II સંકલ્પ II
સૂર્યનાં અજવાળા વિરમી રહ્યા છે અને વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક પ્રસરી રહી છે. સાંજનાં કિરણો ધરતીને જાણે છેલ્લો ઓપ આપી રહ્યા છે. આભ જાણે કેસરિયો ચંદરવો બની ગયું છે.એમાંથી વાદળો ડોકિયું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.પંખીઓ પોતાની સફર સમેટીને પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા છે. સંકલ્પ કવિતાની છેલ્લી પંક્તિ લખી અને નોટબૂક બંધ કરીને બારીમાંથી આથમતી સુંદર સાંજ જોઈ રહ્યો.એના મનમાં આભમાં જોતા જોતા વિચારોના વાદળ એક સાથે ઘેરાઈ વળ્યા. કવિતાનાં વિષય અને વિચારો એને જીવનનાં વીતી ગયેલા પ્રકરણો યાદ આવી ગયા. એ યાદો રૂપી વરસાદ જાણે વરસી પડશે એવો એહસાસ થયો . વીતી ગયેલી જિંદગીની એક એક પળ બાળપણથી આજ સુધીની યાદો વરસતા વરસાદની બુંદની જેમ ધીરે ધીરે એના મનને ભીંજવી રહી.યાદોની એ વર્ષાથી એની આંખોમાં ભીનાશ ફરી વળી. આંખમાં આંસુ આનંદના છે કે પીડાના એ સમજાઈ નથી રહ્યું પરંતુ એ જીવન સફરની ખાટી મીઠી યાદોના સંસ્મરણમાં સરકી ગયો ,એને પોતાના જીવનની એક એક ક્ષણ જાણે માનસપટ પર એક ચિત્રપટની જેમ જોઈ રહ્યો.પોતાનું જીવન જ એક અંધારી પથરાળી પથ પર જ્ઞાન અને પ્રેરણાનો પથ બની રહ્યો હતો.
માં મને બાલમંદિરમાં મુકવા આવી છે એ બાલકુંજ જે મારા શિક્ષણ જીવનની શરૂઆત.હું રડમસ ચહેરે એના પાલવનો છેડો છોડીજ નથી રહ્યો. બીજા ઘણા મારી ઉમરના બાળકો રમી રહ્યા હતા .બાલકુંજનાં આચાર્ય રેણુકાબેનનાં ખોળામાં એક બાળક રમી રહ્યું હતું.માં એ રેણુકાબેન પાસે જઈને મને સોપ્યો બહેને પેલું બાળક બાઈને સોપી મને લીધો.માં જેવાજ વાત્સલ્યમૂર્તિ નાં ખોળામાં જઈને હું શાંત થઇ ગયો એ માં જેવુજ વહાલ કરતા, માં મને મુકીને ઘરે ગયા.આજે પણ યાદ છે એ બાલકુંજ જેમાં બાળવાર્તાઓ, કવિતા, પ્રાર્થના ,બાળગીતો ગવડાવતા. એક બાળગીત અને પ્રાર્થના આજેય કંઠસ્થ છે. રોજ પ્રાર્થના કરાવતા....”હે ભગવાન તમે સાંભળજો કાલાઘેલા મારા બોલ.....અને બાળગીત “મારા પ્રભુતો નાના છે દુનિયાભરના રાજા છે”.આ બાળગીત હું નૃત્ય સાથે કરતો.મારો જન્મ પણ મણિનગરમાં એલ.જી.હોસ્પીટલમાં થયેલો.