Jivan khajano - 3 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન ખજાનો - 3

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

જીવન ખજાનો - 3

જીવન પ્રકાશ

-રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૩

જીવનમાં શિષ્ટતાનું મહત્વ


ટ્રેનના ડબ્બામાં ભારે ભીડ હતી. બેસવાની કયાંય જગ્યા ન હતી. ટ્રેન જયારે એક સ્ટેશન પર ઉભી રહી ત્યારે એ ડબ્બામાં કેટલાક યાત્રીઓ ચઢયા. એ યાત્રીઓમાં એક એવો માણસ હતો જેણે સૂટબૂટ પહેર્યા હતા.

એ ત્યાં જઈને બેસી ગયો જયાં એક વૃધ્ધ મુસાફરે પોતાની ટોપી બાજુ પર મૂકી જગ્યા રોકી હતી. એમનો મિત્ર પાણીની બોટલ ભરવા ગયો હોવાથી તેના માટે બેઠક સુરક્ષિત રાખવા તેમણે ટોપી મૂકી હતી. પણ પેલા અભિમાની માણસે કંઈ પૂછયા વગર કે કોઈ વાત કર્યા વગર એ ટોપી પર બેસીને પોતાનો કબ્જો જમાવી દીધો. તેણે ટોપીને ખસેડવાની જહેમત પણ ના લીધી અને બેસી ગયો. કચડાયેલી ટોપીને પછી તેણે સીટ નીચે ફેંકી દીધી. અને વૃધ્ધ મુસાફરને ખોટી રીતે સીટ સુરક્ષિત રાખવા માટે ખૂબ સંભળાવ્યું.

સૂટબૂટવાળા વ્યક્તિના આવા ખરાબ વર્તનથી ડબ્બામાં બેઠેલા મુસાફરોને બહુ નવાઈ લાગી. અને મનોમન વૃધ્ધ મુસાફરને તેણે કહેલા કડવા શબ્દોની ટીકા કરવા લાગ્યા. તેમ છતાં વૃધ્ધ મુસાફર શાંત રહ્યા. કંઈ બોલ્યા નહિ. તેમણે પોતાની ટોપી નીચેથી ઉઠાવી લીધી. અને પાણી ભરીને આવેલા મિત્રને ઉભા રહેવું પડયું એ માટે ક્ષમા માગી. વૃધ્ધે મિત્રને પોતાની જગ્યા પર બેસી જવા આગ્રહ કર્યો. પણ એ મિત્ર તેમને બેસી રહેવા જણાવી શાંતિથી ઉભા રહ્યા. બીજું સ્ટેશન આવ્યું એટલે એ અસભ્ય વર્તણૂક કરનાર માણસ પોતાનો સામાન લઈ ઉતરી ગયો. એટલે તરત એ વૃધ્ધ મુસાફરે પોતાનું મોં બારીની બહાર કાઢીને એક કુલીને બૂમ પાડી અને કહ્યું, 'અરે ભાઈ, પેલા સાહેબને બોલાવો, એ તેમની કોઈ વસ્તુ ડબ્બામાં ભૂલી ગયા લાગે છે.'

થોડી જ વારમાં પેલો માણસ દોડતો આવ્યો અને હાંફ ખાતા બોલ્યો, ''પેલા કુલીએ મને કહ્યું કે હું મારી કોઈ વસ્તુ અહીં ભૂલી ગયો છું, લાવો, જલદી આપી દો.''

વૃધ્ધ મુસાફરે એકદમ શાંતિથી તેને કહ્યું, ''ભાઈ, તમે તમારો અશિષ્ટ સ્વભાવ અહીં છોડી ગયા છો.'' આ સાંભળીને એ માણસ પોતાની વતર્ણૂક પર શરમ અનુભવીને ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયો.

ડબ્બામાં બેઠેલા મુસાફરોને જોવા મળ્યું કે વ્યક્તિ પોતાના વ્યવહારથી જ સારો કે ખરાબ દેખાય છે.


*
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

-બેફામ


*
બધા કહે છે કે નસીબ હોય છે, નસીબ હોય પણ વાસ્તવમાં કર્મનું ફળ જ તમને મળતું હોય છે. તેથી હંમેશા સારા કર્મ કરવાનું ધ્યેય રાખો.

*

***

મૂર્ખને બનાવ્યા ગુરૂ

વિશ્વ પ્રસિધ્ધ દાર્શનિક સુકરાત એવું વ્યક્તિત્વ ધરાવતા હતા કે બધા તેમની સાથે સહજતાનો અનુભવ કરતા હતા. પોતાની સમસ્યાનું સમાધાન મેળવવા તેમની પાસે ઘણા લોકો આવતા અને જાત જાતના સવાલ પૂછતા. સુકરાત બધાને સરખી રીતે જવાબ આપી તેમને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરતા.

એક વખત એક વ્યક્તિએ સુકરાતને પ્રશ્ન કર્યો, ''તમારા ગુરૂ કોણ છે?''

સુકરાતે હસીને જવાબ આપ્યો, ''તમે મારા ગુરૂ અંગે જાણવા ઈચ્છો છો તો સાંભળો, આખી દુનિયામાં જેટલા પણ મૂર્ખ છે તે બધા મારા ગુરૂ છે.'' પેલી વ્યક્તિને લાગ્યું કે સુકરાત મજાક કરી રહ્યા છે. કેમકે તે ઘણી વખત તેઓ ગમ્મત ખાતર આવું કરતા હતા. એટલે એ વ્યક્તિએ પોતાનો પ્રશ્ન ફરીથી પૂછયો અને તેમને ગંભીરતાથી જવાબ આપવા વિનંતી કરી.

સુકરાતે ફરી એ જ જવાબ આપ્યો એટલે એ વ્યક્તિને વધારે આશ્ચર્ય થયું. અને પૂછયું, ''મૂર્ખ તમારા ગુરૂ કેવી રીતે થઈ શકે છે?''

સુકરાતે જવાબ આપ્યો,''હું હંમેશા એ જાણવાનો પ્રયત્ન કરું છું કે કયા દોષને કારણે તેને મૂર્ખ કહેવામાં આવે છે. મને લાગે કે એ દોષ મારી અંદર પણ છે, તો હું મારામાંનો એ દોષ દૂર કરું છું. કે જેથી કોઈ મને મૂર્ખ ના કહી જાય. મેં જે પણ જ્ઞાન મેળવ્યું છે તે મૂર્ખો પાસેથી શીખીને જ લીધું છે. જો તેઓ ના હોત તો મને મારામાં સુધારો કરવાની તક કેવી રીતે મળી હોત. હવે તમે જ નિર્ણય લો કે મૂર્ખ મારા ગુરૂ કહેવાય કે નહિ.''

સુકરાતની વાત સાંભળી એ વ્યક્તિને જ્ઞાન મળ્યું કે બીજાની ભૂલોમાંથી આપણે શીખતા રહેવું જોઈએ.
*

આગ લાગે તે સમે ના ખોદ ખાડાઓ મૂરખ,

હોય જે સાધન સહજ ઉપલબ્ધથી કોશિશ કર.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

*
જે મૂરખ બીજાના સુખ અને ધન જોઇને વગર આગે બળી મારે છે તે કદી પણ કોઈની ભલાઈ નથી કરી શકતો. –તુલસીદાસ

***

સંઘર્ષનું મહત્ત્વ


કોઈ એક ગામમાં ધર્મપરાયણ ખેડૂત રહેતો હતો. તેની ખેતી ઘણી વખત ખરાબ થઈ જતી હતી. કોઈ વખત દુકાળ તો કોઈવાર પૂરને લીધે ખેતીને નુકસાન થતું. તો કોઈ વખત વધારે તાપથી પાક સળગી જતો હતો. દર વર્ષે જોઈએ એવો પાક થતો ન હતો.

