બુઢ્ઢા મિલ ગયા!!
Shraddha
“અરે... તુમ્હારા હસબન્ડ તો બુઢ્ઢા હો ગયા હૈ!! બેચારી લડકી!!”
સ્થળ હતું જહાજની અંદરની નાની એવી કેબીન કે જેને મેડિકલ ઈમરજન્સી માટે વાપરવામાં આવતી હતી. મારા પતિદેવ વિષે આવી કમેન્ટ કરનારા હતાં, પચાસેક વર્ષના નેપાળી નર્સ જે તે વખતે મેડીકલ રૂમના ઇન્ચાર્જ હતા. મારી હાલત તો સુડીમાં ફસાયેલી સોપારી જેવી હતી, બહાર પણ નાં નીકળાય અને અંદર રહો તો કપાવાનો ડર!! અમારા લગ્નને માંડ બે એક મહિના થયા હતા અને ત્યાં સાવ અજાણી સ્ત્રી મારા પતિદેવને ‘ બુઢ્ઢા માણસ ’ની ઉપમા આપી રહી હતી!! મેં થોડા અણગમા સાથે મારા પતિ સામે જોયું, જે મારા બેડની સામે જ ઉભા હતા. એ અને પેલા નર્સબેન તો જાણે કંઈ જ ન થયું હોય એમ ખડખડાટ હસી પડ્યા!!
“ ક્યા કરે મેડમ, ફૌજકી ડ્યુટી કરતે કરતે બાલ કબ પક ગયે પતા હી નહિ ચલા...” એમણે હસતાં હસતાં કહ્યું.
“ અચ્છા હૈ... બાલ કે સાથ સાથ અક્લ ભી પક ગયી હોગી નાં... ઇસ ફૂલ સી બચ્ચી કા ખયાલ રખના. બેટા, ઘબરાઓ મત. કુછ નહિ હુઆ હૈ. શીપ મેં પહેલી બાર સફર કર રહી હો ના? સી સીક તો હોગા હી. ”
એ નર્સે ખૂબ આત્મીયતાથી કહ્યું અને થોડી વાર મને ત્યાં જ રહેવાની સુચના આપીને જતાં રહ્યા. ફૌજી લોકો નાની નાની વાતમાં કઈ રીતે રમૂજ શોધી લે એ વાતનો પહેલો પુરાવો મને મળી ચૂક્યો હતો. નર્સ ગયા અને એમણે મારો હાથ પકડીને પૂછ્યું; “ હવે તો તારે પેલું ગીત સંભળાવવું જ પડશે!! આજે તો ઓફિશિયલી મને ‘ બુઢ્ઢો ’ ડીકલેર કરી દેવામાં આવ્યો છે!! ” હું તો શરમની મારી કંઈ જ ન કહી શકી!!
મારા પતિ ઇન્ડિયન નેવીમાં નૌસૈનિક હતા. આજે હું તમારી સમક્ષ મારા લગ્ન જીવનના અનુભવોનું ભાથું લઈને આવી છું.ઉપરની ઘટના બની એનાં થોડા દિવસ પહેલાથી શરૂઆત કરીએ.
મારા લગ્ન પછી તરત જ પતિદેવનો ટ્રાન્સફર ઓર્ડર નીકળ્યો. પોસ્ટીંગ હતું, અંદમાન નિકોબાર આઈલેન્ડનું મુખ્ય શહેર પોર્ટ બ્લેર. અને સામાન બાંધવાની તૈયારીઓ શરુ થઇ. અમે કોઈ ટૂર પર તો જતાં નહોતાં કે બસ, કપડાં અને બીજી જરૂરી વસ્તુઓ લઇ લીધી એટલે પેકિંગ ખત્મ!! આ તો એક સાવ નવી જગ્યાએ જઈને ઘર વસાવવાની વાત હતી!! રસોડાની એક એક નાનામાં નાની વસ્તુથી લઈને ટી.વી. પણ સામાનમાં જ બાંધવામાં આવ્યું!! હું તો અક્ષરશ: મારા સાસુની સૂચનાઓનું પાલન કરતી હતી. એ જે કહે એ બધું જ એક મોટા એવા બોક્સમાં મુકતી જતી હતી. બોક્સ પણ ખાસ ટ્રાન્સફર માટે જ ખરીદવામાં આવેલું. એલ્યુમીનીયમનું ખાસું એવું વજનદાર બોક્સ. પહેલા તો મને કહેવાનું મન થયું, ‘ આમાં તે કંઈ સામાન ભરાતો હશે!??’ પણ પછી થયું, નવી વહુનો સૌથી પહેલો ગુણ ‘ ન બોલવામાં નવ ગુણ ’ પકડી રાખવામાં જ ભલાઈ છે!!
