પુત્રને સંભારી સંભારી વૃદ્ધ પિતા દિવસે દિવસે ક્ષીણ થતો ગયો અને પોતાનું અશેષ દ્રવ્ય તેને શોધવામાં ખરચવા તત્પર થયો. મુંબઇનગરીની પોલીસમાં, પરદેશમાં, પોતાના ઓળખીતા અમલદારો અને વ્યાપારીઓમાં, પોતાના અનેક સેવકોમાં અને અન્યત્ર જ્યાં સૂઝ્‌યું ત્યાં લક્ષ્મીનંદન અત્યંત દ્રવ્ય વેરવા લાગ્યો, અનેક ઉપાયો યોજવા લાગ્યો, અનેક પુરુષોની બુદ્ધિની સહાયતા લેવા લાગ્યો, અને પોતાના વ્યાપારનાં સર્વ યંત્ર ધૂર્તલાલને સોંપી જાતે રાત્રિદિવસ પુત્રના શોધની જ ચિંતામાં રહેવા લાગ્યો. અન્ન ઉપરથી તેની રુચિ ઊઠી ગઇ, નિદ્રા કરવાને ઠેકાણે બબે ત્રણ ત્રણ વાગતાં સુધી સૂતો સૂતો છત સામું જોઇ જાગ્યાં કરે, અને સર્વ કાળે પુત્રનું શું થયું અને તેને ક્યાં શોધું તે જ વિચાર કર્યા કરે. તે કોઇની સાથે હોય ત્યારે તેનું મુખ ગરીબડું થઇ જતું અને આંખમાં પાણી ભરાઇ આવતું. એકાંતમાં એકલો હોય ત્યારે બેઠો બેઠો અથવા સૂતો સૂતો આંખમાંથી જળતી ધારાં ચાલ્યાં કરે તે લ્હુએ પણ નહીં. જ્યાં જાય ત્યાં પુત્ર વિના વાત નહીં અને પુત્ર વિના વિચાર નહીં. જ્યારેત્યારે આંખ આગળ પુત્રનું તરે અને કાનમાં તેના સ્વરના ભણકારા વાગે. બે માસમાં તેના શરીરમાંથી માંસરુધિર સુકાઇ ગયાં અને હાડકાં રહ્યાં. આંખમાંથી તેજ ગયું અને ડોળા ડગમગવા લાગ્યા. સર્વ કોઇ એમ જ કહેવા લાગ્યાં કે હવે ગમે તો શેઠ ઘેલા થઇ જશે કે ગમે તો એનો દેહ છૂટશે.

જ્યારે સર્વને શેઠની દયા આવવા લાગી ત્યારે એમના સાળા ધૂર્તલાલને નવો નવો ઉમંગ આવવા લાગ્યો. શેઠે ગુમાનને તો હવે બોલાવવી પણ બંધ કરી હતી અને ધૂર્તલાલની પાસેથી સરસ્વતીચંદ્રને શોધવાનું દ્રવ્ય માગવા સિવાય કંઇ પણ હિસાબ પૂછવાનું છોડી દીધું હતું. વહુની રીસ તો સાસુનો સંતોષ એ માર્ગ પકડી ધૂર્તલાલ લક્ષ્મીનંદને પકડેલી આ રીતને અનુકૂળ થઇ ગયો.

‘દગલબાન દ્‌હોરા નમે, ચિત્તા, ચોર, કમાન.’

પુત્રશોકમાં પડેલા ધનપતિનું ધન હરી લેવાના માર્ગ શોધવામાં ધૂર્તલાલે અતિશય બુદ્ધિ ચલાવી. ગુમાન ઉપરથી શેઠની પ્રીતિ ઊતરી જોઇ શેઠની પાસે ગુમાનની વાત કરવી છોડી દીધી અને એ માર્ગે તથા બીજી રીતે શેઠનો વિશ્વાસ મેળવવા અને પુત્રશોકથી ઉત્પન્ન થયેલો તેનો વ્યવહારપ્રસાદ વધારવા ધૂર્તલાલ શેઠની પાસે દિવસે દિવસે વધારે નમી પડવા લાગ્યો, સરસ્વતીચંદ્રની શોધ કરવામાં શેઠને સહાયભૂત થઇ વ્યાપૃત રાખવા લાગ્યો, અને તેના વિશ્વાસનું પાત્ર બની એનાં સર્વ કાર્ય પોતાને હસ્તગત કરી લેવા માંડ્યાં. દુકાનના મહેતાઓની મરજી સંપાદન કરી તેમનો શેઠ થઇ બેઠો. તિજોરી, રોકડ અને દસ્તાવેજ માત્રની કૂંચી હાથમાં લી૫ધી. સૂત્રયંત્રનો ધણીરણી થઇ પડ્યો. શેઠ પાસે પોતાની ફરિયાદ ન જાય એ વાતની સંભાળ રાખવા લાગ્યો. પ્રમાણિકતાની કીર્તિ ઊભી કરી.

પુત્રચિંતામાં દિવસે દિવસે વધારે વધારે ડૂબતો વૃદ્ધ અને દુઃખી લક્ષ્મીનંદન આ સર્વથી છેતરાયો અને એના સર્વ વ્યપારમાં એને સ્થાને ધૂર્તલાલનાં પ્રતિષ્ઢાઆવાહન થયાં.

આ સર્વ નાટકના પડદાની માંહ્યા આ બકભક્ત ધૂર્તલાલ પોતાના સ્વાર્થની અનેક પ્રપંચરચના રચવા લાગ્યો. લક્ષ્મીનંદને ત્યાંથી દેખીતો પગાર તો એણે ઘણો જ થોડો લેવા માંડ્યો. પણ તેને સાટે ગુપ્ત આવક અનેકધા લેવા માંડી. લક્ષ્મીનંદનને મળતા હકસાઇ, દલાલી વગેરે સર્વ લાભ દેખીતા હતા તેટલા રહ્યા. પણ ગુપ્તપણે તેનો સર્વ શેષભાગ ધૂર્તલાલને પચવા લાગ્યો. સૂર્યતંત્રમાં, દુકાનમાં, અને ઘરમાં જેટલો માલ લેવાય તેના મૂલ્યમાંથી રૂપિયે બે આના માલ ઘરમાંથી વેચાય તેમાંથી એ જ રીતે ધૂર્તલાલને આહુતિ મળે. લક્ષ્મીનંદનના ગુમાસ્તાઓને પણ ફોડીને પોતાની નાતમાં લેવા એમને રળાવવા લાગ્યો, અને એ નાતમાં આવવા જે ના પાડે તેને ભય દેખાડવા લાગ્યો.

આ નાતમાં તે માત્ર બે જણને ભેળવી શક્યો નહિ. જ્યાં સુધી સરસ્વતીચંદ્રની સાથે તકરાર હતી ત્યાં સુધી ગુમાન ભાઇની શિખામણ પ્રમાણે વર્તી. પણ ત્યારપછી એના સ્વાર્થના સર્વ કિરણનું કેન્દ્ર એનો પુત્ર ધનનંદન એકલો રહ્યો, અને લક્ષ્મીનંદનની સર્વ મિલકત ગુમાન ધનનંદનની ગુણવા લાગી. આ ફેરફાર થશે એવું અંધ ધૂર્તને સૂઝયું નહીં અને પ્રથમ જેવી રીતે બહેનની સાથે ચિત્ત ઉઘાડા બનેવીના પૈસા ખાવાની વાતો કરતો એવી જ રીતે કરવાનું હશે પણ જારી રાખવા લાગ્યો, અને પોતાની ચોરીમાં બહેનને ફળભાગી કરવાના પ્રયત્ન કરવા લાગ્યો. આ સર્વ ચોરી અને હાનિ પોતાના જ પુત્રના દ્રવ્યમાંથી થાય છે એવું ભાન ગુમાનમાં અચિંત્યુ સ્ફુરવા લાગ્યું, અને તે ભાન થતાં પોતાના ભાઇને પોતાનો શત્રુ ગણવા લાગી. આ નવા નેત્રથી જોનારી બહેન ભાઇની પ્રપંચ યોજનાઓ સાંભળી સાંભળી હ્ય્દયમાંથી તેનો તિરસ્કાર કરવા લાગી, અને સરસ્વતીચંદ્રના સંબંધાં અનુભવેલી તેની કપટશક્તિ સંભારી એ કપટનો ભોગ થનાર પોતાના બહાદુર પુત્રના ભવિષ્યના સંબંધમાં ભાઇના ભયથી ગુમાન કંપવા લાગી અને ધીમે ધીમે સ્પષ્ટપણે ભાઇને દૂર કરવા ઇચ્છવા લાગી. આ ઇચ્છા સમજીને જ ધૂર્તલાલ લક્ષ્મીનંદન પાસે બહેનની અવગણના દેખાડી સરસ્વતીચંદ્રનો પક્ષ લેતો દેખાતો હતો અને તેમ કરી એક પાસથી શેઠનો વિશ્વાસ મેળવતો હતો અને બીજી પાસથી પોતાના પક્ષમાંથી દૂર થવા છાતી ચલાવનારી બહેનને ડરાવતો હતો. આનું એક એ પણ પરિણામ થયું કે ભાઇની કપટબુદ્ધિમાં આ અભિમાનનો ઉમેરો જોઇ ગુમાનની વૈરવૃત્તિએ એનું સ્ત્રીમસ્તક ફેરવ્યું, અને એ શૂર-દશાએ એની સ્વાભાવિક બુદ્ધિને અગ્નિ પેઠે સચેત કરી સળગાવી. ગુમાનના હ્ય્દયમાં પ્રતિજ્ઞા થઇ કે ‘ભાઇ, હું પણ તારી બહેન છું તે જોઇ લેજે.’

