Kalpanik Vastavikta - 17 in Gujarati Fiction Stories by Bhargav Patel books and stories PDF | કાલ્પનિક વાસ્તવિકતા - ૧૭

Featured Books
Categories
Share

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૭

કાલ્પનિક વાસ્તવિકતા – 1૭

ભાર્ગવ પટેલ

બપોરે ઘરનું તમામ કામકાજ પૂરું કરીને, સાસુ અને સસરા આરામ કરે છે એની ખાતરી કરીને અમીએ કી-હોલ્ડરમાંથી સ્કૂટીની ચાવી લીધી અને ગઈ કાલના વિશાલના બનાવ અંગે વધુ માહિતી મેળવવા સૂરસાગર લેકથી નજીકના લહેરીપુરા પોલીસ સ્ટેશનની ચોકીએ પહોચી.

“કોનું કામ છે મેડમ? ફરિયાદ લખાવવાની છે? તો સામે બાંકડા પર બેસો, અત્યારે ફરિયાદીઓ વધારે છે અને સાહેબ વ્યસ્ત છે..”, હવાલદારે સરકારી લહેકા સાથે કહ્યું.

“મારે એક્ચ્યુલી ઇન્સ્પેકટર મકવાણાનું કામ છે”

“કોનું? કયા ઇન્સ્પેક્ટર?”, અત્યાર સુધી ફાઈલમાં જ મોઢું નાખીને વાત કરી રહેલા હવાલદારે મકવાણાનું નામ સંભાળીને તરત અમીની સમું જોયું.

“મકવાણા. સબ ઇન્સ્પેક્ટર મકવાણા”, અમીએ ગત રાત્રે વિશાલને ઘરે મુકવા આવેલા ઇન્સ્પેકટરની વર્દી પર જમણી બાજુએ લખેલી નામની તકતી પર વાંચેલું નામ કન્ફોર્મ કરતા થોડું વધારે જોર આપ્યું.

“સોરી મેડમ પણ આ પોલીસ સ્ટેશન તો ઇન્સ્પેક્ટર જાડેજાના તાબા હેઠળ છે. મકવાણા કરીને કોઈ અહી નથી.”

“એવું કઈ રીતે બની શકે? અહી સૂરસાગર તળાવ બાજુ પેટ્રોલિંગ આ પોલીસ સ્ટેશનથી જ થાય છે ને?”, અમીએ વાતની ખાતરી કરવા પૂછ્યું.

“જી હા મેડમ”

“તો પછી મકવાણા સાહેબ અહી જ હોવા જોઈએ ને?”, અમીએ કહ્યું.

“અરે મેડમ હું કહું છું તો ખરો કે અહી જાડેજા સાહેબ જ છે. કહેતા હોય તો એમને મળવા મોકલું તમને”, અમીની પૂછપરછથી કંટાળીને હવાલદાર છેલ્લે બોલ્યો.

“હા હવે તો એમને મળવું જરૂરી જ છે મારા માટે”, અમીના અવાજમાં શકની લાગણી ભળી.

“ઠીક છે બેસો અહી હું એમને કહું છું”, કહીને હવાલદાર અંદર ગયો.

“ઓકે”

થોડી વાર પછી બહાર આવીને હવાલદાર બહાર આવ્યો અને અમીને અંદર જવા માટે કહ્યું.

અમી જાડેજાના ડેસ્ક પાસે જઈને એમની સામેની ખુરશીમાં બેઠી.

“બોલો મેડમ હું આપની શું મદદ કરી શકું?”

“સર મારું નામ અમી છે અને હું અલકાપુરી વિસ્તારમાં રહું છું, ગઈકાલે રાત્રે મારા ઘરે ઇન્સ્પેક્ટર મકવાણા કરીને કોઈ આવ્યું હતું અને મારો ભાઈ સૂરસાગરમાં છલાંગ લગાવવા જઈ રહ્યો હતો એમ કહીને ઘરે મૂકી ગયા હતા”, અમીએ માંડીને બધી વાત કરી.

“ઇન્સ્પેક્ટર મકવાણા?? એ વળી કોણ?”, જાડેજાએ પણ હવાલદાર જેવા જ મુખભાવ સાથે પૂછ્યું.

“હું પણ એ જ પૂછું છું તમને? અહી કે આસપાસના કોઈ એરિયામાં મકવાણા કરીને કોઈ ડ્યુટી પર છે કે નહિ?”

