ડો. ભીમરાવ આંબેડકરનાં જીવનનું સૌથી મોટું સિક્રેટ
બોમ્બે આર્મી માં, `બ્રાહ્મણ સૈનિક ખભે ખભા મિલાવી ને તેના સાથી મહાર સૈનિક સાથે એકજ તંબુમાં ઊંઘે છે, અને અને આ વ્યવસ્થા સામે કોઈપણને સપનેય વાંધો નથી.' : બ્રિગેડિયર જ્હોન જેકબ, 1858.
ડો. આંબેડકરની જીવન યાત્રાનાં પહેલા પડાવ, તેમનાં સૈન્ય છાવણીમાં વીતેલા બાળપણ વિષે બહું ઓછા લોકો જાણે છે. તેમના પિતાશ્રી બ્રિટીશ લશ્કરમાં સુબેદાર હતાં. તેમના પિતાશ્રીની લશ્કરમાંથી સેવા નિવૃત્તિ થઇ અને લશ્કરી છાવણીનાં સમન્વય ભર્યા અને સુરક્ષિત વાતાવરણની બહાર, ભારતીય સમાજમાં બહુજન સમાજને અસ્પૃશ્ય ગણી તેમની સાથે થતો ભેદભાવ આ લશ્કરી વાતાવરણમાં ઉછરેલા ભીમને મન અસહ્ય હતો. કિશોર ભીમે જીવનમાં પ્રથમ વખત અનુભવેલી અસ્પૃશ્યતાનાં અંધકારમાંથી મહાર સમાજનાં અને સમગ્ર ભારતના બહુજન સમાજના ઉત્થાનના બીજ રોપાયા.
ઈતિહાસકારો લખે છે કે મહારોની બાજ જેવી નજર, ખડતલ શરીર, હીંમત, વફાદારી, વતન પરસ્તી, શોર્ય, બહાદુરી અને ઈમાનદારી આ અમુલ્ય ગુણોથી પ્રભાવિત મહાન હિન્દુ રાજા છત્રપતિ શિવાજી મહારાજે સોળમી સદીમાં તેમનો પોતાની સેનામાં સમાવેશ કર્યો. હિન્દુ સામ્રાજ્યની સ્થાપના માટે લડતા શિવાજીને મન અસ્પૃશ્ય એવો ભેદભાવ ન હતો. મહારો કુદરતી રીતે ખડતલ યોદ્ધા હતાં.
શિવાજી બાદ મહારોને બ્રિટીશરોએ ધ બોમ્બે આર્મી તરફથી લડવાનો મોકો આપ્યો. 1 જાન્યુઆરી 1818, ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધમાં મહાર લડવૈયાઓની ભાગીદારી વિશ્વ વિખ્યાત છે. આ યુદ્ધમાં બ્રિટિશ સેના તરફથી 500 મહાર સૈનિકોનું નાનું દળ અને સામે પેશ્વાનું 8000 પાયદળ અને 20,000નું અશ્વદળ. પેશ્વાની અધધ સેના સામે મહાર સૈનિકો સદીઓનું અસ્પૃશ્યતાનું કલંક નાબુદ કરવા લડી રહ્યા હોય તેમ ઝનુનથી કલાકો સુધી ભૂખ્યા, તરસ્યા રહીને લડ્યા. પેશ્વા બાજી રાવ બીજાની સેના અંતે મહાર યોદ્ધાઓની બહાદુરી સામે હારી ગઈ.
મહાર લોકો પાસે વારસાગત રીતે કોઈ ખાસ સ્કીલ કે કળા નહોતી. તેમના માટે ભારતીય ગામડાઓમાં વર્ણવ્યવસ્થા પ્રમાણે અસ્પૃશ્યોનાં ફાળે આવતા કાર્યો જેવાકે ચોકીદારી, ચણતર કામ, રસ્તાઓની સફાઈ, જાનવરોના મડદા હટાવવા તેવા કાર્યોજ આવતા. ભારતીય ગ્રામ્ય જીવનમાં તેમનું સ્થાન નીચું પણ મહત્વનું હતું. પણ હા શિક્ષણનો, ઉન્નત જીવનનો એવા કોઈ અધિકારો મળવાનું અહી સંભવ નહોતું જણાતું.
