Tran Tunki Vartao in Gujarati Short Stories by Parth Toroneel books and stories PDF | ત્રણ ટૂંકી વાર્તાઓ

Featured Books
Categories
Share

ત્રણ ટૂંકી વાર્તાઓ

ત્રણ ટૂંકી વાર્તાઓ

1 કુંજલનો પ્રશ્ન

બોયફ્રેન્ડ સાથે તેનું બ્રેક-અપ થયે પંદરેક દિવસ વીતી ચૂક્યા હતા, છતાંયે કુંજલના દિલનો ઘા હજુ તાજો હતો. તેનું ડિપ્રેસ્ડ મન ડાઇવર્ટ કરવા તેની ફ્રેંન્ડે કહ્યું, “હેય કુંજલ... ચાલ ને યાર બહાર બેડમિન્ટન રમીએ. થોડીક વાર એના વિશેના વિચારો ભુલાઈ જશે તો તને સારું લાગશે.”

“ના યાર, મૂડ નથી...”

“કમ ઓન કુંજલ, સ્પોર્ટ્સ રમવાથી તું ફિલ ગુડ મહેસુસ કરીશ...”

“યાર જિનમિલ, આ દુનિયામાં કેટલાયે સ્પોર્ટ્સ રમવા માટે પડ્યા છે, છતાંયે લોકો કોઇની ફિલિંગ્સ સાથે રમવાનું કેમ પસંદ કરતાં હશે?”

કુંજલનો પ્રશ્ન સાંભળી તે વિચારમાં મુકાઇ ગઈ!

***

2 સમજે એવો સાથીદાર!

એક ખેડૂત પાસે પચ્ચીસેક દિવસના થયેલા પાંચ નાના ગલૂડિયાં હતા. પાંચેય મસ્તીખોર ગલૂડિયાં ગમે ત્યાં ઘૂસી જતાં અને ખેતરમાં વાવેલો પાક બગાડી નાંખતા. એટ્લે એક દિવસ એ ખેડૂતે દરવાજા બહાર ‘ગલૂડિયાં વેચવાના છે’ એનું એક નોટિસ બોર્ડ મારી દીધું.

એક દિવસ બારેક વર્ષનો છોકરો ત્યાંથી પસાર થતો હતો. તેણે દરવાજા પર મારેલું બોર્ડ વાંચ્યું. તેણે દરવાજો ખખડાવી બૂમ મારી...

થોડીકવારમાં ખેડૂત ખેતરનું કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો.

“અંકલ...” એ છોકરાએ કહ્યું, “...મારે એક ગલૂડિયું ખરીદવું છે.”

ખેડૂતે પરસેવાથી ભીનું કપાળ રૂમાલથી લૂછતા કહ્યું, “બેટા... આ ગલૂડિયાં ખૂબ સરસ જાતના અને તંદુરસ્ત છે, એટ્લે પૈસામાં ભાવતાલ નહીં થાય હોં...!”

સાંભળીને છોકરાનું મોં નિરાશાથી ઉતરી ગયું. તેણે ખિસ્સામાં છેક ઊંડો હાથ નાંખી પૈસા કાઢ્યા. પરચુરણ સાથે માંડ દસેક જેટલા રૂપિયા નીકળ્યા. તેણે આશાભરી નજરે પૈસા સામે ધરીને કહ્યું, “અંકલ, દસ રૂપિયા છે મારી પાસે...”

“એટલા રૂપિયામાં સારી જાતનું ગલૂડિયું ના મળે, બેટા...” ખેડૂતે પાછા કામ પર જવા પગ વાળ્યા.

“અંકલ...અંકલ... દસ રૂપિયા આપું તો એ ગલૂડિયાં પર હાથ ફેરવવા દેશો...? પ્લીઝ અંકલ...” છોકરાએ આજીજીભર્યા સ્વરે દરવાજાના સળિયા વચ્ચે માથું અડાડીને કહ્યું.