મણીનગરમાં જ પ્રેરણાકુંજ સોસાયટીમાં મારા પિતાજીનો પિતૃસ્મૃતી નામે બંગલો હતો. પિતાજીને જમીનો અને દુકાનો હતી મિલોની જમીનના ભાડા આવતા અને એલ.આઈ.સીનું કામ કરતા.ખુબ સુખ સમૃદ્ધિ હતી. અમે છ ભાઈ બહેન એમાં હું સહુથી નાનો હતો બધાનો લાડકો હતો એ સમયમાં ખુબ સુખ હતું. દિવાળી જેવા તહેવારમાં ખુબ ફટાકડા ઘરમાં આવતા મોટાભાઈ મને ફોડાવતા. બંગલામાં વિશાળ બગીચો ફળફળાદીનાં વૃક્ષો ફૂલછોડ અને શાકભાજીનો મોટો વિભાગ હતો. માં એમાં જુદી જુદી ઋતુ પ્રમાણે શાકભાજી વેલા બધું બાપુની મદદથી કરતા. મોટાભાઈઓ પણ ખુબ મદદ કરતા.ઘર બગીચામાં જ બધી શાકભાજી જેવીકે મેથી,રીંગણ ,મરચા,ટામેટાં,મકાઈ,દુધી,ભીંડા, ગલકા,તુરિયા,તુવેર બધુજ થતું. એ સમયે આ નાની અણસમજુ આંખોએ બધુંજ જોયું છે માણ્યું છે. વરસાદની ઋતુમાં ચારોતરફ લીલોતરી છવાઈ જતી અને ધરતીમાંથી અનેરી ખુશ્બુ આવતી હજી જાણે તાજી છે. ઝરમર વરસાદે રમવા દોડી જતો અને સ્પોકમાંથી બનાવેલ કોચિયું ખુબ રમતો જેમાં પોપટ કબૂતરના પીંછા બાંધેલા હોય .માં શાક કરીયાણું કે કોઈ સગાસંબંધીને ઘરે જો મુકીને જાય, તો બંગલાના વિશાળ ચોકમાં પેન આપી કહે મોર પોપટ જેવા ચિત્રો દોરી રાખજો કહીને બહાર જતા. આજે પણ બીજા ભાઈઓ સાથેની મસ્તી તોફાન યાદ છે.ઉનાળામાં ધાબે જાવાનું પથારીમાં અળોટવાનું તોફાન યાદ છે.નાકા ઉપર આવેલા મ્યુનીસીપલ અખાડામાં આનંદમેળો થાય . ૧૫મી ઓગસ્ટે ફેન્સી ડ્રેસ હરીફાઈમાં રાજા બનેલો મને નીંદર આવી ગયેલી મને ઉઠાડી સ્ટેજ પર લઇ ગયા હતા ઇનામ જીતી ગયેલો મીઠી યાદોની જાણે વણઝાર છે મણીનગરનાં એ બંગલામાં મારી ઉંમરના આશરે ૧૦વર્ષ વીતી ગયા અને પછી કઠમાળ શરુ થઇ.
મારી અણસમજણી ઉંમરમાં બધું જ બદલાઈ ગયું. પિતાજીને એમના બીજા ભાઈઓ અને ભાગીદાર જોડે ઝગડા થયા પિતાજીએ બંગલો વેચી શહેર કોટવિસ્તારમાં રેહવા જવાનો નિર્ણય લીધો.ખબર નહિ કઈ ઘડીએ નિર્ણય લીધો અને જીવનમાં બસ મુશ્કેલી અને દુખ ચાલુ થયા. માં મને કહેતા કે એમને પિતાજીને ખુબ વિનવણી કરેલી સમજાવેલા બંગલો નાં છોડવા અંગે પણ નાં જ માન્યા માં એ ભીની આંખે સેવા રૂમમાં દીવો કર્યો ભારે હૈયે બંગલો છોડ્યો. ટ્રકમાં સામાન ભરીને શહેરમાં ખાડીયા વિસ્તારમાં રહેવા આવી ગયા. ભાઈઓ સાથે ટ્રકમાં બેસીને સફર કરેલી એ પણ આછી યાદ હજી છે.એ બધુજ યાદ આવતા આજે પણ નિસાસો નીકળી જાય છે.
