Rahma in Gujarati Love Stories by Abhishek Parmar books and stories PDF | રાહમાં...

Featured Books
Categories
Share

રાહમાં...

રાહમાં...

વર્ષોથી ચાહેલો અને મનમાં ને મનમાં ઝંખેલો પ્રેમ જો મળી જાય (તેઓ ભાગ્યશાળી હોય છે!) તો હૃદયમાં એટલો આંનદ ઉભરાઈ આવે છે કે, જિંદગીનું પોટલું બાંધી તેની જ સાથે દૂર ને દૂર સફર કરવાનું મન થાય કેમ કે , આપણે સંતોષથી છલોછલ થઇ ગયા હોઈએ છીએ. જિંદગીમાં બધું જ મળી ગયું હોય અને ખુશીઓમાં જ ન્હાવાનું છે, એવું થઈ આવે!

રાધિકાના લગ્ન સુબોધ સાથે થતાં તેને એનો પ્રેમ મળી જ ગયો. હકીકતમાં, રાધિકાને તે જ સમયથી સુબોધ ગમવા લાગ્યો હતો, જ્યારે સુબોધ તેનાં પરિવાર સાથે રાધિકાનાં તેને જોવાં આવ્યો હતો. એ જ દિવસે બન્ને પરિવારોએ સંબંધ બાંધવા તૈયારી બતાવી અને બે મહિના પછી તેમની સગાઈ થઇ.

સુબોધ નોકરીનાં કારણસર માતા-પિતાથી અલગ શહેરમાં રહેતો હતો અને સગાઈ પછી રાધિકા પણ તેની સાથે રહેવાં લાગી.

સુબોધને વહેલાં ઉઠાડવો, તૈયાર થવામાં મદદ કરવી, ઓફિસના સમય પહેલાં સુબોધને ભાવતું ભોજન બનાવી ટિફિન તૈયાર કરવું , તેનાં ઓફિસ જવાથી ઘરમાં થયેલાં શૂન્યવકાશમાં સાંજ પડવાની રાહ જોવી, એનાં પાછા ફરતાં એને ભેટી પડવું અને તેની સાથે વાતો કરતાં સમય પસાર કરવો રાધિકાને મન રાત-ભર જોયેલાં સપનાંને દિવસે જીવવાં બરાબર જ લાગતું !

સુબોધને જાણ તો હતી જ કે રાધિકા હવે તેને પ્રેમ કરવાં લાગી છે. સુબોધ પણ તેને હૃદયથી ચાહતો હતો, પરંતુ હૃદયમાં કંઈક સંતાડી. રાધિકા તેનો પ્રેમ ન્હોતી! સુબોધને કૉલેજ સમયે ગરિમા સાથે પ્રેમ થયો હતો. તેનો પહેલો પ્રેમ અને તેઓ હજુ એકબીજાને પ્રેમ કરતાં હતાં.

સુબોધ પહેલાં જ સાચું કહી શક્યો હોત, પરંતુ રાધિકાનું કામણગારું રૂપ પહેલી વખત જોઈને તે લલચાયેલા મને કશું બોલી ન શક્યો અને જ્યારથી તેને લાગ્યું કે રાધિકા તેનાં પ્રેમમાં છે, ત્યારથી તેને ડર બેસી ગયો કે જો સાચું કહેશે તો રાધિકાનું દિલ તૂટશે. રાધિકાને મન સુબોધ જ તેની જિંદગી હતો. તે કંઈક ઊંધું પગલું ન લઈ લે! આ તરફ ગરિમા પણ તેને એટલો જ પ્રેમ કરતી હતી. સુબોધ દરરોજ સાંજે તેને મળતો પણ રાધિકા વિશે કંઈ કહી શકતો નહિ.

જ્યારે રાધિકા સુબોધનાં હૃદય સાથે સેતુ બનાવવાં મથતી હતી. જેમાં તરતાં બધાં પથ્થરો પર એક જ નામ હતું - સુબોધ,સુબોધ, સુબોધ...!

બરાબર સગાઈને છ મહિના થયે તેમનાં લગ્ન થયાં. રાધિકા હવે સુબોધની અર્ધાંગિની હોવાથી વધુ ને વધુ અધિકાર બનાવતી હતી.

***

સુબોધે ભૂલથી એકસાથે બે માટલાં માથાં પર ચડાવી લીધા હતાં. અને હવે ભાર વધતો જણાતો હતો. એટલે એક માટલું ફોડવું જ પડે તેમ હતું.

તેણે એક દિવસ હિંમત કરી પત્ર લખ્યો અને રાધિકાને આપ્યો.