આવી સમસ્યાઓથી પરેશાન થઈ તે મંદિરમાં ગયો અને ભગવાનને કહ્યું, ''ભગવાન, તમે પરમાત્મા છો, પણ ખેતીવાડી વિશે કંઈ જ જાણતા નથી. મારી ખેતી ખરાબ થઈ જાય છે તેની તમને કંઈ પડી નથી. મારી પ્રાર્થના છે કે એક વખત તક આપીને મોસમને મારી ઈચ્છા પ્રમાણે આવવા દો. પછી જુઓ હું કેવા અન્નના ભંડાર ભરી દઉં છું.''


તરત જ આકાશવાણી થઈ અને અવાજ આવ્યો. ''ઠીક છે વત્સ, જા તારી ઈચ્છા પૂરી કર. તું ઈચ્છા રાખશે એવી જ મોસમ રહેશે.''

ખેડૂત ખુશ થતો ઘરે ગયો અને ઘઉંનો પાક લીધો. હવે તે ઈચ્છે ત્યારે તાપ અને વરસાદ આવતા. ખેડૂતે પૂર કે ભારે તાપને આવવા જ ના દીધા. સમય સાથે પાક તૈયાર થવા લાગ્યો. ખેડૂત ખુશ હતો કે કોઈ સમસ્યા વગર તેનો પાક સરસ રીતે તૈયાર થઈ રહ્યો છે. આવો પાક આજ સુધી થયો ન હતો. એમ કરતાં પાકને લણવાનો સમય આવી ગયો. ખેડૂતે ખેતરમાં જઈ પાક લણવાનું શરૂ કર્યું. પણ તેને એ જોઈને અચાનક આંચકો લાગ્યો કે છોડમાં ઘઉંનો દાણો જ નથી. પાક અંદરથી ખાલી હતો.

તે દુઃખી થઈને ભગવાન પાસે પહોંચ્યો. અને બોલ્યો, ''પ્રભુ, આ શું થઈ ગયું? પાકને નુકસાન ના થાય એ પ્રમાણે અનુકૂળ મોસમ રાખી છતાં મારો પાક તો સફળ જ ના થયો.'' ભગવાન કહે, ''તેં પાકને સંઘર્ષની તક જ ના આપી. ભારે તાપમાં એને તપવા ના દીધો. તેજ હવા અને વરસાદમાં તેને ઝઝૂમવા ના દીધો. પડકાર વગર સીધી રીતે આગળ વધતાં ડૂંડા ખાલી રહી ગયા. જયારે ભારે પવન, તાપ અને વરસાદ આવે છે ત્યારે છોડ પોતાના અસ્તિત્વને બચાવવા સંઘર્ષ કરે છે. એ સંઘર્ષથી જ તેમાં બી તૈયાર થાય છે.'' ખેડૂતને પતાની ભૂલ સમજાઈ ગઈ. અને હવે પછી કુદરતી રીતે જ ખેતી કરવાનો સંકલ્પ કર્યો. બોધ એ જ છે કે જો આપણે જીવનમાં પ્રતિભાશાળી બનવું હોય તો સંઘર્ષ અને પડકારોથી કયારેય ગભરાવું ના જોઈએ.

*
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

*
જો તમે સંઘર્ષ કરી રહ્યા છો, તો એનો મતલબ એ કે, તમે પ્રગતિ કરી રહ્યા છો.

*
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,

પાણી હો તો આવી જા મેદાનમાં.

-હેમેન શાહ

*

***


આપવાનો આનંદ અધિક

એક ગામમાં ગુરૂનો આશ્રમ હતો. ગુરૂ ઘણી વખત શિષ્ય સાથે ફરવા નીકળતા. એક દિવસ એક સંપન્ન પરિવારમાંથી આવેલા શિષ્ય સાથે ગુરૂ ખેતરોમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એક ખેતર પાસે તેમણે જોયું કે કોઈએ જૂના થઈ ગયેલા જૂતા મૂકયા છે. બંનેએ જોયું કે નજીકના ખેતરમાં કામ કરતો એક મજૂર ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. આ જૂતા તેના જ હશે.