******
ખાડિયાના ઘરમાં આવીને જાણે કુટુંબની પડતીની શરૂઆત થઇ. પિતાજીએ કામ કરવું બંધ કરી દીધું.વડીલોપાર્જિત મિલકતો અને એના ભાડામાં જે માસિક માત્ર ૯૦ રૂપિયા હતું એમાં આ વિશાળ પરિવાર નો ખર્ચ ઉઠાવવાનો જે અત્યંત કપરું હતું. માં પિતાજીને કામ પર જવા કહેતી ખુબ સમજાવતી રોતી કકળતી પણ પથ્થર ઉપર પાણી હતું.ઘરમાં કાયમ ખાવાપીવા માટે પણ ચીજ વસ્તુઓની ખુબ અછત વર્તાતી વારે વારે કકળાટ થતો નાની આંખો આ બધું જોયા કરતી સમજ નહોતી પડતી આમાં હું શું કરું? માં નું દુખ જોવાતું નહોતું.માં ને રડતી જોઇને રડી પડતો એ મને બાઝીને રડી પડતી.અમારી સ્કુલ ફી ભરવામાં પણ તકલીફ પડતી. અમારી કોઈ ફરમાઈશની તો ગુંજાઈશ જ નહોતી જ્યાં ખાવાના ફાંફા પડતા. અનાજ ઘઉં ભરવાની સીઝનમાં બાપુજી ખેતરના પૂળા વેચી ભાગીયાને ભાગ આપી અનાજ લાવતા એમાં પણ ખુબ ઉધાર ચઢી જતું અને વેપારી પણ ઘરે ધક્કા ખાતા, માંગવા વાળાને પણ માં એજ જવાબ આપવો પડતો. બીજા બે વર્ષમાં મોટા બે ભાઈઓ મોસાળ મામાની કંપનીમાં કામ કરવા મુંબઈ ગયા.ત્રીજા ભાઈ મામાની લાગવકથી બેંકની નોકરીમાં લાગી ગયા, ઘરે હું મારો ભાઈ બહેન અને માં બાપુજી રહ્યા. જેમતેમ ગાડું ગબડી રહેલું. વચ્ચે જમીનનો એક ટુકડો વેચાયો જે સંયુક્ત મિલકત હતી એમાં પિતાજીના ભાગે પૈસા આવ્યા એમાંથી બહેનનું લગ્ન અને અમારા બે ભાઈઓનાં યજ્ઞોપવીત સંસ્કાર કરાવ્યા. થોડો સમય ઠીક ચાલ્યું. હું નવામાં ધોરણમાં આવ્યો અને માં ને હૃદયરોગનો હુમલો આવ્યો. અભ્યાસમાં ઠીક ઠીક હતો. પણ પછી ઘરમાં કામ કરનાર કોઈ નહિ બહારગામ રહેતા ભાઈઓ પૈસા મોકલી શકતા નહોતા. ખબર નહિ એ લોકો શું કરતા હતા. માં ફરિયાદ કરતા કોઈ પૈસા મોકલતું નથી શું કરીશું?
માં ને હૃદયરોગ સાથે શરીરની જમણીબાજુ પેરાલીસીસ એટેક આવ્યો. હોસ્પીટલમાં દાખલ કરી.પૈસાની તકલીફ અને ઉપર બીમારી. મને યાદ છે હોસ્પીટલમાં એમના બિછાનામાં એમની પાસે બેઠેલો એ મારી સામે જોઈ રહેલા એમનાથી સ્પષ્ટ બોલાતું નહોતું પણ ત્રુટક ત્રુટક અવાજે મને કહે ચિંતા નાં કરીશ હું સાજીજ ઘરે પાછી આવીશ એ મારી આંખોમાં આંસુ નાં જોઈશકી .માં નો આત્મવિશ્વાસ ખુબ પ્રબળ હતો. ડોકટરને મારા પિતાજી સાથે વાત કરતા મેં સાંભળેલા તમારા પત્ની કઈ માટીમાંથી બનેલા છે ? એમનું હૃદય પહોળું થઇ રહ્યું છે અને લકવાની અસર છે પણ આત્મબળ એટલું છે કે આટલા જલ્દી ઉભા થઇ ગયા પણ હવે એ કાચનું વાસણ છે સંભાળજો. માં ને ઘરે લાવ્યા એમને આરામ કરવાનો હતો. દુકાળમાં અધિકમાસની જેમ અછતમાં બીમારીનો દવાઓનો ખર્ચ સીમિત ભાડાની બાંધી આવક એમાં પૂરું કરવાનું, માં ને બધીજ મદદ કરતો એનાથી ઉભા નાં થવાય તોય કામ કરવા ઉભા થાય હું નાં પાડું એમનો શ્વાસ ખુબ ભરાઈ આવે એટલે બેસી જતા મેં કીધું તમે સુઈ રહો હું કરી લઈશ. મારાથી ૩ વર્ષ મોટો ભાઈ ઘરમાં રહેતોજ નહિ બહારના કામ કરાવતો બાકી ઘરમાં હોય જ નહિ.જમવાના સુવાના સમયે આવતો. ઘરનું વાતાવરણ એવું થઇ ગયેલું કે કઈ ગમે જ નહિ. આ સમય દરમ્યાન મુંબઈથી નાની રહેવા આવ્યા. એમની મદદથી પાછું ચાલ્યું. નાની ઘર પણ અમારી પોળમાંજ હતું પણ એકલા હતા એટલે અમારી સાથેજ રહેતા. નાની ખુબ બધી બોધ કથાઓ કહેતા અને ઈશ્વર ઉપર શ્રધા રાખવા સમજાવતા. માં અને નાનીની વાતોથી વિશ્વાસ વધતો કાલે સારું થશે એવી આશામાં દિવસો નીકળતા. થોડા સમય પછી નાની પાછા મુંબઈ ગયા અને પાછું બધું બગડવા માંડ્યું.
