પ્રેમનગર - (ભાગ-૨)
સુહાની રોજની જેમ પોતાના રૂમમાંથી તૈયાર થઇ બહાર આવી. આજે કોલેજમાં જવું જરૂરી હતું કારણકે એકાઉન્ટના પ્રોફેસર આઈ.એમ.પી આપવાના હતા. સવારે એનો હળવો મુડ દેખી રમાબેનને આનંદ થયો કે કમસેકમ મારો બનાવેલો ગરમ નાસ્તો હવે એ કરીનેજ જશે. સુહાની અમુકવાર સવારે કોઈને કોઈ બહાના કાઢી બનાવેલો નાસ્તો એમજ મૂકી જતી રહે. જયારે સુહાની નાસ્તો કર્યા વગર કોલેજે જાય ત્યારે એ પોતે પણ કશું ખાય નહિ. સુહાનીના પપ્પા તરુણ એક કંપનીમાં સેલ્સ મેનેજર હતા એટલે અઠવાડિયામાં ચાર દિવસ બહારગામ જ રહેતા, એટલે આખો દિવસ એકલા રહેતા રમાબેન માટે સુહાની જ સથવારો હતો. સુહાની ઘેર આવે એટલે મા-દીકરી વાતોના વડા રંધાવાના ચાલુ થાય જે રાત્રે સુઈ જવાના સમય સુંધી ચાલે પણ જયારે એના પપ્પા ઘરમાં હોય ત્યારે સુહાની ઘણું ઓછું બોલે. નાસ્તો કરીને સુહાની નીકળી એટલે એની મમ્મીને જણાવીને નીકળી કે આજે કોલેજમાંથી કલાસીસમાં જઈશ પછી ફ્રેન્ડસ જોડે હોટેલમાં જવાનું છે એટલે આવતા મોડું થશે પણ ચિંતા ન કરીશ.
‘ફ્રેન્ડસ જોડે હોટેલમાં જવાની છું કે ફ્રેન્ડ જોડે?’ સુહાનીના ગાલે ટપલી મારી રમાબેને પૂછ્યું.
‘શું મમ્મી તું પણ ..’ સુહાની શુઝ પહેરતા પહેરતા સ્હેજ શરમાઈને બોલી.
રમાબેને ઘડિયાળ સામું જોઇને બહાર નીકળતી સુહાનીને કીધું નીચેવાળા પ્રદીપભાઈને પૂછી જોજે એ નીકળતા જ હશે તો તારે છેક કોલેજ સુંધી બસમાં જવાની જરૂર નથી.
‘હા પૂછી લઉં છું આમેય હમણાની બસમાં બહુ ગીર્દી હોય છે.....ઓકે બાય.’બોલતી બોલતી સુહાની ફ્લેટના દાદરા ઉતરી ગઈ.
રમાબેન છોકરીના વર્તનમાં આવેલું પરિવર્તન જોઈ શકતા હતા. પહેલા તો એ કોલેજની ઘણીબધી વાતો કરતી પણ હમણાથી એ વાતો ઓછી થઇ ગઈ છે એ જાણતી હતી. કેટલીય વાર સુંધી બાલ્કનીમાં બેસીને મોબાઈલમાં ચેટ કરતી સુહાનીના ચહેરા પરના ઉતર-ચઢાવ જોઇને મનમાં મલકાતા હતા કે સાવ એકલપેટુડી સ્વભાવની સુહાની હવે થોડી બોલ્ડ થયેલી દેખાય છે. એની ડ્રેસિંગ સેન્સમાં આવેલું પરિવર્તન પણ એ જોઈ શકતા હતા. બાલ્કનીમાંથી સુહાનીને પ્રદીપભાઈના બાઈક પાછળ બેસીને નીકળતી જોઈ એમને થયું કે શું વાત છે આજે પાછું પ્રદીપભાