Minbatti in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | મીણબત્તી

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

મીણબત્તી

મીણબત્તી

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


મીણબત્તી

ભગીરથ, આ પત્ર તમને મળશે કે એક યુગ પડખું ફરી ગયો હશે અને એક સમય તમને આવકારવા તત્પર હશે. તમે તો એના એ જ હશો એની મને ખાતરી છે. કદાચ વધુ વ્યથિત હશો. મારી હાજરીમાં તો તમે અસ્તવ્યસ્ત હતા જ. માંડ માંડ સ્વસ્થ હોવાનો અભિનય કરતા હતા. તમે જીવતા હતા, મને જિવાડતા હતા. પણ ભગીરથ, જે થવાનું હોય છે, થાય જ છે. આપણી ઇચ્છાઓ પામર છે. મારી જિજીવિષા પણ એટલી જ પામર હતી. હું પથારીમાં પડી પડી એને વળગીને બેઠી હતી. મને ક્યાં જાણ હતી કે મારા તનને અંદર-બહારથી કોણ ભરખી રહ્યું હતું.

હા... તાવ હતો. એ પણ ક્યાં સતત હતો ? ડૉ. ભાર્ગવે પણ સરસ અભિનય કર્યો હતો. માનસશાસ્ત્રની સ્નાતિકાને તેણે છેતરી હતી.

‘ના... ભાભી, આ બધો તો તમારા વ્હેમ છે. કશું ગંભીર નથી. કદાચ તાવને આ શરીર ફાવી ગયું લાગે છે. આખરે એ પણ પુરુષવાચક ખરોને. તમારી સોબત ગમી ગઈ. ભગીરથને ઈર્ષા થાય તેવી વાત ગણાય.’

ડૉ. ભાર્ગવ ખડખડાટ હસી શકતા હતા. હું પણ લજ્જા સાથે એમાં ભળતી. માત્ર તમે જ મૌન ધારીને સ્થિતપ્રજ્ઞની જેમ બેસી રહેતા.

પણ એક સાંજે એ ભેદ ખૂલી ગયો હતો. તમે અને ડૉક્ટર મને સૂતેલી સમજીને પરસાળમાં દબાતા સ્વરે વાતો કરતા હતા. સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો એ સમયે.

‘ભગીરથ...’ ડૉ. ભાર્ગવે તમારા ખભા પર હાથ મૂકીને કહ્યું હતું, ‘ભાભીને હવે જ જાળવવાનાં છે. આ છ માસ શાંતિથી જીવે એ જરૂરી છે. આફણે ઇચ્છીશું કે તે એથી પણ વિશેષ જીવે પરંતુ... એ આપણા હાથની વાત નથી.’

તમે બસ, સાંભળી રહ્યા હતા. તમારી હાલત કાંઈ સારી તો નહોતી જ. વચ્ચેની બારીનો પરદો ખસી ગયો હતો અને હું તમને બરાબર જોઈ શકતી હતી, સાંભળી શકતી હતી-મારા પલંગ પરથી.

એ સત્ય કેટલું ભીષણ હતું, ભગીરથ ? મને કારમો આઘાત લાગ્યો હતો. ભીતરથી ભાંગી પડી હતી. આંસુને ખાળી શકતી નહોતી. મને ચીસ પાડવાની ઇચ્છા જાગી હતી.

બસ, અંતે મૃત્યુ જ... છ માસને અંતરે ? હું તો જિંદગીને વળગીને બેઠી હતી-લોભી વ્યક્તિની માફક.

ભગીરથ, મને જિંદગી ખૂબ વહાલી હતી. અને કોને ન હોય ? મને એ સમયે છેલ્લા એક વર્ષથી ચાલતી મારી માંદગી યાદ આવી હતી. બધા જ બનાવો ઘટનાક્રમ મુજબ યાદ કરી ગઈ. મને એ રોગનું નામ જડી ગયું-જે તમે બન્ને મારાથી છુપાવતા હતા. એમાં બંસરી પણ સામેલ હશે જ, કારણ કે હમણાં હમણાં તે મને ખૂબ સાંત્વના આપતી હતી.

