વોઈસલેસ વેદશાખા ૧૨
પૂજન ખખ્ખર
૧૨. મુલાકાત અને મિશન!
"બે યાર! ક્યારે આવશે આ..! ૫ મિનિટ થઈ ગઈ..છોકરીઓને પણ આટલી વાર નહિં લાગતી.."
"તે એને તૈયાર થઈને આવવાનું કહ્યુ હતુ?"
"તુ મજાક કરમાં નિયતિ..મારીશ તને હું.."
બંને જોરજોરથી હસવા લાગે છે. અવાજ વધતા એકબીજાને ધીમે-ધીમે એવો ઈશારો કરે છે.
વેદાંત ગભરાતા જીવે ઘરનો દરવાજો ખોલે છે. તેને મનમાં એક ડર છે કે જો તેના મમ્મી જાગી જશે તો પોતાના પરનો વિશ્વાસ તે ગુમાવી દેશે. મનઘડિત બહાનાઓની યાદી તે મગજમાં સંગ્રહ કરતો જાય છે. કોઈને સંભળાય નહિં એમ ધીમેથી દરવાજો ખોલીને સીડીઓથી નીચે ઊતરે છે. શું કામ મળશે ને શું વાત થશે એની કંઈ જ ખબર ના પડતા તે નીચે ઊભેલી ને ગુણ-ગુણ કરતી બે છોકરીઓને જુએ છે. વેદાંતને જોઈને વિશાખા સામે આવે છે ને તેને ભેટી પડે છે. બંનેના ચહેરા પર સ્મિત ફરી વળે છે. નિયતિ પણ વેદાંતનો એ રૂપાળો વાન અને શરીર જોઈને 'જોડી જ છે' એમ મનમાં બોલી જાય છે.
"તને ખબર છે હું ક્યારની તારી રાહ જોઈતી હતી!"
"હા, ૬ મિનિટથી.."
"હાહાહાહાહા" નિયતિ અને વેદાંત હસવા લાગે છે.
"વેદાંત..આ નિયતિ..મૈં તને પાર્ટીના પિક્સ નહોતા મોકલાવ્યા એ અંકલ એટલે..આ નિયતિના પપ્પા..અને નિયતિ આ વેદાંત..વોઈસલેસ બટ વીથ વિનિંગ સ્પીરીટ.."
વેદાંત અને નિયતિ બંને એકબીજાને એક સાહજિક સ્માઈલ પાસ કરે છે. વિશાખા નિયતિને થોડીવાર અહિં જ રહેવાનું કહે છે. પોતે વેદાંત સાથે એપાર્ટમેન્ટમાં આવેલું ગાર્ડન છે ત્યાં જવાનું નક્કી કરે છે. મિત્રોમાં હંમેશા એવું જ હોય છે. કોઈ એક જણએ તો સહન કરવાનું જ હોય છે. કદાચ એને જ મિત્રતા કહેવાય. આ એક જ એવો સંબંધ છે કે જેમાં આપણે સામેવાળા માણસને જેવો છે તેવો સ્વીકારી લઈએ છીએ. આપણાં સ્વજનો પર આપણે વટહુકમ કે અપેક્ષાઓ લાદી શકીએ પણ મિત્રતા પર આપણો હક હોય છે.
"વેદાંત, આપણે શું વાત કરીશુ?"
એકદમ જ શાંત વાતાવરણમાં વેદાંતના હાથમાં હાથ નાખીને બેઠેલી વિશાખા તેને પૂછે છે. "જે તુ કહે એ.." વેદાંત ઈશારાઓથી સમજાવે છે. હવે ઈશારાઓ પણ સરળ થઈ ગયા છે. માણસ એક જ એવી પ્રકૃતિ છે કે જે ધારે તે કરી શકે છે. કારણકે, તેની પાસે વિચાર છે..બુધ્ધિ છે ને એથી વધુ તેની પાસે તર્ક તેમજ સતર્ક થવાની તકો આવતી રહે છે. તકોને ઝડપી, આગળ વધનારાઓની સંખ્યા ઓછી નથી. વિશાખા ને વેદાંતે પણ એમજ આ વોઈસલેસ સંબંધમાં એકબીજાને સમજવાની તક ઝડપી લીધી છે. તેઓને મન એકબીજાને સમજવું એ જ ધ્યેય છે.