‘ પોર્ટ બ્લેર જઈશ તો જહાજમાં જ...’ મારી આવી જીદને માન આપીને મારા પતિદેવે જહાજની ટીકીટો બૂક કરાવી જ રાખી હતી. જહાજમાં બેસવાની વાતથી જ હું તો એટલી ખુશ હતી કે રોજ રાતે સપનામાં પણ એની મુસાફરી કરી લેતી હતી!! અને છેવટે એ દિવસ પણ આવી પહોચ્યો. ચેન્નાઈથી અમારી શીપ ઉપડવાની હતી. એ દિવસ તો હું ક્યારેય નહિ ભૂલું. ‘ ટાઈટેનિક ’ ફિલ્મનાં જહાજને જાણે નજર સમક્ષ જોતી હોઉં એવી લાગણી થઇ આવી હતી મને. હું તો ખુશીથી આખા જહાજના ચક્કર મારતી ઉછળતી હતી. પણ જેવું જહાજ ઉપડ્યું, બધી ખુશી ક્યાંય ઉડી ગઈ. પેટમાં એવો ચૂંથારો થાય કે વાત ન પૂછો!! કોઈ મોટા બધાં ચકડોળમાં કલાક બેસી આવી હોઉં અને માથું જેમ ચકરાવે ચડે એમ આજુ બાજુ બધું ગોળ ગોળ જ ફર્યા કરે!! હું તો સમજી જ નહોતી શકતી કે આ મને શું થઇ રહ્યું છે!! મારા પતિ, મારા સાસુ-સસરા, મારી નણંદ- એ બધાં એકદમ સ્વસ્થ અને મારી તો હાલત ખરાબ!!
“ તને એટલે જ નાં પડતો હતો કે શીપમાં જવાનો મોહ ન રાખ.. પણ મારું મને કોણ? ” મારા પતિએ મને સમજાવતાં કહ્યું.
“ અરે પણ મને શું ખબર મને આવું થશે? તમને કોઈને તો આવું કંઈ થતું નથી? મને જ શું કામ? ” હું સાચે જ ડરી ગઈ હતી. એક તો લગ્ન પછી મમ્મી-પપ્પાથી આટલે દૂર જવાનું દુઃખ તો હતું જ એમાં વળી આ કૈક અજબ પ્રકારની મુસીબત શરુ થઇ ગઈ હતી.
“ રિલેક્ષ, કંઈ નથી. કોઈ કોઈને આવું થાય. સી સિકનેસ કહેવાય આને. ધીરે ધીરે ઠીક થઇ જશે. ”
પણ મારી હાલત ઠીક થવાને બદલે બગડતી ગઈ. કંઈ પણ ખવાતું નહોતું. ફરજીયાત સુઈ જ રહેવું પડતું હતું. પાણી પીવા પણ ઉભી થાઉ એટલે ચક્કર શરુ. કેટલા સપનાઓ જોયા હતા!! શીપમાં જઈને આમ કરીશ, ડેક પર ઉભી રહીને મસ્ત ફોટા પડાવીશ... એ પણ ટાઈટેનિક પોઝમાં... એ બધાં પર દરિયાનું પાણી ફરી ગયું હતું..... શીપની સફરના બીજા જ દિવસે મને મેડીકલ રૂમમાં લઇ જવી પડી. ઉલટી કરી કરીને મારી તો હાલત પતલી થઇ ગઈ હતી. મારા પતિ મહાશય પોતાનાથી બનતી બધી જ કોશિશ કરતા હતા મને ખુશ રાખવાની. પેલી ‘ બુઢ્ઢા હસબન્ડ ’ ની રમૂજ પણ એમાંનો જ એક હિસ્સો હતી એ મને ખબર પડી ગઈ હતી. પોતાના પર હસીને પણ સામેવાળાને કઈ રીતે ખુશ રાખવા એ હું ત્યારે એમની પાસેથી શીખી.
જેમ તેમ કરીને જહાજની એ ભયાનક સફરના પાંચ દિવસો પુરા કર્યાં. ત્યારે જ નક્કી કરી નાખ્યું કે શીપને તો દૂરથી જ નમસ્કાર કરવા!! પણ એ દિવસે મને ખ્યાલ આવ્યો કે મારા પતિ અને એમના જેવા બીજા નૌ-સૈનિક કેવી પરિસ્થિતિઓમાં પોતાની ફરજ નિભાવતા હશે!! ભગવાનનો પાડ કે અમારી સફર દરમિયાન દરિયો પ્રમાણમાં શાંત જ રહ્યો હતો. આવા શાંત પાણીમાં પણ જો હું ઉભી નહોતી રહી શકતી તો જયારે દરિયો તોફાની બને તો શું થાય?? દરિયાની એ સફરે મારા મનમાં મારા પતિનું સ્થાન વેંત એક ઊંચું કરી દીધું!!
પોર્ટ બ્લેરનાં દિવસો બહુ જલ્દીથી પસાર થતા હતા. મોબાઈલ ફોનની લક્ઝરી હજી પરવડે એવી નહોતી એટલે પંદર દિવસે એક વાર મારા ઘરે એસ ટી ડી પર વાત થતી હતી. મારી મમ્મી તો એ માનવા જ તૈયાર નહોતી કે હું શાક લેવા જવાથી લઈને લાઈટ બીલ ભરવા સુધીના બધાં જ કામ જાતે કરું છું!! જે છોકરીને તુવેર દાળ અને ચણા દાળનો ફરક ખબર ન હોય એ અચાનક ઘર ચલાવવા માંડે તો ઝટકો તો લાગે જ ને!! સાચું કહું તો મને પણ નવાઈ લાગતી હતી. શાકભાજીનાં ભાવ તોલ કરવા, કરિયાણું લાવવું, બહારના કામો સમયસર પુરા કરવા... અ બધું જ પાછુ એવી જગ્યાએ જ્યાંની ભાષા પણ મારા મારે અજાણી હતી!! ખબર નહિ ક્યાં બળે હું આ બધું જ કરે જતી હતી... ભૂલો ખૂબ થતી હતી. ક્યારેક રસોઈ બરાબર નાં બની હોય તો ક્યારેક ઘરમાં અમુક વસ્તુ જ નાં મળે. પરંતુ આ બધાં સમય દરમિયાન મનન હમેશા મારી સાથે રહ્યા. ક્યારેક દોસ્ત બનીને તો ક્યારેક માર્ગદર્શક બનીને. ગુજરાતના નાના એવા શહેર રાજકોટની એક ગભરુ છોકરી ધીરે ધીરે ઘડાઈ રહી હતી, ઘર ગૃહસ્થીનાં પગથીયા ચડવા માટે.
એ પછીની ટ્રાન્સફર આવી મુંબઈ. નોકિયાનો સાદો મોબાઇલ હવે અમે ખરીદી લીધો હતો. ફરી પાછું પેકિંગ ચાલુ થયું. આ વખતે મારે એકલીએ જ લડવાનું હતું. મારા સાસુ સસરા અને નણંદ તો થોડા સમય પછી પાછાં જતા રહ્યા હતા. એલ્યુમીનીયમનાં બે મોટા બોક્સ ફરી પાછા ભરવાના હતા. મારા ઘેર તો મારા કપડાની બેગ પણ મારી મમ્મી જ પેક કરી આપતી અને અહિયાં તો આખું ઘર પાછું સમેટવાનું હતું. સામાન તો જેટલો લાવ્યા હતા એટલો જ હતો, પણ મેં કૈક એવી રીતે પેકિંગની શરૂઆત કરી કે મોટા બે બોક્સમાં પણ સામાન ભરાયો નહિ. હું તો બરાબરની ફસાઈ!! ‘સામાનની જવાબદારી મારી પર નાખી દો. હું કરી લઈશ!!’ મોટભા બનવાની કોશિશ તો કરી પણ હવે શું? ફરી પાછો બધો સામાન બંનેએ મળીને ખાલી કર્યો અને નવેસરથી પેકિંગ ચાલુ કર્યું. ત્યારે જ સમજાયું કે સામાન ખાલી કરીને ફરી પાછો ‘જૈસે થે’ એવી જ રીતે ભરવો એ કંઈ નાની સુની વાત નથી!!
‘ ડોન્ટ વરી. ધીરે ધીરે તું ટેવાઈ જઈશ. ’ મારા પતિદેવે ટપકું મુક્યું!! અને એમની વાત સાચી પણ પડી. ઢગલાબંધ ટ્રાન્સફરનો અનુભવ લીધ બાદ આજે હું પેકિંગ-અનપેકીંગની કળામાં માહિર થઇ ગઈ છું. ફક્ત ત્રણ કલાકમાં સામાન સમેટીને ઘરને કવાર્ટરમાં અને ફરી કોઈ બીજા ક્વાર્ટરને સામાન ગોઠવીને ઘર બનવી શકું છું!! તમને લાગશે, એમાં શું મોટી ધાડ મારી?? પણ મારા માટે આ સિદ્ધિ એ કંઈ નાની સુની વાત નથી!! ખેર, તે દિવસે તો જેમ તેમ કરીને સામાન સમાવ્યો અને પોર્ટ બ્લેરને અલવિદા કહીને અમે મુંબઈ રવાના થયા.
મુંબઈનો કોલાબા એરિયા અને ત્યાની ટાઉનશીપ નેવી નગર. મારા મનમાં મુંબઈનાં અમુક વિસ્તારો કે જે ગુજરાતમાં જાણીતાં હતા, એની જે છાપ હતી એનાથી સાવ વિપરીત. ખૂબ વિશાળ અને સુંદર. પ્રવેશદ્વાર પર જ કડક ચોકી પહેરો. આઈ કાર્ડ વિના કોઈ જ અંદર ન જઈ શકે. અંદર પહોચતાં જ એવું લાગ્યું જાણે હું કોઈ નવી જગ્યાએ નહિ પણ એક નવી દુનિયામાં જ આવી ગઈ છું!! મારી આ અનુભૂતિ ખરેખર સાચી પડવાની હતી એ મને ત્યારે ખબર નહોતી!! ચૌદ માળના મોટા બિલ્ડીંગ. બધાં બિલ્ડીંગોને અલગ અલગ નામ આપેલા. જેમ કે R-1 થી લઈને R-35 સુધી. બીજા નાના ચાર માળના બિલ્ડીંગ “ આશા બિલ્ડીંગ ” તરીકે ઓળખાતા. હું તો ચકિત થઈને જોતી જ રહી હતી!!
મુંબઈ એ નેવીનું મુખ્ય મથક ગણાતું. એટલે અહિયાં બાકી બધાં બેઝ કરતા નૌ-સૈનિકોની સંખ્યા ખૂબ વધારે રહેતી. આટલા મોટા પ્રમાણમાં ક્વાર્ટર હોવા છતાં અહિયાં રહેવાની હમેશા અગવડ પડતી. કોઈની ને કોઈની સાથે ક્વાર્ટર ‘શેર’ કરવું પડતું!! હા, વિચિત્ર લાગે ને?? મકાન કોઈ વહેંચે?? અને શેરીંગ પણ કેવું? એક જ ફ્લેટમાં બે પરિવાર રહે. જેનો ફ્લેટ હોય એ રાજજા. જે શેરીંગમાં રહેતું હોય એ ભાડુઆત. 2 બી એચ કે નાં ફ્લેટમાં ભાડુઆતને એક રૂમ અને ટોઇલેટ બાથરૂમ વાપરવા મળે. બાકીનો બધો એરિયા મકાન માલિકનો. એ એક નાના એવો રૂમ સમય અનુસાર અલગ અલગ લેબલ બદલતો રહે... રસોઈના ટાઇમે રસોડું, મહેમાન આવે ત્યારે ડ્રોઈંગ રૂમ અને સુતી વખતે બેડ રૂમ. શેરીંગમાં રહેવું પડશે એવી વાત મને મનને કરેલી, પણ ખરેખર શેરીંગ એટલે શું એ ત્યારે નહોતું સમજાયું. ક્યાં મારા પિયર અને સાસરીના મોટા ઘર અને ક્યાં આ નાનો એવો રૂમ?? (ઓરડી શબ્દ જાણી જોઇને નથી વાપરતી!!)
“ આપણે પોર્ટ બ્લેરની જેમ ક્યાંક બહાર ભાડે રહીએ તો? ” ક્વાર્ટરમાં પગ મુકતાં વેંત મેં મારી મૂંઝવણ રજૂ કરી. મારા આ નાનકડા સવાલના જવાબમાં એમણે કોલાબા એરિયામાં એક સ્ક્વેર ફૂટનાં શું ભાવ ચાલે છે ત્યાંથી માંડીને નેવી નગરમાં રહેવાથી શું શું ફાયદાઓ થાય એ બધું જ કહી દીધું!! એ બધાનો નીચોડ એ હતો કે મારે એ નાના એવા રૂમમાં જ હવે પછીની ગૃહસ્થી માંડવાની છે. આમ જુઓ તો મુંબઈ જેવા શહેરમાં, કોલાબા એરિયામાં એક નાનો રૂમ મળવો પણ બહુ મોટી વાત કહેવાય. પેલી ‘નવીન દુનિયા’ ની લાગણી ધીરે ધીરે પ્રબળ બનતી જતી હતી.
