Shantilal in Gujarati Short Stories by DrKishor Pandya books and stories PDF | શાંતિલાલ

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

શાંતિલાલ

શાંતિલાલ (વાર્તા)

ડો.કિશોર પંડ્યા

શાંતિલાલને તમે જ્યારે મળો ત્યારે તે ઉતાવળમાં જ હોય.

શાંતિલાલ મળે એટલે તરત જ પૂછે-

“પછી પેલી વાતનું શું થયું?”

કઈ વાતનું?- આપણને યાદ ન હોય એટલે આપણે પૂછવું પડે.

ગુરુવારે રમેશને માટે છોકરી જોવા જવાનું હતું એ વાતનું.-શાંતિલાલ ફટાફટ કહી દે.

એ તો સાવ રહી જ ગયું.-આપણે એ વાતનું કોઈ મહત્વ ન હોય તેમ અફસોસ વ્યક્ત કરીએ.

તમે ભારે ઢીલા માણસ .આવી ઢીલ કરતાં રહેશોને તો રમેશ કુંવારો રહી જશે કુંવારો.શું સમજ્યા? આ જેટ યુગ છે જેટયુગ . જરાક તો ઉતાવળ રાખો.ચાલો હજી મારે મહેતા સાહેબને મળવા...

તમને એનું છેલ્લું વાક્ય પૂરેપુરું સંભળાય એ પહેલા તો શાંતિલાલ ક્યાંય આગળ નીકળી ગયા હોય.

શાંતિલાલની ઝડપ એટલે શાંતિલાલની ઝડપ.

વળી શાંતિલાલ દરેક કામ ચોકસાઈથી કરનારા. પરદુખભંજન પણ ખરા. કોઈએ ચિંધેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી પગ વાળીને બેસે નહી. જોકે શાંતિલાલને કોઈએ ક્યારેય પગ વાળીને બેઠેલા જોયા હશે કે કેમ એ શંકાસ્પદ બાબત છે.

શાંતિલાલે નિરાતે કોઈની સાથે બેસીને વાત કરી હોય કે એકાદ કપ ચા તેમની સાથે બેસીને પીધી હોય એવું મે ક્યારેય જોયું નથી.

એકવાર ચાર રસ્તે ચાની લારી પાસે હું, દિનેશ અને અશોક ચા પીવા માટે ઊભા હતા.

ત્યાં દૂરથી મે શાંતિલાલને આવતા જોયા.

પાસે આવ્યા એટલે તરત જ મે તેમણે અટકાવી , મારા હાથમાં રહેલો ચાનો કપ એમના હાથમાં પકડાવી દઈ મે કહ્યું: લો શાંતિલાલ, નિરાંતે ચા પીઓ.

મને એમ કે મારી ચા આપવાની ઝડપ જોઈ શાંતિલાલ ખુશ થશે, અને ચા પીવા માટે શાંતિલાલ શાંતિથી ઊભા રહેશે.

ભાઈ આ જિંદગીમાં ક્યાંય નિરાંત છે જ ક્યાં ? –શાંતિલાલે ગરમાગરમ ચાનો કપ મોએ માંડતા કહ્યું.-નિરાંત રાખવા જઈએ ને તો આ દુનિયામાં જીવી જ ના શકીએ.-શાંતિલાલે ચાનો ખાલી કપ મારા હાથમાં આપતા કહ્યું.: ચાલો જાઉં ત્યારે મારે હજી....

હું આશ્ચર્યચકિત થઈ શાંતિલાલને ગરમાગરમ ચા પી ઝડપથી આગળ વધતાં જોઈ રહ્યો.

અશોક અને દિનેશ તો હજી ચાના કપને ફૂંક મારતા હતા. ચા કેવી છે એની તેમને ખબર પણ ન હતી.

મારા હાથમાં ચાનો ખાલી કપ જોઈ અશોકે પુછ્યું : અરે, એટલી વારમાં તું ચા પી ગયો.!

ના, હું નહીં; શાંતિલાલ ચા પીને ગયા.-મે અશોકને હજારેક ફૂટ દૂર સુધી પહોંચેલા શાંતિલાલ દેખાડતા કહ્યું.

શાંતિલાલ આવ્યા ક્યારે, ચા ક્યારે પી લીધી અને અહીથી ક્યારે ગયા? અમને તો કઈ ખબર પણ ન પડી.!

ગમે તેવી ભીડમાં શાંતિલાલ બેફામ ચાલતી બાઈક કે રીક્ષાની જેમ આગળ નીકળી જાય. ગિરદીને લીધે એમની ચાલવાની ઝડપમાં કોઈ ફરક ન પડે.

રસ્તામાં કોઈની સાથે અથડાતાં હોય અને સામેની વ્યક્તિ હજી સરખી થઈ , સ્વસ્થ બનીને કઈ બોલવા જાય કે કાકા, જરા જોઈને ચાલતા રહો ...એ પહેલા તો શાંતિલાલ બીજા બે જણની સાથે અથડાઈને ક્યાય આગળ નીકળી ગયા હોય.

શાંતિલાલ ખરેખર જેટયુગમાં જીવનારા માણસ.

એમની દીકરીના વેવિશાળ પ્રસંગે એમણે મને આમંત્રણ આપેલું.

