બીજી છોકરીઓની જેમ વૈભવીએ પણ પોતાના લગ્ન અને જીવનસાથીના સપના સેવ્યા હતાં. પણ પપ્પા પર થયેલા લકવાનાં હુમલાએ એને વધું જવાબદાર બનાવી દીધી હતી. પપ્પાને જયાં સુધી સારુ નાં થાય ત્યાં સુધી એણે એનાં લગ્ન વિશે વિચારવું સુધ્ધાં નહોતું. કૉલેજ પછી તરત જ એણે નોકરી શોધવા માંડી કે જેથી ઘરખર્ચમાં એ થોડી મદદ કરી શકે અને એક પ્રાઇવેટ કંપનીમાં એને જોબ પણ મળી ગઈ હતી. સાથે સાથે એનાં પપ્પાની પણ એ ખૂબ સેવા કરતી. રોજ સવારે પોતે જ પપ્પાને કસરત અને માલિશ કરાવતી અને ઘરકામમાં મમ્મીને થોડી મદદ કરાવી એ જોબ પર જતી. સાંજે જોબ પરથી પાછી આવીને પપ્પાને ફરી કસરત અને માલિશ કરાવતી ને સાથે સાથે આશ્વાસન પણ આપતી રહેતી કે , " જો જો પપ્પા બહુ જલ્દી તમે હાલતા ચાલતા થઈ જશો" આમ ને આમ સળંગ 2 વર્ષ સુધી વૈભવી એનાં એનાં પપ્પાની દવા ,કસરત અને માલિશ કરાવતી રહી. વૈભવીની એના પપ્પાને સાજા કરવાની ધગશ જોઈને એની મમ્મીનું વર્તન પણ વૈભવી પ્રત્યે નરમ થઈ ગયું હતું. વૈભવીની આટલી મહેનત પછી પણ એનાં પપ્પાની સ્થિતિમાં એટલો સુધારો નહોતો થયો કે એ જાતે ચાલી ફરી શકે. વૈભવીની સાથે એની મમ્મીની ધીરજ પણ ખૂટવા આવી હતી. એ લોકો એટલાં પૈસાદાર નહોતાં કે મોટી હોસ્પિટલમાં વૈભવીનાં પપ્પાની સારવાર કરાવી શકે.
વૈભવીનાં મમ્મી-પપ્પા હવે એનાં લગ્ન વિશે ચિંતા કરવા લાગ્યા હતાં અને વૈભવીએ કહ્યું હતું એમ લગ્ન કરવા વૈભવીએ માંગેલી 2 વર્ષની મુદત પણ હવે પૂરી થઈ ગઈ હતી. સમાજમાંથી લગ્નના આવતાં માંગા જે મુલતવી રાખ્યા હતાં એ હવે જોઈ લેવા માટે વૈભવીની મૂક સંમતિ એમને મળી ગઈ હતી. વૈભવીએ મનમાં નક્કી કરી જ લીધું હતું કે ,"જે પણ છોકરો જોવા આવશે એને લગ્ન માટે ના જ પાડી દઈશ એટલે એ રીતે લગ્ન પાછા ઠેલાતા જાય જેથી હું પપ્પાની વધુ સેવા કરી શકુ." પણ થયું એનાથી ઊંધું ! વૈભવીને જે પણ છોકરો જોવા આવતો એ એની સાદગી અને સુંદરતાથી આકર્ષાઈ લગ્ન માટે હા પાડી ને જતો હતો, પણ વૈભવી દરેક છોકરાંમાં કોઈ ને કોઈ ખામી કાઢી નાં જ પાડી દેતી હતી. આમ ને આમ 6 મહિના વીતી ગયા. દિવસે દિવસે વૈભવીનાં મમ્મી - પપ્પાની ચિંતા વધતી જતી હતી કે આ છોકરી કેમ કોઈ છોકરાંને પસંદ કરતી નથી ? એક દિવસ તો ખુદ વૈભવીનાં પપ્પાએ વૈભવીને પાસે બેસાડી સમજાવવા માંડ્યું કે ," બેટા, તું મારી આટલી ચિંતા નાં કર, મને ખબર છે કે મારે લીધે તું દરેક છોકરાંને લગ્ન માટે ના પાડી દે છે. ઉપર વાળો બેઠો છે ને બેટા? એ બધું સારા વાના કરી દેશે. હું તને પારકી નથી માનતો બેટા પરંતું તારે પણ તારા ભવિષ્ય વિશે વિચારવું પડે કે નહીં.? આજે અમે હયાત છીયે પણ કાલ ઉઠતા નહીં હોઇએ ત્યારે તારું કોણ હશે આ દુનિયામાં? આમ એકલાં એકલાં જીંદગી નાં ગુજરે બેટા. જિંદગીના લાંબા પંથમાં જીવનસાથીનો સહારો તો જોઈએ જ . તારાં પોતાના માટે નહીં તો ફક્ત મારી ખુશી માટે લગ્ન કરી લે બેટા, આ લાચાર બાપને તું ખુશ જોવા નથી માંગતી ? " પપ્પાના આ શબ્દોએ વૈભવીને અંદરથી હચમચાવી મુકી. એ ચોધાર આંસુથી પપ્પાના ખભા પર માથું નાખી રોવા લાગી. માંડ માંડ એ પોતાને કાબૂમાં લાવી બોલી , " પપ્પા મારા લગ્ન નાં કરવાં વિશે તમે આટલાં દુઃખી ના થાઓ. એવું નથી કે મારે લગ્ન નથી કરવા પણ કેમેય કરી ને તમને આવી હાલતમાં લગ્ન કરીને છોડી જવાનું મારું મન ચાલતું નથી. હું તમને બિલકુલ દુઃખી કરવા નથી માંગતી. પણ જો મારા લગ્ન કરી લેવાથી તમારો હૃદયનો ભાર હળવો થઈ જતો હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. હવે પછી જે પણ છોકરો મને જોવા આવશે અને લગ્ન માટે હા પાડી દેશે તેની સાથે હું લગ્ન કરવા તૈયાર છું." વૈભવીનાં આ શબ્દોથી એનાં પપ્પાની આંખો ભરાઈ આવી ને એમનાં હૃદયનો ભાર ઉતરી ગયો. બેય બાપ ને દિકરી એક બીજાને ગળે વળગી રડવા લાગ્યા, જાણે કે અત્યારે જ વૈભવી સાસરે વિદાય થવાં નાં જતી હોત...!
એક અઠવાડિયા પછી શાલીન અને તેનાં મમ્મી - પપ્પા વૈભવીને જોવા આવ્યાં. શાલીન એક પ્રાઇવેટ બેંકમાં જોબ કરતો હતો. શાલીન સાથે વાત કરીને વૈભવીને લાગ્યું કે જેવા જીવનસાથીની એને અપેક્ષા હતી એ અપેક્ષા મુજબ જ એ મિલનસાર અને સંસ્કારી હતો. વૈભવી દેખાવે તો સુંદર હતી જ. કોઈ પણ છોકરાને એ પહેલી નજરમાં જ ગમી જાય એવી. શાલીનનાં દિલમાં વૈભવીની સુંદરતા કરતાં એની સાદગી વધુ વસી ગઈ. વૈભવી અને શાલીન બન્નેએ લગ્ન માટે એકબીજાને સંમતિ આપી દીધી. બન્ને પક્ષે ગોળ - ધાણા પણ ખવાઈ ગયા. લગ્નનું મુહૂર્ત જોવા માટે પણ વર પક્ષને કહી દેવામાં આવ્યું.વૈભવીનાં લગ્ન સારા ને સંસ્કારી છોકરાં સાથે ગોઠવાઈ જવાથી વૈભવીનાં પપ્પા ખૂબ ખુશ હતાં. એમની ખુશી માત્ર વૈભવીમાં હતી ને વૈભવીની એકમાત્ર ખુશી એનાં પપ્પાની સેવા કરવામાં હતી ! થોડા દિવસમાં વૈભવી અને શાલીનનાં લગ્નની તારીખ પણ આવી ગયેલી. 3 મહિના પછી લગ્નનું મુહૂર્ત હતું. વૈભવીની મમ્મીએ એનાં લગ્ન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.
જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો એમ એમ વૈભવી અંદરથી તૂટતી જતી હતી. લગ્ન માટેની સંમતિ તો એણે આપી દીધી હતી પણ અંદરથી એ ખૂબ દુઃખી ને વ્યથિત હતી. પપ્પા આગળ એ ખુશ હોવાનો દેખાવ કરતી પણ એકલી પડતાં ઉદાસ થઈ જતી. એ પોતાની જાતને પ્રશ્ન પૂછ્યા કરતી , " શું લગ્ન કરી લેવાનો મારો નિર્ણય યોગ્ય છે? " સમાજનાં નીતિ નિયમો પર એને ગુસ્સો આવી જતો. ઘણાં બધાં પ્રશ્નો એનાં મગજમાં ધસી આવતાં, " શું કામ દીકરીએ જ એનાં મમ્મી - પપ્પાને છોડી જવું પડે ? દિકરી પર લાગેલો પારકી થાપણનો થપ્પો ક્યારે દૂર થશે ? કોઈ પણ દીકરીને એનાં લગ્ન ના કરવા માટેના નિર્ણયને ક્યારે એનાં માતા - પિતા માન્ય રાખશે ? "દિકરી એટલે સાપનો ભારો" ની વિચારધારા ક્યારે બદલાશે ? બે ઘર ઉજાળતી દીકરી કેવી રીતે સાપનો ભારો હોઈ શકે ! અને છતાં પણ એનું અસ્તિત્વ શૂન્ય જ હતું ! લગ્ન પહેલાં પોતાનાં નામ પાછળ પિતાનું નામ અને લગ્ન પછી પતિનું નામ ! દરેક દીકરીને લગ્ન કરીને માત્ર એનાં સાસુ - સસરાની જ સેવા કરવાની ફરજ છે ? એનાં પોતાના માતા - પિતા પ્રત્યેની ફરજનું શું ? એનો વિચાર કરવાનો જ નહીં કદી દીકરીએ ?
* * * * *
આ બધાં પ્રશ્નોની મથામણ ને વ્યથા સાથે એનાં પપ્પાની ખુશી ખાતર વૈભવી લગ્ન તો કરી જ લેશે પરંતું એનાં પ્રશ્નોનાં જવાબો શું સમાજ તેને આપી શકવાનો છે ! આ જ બધાં પ્રશ્નો પોતાના હૃદયમાં સંઘરી રાખી ઘણી બધી વૈભવી જેવી દીકરીઓ જીવી રહી છે. શું આપણો સમાજ તૈયાર છે, એમનાં જવાબો આપવા?
દીકરી નથી સાપ નો ભારો
દીકરી તો છે તુલસી નો ક્યારો
દીકરી થકી અજવાળુ
દીકરી વિના સઘળુ કાળુ
દીકરી બાપ નુ ઊર
દીકરી આંખ નુ નૂર
દીકરી તાત નુ અરમાન
દીકરી માત નુ ઉડાન
દીકરી વિના બાપ પાંગળો
છતી વસ્તુએ સાવ આંધળો
ઉધરસ નો જરી ઠણકો આવે
દીકરી દોડી ને પાણી લાવે
મા-બાપ ને કશુક થાય
દીકરી નુ દીલ વલોવાઈ જાય
મા-દીકરી-બહેની
એના પ્રેમ માં ન આવે કમી
દીકરી પ્યાર નુ સમસ્ત શાસ્ત્ર
ત્યાગ સમર્પણ નુ અક્ષયપાત્ર
સ્વાર્થ નુ સગપણ એવુ , એ તો તડ પડે કે તૂટે
દીકરી તો સ્નેહ ની સરવાણી, એ તો નિત્ય નિરંતર ફૂટે
દીકરી નાં પગલે તો લાગે બધુ મનોહર
દીકરી વિના નુ ઘર, જાણે વાગ્યા વિનાનું ઝાંઝર
દીકરો તારે ને બુઢાપા માં પાળે, એ નાહક નો ભ્રમ
દીકરી જ ઠારે, આંસુ સારે ભવ તારે એ સૃષ્ટિ નો ક્રમ
દીકરી અવતરતા મોઢુ ફેરવે મા-બાપ
કયા ભવે છૂટશે કરી ને આવા પાપ
દીકરી ને શુ ભણવાનુ? એને તો ઘર માં રહેવાનુ
એ ખયાલ પુરાણા છોડો, દીકરી ને ના તરછોડો
દીકરી-દુહિતા ને ના દુભાવશો
વિધાતા ને વેરી કરશો
દીકરી જશે જે ઘરથી, ત્યાં ફરી વળશે અંધારુ
દીકરી વિનાનુ જાણે મીઠુ જળ પણ ખારુ
દીકરી જતા લાગશે સૂનુ
જગત આખુ ભાસશે જૂનુ
દીકરી જતા સાસરે
મા-બાપ ભગવાન નાં આશરે.
Contact me @ Facebook/ pri19patel
Email @ patelpriyanka19@gmail.com