Pincode -101 Chepter 41 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 41

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 41

પિન કોડ - 101

પ્રકરણ-41

આશુ પટેલ

દોડીને બીજી રિક્ષા પકડી લીધા પછી સાહિલને યાદ આવ્યું કે રાજ મલ્હોત્રાએ આપેલું બે લાખ રૂપિયા ભરેલું કવર તે પેલી રિક્ષામાં ભૂલી ગયો છે.
સાહિલે જિંદગીમાં પહેલી વાર પોતાની માલિકીના બે લાખ રૂપિયા જોયા હતા, પણ રિક્ષાવાળાના મોબાઇલ ફોન પર પોલીસનો કોલ આવ્યો એટલે તે ગભરાઇને રિક્ષામાથી ઊતરીને ભાગ્યો એ વખતે પૈસા ભરેલું કવર લેવાનું ભૂલી ગયો હતો. અફ્સોસ અનુભવી રહેલા સાહિલે જોરથી પોતાના કપાળ પર હાથ પછાડ્યો.
જો કે થોડી ક્ષણોમાં જ તેના મનમાં બે લાખ રૂપિયા ગુમાવવાના અફ્સોસનું સ્થાન નતાશાની ચિંતાએ લઇ લીધું. નતાશાના જીવન પર ખતરો હતો ત્યારે તેને બે લાખ રૂપિયાની ફિકર કરવા માટે તેને પોતાની જાત પર શરમ પણ આવી.
સાહિલને યાદ આવી ગયું કે નતાશા અમદાવાદમાં ઘણી વાર તેમની કોલેજથી થોડે દૂર એક મંદિરમાં જતી હતી. સાહિલ ક્યારેય મંદિરમાં જતો નહોતો, પણ એક વાર નતાશાએ તેને પોતાની સાથે મંદિરમાં આવવા કહ્યું હતું. એ વખતે સાહિલ સ્પ્રિંગની જેમ ઉછળ્યો હતો: ‘હું મંદિરમાં આવું? સવાલ જ નથી!’
ત્યારે નતાશાએ સાહિલને સાફ શબ્દોમાં કહી દીધું હતું : ‘ઓ હીરો! તું મંદિરમાં આવે કે ના આવે એનાથી ઇશ્ર્વરને કોઇ ફરક નહીં પડે. હું તો તને કંપની આપવા માટે મારી સાથે મંદિરમાં આવવાનું કહું છું. બાકી તારા જેવા નંગને મંદિરમાં આવેલો જોઇને ઇશ્ર્વર પણ રાજીના રેડ નથી થઇ જવાના કે હાશ! આજે તો ખુદ સાહિલભાઇ, ધ ગ્રેટ સાહિલ સગપરિયા મારે ત્યાં આવ્યા છે! હું તો ધન્ય થઇ ગયો. હવે મારો ધરતીનો ફેરો ટળી ગયો. આવી મહાન હસ્તી સામે ચાલીને મને મળવા આવી એટલે પૃથ્વી પર રોકાવા માટે મારી પાસે હવે કોઇ કારણ ના રહ્યું. હું ફરી પરલોકમાં ચાલ્યો જાઉં છું!’
નતાશા હજી આગળ બોલવા જતી હતી પણ સાહિલે હાથ જોડી દીધા અને શરણાગતિ સ્વીકારતા કહ્યું, ‘હે માતા નતેશ્ર્વરી, તમારી બધી વાત મને મંજૂર છે! તને કંપની આપવા માટે તારી સાથે મંદિરમાં આવવામાં મને વાંધો નથી. હું સમજ્યો હતો કે તું તારી જેમ મને પણ પ્રભુભક્ત બનાવવા માગે છે!’
‘તો પછી ચાલ વત્સ, મસ્તિષ્ક્નો મેલ ખંખેરીને મારા ચતુષ્ચક્રી રથમાં સવાર થઇ જા એટલે આપણે મંદિર તરફ પ્રયાણ કરીએ!’ નતાશા બોલી અને એ સાથે બંને હસી પડ્યાં હતાં.
સાહિલ નતાશાને કારણે મંદિરમાં ગયો, પણ નતાશા ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી, આંખ બંધ કરીને, પ્રાર્થના કરી રહી હતી ત્યારે સાહિલ નતાશા તરફ હાથ જોડીને ઊભો રહ્યો. નતાશાએ આંખ ખોલી ત્યારે તેણે સાહિલને પોતાના તરફ હાથ જોડીને ઊભો રહેલો જોયો એટલે તેણે આંખોથી જ સવાલ ર્ક્યો કે, ‘શું છે આ નાટક?’ અને પછી એને નજરથી ડારો પણ દીધો.
સાહિલે કહ્યું, ‘હું તો તારામાં માનું છું એટલે તને પ્રણામ કરું છું!’