ભાઇની નાતમાંથી આવી રીતે એની બહેન દૂર રહી અને બીજો દૂર રહેનાર હરિદાસ નામનો ગુમાસ્તો મળ્યો. હરિદાસ જાતે કુલીન, અનુભવી, અને પ્રામાણિક વાણિયો હતો. એ ગણો જૂનો નોકર હતો, અને સરસ્વતીચંદ્ર ઉપર પ્રીતિ રાખવો હતો. એનામાં એની જાતને સ્વાભાવિક રક્ષકબુદ્ધિ, ચતુરતા, મિષ્ટતા, અને ધીરાશ હતા. ધૂર્તલાલ સાથે એણે દેખીતું વૈર ન કર્યું, પણ ધૂર્તલાલના વિશ્વાસનું મંડળમાંથી દૂરન પડતાં એના પેચથી ભોમિયો રહી પોતાના સ્વામીનું પોતાના પેટમાં ગયેલું અન્નોદક સફળ કરી સ્વામીનો સ્વાર્થ જાળવવા અભિલાષ રાખતો હતો.

ધૂર્તલાલ આવી રીતે દેખીતો નિષ્કંટક ઉદય ભોગવતો હતો. પણ તેની સાથે આ સર્વ ચાર દિવસનું ચાંદરણું છે એવું એ પાકું સમજતો હતો, કારણ સરસ્વતીચંદ્ર પાછો આવે અથવા લક્ષ્મીનંદન જાતે કામ કરવાનું આરંભે કે તરત પોતાનો તારો અસ્ત થવાનો એમ ધૂર્તલાલના મનમાં રાત્રિદિવસ ભય રહેતું હતું. આથી ચાંદરણાના દિવસ પૂરા થાય અને અંધારી રાત પાછી આવે, તે પહેલાં બને તેટલી ત્વરાથી દ્રવ્યયાન થઇ જવાનો એણે નિશ્ચય કર્યો હતો. એટલું જ નહીં પણ આ ઉદય-દશા જેટલી લંબાય તેટલી લંબાવવાનો પણ એનો નિશ્ચય હતો. આ ઉભય નિશ્ચયની પ્રેરણાથી એણે સ્તકૃતદુષ્કૃતના સર્વ વિચારને એક પાસ ધક્કેલી નાંખી પોતાનાથી જેમ આગળ વધાર્યું તેમ વધ્યો. લક્ષ્મીનંદનના દ્રવ્યકૂપને બંબા મૂૂકી ખાલી કરવા લાગ્યો અને વિશ્વાસઘાતથી આરંભી ચોરી અને લૂંટના પ્રપંચ રચી પોતાને ઘેર અને પારકી પેઢીઓમાં પોતાને ખાતે અઢળક ધન સંચિત કરી રાખવા માંડ્યું. કેટલાક મિત્રોને પક્ષમાં લઇ તેમના ભાગમાં વ્યાપાર આરંભ્યો અને તેમને નામે લક્ષ્મમીનંદનની પેઢી સાથે પોતાની ઇચ્છા પ્રમાણે મૂલ્ય આપી લઇ વેચવા ખરીદવાનો અને વ્યાજે દ્રવ્યનો ઉપાડ કરવાનો વ્યવહાર રાખ્યો. આવી રીતે એક પાસથી પોતાનું ખાતું જમાવી, લક્ષ્મીનંદનના ગ્રાહકોને પોતાની જાળમાં ખેંચવા લાગ્યો. વળી વિધવાઓ ધર્મખાતાં, અને અનેક જાતનાં અનાથ માણસોની થાપણો ઓળખવાના જ અભિલાષથી તે સંગ્રહવાના માર્ગ પકડ્યા. ‘ટ્રસ્ટી વસાવે નવી સૃષ્ટી’ એ મંત્રને પકડી અનેક ઠેકાણે લક્ષ્મીનંદનની પ્રતિષ્ઠાનો લાભ લેઇ ‘ટ્રસ્ટી’ થવા પ્રયત્ન આરંભ્યા. ટૂંકમાં દ્રવ્ય જડે ત્યાંથી ‘લેઉ, લેઉ’ એવો એને હડકવા હાલ્યો. ભરતીની વેળા પૂરી થાય તે પહેલાં બને એટલો સંગ્રહ કરવાની આ ક્રૂર માછીએ છાતી ચલાવી, અને છાછર તેમ ઊડા પાણીમાં અનેક જાળો તરાવતો તરાવતો જોતજોતામાં સાગરમાં ઘણે દૂર સુધી ઘણા આશ્રિતોને લેઇ તરવા લાગ્યો.

આટલાથી સંતોષ ન પામતાં પોતાની ભણી ઊઘડેલાં લક્ષ્મીનાં દ્ધાર વસાય નહીં, અને પોતાને અંકે આવેલી લક્ષ્મી સ્થિરભોગ્યા થઇ ત્યાંથી ત્યાં જ બેસી રહે એવી વાસનાને બળે, સરસ્વતીચંદ્ર જડે નહીં અને લક્ષ્મીનંદનની શક્તિ સદાકાળનો પક્ષાઘાત પામે એવી યોજનાઓ આ કૃતઘ્ન રાક્ષસના અંતઃકરણમાં ઊભરાઇ. સરસ્વતીચંદ્રની શોધમાં લક્ષ્મીનંદનને દેખીતી રીતે અનુકૂળ બની જઇ એ શોધમાં પડનાર માણસોને દ્રવ્ય આપી આશા આપી આ શોધ કદી સફળ થાય નહિ એવી ગુપ્ત આજ્ઞાઓ આપતો અને પળાવતો. એટલું જ નહીં, પણ એ પુરુષની ભોગજોગે ભાળ લાગે તો એનું ગમે તેમ કરી યમદેવને બલિદાન કરવું એવી સૂચના પણ બની ત્યાં આપવાને ધૂર્તલાલ ચૂક્ય નહીં. લક્ષ્મીનંદનને આ નિષ્ફળ શોધના વમળમાં નાંખી તેમાં તેને આગળ આગળ ધપાવતો હતો અને એ વમળને બળે એેને ચિત્તભ્રમ થાય એવું અંતરમાં ઇચ્છતો હતો. શેઠને આખો દિવસ ગયેલો પુત્ર સાંભરે એવું કરે એના ઊંધેલા મર્મ જાગે એવું બોલે. એમ કરતાં કરતાં આખરે બોલવાનું મૂકી કાંઇ નિશ્ચિત કામ કરવાનું ધાર્યું.

એક દિવસ પુત્રને સંભારતા સંભારતા લક્ષ્મીનંદન શેઠ સરસ્વતીચંદ્રના

વાલકેશ્વરવાળા બંગલામાં ગયા. બંગલો ઉઘડાવી અંદર જઇ કુમુદસુંદરીની મોટી છવિ આગળ ઊભા. પાસે ગુમાસ્તો હરિદાસ અને ધૂર્તલાલ હતા. શેઠ ઘડીવાર છવિ જોઇ રહ્યા અને સામે પડેલી એક ખુરશી પર બેઠા. એની આંખમાં આંસુ ઊભરાવા માંડ્યાં : ‘હરિદાસ, આ મારા ભાઇની વહુ ! ભાઇ જતા રહ્યા ને વહુ બીજે ઘેર પરણી ગઇ. બે રત્ન હાથમાંથી જતાં રહ્યાં. અરેરે ! મેં મૂર્ખાઇ કરી ન હોત તો આજ તો મારે ઘેર નવે નિધિ અને અષ્ટ સિદ્ધિ હોત. પણ મારું ભાગ્ય જ ફરી વળ્યું. શેઠે હરિદાસને ખભે હાથ અને માથું નાંખી પોક મૂકી.

હરિદાસ શેઠનાં આંસુ લોહતો બોલ્યો : ‘શેઠજી, આપે હવે આ પરિતાપ કરવો છોડી દેવો જોઇએ. થવા કાળ આગળ તમે શું કરો ? ભાઇને શોધવામાં આપ કાંઇ બાકી રાખતા નથી. સોદો આપણે હાથ ને લાભ હરિને હાથ.’

ધૂર્તલાલ ધીમે રહીને બોલ્યો : ‘શેઠજી, મને બીક લાગે છે કે આ ચિંતામાં આપનું ચિત્ત ખસી જશે. ખરી વાત છે. આવા પુત્રની પાછળ આપણે જે ન થાય તે ઓછું. આપનાથી કામમાં જીવ રખાતો નથી અને એ જ પ્રમાણે આગળ રહેશે તો નુકસાન થશે. માટે મારા મનમાં લાગે છે કે જ્યાં સુધી આપણો જીવ આટલો સ્વસ્થ છે એટલામાં કંઇક બંદોબસ્ત કરવો જોઇએ.’

શેઠ કાંઇક ચમક્યા. ‘શું હરિદાસ, મારું ચિત્ત ખસે એમ તને લાગે છે ?’

હરિદાસ ધૂર્તલાલના મુખવિકાર જોઇ રહ્યો હતો તે ધીમેથી બોલ્યો : ‘શેઠજી, મને તો લાગે છે આપ જાતે કામમાં જીવ રાખશો તો આપનું ચિત્ત કદી ખસવાનું નથી. બાકી તો ધૂર્તલાલ શેઠ શો બંદોબસ્ત કરવા ધારે છે તે જાણ્યા પછી સૂઝે.’

ધૂર્તલાલને આ ઉત્તર બહુ ઠીક લાગ્યો નહિ. હરિદાસ ગમે તો મૂર્ખ છે કે ગમે તો મારાથી વિરુદ્ધ છે એવી શંકા થઇ. તેના સામું જોઇ રહી અંતે ઉત્તર દીધો : ‘શેઠજી, જેમ મારા ભાણેજનો મારે સ્વાર્થ છે તેમ સરસ્વતીચંદ્રભાઇના સ્વાર્થનો વિચાર ન કરવો એવી બૈરકબુદ્ધિ પણણ મારાથી થઇ શકતી નથી તે આપણે ખબર છે. એ બેનો સ્વાર્થ જળવાય એવી વ્યવસ્થા આપે વેળાસર કરવી યોગ્ય છે. પુત્રશોકથી આપનું ચિત્ત ભ્રમિત થઇ ગયા જેવું છે એ વાત આપને ન કહું તો આપનું ચિત્ત પ્રસન્ન રહે, પણ આપના કુટુંબનો સ્વાર્થ સરે નહિ. આપના સ્વાર્થ વિરુદ્ધ વાત કરી આપના ચિત્તને ગમતી વાત કરવી એ ખુશામતનો ધંધો કરું અને આપનો લૂણહરામી થાઉં એ યોગ્ય ન કહેવાય. મારી ખાતરી છે કે આપનો જીવ કામમાં પરોવાઇ શકાય તેમ નથી અને હાલમાં કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી એવી આપનાં સર્વ કામની દશા છે તે જોઇ મારું ચિત્ત બળે છે.’

‘શો ઠગ !’ હરિદાસ મનમાં બડબડ્યો.

‘ધૂર્તલાલ ! તમે જ રસ્તો બતાવો તો મને સૂઝે એમ છે. મારી પોતાની બુદ્ધિ તો ભાઇની ઝંખના વિના કાંઇ દેખે એમ નથી.’ શેઠ બોલ્યા.

‘ધૂર્તલાલ આવેલો પ્રસંગ મૂકે એવો ન હતો. તે તરત બોલી ઊઠ્યો : ‘હું પણ એથી જ કહું છું. મેં તો વિચાર ક્યારનોય કરી મૂક્યો છે. આપની બુદ્ધિ ઠેકાણે છે ત્યાં સુધીમાં એક એવો દસ્તાવેજ તૈયાર કરી રાખો કે ન કરે નારાયણ અને આપનું ચિત્ત ઠેકાણે ન રહે તો આપનું કામ આપના બે વિશ્વાસુ માણસો કુલમુખત્યારથી કરે. તેમાંનો એક માણસ મારા ભાણેજનો સ્વાર્થ જાળવે ને બીજો સરસ્વતીચંદ્રભાઇનો સ્વાર્થ ભાઇ આવતા સુધી જાળવે. જો આપ આવો કાંઇ બંદોબસ્ત નહીં કરો તો સૌ કોરટે ને આપની મિલકત રફેદફે થશે.’

‘એ બે માણસ ક્યાં નીમવા ?’ હરિદાસે ધીમે રહીને પૂછ્યું.

‘જો શેઠની મરજી હોય તો મારા ભાણા ભણીથી હું કામ કરવાતૈયાર છું અને સરસ્વતીચંદ્રભાઇ તરફથી’ - ધૂર્તલાલ જરીક અટકી બોલ્યો -‘હરિદાસ જેવા જ કોઇને સોંપો.’

‘ના જી, હરિદાસનું એ ગજું નહિ - એ બે માણસનું કામ એકલા ધૂર્તલાલ શેઠ કરે તો ક્યાં બને એમ નથી ?’ હરિદાસે આંખ મીંચકારી ઓઠ કરડી કહ્યું.

શેઠ વિચારમાં પડી, ‘જોઇશું’ કહી, ઊઠી, બીજા ખંડમાં ચાલ્યા ગયા. ધૂર્તલાલ ને હરિદાસ બે એકલા પડ્યા. હરિદાસનાં વચનથી શેઠ ડગમગે છે એમ માની ધૂર્તે એને હાથમાં લેવાની યોજના કરી.

‘હરિદાસ, તમે સમજતા નથી.’

‘ના, શેઠ, હું બે ટકાનો વાણિયો, મારી અક્કલ આપના જેવી ન પહોંચે.’

‘જો, બચ્ચા, શેઠ મારું કહ્યું માને તો મારે ને તારે બેને રાજધાની છે.’

‘શેઠ, એ કાંઇ મારું ગજું ?’

‘લે, બધાયે લૂગડાંઘરેણાં પહેરીને જન્મતા હશે ?’

‘ભાઇસાહેબ, મને તો તમે આપો જેટલી એટલી અક્કલ આવે.’

‘જો ત્યારે, આ મારું ઘર બે મહિનામાં ભરાયું તેવું તાારે ભરવું છે કે નહિ ? આ મહિના વરસના પગારથી કોઇનું પેટ ભરાયું છે ?’

‘નાસ્તો ! પણ એ કાંઇ ભાગ્ય બદલાય ?’

‘ભાગ્ય ભાગ્ય શું કરી રહ્યો છે ? સમો વર્ત્યે સાવધાન. આ શેઠનું કાળજું ખસ્યું છે, ને નહીં ખસ્યું હોય તો દસ્તાવેજ પર સહી કરી આપે કે બીજે દિવસે ખસેડીશું.’

‘શી રીતે ?’

‘એ તો વૈદો દાક્તરો ઘણાયે પડ્યા છે. જર ચાહે શો કર ને દામ કરે ગુલામ.’

‘પણ શેઠ, મારી પાસે તો જરને ઠેકાણે ઝેર પણણ નથી.’

‘અંહ, આવો જડ ક્યાંથી દેખાય છે ? પારકો પૈસો, પારકી શાહી, ને મતુ કરે મારા મેઘજીભાઇ. શેઠનો પૈસો ને શેઠની હજામત સમજ્યો કની; - આવો જડસા જેવો ક્યાંથી ?’ ધૂર્તલાલે હરિદાસને ખભે ને વાંસે હાથ નાંખી એને હલાવ્યો.

‘હા, સમજ્યો તો ખરો. પણ શેઠજીનું લૂણ તમારા ને મારા બેના પેટમાં છે.’

‘હવે લૂણ ને બૂણ. ઘરમાં પૈસાનાં ગલગલિયાં થાય તો લૂણ વગર પણ ચાલે ને લૂણને બદલે સાકર મળે.’

‘ભાઇ, પણ એ મારું ગજું નહીં.’

‘અંહ, આવો બાયલો ક્યાંથી ? લે, આજ સાંજે મારી સાથે આવજે એટલે ગજું કરી આપીશ.’

‘શી રીતે ?’

‘જો, અત્યારે હું જાઉં ત્યારે શેઠને ઓગળાવી તૈૈયાર કરવા. રાત્રે હું તને ગાડીમાં લઇ જઇશ ને શેઠની બેત્રણ નોટો મારે નામે છે તારે નામે કરી આપીશ એટલે તારું ગજું થયું. કેમ બચ્ચા ?’

‘હા...’

‘હા ને બા. જો જે ચૂકતો. હળવે હળવે મઝા દેખાડીશ.’ ધૂર્તલાલ ગાડીમાં બેસવા ગયો. જતો જતો મનમાં બોલ્યો : ‘વાણિયાને ગલગલિયાં કરાવી દઇશું. રાત્રે વળી રાધાસામી ગોવાગરણને ત્યાં એને લેઇ જઇશું એટલે વાણિયો સદાનો નોકર થવાનો. હજી તો એને ખબર નથી કે સરસ્વતીચંદ્ર મરશે ને એનો ભાગ ભાણાને ગયો, એટલે ભાણો ને બાણો - બધાના કુલ માલક બંદા ! - ને કોડીનો વાણિયો - તેને ધક્કો મારતાં વાર નથી. સરસ્વતીચંદ્ર મૂઓ એટલે એના તરફથી કામ કરનાર વાણિયો પણ મરે એવો લેખ કરાવવો. આ વચ્ચે અમારાં ગુમાનબહેન ટકટક કરે છે તે મારી સાળી બૈરાની જાત - એની કાશ પણ કેમ ન કઢાય ?’ બહેનની હત્યાના વિચારથી ધૂર્ત કાંઇખ મનમાં કંપ્યો. પણ સજ્જ થઇ ગાડીમાં ચડતાં ચડતાં ઓઠ કરડી ગણગણ્યો : ‘બહેન ને ભેન ! પેટથી સૌ હેઠ ! નવાણું ત્યારે સો ભર્યા ! આટલા મચ્છર ચોળાશે ત્યારે એક વધારે !’ ગાડી ચાલી તેની સાથે બંગલા ભણી પાછળ નજર કરી બોલ્યો : ‘જો શેઠ સહી નહીં જ કરે તો મારી ટોળીવાળા ક્યાં નથી ? વશે સહી નહિ કરે તો કવશે કરશે, અથવા પદમજી પારસી શેઠની પચીસ સહી કરે એવો છે ! જોઇએ શિું કરવું તે - જગત જખ મારે છે !’ મૂછ ઉપર હાથ નાંખી, છાતી કાઢી, શેઠના સાળાએ ગાડીવાનને પાછળથી મુક્કો માર્યો !’ સાળા, ઝપ લેઇને હાંકતો કેમ નથી !’ ગાડીવાને પાછું જોયું, ચાબુક વાગતાં ઘોડો દોડ્યો, ને ગાડી અદૃશ્ય થઇ.

બંગલાના દ્ધારમાં એકલો પડેલો હરિદાસ ગાડી પાછળ જોતો જોતો નિઃશ્વાસ મૂકતો ઊભો. ગાડી ચાલી એટલે પાછો ફરી એક ખુરસી પર બેઠો : ‘ઓ હરી ! ઓ ધરતીમાતા ! આ ભાર તું શી રીતે ઝીલે છે ? આમાં મને કાંઇ સૂઝે એમ નથી. શેઠિયાના ઘરમાં ને રાજાના ઘરમાં સાળો પેસે એટલે લક્ષ્મીબહેન પરવારે ને કુસંપ ઘર કરે. સરસ્વતીચંદ્ર જેવું રત્ન ઘરમાંથી ગયું તે આને પાપે. શેઠાણીની બુદ્ધિ બગડી તે આને પાપે. શેઠની બુદ્ધિ ગઇ તે આને પાપે. સારા સારા ગુમાસ્તાઓ બગડ્યા તે આને પાપે. હવે શેઠની જાતનું અને એમની લક્ષ્મીનું જે થવા બેઠું હોય તે ખરું ને તશે તે એને પાપે. હવે વેળાં વંઠી ત્યારે સૌ સમજવા બેઠા છે. શેઠ હવે પોક મૂકીને રડે છે ને શેઠાની ધ્રૂજે છે તે - હવે શા કામનું ? ગમે એટલું પણ બ્રાહ્મણભાઇને કર્મે તે પશ્ચિમબુદ્ધિ વિના બીજું શું હોય ? અને બૈરાં વેળાસર તો શું પણ બ્રહ્માનાં સમજાવ્યાં એ સમજે તો લક્ષ્મણજી રામજી પાછળ જાત નહિ ને સીતાજી હરાત નહીં. બૈરાંની બુદ્ધિ પાનીએ કહી છે તે કંઇ અમસ્તી ? હશે, એ તો સૌ વિધાતાનો વાંક, પણ હરિદાસ તો બ્રાહ્મણે નથી ને બાઇડીએ નથી. વાણિયા ! તારી અક્કલ કાંઇ કામ આવે એમ છે ? જેવા હોય તેવા આ શેઠ, જેવું અન્ન ખાઇ આ શરીર વધાર્યું તેને ભદરરિયેથી ઉગારવાની વાત છે ને આ ભવસાગરનો ફેરો સફળ કરવાનું કામ છે. વાણિયાભાઇ, પ્રભુએ તો વાણિયો ઘડ્યો પણ હવે બતાવી આપો કે એ વાણિયો ઘડાયો છે.

વિચારશૂન્ય થઇ થોડી વાર આખો મીંચી હરિદાસ બેસી રહ્યો. બુદ્ધિને આરામ મળ્યાથી સતેજ થઇ, અને આંગળા વડે હિસાબ ગણતો એવા ચાળા કરતો, હરિદાસ એકલો એકલો બોલવા જતો હતો એટલામાં અચિંતો બંધ પડી મનમાં જ વિચારવા લાગ્યો. ‘વા વાત લઇ જાય ત્યાં મોં ઉઘાડી બોલવું પણ ભયભરેલું છે. મનમાં બોલવાની પણ આવડ છે. તેમ શેઠની સાથે મસલત કરવામાં કાળજું ઠેકાણે છે પણ બૈરાંની જીભ ! દુકાનમાં કે ઘરમાં કોઇ ચોખ્ખું માણસ રહ્યું નથી. હવે જીવસટ્ટાનું કામ. માટે એકલે હાથે કામ લેવું - બીજો હાથ હરિનો :- પહેલો હરિનો - બીજો હરિના દાસનો - ને ત્રીજો પાછો હરિનો. પછી જગત જખ મારે છે.

‘જો હરિદાસ ! આ હરિ એક માણસનું નામ સુઝાડે છે - ચંદ્રકાન્તનું ! વાહ ! શકુન સારા થયા ! પણ એ તો ભાઇને ખોળવા ગયા છે. એમને કાગળ લખીશ ત્યાં સુધી નભશે ? ભાઇના દોસ્ત બુલ્વરસાહેબ પર ચંદ્રકાન્તભાઇની ચિઠ્ઠી મંગાવીશ. ત્યાં સુધી ? ધુતારાનો ધુતારો થઇશ. એણે લાંચ આપવા કબૂલ કરી છે - તે લૂંટાય એટલું લૂંટીશ ને - ભાઇના જોડા ને ભાઇનો વાંસો. મારા ગરીબના ઘરમાં પૈસા નથી, પણ એ પૈસા વડે પોલીસ ને વકીલો હાથ કરીશ. પણ વાણિયાને નામે વહાણ કેમ ચાલશે ? વાણિયાને નામે વહાણ નહીં ચાલે પણ રામને નામે પથ્થર તરશે ગયેલા પણ ભાઇ - તેમનું નામ ક્યાં ઓછું છે ?’ ચતુર સવારના ભાર નીચે ઊંચી જાતના ઘોડાને પણ અભિમાન આવતું હોય તેમ ખીલે છે, મહાકાર્ય - મહાસેવા - ના વિચારથી વાણિયાને અભિમાન આવ્યું ને તેની બુદ્ધિ ખીલી. એનો ઉત્સાહ ફાલ્યો. સાંઝે ધૂર્તલાલને મળવાનું તેથી શેઠને મળવા બીજા ખંડમાં ચાલ્યો.

શેઠ એક બારી આગળ ઊભા ઊભા સમુદ્ર ઉપર દૃષ્ટિ નાખતા હતા અને દષ્ટિમર્યાદામાં પુત્રને શોધતા હતા. હરિદાસ પાસે આવેલો દીઠો નહીં.

‘શેઠજી !’ પાછળ ઊભેલા હરિદાસ બોલ્યો. શેઠ ચમક્યા, પાછળ જોયું. હરિદાસ ભણી ફરી ઊભા, ને બોલ્યો : ‘હરિદાસ, ધૂર્તલાલ ક્યાં છે ?’

‘શહેરમાં ગયા.’

‘બંગલામાં કોણ છે ?’

‘તમે ને હું.’

‘નક્કી ?’

‘હરિદાસ !’

‘જી !’

‘હરિદાસ !’ શેઠ તાકીને એની આંખ સામું જોવા લાગ્યા.

‘જી !’ હરિદાસને શેઠની આંખમાં ઘેલછા લાગી.

‘તું કોનો નોકર છે ?’

‘આપનો !’

‘ફરી બોલ ?’

‘આપનો ! - મારો જીવ જાય પણ આપનો, શેઠજી ગભરાશો નહીં, આપનું કોઇ નહીં હોય ત્યાં હું છું.’

‘મારા ભાઇનું કોણ ?’

‘આપ.’

‘જૂઠું બોલ્યો. જા, ત્યારે મારે તારું કામ નથી.’

હરિદાસ ચમક્યો. ઘેલા લાગતા શેઠના વચનમાં ઊંડો મર્મ લાગ્યો. સમયસૂ ચકતા તીવ્ર કરી.

‘શેઠજી, આપ ભાઇના હતા નહીં, પણ હવે થયા છો.’

‘એવું ક્યાં સુધી ટકશે ?’

‘આપનું કાળજું ઠેકાણે હોય ત્યાં સુધી.’

‘ધૂર્તલાલે કહેલું કરું તો કાળજું ઠેકાણે ખરું ?’

‘એ તો આપ સમજો. પણ એ ક્યાં ભાઇના સારામાં રાજી નથી ?’

‘એક વાર ભૂલે ત્યાં સુધી માણસ. બીજી વાર ભૂલે એટલે ઢોર.’

‘એમાં તો કાંઇ વાંધો નહીં.’

‘ત્યારે ગમે તો તેં મને ઢોર જાણ્યો ને ગમે તો તું ઢોર.’

‘હું તો રાંક તે ઢોર જ.’

‘ના, હવે સાંભળ; આ બોલાબોલી જવા દે. ધૂર્તલાલ મારું ઘર ફોડ્યું. તને પણ ફોડ્યો હોય તો કહી દે ને અહીંથી જા. એનું ચાલે તે એ કરશે ને તારું ચાલ્યું તું કરજે. બચ્ચાજી, લક્ષ્મીનંદનમાં હજી કાંઇક પર બુદ્ધિ બાકી રહી હશે. ભાંગ્યું ભાંગ્યું પણ ભરુચ.’

આ વચન સાંભળી, શેઠની જૂની તીવ્રતા તાજી થતી દેખી, હરિદાસને પોતાનું કાર્ય સિદ્ધિ થયું લાગ્યું અને આનંદ થયો. ઘણે દિવસે શેઠની બુદ્ધિ સજ્જ થતી દેખી સેવકની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એ મનના વિકારોનો મુખ ઉપર વિકાસ જોઇ શેઠને એના પર વિશ્વાસ બેઠો ને બોલ્યાઃ

‘બસ, બસ, હરિદાસ વધારે ઓછું બોલવું જવા દે. મારી આખી દુકાનમાં મારો એક તું રહ્યો છે. બાકી સૌ દગાખોર છે. હું તને ઓળખું છું. તું મારો મટે એમ નથી. તું ફૂટેલ નથી. મારે પગે હાથ મૂક ને આ સોગન કે તું મારા વિશ્વાસયોગ્ય છે.’

શેઠના મોંમાંથી અક્ષર ખરતાંમાં હરિદાસ શેઠના પગ આગળ બેસી ગયો ને પગે હાથ મૂકી રોઇ પડ્યો ને પગ ઝાલી રાખી બોલ્યો : ‘શેઠજી, તમને દગો દે તેને ગૌહત્યાનું પાપ - બ્રહ્મહત્યાનું પાપ - સ્ત્રીહત્યાનું પાપ

-એની શ્રી વિઠ્ઠલેશ પૂછે. તમારા મનમાં જે હોય તે કહી દો.’

શેઠ ગળગળા થયા. હરિદાસને ઊભો કરી પાસે બેસાડી બોલ્યા :

‘હરિદાસ, મારા મનની વાત સાંભળતા પહેલાં તારા મનની વાત કહે.’