"વેદ, તને ખબર છે હું અત્યારે શુંકામ આવી?" વેદાંત નકારમાં માથુ ધૂણાવે છે. "તે મને આટલી ભેટો આપી… હવે મારે તને એક ભેટ આપવી છે." બંને હાથોને હલાવતા જાણે "શું" પૂછતો હોય એમ વેદાંત ઈશારો કરે છે.
વિશાખા વેદાંતને આંખ બંધ કરવા કહે છે. વેદાંતની આંખ બંધ થતા જ વિશાખા પોતાની પાસે રહેલા ચેઈનને વેદાંતના ગળામાં પેરાવે છે. વેદાંત આંખ ખોલતા જ વિશાખાની હાથમાં રહેલા ચેઈનને જોઈને સ્મિત કરે છે. તેની ખુશીને વિશાખા સમજી જાય છે. તે વેદાંતને બીજો ચેઈન પોતાને ગળા પર પહેરાવે એમ કહે છે. વેદાંત વિશાખાને બાંકડા પરથી ઉતરી નીચે બેસવા કહે છે. વિશાખા કંઈ પણ બોલ્યા વગર જ ગોઠવાઈ જાય છે. ચેઈન પહેરાવા જતા વિશાખાના લિસ્સા ગાલ વેદાંતના હોઠને ચૂમવા મજબૂર કરે છે. અંગોની સંવેદનાઓ સતેજ બનતા વિશાખા થોડી ઊપર આવીને સંકોરેલા વેદાંતના પગ છૂટા કરીને ત્યાં બેસી જાય છે. વેદાંત વિશાખાને કમરથી પકડી લે છે. ત્રાંસા એ વેદાંતના ચહેરાના હોઠનો સ્પર્શ વિશાખાના ગળા સુધી પહોંચતા વિશાખા પોતાનુ મુખ ઊંચુ કરી લે છે. વિશાખા પોતાનો હાથ વેદાંતના ગાલ પર ફેરવે છે. વિશાખામાં ગળાડૂબ થયેલો વેદાંત વિશાખાના વાળને પંપાળે છે. વિશાખા પણ પોતે વેદાંતના ગાલને ચૂમી પોતાની સંવેદનાઓને ઠાલવે છે. વેદાંત આ તકને ઝડપી લે છે. તે વિશાખાના હોઠ પર પોતાના હોઠને મૂકી દે છે. ચુંબનની સાથે વિવિધ અંગોનો અનોખો અહેસાસ આ નવયુગલ કરે છે. પોતાના આભાસી પ્રેમને આજે નજર સામે માણીને તેમની કામરૂપી તૃષ્ણાનો ખાડો સહેજ બૂરાયો હોય એવું લાગે છે. શરીરમાં આવેલા અનુભવોને આધીન તેઓ બંને એકબીજાની સામું જોયા કરે છે. એક એવી ક્ષણનો અનુભવ આજે એમની સમક્ષ થઈ રહ્યો છે જે દરેક યુવાનનું સ્વ્પ્ન હોય છે. પોતાને ચાહનારા આપણી લગોલગ બેઠા હોય ને વળી એમાંય અભિલાષાનો અમૂલ્ય અહેસાસ તેમની જ સાથે કરવા મળે! ટૂંકાગાળાનો આ સમય એમને એક એવી સફર કરાવી રહ્યો હતો જે તેમને કદી કરી ના હતી. નજીવી અંગોનો સ્પર્શ તેમને ઉત્સુક કરે એ સ્વાભાવિક હતુ. સમાજની ગરિમાને ધ્યાનમાં રાખીને તેઓએ ગહન ચુંબન બાદ આલિંગન કર્યુ.
"વેદ, મારે કાલે રજા છે. પરમ દિવસથી ઈન્ટરનલ પરિક્ષા છે." આ સાંભળી વેદાંતનું મોં જરા પડી ગયુ. તેના આ નખરા જોઈને વિશાખાએ પણ મોં બગાડ્યુ. બંને નાખુશ ચહેરાઓ ફોનમાં સેલ્ફિના સ્વરૂપે કેદ થયા. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા વેદાંતે વિશાખાને ઘરે જવું જોઈએ એમ કહ્યુ.