ખેડૂતે દસ રૂપિયાની લાલચમાં “ઠીક છે...” કહી માની ગયો. તેણે મોટા અવાજે તેની પત્નીને ટહુકો પાડી ગલૂડિયાં લઈ આવવા કહ્યું.

ગલૂડિયાં-ઘરનો દરવાજો તેની પત્નીએ ખોલ્યો એવા તરત જ પાંચેય મસ્તીખોર ગલૂડિયાં ‘હવે રખડવા મળશે’ એ વિચારે ગાંડાઘેલા થઈ બહાર દોડ્યા...! ધોળા દૂધ જેવા ભદાળા પાંચેય ગલૂડિયાંને લઈને ખેડૂતની પત્ની દરવાજે આવી. કપાસના ઢગલા જેવા પાંચ ક્યૂટ ગલૂડિયાં જોઈને છોકરાનો ચહેરો તત્ક્ષણ આનંદથી ખીલી ઉઠ્યો! પાંચ ગલૂડિયાંમાં એક ગલૂડિયું પગેથી ખોડું (અપંગ) હતું. તે થોડાક ડગલાં ચાલવા જતું ને ગબડી પડતું. ચાલવા કરતાં તે કદાચ ગબડી ગબડીને વધુ અંતર કાપીને પહોંચ્યું હતું. એ ખોડંગાતું ભદાળું ગલૂડિયું જોઈને છોકરાએ દરવાજાના સળિયા વચ્ચે માથું નાંખી તરત બોલી ઉઠ્યો, “અંકલ, મારે પેલા ગલૂડિયાંને રમાડવું છે...”

“બેટા, એ ગલૂડિયું બીજા ગલૂડિયાંની જેમ તારી જોડે દોડીને રમી નહીં શકે. હું તને બીજું ગલૂડિયું રમવા આપું છું...”

“ના અંકલ... મારે એજ ગલૂડિયાં જોડે રમવું છે...”

”પણ બેટા એ અપંગ ગલૂડિયું છે. એ તારી જોડે નહીં રમી શકે”

છોકરાએ નીચા નમી તેના ડાબા પગનું પેન્ટ ઢીંચણ ઉપર ચડાવ્યું. તેણે ઢીંચણ સુધી ખાસ પ્રકારના ડુપ્લિકેટ સ્ટીલના પગ અને બુટ પહેરેલા હતા. તેણે કહ્યું, “જુઓ અંકલ, હું પણ અપંગ છું. હું પણ તેની જેમ દોડી નથી શકતો, પણ એ ગલૂડિયાંની તકલીફ હું સારી રીતે સમજી શકું છું. પ્લીઝ અંકલ. મારે એની જોડે રમવું છે.” તેણે હાથમાં દસ રૂપિયા સામે ધરીને ભીની આંખે કહ્યું.

છોકરાના અપંગ પગ પર ચડાવેલો સ્ટીલનો પગ જોઈને ખેડૂતના હૈયામાં સહાનુભૂતિ ઉભરાઇ આવી. આદ્ર આંખે તેમણે એ અપંગ ગલૂડિયાંને હાથમાં લીધું. દરવાજો ખોલી છોકરાના હાથમાં રૂના ઢગલા જેવુ પ્યારું ગલૂડિયું મૂક્યું.

ગલૂડિયાંનો સુંવાળો સ્પર્શ અને માયાળું કાળી આંખો જોઈને છોકરાના હોઠ પર તરત જ સ્મિત ખીલી ઉઠ્યું. તેણે ખભાથી ભીની આંખો લૂછતા કહ્યું, “અંકલ, આ ગલૂડિયું મને ખૂબ ગમે છે. કેટલા રૂપિયા થાય આને ખરીદીને ઘરે લઈ જવા?”