‘શેઠ, હું આપને વાત કહું - પણ આપનું ચિત્ત ઠેકાણે ન રહે ને કોઇ ચોઘડિયામાં હતા તેવા ભ્રમિત થાવ તો વાણિયાનું હાડકું નહીં જડે ને તમારું કામ કરવા એક જણ પણ હું બાકી છું તે યે પૂરો થઇશ. મારી વાત મારી પાસે રહેવા દો, મારા પર વિશ્વાસ રાખો ને વાત કરો ને મારી કસોટી કરી જોજો. મારે લપટી કળવાળા તાળા જેવું તમારું કાળજું ઉઘાડો, ને મારું તાળું છે એમ ને એમ રહેવા દો. આપને ખાવાનું જોઇશે તેટલું અનાજ મારા કોઠારમાંથી હું જાતે જઇ લઇ આવીશ. પણ એ કોઠારની કૂંચી આપની પાસે હશે તો બધોય લૂંટાશે.’

શેઠ ગંભીર થઇ ગયા, વિચારમાં પડ્યા, અને આખર બોલ્યા :

‘હરિદાસ, તું હવે તેટલો જ હજી ખરાવાદી રહ્યો છે તેથી મારી ખાતરી થઇ છે કે તું ફર્યો કે ફૂટ્યો નથી. તારી શિખામણ ખરી છે. તે હું આજ નાના બાળક પેઠે માનીશ. બોલ ત્યારે, પૂછું તે કહે.’

‘એ વાતમાં તૈયરા છું.’

‘ભાઇના વિચારમાં ઘેલા થઇ એવું કરવું કે ભાઇને ખાવાનું પણ રહે નહીં - એ મને ગમ્યું નહીં; અને હું વધારે ઘેલો થઇશ તો એ અણગમતી વાત થશે એવા વિચારથી હું આજ ચમક્યો છું - તે કહે, બરોબર થયું કે નહીં ?’

‘વાહ, શેઠજી વિવાહથી રળિયામણનું શું ?’

‘જો ત્યારે, હવે આ મારા સાળાએ આજ સુધીમાં મને ભમાવ્યો તે પણ મને આજ જ સૂઝે છે. મારી ઘેલાઇમાં એના કામનો હું વિચાર કરતો ન હતો; પણ એનાં સૌ કામ ઉપર મારી આંખ રહેતી તે જે જે જોયું અને થવા દીધું એ સૌનો ફરી વિચાર કરતાં મારો સાળો મને બડો ઠગ અને ધુતારો લાગે છે.’

‘જી...’

‘જી બી નહીં. કહે કે મારું ધારવું ખરું છે કે નહીં ?’

હરિદાસ હસ્યો : ‘શેઠજી, આપે કાલે ધારેલું આજ ફેરવ્યું તેમ આજનું ધારેલું કાલ ફેરવશો નહીં એની શી ખાતરી ? માટે થયેલી વાત કેમ થઇ તે પૂછવા કરતાં આપને હવે શું કરવાનો વિચાર છે તે કહો, તેનો જવાબ દઇશ. આપણી શરત પ્રમાણે ચાલો.’

‘ઠીક. એમ ત્યારે. જો હું કંઇ મારાં કાંડાં કાપી ધુતારાને કાગળ ઉપર સહી કરી આપવાનો નથી - કહે - બરોબર કે નહીં ? આમાં તો જવાબ દીધા વગર તારે છૂટકો નથી.’

‘બરોબર, શેઠજી. આપની વાત સત્તર આના છે અને તેમાં હું છાતી ઠોકી હા ભણું છું.’

‘બસ,. હવે બીજી વાત. કાલ સવારે જમી કરી હું દુકાને આવીશ. પછી બીજી ત્રીજી વાર પડતી મૂકી પહેલું કામ કરવાનું એ ધારું છું કે મારા સાળાના હાથમાંથી કૂંચી, પેટી, ચોપડા, વગેરે સૌ લઇ લેવું; એને એકદમ કાઢી મૂકવો અને મારાધરમં કે દુકાનમાં કદી પગ મૂકે નહીં એવો તાકીદ આપવી -’

‘એ વાત પણ બરોબર છે. પણ કાલ ને કાલ કરવું એ વિચાર કરવા જેવું છે.’

‘વાત બરોબર છે તો વિચાર કરીશું. હવે બીજી વાત. આ કાગળ ઉપર નામ લખેલાં છે એ બધા ગુમાસ્તાઓને ને મિલનાં માણસોને પણ દૂર કરવાની યાદી; વાંચી જો.’

‘યાદી વાંચીશ. પણ એ કામ હાલ કરવાનું નથી. એ સૌ પેટના ભૂખ્યા પેટની ભૂખે આપણું પણ કામ કરશે.’

‘ઠીક ત્યારે, હવે બીજી વાત. આને કાઢી મૂક્યો એટલે મારું મોટું કામ તારે માથે -’

‘શું ?’

‘ભાઇને શોધી કાઢવા, તેમ કરતાં લાખ રૂપિયા થાય તો પણ ખરચવા, જીવ જાય તો કાઢવો, તારે જાતે સૌ શોધ કરવો ને કરાવવો; પણ ભાઇને લાવવા - ભાઇને લાવવા - ભાઇને લાવવા-’ આ વાક્ય બોલતાં બોલતાં શેઠના ચિત્તભ્રમનો આભાસ લાગ્યો. હરિદાસ ચેત્યો.

‘શેઠજી, એ કામ મારું. ચંદ્રકાન્ત ભાઇને શોધવા જ ગયા છે. બુલ્વરસાહેબને એમનો પત્તો જડ્યો છે-’ .

‘હેેં ! હેં ! સ્વપ્ન કે સાચું - ?’

‘શેઠજી, સાચું. બેચાર દિવસમાં ભાઇ વિષે ચંદ્રકાન્તનો પત્ર આવશે.’

‘હરિદાસ, આ લુચ્ચો ધુતારો પચ્ચીસ હજાર ખાઇ ગયો ને હજી ભાઇને શોધ્યા નહિ. ચંદ્રકાન્તે એ શોધ વગર પૈૈસે કરી. ખરી વાત. ચંદ્રકાન્તનું કાળજું બળે ને મારો ધુતારો તો ભાઇના પગ કાઢવામાં જ હતો તો શોધે શાનો ? કાળજું તો મારું જ ઠેકાણા વગરનું કે એને આ કામ સોંપ્યું.’

‘શેઠ, થવા કાળ. બોલો, બીજું શું કરવાનું છે ?’

‘બીજું એ કે મારું કાળજું હજી ઠેકાણે નથી ને ક્યારે ખસે તેનું

ઠેકાણું નથી. માટે ટ્રસ્ટી કરવો-’

‘લેખ કરવાની ના કહેતા હતા ને ?’

‘સાંભળ તો ખરો. ના તો ધુતારાને લખી આપવાની. આ તો એવો લેખ કે મારા ભાઇ મારા ટ્રસ્ટી - એકલા ભાઇ ટ્રસ્ટી - બીજું કોઇ નહીં - તુંયે નહીં ને હુંયે નહીં.’

‘વાહ, શેઠ, સારું ધાર્યું. પણ શેઠાણી કબૂલ કરશે ?’

‘નહીં કરે તો ધરી રહી. હવે મને ભાઇ વગર કોઇનો વિશ્વાસ નથી. મારું ધન એને સોંપીશ. ધનભાઇનું ધન પણ ભાઇને સોંપીશ. ધનની માને પણ ભાઇને સોંપીશ. ને ધનભાઇને પણ એના એ ભાઇને સોંપીશ. ને મારી જાત પણ એને સોંપીશ.’

‘શેઠ, પણ શેઠાણીને તો પૂછવું જોઇએ. ઉતાવળ ન કરો.’

શેઠે ઊઠીને હરિદાસને ધોલ મારી.

‘હરામખોર ! ફૂટેલો દેખાય છે ! શેઠાણીની શરમ પડે છે ! જા, મારે તારું કામ નથી.’

ગાલ ચંચવાળતો ગુમાસ્તો બોલ્યો : ‘શેઠ, ભાઇને કાઢી મૂકતા સુધી જેની શરમ તમને પડી તેની શરમ મને ભાઇની ગેરહાજરીમાં ન પડે ?’

શેઠ નરમ પડ્યા. ‘હું, ભાઇ, હા. પડે. હવે તને મહેણું નહિ દઉં. જો સાંભળ. શેઠાણીએ કહ્યું કે મારો ધુતારો ભાઇ આવો છે એવી ખબર હોત તો આમ ન થવા દેત ને આ ભાઇ તો મારો દીકરો તે મને ભૂખી મૂકી સૂશે નહીં સમજ્યો ? હરિદાસ, સમજ્યો ? કે એ બાયડી સમજી પણ તું ભાયડો ન સમજ્યો ?’

‘શેઠ, ગમે એટલું પણ શેઠાણી જેટલી બુદ્ધિ ત્રણ ટકાના ગુમાસ્તામાં ન હોય. પણ આ તો તમને નાણી જોવા કહ્યું ન હોય ?’

‘ઓ મૂર્ખા ! હજી સમજ્યો નહીં. ભાઇએ તો બહેનને એવું પડીકું આપ્યું છે કે બનેવી ગાંડો થાય કે મરે ! જો આ પડીકું ! શેઠે ખીસામાંથી કાઢી બતાવ્યું.’

હરિદાસ ચમક્યો ને બોલ્યો : ‘હાય, હાય, ધૂર્તલાલ ! તું તો માનવી કાયાવાળો રાક્ષસ જ !’ - ‘શેઠ, હવે તમારી વાત ગળે ઊતરી. આ પડીકું શેઠાણીએ આપ્યું ?’