"ફરી ક્યારે મળીશ? કાલે સવારે?"
વેદાંતે નકારમાં માથુ ધૂણાવ્યુ. તેને વિશાખાને પરીક્ષાનું વાંચવાનું કહ્યુ. વિશાખાનું મોઢું પડી જતા તેઓ બંને એકબીજાની ફરી નજીક આવ્યા. વેદાંતે પોતાનું માથુ પાસે બેઠેલી વિશાખાના ખભ્ભા પર ઢાળી દિધુ. વિશાખાને સહેજ પણ વેદાંતથી દૂર જવાનું મન નહોતુ.
"વેદ, તને મારી યાદ આવે ને હું તારી પાસે ના હોઉંને તો આ 'વી' પેંડલને ચૂમી લેજે." વેદાંત વિશાખાના ગળામાં રહેલા પેંડલને ચૂમી લે છે. વિશાખા પણ વેદાંતના માથા પર હાથ ફેરવે છે. વિશાખા વેદાંતને કાલથી વાંચશે એવું કહીને પોતાની આગામી મુલાકાતો વિશે વિચારવાનું કહે છે. યુવાનીનો અસંતોષ અહિં સ્પષ્ટ જણાય છે. પ્રેમીઓની વાતો ને તેમના પ્રેમને ગમે તેટલો સમય મળે, ઓછો જ પડે. અહિં પણ એવું છે. વિશાખાને વેદાંત સાથે રોજ એકાંતમાં મળવું છે. પોતે કૉલેજથી અહિં આવશે ત્યાં તો ઘરે બધા આવી જશે. રોજ રાત્રે છૂપીને મળવાનું એમને પસંદ નથી. તો આ કપરી પરિસ્થિતિનો નિકાલ શોધવા વિશાખા વેદાંતને સમજાવે છે. પોતે જરૂર કંઈક કરશે એવી વેદાંત તેને ખાતરી આપે છે. સમય કેટલો પસાર થઈ ગયો હતો એનું બંનેમાંથી કોઈને ભાન ન હતુ. વિશાખાનો ફોન રણક્યો. એકમેકમાં તલ્લીન રહેવા વિશાખાએ ફોન ના ઉપાડવાનું નક્કી કર્યુ. ફોન કપાય જતા મેસેજ સ્ક્રીન પર આવ્યો. 'પપ્પાને ૧૧:૩૦ વાગ્યા સુધીનું જ કહ્યુ છે. જલ્દિ કરજે..' સમયને માન આપીને બંને છૂટા થયા. બંને ત્યાંથી ઊભા થઈને નિયતિ પાસે આવે છે. એકબીજાનો હાથ પકડીને આવેલા એ યુગલને જોઈને નિયતિ પણ પોતાના રાજકુમારના સપના જોવા લાગે છે. બંનેના ગળામાં 'વી' આકારના પેંડલના ચેઈનને જોઈ નિયતિ બોલી ઊઠે છે
"વાઉ! 'વી' શેઈપ પેંડન! લવેબલ.."
વિશાખાની ચહેરો જરા ફુલાય જાય છે. છૂટા પડતા પહેલા બંને ફરી પાછા ભેટી પડે છે.
"ચલો..મેમસાહેબ, અબ કલ પ્રેમ કરના.."