બ્રિટીશ સેનામાં તેના સૈનિકો માટે પગાર, પેન્શન, અને તેમના સંતાનો માટે મફત અને ફરજીયાત શિક્ષણ, વિશિષ્ટ તાલીમ, રોજગાર, ખાસ પ્રકારનો સામાજિક માન મરતબો અને વ્યક્તિગત સંતોષ મહત્વપૂર્ણ લાભ હતાં. આમ મહાર સમાજના લોકોને બ્રિટીશ સેનામાં મળેલા શિક્ષણ અને સ્કીલનાં સમન્વયના લીધે સામાજીક સ્થિતિમાં સૌથી મહત્વનો લાભ મળ્યો. જેનું સૌથી મોટું ઉદાહરણ બાબા સાહેબ છે. તેમનું પૂર્વ જીવન સુશિક્ષિત, શિસ્તબદ્ધ અને ગર્વીલા સૈનિકો વચ્ચે વીત્યું. આર્મી જીવનમાં તેમને ભારતીય ગામડાઓનાં અંધશ્રદ્ધાઓ અને કુરિવાજોથી ભરેલા નહિ, પણ અત્યંત સુસંસ્કૃત હિન્દુ સમાજ વ્યવસ્થા સાથે પરિચય થયો.
ડો. આંબેડકર પોતે પણ લખે છે કે બ્રિટીશ સેનામાં ભારતીય સૈનિકોનાં બાળકો પછી તે દીકરો હોય કે દીકરી ફરજીયાત શિક્ષણ લાગુ કરવામાં આવેલું. લશ્કરી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કાર્ય બાદ અમને એક નવી દ્રષ્ટિ મળી. શિક્ષિત અને સ્કીલ્ડ અસ્પૃશ્ય યુવાનોને ખ્યાલ આવવા લાગ્યો કે સદીઓ થી તેમના પર ઠોકી બેસાડાયેલું અસ્પૃશ્યોનું લેબલ એ ભૂરા લોહી વાળા કેટલાક છદ્મ લોકોની ગહેરી ચાલથી વિશેષ કઈ નથી. સદીઓનાં બંધનો, અસ્પૃશ્યતાની છદ્મ સાંકળો હવે તૂટવાની અણી પર હતી.
બાબા સાહેબનો પરિવાર એક ટીપીકલ સૈનિક પરિવાર હતો. તેમના નાના અને છ કાકાઓ બધાજ સેનામાં સુબેદાર મેજર (બ્રિટીશ સેના માં સર્વોચ્ચ ભારતીય રેન્ક) નાં પદ પર હતા. બાબા સાહેબનાં પિતાશ્રી પણ સુબેદાર મેજર હોવાની સાથે સાથે, સેનાની ખાસ શિક્ષક તાલીમ સ્કુલમાં તાલીમ પ્રાપ્ત, પૂર્ણ સમયનાં શિક્ષક પણ હતા. ચૌદ વર્ષ સુધી રામજી સકપાલ મીલીટરી સ્કુલનાં હેડમાસ્તર પડે રહ્યા.
બાબા સાહેબનાં જીવનચરિત્રકાર, ધનંજય કીર, લખે છે કે યુવાન આંબેડકર જ્યારે સર્વ પ્રથમ વખત તેમના પિતાને સુદુર મળવા જવા માટે જયારે પોતાના નાના ભાઈ સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલ્વે સ્ટેશને ઉતરીને તેઓ એક બળદ ગાડું ભાડે કરે છે. હજી તો ગાડામાં બેસીને તેઓ થોડેજ દુર ગયા હશે કે ગાડા વાળા સાથે વાતચીતમાં પેલાને ખબર પડે છે કે આ સુટેડ બુટેડ છોકરાઓ ખરેખર અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિનાં છે. ગુસ્સામાં ગાડા વાળો એમ માનીને કે તેનું ગાડું અને પવિત્ર પશુઓ અપવિત્ર થઇ ગયા, બંને ભાઈઓને ગાડામાંથી નીચે ફેંકી દે છે!!!
