Chalo Farie 4 - Kaleshvari in Gujarati Travel stories by Kintu Gadhavi books and stories PDF | કાલેશ્વરી - અરાવલ્લીનું આકાશ અને મહિસાગરની ધરતી

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

કાલેશ્વરી - અરાવલ્લીનું આકાશ અને મહિસાગરની ધરતી

અરાવલ્લીનું આકાશ - મહિસાગરની ધરતી

કલેશ્વરી

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આમ તો ગુજરાતમાં દરેક શહેરોમાંથી ઘણાં પરિવારની એક ભૂખ ક્યારેય સંતોષાતી નથી. એ ભૂખ છે નજીકના કોઈ સારા પ્રવાસના સ્થળની. ગુજરાતી પરિવારોમાં ઉનાળાના વેકેશનમાં લાંબી ટૂરનું આયોજન તો થાય પણ નજીકમાં આવેલા સારા ફરવાના સ્થળો વિશે આપણે ઘણાં અંશે અજાણ હોઈએ છીએ. અમદાવાદમાં અનેક પરિવારો છેક સિંગાપોર અને સાઉથ આફ્રિકા ફરીને આવ્યા છે પણ વિકેન્ડ દરમ્યાન શું કરવું તેનો પ્રશ્ન તો દરેક પરિવારમાં રહે જ છે. વેકેશનમાં લોંગ ટૂરમાં માલદિવ્સ કે લેહ-લદાખ જઈને આવનારા પરિવારો ફરવાના એટલા શોખિન બની જાય છે કે પછી દર શનિ-રવિ એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ચાલોને ક્યાંક ફરવા જઈએ.

આજે વિકેન્ડ માટેના એક સુંદર પ્રવાસન સ્થળની વાત કરવી છે. મોટા ભાગના અમદાવાદીઓ તો આ સ્થળ વિશે અજાણ હશે એવું માનવું પણ ભૂલ ભરેલું છે. છતાં આજે પણ અહીં ફરવા આવનારા આગંતૂકોની વસ્તી ઓછી જ હોય છે. છતાં અહીં ફરવા આવનારા આગંતૂકોની અવરજવર ખૂબ જ ઓછી હોય છે.

એક જમાનામાં પંચમહાલ જિલ્લામાં આવેલું અને આજે મહિસાગરમાં તબદીલ થઈ ગયેલું લવાણા નામનું ગામ કોઈપણ માટે એક મોટું સુંદર ફરવાનું સ્થાન બની શકે તેમ છે. લૂણાવાડાથી મોડાસા જવાના ફોર લેન હાઈવે પર માલપુર પહેલા લવાણા અને બાબલીયા ગામના પાટીયા દેખાય. આ ગામ પાસે જે કુદરતી અને સાંસ્કૃતિક સૌંદર્ય છે એ લગભગ ગુજરાતમાં કોઈ સ્થળ પાસે નથી. લવાણા ગામ પહેલા કલેશ્વરીનું સુંદર મંદિર અને તેની આસપાસ આવેલા સાંસ્કૃતિક અને સુંદર દેખાતા પંદરમી સદીના મંદિરો,વાવ અને કુંડનું સંકુલ કોઈપણ પ્રવાસીને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. વિગતે વાત કરીશું તો જ મજા આવશે.

લૂણાવાડાના રાજવીઓ વર્ષોથી કલેશ્વરી દેવીની પૂજા કરતા અને એ કલેશ્વરી એટલે આદ્યશક્તિ અંબા. અહીં મા અંબાનું સ્વરૂપ ક્લેશ હરે છે એટલે તેને કલેશ્વરી કહેવામાં આવ્યા. રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર જ આ ગામ આવ્યું છે. અહીંથી થોડા કિલોમીટર આગળથી રાજસ્થાની ગામડાઓની શરૂઆત થઈ જાય છે. અરાવલ્લીની ગીરીકંદરાઓમાં કલેશ્વરી પણ એક સુંદર ટેકરીથી ઢંકાયેેલું મંદિર છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હંમેશા ઠંડક જ રહે છે. કારણ કે આ મંદિરની આસપાસનો તમામ વિસ્તાર પર્વતોથી ઢંકાયેલો રહેવાના કારણે તે એકદમ ઠંડો અને શાંત છે. અહીં વન્યજીવનોની અવરજવર છે. નસીબ હોય તો દીપડો કે રીંછ મળી જાય. પરંતુ માણસોની આછી અવરજવરને કારણે પ્રાણીઓની હાજરી અહીં નહિવત્‌ છે.

ગુજરાતમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં વાવ, કુંડ, કૂવો અને ઝરણું જેવા પાણીના સ્ત્રોત એક જ જગ્યાએ જોવા મળે છે. કલેશ્વરી મંદિર સંકુલમાં પ્રવેશતા પહેલાં જ અહીં અહીં બે વાવ જોવા મળે છે. એક વાવ છે સાસુની વાવ અન બીજી વહુની વાવ. એવું માનવામાં આવે છે કે એક જમાનામાં સાસુ અને વહુ દ્વારા લોકોને દુષ્કાળમાંથી ઉગારવા માટે સાસુ અને વહુની વાવ બનાવી હતી. આ વાવમાં સુંદર કોતરકામ છે. વાવના ચાર માળ મોટા ભાગે પાણીમાં ડૂબેલા રહે છે. ગુજરાતના મોટા ભાગની વાવ ગંદકીથી ભરપુર અને પાણી વગરની હોય છે. પરંતુ ચોમાસામાં તો આ બંન્ને વાવ છલોછલ પાણીથી ભરાઈ જાય છે. આ વાવની બીજી એક વિશેષતા એ છે કે તે પાણીના કુદરતી સ્ત્રોત પર જ બનાવવામાં આવેલી હોવાથી આ બંન્ને વાવમાં ક્યારેય પાણી ખૂટતું નથી. બંન્ને વાવની મુલાકાત લીધા પછી સુંદર ઝરણું પહાડ પરથી સતત વહ્યા કરે છે. આ ઝરણાનું પાણી પણ એકદમ પ્રાકૃતિક છે. તેમાં ક્ષારનું તત્ત્વ નહીવત્‌ છે. મોટા ભાગના પ્રવાસીઓ કલાકો સુધી આ ઝરણાં પગ મૂકીને શાંતિથી આરામ ફરમાવે છે. પગના પંજા અને પીંડીઓ પરથી ખળખળ વહેતું પાણી મનને અને શરીરને એટલી તાજગી બક્ષે છે કે અહીંથી જવાનું મન ના થાય. આ ઝરણાંને પાર કરીને આગળ વધીએ એટલે એક સુંદર મંદિર આવે છે. જે કલેશ્વરી માતાનું મુખ્ય મંદિર છે. અહીં કલેશ્વરી દેવીની વર્ષો જૂની મૂર્તિ છે. કલેશ્વરી દેવના મંદિરની બરોબર સામે એક બીજું શિવ મંદિર છે. જેમાં બે મૂર્તિઓ વિશિષ્ટ છે જે ક્યાંય જોવા મળતી નથી. એક વિધાતાની મૂર્તિ અને બીજી વાંદરા દ્વારા છેડતી કરાતી અભિસારિકાની મૂર્તિ કોઈપણ કલાપ્રેમીને નવાઈ પમાડે છે. આ મંદિરની બાજુમાં એક પ્રાચીન કુવો છે. આ કૂવાને એક કુંડના કિનારે બનાવવામાં આવ્યો હોવાથી કુવાનું પાણી ક્યારેય ખૂટતું નથી. કુંડ અને કૂવો પાણીથી છલોછલ ભરેલા રહે છે. કૂવા પાસે આજે પણ એક ડોલ મૂકેલી છે. જેથી કોઈપણ આગંતૂક આ કૂવાનું પાણી પી શકે. કૂવાના પાણીમાં ધાતુતત્ત્વોનું મિશ્રણ કુદરતી થતું હોવાથી સ્વાસ્થ્ય માટે સારું હોવાનો અહીંના સ્થાનિકોનો વિશ્વાસ છે. વિશાળ કુંડ અને કૂવો એક સાથે એક જ જગ્યાએ જોવો દુર્લભ છે.

અહીં વૃક્ષોથી આચ્છાદિત વિસ્તાર હોવાથી કોઈપણ વ્યક્તિને અહીં ફરવાની મજાજ આવે. કુવો અને કુંડ પાર કરીને થોડા આગળ જાઓ એટલે એક સુંદર ટેકરી છે. આ ટેકરીના પગથિયા હમણાં જ પુરાતત્ત્વ ખાતા દ્વારા સુંદર રીતે બનાવવામાં આવ્યા છે. સાવ નીચી અને છતાં ચઢવામાં રોમાંચિત કરે તેવી આ ટેકરીના ઢોળાવમાં સુંદર જંગલી વૃક્ષો અને પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળે છે. આ ચઢાણમાં પણ વચ્ચે વચ્ચે મોરના ટહૂકા અને સસલાની છલાંગો પણ જોવા મળે છે. તમરાના નિરવ સ્વરો સાથે થોડી શાંત અને થોડી ભેંકાર ભાસતી આ ટેકરી જેવી ચઢીએ એટલે એક સુંદર પ્રાચીન શિવ મંદિર જોવા મળે છે. અહીં આજે પણ ભગવાન શંકરની પૂજા અર્ચના થાય છે. શિવના આ મંદિરમાં કોઈ વિશેષ કોતરકામ નથી પરંતુ મંંદિરની બાંધણી અને પ્રાચીનતા સુંદર ભાસે છે. આ મંદિરથી આગળ પણ એક ચઢાણ છે. જેને ભીમ પગલાં અને અર્જુન ચોરી તરીકે ઓળખવામાં આવે છે. થોડા જ પગલાં ઉપર ચઢતાં જ અર્જુન ચોરીનું સુંદર પ્રાચીન મંદિર જોવા મળે છે. આ મંદિરની બારશાખ પંદરમી સદીના કલાવારસાને જાળવીને બેઠી છે. મંદિરની ફરતે પણ સુંદર કોતરણીવાળી અભિસારીકાઓ છે. આ મંદિરની પાસે જ આવેલું એક ખંડિત અને ખુલ્લુ પડેલું ખંડિયર જેવું મંદિર ભાસે છે. જ્યાં એક મોટા પગવાળી અડધી અને ખંડિત થઈ ગયેલી પ્રતિમા જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકો આ પગલાંને ભીમના પગલાં તરીકે ઓળખે છે. જો કે પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ વાતને કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. આ ટેકરીની ટોચ પરથી આસપાસના જંગલ અને તળાવનો નજારો સુંદર ભાસે છે. આ મંદિરો આજે તો નાશ પામ્યા પરંતુ દરેક મંદિરના અવશેષો આજે પણ ટેકરીના આસપાસના વિસ્તારોમાં જોવા મે છે. આ અવશેષો જોઈને એક વાત ચોક્કસ સ્પષ્ટ થાય છે કે આ પ્રદેશ પંદરમી સદીમાં પણ કેટલો વિકસીત હશે. એ જમાનામાં વાવ, કુંડ, કૂવા, મંદિર બનાવવાની સુંદર આંતરસૂઝ અને કલા સચવાયેલી હતી. જે આજે એક અવશેષના સ્વરૂપમાં આપણી પાસે છે.

અહીં ગુજરાતી સાહિત્યના વિદ્વાન અને પ્રબુદ્ધ નવલકથાકાર પન્નાલાલ પટેલ કાયમ આવતા અને કલેશ્વરીમાં યોજાતા આદિવાસીઓના મેળામાં સ્થાનિકો સાથે મ્હાલતા. અહીંથી જ પ્રેરણા લઈને તેમણે ગુજરાતી સાહિત્યની શિરમોર ગણાતી એવી નવલકથા ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’ની રચના કરી. અહીંના પ્રદેશોમાં વર્તાયેલા છપ્પનીયા દુકાળના કાળા કેરની છાપ પન્નાલાલ પટેલે તેમના આલેખનમાં રજૂ કરી હતી. એક સર્જક માટે પણ આ જગ્યા પ્રેરણારૂપ અને ગૌરવવંતી સાબિત થઈ હતી.

દર વર્ષે કલેશ્વરીના સંકુલમાં આદિવાસી સમુદાય દ્વારા મેળો યોજવામાં આવે છે. લોકો હજ્જારોની સંખ્યામાં અહીં આવે છે. ગાય છે, મ્હાલે છે અને મોજ કરે છે. કલેશ્વરીની સુંદર કલાકૃતિઓમાં આજે પણ ગુર્જર છાપ જોઈ શકાય છે. અમદાવાદથી ૧૬૦ કિલોમીટર દૂર આવેલું કલેશ્વરી યુવાનો અને કલાપ્રેમીઓને આકર્ષે તેવું સ્થળ છે. અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય જોઈ શકાય છે.