એક સવાર એવી પડી...માં એ મને બોલાવી કીધું ઘરમાં કઈ જ નથી, નાં લોટ ,તેલ, ચોખા, દાળ, ગેસ ,કેરોસીન, બધુજ ખલાસ ચા, ખાંડ નથી શું કરવું? એની આંખોમાં વિવશતા જોઈ મારાથી નાં રેહવાયું, સેવા રૂમમાં જઈ માતાજી મહાદેવ સાથે લડવાનું જ ચાલુ કર્યું.. શું કરી રહ્યા છો તમે અમારું? કોઈ આટલી વિવશતા કે દુખ કેવી રીતે આપી શકે? ક્યા સુધી આવું ચાલશે? માં ની તબિયત બગડી પિતાજી કરનાળી તપ કરવા જતા રહેલા અથવા જવાબદારીથી ભાગી છુટેલા. ભાઈઓનો કોઈ સંપર્ક નહોતો કોઈને કશી પડી કે ખબર નહોતી. માં ને સુવાનું કીધું વાસણ માંજવા જ આવશે એવું ડુંગર્પુરીઓ કહી ગયેલો, માં થી ઉઠી શકાય એમ નહોતું મેં કપડા ,કચરા પોતા બધું નીપટાવ્યુ . માં એ મને બોલાવી કીધું દીકરા એક કામ કર રસોડા પર છાજલી ઉપર પિત્તળનાં વાસનો છે એમાંથી તપેલું બે લોટા લઈને માણેકચોક કંસારાને ત્યાં વેચી આવ એમાંથી જે પૈસા આવે શાકભાજી કરિયાણું લેતો આવ, કેરોસીનનો શીશો લેતો જા રસ્તામાં માસીના ઘરેથી માંગતો આવ કહેજે મેં કીધું છે હમણાં એમની પાસેથી કેરોસીન આપે પછી પાછું આપી જઈશ. આટલું કહેતા કહેતા એમની આંખો ચોધાર આંસુએ રડી રહી હતી એને જોઈ હું રડતો જાઉં અને હા પાડતો જઉં. મેં કીધું માં તું ચિંતા નાં કર વધુ પૈસા મળે એવી જગ્યાએ વાસણ આપીશ અને ભાવ કરાવીને બધી વસ્તુઓ લાવીશ તું નિશ્ચિંત થઇ આરામ કર. ભાઈ આવે તો કહેજે કપડા ઉપરથી લાવી રાખે હું આવીને વાળીને મૂકી દઈશ.