નતાશાએ સાહિલનો હાથ પકડીને તેને પોતાની નજીક ખેંચ્યો અને ભગવાનની મૂર્તિ સામે ઊભો રાખી દીધો.
‘તું મારામાં માનતો હોય તો હું ઇશ્ર્વરમાં માનુ છું. એટલે મને સારું લાગે એ કારણથી પણ ઇશ્ર્વરને પગે લાગી લે. અને એમાં તને કોઇ જ નુકસાન નથી જવાનું એની ગેરંટી હું આપું છું!’ નતાશાએ કહ્યું.
એ વખતે નતાશાની એક ફ્રેન્ડ મંદિરમાં આવી ચડી હતી. તેણે સાહિલને મંદિરમાં જોયો એટલે નતાશાને કહ્યું, ‘ફાઇનલી તારી માનતા પૂરી થઇ ગઇ!’
ત્યારે સાહિલે નતાશા સામે ધારદાર નજરે જોઇને પૂછ્યું : ‘તું માનતા પણ રાખે છે! તું એવું માને છે કે તું ઇશ્ર્વરને કંઇક કહે અને તે તારી વાત સાંભળીને તારી ઇચ્છા પ્રમાણે બધું કરી આપે?’
નતાશા કંઇ જવાબ આપે એ પહેલાં તેની ફ્રેન્ડ બોલી પડી : ‘અરે! એક તો બિચારી તારા માટે આટલી દુ:ખી થઇ અને ઉપરથી તું તેની સાથે આ રીતે વાત કરે છે? ધિસ ઇઝ નોટ ફેર!’
સાહિલ ગૂંચવાઇ ગયો. નતાશાએ વાત આગળ વધતી અટકાવવા તેની ફ્રેન્ડને કહ્યું, ‘અરે તને ખબર છે ને અમે બેય દિવસમાં એક વાર ઝઘડો ના કરીએ તો અમને ખાવાનું ના ભાવે!’
‘ઠીક છે, તમતમારે તમારો આજના ઝઘડાનો ક્વોટા પૂરો કરો.’ નતાશાની ફ્રેન્ડે કહ્યું અને તે ચાલતી થઇ. પણ જતાં-જતાં તે સાહિલને કહેતી ગઇ : ‘ઝઘડી લીધા પછી નતાશાને કંઇક સરખું ખવડાવજે. બાર દિવસથી તેણે સૂપ અને ફ્રૂટ સિવાય બીજા કોઇ ખોરાકને હાથ કે મોઢું લગાવ્યું નથી.’
‘શું?’ સાહિલ આશ્ર્ચર્ય અને આઘાતથી બોલી પડ્યો.
‘યસ, તું ટ્રકની ટક્કરથી મોટરબાઇક પરથી પટકાયો અને બેહોશ હાલતમાં હૉસ્પિટલભેગો થયો એ વાતની ખબર પડી એ જ ક્ષણે નતાશાએ આ મંદિરમાં આવીને ભગવાન સામે ધા નાખી હતી કે મારા દોસ્તને બચાવી લેજો. એ વખતે તેણે ઇશ્ર્વરને સાક્ષી રાખીને નક્કી કરી લીધું હતું કે મારો દોસ્ત સાહિલ ફરી કોલેજમાં આવતો નહીં થાય ત્યાં સુધી હું સૂપ અને ફ્રૂટ સિવાય કંઇ મોઢામાં નહીં નાખું અને તેને હૉસ્પિટલમાથી રજા મળશે ત્યારે હું તમને એકવીસ નારિયેળ ચડાવીશ. અને તે જે દિવસે કોલેજમાં આવવાનું શરૂ કરશે એ દિવસે તેને હું મંદિરમાં તમારા દર્શન કરવા લઇ આવીશ.’ નતાશાની ફ્રેન્ડે કહ્યું.
સાહિલે નતાશાના બંને ખભા પકડીને તેની આંખોમાં આંખ પરોવી. નતાશા પોતાની આંખોની ભીનાશ છુપાવવા બીજી બાજુ જોવા લાગી. સાહિલના ગળે ડુમો ભરાઇ આવ્યો. તે કંઇ બોલી ના શક્યો. તે નતાશાને ઉમળકાભેર ભેટી પડ્યો. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. થોડી સેક્ધડ પછી નતાશાથી અલગ થઇને તેણે નતાશાના ખભા પકડીને કહ્યું : ‘આ શું ગાંડપણ છે? હું છ મહિના હોસ્પિટલમાં રહ્યો હોત તો?’
‘સિમ્પલ. મારે છ મહિના સૂપ અને ફ્રૂટ પર રહેવું પડત.’ નતાશાની આંખોમાંથી પણ આંસુ સરી રહ્યા હતા. તેના અવાજમાં ધ્રુજારી હતી. તેણે કહ્યું: ‘મારા માટે દોસ્તી સૌથી ઉપર આવે છે. હું જિંદગીમાં ક્યારેય ખોટું કામ ન કરી શકું, પણ દોસ્ત માટે અપરાધ કરવો પડે તો હું એ કરવા પણ તૈયાર થઇ જાઉં. હું કર્ણને વિશ્ર્વનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દોસ્ત માનું છું. તેને ખબર હતી કે મારો મિત્ર ખોટો છે અને તેની સાથે રહેવાને કારણે મારે કમોતે અને અકાળે મરવું પડશે. છતાં તેણે દુર્યોધન સાથે દોસ્તી નિભાવી હતી!’