ખેડૂતને છોકરાના અવાજમાં ભળેલી લાગણીનો સૂર સાંભળીને હૈયું ભરાઈ આવ્યું. તેના માથા પર હેતાળ હાથ મૂકીને કહ્યું, “બેટા, આ ગલૂડિયાંને એવા વ્યક્તિની જરૂર છે જે એની તકલીફને સમજી શકતું હોય. તારા માટે હવે આ ગલૂડિયું બિલકુલ મફત છે. જ્યાં પ્રેમ ચૂકવાતો હોય ત્યાં પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે...”

(ઇન્ટરનેટ પર આ વાર્તા ક્યાં વાંચેલી હતી... વાર્તા રસપ્રદ બને એટ્લે કેટલાક નાના-મોટા ફેરફાર કર્યા છે)

***

3 બેસ્ટ એડવેન્ચર ઓફ લાઈફ...

નેશનલ જ્યોગ્રાફિક પર આવતા એડવેન્ચર ટીવી શોમાં બંને કપલ રાત્રે શિકારથી બચવા ઊંચી ઝાડની ડાળીઓ પર ચઢી, લાકડાનો નાનો ટેન્ટ બનાવી એમાં આરામ કરતાં હતા. ડરામણા જંગલમાં જંગલી જાનવરોના અવાજો, તમરાનો ત્રમત્રમ થતો અવાજ, ચિબરીઓ, અને જંગલી વરુઓની કિકિયારીઓથી રાત્રિનું વાતાવરણ ભેંકાર બનતું જતું હતું.

લિન્ડસેએ નાઈટ વિઝન કેમેરો ઓન કરી, રેકોર્ડિંગ કરતાં તેના હસબન્ડનો ઇન્ટરવ્યુ લેતા અંદાજમાં પૂછ્યું, “મિસ્ટર ગીબ્સન, આજ સુધીનું તમારું સૌથી યાદગાર એડવેન્ચર કયું રહ્યું છે? જેને તમે ‘ધી મોસ્ટ હેપ્પીએસ્ટ’ અને ‘ધી મોસ્ટ સ્કેરીએસ્ટ’ લીસ્ટમાં મૂકી એડવેન્ચરસ વ્યક્તિ તરીકે પ્રાઉડ ફિલ કરતાં હોવ…”

“વેલ, આજ દિન સુધી મેં કેટલાયે એડવેન્ચર્સ ખેડ્યા છે... પણ એક એડવેન્ચર એવું છે જે તે કહ્યું એ બે કેટેગરીઝમાં પરફેક્ટ ફિટ બેસે છે...”

“કમ મોન... ટેલ મી... આઈ એમ ક્યુરિયસ ટુ હિયર એબાઉટ ઇટ...” કહી ફેસનો ક્લોઝ-અપ લીધો.

“તારામાં ખોવાઈ જવું એ મારા જીવનનું આજ સુધીનું સૌથી બેસ્ટ એડવેન્ચર રહ્યું છે. તને પ્રપોઝ કરવાની ક્ષણો એ ‘ધી મોસ્ટ સ્કેરીએસ્ટ’ એડવેન્ચર હતી; અને એની બાદ મેરેજ લાઈફમાં તારી સાથે વિતાવેલી દરેક પળો ‘ધી મોસ્ટ હેપ્પીએસ્ટ’ એડવેન્ચર રહી છે. જેના પર હું પ્રાઉડ ફિલ કરું છું...”

લિન્ડસે કેમેરાની ગ્રીન સ્ક્રીનમાં ગીબ્સનને જવાબ આપતા સાંભળીને તેનું એડવેન્ચરસ કઠણ કાળજું કોમળ પ્રેમપુષ્પમાં ફેરવાઇ ગયું. તેણે લાગણીભીના સ્વરને મજાકીયા અંદાજમાં ફેરવી મુસ્કુરાતા પૂછ્યું, “ગીબ્સન, જંગલમાં આવી ઓકવર્ડ જગ્યાએ પણ તારામાં રોમેન્ટિક વાતો ક્યાંથી નીકળે છે?”