ખુબ અગવડમાં પણ માં એવું રાખતા કે પાડોશીને પણ તકલીફની ખબર ના પડે ઘરનું ક્યાય ખરાબ નાં દેખાય એ કાયમ ધ્યાન રાખતા. અમારે બે ભાઈઓને મોટા ભાઇઓનાજ કપડા નાના કરાવીને પહેરવાના હોય ફક્ત દિવાળીમાં જ એક જોડ નવા મળતા. ચડ્ડીઓમા થીગડા પણ ફેશનની જેમ લગાડ્યા છે. માં કહેતા સાંધેલું પહેરવામાં શરમ નહિ રાખવાની મેલું ગંદુ નહિજ પહેરવાનું નાં ખોટું બોલવાનું ના ચોરી બાકી બધું ઈશ્વર જોશેજ એક દિવસ.માં નાં સંસ્કાર ,વિચાર, શિખામણ અને આત્મબળ આત્મસન્માન ને કાયમ જોતો જ રહેતો મન જીવનમાં ઉતારતો રહેતો.માં અને નાનીએ કીધેલી બોધકથાઓ યાદ આવતી અનેક દુખ અને અગવડ વચ્ચે પણ એ બધું યાદ કરી નિરાશા અને હતાશા ખંખેરી નવા જોમથી કામ કરવા અને ભણવા મન બનાવી લેતો.મારે આં સમય કાઢવાનો હશે પસાર કરી રહ્યો હતો પણ મને મારી જાત પર મારા પરિશ્રમ ભણતર અને પ્રામાણીકતા પર ખુબ વિશ્વાસ હતોજ. મને કુદરતના કઈને કઈક સંકેત જાણે સમજાતા. આમને આમ માંની પ્રેરણા સાથે ભણવામાં ખુબ મહેનત કરી રહેલો. મેટ્રિકનું વર્ષ હતું નાં કોઈ માર્ગદર્શન ના કોઈ ટ્યુશન એ પણ ફર્સ્ટ ક્લાસમાં ૬૫% સાથે પાસ કરી. એ સમયમાં પહેલાં દસ વિદ્યાર્થી ૮૫% માર્ક લાવતા એટલે સંતોષ હતો, પણ ગૌરવની વાત એ હતી કે માં તરફી કુટુંબ કે પિતાજી તરફનું કુટુંબ કે મારા બધા જ મોટા ભાઈ બહેનમાં હું જ પ્રથમ બાળક હતો જે પ્રથમ પ્રયત્નેજ પાસ થયેલો, માં ખુબ ખુશ હતા મને આશીર્વાદ આપતા કહેલું ખુબ જીવનમાં આગળ આવો ખુબ ભણો નામ રોશન કરો ખુબ સુખી થાવ તારા આંગણે કદીપણ દુખ ડોકિયું જ નાં કરે, માં ને વળગીને ખુબ આનંદ વ્યક્ત કરેલો આ સફળતાને કારણે. પિતાજીના આશીર્વાદ લીધા એ પાછા આવી ગયેલા યાત્રાધામથી એમને આશીર્વાદ આપ્યા સાથે સ્પસ્ટતા કરી હવે આગળ ભણાવવા મારી પાસે પૈસા નથી જે કરવું હોય જાતે કરજો. મેં સર માથે લીધું મને કોઈ આશા પણ નહોતી, માં કહે આપણી સ્થિતિ જાણે તું દીકરા તારા જીવનના આ પડાવે તારી સફળતા છે પરંતુ હું નાં મીઠાઈ વહેચી શકું કે આઈસ્ક્રીમ પાર્ટી રાખી શકું તને ગોળધાણા ખવરાવી શુકન કરાવું. માંની એ સમયની આંખોની ભીનાશ હજી યાદ છે.આટલી અગવડમાં બાળપણ કિશોર અવસ્થા વીતી પણ ક્યારેય માતાપિતાને દોષી નથી માન્યા બસ નસીબ અને કેળવણી અને શીખવા મળ્યું એવી રીતે જ સ્વીકાર્યું, પણ મારા આવનાર સંતાનને ક્યારેય કોઈ જ ક્યારેય અગવડ નાં પડે એની કાળજી રાખીશ અને ખુબ સુખસગવડ આપીશ એ નિર્ધાર કર્યો.