વિશાખા નિયતિ સાથે ચાલી જાય છે ને વેદાંત તે પેંડલને ચૂમી લે છે. પોતાની ઈચ્છાને મળીને વિશાખા આજે વેદાંતને મળી છે. કાલની બેમાંથી કોઈને ખબર નથી. હવે ફરી ક્યારે મળાશે એનું પણ કંઈ જ નક્કી નથી. ફોન પર ચેટ સિવાય તેમની પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી. પરીક્ષા માથે હોવાથી વિશાખાને તેમાં પણ ધ્યાન આપવું જરૂરી હતુ. એને મન એના સપનાઓને સાકાર કરવાના હતા. એક સફળતાપૂર્વક ડૉક્ટરની ડિગ્રી મેળવી તેને આગળ વધવાનું હતુ. આજની મુલાકાત ને પેંડલની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી. તો વળી, વેદાંત પરીક્ષા પછી તેને ફરવા લઈ જશે એ વાત માત્ર જ તેને શરીરમાં જણજણાટી અપાવતી હતી. વેદાંત પણ હવે આ પરીક્ષાના અઠવાડિયા દરમિયાન પોતાના બ્લોગ તરફ આગળ વધશે ને તેનું ધાર્યુ કરશે જ! તે પરીક્ષા પછી વિશાખાને બ્લોગ વિશે માહિતી ભેગી કરવાનું પણ કહેશે.
****
(બીજે દિવસે સાંજે)
"જો વેદાંત, તારે આ બ્લોગને સફળતા અપાવવી હોય તો ખર્ચો આવશ્યક છે. તારો આ વિચાર તદ્દન નવો અને રોચક છે. આ માટે તારી પાસે પૂરતી માહિતી પણ આવી ચૂકી છે. હવે, તારે ફોટોઝ પડાવવાના રહેશે. આ એ યુગ છે જ્યાં લોકોને વાંચવામાં આળસ આવે છે. લોકો જે જુએ છે તે એમને ગમે છે. આજના જમાનામાં માર્કેટીંગ એ તમારી પ્રોડક્ટનો અવિભાજ્ય અંગ છે. બધુ સારું હશે પણ સામેવાળા સમક્ષ જો તુ સરખી રીતે આને રજૂ નહિં કરી શકે તો આ ફોગટ છે."
વેદાંત સાહેબની વાતને સમજી શકતો હતો. તેને વાતની ગંભીરતા સમજાઈ હતી. પોતાની દિવાલો પર ચિતરાયેલા એ કાગળોમાંના સપનાઓ નજર સામે જોઈ રહ્યો હતો. સૂત્રોને સાબિત કરવાનો સમયની શરૂઆત થઈ ચૂકી હતી. વેદાંતનું વાંચન ધારદાર હતુ. તે બહુ દ્રઢપૂર્વક સમજ્યો હતો કે જો શરૂઆત સારી હશે તો તમને અંત સુધી પહોંચવામાં જિજ્ઞાસા રહેશે. આ કોઈ ગૃપની કે સમૂહની પ્રવૃત્તિ ના હતી. અહિં એકલે હાથે જ ઝઝૂમવાનું હતુ. તેણે સહજતાથી મોનિટર ઉપર લખ્યુ.
"હું તો વોઈસલેસ છું. માર્કેટીંગ કેવી રીતે કરીશ? ખર્ચની સુવિધા? તમે મને મદદ કઈ રીતે કરશો?"
"જો વ્યવસાયિક વાત કરું તો ફોટોગ્રાફર લગભગ ૧૦,૦૦૦ જેટલાં લેશે. ફોટોઝ ઘરે પણ પાડી શકાય પણ અસરકારકતાની વાત આવે ત્યારે જરૂરી છે કે પ્રોફેશનલ વર્ક થાય."
ખર્ચ સાંભળીને વેદાંતના હોશ ઊડી ગયા. એને ખબર ના હતી કે પ્રોજેક્ટની શરૂઆતમાં જ દસેક હજાર જોઈશે. તે ગમે તેમ કરીને પૈસાનું ગતકડું શોધવા લાગ્યો. તેને પોતાની પરિસ્થિતિની ખબર હતી. મમ્મીના પગાર અને વ્યાજ સહિત ઘરની આવકની પણ જાણ હતી. પોતાનો ખર્ચ તેમજ મેડિકલની પણ તેને સહજ જરૂરિયાત રહેતી. ટૂંકા સમયમાં વધુ પૈસા મળે એમ તે સાહેબને પૂછવા લાગ્યો. "પૈસા વેશ્યાને પણ મળે, પૈસા પાછળ નહિં પરસેવા પાછળ લાગ!" સાહેબના આ વાક્યે વેદાંતના ચહેરાના હાવભાવ બદલી નાખ્યા. તેને પરસેવાથી મળતો પૈસાને પ્રભુત્વ આપશે એવું વચન આપ્યુ. સાહેબનું વર્તન આજે કંઈક અલગ હતુ પણ વેદાંતને ખબર હતી કે તેઓ પોતાના કામથી સંતુષ્ટ ના હતા. આશરે એકાદ કલાક સમજાવી વેદાંતએ ફરી સાહેબને પૂછયુ.