બાબા સાહેબને માટે આ પ્રથમ અનુભવ હતો જયારે તેમને કોઈએ અસ્પૃશ્ય તરીકે ગણ્યા અને અપમાન જનક પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો.
તેમના જીવનના પ્રારંભિક ભાગ માં લશ્કરી છાવણીના સુરક્ષિત અને આદર્શ વાતાવરણમાં તેમને ક્યારેય પૂર્વગ્રહો કે ભેદભાવ જોવા મળ્યા ન હતા.
એક અત્યંત મહત્વપૂર્ણ પાસું એ છે કે નિવૃત્તિ પછી પણ, એક લશ્કરી પૃષ્ઠભૂમિ ધરાવતા મહારોનું બ્રિટિશ સરકારમાં ઘણું અસર કારક સ્થાન હતું. આ કારણે મહાર સમાજની સાથે લશ્કરી છાવણીઓની નજીકનાં વિસ્તારો જેવાકે અહેમદનગર, પુણે, સતારામાં મહાર બાળકોને શિક્ષણ સંસ્થાઓમાં એક સમાન શિક્ષણ લાગુ કરાવવામાં તેઓ સફળ રહ્યા.
અહીં નિવૃત મહાર સૈનિકો કેવળ તેમના બાળકો માટે શિક્ષણની માગ કરી રહ્યા હતાં તેવું નથી. સાથે સાથે તેઓ સમાજમાં તેમનું સ્થાન ઉપર આવે તે માટે પણ સતત પ્રયત્નશીલ હતા. આમ સેનામાં અનુભવેલું સામાજિક સાયુજ્ય, અનેકતામાં એકતા હવે સંકુચિત ભારતીય સમાજમાં પણ પોતાનો શુભ પગ પેસારો નોંધાવવા લાગ્યું હતું.
1857નાં બળવા પછી બ્રિટીશરોએ મહાર રેજીમેન્ટની બ્રિટીશ સેનામાંથી સેવા સમાપ્ત કરવાનું નક્કી કર્યું. નવો સામાજિક અને રાજકીય સંઘર્ષ શરુ થયો મહાર રેજીમેન્ટને સમાજમાં તેમનો ક્ષત્રીયવટ અને બ્રિટીશ સેનામાં તેનું ગૌરવવંતુ સ્થાન પાછુ મળે તે માટેનાં અભિયાનોની આગેવાની લેનારા નેતાઓમાં બાબા સાહેબનાં પિતાશ્રી રામજી સકપાલ પણ હતા. થોડા સમય બાદ આ મહાર મુવમેન્ટ ની આગેવાની શિવરામ કાંબલે પછી બાબા સાહેબે સંભાળી.
છેવટે અનેક વર્ષોની લાડાઈ પછી મહાર સમાજને તેમનું હકનું સ્થાન પાછુ મળ્યું. મહાર રેજીમેન્ટ નો પુનર્જન્મ 1945 માં થયો. આજે વિકસતા વિકસતા મહાર રેજિમેન્ટ અઢાર બટાલિયન ધરાવે છે જ્યાં બધા વર્ગો અને દેશના એકીકૃત સમુદાયોનાં સૈનિકો સમૃદ્ધ અને ખુશખુશાલ મિશ્રણ રચે છે.
આઝાદ ભારતમાં તમામ યુધ્ધો અને લશ્કરી કાર્યવાહીઓમાં અત્યંત સમૃદ્ધ સૈન્ય વારસો ધરાવતી મહાર રેજીમેન્ટ આગળ પડતો ફાળો નોંધાવતી રહી છે.