*******
હવે પ્રશ્ન આવ્યો આગળ ભણવા માટેનો શું કરવું શેમાં આગળ જવું. મારા બનેવીની સલાહ મળી, ટેક્ષટાઈલ કેમેસ્ટ્રી અથવા એગ્રીકલ્ચર જવા કીધું. મેં એગ્રીકલ્ચર પસંદ કર્યું.સેવારૂમમાં જઈને માંબાબાને પ્રાર્થના કરી મારા એડમિશન અને ફીની વ્યવસ્થા કરી આપવા. મારા મોટાભાઈઓને વિનંતી કરી ફી ભરવા અંગે બધાએ હૈયાધારણ આપી પણ છેલ્લી ઘડી સુધી નાં કરી શક્યા મને ગુસ્સો આવી ગયો મારા મોટાભાઈને કહેવાઈ ગયું કે બાપ નથી તૈયાર તમે નથી કરી શકતા હું શું કરું કોની પાસે જાઉં ? પછી છેક છેલ્લે મોટાભાઈ વ્યવસ્થા કરી લાવ્યા અને ફી ભરી.પાછળથી જાણવા મળ્યું મારા બનેવીના ઘરેથી પૈસા આવેલા.આણંદ ખેતીવાડી કોલેજમાં ભણવા ગયો ભાઈ મુકવા આવેલા. હોસ્ટેલમાં રહેવાનું હતું. નવી જ જીંદગી શરુ થઇ હતી.માં એ આપેલો નાસ્તો સાથે હતો મેસની ફી ભરી અને ભાઈ સરસ ભણવા વિષે અને ચિંતા નાં કરવા વિષે શિખામણ આપી પાછા ગયા. મને ખુબ સારું લાગેલું. મારી પાસે બે પેન્ટ બે શર્ટ અને બે હાફ પેન્ટ બે ટીશર્ટ હતા જે બહાર જવા અને હોસ્ટેલ કોલેજ બધા માટે કોમન. હું ખુશ હતો.ઓછામાં પણ ઘણું લાગતું.આમ જીવનનાં ૧૬ વર્ષ પુરા કરી નવો મુકામ સર કરવાનો હતો.પૈસાની અગવડને કારણે સરકારી શિષ્યવૃત્તિ લીધી તરત મંજુર થઇ ગઈ. અહી આવ્યા પછી ખબર પડી ખુબ મહેનત છે પ્રેકટીકલ અને થીયરીમાં એગ્રોનોમી જેવા વિષયમાં માથા પર માટીના તગારા ઉચકવાના નીંદણ કાઢવાનું તમાકુના પાકમાંથી વિગેરે જે કામ કદી કર્યા નહોતા એ બધાજ કર્યા. થોડા દિવસમાં ખુબ તકલીફ લાગી અઘરું પડી રહેલું,,ક્વીઝ ટેસ્ટ અને પ્રેક્ટીકલ થાકીને વીકએન્ડમાં ઘરે ગયો રૂમ પાર્ટનર પાસેથી ૧૦ રૂપિયા ઉધાર માંગ્યા. યાદ છે રેલ્વે સ્ટેશનથી ઘર સુધી રડતોજ ગયો માં પાસે જઈ એમના ખોળામાં માથું મૂકી રડ્યો મને ત્યાં નથી ગમતું મારે નથી જવું જાણે નાનું બાળક હોઉં. માં મારા ઉપર ખીજાયા પછી સમજાવ્યું કેમ આમ કરે? તું ઘરની સ્થિતિ જાણે છેને કેવી રીતે તારા ભણવાની વ્યવસ્થા અને ખર્ચ કર્યો છે. તારા ભાઈઓને જો કોઈ સારી સ્થિતિમાં છે? તારે ખુબ સરસ ભણવાનું છે તારા ઉપરજ આશા છે હવે.જે સુઈ રહે એનું સુઈ રહે બેઠાનું બેસી રહે જે દોડે એનું નસીબ દોડે તારે દોડવાનું છે આમ હારી નથી જવાનું ઉઠ ઉભોથા આમ રડે નહિજ ચાલે પાછો જા તારું ભણતર અને સાચું ઘડતર જ હવે શરુ થયું. જે સરખું ભણ્યા નહિ કામ સરખા સારા કર્યા નહિ એમની ભૂલો જોઇને શીખ દાખલો લે તારે આમાંની કોઈ ભૂલ નથી જ કરવાની મારો વિશ્વાસ સાબિત કર. જે બેસી રહ્યા અને ભાઈબંધ દોસ્તારોમાં રાખડી રહ્યા એ ધૂળ ફાકે અને દુખી થઇ બીજાને દુખી કરે, ફરી હિંમત હારીશ નહિ નહીતર તું મારો જણેલો દીકરો નહિ, હું માં સામે જોઈ રહ્યો સાચી વાત સમજી રહ્યો મન અને અંતરમનમાં શબ્દે શબ્દ ઉતારી રહ્યો અને ફરી માને વળગી પડ્યો.
"સંકલ્પ" અધૂરી વાર્તા હવે બીજા અંકમાં આગળ.....નાશીપાશ થયેલાં સંકલ્પને માતાએ સમજાવ્યો હિંમત રાખી જીવનમાં દરેક સંઘર્ષનોં સામનો કરી આગળ વધવા શીખ આપી. સંકલ્પ માતાનાં આશીર્વાદ લઈ નિશ્શ્ચયપૂર્વક આગળ વધ્યો એ રસપ્રચૂર વાર્તા હવે આગળ વાંચો...