"હું દસેક હજાર કેવી રીતે લઈ આવીશ?"
"એ મારે જોવાનું નથી. તારે આગળ વધવું છે, તને મોટું થવુ હોય..સપનાઓ પૂરા કરવા હોય તો તારે જાતે જ રસ્તો શોધવો પડે. મારે તને દિશા બતાવવાની છે. શું કરાય પ્રોજેક્ટ માટે? કેવી રીતે કરાય? ફાયદા-ગેરફાયદા!! હું આ સમજાવી શકું..તકલીફોના ઉપાય ભગવાન પણ નથી આપતા. તારે જાતે જ શોધવાના હોય છે."
"સમયની ઊણપ છે!" વેદાંતે ઘડિયાળ તરફ ઈશારો કર્યો.
"બહાના ના બતાવ!! શું કરે છે તુ સવારથી? તને ૨૪ કલાક નથી મળતા દિવસના? શું છે એટલું કામ તારે? એ છોકરી તારા સપનાઓને પૂરા કરશે? એના વગર નહિં જીવી શક? એ તને રોટલા નહિં ખવડાવે! તારી માં તને ઊભો કરશે. ઊંમર લપસી જવાની છે. સંભાળી જા.. નહિંતર ભાર બનીને રહીશ ઘરમા!"
વેદાંત કંઈ પણ બોલે એ પહેલાં સાહેબ જોરથી દરવાજો ભટકાડી જતા રહ્યા. તેના મમ્મીને થોડું વિચિત્ર લાગ્યુ પણ ગુરૂ-શિષ્યની વચ્ચે ન પડવા એમને બહેતર લાગ્યુ. વેદાંતના મનમાં સાહેબની આ વાત ખૂંચી ગઈ. તેને મન પૈસાની અહેમિયત ને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. આંખમાં આંસુ સિવાય કંઈ ઉપાય ન હતો. પોતાના પિતા પાસેથી પૈસા મંગાઈ એ સ્થિતિ ના હતી. મમ્મીને પૈસાનું કહી શકાય એમ ન હતુ. કાકા પર હવે ભારરૂપ થવું યોગ્ય ના લાગ્યુ. સંઘર્ષનો આ પહેલો પડાવ વેદાંતની સમક્ષ પ્રથમ વખત આવ્યો હતો. દિવસભર તેને આ વિચાર ખૂંચતો રહ્યો.
રાત્રિના એકાંતમાં સાહેબના એ શબ્દો મનમાં વલોવાતા રહ્યા. પૈસાની જરૂરિયાતને મિત્ર હર્ષને જણાવી. યુવાની મિત્રતાની મજા જ એ છે જે વાલીને ના કહી શકાય એ એમને કહી શકાય છે. અત્યારે જો તેને કોઈ સમજે એમ હોય તો તે હર્ષ જ છે. હર્ષ પાસે પૈસાની કમી નથી. વેદાંત તેના પૈસા નહિં લે તેની તેને ખબર છે. તેથી તે "કંઈ હશે તો કહીશ" એમ મેસેજ કરે છે.