પણ એ ગુરુવારે બીજું કામ આવી જતાં શાંતિલાલને ત્યાં ન જઈ શકાયું. પછી જઈને હરખ કરી આવીશ એમ મે મન મનાવી લીધું.એમ કરતાં છેક બીજો ગુરુવાર આવી ગયો.

ચાલો આજે તો શાંતિલાલને ત્યાં હરખ કરવા જવું જ છે એમ દઢ નિશ્ચય કરીને હું ઘરેથી નીકળ્યો. ઓફિસેથી છૂટીને પહોંચ્યો સીધો જ શાંતિલાલને ત્યાં.

ત્યાં જઈને જોયું તો આંગણામાં જ ઠામ-વાસણ ભરેલી લારી સાથે મજૂરને વિદાય કરતાં હતા.

આવો આવો .-મને જોઈને શાંતિલાલે આવકાર આપતા કહ્યું.

આવ્યો છુ તો દીકરીનો હરખ કરવા, મે કહ્યું.

તને ભારે આળસુ, ઊભા રહો.- એમ કહી શાંતિલાલે મજૂરનાં હાથમાં પૈસા અને ચિઠ્ઠી મૂકી તેને વિદાય કર્યો. પછી મારી તરફ ફરીને કહે: પછી તમે તો દેખાયા જ નહીં, લો મો મીઠું કરો.-અંદર દાખલ થતાં તેમણે કહ્યું.- તમારા જેવાને તો બેંકને બદલે બંબાખાનામાં નોકરીએ રાખવા જોઈએ.

કેમ?

આ જુઓને તમે વેવિશાળનો હરખ કરવા આવ્યા , પણ આજે હમણાં જ લગ્ન પૂરા થયા અને જાન વળાવી. –શાંતિલાલે મારા હાથમાં મીઠાઈનું પડીકું આપતાં કહ્યું.-એક મિનિટ હું જરા આ મંડપવાળાને...

શાંતિલાલ સહેજ પણ અટક્યાં વગર મંડપ લઈ જનારા મજુરો તરફ વળ્યા.

દીકરી વળાવીને પછી પણ શાંતિથી પગ વાળીને બેસે તો શાંતિલાલ શાના!

શાંતિલાલે દીકરીના લગ્ન અનોખી ઝડપે ઉકેલી લીધા હતા.

હું માંદો પડ્યો ત્યારે મારી તબિયતના સમાચાર પૂછવા શાંતિલાલ આવેલા. કઈ રીતે તબિયત સાચવવી એની અનેક વાતો કરીને, શાંતિલાલ ગયા ત્યારે મારો માંદગીમાં ચીડિયો થઈ ગયેલો સ્વભાવ એક્દમ સુધરી થઈ ગયો. મન એમની વાતોથી પ્રફુલ્લિત બની હળવું ફૂલ જેવુ થઈ ગયું.

તે દિવસે મને એક નવા શાંતિલાલનો મને પરિચય થયો.

મારી તબિયત સારી થયા બાદ મે ઓફિસે જવાનું શરૂ કર્યું. અઠવાડિયામાં બે-ત્રણ વખત મળી જતાં શાંતિલાલ પંદર દિવસ સુધી ન દેખાયા ત્યારે મને નવાઈ લાગી.

મારા કેટલાક નાના-મોટા કામ હું શાંતિલાલને નિરાંત જીવે સોંપી શકતો હતો.

આજે સવારે ઘરેથી નીકળ્યો ત્યારે જ મનથી નક્કી કરી લીધું હતું કે આજે તો સાંજે ઘરે પાછા ફરતાં પહેલા શાંતિલાલને મળીને જ આવવું છે.

મારે એમના ભત્રીજા ગૌતમ વિષે માહિતી મેળવવાની હતી. એમની ભાણેજ શાલિની શું કરે છે એ પૂછવાનું હતું. સામાજિક સબંધોના શહેનશાહ શાંતિલાલ પાસેથી મારે ઘણું ઘણું જાણવાનું બાકી હતું.

ઓફિસેથી છૂટીને સાંજે શાંતિલાલના ઘર પાસે પહોંચ્યો ત્યાં સામેથી મનસુખકાકા આવતા હતા.

કેમ? આ તરફ ?-મનસુખકાકાએ મને પુછ્યું.

આ જરાક શાંતિલાલને ત્યાં એમને મળવા...

પણ એ તને ક્યાં મળશે ?-મનસુખકાકા ધીમાં અવાજે બોલ્યા.

કાકાની આ રીતની વાત સાંભળી મને નવાઈ લાગી.

કેમ, કાકા એવું કહો છો ?-મે પૂછ્યું.

તો બીજું શું કહું ? તને ખબર લાગતી નથી.

શેની ખબર ?-હું હવે મને ખબર ન હોય એવી વાત જાણવા અધીરો થયો હતો.

શાંતિલાલ હવે આ દુનિયામાં નથી.

હું અવાક થઈ ગયો.

શાંતિલાલ એમની ઝડપથી ક્યાય આગળ નીકળી ગયા હતા. હું એમની ઝડપને પહોંચી શકું એવી સ્થિતિ ક્યાં હતી!

****

ડો.કિશોર પંડ્યા એ-101, નિર્મલ રેસિડેન્સી, રજવાડું પાસે, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-380051

*****kisspandya@gmail.com