પ્રિય રાધિકા,

બહું લાંબી વાત નહીં કરું. કદાચ, એટલું લખતાં-લખતાં એકઠી કરેલી હિંમત વેરાઈ ન જાય! મેં તારાથી એક વાત છુપાવી છે. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. તેનું નામ છે ગરિમા. અને તે જ મારો સાચો પ્રેમ છે. હું તને એ પ્રેમ ક્યારેય નહિં આપી શકીશ નહિ. અને શક્ય હોય તો આપણી વચ્ચે બનેલાં સંબંધને ભૂંસવામાં મારી મદદ કરજે. માફી તો તારા માટે હવે શક્ય નહીં હોય, છતાં કહું છું મને માફ કરજે!

- સુબોધ.

આટલું વાંચતા કાગળ આંસુઓથી ભીનો થઈ ગયો. રાધિકાએ પત્રનો મુઠ્ઠીમાં ડૂચો કર્યો અને સુબોધ સામે થોડી ઘડી તાકી રહી. પછી તે રૂમમાં દોડી ગઈ અને દરવાજો અંદરથી બંધ કર્યો.

સુબોધ તરત જ તેની પાછળ ધસી આવ્યો અને કેટલીય વખત દરવાજો થપ-થપાવ્યો, પરંતુ રાધિકાએ ન જ ખોલ્યો.

જો તમારામાં કોઈને જોઈતો પ્રેમ આપવાની તાકાત ન હોય તો, કોઈની જિંદગી ખરાબ કરવાનો અધિકાર પણ નથી જ!

બે દિવસ થયાં છતાં રાધિકા હજુ રૂમમા જ હતી. સુબોધ બે દિવસથી ઓફિસ ન્હોતો ગયો. બે દિવસ પછી રાધિકા બહાર આવી. તેની સુજેલી આંખો જોઈ સુબોધ સમજી ગયો કે, તેણે ફોડેલાં છલોછલ માટલાનું પાણી રાધિકાની આંખોમાંથી વહીને બહાર આવ્યું છે.

તેને જોતાં જ સુબોધ બોલ્યો, 'રાધિકા...' અને તેનાં હાથમાં થેલો જોઈ અચકાયો, 'ક્યાં જાય છે તું?'

રાધિકા : 'હું આ ઘર છોડીને જાવ છું. તમે અને ગરિમા અહીં રહી શકો છો. મને કોઈ મુશ્કેલી નથી. પણ મારી એક શરત છે.'

સુબોધ કાંઈ બોલ્યો નહીં. તેનાં ગળે ડૂમો ભરાઈ ગયો.

રાધિકા : 'મારા માતા-પિતા સામે આપણે પતિ- પત્ની તરીકે જ રહેવું પડશે. તેમનું હૃદય આ ધક્કો સહન કરતાં પહેલાં જ બંધ થઈ જશે. હું આ જ શહેરમાં ભાડે ઘર રાખી રહીશ. અને મારી સલાહ માનો તો આ વાત ગરિમાને પણ ન કહેતાં! નહીં તો, મારી સાથે તમે પણ પ્રેમ ગુમાવશો.'

સુબોધ : 'પણ, આજે જ જવાની જરૂર નથી. તું થોડા દિવસ અહીં રહી શકે છે.'

રાધિકા : 'તમે જ મારી જિંદગી છો. એટલે તમારાં જીવન અંત સુધી પ્રેમ કરવો મારી ફરજ છે. ત્યાં સુધી મરવું પણ શક્ય નથી. અને હવે તમારી કરતાં તમારાં સ્મરણો સાથે દિવસો વિતાવવાનાં છે એટલે અત્યારથી જ આદત બનાવવી સારી રહેશે.'

***

રાધિકા અલગ રહેતી થઈ ત્રણ મહિના પછી ગરિમા સુબોધ સાથે ઘરમાં રહેવાં લાગી.

રાધિકા હવે સુબોધના પ્રેમનો કાળો પાટો બાંધી આંધળા-પટ્ટાનો દાવ ઘરમાં એકલી-એકલી રમતી હતી. તેને વાસ્તવિક જીવન કરતાં સુબોધની કલ્પનાઓથી ઉભું થયેલું જીવન જીવવામાં વધુ રસ હતો. તે આખો દિવસ સુબોધને સંબોધીને પાત્રો લખવામાં વ્યસ્ત રહેતી. પોતાની ઈચ્છાઓ, ખુશીઓ, આદત , ગુસ્સો, નફરત,દુઃખ બધુ જ તે સુબોધને પળે-પળે કહેવાં માંગતી હતી પણ પછી વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં એ પત્રો સાચવીને મૂકી દેતી.

આ તરફ સુબોધ ગરિમા સાથે સંતોષિત જીવન ગાળતો હતો. બે-ત્રણ દિવસે તે રાધિકાનાં ઘરે જઈ તેને મળી આવતો હતો.