અમારા મકાન માલકિન કોઈ બંગાળી હતા.પ્રોતિમા નામ હતું એમનું. જી હા, મકાન માલકિન જ. કેમ કે ઘરમાં આખો દિવસ તો અમારે જ રહેવાનું ને!! અમારા પતિદેવો તો સવારનાં ડ્યુટી ગયા હોય તો સાંજે પાછા આવે. જે દિવસે આવ્યા એ આખો દિવસ તો રૂમ ગોઠવવામાં ગયો. સાંજે આખા નેવી નગરનું ચક્કર લગાવી આવ્યા. બીજે દિવસે એમને ડ્યુટી જોઈન કરવાની હતી. સવારનાં સાત વાગતાં સુધીમાં તો એ ટીફીન લઈને નીકળી ગયા. થોડું ઘણું ઘરનું કામ પતાવીને હું બેઠી હતી કે ત્યાં જ બે છોકરીઓ રૂમમાં દોડતી આવી.
“ આંટી, આંટી. હમારે સાથ ખેલીએ ના? ”
પહેલા તો મને ખબર જ ન પડી કે એ લોકો મારી સાથે વાત કરે છે!! હું અને ‘ આંટી ’?? ઘડીભર તો કહેવાનું મન થયું, ‘ આંટી મત કહો ના!!’ મારી ઉમર અચાનક જ દસ વર્ષ વધી ગઈ હોય એવું લાગ્યું. “ સ્ત્રીઓ એ તો અનેક અવતાર ધારણ કરવા પડે, દીકરી ” મારા દાદીમાની કહેલી વાતનો સાક્ષાત્કાર મને આટલો જલ્દી થશે એ નહોતી ખબર!! પળવારમાં યુવતીમાંથી “આંટી”નું સ્વરૂપ લઇ લીધું હતું મેં... ખેર, થોડી વાર એમની સાથે વાતો કરી તો પેલી ‘અજબ લાગણી’ કયાંય જતી રહી. ત્યાં એમના મમ્મી, મારા ‘ક્વાર્ટર ઓનર’ પણ આવ્યા. ખરી મુશ્કેલી હવે શરુ થઇ. એમને ગુજરાતી ન આવડે અને મને બંગાળી. પોર્ટ બ્લેરમાં રહીને મારું હિન્દી થોડું ઘણું સુધર્યું હતું, પણ હજી ઘણા લોચા પડતાં હતા. બાવા હિન્દીમાં જેવું આવડ્યું એવું બોલવાનું શરુ કર્યું. ખબર નહિ પણ એ થોડા નારાજ દેખાતા હતા. એમની નારાજગીનું કારણ મને મારા પતિદેવ ઘેર આવ્યા ત્યારે જ ખબર પડી.
બન્યું હતું એવું કે, નેવી નગરના રિવાજ અનુસાર ક્વાર્ટર ઓનર જો તમારા રૂમમાં બેસવા આવે તો તમારે એને ચા પાણી નાસ્તાનો વિવેક કરવો જ પડે. આખરે એમનું ક્વાર્ટર અને તમે ભાડુઆત!! મને તો ત્યારે એવું કંઈ સુજ્યું જ નહિ!! એ કંઈ મહેમાન થોડા હતા? પોતાના રૂમમાંથી મારા રૂમમાં વાતો કરવા જ આવ્યા હતા ને!! મને ત્યારે મારી મમ્મીની ઢગલો શિખામણો યાદ આવી ગઈ!! સાસરીમાં આમ કરવું ને આમ ન કરવું, અમુક જ વાત બોલાય ને ઘણી વાતો મનમાં જ રખાય... ને એવું તો ઘણું બધું. પણ અફસોસ!! અહિયાં નેવી નગરના શેરીંગમાં એમની એક પણ શિખામણ કામ ન આવી!! મારી માંને ય ક્યાં ખબર હશે કે એની લાડકી દીકરી નવી જગ્યાએ નહિ એક નવી જ દુનિયામાં આવી પહોચી છે, જ્યાં એણે હવે જાતે જ તૈયાર થવાનું છે.