‘ત્યારે બીજું કોણ આપે ? એને તે પોતાનો ચાંલ્લો વહાલો હોય કે એની ચૂડી ભાંગે એવો ભાઇ વહાલો હોય ?’

‘હરિ ! હરિ ! શેઠ, ખરું કહો છો. પણ-’

‘હજી પણ રહ્યું ?’

‘ના, ના. પણ ભાઇનો પત્તો લાગતા સુધી શું કરવું ?’

‘હું જાતે વાઘ જેવો બેઠો છું - સૌને ખાઇ જાઉ એવો !’

‘એ તો બરોબર. પણ જુઓને અત્યારે જ જરાત તમને ઠીક નથી એવું-’

‘એવું આગળ વધે તો ?’

‘હા.’

‘વધે એમ તને લાગે છે ?’

‘ઇશ્વરના ખેલ કોઇને ખબર છે ?’

ના, એ તો ન કળાય. પણ-પણ-મારું કાળજું ખસે ને ભાઇ જડ્યા ન હોય તો તેને ઠેકાણે તેટલો વખત ચંદ્રકાન્ત અને બુલ્વરસાહેબ કામ કરે.

‘હવે ચોકઠું સજડ બેઠું. મારે સૌ કબૂલ છે.’

‘ત્યારે, જા, કાલ બાર વાગ્યે દુકાને આવીશ ને ધૂન મચાવીશ ને ધુતારાને કાઢીશ.’

હરિદાસે વિચાર્યું કે શેઠ અટકે એમ નથી. હરિ કરે તે સારા સારુ એમ ધાર્યું ને ભાવિ વિચારી બોલ્યો.

‘ઠીક છે, શેઠ. હું કાલ બપોરે મળીશ. પણ મને પોલીસ કમિશનર ઉપર તમારા નામની ચિઠ્ઠી આપો.’

‘શું કરવા ?’

‘કાલે આપ દુકાને આવો ને ધુતારો તોફાન કરે તે અટકાવવા સિપાઇઓ રાખું.’

‘ઠીક છે. એ ઠીક કહ્યું. લે, આ ચિઠ્ઠી લખી આપું.’

શેઠ ચિઠ્ઠી લખવા બેઠા. એક ચિઠ્ઠી લખી ને તેની સાથે બીજી બુલ્વરસાહેબ પર પણ લખી આપી. એ ચિઠ્ઠી હરિદાસને આપી : ‘જો આ પોલીસના સાહેબની. ને આ ચિઠ્ઠી બુલ્વરસાહેબ ઉપર છે. કાલે સવારે આ બંગલે એમને બોલાવી લેખનો બંદોબસ્ત કરાવીશું. ‘ક્ષણં વિત્તં ક્ષણં ચિતં ક્ષણં જીવતિ માનવઃ ।।’ તેમાં મારે તો બધુંયે ‘ક્ષણં ક્ષણં’ છે. સાહેબ આવશે તો ભાઇના પણ સમાચાર મળશે.

હરિદાસે ચિઠ્ઠીઓ લીધી, ખીસામાં મૂકી, અને ઊભો રહ્યો. શેઠ બોલ્યા : ‘હવે જા. એકદમ જા, ભાઇને શોઢી કાઢ.’

અર્ધું ચિત્ત ઠેકાણે અને અર્ધો ભ્રમ, એ અવસ્થા દેખી હરિદાસની આંખમાં આંસુ આવ્યાં. લ્હોતો જે થાય છે તે ઠીક થાય છે જાણી વધારે ગોઠવણ સારું બાલ્યો :

‘હા, શેઠજી, જાઉં છું.’

‘ત્યારે જા.’

‘પણ સવારે જ ધૂર્તલાલ પૂછશે કે પૂછાવશે કે લેખનું શું કર્યું ને હરિદાસની સાથે શી વાત થઇ તો શું કહેશો ?’

શેઠ વિચારમાં પડી ગરીબડા બની ગયા. ‘એ તો તું કહી દે તે કહું.’

‘કંઇ પાર જ ન આપશો. એમ જ કહેજો કે જે કહેવાનું તે તો હરિદાસને કહેલું ચે તેેને પૂછો ને બીજું બધું કાલ બપોરે.’

શેઠ ઊઠી હરિદાસને ભેટી પડ્યા : ‘વાહ, વાણિયા, વાહ. આ તારી અક્કલ ક્યાંથી ચાલે છે ! બરોબર યુક્તિ સુઝાડી. જૂઠુંયે નહીં ને સાંચુયે નહીં. એમાં બધું આવી ગયું ને મારે વિચાર નહીં, કહેવાનું નહીં, લપ નહીં - જા ત્યારે. ‘કાલ બપોરે’ - જા પહેલું ને બીજું બધું કાલ બપોરે -જા.’

હરિદાસ, દીન મુખ કરી, દુઃખી થઇ, સુખી થઇ, નિશ્વાસ મૂક્તો, ઉમંગ આણતો, ભયથી ધડકતે હ્ય્દયે, આનંદથી ઊછળતે હ્ય્દયે, પરસ્પર વિરુદ્ધ દશામાં ખેંચાતો, અનુરક્ત સેવક, શેઠની સંભાળ માળીને અને હરિને સોંપી, છેક, સંધ્યાકાળનું અંધારું પડતાં, શેઠના બંગલમાંથી, વાડીમાંથી, દરવાજામાંથી નીકળ્યો. બુલ્વરસાહેબ અને પોલીસ કમિશનર અને ધૂર્તલાલ એ ત્રણેના વિચાર કરતો ત્રણેને ત્યાં જવાનો દેતા અંધકારમાં માર્ગ વચ્ચોવચ લીન થઇ અદૃશ્ય થઇ ગયો. માત્ર એના મુખમાંથી નીકળેલું એનું છેલ્લું વાકય પળવાર તેની પાછળ અંધકારમાં પવનમાં લટક્યું : હરિ ! તારી ઇચ્છા મોટી છે ! હું રંકથી મહાપ્રયત્નથી ન થાત તે - ઘેલાગાંડા પણ શેઠના વચનમાત્રથી - સિદ્ધ થશે, અને હરિ ! તારી તો એકલી ઇચ્છાથી જ સિદ્ધ થશે ! હરિ ! હરિ ! ધર્મે જય અને પાપે ક્ષય !’ ‘જય’ અને ‘ક્ષય’ શબ્દ અંધકારમાં વિકટોરિયા રથના ચક્ર પાછળ ચક્રના સ્વરમાં પડઘામાં - વીંઝાયા અને સરસ્વતીચંદ્રના બંગલાની ભીંતોમાં લીન થઇ ગયા. સૌ હતું તેવું થયું.

હરિદાસ પ્રથમ પોલીસ કમિશનરને ત્યાં ગયો. લક્ષ્મીનંદન અને સરસ્વતીચંદ્ર ઉભય ઉપર એ અધિકારીની પ્રીતિ હતી. ધૂર્તલાલ એ જાણતો હતો અને તેથી એણે એ અધિકારીના હાથ નીચેનાં કેટલાંક માણસની સાથે તેમના ઉપરીને નામે, કેટલાંકની સાથે લક્ષ્મીનંદનને નામે, અને કેટલાંક સાથે લક્ષ્મીનંદનના દ્રવ્ય વડે પ્રીતિ કરી હતી. આ સૌ જાણનાર હરિદાસને ખાતાના મુખ્ય ઉપરી સાથે પોતાના કાર્યની વ્યવસ્થા કરવી યોગ્ય લાગી. એણે બીજાં તાબેનાં માણસો પાસે ન જતાં સૌના ઉપરીને પકડ્યો, શેઠના મર્મનો ભેદ ખોલ્યો, અને શેઠ દુકાને આવે તે પ્રસંગે થોડાંક પોલીસનાં માણસો પ્રત્યક્ષ થઇ શકે અને કામ લાગે એવી ગોઠવણ કરી. શેઠની ચિઠ્ઠીનો સત્કાર થયો.

બુલ્વરસાહેબે શેઠેની ચિઠ્ઠી વાંચી, શેઠની ઇચ્છાઓ સાંભળી પ્રસન્ન થયો, અને પ્રાતઃકાળે શેઠને મળી સૌ વાત કરવાનું વચન આપ્યું.

ત્યાંથી નીકળી, પોતાને ઘેર જઇ, જમી, હરિદાસ ધૂર્તલાલને ઘેર ગયો. ધૂર્તલાલ એની વર્ષાદની પેઠે વાટ જોતો હતો. હરિદાસે કહ્યું કે શેઠ એકદમ કહ્યું માને એમ નથી પણ કાલ બપોરે દુકાને આવશે તે પ્રસંગે વાત થશે તો વિચારશે. ધૂર્તલાલ શેઠ ઉપર ચિડાયો.

‘હરિદાસ, તારી મદદની ખરેખરી જરૂર પડશે. શેઠ જો સહી નહીં કરી આપે તો કરનાર નીકળશે ને વધારે વાટ ન જોતાં કાલે બપોરે જ ગાંડા ઠરાવી મૂકવા, ને ગાંડાની પેઠે બાંધી કોલાબે પોલીસ મારફત મોકલવા. કોલાબે દાક્તરને કહી મૂક્યું છે પણ વખત નથી આપ્યો તે તારે મારી ચિઠ્ઠી સવારે લેઇ જવું ને તેમને ચેતાવવા.’

ધૂર્તલાલની હિંમત જોઇ આશ્ચર્ય પામતો હરિદાસ બોલ્યો : ‘વાહ, બહુ બેશ ઉપાય શોધ્યો. કાલ બપોરે જ શેઠને ચતુર્ભુજ બનાવી મોકલી દેવા. પણણ પછી ? પોલીસ ક્યાંથી લાવશો ?’