“છેક ગોલ્ડન ચોકડી પાસે મકવાણા કરીને એક સબ ઇન્સ્પેક્ટર છે તો ખરા, પણ એ અહી અમારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરે એ વાત તો સાવ માન્યમાં ના આવે એવી જ છે. કારણ કે ઓલરેડી ગોલ્ડન ચોકડી વિસ્તાર એક બીઝી એરિયા છે. ત્યાં ટ્રક અને અન્ય વાહનોનું ચેકિંગ માટે મકવાણા ઘણા વ્યસ્ત રહેતા હોય છે.”

“મારું પણ એ જ કહેવું છે. તો પછી એ કોણ હતું કે જે ગઈ કાલે મારા ઘરે આવ્યું હતું. અને બીજી પણ એક વાત છે સર”

“શું?”, જાડેજા હવે અમીની વાતમાં સારો રસ લઇ રહ્યા હતા.

“ગઈ કાલે બપોરે એક શખ્સ છેક શક માર્કેટથી મારો પીછો કરતો કરતો મારા ઘર સુધી આવ્યો. પછી મારા ઘર આગળ થોડી વાર ઉભો રહીને નીકળી ગયો.”

“તમારી પાસે એની કોઈ વિગત છે?”

“હા મેં એની બાઈકનો નંબર યાદ રાખેલો હતો”

“વેરી ગૂડ. એ અમને લખાવી દો જેથી અમે એની તપાસ ચાલુ કરી શકીએ”

“જી”, અમીએ એની બાઈકનો નંબર લખાવ્યો.

“અને હજી એક બીજી વાત છે જે મેં સંકેતને પણ નથી કહી અપન આજે તમને કહી દઉં કે જેથી કદાચ કેસની કોઈ કડી મળી જાય”

“હજી બીજી કોઈ વાત??? આઈ થીંક તમે તમારી ફેમીલીથી ઘણું છુપાવી રહ્યા છો મિસિસ અમી”

“મને ખ્યાલ છે સાહેબ પણ હું શું કરું? જો આવી બધી બાબતોમાં મારા હસબંડનું ધ્યાન અટવાયેલું રહેતું તો પછી જે સપનું લઈને અમે બધું છોડીને ઘરેથી અહી આવ્યા હતા એ કેવી રીતે પૂરું થાત?”, અમી ના રડવાનો પૂરો પ્રયત્ન કરી રહી હતી. પણ જાડેજા બધું સમજતા હતા.

“આઈ કેન અંડર્સ્ટેન્ડ! બોલો બીજી શું વાત હતી?”

“જ્યારથી મારું મેરેજ સંકેત સાથે થયું ત્યારથી મને મારા અડ્રેસ પર અનામી વ્યક્તિ ફૂલોના બુકે મોકલાવે છે. ખબર નહિ એ કોણ છે! એનો પત્તો હજી મને નથી મળ્યો. શરૂઆતમાં સંકેતને આ બાબત ખબર હતી પણ એમના એક્સીડેન્ટ અને પછી આ બીઝનેસમાં સતત વ્યસ્ત હોઈ મેં એમને આ વિષયે ફરી કોઈ વાર વાત કરી નથી. હજીયે એનો સિલસિલો ચાલુ જ છે. પણ સંકેત કે અન્ય કોઈને જાણ ના થાય એ રીતે હું એ બુકે કચરાભેગું કરી દઉં છું”

“આપનો કોઈ વિરોધ ના હોય તો એક વાત જાણી શકું?”

“હા સર”

“તમારો કોઈ ભૂતકાળ છે? આઈ મીન યુ નો વ્હોટ આઈ મીન”

“જી સર. મેં એ પણ ખાતરી કરી છે કે આ એનું કારસ્તાન નથી”

“એફ આઈ આર લખી દઉં કે પછી રહેવા દઉં?”, અમી પહેરવેશ અને બોલી પરથી ઊંચા ઘરની લાગતી હોઈ જાડેજાએ પૂછ્યું, “કારણ કે આ વાતો ઓછાવત્તા અંશે ગંભીર ગણી શકાય”

“ઉમ્મ્મ... અત્યારે તમે માત્ર આ બાઈક વાળાની અને મકવાણાની તપાસ ચાલુ કરી શકો?”, અમીએ લાંબુ વિચાર્યા પછી પૂછ્યું.

“હા કરી શકીએ જ છીએ સ્યોર”

“ઠીક છે તો પછી તમે તપાસ ચાલુ કરાવી દો. પછીથી કશું વધારે અજુગતું લાગે તો એફ આઈ આર લખાવીશ”, જાડેજાને જે જવાબની આશા હતી એ જ જવાબ અમીએ આપ્યો.

