Makkam Nirnay in Gujarati Short Stories by Neeta Kotecha books and stories PDF | મક્કમ નિર્ણય

Featured Books
Categories
Share

મક્કમ નિર્ણય

મક્કમ નિર્ણય

સમય પોતાની ગતિએ આગળ વધતો જ રહે છે . કોણ ક્યાં અટકે છે , કોણ કેટલું આગળ વધે છે એનાથી સમયને કઈ જ ફર્ક પડતો નથી . નયના પણ એ જ વિચાતી હતી કે આખી જિંદગી કર્યું શું ? કુવારી હતી ત્યારથી જ લખવાનો શોખ હતો . પણ એ ઈચ્છાને કોઈ મોટું સ્વરૂપ મળે , ત્યાં સુધીમાં તો લગ્ન થઇ ગયા અને પછી સાત વર્ષના ગાળામાં બે બાળક . પછી એ બાળકોને મોટા કરવા એ જ જીવનનો ધ્યેય . બાકી એની દુનિયા જાણે કઈ હતી જ નહિ . એ પોતે એ પણ ભૂલી ગઈ હતી કે તે ક્યારેક લખતી પણ હતી . એક લેખિકા બનવાના એના શોખ ને પણ તે ભૂલી ગઈ હતી . બે બાળકો વૈદેહી અને સાગર. પતિ રાજીવ . અને સાસુ કે જે બહુ જ જુનવાણી . ઘર ને સંભાળવું એક જ એમના જીવનનો ધ્યેય . ઘરમાં ડબ્બા રોજ ગણવા . અને રોજ એને લુછવા .. આની ઉપર કઈ જિંદગી જ ન હોય . પણ ફરિયાદ વગર જ નયનાએ જિંદગી જીવે રાખી . કારણ એના માતા પિતા માટે પણ એક જ ધ્યેય હતું કે લગ્ન કરી ત્યાં ઠરીઠામ થવાનું. જે હોય તે ચલાવી લેવાનું અને બધા જીવે તેમ જીવવાનું . લગ્ન પછી એક જ વર્ષ માં નયના ને સમજાઈ ગયું હતું કે એના અને એના પતિના વિચારોમાં જમીન આસમાન નો ફર્ક છે . વરસાદના મોસમ માં નયના મેઘધનુષ જોવે જ્યારે રાજીવ જમીન માં થતા કીચડ પર ભાષણ આપે. પણ હવે નયના ને ખબર પડી ગઈ હતી કે પોતે મેઘધનુષ જોવાનું બંધ કરવું નહિ અને કોઈને કીચડ જોતા અટકાવવું નહિ . કારણ એને ખબર હતી કે સ્વભાવ સ્મશાનમાં જ જાય. કોઈનો સ્વભાવ બદલાવાની કોશિશ એટલે પોતાનાં સમયનો બગાડ કરવો. .

દિવસો મહિનાઓ અને વર્ષો આમ જ વીતી ગયા . બાળકો હવે ૨૦ અને ૨૨ વર્ષના થઇ ગઈ હતા. એક વાર બંને બાળકો અને રાજીવ ઘરે હતા . નયનાને બહાર જવાનું થયું . આમ તો જ્યારે બાળકો અને રાજીવ ઘરમાં હોય ત્યારે નયના બહાર જતી જ નહિ. બસ એમને જે જોઈએ એ આપવા તે ખડે પગે ઉભી રહેતી . પણ આજે કુટુંબ નાં એક પ્રોગ્રામ માં જવું જરૂરી હતું . તેણે તૈયાર થઈને બધાને કહ્યું “ બનશે એટલું જલ્દી આવી જઈશ . આવીને જમવાનું બનાવું છું “

“ મમ્મી ક્યારેક તો તારા જમવામાં થી અમને છોડ. આજે અમે બહારથી જમવાનું મંગાવી લઈશું . “

ત્યાં રાજીવ બોલ્યો “ હા કોઈ ઉતાવળ કરતી નહિ આરામ થી આવજે “

નયના ત્યારે કઈ પણ બોલ્યા વગર ઘરમાં થી બહાર નીકળી . તેના બહાર નીકળતા જ ત્રણે નો જોર થી હસવાનો અવાજ આવ્યો . નયનાને આ બધી વાતો સાંભળીને આઘાત લાગ્યો કે જેમની માટે મેં મારા સમયની, શોખની પરવા નથી કરી . એ લોકોને આજે મારા ઘરે મોડું આવવા થી કોઈ વાંધો ન હતો. કદાચ એમને હવે થોડી સ્પેશ જોઈતી હતી . પણ કોનાથી મારાથી ? હું તો કોઈ દિવસ કોઈને નડી ન હતી . પણ કદાચ આ ઉમર જ એવી હશે . મારે હવે એમને થોડા છોડવા પડશે . નયના ને એ દિવસો યાદ આવી ગયા જ્યારે તે ૧૩ વર્ષ ની હતી ત્યારથી કવિતા લખતી હતી અને હિંદી શાયરી ઓ લખતી હતી..પણ નાની ઉંમર માં લગ્ન થયા..પોતાનાં ઘર સંસારમાં એ બધું ભૂલી ગઈ હતી. પણ આજની વાતોએ એને પોતા માટે વિચારવા મજબુર કરી . બીજા જ દિવસથી એણે ધીરે ધીરે પણ મક્કમ પગલે આગળ વધવાના મોકા ગોત્યા .કોમ્પ્યુટર પર બેસવા લાગી. બાળકો પાસેથી શીખવા લાગી . લોકોના કોન્ટેક્ટ વધાર્યા . વેબસાઈટ પર કોન્ટેક્ટ કર્યા . પોતાની લખેલી જૂની ડાયરી કાઢી . પહેલાની કવિતાઓ વાંચી. આજે લોકો લખતા હતા તે કવિતાઓ વાંચી. વાર્તાઓ વાંચી . અને નવા જમાના સાથે ચાલવાનો નિર્ણય કર્યો. ક્યારેક બાળકો અને રાજીવ એની માટે ગર્વ લેતા તો ક્યારેક બહુ મોટી લેખિકા કહીને મજાક નો વિષય બનાવતા. પણ નયનાએ હવે કોઈ પણ વાત ને ગણકારવાની બંધ કરી દીધી હતી . ધીરે ધીરે એની વાર્તા ઓ મેગેઝીન માં છપાવા લાગી ..એનું નામ લોકોમાં ઓળખીતુ થયું..અને હવે એ વ્યસ્ત રહેવા લાગી..લોકો સાથે વાતો વધી, ફોન વધ્યા અને સંબંધો વધ્યા..નયના ને હવે એમ લાગતું હતું કે હવે એ પોતા માટે જીવે છેં..બાળકો ને બરોબર ઉછેરી લીધા.હવે તેઓ પોતાની દુનિયા મા મસ્ત હતા..એટલે નયના ને કંઇ ચિંતા ન હતી.. હવે બધા પોતાની જિંદગી જીવવા લાગ્યા હતા..

નયના પણ હમણાં વધારે જ વ્યસ્ત રહેવા લાગી હતી..એ વિચારતી હતી કે આમે બધા માટે જીવ્યું તોય કોઈ ખુશ ન હતું . હવે એને બધું દેખાતું હતું કે બાળકો મોબાઈલ માં વ્યસ્ત રહેતા પણ કોઇને એ વાતનો ફરક નહોતો પડતો ..કે મમ્મી ને શું ગમે છે કે, નયના શેનાથી ખુશ છે. કોઇયે જાણવાની પણ દરકાર નહોતી લીધી..

આટલો વખત એનાં મગજ માં એક જ વાત રહેતી કે ઘર માં જોર જોર થી જગડા કરવાથી બાળકોનાં મગજ પર શું અસર પડશે.... ધીરે ધીરે બાળકોને પણ એમ થઇ ગયું હતું કે મમ્મી ફક્ત અમારી માટે જ જીવે .તેઓ બીજું કંઇ વિચારી જ નહોતી શકતા ..