‘આ ચિઠ્ઠી લેઇ લતીફખાન જમાદાર અને ઘૂરકેરાવ હવાલદારને જઇને આપવી કે વખતસર પોલીસને હાજર રાખવી.’

‘એ પણ ઠીક. કોણ ચિઠ્ઠી આપશે ?’

‘હરિદાસ વગર બીજું કોણ ? હું સિદ્ધ ને તું સાધક.’

‘ઠીક છે, શેઠ, બપોરે બાર વાગ્યે એ મારે ફરવું.’

આ ગોઠવણ પાર ઉતારવા સારું હરિદાસે ત્રણ હજારની નોટો રોક્ડ ધૂર્તલાલ પાસેથી લીધી. રાધાસાનીને ત્યાં પણ ધૂર્ત લેઇ ગયો, નાયિકાના હાથની બીડી અપાવી, અને નાયિકા પાસે ઠુમરીઓ ગવડાવી. હરિદાસે બીડી ખીસામાાં મૂકી, ઠુમરીઓ સાંભળવાના રસમાં પડેલા શેઠના સાળા પાસે પ્રસંગે પ્રસંગે દુકાન સંબંધી એના કપટનાં મર્મની કૂંચીઓ ચોરી લીધી, અને આખરે જાતે બીકણમાં ખપી આ હિંમતવાળી પરસ્પર ધૂર્ત-ધૂર્તાની જોડને એકલી મૂકી પોતાને ઘેર ગયો. ધૂર્તલાલની આપેલી ચિઠ્ઠીઓ સાચવી રાખી. ઘણાક વિચાર કરી આખરે સૂઇ ગયો. બીજે દિવસ છેક બપોરે દુકાને ગયો. ત્યાં પ્રથમ ધૂર્તલાલ અને પછી લક્ષ્મીનંદન એકાદ બે મિનિટને અંતે આવ્યા. હરિદાસ બેમાંથી કોઇની સાથે વાત ન કરતાં પોતાની પેટી ઉઘાડી છાનોમાનો એક મોટો ચોપડો ઉઘાડી લખવા બેઠો. નીચે પોલીસનાં માણસ ફરતાં હતાં તેને શેઠે પોતાનાા સાધનરૂપ ધાર્યાં અને ધૂર્તલાલે પોતાનાં ધાર્યાં. હરિદાસને પણ ઉભયે પોતાનો ધાર્યો. ઉભય પોતાનો વિજય સિદ્ધ થવાનો નિશ્ચય કરી પોતપોતાના અભિમાનમાં - દર્પમાં ઉન્મત્ત હતા. છાતી કાઢી સહરુની સલામો ઝીલતા શેઠ પોતાની ગાદીએ બેઠા, મૂછો આમળતો ધૂર્તલાલ પોતાને ઠેકાણે બેઠો. બેની ગાદીઓ વચ્ચે એકાદ હાથનું છેટું હતુ.ં હરિદાસની અને તેમની વચ્ચે ત્રણ ચાર બીજા ગુમાસ્તા બેઠા હતા. ઘણે દિવસે શેઠ દુકાને આવ્યા દેખી સહુ પોતપોતાનું કામ ઉતાવળથી થતું બતાવવામાં ખંતી દેખાયા.

સાળો બનેવી થોડીક વાર કાંઇ બોલ્યા નહીં. અંતે ધૂર્તલાલ બોલ્યો : ‘વાહ શેઠ, આજ આપ પધાર્યે શી દુકાન શોભે છે ? અંબાડી વગરનો હાથી અને પાઘડી વગરનું માથું તેવી શેઠ વગરની દુકાન આજ સુધી હતી.

‘તમે ક્યાં નહોતા ? મારા તમારામાં ક્યાં ભેદ છે ?’ શેઠ અધીરાઇ સંતાડી બોલ્યા.

ધૂર્તલાલ નમી જઇને બોલવા લાગ્યો : ‘શેઠજી, કાલે વાત થઇ હતી તેનો વિચાર કર્યો ?’

‘હરિદાસે વાત કરી નથી ?’

‘બરોબર નહીં.’

‘વાત એકે મને કંઇ સૂઝતું નથી ને સૂઝે નહીં ત્યાં સુધી કંઇ કરવું નથી.’

‘શેઠ, આપને ચિત્તિભ્રમનો આરંભ થયો છે માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી.’

શેઠ તકિયે પડી, પેટી પર પગ લાંબા કરી, બોલ્યા : ‘ખરી વાત; અને તેથી જ હવે હું હુકમ કરું છું કે તમને અત્યારથી મારી દુકાનમાંથી રજા છે.’ બૂમ પાડી શેઠ બોલ્યા : ‘ગુમાસ્તાઓ, ધૂર્તલાલને કાંઇ પૂછવાનું છે ? આ ઘડીથી એને હું રજા આપું છું.’

સૌ ગુમાસ્તાઓ દિઙ્મૂઢ બની જોઇ રહ્યા. ધૂર્તલાલ રાતોચોળ બની ગયો. પણ વચનમાં શાંતિ રેડી બોલ્યો : શેઠજી, આપને ચિત્તભ્રમ હવે જરૂર થયો છે; આપનું ચિત્ત ઠેકાણે હોય તો તો રજા આપનાર ધણી છો, પણ આપની આ સ્થિતિમાં મારી બહેન ને મારા ભાણેેજનો હું વાલી છું અને આપના શરીરની સંભાળ પણ મારે માથે છે. માટે આપ શાંત થાવ.’

ધુતારા ! હું તને એકદમ બરતરફ કરું છું અને આ ઘડી આ મકાન છોડી જવા હુકમ કરું છું. ચાલ, ઊઠ, અહીંથી !’

ધૂર્તલાલ ઊઠ્યો અને પાછો વળી બીજા ગુમાસ્તાઓને કહેવા લાગ્યો : ‘ભાઇ, શેઠ હાથમાંથી ગયા. બહુ દિલગીરીની વાત છે. એમને વશ નહિ રાખીએ તો કંઇ નવુંજૂનું કરી બેસશે.’ કોઇએ ઉત્તર ન આપ્યો. એની આંખ આમ બીજી પાસ હતી એટલામાં શેઠ ઊઠ્યો અને ધક્કો મારી એને કાઢવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યા : ‘મહેતાઓ, બોલાવો મારા ભૈયાઓને અને ભૈયા ન હોય તો પોલીસને. આ ચાંડાલ હવે મારા મકાનમાં નહીં.’ શેઠની આંખ હરિદાસ ભણી ગઇ.

ધૂર્તલાલની નરમાશ ખસી. ‘હરિદાસ, બોલાવ પોલીસને. શેઠ ગાંડા થયા - મહેતાઓ એમને ઝાલો - ઊઠો જુઓ છો શું ?’

ઠાકોરદાસ નામનો મહેતો પ્રથમ ઊઢ્યો, પછી બીજા મહેતા ઊઠ્યા, શેઠને ઝાલવા માંડ્યા, શેઠ સૌને ધક્કા મારી છૂટા થવા અને બૂમાબૂમ કરવા લાગ્યા, ગાંડા થયા’ એમ બૂમો પાડવા લાગ્યા.

આ સર્વના આરંભમાં જ હરિદાસ ધીમે રહી ઊઠ્યો અને બારીમાંથી પોલીસને હાક મારી. ઊભય પક્ષે પોલીસને પોતાની ગણી. જરા વારમાં પોલીસના માણસો ચડી આવ્યાં, તો શેઠને સર્વે ગુમાસ્તાઓ બાંધે અને અંતે ધૂર્તલાલે કહ્યું : ‘હવાલદાર, શેઠ ગાંડા થયા છે અને તેથી મેં એમને બાંધ્યા છે. તેમને પકડી કોલાબે કે જ્યાં લેઇ જવા હોય ત્યાં લેઇ જાઓ.’

‘પોલીસવાળાઓમાંથી એક જણ બોલ્યો : ‘તુમ્હી તર શેઠજીલા ધરલા ના ?’

‘હોય, આમ્હીય ધરલા !’ ધૂર્તલાલ ફૂલી બોલ્યો.

‘તુકોજી, પહિલા તર રહ્યા ધૂર્તાલા ચ હેંડકફ કરૂન ધ્યા. મગ હ્યા સર્વ મંડળીલા ધ્યા, આણિ શેઠજીલા સોડૂન દ્યા.’

ધર્તલાલ અને મહેતાઓ ગભરાયા. ઘડીના છઠ્ઠા ભાગમાં ધૂર્તલાલ અને એના સર્વ મંત્રીઓને ચતુર્ભુજ કરી ચાર પાંચ સિપાઇઓને હવાલે કરી હવાલદારે કહ્યું : ‘તુકોજી, કહ્યા લોકોને શેઠજીલા ગૈરકાયદેસીર કૈદ કેલા તે આપણા પ્રત્યક્ષ કેલા. આતાં કમિશનરસાહેબ કડે સર્વ મંડલીલા ઘેઉન તુહ્મી જા. મી પુઢેં યેતો.’

સિપાઇઓ સર્વને ઘસડી ગયા. શેઠ, હવાલદાર, હરિદાસ અને બે સિપાઇ રહ્યા. શેઠને છોડ્યા. તેમને બાંધ્યા હતા તે દુપટ્ટો મુદ્દામાલ ગણી લીધો.

‘કાય, શેઠજી, આતાં કાય હુકમ આહે ?’

‘હવાલદાર, હું પાછળ આવું છું અને સાહેબ પાસે આવી ફરિયાદી કરું છું.’

