માનવીની ભવાઈ
વાસ્તવિક અનુભવને કથારૂપે કલાઘાટ
-ઃ લેખક :-
ડા. યોગેન્દ્ગ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
માનવીની ભવાઈ : વાસ્તવિક અનુભવને કથારૂપે કલાઘાટ
ગુજરાતી સાહિત્યમાં વાસ્તવિક અનુભવને કથારૂપે કલાઘાટ મળ્યો હોય તેવી કેટલીક ઉત્તમ નવલકથાઓમાં ’માનવીની ભવાઈ’ ખાસ ધ્યાન ખેંચે છે. નાયક કાળુનો બાપ વાલો ડોસો કહે છે, ’ ખેતી એ તો માનવીની ભવાઈ.’ ભવાઈ એટલે મિલકત અને ભવાઈ એટલે ભવાડો અને ફજેતી. ગામડાના લોક માટે એ એક બાજુ મિલકત છે તો દુકાળ પડે ત્યારે ફજેતી બને છે, ભવાડો થાય છે. સરેરાશ માણસ માટે માણસાઈ એ એની મિલકત, પણ સમજણ ને પ્રેમનો દુકાળ પડે ત્યારે એ જ માણસાઈ એની ફજેતી કરાવે. કાળુ-રાજુના પાત્રો દ્વારા, એમની પ્રણય કથા દ્વારા લેખકને આ પણ બતાવવું છે.
ગામડામાં અજ્જ્ઞાનતા, કુરૂઢીઓ, વહેમો, અસ્થિરતા, અગવડો, લુંટફાટ, વ્યસન, આળસ, રોજી-રોટીનો અભાવ, શોષણ, કુદરતી આફતો વગેરે છે. આમાં ગામવાસીઓ શોષાય, લૂંટાય, પિંખાય, પિસાય, નીચોવાય છે છતાં મેળા, ઉત્સવો, યોજે છે, ગાય છે, નાચે છે, દુઃખને દળીને પચાવી જાય છે. સ્વ. પન્નાલાલ પટેલે સ્વાનુભવને ઉત્તમ કલાઘાટ આપ્યો છે.
વાલાડોસા અને રૂપાકાકીને ત્યાં પાછલી ઉંમરે કાળુનો જન્મ થયો ત્યાંથી કથા શરૂ થાય છે. ભાઈ પરમા મુખી અને માલીકાકીને ત્રણ દીકરા છે-રણછોડ, નાથુ ને નાનીયો, છતાં માલીથી જેઠાણીનું સુખ ખમાતું નથી. કાળુનું પંદરમે વર્ષે ઢીંગલી-કઠપૂતળી જેવી રૂપાળી પાંચ વરસની રાજુ સાથે સગપણ થાય છે. સગપણકાળનાં ૧૦ વરસમાં તેણે કાળુની સાથે રમતો રમી ને તેના રાંધણાંય રાંધ્યા, પણ તેના પિતાનું મૃત્યુ થતાં માલીએ તેના મામાને પૈસાની લાલચમાં પાડી એ સગપણ ફોક કરાવી તેનું લગ્ન દ્યાળજી નામના ઘણી મોટી ઉંમરના માણસ સાથે કરવી દીધું. રૂપાકાકીએ કાળુને ભલી સાથે પરણાવી દીધો અને નાતરીયા નાત છતાં ’બીજું બૈરૂં નહીં કરૂં’નું વચન લઈ લીધું.
બીજે ઠેકાણે પરણ્યા પછી કાળુનો રાજુ માટેનો પ્રેમ વધુ તીવ્રતા ધારણ કરે છે. ’એના જેવી સ્ત્રી એને ન્યાતમાં બીજી દેખાતી નથી.’ ’રાજુડી સરીખી ધણીયાણી હોત, તો આખો અવતાર ઉજળી જાત-ભાળીને ભૂખ ન લાગત.’ લેખકને બતાવવું છે કે આ ભૂખ બહુ ભૂંડી ચીજ છે. ’ડાકણમાં ડાકણ તો ભૂખ છે. એ આપણા ગુમાનને અને આત્માને ઓગાળી નાખે છે.’ આ ભૂખ માણસને શોષક, લુંટારો, ઠગ, વિશ્વાસઘાતી અને હત્યારો પણ બનાવી દે છે. કાળુ કહે છે એમ ‘કણબી વાવે ઘઉં ત્યારે પાકે કોદરા ને કાઢે ઘી ને પામે છાશ’ તેનું કારણ આ ભૂખને કારણે થતું શોષણ. ’ભેંસ આપની પણ કુલ્લાં તો વાણિયાનાં જ.’
દ્યાળજીને પરણી ગયાં પછી રાજુનેય સમજાય છે કે તેને બળ્યું પ્રેમનું જનાવર કરડી ગયું છે ને તેનું ઝેર રોમરોમ ચડયું છે. ’અત્યાર લાગી મન ભાંગ્યાં’તાં, આજે તન પણ ભાંગ્યાં’ ને નિઃસાસો નીકળી પડે છે, ’બગાડી આપનારના નખ્ખોદ જજો, જીવતે જીવ કીડા પડજો.’ નાતરીયા નાત છતાં ’ઘડીમાં આ ડાળે તો ઘડીમાં પેલે, એ મનેખના લેખમાં ના ગણાય’ એવી પાકી સમાજ એને ’લગામ વગરનો ઘોડો અને લાજ વગરની બૈરી’ થતી અટકાવે છે. લીલી ચારના બે મણના ભારાને કોઈની મદદ વિના માથે ચડાવી એક શ્વાસે ઘેર પહોંચાડે છે એમ જિંદગીના અનેક મણના કાંટાળા ભારાને માથે ચડાવી એ જીવનપથ એકલપંડે જ કાપી નાખે છે. કાળુના મોમાંથીય નીકળી પડે છે, ’મીં તને આવી નો’તી ધારી !’
’પેટ બળ્યાં વેઠાય પણ હૈયાં બળ્યાં ના વેઠાય’ એ ન્યાયે આ વેદના-વ્યથાથી અંતે કાળુ ભાંગી પડે છે પણ રાજુનું માતૃત્વ કાળુને પુનર્જન્મ આપી બેઠો કરે છે અને માલીનું તેનો વહાલેશ્રી નાનીયો નરકમાંય લોહી પીવા ઈચ્છે છે ત્યારે કાળુ જ ખાંપણે પહોચાડે છે. ’વાવે તેવું લણે’ ના ન્યાય સાથે કાળુની માણસાઈના પુનર્જન્મ સાથે નવલકથા પૂરી થાય છે. ગ્રામસૃષ્ટિનું, ડુંગરોનું, ભીલોનું, દુકાળનું, મેળાઓનું, ગાણાનું એમ વિવિધ વર્ણનો સાથે ’ચેતમછંદર’, ’દોહ્યલા દન’, ’ખાંડણીયામાં માથાં’, ’પરથમીનો પોઠી’, ‘ઉજડે આભલે અમી’ જેવાં સ્વતંત્ર વાર્તાઓનો અનુભવ કરાવતાં આડત્રીસ પ્રકરણોમાં આ નવલકથા પૂરી થાય છે.