“ઠીક છે મેડમ અત્યારે જ તપાસ ચાલુ કરાવવા ચક્રો ગતિમાન કરી જ દઉં છું અને આજુબાજુના તમામ ચેકપોસ્ટ પર ફોનથી આ બાઈકની માહિતી આપી દઉં છું એટલે જેને જેને માહિતી મળશે એ મને અહી ઇન્ફોર્મ કરશે અને હું તમને કહીશ. હવે રહી વાત પેલા મકવાણાના રહસ્યની, તો એ વિષેની તપાસ હું જાતે કરીશ, ડોન્ટ વરી”

“થેન્ક યુ સો મચ જાડેજા સર”

“પ્લેઝર ઈઝ ઓલ માઈન, આ મારી ફરજ છે મેડમ”

“તો પણ, થેન્ક્સ અ લોટ”

“ઇટ્સ ઓકે”

અમી પોલીસ સ્ટેશને આવી છે અને આ બધા બનાવ અંગેની કશી જ વિગત હજી સંકેત, મુકેશભાઈ, અસ્મિતાબેન કે વિશાલને નહતી. અમી બધાને હાલના તબક્કે કશું જ જણાવવા માંગતી નહતી. સ્થિતિ એના કંટ્રોલ બહાર જાય ત્યારે જ સંકેતને જણાવવું એવું એ વિચારતી હતી.

ઘણી વાર આપણે આપણી જાતને ઓવર-એસ્ટીમેટ કરતા હોઈએ છીએ. સ્થિતિની ગંભીરતા સમજવા જેટલી આવડત હોવા છતાય આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ.

*****

“વિવેક તું એક કામ કર ભાઈ!”, સંકેતે વિવેકને ઉદ્દેશીને કહ્યું. બપોરના ત્રણ વાગવામાં હતા.

“બોલો ને સર”, વિવેકે કહ્યું.

“તું અને આપણો બીજો એન્જીનીયર બંને કોઈ પણ હિસાબે ઇવન બહાનું પણ બનાવીને આજે હાર્દિકભાઈને ત્યાં જાઓ અને એમનું મશીન કઈ રીતે ચાલુ થયું? કંટ્રોલર નાખેલું હોય અને નવું લાગતું હોય તો એના બધા સ્પેસિફિકેશન નોટ કરી લેવાના શું કહ્યું?”, સંકેત હવે આ બાબતની હકીકત જાણવા માટે અધીરો હતો.

“ડોન્ટ વરી સર! મેં આજે સવારે જ હાર્દિકભાઈને ફોન કરીને મશીનના પ્રિવેન્ટીવ મેન્ટેનન્સની વિઝીટ માટે વાત કરી દીધી છે એટલે આજે ચાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ મળી જ ચુકી છે”

“ગ્રેટ વર્ક વિવેક, તો તમે બંને જાઓ અને શું છે શું નહિ એની રજેરજની માહિતી લઇ આવો પછી જોઈએ છીએ કે આ કેસમાં આગળ શું કરી શકાય એમ છે!”

“સ્યોર સર”, કહીને બંને રવાના થયા.

*****

“હેલ્લો મકવાણા! જાડેજા બોલું છું લહેરીપુરા પોલીસ સ્ટેશનથી”

“બોલો બોલો જાડેજા સાહેબ”

“તમે સૂરસાગર વિસ્તારમાં પેટ્રોલિંગ ક્યારથી શરુ કર્યું?”

“ખબર ના પડી સાહેબ!”, મૂંઝાયેલા મકવાણાએ કહ્યું.

જાડેજાએ બનાવની તમામ વિગતો કહી.

“બને જ નહિ સાહેબ”, મકવાણાએ આશ્ચર્ય સાથે કહ્યું, “એ બાજુ તો છેલ્લા મહિનાથી અવાયું જ નથી, અને તમારા જેવા બાહોશ ઇન્સ્પેકટર હોવા છતાં મારે ત્યાં પેટ્રોલિંગ કરવાની શું જરૂર પડે?”

“તો પછી તમારી ખાખી વર્દી કોઈ અન્ય પહેરીને કોઈના ઘરે જઈ આવે એવું બની શકે?”

“અરે સાહેબ એ વસ્તુ કોઈ કાળે શક્ય નથી. ઇટ્સ સિમ્પલી ઈમ્પોસીબલ! કોની મજાલ જે મારી વર્દીને હાથ લગાવે?!”, મકવાણા અણછાજતું વાક્ય સંભાળીને ભડક્યાં એવું કહી શકાય.

“એ વાત શક્ય નથી એ મને પણ ખબર છે મકવાણા, પણ વાત એમ છે કે આવું થયું જ છે એટલે સ્પષ્ટતા ખાતર તમને પુછુ છું”

“એનો વાંધો નથી સાહેબ પણ આજકાલ આમેય નકલી પોલીસના ઘણા કેસો ધ્યાનમાં આવે છે, કદાચ આ કિસ્સામાં પણ એવું જ હોય”

“હા! આ હરામના પીલ્લાઓનું હવે બહુ થયું”, જાડેજા દાંત ભીસીને બોલ્યા, “હવે ઠોસ કાર્યવાહી કરવાનો વખત પાકી ગયો હોય એમ લાગે છે”

“હા જાડેજા! વાત તો તમારી બિલકુલ સાચી છે. શું કરી શકાય હવે?”, મકવાણા પણ જાડેજાનો સાથ આપવા માટે તૈયાર હતા.

“એક કામ કરી શકો?”

“બોલો”

“વડોદરાના અડધા અડધા પોલીસ સ્ટેશન આપણે વહેંચી લઈએ અને ક્યાં કેટલા આવા નકલી પોલીસવાળા કેસો ફાઈલ થયા છે અથવા તો કેસો ફાઈલ ના થયા હોય પણ માત્ર રીપોર્ટ થયા હોય એ બધાની વિગતો લઇ લઈએ અને પછી આગળ શું થઇ શકે એ નક્કી કરીએ”

“સો ટકા! લેટ્સ ડુ ઈટ”

“જય હિન્દ”

“જય હિન્દ”

એ ફોન મુકીને તરત જાડેજાએ અમીને ફોન કર્યો.

“હેલો! ઇન્સ્પેક્ટર જાડેજા વાત કરું છું”

“એક મિનીટ સાહેબ”, અમીએ દાળનો વઘાર કરવાનું માંડી વાળ્યું અને બાલ્કનીમાં જઈને વાત શરુ કરી.

“બોલો સર”

“તમારા ઘરે જે મકવાણા આવ્યો હતો એ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર હતો”

“શું?”, અમીને ધ્રાસકો પડ્યો.

“જી હા મિસિસ અમી! આજકાલ વડોદરા અને અન્ય શહેરોમાં ડ્યુપ્લીકેટ પોલીસના ઘણા કિસ્સા બહાર આવ્યા છે. ઘણાની એફ આઈ આર થઇ છે તો ઘણા માઉથ ટુ મૌથ રીપોર્ટ થયા છે જેમ આપના કેસમાં બન્યું”

“બરાબર”, અમી કશું સમજી શકતી નહતી.

“મેં તમને પ્રાઈમરી માહિતી આપવા જ ફોન કર્યો હતો. વિગતે માહિતી મળે એમ તમારો સંપર્ક કરવામાં આવશે”

“થેંક યુ સર”

“ટેક કેર, જય હિન્દ”

“જય હિન્દ”

ફોન મુકાયો અને અમીના મનમાં વિચાર-વંટોળ ઉદભવ્યું. વિશાલ સાથે નકલી પોલીસ હતી એ વિશાલને ખબર હતી કે નહિ? અને ખબર હતી તો એ એવું કયા કારણોસર કરી શકે? બધું સંદિગ્ધ હતું.

આ તરફ સંકેત હજી વિવેક અને બીજા એન્જીનીયરના આવવાની રાહ જોતો હતો. એના મનમાં પણ હજી સતત એ જ સવાલો ઘુમરાયા કરતા હતા. અચાનક ઘરમાં એકબીજાને ખબર નહતી પણ બંને જણ અંદર અંદરથી ગૂંગળાયા કરતા હતા. એકબીજા સામે નોર્મલ રહેવાનો ભારે પ્રયત્ન થતો હતો.....

(વધુ આવતા અંકે)

(તા.ક – માતૃભારતીની સાથે હું હતો છું અને રહીશ. પેમેન્ટ ના મળવાથી મારા લખાણ અને કાલ્પનિક વાસ્તવિકતા પર કોઈ જ અસર પડશે નહિ. જેની સર્વે વ્હાલા વાચકમિત્રોએ નોંધ લેવી.)

કાલ્પનિક વાસ્તવિકતા – 1૭

ભાર્ગવ પટેલ