શિષ્યને મજૂરની મજાક કરવાનું મન થયું. એટલે પોતાના ગુરૂને કહ્યું, ''ગુરૂજી, આપણે એવું કરીએ કે આ જૂતા લઈને નજીકની ઝાડીમાં સંતાઈ જઈએ. જૂતા ન જોઈને મજૂર પરેશાન થશે. તે જોવાની મજા આવશે.''

પણ ગુરૂએ ગંભીર થઈને કહ્યું,''વત્સ, આ રીતે કોઈ ગરીબ મજૂરની મજાક કરવાનું યોગ્ય નથી.''

શિષ્ય કહે, '' ગુરૂજી, આપણે તો થોડીવાર જ આમ કરવાનું છે, પછી એને જૂતા પાછા જ આપી દેવાના છે.''

ગુરૂ કહે, ''તારે મજૂરની પ્રતિક્રિયા જ જોવી છે ને ? અને એનો આનંદ માણવો છે ને?''

શિષ્ય કહે, ''હા''.

ગુરૂજી કહે, ''તો કંઈક અલગ કરી શકાય છે. આપણે એમ પણ કરી શકીએ કે જૂતામાં કેટલાક સિક્કા નાખીએ અને મજૂરની પ્રતિક્રિયા જોઈએ.'' શિષ્યને આ વાત ગમી ગઈ. તે ઝટપટ જઈને જૂતામાં થોડા સિક્કા નાખી આવ્યો. અને ગુરૂ સાથે નજીકના ઝાડની ઓથે ઉભો રહીને મજૂરના આવવાની રાહ જોવા લાગ્યો.

થોડી જ વારમાં મજૂર પોતાનું કામ પતાવી આવ્યો. તેણે જેવો પહેલા જૂતામાં પગ નાખ્યો કે કોઈ કઠણ વસ્તુનો સ્પર્શ થયો. તેણે જૂતાને હાથમાં લઈ જોયું તો તેમાં બે સિક્કા હતા. તેણે સિક્કાને આમતેમ ફેરવીને જોયા અને આજુબાજુ નજર નાખી. તેને કોઈ દેખાયું નહિ. તેણે સિક્કા પોતાના ખિસ્સામાં નાખ્યા. અને ખુશ થઈ બીજા જૂતામાં પગ નાખ્યો. એમાં પણ સિક્કા હતા. મજૂર રાજીના રેડ થઈ ગયો. તેણે ભાવસભર વદને ઉપરની તરફ હાથ જોડીને ગળગળા અવાજે કહ્યું,''હે પ્રભુ, તમે દયાળુ છો. મને સહાયતાની જરૂર હતી ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ મને આ ભેટ આપી એ માટે તેનો લાખ લાખ આભાર. એમની દયાથી આજે મારી પત્નીની દવા લઈ શકાશે અને ભૂખ્યા બાળકોને પેટ ભરીને ભોજન મળી શકશે''

મજૂર દોડતો પોતાના ઘર તરફ ગયો એ પછી બંને ઝાડની ઓથેથી બહાર આવ્યા. શિષ્યની આંખમાં પાણી હતા. ગુરૂ કહે, ''વત્સ, મજૂરના જૂતા સંતાડવાને બદલે તેને મદદ કરવાથી તને અધિક આનંદ મળ્યો કે નહિ?''

શિષ્ય કહે,''ગુરૂજી, આજે તમે મને એક સારો પાઠ શીખવ્યો છે. તેને હું જીવનભર ભૂલીશ નહિ. આજે હું સમજી ગયો છું કે લેવા કરતાં આપવામાં અધિક સુખ અને આનંદ છે. આપવાનો આનંદ તો અસીમ છે.''*
તું જીતે ને થાઉં ખુશી હું,

લેને, ફરી ફરીને હારું

- રાજેન્દ્ર શુક્લ

*

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

*


***