मनुष्य वही है जो.. मनुष्य के लिए मरे.
***
किसी के काम न आये वो आदमी क्या है ?
जो अपनी फ़िक्र में गुज़रे वो ज़िंदगी क्या है.
એક નાયક છે – ટોલ, ડાર્ક, હેંડસમ. એ સોહામણો છે, સંયમી છે, પ્રતિભાવાન છે. એક નાયિકા છે – સૌંદર્ય અને સમર્પણની સાક્ષાત મૂર્તિ જેવી. બંને એકમેક સાથે લાગણીઓને તાંતણે બંધાયલા છે. કુશળ નૃત્યાંગના એવી નાયિકા, પોતાના મનના માણીગરની માંજરી આંખો ઉપર ઓળઘોળ છે. એ તેના પર વારિ-વારિ જાય છે. નાયકની અતિ સુંદર આંખો જ જાણે એનાં જીવનનો હેતુ – ઉદ્દેશ્ય – આધાર છે !
બીજી બાજુ, યુવાની, ધન, સત્તા અને અવિવેક જેવા ચાર મહાદુર્ગુણોથી ખદબદતો એક પ્રતિનાયક છે. એ નાયિકાના એકપક્ષીય પ્રેમમાં અંધ છે. એ સ્ત્રીને ભોગ્યા સમજે છે. નાયિકાને વશમાં કરવા માટે કામાંધ પ્રતિનાયક પોતાનું સમસ્ત બળ વાપરે છે. આકાશ પાતાલ ઉપરતળે કરવા છતાં એ પોતાના બદ ઈરાદામાં સફળ થઇ શકતો નથી. એનું અહંકારી અંતર આ હાર હજમ કરી શકતું નથી. છેવટે, મરણિયો પ્રયાસ કરે છે..
પેલે પાર, નાયિકાનો સમર્પણ ભાવ અદભુત છે. બંને પ્રેમીઓએ એક બીજાની આંખમાં આંખ પરોવીને સમયને થંભી જવાના કોલ આપ્યાં છે. છતાં, સમયે કદી કોઈની શરમ રાખી છે ? કાળ પાસું ફેરવે છે...
નિર્દોષ નાયક ઉપર અજાણતામાં હત્યાનો ખોટો દાવો ઠોકી બેસાડવામાં આવે છે. આંખે પટ્ટી બાંધીને ઊભી ન્યાય દેવીના દરબારમાં વિવશ નાયક સ્વયંને દોષરહિત સિદ્ધ કરી શકતો નથી. આંધળો કાયદો હંબગ પુરાવાઓના આધારે નાયકને દોષી ઠેરવીને મૃત્યુદંડ ફટકારે છે. ના થવાનું થઈને રહે છે...
નાયક ફાંસીના માંચડે ઊભો છે. ન્યાયમૂર્તિ તેની અંતિમ ઈચ્છા જાણવા પ્રશ્ન કરે છે. પોતાની આંખો પ્રત્યે નાયિકાની આસક્તિને લક્ષ્યમાં રાખીને નાયક પોતાના ચક્ષુઓનું દાન કરવાની ઈચ્છા જાહેર કરે છે. નાયિકાના જીવનમાં નર્યો અંધકાર વ્યાપી જાય છે. પરંતુ, વિજયી થવાના મદમાં મ્હાલતા પ્રતિનાયકને કોઈ પણ સંજોગે તે સ્વીકારતી નથી. તેના હૃદયને જીતવાનો પ્રત્યેક પ્રયાસ પોકળ ઠરે છે. નાયિકાના અંતહીન ઝૂરાપાની સાચી પ્રતીતિ થતાં પ્રતિનાયકના હૈયે પરિવર્તનનો સળવળાટ થાય છે.
સજાયાફ્તા નાયકની નિર્દોષતા પુરવાર કરવા હવે પ્રતિનાયક ખુદ જંગે ચઢે છે. એક ઘોર વરસાદી રાતે અત્યાચારીઓ સામે ઝઝૂમતા અકસ્માતે પોતાની દૃષ્ટિ ગુમાવી બેસે છે. હવે એક બાજુ વગદાર પ્રતિનાયક દૃષ્ટિહીન બની ગયો છે ત્યારે નાયક મરણોપરાંત પોતાની આંખોનું દાન કરી ગયો છે. આવા ખરે ટાણે, ચક્ષુદાન કરી ગયેલાં નાયકની આંખો તેનામાં પ્રત્યારોપિત કરાય છે. નાયકની પુનઃ સજીવન થયેલો આંખો જોઈને નાયિકા પારાવાર અચંભો પામે છે. પોતાના જીવનની ધરી સમાન નાયકની આંખોના ખેંચાણને નાયિકાનું હૃદય અવગણી નથી શકતું અને કૂણું પડી જાય છે !
જે કામ શામ – દામ – દંડ – ભેદના સઘળા પ્રયત્નોથી નિષ્ફળ ગયું હતું તેને આંખોનું આ અદમ્ય આકર્ષણ પાર પાડી શકે છે એવો વિશ્વાસ બેસી જતાં પ્રતિનાયક ધર્મયુદ્ધમાં વધુ સ્થિર થાય છે. અસલમાં હવે એ નાયિકા પ્રત્યે હૃદયના અથાગ ઊંડાણથી સાચો પ્રેમ અનુભવી રહ્યો છે. તેથી તેને કોઈ પણ ભોગે સુખી કરવા, જોવાની મથામણમાં પરોવાય છે.
નાયકની દૃષ્ટિની સાથે તેની ઉપર નાયકની સહૃદયતા, સરળતા, નિર્મળતા જેવા ઉચ્ચ માનવીય સદગુણોનો વરસાદ વરસી રહ્યો છે. એનું અંતર ગુણોના શુદ્ધ અત્તરથી ભીનું થઇ ગયું હોય એવી દિવ્ય અનુભૂતિ પ્રતિનાયક અનુંભવે છે !
અંતતઃ, એ પોતાના મરણિયા પ્રયાસોથી નાયકને ન્યાયતંત્ર અને સંસાર સમક્ષ નિર્દોષ સાબિત કરીને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. પશ્ચાતાપના આંસુઓમાં તેના હૈયાનો મેલ ધોવાઈ જતાં, નાયિકા પોતાના જીવનમાં તેનો પ્રવેશ સ્વીકારી લે છે. આમ એક ઋજુ હૃદય નાયકની આંખો કામી – દંભી – અભિમાની અને ઐય્યાશ પ્રતીનાયાકના જીવનમાં પ્રેમ – લાગણી – ભાવનાનો પ્રકાશ પાથરે છે !
માનવનું મૃત્યુ દીપકના હોલવાઈ જવા જેવું છે. પણ તેણે કરેલું ચક્ષુદાન બબ્બે દીવડા પ્રગટાવી શકે છે.
રક્તનું પણ એવું જ છે. તે કોઈ મિલ, કારખાના, ફેક્ટ્રીમાં બનાવી શકાતું નથી. મોલ, મલ્ટીપ્લેક્સ, હાટડી કે બજારમાં વેચાતું મળતું નથી. માત્ર અને માત્ર માનવ શરીર તેનું સર્જન કરી શકે છે. એવાં એ રક્તનું એક યુનિટ, કળશિયો ભરીને શરીરના સાગરમાંથી ભરો અને તરત નદીનાં મીઠાં જળ જેવા સત્વોમાંથી આ દરિયો નવા જથ્થો બનાવી કાઢે છે. તેવી જ રીતે આપણું શરીર લોહીનું નવસર્જન કરી લે છે.
નવું લોહી બનાવવાની પ્રક્રિયા માટે શરીર નકામા પડી રહેલા અંગોનું પુનઃ સંચાલન કરીને પોતાના સંઘરેલા સત્વોનું દોહન કરે છે. જેથી એવાં એ બેકાર અંગોને સાવ ઉપયોગવિહોણાં થઇ જવાથી બચાવી શકાય. નૂતન રક્તનો ઉષ્માભર્યો સંચાર નવી ઊર્જાનો સ્રોત વહાવે છે. પરિણામે રક્તદાતાનું તન બદન નવા જોમથી છલકાઈ ઉઠે છે. બંધિયાર તળાવના પાણીમાં લીલ બાઝીને દુર્ગંધ ઉત્પન્ન કરે તેના કરતાં નદીનાં ખળખળ વહેતા નીરની જેમ ધોરી નસોમાં તાજા રક્તની પ્રવાહિતા જળવાઈ રહે ટે વધુ હિતાવહ કહેવાશે. અને આ અનન્ય લાભપ્રદ સ્થિતિ માટે રક્તદાન પહેલું ડગલું છે.
પંચમહાભૂતથી નિર્મિત આ દેહ અંતિમ સંસ્કાર પછી પાંચ તત્વોમાં વિભક્ત થઇ વિલીન થઇ જાય, તેના કરતાં કોક બીજાં નિરાશ જીવનના દીપને પ્રકાશિત કરતો જાય તે જ સદા વાંછનીય લેખાય.
અમારા પાડોશીના યુવાન પત્ની બીજી પ્રસુતિ પછી અગમ્ય કારણથી અચાનક કોમામાં જતાં રહ્યાં. ડોક્ટર્સના તમામ પ્રયાસો નિષ્ફળ ગયાં. હૃદયના મંદ ધબકારા સિવાયની સઘળી ક્રિયાઓ ઓસરી ગઈ. મસ્તિષ્ક તદ્દન ચેતનાશૂન્ય હતું. ભારતીય કાયદા પ્રમાણે હૃદયના વિરામ પછી જ વ્યક્તિને મૃત ઘોષિત કરી શકાય છે. અને, તેથી પહેલાં કોઈ ઘાતક પગલા લઇ શકાતા નથી. આવા સમયે પેલાં યુવાનના પરિજનોએ સમાજમાં ઊંચો દાખલો બેસાડતો નિર્ણય લીધો કે બેનના સતત વિરમી રહેલા શરીરમાંથી પ્રત્યારોપણ કરી શકાય એવાં અવયવો કાઢી, ખરી જરૂરીયાત વાળા દર્દીને દાન સ્વરૂપે આપી દેવા..
આંખ, લીવર, કિડની જેવા સક્ષમ અંગો કાઢી લેવાયા અને અને તે સફળતાપૂર્વક પ્રત્યારોપિત પણ થઇ ગયાં. એક કિડની રાજકોટના કેબિનધારક એવાં મધ્યમવર્ગી પરિવારની બાર વરસની દીકરીને મળી. જેની બંને કિડની જન્મથી જ નબળી હોવાને કારણે ધીમે ધીમે સદંતર ખોટવાઈ ગઈ હતી. ઉપકૃત પિતા દાતા પરિવારનો આભાર માનવા અને યથાશક્તિ ધન રાશિ અર્પિત કરવા ગાંધીધામ આવવા ઇચ્છતાં હતાં. પણ દાતા યુવાને સ્પષ્ટ મનાઈ આદેશ ફરમાવતા કહ્યું કે પહેલાં તમે તમારી દીકરીને પુરેપુરી સાજી નરવી કરી લ્યો અને ત્યાર પછી સપરિવાર સંકલ્પ કરશો કે પોતાના અવયવો આવી જ રીતે બીજાને જીવંત કરી શકે માટે દાન કરવા અમો બંધાઈએ છીએ !
પેલાં યુવાન બહેન બીજી પ્રસુતિ પછી મરણ પામ્યા હતાં. તેમની નવજાત દીકરી (પહેલી પણ દીકરી જ છે) ના માથેથી માતાનો પાલવ છીનવાયો નથી. તેમની માતા ચાર નોખાં નોખાં મનુષ્યોમાં ધબકી રહી છે. અલગ અલગ વય, જાત, ધર્મ પાળતાં એ ચારેય વ્યક્તિ હવે માતાવિહોણી બાળાઓ ઉપર આજીવન હેત વરસાવશે. બંને દીકરીઓ પોતાની માતાને પ્રત્યક્ષ નહીં તો આમ પરોક્ષ રૂપે પામશે.
સુપાત્ર દાન, ધન – વિદ્યા – રક્ત – ચક્ષુ – કિડની – લીવર કે પછી સમસ્ત દેહનું હોય, હર હંમેશાં મહાત્મ્યપૂર્ણ અને સ્તુત્ય હોય છે. છેલ્લે રાષ્ટ્રીય કવિશ્રી મૈથલીશરણ ગુપ્તના શબ્દો સાથે વિરામ લઉં –
यह पशु प्रवृत्ति है कि आप-आप चरे..
मनुष्य वही है जो मनुष्य के लिये मरे.
કુમાર જિનેશ શાહ
૧૨૬, ૧૦ બી.સી. ગાંધીધામ, કચ્છ.