ખુશનુમા વાતાવરણમાં વેદાંત પોતાની મનપસંદ જગ્યાએ બેઠો હતો. 'તેના રૂમની બારી'… બરાબર રૂમનો દરવાજો ખોલતા સામે મળેને પલંગ પર બેસો તો રોડ પરનો નજારો મળે. તેના ઘરની સામે ઝૂપડપટ્ટી હતી. ક્યારેક કોઈ ભૂખ્યુ સૂઈ જતુ તો ક્યારેક કોઈને ત્યાં લિજ્જત થતી. બધુ જ સવાર ઊપર હતુ તેઓનો જેવો મૂડ હોય એવી સાંજ પડે. વેદાંત એકીટસે બારીની બહાર જોયા કરતો. રોડ પર કોઈ ફરકતુ ના હતુ. માથામાં હાથ પર હાથ દઈને બેઠેલા વેદાંતની આંખમાં આંસુ હતા. સાહેબે કરેલી વાતનો વિચાર માત્ર તેને ધૄજાવી નાખતો હતો. પોતાના બંને હાથોને ચહેરા પર રાખી આંખો બંધ કરી. તે દિવસ કે જ્યારે તેની માતા તેને ભેટીને રડી હતી..એ વિલાપ જે તેને ૭ વર્ષ મૂંગા રહીને સહન કર્યો હતો. તેના મમ્મીની એ એકલતા એને સામે તરવરી ઊઠી. આંખ ખોલતા જ તેની સામે એક દારૂડિયો રસ્તા પર દેખાયો. લથડિયા ખાતો તે રસ્તા પર આળોટતો હતો. તેને પણ કંઈક મજબૂરી હશે એવું વેદાંતને લાગ્યુ. તે બડબડતો હતો. વેદાંતે તેને સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ દૂર હોવાથી કંઈ જ સંભળાયુ નહિં. 'હારવું એ આપણો સ્વભાવ નથી. મદિરાપાન એ વ્યક્તિ કરે છે જે પરિસ્થિતિથી ભાગે છે. મુશ્કેલી જો રસ્તા પર હશે તો તેને દૂર કરો. એની માટે વિચાર નહિં પ્રયત્નની જરૂર છે. જો તમે પ્રયત્ન નહિં કરો તો તમને કેમ ખબર પડશે કે શું તમારી આવડત છે ને શું મજબૂરી? હારી જવું એ સ્વાભાવિક છે પણ ઊઠવું એ સહજતા છે. જરૂરી નથી કે દરેક વખતે તમને કોઈ ઊઠાડે! મોટેભાગે તમારે એકલાંએ જ સામનો કરવાનો હોય છે. રસ્તો બધા માટે સમાન છે. એ ઈશ્વર પણ બધાનો છે. કોઈક નો કૃષ્ણ તો કોઈકનો અલ્લા! સમય પણ સમાન છે. છતાં કોઈકનો સમય આવે છે ને કોઈકનો પૂરો થાય છે. બધુ તમારા હાથમાં છે.' વેદાંતને તેની શાળામાં સંભળાવેલ આ કેસેટનો વિચાર આવતા તે ઊભો થઈ ગયો. રૂમની લાઈટ ચાલુ કરી. અરિસામાં પોતાનું મોઢું જોઈ તે હસ્યો. તેને મનોમન સંકલ્પ કર્યો કે હું પૈસા ભેગા કરીશ. રાત-દિવસ એક કરીને હું આગળ વધીશ. એક ઝનૂનરૂપી તણખલાં સમો આ વિચાર તેના રૂંવાટા ઊભા કરી ગયો. એક દારૂડિયાને જોઈને યાદ આવેલો આ વિચાર તેને અંદરથી મજબૂત કરી ગયો. એક પગથિયું આગળ વધવાની હિંમત તેનામાં આવી ગઈ. તેને એક કાગળ લિધો અને તેમાં લખ્યુ..'મિશન ટેન વીથ થ્રી ઝિરોઝ..' દસ હજારને કંઈક અલગ જ શૈલીમાં લખવાનો વિચાર તેને કઈ રીતે કમાવવા એ સમજાવી ગયો. પોતાના ફોનમાં થતી લાઈટો જોઈ ફોન હાથમાં લીધો. વિશાખાના અઢળક મેસેજ જોઈ તેને મેસેજ કર્યો. 'ઑલ ધ બેસ્ટ'ની સાથે પળવારમાં જ સંવાદ પૂરો થયો. મિશનના વિચારમાં વેદાંત બેઠા-બેઠા જ સૂઈ ગયો...
ક્રમશઃ..
વેદાંતના પ્રોજેક્ટના સંધર્ષો ને તેમાં વિશાખાનો સાથ..સાથે બંનેના પ્રેમભર્યા સંવાદોનો સિલસિલો તો ખરો જ!!
બન્યા રહો..વોઈસલેસ વેદશાખા.. :-)