Ambli Pipli in Gujarati Short Stories by Shital Jignesh gadhavi books and stories PDF | આંબલી પીપળી - 1

Featured Books
Categories
Share

આંબલી પીપળી - 1


આંબલી પીપળી
ભાગ :૧

ગામના ભાડાના ઘરમાં એક દંપતી રહેવા આવ્યુ. આ ગામમાં દરેક ધર્મનાં લોકો રહેતાં હતા.પતિ સારું એવું ભણેલો હતો. એ જમાનામાં પ્રોફેસર હોવું એ મોટી ઉપલબ્ધી ગણાતી. પત્નીએ પણ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી. એ થઇ શાળાની શિક્ષિકા. જીવનની સુંદર શરૂઆત ઓછી અપેક્ષાઓ સાથે કરી.

લગ્નજીવનનાં બે વર્ષ બાદ પ્રથમ સંતાનરૂપે દીકરો અવતર્યો. એ પણ દશેરાના શુભ દિવસે. ગર્ભ ધારણથી જ ઘણી સમસ્યાઓ હતી. અધૂરાં માસે જન્મેલ બાળકને ખૂબજ જતનથી ઉછેર્યો.

“કહું છું, હવે બીજું સંતાન નથી જોઈતું. બસ આ એક બહુ છે. આપણા સ્વર્ગની સીડી મળી ગઈ. તમે કહો તો...”

“શ્રીમતી, આટલી ઉતાવળ શું કામ ?
થવા દો બીજા બે – ત્રણ. ઘર હર્યું – ભર્યું લાગે. હવે તો આપણે બંને કમાઈએ છીએ. બધાંને એક બીજાની હુંફ રહશે. અમે પણ પાંચ- છ ભાઈ બહેનો છીએ...તમે લોકો તો આખી ક્રિકેટ ટીમ અને તું એકમાં થાકી ગઈ.”

“તમે પણ શું સાવ! હા જોકે વિચારવા જેવું ખરું. આપણો દીકરો પણ એકલો પડે છે. એના માટે થઈને એક ભાઈ કે બહેન..”

“લો, હવે કરી સાચી વાત. સમજી ખરી મારી વ્હાલી.”

“ પપ્પા, બધાંને બહેન છે. મારે પણ જોઈએ. બોલોને એ ક્યાંથી આવે હું લઇ આવું. મને ક્યાંથી લાવ્યા હતાં ? પેલો ટીનુડો કહે છે કે એની બહેન હોસ્પિટલના કબાટમાંથી લાવ્યા. મારે એ જ હોસ્પિટલમાંથી લાવવી છે.”

પતિ-પત્ની એક બીજાને જોઈ શરમાઈ જતા. દીકરાની જીદ હજુ ચાલુ જ હતી.પ્રથમ પ્રસૂતિમાં થયેલ તકલીફના લીધે શ્રીમતીજીની તૈયારી નહોતી.

એ સમય દરમ્યાન મોટા પાયે કોમી રમખાણ થયા.આ ગામ પણ તેનો ભોગ બન્યું. થોડીક શાંતિ પડતાં ગામમાં આ દંપતી દીકરા સાથે પોતાનાં મિત્રો સહીસલામત છે કે નહીં એ જોવા નીકળ્યા. એક કુટુંબના બધાં સભ્યો મૃત્યુ પામ્યા હતા. બળેલાં ઘરમાંથી છોકરી જીવતી મળી આવી. જેનાં કપડાં અડધાં બળી ગયા હતાં. ધુમાડાને લીધે શરીર પર કાળા ડાઘા પડી ગયા હતા. બકો એ છોકરીને જોઈને આંખોમાં આંસુ સાથે ભેટી પડ્યો.

“પપ્પા, મારી બહેન મળી ગઈ. આપણે લઈ લઈએ, આપણી સાથે?”

“પણ તું કાયમ સાચવીશ ? અમે રોજ નહીં હોઈએ.”

દંપતીએ તેને પોતાની દીકરી બનાવી ઘેર લાવ્યા.