‘આન્ટી... તમે સારાં થઈ જાવ પછી આપણે લોંગ ડ્રાઈવ પર નકળી પડશું. તમે, હું અને સર.’

તે ઉત્સાહથી કહેતી. જાણે એ દિવસ હાથવેંતમાં ન હોય ! કશું પણ છોડવું ક્યાં સરળ હોય છે ? જ્યારે આ તો જિંદગી. મને મારી, શરીર અને મનની પીડાઓ યાદ આવી. શરીર તો ક્ષીણ થઈ ગયું હતું. મન થોડું સાબૂત હતું. એ તમારા સૌના પ્રતાપે. બંસરી વાતો કરતી, સરસ કરતી. સાચુકલી માનવાની મન થાય તેવી. તમે પણ રાતે મારી પાસે બેસતા, કવિતાઓ ગાતા, પ્રાર્થનાઓ કરતા... કૉલેજની વાતો કરતા...

મને તો તમે ભ્રમણાના કિલ્લામાં શણગારીને કેદ કરી. મારી યાતનાઓ પણ ભૂલી બેઠી હું તો. અને એ જ બરાબર. એમ જ કરવું જોઈએ. મૃત્યુ પ્રતિ જતી દરેક પળ જીવંત અને તેજસ્વી હોવી જોઈએ. તમે સહુ એ જ કરતા હતા. એ સત્ય અચાનક જ પ્રગટ થયું હતું.

થોડી માંદલી ક્ષણો પછી મને ભાન થયું કે જો મૃત્યુ જ નિશ્ચિત હોય તો એ સહજ બનીને સ્વીકારી લેવું. હું અકસ્માત થકી મરી શકું છું, સાવ... અનિશ્ચિત રીતે, જ્યારે આ તો સાવ અકારણ પણ નથી.

ભીષણ રોગે ભરડો લીધો હતો. જેનો અંત આ જ હોય. તો પછી મારે હસતાં હસતાં શા માટે એ અંત ભણી ન જવું ?

તમે ભાર્ગવને વિદાય કરીને આવ્યા ત્યારે ભગીરથ, હું પૂરેપૂરી સ્વસ્થ હતી. પેલો ડર તો સાવ ખંખેરાઈ ગયો હતો. તમે મને પુનઃ આશા આપી હતી.

માલતી, દવાની અસર શરૂ થઈ છે. છ માસમાં તો... તું હરતી-ફરતી થઈ જઈશ...!

આટલું બોલતા તમને કેવું કષ્ટ થતું હશે-એની મને જાણ હતી. એ ક્ષણે-મને તમારું દુઃખ વળગ્યું હતું, મારું નહિ.

મેં પણ એ નાટક આગળ ચલાવ્યુ ંહતું.

‘ભગીરથ... હું સાજી થઈ જાઉં પછી આપણે અંબાજી દર્શને જઈશું- તમે, હું ને બંસરી અને ભગીરથ... ગાડી હું જ ડ્રાઈવ કરીશ. હમણા તો પ્રેક્ટિસ જ ક્યાં રહી છે ?’ મેં સરસ અભિનય કર્યો હતો, તમારા જેવો જ.

મેં એ સમયે તમારો તણાવ ઓગળતો જોયો હતો. તમે મને પટાવી શક્યા હતા, યોગ્ય દિશામાં દોરી શક્યા હતા, એ વાત કોઈ નાનીસૂની તો ન જ ગણાય.

હું માની ગઈ, નાની બાળકીની માફક, પરંતુ એ તો ઉપરછલ્લી, સપાટી પરની વાત હતી. ભીતરની હાલત સ્થિર નહોતી. ક્યાંક ઉદાસી હતી તો ક્યાંક વળી જેમ તેમ જીવવા કરતાં અંતિમ પરદો પડી જાય એની તીવ્ર ઇચ્છા હતી. ભગીરથ, મને તો તમારી ચિંતા પણ થતી.