“બેબ... રાત્રે તારી સાથેની પળોમાં હું માત્ર તારો લવર છું. તારા પ્રત્યે જે દિલમાં અનુભવું છું એ કહું છું. યુ નો... ઇટ્સ નેચરલ... આઈ ડોન્ટ હેવ ટુ પ્રિટેન્ડ... ઇટ્સ જસ્ટ કમ્સ ફ્રોમ હાર્ટ... રોમેન્ટિક થવા સ્થળ મેટર નથી કરતું, તારું પાસે હોવું જ ઇનફ છે...” તેણે બિલકુલ સહજ ભાવે અંધારામાં લિન્ડસેનો ચહેરો ઈમેજિન કરતાં કહ્યું.

લિન્ડસે હોઠમાં મુસ્કુરાઈ ગઈ. પરફેક્ટ જીવનસથી મળ્યાનો મીઠો થડકાર દિલમાં અનુભવ્યો.

“આઈ લવ યુ, માય વાઈડ વુલ્ફ...!” કહી રેકોર્ડિંગ કરતાં તેણે નાઈટ વિઝનની ગ્રીન સ્ક્રીન ફેરવી, કેમેરો ઊંચો કર્યો. જીવનભર યાદગાર રહે એવા ગીબ્સનના જવાબના રેકોર્ડિંગમાં તેણે હળવા ચુંબનનું દ્રશ્ય કેદ કરી લેવા તે ગીબ્સનના ગાલ અંધારામાં શોધી તેની નજીક સરકી. ભેંકાર રાત્રિના ડરામણા અવાજો વચ્ચે પણ બંને એડવેન્ચરસ પ્રેમીયુગલો હળવું ચુંબન ભરી લાકડાના ટેન્ટમાં રોમેન્ટિક વાર્તાલાપ માણતા રહ્યા. ગાઢ અંધકારમાં પણ બંનેના મન:ચક્ષુ આગળ એકબીજાનો ચહેરો રમતો હતો...

***

(દિલમાં સાચો પ્રેમ ગાજતો હોય તો એને પાર્ટનર સામે વરસાવી દેવો... કદાચ સામેનો પાર્ટનર તમારો એકાદ પ્રેમભીનો શબ્દ સાંભળવા તરસતી પણ હોય...! તમે એના વિશે વિચારો છો, કાળજી કરો છો, ચિંતા કરો છો – બસ આટલી જ નાની વાતની જાણ તેને ફરીથી તમારા પ્રેમમાં પાડવા મજબૂર કરી મૂકતી હોય છે. જો ગિટારનો તાર ઢીલો હોય તો તેનો અવાજ બોદો નીકળે... મજબૂત તાર બાંધેલા હોય તો જ ટ્યુન્સ પ્લે કરવામાં ખરું મ્યુઝિક રણઝણે... સંબંધોનું પણ કંઈક આવું જ છે, મિત્રો! બંને હૈયા વચ્ચે આત્મીયતા અને ભાવનાત્મક બંધનોના તાર મજબૂત બંધાયેલા હશે તો જ પ્રેમના સૂર દિલથી નીકળશે; અને પછી તો આખું અસ્તિત્વ પ્રેમમયમાં ડોલાવી દિલગિટારને લાગણીઓથી ઝંકૃત કરી મૂકશે... તમારા પ્રિયજન પ્રત્યે જે ભાવ દિલમાં મહેસુસ કરો છો એ લાગણીઓને અભિવ્યક્ત કરો... લાગણીઓ વહાવવા માટે હોય છે, દબાવવા નહીં. વહાવવાથી ભીતર હળવું-ફૂલ બની જાય છે. લાગણીઓને દિલમાં મૂંગી મારી નાંખી તમારા પ્રિયજનને તરસ્યો / તરસી ન રાખો... તરસ માત્ર શરીરને જ નહીં, દિલને પણ હોય છે. ક્યારેક એના અધરોને (હોઠને) પણ લાગણીરસ રેડી તૃપ્તિ કરાવો...)

લેખક – પાર્થ ટોરોનીલ