અને હવે તકલીફ એવી થઈ કે નયના હવે જે કરતી એ પણ વૈદેહી ને નહોતુ ગમતું.નયનાનાં friends વધ્યા એ એની જિંદગી માં મસ્ત રહેવા લાગી ..કે એ વાર્તા લખવા માં વ્યસ્ત રહેવા લાગી તે કાંઇ વૈદેહી ને ન ગમતું..દર બે દિવસે એ બોલતી કે "મમ્મી તુ બદલાઈ ગઈ છો"

અને નયના એને સમજાવતી કે " જો વૈદેહી તુ તારા સાસરે ચાલી જઈશ ,સાગરના લગ્ન થઇ જશે . એ તેની પત્ની સાથે પોતાનાં બાળકો સાથે વ્યસ્ત થઇ જાશે પછી મારું કોણ , તમે તમારા કોલેજ નાં ગ્રુપમાં વ્યસ્ત રહો છો ને ?? તો મારે કોણ એ કહે..હવે તો મારે મારી દુનિયા મારે વસાવવી પડશે ને..તમને મૂકીને મને ક્યાંય જવું નહોતુ ગમતું એટલે મે કોઇ દિવસ કોઇ કીટી પાર્ટી જોઇન્ટ ના કરી ..કોઇ દિવસ દોસ્તો ની દુનિયા નાં વધારી , બસ તમારા માં જ હુ વ્યસ્ત રહી અને ખુશ પણ રહી..પણ જ્યારે હવે તમે બંને તમારી દુનિયા વસાવવા માં વ્યસ્ત થઈ ગયા છો ..તો મારે પણ મારી માટે કંઇક તો વિચારવું પડશે ને..

અને વૈદેહી એ વાત નો કોઇ જવાબ ન દેતી..

નયના એ જ વિચારતી હતી કે ઘર નું એક કામ એ વૈદેહી ને નહોતી કહેતી..કપડાં ધોવાના હોય કે પ્રેસ કરવાના હોય..બધું એ જ કરતી અને પછી જે સમય બચે એમાં એ પોતાનું કામ કરતી.. તો પણ વૈદેહી ને એનાં પર ગુસ્સો આવતો હતો..

કેટકેટલી વાર તો વૈદેહી નાં ગુસ્સા નાં કારણે પોતે લખેલી વાર્તા ઓ ફાળી નાખી હતી.પણ પાછી એ વિચારતી કે કેમ એને પોતાને પોતાની જિંદગી જીવવાનો હક્ક નથી ? આટલાં વર્ષો તો એણે એ જ કામ કર્યું છે..પણ એને અફસોસ એ હતો કે ચાલો સાસુ ન સમજે કદાચ પતિ પણ ન સમજે..પણ દીકરી પણ ન સમજે તો શું કરવુ..પણ હવે એણે નક્કી કર્યું કે બાળકો ની મરજી હવે એને જેમ વિચારવું હોય તેમ ભલે વિચારે..આ બાબતે રાજીવ અને બા એ પણ વાંધો ઉઠાવ્યો હતો . પણ નયના એ એક વાર બધાને બેસાડીને કહ્યું “ તમને પહેલા જમવાનું મળતું એવું જ હમણાં મળે છે ? પહેલા ઘર સાફ રહેતું એવું જ હમણાં રહે છે ? પહેલા તમને જેમ સંભાળતી એમ જ સંભાળું છું ? “

બધાએ હા માં જવાબ આપ્યો . એટલે નયનાએ કહ્યું “ તો પછી તકલીફ છે ક્યાં ? એક વાત સમજી જાઓ કે તમે ના પાડશો તો પણ હું હવે આ કાર્ય કરવાની છું . એટલે બધા રાજી રહો અને મને મારું કામ કરવા દ્યો તો સારું રહેશે “

નયનાની મક્કમ વાણી સાંભળી બધા શાંત થઇ ગયા હતા . કારણ બધાને ખબર પડી ગઈ હતી કે હવે નયના પોતાનાં જીવન માટે વિચારશે જ ..

આજે સવારથી વૈદેહીનો મૂળ ન હતો

નયનાને એને સમજાતુ ન હતુ કે આજે એને શુ થયું હતુ..પણ જો સામેથી પૂછવા જશે તો તે જેમ ફાવે તેમ બોલશે અને નહી પુ્છે તો કહેશે કે હુ મુડ મા નહોતી તો પણ તને કંઇ ફરક ન પડ્યો..

એ વિચારતી હતી કે એ શું કરે..

ત્યાં વૈદેહી એની પાસે આવી અને કહ્યું કે " મને તારા વગર જીવવાની આદત નથી અને તું કોઇ બીજાની થાય એ મને પસંદ નથી..તો મારે શું કરવાનું એ કહે..??"

નયના ને વૈદેહીની આ વાત સાંભળીને એના પર ખુબ જ પ્રેમ આવ્યો ..પણ હવે એણે પીગળવાનું નહોતુ..

એણે કહ્યું "વૈદેહી તુ જ્યારે તારી કોલેજ માં જાય છે ત્યારે તુ ફકત મારી જ હોય છે ?? જ્યારે તુ તારા મિત્રો સાથે ફરવા જાય છે ત્યારે તુ મારી હોય જ છે ? જેમ તું ક્યાય પણ હોય તું મારી તો રહેવાની જ ને .એમ જ હુ જ્યારે મારા કામ માં હોવ કે મારા મિત્રો સાથે હોવ ત્યારે હુ તારી નથી એવું નથી પણ બધાએ પોતા માટે પણ જીવવુ જોઇયે એવુ મને લાગે છે"

વૈદેહી એ નયના સામે જો્યું અને ઉભી થઈ અને કહ્યું" મમ્મી તુ મને સમજી જ નથી શકી..જવા દે તુ નહી સમજી શકે એ વાત "

નયના ની આંખ માં થી આંસુ નીકળી ગયા કે દીકરી તું મારો અંશ છો. નવા મહિના મારા ઉદરમાં રાખીને તને જન્મ આપ્યો છે ..હુ તને નહી સમજી શકું એ તારી ખોટી ધારણા છે , અફસોસ એ છે કે તુ મને ન સમજી શકી..

પણ વૈદેહી ને પણ ક્યાં નયના નાં આંસું દેખાણા??

બે વર્ષ વીતી ગયા . હવે નયનાને વાર્તા માટે ચેક આવવા લાગ્યા. રાજીવને હવે એનાં લખવા તરફ કોઈ વાંધો ન હતો. કારણ કે પહેલા તેને લાઈટ નો બગાડ લાગતો . કાગળ નો બગાડ લાગતો . પણ હવે એની બદલામાં ચેક જોઇને એ કઈ જ ન બોલતો .

રાજીવ ધીરે ધીરે બાળકોને પણ સમજાવવા લાગ્યો. એક દિવસ અચાનક એક ટીવી ચેનલ વાલા ઘરે આવ્યા અને કહ્યું “ નયના બહેન ને એક નવલકથા માટે એવોર્ડ આપવામાં આવે છે. તો તમારે બધાએ એ પ્રોગ્રામ માં હાજરી આપવાની છે. “

જે દિવસે પ્રોગ્રામ હતો ઘરના બધા સભ્યો ગયા . પ્રોગ્રામમાં લોકોએ એની વાર્તાઓના મન ભરીને વખાણ કર્યા . એનાં એક એક પુસ્તક માટે લોકોએ વાતો કરી. નયના નાં લખાણથી લોકોને હંમેશા એક સંદેશ મળતો હતો તેવું પણ કહ્યું . જ્યારે આટલા વખાણ નયના નાં સાંભળ્યા ત્યારે વૈદેહી અને સાગર વિચારવા લાગ્યા કે સાહિત્યજગતમાં મમ્મીનું નામ આટલું બધું છે એ તો આપણને પણ ખબર નહોતી . અને જ્યારે નયનાને એવોર્ડ આપવામાં આવ્યો અને એને બે શબ્દ બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું “ આ એવોર્ડ મળવાનો સાચો હક્ક મારા કુટુંબને આપું છું એમના સાથને લીધે જ આ શક્ય બન્યું છે . આખા કુટુંબને એણે ઉપર બોલાવ્યા અને બધાની સામે એમનો આભાર માન્યો. વૈદેહી અને સાગરની આંખમાં આંસુ હતા .