પ્રોતિમાંભાભીનું શું થયું પછી?? અરે તે દિવસે સાંજે એમને જમવા નોતર્યા ત્યારે એમની નારાજગી દૂર થઇ. રાતે થાકીને લોથ થઈને સુતી ત્યાં તો અચાનક જ સાઈરન વાગી. ઊંઘમાંથી ઝબકીને જોયું તો રાતના બે વાગ્યાં હતા. મારા પતિદેવ યુનિફોર્મ પહેરીને તૈયાર થઇ રહ્યા હતા. હું તો હાંફળી ફાંફળી ઉભી થઇ.
“ જનરલ રિકોલ છે. મારે અડધા જ કલાકમાં જહાજ પર પહોચવાનું છે. ” એમણે કહ્યું. મારા પતિદેવની પોસ્ટીંગ યુદ્ધ જહાજ પર હતી. વેસ્ટર્ન ફલીટનાં બધાં જ યુદ્ધ જહાજો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા હતા. અચાનક જ ચિંતા અને અમંગળ આશંકાઓથી મારું મન ભરાઈ ગયું. મન તો થતું હતું દોડીને એમને વળગી પડું અને ક્યાંય ન જવા દઉં, પણ જાણે પગમાંથી ચેતન જ હણાઈ ગયું હોય એમ સ્થિતપ્રજ્ઞની જેમ ખોડાઈ ગયા હતા.આ બધાં સમય દરમિયાન એ મને સૂચનાઓ અને આશ્વાસન આપતા રહ્યા, પણ મારી બધી જ ઇન્દ્રિયોએ જાણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એમનો એક પણ શબ્દ મારા કાને નહોતો પહોંચતો. પાંચમી મીનીટે એ મને ભેટીને પાછળ પણ જોયા વિના બહાર નીકળી ગયા. એમની ફરજ એમને પોકારતી હતી. થોડી વારે મને કળ વળી અને હું દોડીને દરવાજા પાસે ગઈ. રાતનો અંધકાર પણ જાણે મારી મનસ્થિતિનો પડધો પડતો હોય એમ ભેંકાર ભાસતો હતો. હું મારું રડવું ન રોકી શકી. પ્રોતિમાભાભી અને એમના હસબન્ડ દોડતા બહાર આવ્યા. એ રાતે નેવી નગરના R – 17 ક્વાર્ટરના આઠમા માળે બે અલગ અલગ રાજ્યની સરહદ જાણે એક મેકમાં ઓગળી ગઈ. હું રડતાં રડતાં ગુજરાતીમાં ઘણું બધું બોલતી જતી હતી, અને પ્રોતિમાભાભી પણ એમની બાંગ્લા બોલીમાં રડતાં રડતાં મને હિંમત આપતા હતા. પરિસ્થિતિની એક જ નાવમાં સવાર બે અલગ પ્રાંતની સ્ત્રીઓ વચ્ચેની ભાષાની દીવાર તૂટી ગઈ હતી. એ આખી રાત એ મારી સાથે સુતાં. બીજા દિવસની સવાર અમારા માટે એક નવો જ સંબંધ લઈને ઉગી હતી.
“ શોના...શોના...” ભાભીના અવાજથી મારી ઊંઘ ખૂલી (બંગાળીમાં સ્ત્રીઓ પતિને પ્રેમથી શોના કહે છે.) રડી રડીને સુજી ગયેલી આંખો અને ચિંતાને કારણે માથું પકડાઈ ગયું હતું. જેવી આંખ ખૂલી કે ફરી પાછી એકલતા ઘેરી વળી. એવું નહોતું કે આ પહેલા મેં ક્યારેય એકલા રાત ન વિતાવી હોય. પોર્ટ બ્લેરમાં પણ મનનની નાઈટ ડ્યુટી લાગતી ત્યારે એકલી રહી જ છું. પરંતુ એ એક રાત પૂરતી એકલતા અત્યારની અનિશ્ચિત સમયની એકલતા કરતાં ક્યાય સારી લાગી રહી હતી. ભાભીના હસબન્ડ નેવી નગરમાં જ એડમીન ડ્યુટીમાં હતા, એટલે રવિવાર હોવાથી એ ઘેર જ હતા. ભાભી અને બંને દીકરીઓ સાથે એમને હસતાં,વાતો કરતા જોઇને ખબર નહિ કેમ મને ભાભીની ઈર્ષા થઇ આવી. ‘એ પણ ક્યારેક સેઈલીંગ ગયા હશે, ત્યારે ભાભી પણ મારી જેમ જ એકલા રહ્યા હશે...’ આ બધું મને અત્યારે સમજાય છે, પણ ત્યારે તો મનન પર એટલો ગુસ્સો આવ્યો કે પૂછો નહિ. મમ્મી પપ્પાથી દૂર હોસ્ટેલમાં રહેવું ન પડે ફક્ત એ કારણથી મેડીકલમાં મળતું એડમીશન પણ મેં જતું કર્યું હતું. અને અત્યારે?? સાવ અજાણી એવી જગ્યા, અજાણ્યા લોકો વચ્ચે મારા પતિદેવ મને મુકીને ચાલ્યા ગયા હતા!! સાવ નિ:સહાય એવી હું શું કરવું ને શું નહિ એ જ અવઢવમાં આંસુ સારતી આખો દિવસ મારા સેલ ફોનને હાથમાં લઈને બેસી રહી, મનનનાં એક ફોનની રાહમાં. ફોનની એક રીંગ સાંભળવા મારા કાન તરસી રહ્યા, પણ એ મશીન જડવત બનીને મારી હાંસી ઉડાવતું મૌન જ રહ્યું.