અરે ક્યાંની ક્યાં પહોંચી ગઇ તું?’ સાહિલે કહ્યું. અને પછી તેનો હાથ પકડીને તેને તેની કાર તરફ ખેંચી જતા તે બોલ્યો: ‘ચાલ તારી ફેવરિટ જગ્યા પર લઇ લે. પહેલા હું તને કંઇક ખવડાવું. પછી બીજી બધી વાત કરીએ.’
સાહિલને તેના ગાલ પર ભીનાશનો અહેસાસ થયો. એ સાથે તેને સમજાયું કે તેની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. સાહિલ ભાગ્યે જ રડી શકતો હતો. સમાજમાં વહેવાર નિભાવવામાં માનતા મોટાભાઈ બહારગામ હોય એ વખતે તેણે લગ્ન-મરણ પ્રસંગે જવું પડતું હતું. એ રીતે ક્યારેક કોઈ નજીકનું સગુંવહાલું મરી ગયું હોય અને તેણે જવું પડે ત્યારે સ્મશાનમાં પણ તેનું અવળચંડું મન સખણુ ના રહેતું. સામે કોઈ સગાની ચિતા સળગતી હોય અને તે પોતાના મનમાં કોઈ જૂની હિન્દી ફિલ્મનું ગીત ગણગણતો હોય! તે સ્મશાનમાં એક બાજુ ગામના કોઈ દોસ્ત સાથે ઊભો રહી જતો અને ક્યારેક કોઇ દોસ્તને ધીમા અવાજે કહી દેતો: ‘બધું ભગવાન જ કરતા હોય તો પછી કોઈ મરી જાય ત્યારે આવી રડારોળ શા માટે કરવી જોઈએ? કે કોઈના જન્મ વખતે ખુશ પણ શા માટે થવું જોઈએ?’
અમારા પાડોશી રાંચી ડોશી દિવસમાં દસ વાર એવું બોલતા હોય છે કે ઉપરવાળો જે કરે એ સારા માટે જ હોય છે. પણ કોઈ મરી જાય ત્યારે તે છાતી કૂટતા કૂટતા રડતા હોય છે અને પાડોશમાં કોઈને ત્યાં દીકરાનો જન્મ થાય ત્યારે હરખઘેલાં થઇને થાળી વગાડવા પહોંચી જતાં હોય છે!’
સાહિલની આવી ‘ફિલોસોફી’ વિશે કોઈ તેના ભાઈને કહી દેતું ત્યારે સાહિલના મોટાભાઈ જે હાથમાં આવે એ લઈને તેના પર ફરી વળતા. જો કે ભાઈના હાથના મારથી કે વધુ માર પડવાના ડરથી સાહિલે ક્યારેય પોતાના વિચારો બદલવાની કોશિશ કરી નહોતી, પણ અત્યારે તેને સમજાઈ રહ્યું હતું કે પોતાના જેવો માણસ નતાશાથી સંપર્ક તૂટવાને લીધે પણ આટલો વિહ્વળ બની જતો હોય તો નાનકડા ગામડામાં આખું જીવન ગુજારી દેનારા અભણ કે અર્ધશિક્ષિત માણસો તેમના સ્વજનને ગુમાવે ત્યારે તેમની મનોદશા કેવી ખરાબ હોતી હશે!
વિચારોના વમળમાં અટવાયેલા સાહિલને યાદ આવ્યું કે નતાશા ગઈ કાલે કહી રહી હતી કે તેણે મોડેલિંગ કે અભિનયની પહેલી તક મળે ત્યારે અંધેરીથી છેક દાદર સિદ્ધિવિનાયક મંદિર સુધી ચાલીને જવાની માનતા લીધી હતી. અને પહેલું કામ મળ્યું ત્યારે તેણે સિદ્ધિવિનાયક મંદિર સુધી પગે ચાલતા જઈને એ માનતા પૂરી પણ કરી હતી.
નિ:સહાયતાની લાગણી અનુભવી રહેલો સાહિલ નાના બાળકની જેમ રડી પડ્યો. તેના કાંપતા હોઠો વચ્ચેથી શબ્દો સરી પડ્યા: ‘હે સિદ્ધિવિનાયક, મારી નતાશાની રક્ષા કરજો. નતાશા હેમખેમ મળી આવશે તો હું તમારા દર્શન કરવા ઉઘાડા પગે ચાલીને સિદ્ધિવિનાયક મંદિર સુધી આવીશ!’

(ક્રમશ:)