શું થશે, ભગીરથનું ? છ માસ... અરે, કદાચ આવતી કાલે... તમે એકલાં-તમારી માલતી વિનાના થઈ જવાના હતા, એ વાત મને પીડા આપતી હતી.

ભગીરથ, તમને વળી મારા વિના રહેવાની ક્યાં આદત હતી ? લગ્નજીવનનાં ભર્યાંભાદર્યા સોળ સોળ વર્ષ એનાં સાક્ષી હતાં.

સતત તમને પ્રેમ કરતી રહી છું અને પામતી રહી છું. તમારા સામીપ્ય વિના ક્યારેય નથી ચાલ્યું. આ માંદગીમાં પણ મને તમારા સ્પર્શો મળ્યા છે, શબ્દો મળ્યા છે. કોઈને દૂર રહીને થોડું ચાહી શકાય છે ? મન અને શરીર, બન્ને સભર થવાં જોઈએ, સમીપ હોવો જોઈએ.

અને એથી જ મને તમારી ચિંતા છોડતી નથી. ઘરમાં નોકર હશે, રસોયણ હશે, પણ માલતી ?

ભગીરથ, તમે પણ આ નહિ વિચારતા હો ? કદાચ ન પણ વિચારતા હો, પણ... એ હકીકત સામે આંખમીંચામણાં તો ન જ કરી શકાય. અભાવ તો પ્રભાવ બતાવે જ. હું નિઃસંતાન રહી-એ અભાવ પણ ગમે ત્યારે જાગી જતો હતો. તમને પણ મેં ઉદાસ થતા જોયા હતા, અનેક વેળાએ. ભગીરથ, મનને સમજાવવું ખૂબ જ અઘરું હોય છે. એક વાર માની જાય છે, પરંતુ બીજી વેળાએ તે જરા પણ ગાંઠતું જ નથી.

મેં મક્કમ બનીને મનને મનાવી લીધું. મૃત્યુ અનિવાર્ય હતું - એ સ્વીકાર્ય બની ગયું અને તમારો પ્રશ્ન ઈશ્વરને જ સોંપી દીધો. જે મને લઈ લેશે, એ તમારી વ્યવસ્થા પણ કરશે જ; અરે, કરી હશે જ !

મારા છત્રીસમાં વર્ષે-મેં ખૂબ ખૂબ છોડ્યું હતું. બંસરી આવતી, લગભગ નિયમિત આવતી. આવતી અને મને પ્રેમાળ પૂછપરછ કરતી.

‘આન્ટી, દવા લીધી ? ફ્રૂટ્‌સ... લીધાં ? લીલી દ્રાક્ષ તો નિયમિત લેવી જ, ભૂલવી નહિ. સવારે વસ્ત્રો બદલાવ્યાં કે નહિ ? ડૉ. ભાર્ગવે શું કહ્યું હતું - કે આનંદમાં રહેવું...!’

છોકરી પ્રેમાળ હતી. છોકરી શાની... ખાસ્સી... સ્ત્રી... એમ.એ.ના પરિણામની પ્રતીક્ષા કરી રહી હતી.

ભગીરથ... મને પણ શરૂઆતમાં આ વાતનો ખ્યાલ નહોતો. અચાનક જ ધ્યાન ગયું હતું. બંસરી આવતી, મારી સાથે પ્રેમથી વાતો કરતી, ક્યારેક તેના પરિવારની વાતો કરતી તો ક્યારેક કૉલેજ વિશે. આ બધો સમય... એ છોકરીની આંખો આસપાસ... કોઈને શોધતી હોય એ રીતે ઘૂમ્યા કરતી.