બાબાસાહેબ કોનાં?
બાબાસાહેબ આંબેડકર પર અધિકાર જમાવવાની હોડ જામી છે. એવે સમયે હું બાબાસાહેબના વિચાર વારસા પર અબાધિત અધિકાર જાહેર કરતા દરેક વ્યક્તિને પડકારું છું. બાબાસાહેબનાં જીવન કવન દરમિયાન તેમના હિન્દુ વર્ણ વ્યવસ્થા અને મનુસ્મૃતિ તરફનાં નેગેટીવ આવેગોને લઈને કેટલાક લોકોમાં તેમના પ્રત્યે ઘણીજ ગેરસમજ પ્રવર્તતી હોય તે હકીકતને નકારી શકાય નહિ. અહી એ નોંધવું ઘટે કે ડો. આંબેડકર વિષે પૂર્ણતઃ જાણ્યા, વાંચ્યા અને સમજ્યા વિના તેમની મહાનતાને સ્વીકારી લેવી કે પછી ન સ્વીકારવી, બંને બાબતોમાં યથાર્થ દોષની સંભાવના રહેલી છે.
મીલીટરી કેમ્પમાં શિસ્ત અને સમભાવ ભર્યા વાતાવરણમાં ઉછરેલા બાબા સાહેબને પ્રથમ વખત બાહ્ય ભારતીય સમાજની નિષ્ઠુરતાનો પરિચય થાય છે જયારે એક અદનો ગાડાવાળો તેમની જ્ઞાતિ વિષે જાણ થતાજ બાબાસાહેબ અને તેમના ભાઈને ગાડાંમાંથી ઉથલાવી પાડે છે. ઓગણીસમી સદીના રૂઢીચુસ્ત બંધિયાર ભારતીય સમાજમાં ગાડીવાળાનું આ વર્તન કદાચ સામાન્ય હશે!!! પણ લશ્કરી શિસ્તમાં ઉછરેલા ભીમ પર આ બનાવની ઊંડી અસર થઇ હોવાનું જણાઈ આવે છે.
તે સમયે ભારતીય સમાજમાં જે અંધશ્રદ્ધા, રૂઢીચુસ્તતા અને અસ્પૃશ્યતા જેવા દુષણો વ્યાપ્ત હતા. વર્તમાન સમયે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ જણાય છે. અંગ્રેજોના શાસન ને 100 વર્ષથી વધુ સમય વીતી ચુક્યો છે. હું અંને તમે ત્યારે હયાત હોત તો કદાચ ‘અંગ્રેજો ભારત છોડો’ અને પૂર્ણ સ્વરાજની માગ કરી રહ્યા હોવાની શેખી મારત.
પણ મારા હિન્દુસ્તાની ભાઈઓ જરા એક સેકંડ વિચારો, ભારતીયોનાં સાચા દુશ્મન કોણ છે? આપણા સમાજમાં ‘અસ્પૃશ્યો’ એવી ટેગ સાથે જીવતાં આપણાજ દેશબાંધવોની ઉપર જમીનદાર અને અન્ય ઉચ્ચ વર્ગના લોકોનું દમન તેની ચરમ સીમાએ હતું. વર્ણાશ્રમ વ્યવસ્થામાં લોખંડી તાળા લાગેલા હતા બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણજ થાય. શુદ્રને પેટે અવતરેલા આપણાજ દેશબાંધવને, તે પોતાની આંતરિક શક્તિઓને સમજી શકે કે પોતાનો વિકાસ કરી શકે તેવા સ્કીલ્સ અને શિક્ષણ થી વેગળા રાખવાની ભરપુર વ્યવસ્થા એટલે આપણી ભારતીય વર્ણ વ્યવસ્થા. આપણે ભારતીયો કેટલી સિફત પૂર્વક સ્વતંત્રતા બાદ અને પહેલાના વર્ષોમાં દેશની દુર્દશા માટે અંગ્રેજોને જવાબદાર ઠેર્વીએ છીએ. જ્યારે કડવું સત્ય એ છે કે ‘ગબ્બર નો દુશ્મન ગબ્બર ખુદ છે.’