“ટીનુડા, મારે પણ બહેન આવી. લે હવે એ મને રાખડી બાંધશે. હું કોઈને અડવા નહીં દઉં.”

“બહેનને જોઈને હરખ નથી સમાતો જુઓ છો તમે? સારું થયું લઈ આવ્યા.એને પણ એક ભાઈ મળશે.”

“આ બધું તારા કારણે. જો ઘરની સ્ત્રી સમજુ હોય તો ફરક પડે.”

દર રક્ષાબંધને ભાઈ બહેન રાખડી બાંધતો ફોટો પડાવતા. ફોટો જોઈ પછી એવાં હરખાય કે વાત ના પૂછો!

“ચાલ ચકુડી, તૈયાર થઇ જા. શાળાએ જવાનો ટાઈમ થઇ ગયો. ટાપટીપમાંથી ઊંચી નથી આવતી. હજી વ્હેંત એકની છે!”

“જાને બકલા, તારે ચડ્ડી પહેરીને આવવાનું,મને સરખું ફરાક તો પહેરવા દે. કાજલ કરું એમાં શું...!!”

“ક્યાં ગઈ ? આજે તો આવવા દે મમ્મી- પપ્પાને બધું જ કહી દઉં. તું મારું કંઈ ધ્યાન રાખતી નથી. મારાં બૂટ-મોજાં ગોતી દે.”

“બકલા બાડિયા, હું નાની કે તું? પી લે લોહી. એકવાર તને છોડીને હું જતી રહીશપછી ખબર પડશે. થોડુંક જાતે શીખી લે.”

આ ભાઈ બહેનની એવી જોડી કે આખું ગામ મોંમાં આંગળા નાંખી જાય. બંનેને એકબીજા વગર ના ચાલે. સવારથી જ ચાલુ થાય એમની ધમાચકડી.

“રક્ષાબંધન આવી.તેં શું લીધું મારાં માટે? કાયમ ચોકલેટ આપી દે છે. આ વખતે નહીં ચાલે. હવે તો મારી સગાઈ થઈ ગઈ છે. તારાં જીજાજી...”

“ હા હો, ચકુડી દોઢી. તો મારે હવે તારાં સગલાને ગમે એવું આપવું પડશે? તું મારી બહેન છે. એને કેટલાં?...ફોટો પડાવી મોકલજે. અત્યારથી વરઘેલી ના થા."

બંને જણા એવાં ઝઘડે મા બાપ આવીને ભેગાં કરે ત્યારે..

ચકુને ગામથી દૂર શહેરમાં સારાં કુટુંબમાં પરણાવી. વર સરકારી ઈન્જિનિઅર હતો. ચકુના સારા દિવસો આવ્યા. ભગવાને દેવ જેવો દીકરો આપ્યો. આખું ઘર ખુશ-ખુશ. એના ઘરમાં દરેકને દીકરા હતા. એની અંદરની ઈચ્છા પણ એ જ હતી.

સમયે કરવટ બદલી. મા બાપ કુદરતી હોનારતમાં પરલોકને પામ્યા. હવે ખરી કસોટી ચાલુ થઇ.

“ભઈલું, તું રડ નહીં. હું છું ને તારી સાથે. મારા માટે સૌથી પહેલાં તું.”

“ચકુડી, એ ન શોભે. તું હવે સાસરીવાળ થઈ. તારી જવાબદારી મારે લેવાની. એની જગ્યાએ તું...આ ભાભી છેને તારી..હું તારાં ત્યાં આવતો જતો રહીશ.ચિંતા ન કર. સમાજને સમજુ છું. તને કંઈ ઓછું નહી આવવા દઉં. તું ઈચ્છા થાય ત્યારે આવી જજે. આ ઘરનાં બારણાં હંમેશા તારાં માટે ખુલ્લા જ છે..”

મા બાપના દેહ અવસાન પછી ભાઈએ મિલકતમાંથી બહેનને અભરાઈ ભરાય એટલું આપ્યું. દુનિયાની આંખો ફાટેલી જ રહી ગઈ. ભાઈએ ક્યારે પણ જાણ ન થવા દીધી કે ચકુ એની સગી બહેન નથી! ભાભીએ પણ પોતાના ઘર સાથે નણંદનું ઘર પણ સજાવ્યું.

“બકલા, એક વાત કહેવી છે. આ તારાં જીજાજી... હવે નથી સહન થતું. રોજનું થઈ ગયું છે.”

“ચકુડી, શું થયું? માંડીને વાત કર. હું આવું છું. પછી જો... એમ કર તું અહીં આવી જા . કંઈક કરીએ છીએ.”

“ના, મારે તને હેરાન નથી કરવો. હવે તો અહીં જ બધું...પરણીને આવી છું. અહીંથી જ જઈશ.”

થોડાંક દિવસો પછી.. કામવાળી ફોન ઉપાડે છે.

“સાહેબ, શું કહું તમને? બેન બે ત્રણ દિવસથી જમ્યા નથી. પડ્યા રહે છે. અને..બેન ...બેન??”

ફોન અડધેથી કપાઈ ગયો. કઈ સમજ ના પડી.

“કોઈ મારા ભાઈને બોલાવો." ચકુ બૂમો પાડી રહી હતી.

હોસ્પિટલમાંથી ફોન કરવામાં આવ્યો.

“શું થયું... ? કયાં છે ઓલો ...મારી બહેનની આ દશા!! હેલો જીજાજી, ક્યાં છો તમે ? મારી બહેનને આ દશામાં મૂકી ભટકો છો. મારો ભાણિયો ક્યાં?”

નવરાત્રીનું એ નવમું નોરતું હતું. અને... એક અવાજ

“બકલા...??”

ભાઈ હોસ્પિટલ પહોંચ્યો... પણ આ શું? જે લાડક્વાઈને ગળે લગાડી હતી. એ આજે પથારીને વળગી બેઠી હતી!..ભાઈ બહેનની જોડીના આખું ગામ વખાણ કરતાં નહોતું થાકતું, આજે એ જોડી તૂટી... વિધાતાને પણ.. !!”

હવે બકલો ગુમસુમ રહેવા લાગ્યો. એકની એક બ્હેન, મા બાપ પણ એને મુકીને અંતિમ વાટે ચાલી નીકળ્યા હતા. પાદરે વડલાની ડાળ જોતો અને એને બાળપણ યાદ આવી જતું. બેનડી સાથે ગાળેલાં એ મીઠા સ્મરણો ઘેરી વળ્યાં.

" ચાલ ચકુડી આ ડાળે ઝુલતા ઝુલામાં બેસ. પછી હું તને જોરથી ઝુલાવું. તું પેલા આકાશને અડી જઈશ. પછી નીચે આવી કહેજે કે વાદળ કેવું લાગ્યું ? રૂ જેવું પોચું છે કે નહિ. પહેલા તારો વારો પછી તું મને હિચકાવ જે."

" ના ના બકલા મારે ઘરે જઉં છે. ઘણું કામ બાકી.. સ્કૂલમાં પણ ઘરકામ વધારે આપ્યું.. મમ્મી પપ્પા આવે એ પહેલા ઘર સરખું કરી લઉં. મમ્મી નૌકરી એ થી આવીને થાકી ગઈ હોય. બાપડી કેટલું કરે ! તું સાવ નકામો ઘર વેરવિખેર કરતો ફરે. "

" બહુ ચાંપલી ના થા. જાણે આખા ઘરનું કામ તું જ કરતી હોય. મને હીંચકો નાખવા કહ્યું એટલે તને બધું યાદ આવે છે. તું એકલી ઝૂલ જે મને વારો ના આપીશ. થોડીકવાર ચાલને.. એવું શું કરે છે !"

" તું નહિ સમજે. ચાલ આવું. થોડીકવાર જ હો. પછી ઘરે.. વધારે જીદ ન કરતો.

અને ભાઈ વડલાની ડાળે સાયકલના ટાયરથી બનાવેલ હીંચકામાં સ્કુલ લઇ જતો રૂમાલ પાથરી બેનને જોરથી ઝુલાવતો. બંને ભાઈ બ્હેન ગીત ગાતા.

" કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી અને ભાઇલો ઝુલાવે ડાળખી."

હીંચકા સાથે એ બંનેયનો પ્રેમ આકાશને અડતો. આકાશ એ જોઈને પોતાની આભા બદલતું. આખી પ્રકૃતિ એમના વ્હાલમાં સમેટાઈ જતી.

" બસ હવે ઉતરવા દે. તું બેસ તને બે ઝૂલા ઝુલાવી દઉં..નહીંતર આખા રસ્તે મ્હેણા મારીશ."

" અંચાઈ કરે તો બોલું જ ને.." કહી એ ઝૂલા પર બેસી જતો. અને ચકુ એને જોરથી હીંચકો નાખી..ગોળ ફેરવતી. પછી એને એકલો મૂકી ભાગી જતી.

" ઉભી રહે..હવે તું મરી ગઈ. મને આવવા દે ઘરે. જો પછી તારી બધી વસ્તુ ફેંકી દઉં."

ઘરે જઈ એ બંનેય ખુબ ઝઘડતાં. ચકુના વાળના ચોટલાંનો હીંચકો એ ખેંચી લેતો.

" આ હીંચકામાં હું હીચીશ. " કહી વાળ ખેંચી ભોંય પર પાડી દેતો. વાત હાથફાઇ પર આવી જતી.

" બહેનને મારીશ તો હાથમાં કાંટા ઉગશે. પછી રોજની ક્રિયાઓ એવા હાથે કરવી પડશે. વિચારી લે. " મા બાપ બકલાને કહેતા.

" પપ્પા તમે એને કશું નથી કહેતા. કાયમ મને જ વઢ પડે. એ મને મારે એને કઈ નહિ કહેવાનું. એના હાથમાં કાંટા નહિ ઉગે.. કાયમ આમ રેઢો મૂકી ભાગી જાય. ક્યારેક પાદરે તો ક્યારેક બેહનપણીઓ.."

માવતર એને સમજાવતા.

" એક દિવસ આ ઘરને પારકું કરી જતી રહેશે. આપણે બધાય રાહ જોઈશું તોય સાંજ પડે નથી આવવાની. એને રમી લેવા દે..જીવી લેવા દે.."

આ વિચારોમાં કોઈ એને ઢંઢોળ્યો.

" બકલા અહીં પાદરે શું કરે છે ? અંધકારના ઓળા ઉતર્યા. એમાંય પાછું અંધારીયું.. હમણાં તમરા બોલશે..અને એક શુનકાર.. ચાલ ભાઈ ઘરે.."

"ટીનુડા તું ! ક્યાંય જવાનું મન નથી. અહીં બેસી બાકીનું આયખું પૂરું કરી લઉં એવું થાય છે. મારે તો ભાઈ આજીવન અંધારીયું. અજવાળીયું થાય તો ફર્ક નથી પડવાનો. આ જગ્યામાં મારી યાદો છે. દરેક કણ મારા માટે કઈ બોલે છે અને હું સાંભળું છું. "

" બસ કર હવે. મનેય રોવડાવીશ. હું બધું જાણું છું. મારો દોસ્તાર થઈ હિંમત હારી જાય એ કેમ ચાલે ! તારા મા બાપ અને બ્હેનને પણ તને દુઃખી જોઈ દુઃખ થશે. મને માંડીને વાત કર. ચકુને તકલીફ શું થઈ હતી. આમ અચાનક આ દુનિયામાંથી ચાલી ગઈ. "

" યાર.. કઈ જ ખબર નથી પડતી. મારી ચ્હેકતી ચકલી અકાળે આ વિશ્વ છોડી ગઈ. મારા માટે ઘણા બધા સવાલો એના મૌનમાં સમેટી ગઈ. "