‘શું શોધે છે, બંસરી ? કશું જોઈએ છે તારે ?’ મેં ટકોર પણ કરી હતી.

‘ના... આન્ટી...’ તે તરત કહી દેતી. તેની ચોરી પકડાઈ ગઈ હોય એ રીતે ચોંકી જતી. પછી ઓઢણીના છેડેથી ગાલ લૂછી નાખતી.

ભગીરથ, આ વૃત્તિ ને પ્રવૃત્તિ અટક્યાં નહોતાં. તે તક મેળવીને આમતેમ નજર ફેરવી લેતી.

‘સરને શોધે છે, બંસરી ?’ મેં તેને પકડી પાડી હતી-મનથી. ભગીરથ, આ ઘરમાં તે તમારા સિવાય કોને શોધે ? હું તો તેની સન્મુખ જ હતી.

‘સર તો અત્યારે ક્યાંથી હોય ?’ તેણે ઉત્તર વાળ્યો હતો.

મને બંસરી... ગમે છે, તેને પ્રથમ મળી ત્યારથી ગમે છે. એ વૈશાખી બપોરે... એક વર્ષ પહેલાં... તેણે ડોરબેલ બજાવી હતી.

બારણું ખોલ્યું તો સામે એ-બંસરી. ત્યારે કોઈ નામ-કામની ખબર થોડી હોય ?

‘સર નથી’ સાંભળીને તે નિરાશ થઈ ગઈ હતી. હાથમાં મોટાં મોટાં... બે થોથાં હતાં, નોટબુક હતી. બીજા હાથે... નાનકડાં રૂમાલથી પરસેવાથી રેબઝેબ ચહેરો લૂછતી હતી.

‘આવને ? સર સાથે જ સંબંધ છે ? આન્ટી સાથે... નહિ ?’ મેં એમ કહીને તેને ભીતર લીધી હતી. બસ... ભગીરથ... પછી એ મીઠડી... મારી સખી બની ગઈ હતી. તમારી ગેરહાજરીમાં મળીએ ત્યારે અનેક વાતો નીકળે. એય પાછી સ્ત્રી ખરીને ? આત્મીયતા બંધાઈ ગઈ.

તમે હો ત્યારે તો કૉલેજ શરૂ થઈ જતી. તેમાં મારે ભાગે મૌન જ રહેતું. પેલી પણ લગભગ મૌન રહેતી અને તમે સતત પાઠો ભણાવ્યા કરતા.

‘પછી તેં આ પુસ્તક વાચ્યું ? રાજેન્દ્ર શાહની કવિતાઓ જોઈ ગઈ ?’

તમે સતત ખૂંપી જતા, તમારી છાત્રામાં.

‘બંસરી... બરાબર ધ્યાન આપે તો ક્લાસ આવે જ. પણ તે સતત ધ્યાન કેમ આપી શકતી નહિ હોય ?’ તમે ગૂંચવાતા હતા.

ક્યારેક એવી ક્ષણો પણ આવતી કે અમે બન્ને સાવ મૌન હોઈએ; જાણે કે સમય થીજી ગયો હોય ! હું ટગર ટગર છતને તાકી રહી હોઉં અને તે નતમસ્તક બેઠી હોય. અમારા બન્નેની મૂંઝવણ હોય કે વાત કરવી પણ કયા વિષય પર.

ઘણી વાર મને લાગતું કે બંસરીના મનમાં કશી પીડા હતી. મારી પીડા તો સ્પષ્ટ હતી, પરંતુ તેની તો અદૃષ્ટ. કોઈ મીણબત્તી જલી રહી હતી પણ દેખાતી નહોતી.

મેં તેને એક વાર પૂછ્યું હતું : ‘બંસરી, તું કોઈના પ્રેમમાં પડી ગઈ છે કે શું ? આમ ક્યારેક ઉદાસ, ક્યારેક થનગનતી. આન્ટીને કહેવાય તેમ હોય તો કહે...’