આપણા દેશનું આ ચલણ અત્યંત ખતરનાક છે કે મોકો મળે કે આપણી નીચેના ભારતીયને એટલો દબાવી દેવામાં માનીએ છીએ કે પેલો કદી ઉપર ઉઠીજ શકે નહિ. “ઔકાતમાં રહે તારી!!!!”
15 ઓગસ્ટ 1947 નાં દિવસે લોકોને થયું કે આપણને પૂર્ણ સ્વરાજ મળ્યું. સ્વરાજ એટલે શું આઝાદી કેવળ અંગ્રેજી શાસન થી? સ્વરાજ એટલે આઝાદી - ગુલામીની માનસિકતા થી, ઊંચ-નીચ અમીર-ગરીબ, અભણ-ભણેલા,અફસર-જવાન સ્ત્રી-પુરુષ આ બધાં ભેદભાવોથી. સ્વરાજની આશાએ બેઠેલા આપણે શું અન્ય આપણાથી નીચી પાયરીના દેશબાંધવોને સ્વરાજ આપવાની દાનત રાખીએ છીએ? અંગ્રેજોના પૂર્ણતઃ જવાથી શું સંપૂર્ણ સ્વરાજ મળ્યું? જવાબ છે નાં. એલીટીસ્ટ કલ્ચર, ભૂરા લોહી પ્રત્યે અહોભાવ, આજે પણ આપણે એજ મનોસ્થિતિ ધરાવીએ છીએ. પેલી, કહેવાતી ‘અંગ્રેજીયત’ આજે પણ વ્યાપ્ત છે, પોતાથી નીચેનાં તબક્કાનાં હિન્દુસ્તાની સાથે નાં દ્વેષપૂર્ણ વ્યવહાર થકી.
બાબાસાહેબનો વિરોધ આવી ખોખલી આઝાદીથી હતો. જ્યાં સુધી રાષ્ટ્રમાં વસનાર પ્રત્યેક નાગરિક વૈયક્તિક રીતે સ્વરાજ્યને ન પામે ત્યાં સુધી, તમારી ઉપર શાસન કોણ કરે તેનાથી, શું ફર્ક પડે છે? માટીનો ઘડો ટકરાવથી તૂટે છે. એક નહિતો બીજો પથ્થર તેને તોડીજ નાખશે. માટીના ઘડાને ટકરાવથી બચાવવા માટે તેને અગ્નિમાં શેકવો એટલુજ મહત્વનું છે જેટલું જરૂરી છે તેને ટકરાવથી દુર રાખવાનું.
બાબાસાહેબની લડત માત્ર સમાજ વિશેષને માટે હતી તેમ કહવું અન્યાયપૂર્ણ ગણાશે. આપણા દેશમાં ચલણ છે. આપણે મહાનુભાવોનું સંસ્થાકીય રૂપાંતરણ કરવામાં પાવરધા છીએ. આજે પણ સમાજના કેટલાક ખાસ વર્ગોમાં ગેરસમજ પ્રવર્તે છે કે તેઓ કેવળ અનુસુચિત જાતિનાજ પ્રતિનિધિ હતા. પણ સત્ય આથી ઘણું વિશાળ છે. આઝાદી પહેલા ટ્રેડ યુનિયનોને લગતા કાયદાને, ગાંધીજી અને કોંગ્રેસના અત્યંત વિરોધ છતાં ઘડવા અને પસાર કરાવવામાં બાબાસાહેબનો સિંહ ફાળો હતો. સ્ત્રી શિક્ષણ, સ્ત્રીઓના એમ્પાવરમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ અને સ્ત્રી શિક્ષણના સંસ્થાનોની સ્થાપના તદુપરાંત નારીઓના સમાન અધિકારો માટેના કાયદાઓ અંગ્રેજી સરકાર પાસે પસાર કરાવ્યા.
મિત્રો આ દેશનો એ મહામના સર્વ શોષિતો માટે જય ભીમ હતો. તેમની ચળવળો થકી સમાજના શોષિત વર્ગના પ્રત્યેક વર્ગ માટે દિશા નિર્દેશ હતો.
આ દેશમાં શોષિત કોણ છે? મહિનાઓની મહેનતે તૈયાર કરેલા ડુંગળીના પાકને 50 પૈસે વેચવા મજબુર જગતનો તાત શોષિત છે. ખાંડના કારખાનાઓમાં રોજે રોજ હજારો લીટર પાણી સપ્લાય થાય અને ગામડામાં માણસો કારમા દુકાળે તરસે મરે એ માણસો શોષિત છે. અસંગઠિત વર્ગનાં સઘળા કામદારો શોસિત છે. રોજે રોજ કામ લોલુપ પુરુષોની કામાંધ નજરોનો ભોગ બનતી, છેડતી અને બળાત્કારોનો ભોગ બનતી આ દેશની બાળાઓ શોષિત છે.
ઉપલા પેરેગ્રાફમાં ઉલ્લેખાયેલા અને ન ઉલ્લેખાયેલા મને-કમને શોષણનો ભોગ બનતા શારીરિક, આર્થિક કે માનસિક રીતે નબળા અનેકો ભારતીયોનાં છે આ બાબાસાહેબ. આ બધાં શોષિતોનો બાબાસાહેબ પર અબાધિત અધિકાર છે.
ભારતીય સમાજમાં આજે પણ સ્ત્રીઓ, ગરીબો, બાળકો, દલિતોનું અને આદિવાસીઓનું જે રીતે શોષણ થઇ રહ્યું છે ત્યારે ભગવાન સામે જોઈ બે મોટી ગાળો કાઢવાનું મન થાય છે. ક્યાં છે? અમારાં બાબાસાહેબ!!!
આપણે ભારતીયો અવતારોમાં માનતી પ્રજા છીએ. આપણને લાગે છે કે એક દિવસ કોઈ અવતાર આવશે અને આપણને આ બધી કળયુગી પીડાઓ માંથી મુક્ત કરશે!! સમયાંતરે આ દેશની માટીએ એવા વિરલાઓ પેદા કર્યા જેનામાં હવાઓના રુખ ને બદલવાનો હોંસલો હતો. પણ આપણે ભીરુ ભારતીયો તેમના કંડારેલા રસ્તે ચાલવાને બદલે તેમની પૂજા કરવા માંડીએ છીએ!!!!
મારા મતે, હાલ પણ એક વ્યક્તિ ‘સ્વચ્છ ભારત’ ‘સ્કીલ ઇન્ડિયા’ ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ ‘વૂમન એમ્પાવરમેન્ટ’ આવા બધાં સામાજિક એન્જીનીયરીંગનાં મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે. પણ આપણા પિતાશ્રીનું શું ગયું? આપણે કઈ ‘ભક્ત’ થોડા છીએ? આપણે તો ભૂરા! એકવાર મત આપી દીધો એટલે આપણી ફરજ પૂરી. અને આમ પણ આ દેશ મારો કે તમારો થોડો છે આ તો સરકારનું કામ છે. આપણે બધાં ટેક્સ શેનો આપીએ છીએ?!!!
બીટિંગ ધ રીટ્રીટ : દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે. હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહિ આવે. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને હવે શંકર નહિ આવે-
જલન માતરી
મહાર રેજિમેન્ટ નો યુદ્ધ ઘોષ : ‘બોલો હિંદુસ્તાન કી જય.’
જય હિન્દ. જય ભીમ. જય મહાર. જય સૈનિક સ્વરાજ