સલામ કરી હવાલદાર ગયો. પાછળ શેઠ અને હરિદાસ રહ્યા.

‘કેમ, શેઠજી, જોઉ લુચ્ચાઓની હિંમત ?’

‘હરિદાસ, મને પહેલો ઉગાર્યો ઇશ્વરે અને બીજો તેં. આ ઘુતારો તો મને ગાંડાની હૉસ્પિટલમાં મોકલી દેવાનું કરતો હતો.’

‘હા જી, મને ખબર છે. આ ચિઠ્ઠીઓ વાંચો.’

નગરમાં વાત વાએ ચડી. હો હો થઇ રહી. શેઠ ચિઠ્ઠી વાંચે છે એટલામાં બુલ્વરસાહેબ આવ્યા. તેમની સાથે હાથ મેળવી ખુરશી પર બેસાડ્યા. બેસાડતા બેસાડતાં શેઠ બોલ્યા : ‘હરિદાસ, આ ચિઠ્ઠીઓ સાહેબને પણ દેખાડીશું.’

સાહેબ શેઠ પાસે બેઠા. શેઠની સર્વ વાર્તા એણે પ્રાતઃકાળે સાંભળી હતી અને ફરી મળવાનું બપોરે ઠરાવ્યું હતું. ધૂર્તલાલે પોલીસનાં માણસ પર લખેલી તથા કોલાબા ઉન્માદારોગ્યભવનના૧ દાક્તર પર લખેલી ચિઠ્ઠીઓ હરિદાસ પાસેથી વાંચી. શેઠને ગાંડા ઠરાવવાનો તથા પકડવાનો પ્રપંચ તેમાં સ્પષ્ટ હતો. પ્રથમ રાત્રે ધૂર્તલાલ દીધી અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહી દીધું. પ્રામાણિક અને સેવાનિષ્ઠ સેવક ઉપર ઉભય ગૃહસ્થો પ્રસન્ન થયા. અંતે વિચાર કરી સાહેબે અભિપ્રાય આપ્યો કે ચિઠ્ઠીઓ તેમ જ નોટો પોલીસ કમિશનર સાહેબને તરત સોંપી દેવી, તેને અથઇતિ વાર્તા વિદિત કરવી, અને આખર કામ ચાલે ત્યાં સુધી પુરાવા રૂપે સ્પષ્ટ થાય એવી યોજના પોલીસને જ સોંપવી. શેઠે કરવાનો લેખ સાહેબે પસંદ કર્યો પણ તે લેખ તરત કરવો કે આ સૌ કામ ચાલી રહ્યા પછી તે વિશે કોઇ વકીલ બારિસ્ટરનો અભિુપ્રાય લેવા ઉપર રાખ્યું. હરિદાસને આ સર્વ કામમાં ઉપયોગી કરવા મુંબઇ રાખવાનું ઠરાવ્યું. ચંદ્રકાન્તમાં સર્વ સમાચાર કહી શેઠને સાહેબે ધૈર્ય આપ્યું અને પુત્રનો શોધ એના હાથમાં સોંપી દ્રવ્યનું સાહાય્ય આપવા કહ્યું અને તે પ્રમાણે બેત્રણ હજારની હૂંડીઓ રત્નનગરી મોકલી. આ સર્વ ગોઠવણ કરી સાહેબ ઘેર ગયા. શેઠ અને હરિદાસ પોલીસમાં ગયા.

પોલીસ કમિશનર બહુ સુજ્ઞ અને અભિજાત અધિકારી હતો. શેઠની ફરિયાદી અને હરિદાસની જુબાની તેમ બીજાં પોતાનાં માણસોની જુબાનીઓ એ સાહેબે તરત લેવડાવી પોતાના એક વિશ્વાસુ ચીફ કૉન્સ્ટેબલને વધારે તપાસ કરવાનું સોંપી શું શું પરિણામ થાય છે તેનું ઘડી ગડી પોતને નિવેદન કરવાની આજ્ઞા કરી. લતીફખાન અને ધુરકેરાવ પોતાના ઉપર લખેલી ચિઠ્ઠી પૂરી સમજાઇ નહીં એમ બતાવી ખેદ દેખાડ્યો. ચિઠ્ઠી સમજાવવાને ધૂર્તલાલને વિજ્ઞપ્તિ કરવાથી એણે વાંચી સમજાવી અને એ નિમિત્તે એ ચિઠ્ઠી એણે પોતે લખી છે એવું નક્કી કર્યું. ધૂર્તલાલે હરિદાસને આપેલી નોટોના નંબર વગેરે વિગતની નોંધ શેઠના તેમ ધૂર્તલાલના ચોપડામાં હતી. કારણ એ નોટો પ્રથમ વગેરે વિગતની નોંધ શેઠના તેમ ધૂર્તલાલના ચોપડામાં હતી. કારણ એ નોટો પ્રથમ શેઠને ત્યાં અને પછી ધૂર્તલાલને ત્યાં એમ બેને ત્યાં ગઇ હતી અને તેથી બેને ત્યાં તેના દાખલા હતા. આ પ્રમાણે પોલીસનું શોધન તડામાર ચાલવા માંડ્યું. સર્વ વાર્તા અને ગપો વર્તમાનપત્રોમાં ઉપરાઉપરી આવવા માંડી અને ધૂર્તલાલ તથા શેઠ સૌની જીભે ચડ્યા આવી સાથે સરસ્વતીચંદ્ર નાસી ગયાની વાર્તા તેમ લક્ષ્મીનંદનના મનની અને કુટુંબની દુઃખભરેલી સ્થિતિનું વર્ણન પણ બહુ ચિત્તવેધક રીતે છપાવા લાગ્યું. બુલ્વરસાહેબ આ સર્વ વીગત પ્રસિદ્ધ કરવામાં સવિશેષ આતુરતા અને આગ્રહ રાખતા હતા, કારણ તેમના મનમાં એમ હતું કે સરસ્વતીચંદ્ર ગમે તેટલે દૂરના કોઇ ખૂણામાં પડ્યો હશે પણ વાંચવામાં ગમે તેમ કરીને પણ આ વર્તમાન જવા પામશે તો એનાં પિતૃવત્સલ મર્મસ્થાન ચિરાશે અને સર્વ આગ્રહ તથા મમત મુકાવી પિતા પાસે બોલાવશે.

લક્ષ્મીનંદનનું દુઃખ વાંચી પુત્રનું અંતઃકરણ દ્રવે એવી નાની નાની વાતો અને લક્ષ્મીનંદનનું દ્રવ્ય ખરચી બુલ્વરસાહેબે પુસ્તકાકારે તેમ વર્તમાનપત્રો વગેરેમાં ઘડી ઘડી પ્રસિદ્ધ કરી. સરસ્વતીચંદ્રે પિતાને લખેલા પત્રની કાંઇક કડીઓ શેઠને યાદ હતી તે પરથી નવી કવિતા રચી પ્રસિદ્ધ કરી તરંગશંકરે ‘ગુર્જસ્વાર્તિક’માં છપાવી કે :

‘દુઃખી તું તે પિતિાને શું ! ઝૂરે ઘેલો, બીજું તે શું ?

ઝૂરે ઘેલો પિતા તારો, ગણે છે દેહ ગોઝારો.

હશે ભૂલો સુતે કીધી, પિતાએ ચિત્ત ના લીધી;

પિતાની ભૂલ થઇ એક, ખમે ના પુત્રનો ટેક !

જગતમાં કંઇ પડ્યા જીવ, પિતાનો પુત્રમાં જીવ;

અહો ભાઇ ! અહો ભાઇ ! - કહી જીભ જાય સુકાઇ.

પિતા દે લક્ષ્મીને ગાળો - અરે મુજ પુત્ર તેં કાઢ્યો.

નહિ જોવું ! સદા રોવું ! પિતાએ આંસુ નહિ લ્હોવું !

પિતાથી પુત્ર જો ન્યારો, પિતને મૃત્યુનો વારો.’

લક્ષ્મીનંદનને આ કવિતાથી કંઇ સંતોષ ન વળ્યો. એણે તો પોતાને નામે થોડુંક છપાવ્યું : ‘ઓ ભાઇ ! આમ તે હાડ શું જાય છે ? આ મારાં પળિયાંની જરા તો દયા આણ ! અરેરે, મારું કોઇ નથી જો ! તું જ્યાં હોય ત્યાંથી હવે આવ ! મને હવે કાંઇ સૂઝતું નથી. હવે તો આજથી એક મહિનો તારી વાટ જોઇશ ને ત્યાં સુધીમાં જો તું નહીં આવે તો દશરથજીની પેઠે પ્રાણ કાઢીશ. ઓ ભાઇ, છેક આવોે નિર્દય તે કેમ થયો ? જ્યારે ત્યારે તું મારો નહીં થાય ત્યારે આ ઘડપણમાં હું તે હવે કોનું મોં જોઇશ ?’

આ વાક્યો જે પત્રમાં છપાવવાનાં હતાં તે પત્રના તંત્રીએ એ વાક્યોનું બુલ્વરસાહેબને ભાષાંતર કરી બતાવ્યું, અને ઉત્તરમાં સાહેહબે કહ્યું કે : ‘છાપી દો, શેઠની સહી સાથે છાપી દો; જો સરસ્વતીચંદ્ર એ વાંચશે તો જ્યાં હશે ત્યાંથી આવશે. શિકારીના હલકારા જેમ સિંહ જેવાં પ્રાણીનો મહાપ્રસાદ ત્યજાવે છે તેમ આ પુરુષનો અતકર્ય ઉન્માદ એના પિતાનાં આ વાંચતાં જ છૂટી જશે. શેઠનાં આ વાક્ય મોટે મોટે અક્ષરે છાપજો.’