મેં રમતિયાલ અદામાં કહ્યું હતું. તે જરા ચોંકી હતી. આંખો વિસ્ફારિત થઈ હતી. લજ્જાની એક ઝલક ચહેરા પર વિસ્તરી હતી અને સંકેલાઈ પણ હતી.

‘આન્ટી... મારા પ્રેમમાં કોણ પડે ?’ તેણે સસ્મિત કહ્યં હતું.

મને ખબર હતી કે તેની મોટી બહેન પ્રેમલગ્નમાં નિષ્ફળ ગઈ હતી. અને વિફળતાની છાયા આ છોકરી પર, કદાચ પડી પણ હોય.

‘કોણ પડે એટલે ? તું તો સહુને ગમી જાય તેવી છું. રમતિયાળ છું, ઠાવકી છું. શરીરથી પણ સુંદર છું... તને પસંદ કરવા માટે આથી વિશેષ શું જોઈએ ? અને બંસરી, એક ખરાબ અનુભવને કાંઈ સફળતાનો માપદંડ ન ગણી શકાય ?’

મેં મારા મનમાં હતું એ કહી નાખ્યું હતું. તે જરા મલકી હતી. આમ છતાં પણ તે ક્યાં વ્યક્ત થઈ હતી ?

આ સંસારમાં કોઈ વ્યક્તિ ક્યારેય પૂરેપૂરી ખૂલતી જ નથી. મૃત્યુની સાથે તેની આખી અતરંગ દુનિયા અંત પામે છે. ભગીરથ, મારા કિસ્સામાં હું એમ નહિ થવા દઉં. આ પત્ર દ્વારા વ્યક્ત થઈ જ જઈશ. આ પત્ર એ માટે જ છે.

એ દિવસોમાં મને વિચિત્ર અનુભૂતિઓ થતી હતી. દિવસો ઝડપથી સરકતા હતા. જિંદગી અને મૃત્યુ વચ્ચેનું અંતર ઓગળતું જતું હતું. એની પીડા તો હતી જ.

એ સમયે નવો વિચાર ઝબક્યો હતો.

‘આ છોકરી... તમને જ શોધવા કાયમ મથતી હતી. તેની આંખોની અને મનની તરસ અજાણી રહી નોહતી. તમે કાયમ તેના અભ્યાસની ચિંતા કરતા હતા. પણ એ તો કશું જ નહોતી કરતી. બસ... તમને નિહાળવા... નજરને ઉપરતળે કરતી હતી. ક્યારેક મારી આંખો ઝોલાં ખાતી હોય ત્યારે દબાતે પગલે તમારા ખંડને વ્યવસ્થિત ગોઠવતી હતી. મને ઝબકારો થયો હતો.

શું આ છોકરી તમારા પ્રેમમાં તો નહિ હોયને ? વીસની છોકરી ચાલીસ વર્ષના પુરુષના પ્રેમમાં ?

છાત્રા અને ગુરુ ! મન અવઢવમાં પડી ગયું હતું. માનસશાસ્ત્રનાં બે-ચાર થોથાં ભણી એટલે આવું વિચારવાનું ? મને ભોંઠપ વળગવા લાગી.

છોકરીઓ સ્વભાવે ભાવુક હોય. આ મારો નિજી અનુભવ હતો. અને ભગીરથ, તમે તો ક્યારેય બંસરી વિશે અભ્યાસ સિવાયની વાતો કાઢી નહોતી.

આ મારો વહેમ જ હોઈ શકે. કેટલો ઠપકો મળ્યો અંદરથી ? કોઈની સીધીસાદી લાગણીઓનો આવો કઢંગો અર્થ કરવાનો ?

પણ ભગીરથ, મન તો મંકોડા જેવું છે. જ્યાં ન જવાનું હોય ત્યાં જઈ બેસે. પૂર એવું આવ્યું કે પાળી તૂટી જ ગઈ, એક વાર.

