Manoj Khanderiya in Gujarati Poems by Dr.Shivangi Mandviya books and stories PDF | મનોજ ખંડેરિયા.

Featured Books
Categories
Share

મનોજ ખંડેરિયા.

મનોજ ખંડેરિયા..
જેનો કોઈ પરિચય કરાવવાની જરૂર નથી. જેના શેર વગર આજે પણ દરેક મુશાયરો અધૂરો લાગે. જેના માટે શબ્દો જ કંકું ને ચોખા છે અને જે શબ્દ અને મૌન વચ્ચેનો ભેદ અને વાતો માં વેદ છે અને
જેનો કોઈ વિકલ્પ નથી એના વિશે હું તો શું કહું?

રાજેન્દ્ર શુક્લના શબ્દમાં
કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.


મનોજ ખંડેરિયાની કેટલીક રચનાઓ ગુજરાતી ગઝલના રસિકો માટે મુકું છું...

1.

અવકાશ જેમ આખી અખિલાઈમાં ઊભા

ઝળહળતી આસમાની અમીરાઈમાં ઊભા

જે બાજુ જોઉં તે તરફ પ્રતિબિંબ તરવરે

ચોમેર ગોઠવેલી અરીસાઈમાં ઊભા

સમતોલ જાત રાખતાં પણ હાથ ના રહે

લ્હેરાતી સાંજની આ સમીરાઈમાં ઊભા

ક્યારે ઇશારે કોળે ને પગલું ઉપાડીએ ?

અધ્ધર પગે અમે તો અધીરાઈમાં ઊભા

ગૂંથાય ઝીણા તાર તરન્નુમના શ્વાસમાં

વસ્ત્રો સમી વણાતી કબીરાઈમાં ઊભા

આ ખાખી ખાલીપાની ખલક લઈ હરીભરી –

કૈં ફાટફાટ થાતી ફકીરાઈમાં ઊભા.

2.

સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા

બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઈ ખોલવા ઇચ્છા,

નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,

કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-

પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,

ખબર શું કોઈને કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા.

3.

ઝાંઝવાના હર જનમ તરતા રહ્યા

પ્યાસના પડઘા તો વિસ્તરતા રહ્યા

આ ત્વચાને મોગરો અડક્યા પછી-

મ્હેક જેવું રોજ ઝરમરતા રહ્યા

આંગળી વચ્ચેથી આ સરકે હવા

એમ બસ તારા સ્મરણ સરતા રહ્યા

પાનખર જુદા પડ્યાની ક્યાં વીતે ?

પર્ણ માફક શ્વાસ નિત ખરતા રહ્યા

કાળમીંઢા શબ્દના ખડકો ઉપર-

શિલ્પ પીંછાંઓથી કોતરતા રહ્યા

4.

સદીમાંથી એકાદ ક્ષણ સાચવું

મને હું મળ્યાનું સ્મરણ સાચવું

છે રસ્તો જ એવો કે પીગળી રહ્યો,

કહો ક્યાંથી મારાં ચરણ સાચવું?

નથી આવરણની પછી કંઈ કશું,

હું એથી જ તો આવરણ સાચવું

નથી; સ્પષ્ટ આયુષ્ય – રેખા નથી,

હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

તરસનો તો ક્યાં બીજે ઉદ્દભવ થશે ?

હું એથી જ રેતી ને રણ સાચવું

5.

જવું ક્યાં ? જવાના સવાલો નડે છે

જગાએ જગાના સવાલો નડે છે

મને પારદર્શક થવાની છે ઇચ્છા,

કરું શું ? ત્વચાના સવાલો નડે છે

હું હદબહાર બ્હેકી શકું છું પરંતુ-

મને મયકદાના સવાલો નડે છે.

સકારણ નડે એતો સમજાય કિંતુ –

આ કારણ વિનાના સવાલો નડે છે

ઘણાં શબ્દ દોરી જતા અવળે રસ્તે,

સતત કાફિયાના સવાલો નડે છે

6.

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

7.

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

8.