" તું તપાસ તો કર. ભાણિયાને પૂછ. હા એ ક્યાં છે આજકાલ ? એવું હોય તો ચાલ હું આવુ તારી સાથે. તું તારી જાતને એકલો ના સમજીશ. "

" મારો પગ જ નથી ઉપડતો. એના ઘરે કેમ કરીને જાઉં. ત્યાં પણ તેની યાદો. સાચું કહું હવેથી ક્યારેય એ ગામમાં પગ નહિ મુકાય. "

" હું તારી મનોદશા સમજુ છું. એકવાર જા. પડોશીઓ સાથે વાત કરી જો. સાચું ખોટું બહાર આવશે. કોઈપણ બીમારી વગર અકાળે મૃત્યુ..મારા મગજમાં નથી બેસતું. તું અત્યારે ઘરે ચાલ..ભાભી રાહ જોતા હશે. એ પણ એકલા થઈ ગયા. લાડક્વાયી નણંદ જતી રહી."

માંડ માંડ બકલો માન્યો અને ટીનુ સાથે ઘરે ગયો. અંધકાર એ એના મગજને વધુ કાળા વિચારોથી ઘેર્યું.

" સારું થયું. તમે આવી ગયા. હું ક્યારનીય તમારી ચિંતા કરતી હતી. કોઈપણ જાણ વગર આમ કોઈ જતું રહેતું હશે ! અને હા આપણે બેહનીના બારમા તેરમાની વિધિમાં જવાનું છે. એવો વડીલોનો ફોન હતો. કઈ વસ્તુઓ લઈ જવાની એનું આખું લિસ્ટ લખાવ્યું. આપણે કાલે આ લઈ આવીએ અને બે દિવસ પછી ત્યાં જવું પડશે. સારામાં સારી વસ્તુ આપણે લેવી છે. કોઈ કસર નથી કરવી. "

" બસ બોલી લીધું..હજીપણ કઈ બાકી હોય તો ..? કાલની વાત કાલ. તું કહે એમ જ કરીશું. અત્યારે મગજ ઠેકાણે નથી. સુઈ જવા દે. મને પેલી ટીકડી દૈ દે.માથું દુખે છે. "

" વાળું કરી લ્યો. પછી સુઈ જાવ. ભૂખનું માથું ચઢ્યું હશે. વાતે વાતે ટીકડી નહિ સારી. ભૂખ્યા રહેવાથી બહેનની આત્માને દુઃખ થશે. પછી હું બામ ઘસી દઉં."

એ કશું જ સાંભળ્યા વગર ટીકડી લઈ વિચારો સાથે સુઈ ગયો. સવારમાં ફોનની ઘંટડીથી એની નિંદર ખુલી. સામે બનેવી લાલનો અવાજ હતો.

" હું ઘણો દિલગીર છું. તારી બ્હેનને સાચવી ના શક્યો. આવતીકાલે આવી જજે..એક અગત્યની વાત પણ કરવી છે. "

હવે એ ખરેખર વિચારમાં પડ્યો. "એવી તો શું ખાસ વાત !"

"કહું છું સાંભળો છો. જોઈ લ્યો વસ્તુ બધી યોગ્ય લીધી છે ને ? આ લ્યો બિલ.."

" એ બધું મૂક.. મને બસ કાલે જલ્દી ત્યાં પહોંચવું છે."

" એવી તો કઈ ખાસ વાત છે કે તમે મને નથી જણાવતા. શું બોલ્યા બનેવી. કેમ કઈ બોલતા નથી ?"

" મને પણ ક્યાં ખબર છે. કાલે જઈશું એટલે સમજાશે.

એ વિચારે આખો દિવસ કાઢ્યો. રાત્રે જલ્દી સુઈ ગયો.

સવારે બંનેય જણ બારમાની વિધિનો બધો સામાન ગાડીમાં ભરી બહેનના ગામ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહેલેથી જ મહારાજ અને સંબંધીઓ ઉપસ્થિત હતા. દરેકના મનમાં સરખા જ સવાલો હતા. અચાનક અકાળે મોત !

-શીતલ ગઢવી ****************