પછીના દિવસે સવાર સવારમાં જ બે ત્રણ લેડીઝ મારે ત્યાં આવી. મનનની જ શીપમાં એની સાથે કામ કરતા એના બેચમેટની પત્નીઓ તરીકે એમણે પોતાની ઓળખાણ આપી. એમણે કહ્યું પણ ખરા કે મનને મને રાતે ફોન કરવાની કોશિશ કરી હતી પણ મારો ફોન સ્વીચ ઓફ્ફ આવતો હતો. મેં તરત જ જોયું તો ખ્યાલ આવ્યો આખો દિવસ ફોનને તાકવામાં હું એને ચાર્જ કરવો જ ભૂલી ગઈ હતી એટલે એ બંધ થઇ ગયો હતો. મને મારી જાત પર આટલો ગુસ્સો ક્યારેય નથી આવ્યો જેટલો તે દિવસે આવ્યો હતો. મારે મનન આવે ત્યાં સુધી એમના કવાર્ટરમાં રહેવાનું હતું. હું અચકાતી એમની સાથે ગઈ. ત્યાં જઈને જોયું તો બીજી બે લેડીઝ પણ ત્યાં જ હતી. અમે કુલ પાંચ ફેમીલી એક જ કવાર્ટરમાં સાથે રહેવા લાગ્યા. બધાના પતિદેવો એક જ શીપમાં હતા.
સાચું કહું, ત્યાં જવાથી મને ઘણું સારું લાગ્યું. મારા કવાર્ટરમાં રહી હોત તો રોજ રોજ ભાભીના હસબન્ડને ઘેર આવતા જોઇને ઈર્ષાથી બળી મરત. પરંતુ અહિયાં તો બધાં જ સમદુખિયા. બધાના પતિદેવો સેઈલીંગ પર. તે દિવસે પહેલી વાર માનવ મનની નબળી કડી વિષે ખબર પડી. પોતાના દુઃખમાં અજાણ્યાનું સુખ પણ કાંટાની જેમ ખૂંચે, પણ તમારા જેવી જ હાલતમાંથી પસાર થઇ રહેલા ન જાણીતાં ચહેરાઓ પોતીકા લાગવા માંડે.
અમે બધી સ્ત્રીઓ દિવસ આખો પ્રાર્થના કરવામાં અને રાહ જોવામાં પસાર કરતી. ક્યારેક ક્યારેક નજીકની ફેશન સ્ટ્રીટમાં આંટો પણ મારી આવતી. ભારતના અલગ અલગ ખૂણેથી, જુદી જુદી સંસ્કૃતિમાં રહેલી પાંચ સ્ત્રીઓ ફક્ત એક તાંતણે બંધાઈને દિવસો પસાર કરી રહી હતી. અમે બધાં જ એકબીજાને પહેલી જ વાર મળી રહ્યા હતા. ભાષા, રહેણી-કરણી, રીતભાત બધું જ અલગ, છતાં એક સેતુ અમને બધાને બાંધી રહ્યો હતો. પ્રજ્ઞા અને પૂર્ણિમા મહારાષ્ટ્રની, ક્રિશ્ના ગુડગાંવથી, પીન્કી હરિયાણાથી અને હું ગુજરાતથી. બધાં જ એકબીજાને સહિયારો આપતા દિવસો વિતાવી રહ્યા હતા. ધીરે ધીરે હું પણ મારી જાતને નેવી નગરમાં ગોઠવી રહી હતી.
ભારતીય સેનાની આ એક વાત મારા મનને ઠેઠ અંદર સુધી સ્પર્શી ગઈ છે. ’ફૌજ તમને કયારેય એકલા નથી પડવા દેતી. પછી એ સૈનિકો હોય કે એમનો પરિવાર.’ ત્યાં બોર્ડર પર સૈનિકો પોતાની માભોમ કાજે જાનની બાજી લગાવતા હોય ત્યારે અમે એમની પત્નીઓ જીવનનાં એક પછી એક પાઠ મક્કમતાથી આત્મસાત કરતાં જઈએ છીએ. ક્વાર્ટરને ફક્ત થોડા કલાકોમાં સામાન છોડીને ઘર બનાવવાથી લઈને બાળકોના પિતા બનીને એમની દરેક નાની મોટી જરૂરીયાત પૂરી કરવી, એમના કાલા ઘેલા સવાલોનો સ્વસ્થતાથી જવાબ આપવો, અને આ બધાની સાથે સાથે ઘરની નાની મોટી સગવડો સાચવવી, મહેમાનોને કશી જ અગવડ વિના સાચવવા. દરેક ગૃહિણી આ બધું કરે જ છે, એમાં બે મત નથી. પરંતુ, એક ફૌજીની પત્ની ફક્ત એક વાતથી બધી ગૃહિણીઓથી અલગ પડે છે. એ છે- એનું એક સૈનિકની પત્ની તરીકેનું સ્થાન.
મનનને ગયે ઘણા દિવસો થઇ ગયા હતા અને એમના કંઈ ખબર હજી સુધી મળ્યા નહોતાં. એવામાં એક રાતે, મારી ફ્રેન્ડની ઘરની ડોરબેલ વાગી. ડોરબેલ વાગતાં જ મને અંદાજો આવી ગયો કે આ મનન જ હશે. હું દોડીને દરવાજો ખોલવા ગઈ. સામે જ મનનને જોતાં એને વળગીને રડી પડી. થોડી વાર કોઈ કંઈ જ ન બોલ્યું અને અચાનક એક સાથે બધાનો ગાવાનો અવાજ આવ્યો...
‘ મેં કા કરું રામ, મુજે બુઢ્ઢા મિલ ગયા!! હાય, મેં કા કરું રામ, મુજે બુઢ્ઢા મિલ ગયા!! ’.
અમે બંને એ ચોંકીને જોયું તો મનનના બધાં જ બેચમેટ અને મારી બધી જ ફ્રેન્ડસ અમારી આસપાસ ઘેરો વળીને જોર શોરથી આ ગીત ગાઈ રહ્યા હતા. મેં ચમકીને મનન સામે જોયું. મારી નજરમાં ચોખ્ખો અણગમો હતો. ‘ આ લોકોને કેમ ખબર પડી? ’ હું પૂછી રહી હતી. મનને કાન પકડીને સોરી કહ્યું.
થયું હતું એવું કે પેલાં નેપાળી નર્સ જે અમને પોર્ટ બ્લેર જતી વખતે જહાજમાં મળ્યા હતા, એમનું પોસ્ટીંગ મનનનાં જ શીપમાં થયું હતું. જેવો એમણે મનનને જોયો કે એમને પેલી ‘બુઢ્ઢા હસબન્ડ’ ની વાત યાદ આવી ગઈ. પછી તો શું હતું, આખી શીપમાં તે દિવસના બનાવની વિગત પ્રસરી ગઈ. ત્યારથી મનનને બધાં તક મળે ત્યારે ચીડવી લેતા. એક દિવસ મસ્તી મસ્તીમાં મનને પણ આ ગીતની વાત એના દોસ્તોને કરી દીધી. બસ, પછી તો થઇ રહ્યું. બધાએ પ્લાન બનાવી દીધો મને અને મનનને ચીડવવાનો.
તે દિવસ પછી અમારા દરેક ગેટ ટુ ગેધરમાં આ ગીત ખાસ ગાવામાં આવતું. મારા દીકરાનો પહેલો બર્થ ડે હોય કે દિવાળીનું સેલિબ્રેશન. અરે ખાલી ખાલી રવિવારે બધાં ભેગા થયા હોય તો પણ આ ગીત તો ગાવામાં જ આવતું. કહેવાની જરૂર ખરી કે ગાવાની શરૂઆત હંમેશા હું જ કરતી!! અલબત્ત દર વખતે મારી આંખોમાં એ જ તાજી પરણેલી નવોઢા જેવી શરમ આવી જતી!!