પૂછી બેઠી બંસરીને. મને મારી જાત પર લજ્જા આવતી હતી. ‘બંસરી... મને નિખાલસ જવાબ આપ. તું સરના પ્રેમમાં તો નથીને ?’

તે સહેજ ચોંકી. તેણે મારી આંખોમાં આંખો પરોવી. એ દૃષ્ટિમાં હળવાશ હતી.

‘હા... દીદી...’ તે સાવ સહજ સ્વરમાં બોલી. અવાજમાં ન હતો ઉન્માદ કે ન હતી લજ્જા. નિતાંત શાંતિ હતી. તે મોહક લાગતી હતી એ મુખમુદ્રામાં. આમ બોલવામાં તેને પ્રસન્નતા મળતી હતી.

અને સંબોધન ? સાવ નવુંનક્કોર ! આત્મીયતા જગાડતું. કેટલી સુરેખ કબૂલાત ? અપરાધભાવનું એકપણ નિશાન નહોતું-તેના પરિચિત ચહેરા પર.

ભગીરથ, એક પળ હું થીજી ગઈ હતી. સાવ અકલ્પ્ય ઘટના ઘટી હતી.

મારી માની લીધેલી અપેક્ષાઓ વેરવિખેર થઈ ગઈ હતી. મારાં બધાં જ દુઃખો ભુલાઈ ગયાં હતાં.

‘દીદી... તમને આઘાત લાગ્યોને ? મેં તમને નિખાલસ ઉત્તર આપ્યો ? હા, હું સરને પ્રેમ કરું છું-છેલ્લા એક વર્ષથી. એક વર્ષની દરેક ક્ષણે સરને પ્રેમ કર્યો છે અને તેમને મારી રીતે પામી છું. દીદી... તમારા અધિકારની ઉપરવટ જવાનું તો હું સ્વપ્ને પણ વિચારી ન શકું. પણ પ્રેમ કાંઈ માત્ર શરીરથી થોડો કરાય. એ તો... હવાની જેમ કરી શકાય, મીણબત્તીની જેમ પ્રજ્વળીને પણ કરી શકાય. મેં સરને એમ જ ચાહ્યા છે-મનની મીણબત્તી પ્રગટાવીને, નજરના સ્પર્શો પાથરીને.

અને દીદી... હું તેમને મન ભરીને અઢળક અઢળક પામી છું. સરને તો હરકોઈ ચાહી શકે, દીદી. શું આ માટો અપરાધ ગણાય ?’

તે સાવ સરળ રીતે બોલી ગઈ, મીણબત્તીની જ્યોત સરખું ભગીરથ, આ છોકરી મને માત કરી ગઈ. કેટલું આશ્ચર્યજનક અને છતાં કેટલું દિવ્ય !

બંસરી... તમને દૂર રહીને પૂરી સભાનતાથી ચાહતી હતી, અને પામતી હતી. મારે તો એ માટે તારા દેહની જરૂર પડતી હતી, સ્પર્શોની જરૂર પડતી હતી.

આ તો પૂર્ણરૂપે અશરીરી પ્રેમ.

ભગીરથ... તમને આ મીણબત્તી સોંપું છું. આ પત્ર લખવાનું પ્રયોજન, બસ આ જ હતું. તમને, મારી આ આખરી ઇચ્છા મારા મૃત્યુ પછીના એક માસ પછી મળશે.

ભગીરથ... મારી અનામત સંભાળશોને ?

પત્ર પૂરો થયો. બેચાર ક્ષણ ઘેરી શાંતિ વ્યાપી ગઈ. અચાનક જ ભગીરથે સામે બેઠેલી નતમસ્તક બંસરીના ખભા પર હાથ મૂક્યો. બીજા હાથે તેની હડપચીને સ્પર્શ કર્યો અને શબ્દો રેલાઈ ગયા :

‘બંસરી, મને મદદ કરીશ ને, તને પામવા માટે ?’