સાચો પ્રેમ કરનારાનેં ક્યારેય વળતાં પ્રેમની આશા હોતી નથી. અને પોતાના પ્રેમી તરફથી સતત મળતું રહેતું દુઃખ પણ તેઓ આંખોમાં દબાવીને જીવતાં હોય છે, જ્યાં સુધી પ્રેમની પોતાની ભૂલનો પશ્ચયાતાપ ન થાય. પરંતુ સુબોધે રાધિકાની આંખોમાં તેનાં પ્રેમની કવિતા અને પોતાની ભૂલોનાં ગોટાળા વાંચવાની કોશિશ જ ન કરી!

ધીમે-ધીમે ત્રણ વર્ષ વીતી ગયાં. સુબોધનું સ્વાસ્થ્ય કથળવાં લાગ્યું. તેની કિડની ફેઈલ થઇ ગઇ હતી અને ડૉક્ટરોના કહેવાં મુજબ તેનું બચવું અશક્ય હતું.

માંદગીનાં લીધે તે છેલ્લા કેટલાંક મહિનાઓથી રાધિકાને મળી શક્યો ન્હોતો. તેને પણ ખબર હતી કે તેનાં અંતનાં દિવસો નજીક છે. તેણે ગરિમાને એક પત્ર આપ્યો અને પોતાનાં મૃત્યું પછી જ એને ખોલાવો એવી શરત કહી.

પરંતુ નારાયણની ઇચ્છામાં થોડી ઉતાવળ હતી. પત્ર આપ્યાનાં બે જ દિવસ પછી સુબોધની આંખો મીંચાઈ ગઈ.

તેની અંતિમ ક્રિયા પછી ગરિમાએ આપેલો પત્ર ખોલ્યો.

પ્રિય ગરિમા,

હું હવે થોડાંક દિવસો જ જીવી શકીશ. પરંતુ કોઈ છે જે ફક્ત મારાં શ્વાસોથી જીવતું આવ્યું છે. તેનાં શ્વાસ ચાલું રહે તેની જવાબદારી હું તને આપું છું. તેનું નામ રાધિકા છે. તેનું સરનામું મેં પત્ર પાછળ લખ્યું છે. મારાં મૃત્યુંનો ધ્રાસકો એ ઝીલી નહીં શકે એટલે તારે એને સાથે રાખવી પડશે.

- સુબોધ.

ગરિમા તરત જ પત્ર પર લખેલાં સરનામે ગઈ. બેલ વગાડતાં કોઈ બહાર આવ્યું નહિં. જોયું તો દરવાજો ખુલ્લો જ હતો. તે અંદર ગઈ. ટેબલ પર રાધિકા માથું ઢાળીને બેઠી હતી. ગરિમા તેની પાસે ગઈ.

રાધિકાનાં હાથ નીચે ટેબલ પર દબાયેલો અધૂરો લખાયેલો પત્ર હતો. રાધિકાનાં ડાબા હાથમાં પડેલાં ચીરામાંથી લોહી વહીને કાગળ પર જામી ગયું હતું. ગરિમાએ થોડી કોશિશ કરી લોહીથી ભીનો પત્ર બહાર ખેંચ્યો.

પ્રિય સુબોધ,

ઘણાં દિવસ વીત્યાં પણ તમે મળવાં આવ્યાં નથી. અને હવે લાગે છે હું તમારાં પર બોજ બની રહી છું.ગરિમા બહુ સારી છે અને મને તેનાં પર વિશ્વાસ છે. એ તમને હંમેશા ખુશ રાખશે. મને હવે મારાં અંતિમ દિવસો પાસે આવતાં જણાય છે. મારી ચિંતા ન કરતાં! અત્યાર સુધી જીવંત દેહમાં મૃત્યું પામેલી આત્મા બની જીવતી હતી અને હવેથી મરેલાં દેહને છોડી જીવંત આત્મા બની તમારાં સ્મરનોમાં જીવતી જ રહીશ...

ગરિમા ત્યાં જ જમીન પર પડી. થોડાં સમય પછી તે રાધિકાનાં મૃત્યુંથી વાસ્તવિક થઇ. રાધિકાની નિર્જીવ આંખોમાં સુબોધ માટેનો પ્રેમ ધ્રુવનાં તારાની જેમ હજુ ચમકતો હતો. જે સુબોધ અત્યાર સુધી જોઈ શક્યો ન હતો.

ગરિમાએ ટેબલનાં ખુલ્લાં ખાનામાંથી બાકીનાં પત્રો કાઢી એક પછી એક વાંચવા લાગી.

પત્રોમાં દબાયેલો રાધિકાનો સુબોધ માટેનો નિઃસ્વાર્થ, અનહદ, અવર્ણીત પ્રેમ તે આંખોમાં ઝળઝળિયાં સાથે વાંચી રહી.

દૂર જવાથી પ્રેમ ઘટતો નથી, સાથ છોડવાથી પ્રેમ તૂટતો નથી, દિવસો સાથે પ્રેમ બદલાતો નથી, એ તો એવો જ રહે છે, અવનવો જ રહે છે, જીવન-અંત પર્યંત સતત રહે છે.

***

- અભિષેક પરમાર