કમળ-સ્પર્શની થઈ અસર આંગળીમાં

દિવસ-રાત ગૂંજે ભ્રમર આંગળીમાં

જરા ઝાલો લઈ જઉં અજાણ્યા પ્રદેશે –

ક્ષિતિજ પાર જાતી ડગર આંગળીમાં

હવે ટેરવે ટેરવે આંખ ઊગી,

ફૂટી હો ન જાણે નજર આંગળીમાં

હથેળી સુગંધોથી છલકાયા કરતી,

ઊઠે છે મલયની લહર આંગળીમાં

કહી પ્હાડ ઝીલ્યો હતો એક એની-

હજી આજ કેવી અસર આંગળીમાં

પ્રગટવા મથે સ્પર્શથી પંગુ ભાષા,

ફફડતા રહ્યા કંઈ અધર આંગળીમાં

લખાયા પહેલાં જ પોઢી ગયેલા,

ઘણા શબ્દની છે કબર આંગળીમાં

મને મારી ઓળખની દઈ દે પ્રતીતિ !

જવું કેમ વીંટી વગર આંગળીમાં ?

કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ !

વણાતી રહી હર પ્રહર આંગળીમાં

9.

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

10.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

11.

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા
અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા

પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી
અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા

હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને
અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા

નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી
મળેલો મૂંઝારો અબતલક સાજો લઇ ઊભા

ગળે ડૂમો એવો હરદમ મળ્યો માપસરનો
નહીં ઓછોયે કે નહીં જરાય ઝાઝો, લઇ ઊભા

પ્રતીક્ષા છે ક્યારે જનમભરનાં લંગર છૂટે
બુઝાતા શ્વાસોના તટ પર જહાજો લઇ ઊભા

અમારાથી થૈ ના કદી પણ અનાવૃત કવિતા
અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

12.

બધાનો હોઈ શકે સત્યનો કોઈ વિકલ્પ નથી

ગ્રહોની વાત નથી, સૂર્યનો કોઈ વિકલ્પ નથી

પતાળે શાખ બધી, મૂળ સર્વ આકાશે

અમારા બાગના આ વૃક્ષનો કોઈ વિકલ્પ નથી

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન

નયનનાં આંસુજડિત તખ્તનો કોઈ વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે

હવે તો દોસ્ત, આ સંઘર્ષનો કોઈ વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો

કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં

જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી

13.

માંડ કાપ્યો તે વળી રસ્તો ન આપ

મ્હેરબાની કર, સમય પાછો ન આપ

ડાળ છું જે મુક્ત થઈ ગઈ ભારથી,

શુષ્ક રહેવા દે મને, પર્ણો ન આપ

ભાંગશે ફૂલો વિષેના ભ્રમ બધા !

હાથમાં તું કોઈને ગજરો ન આપ

આપવાના છે પ્રકારો અન્ય પણ,

લાગણીનો આ રીતે પડધો ન આપ

આપવા જો હોય તો દઈ દે ચરણ !

ઊભવા આવી રીતે ટેકો ન આપ

14.

ઘટનાના કાટમાળની વચ્ચે જીવું છું હું

આ રાખ નીચે ઝાળની વચ્ચે જીવું છું હું

અહીં ત્રાટકી ઘેરી વળી છે વિટંબણા

બંદૂકની ફરતી નાળની વચ્ચે જીવું છું હું

આ અહીંથી ત્યાં, ને ત્યાંથી પણે, ને ફરીથી અહીં

અવિરત દડા – ઉછાળની વચ્ચે જીવું છું હું

આ ભીડ એક શુષ્ક સરોવરનું નામ છે

માણસના આ દુકાળની વચ્ચે જીવું છું હું

જેના ઉપર ઊભીને સમય એને કાપતો

ભ્રમણાની લીલી ડાળની વચ્ચે જીવું છું હું

ભાષાની ભરસભામાં સુદર્શન નથી રહ્યું

કૈં સેંકડો ય ગાળની વચ્ચે જીવું છું હું

15.

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં

અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે

છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની

ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી

છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં

રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને

સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !

હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામા

અને છેલ્લે....

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !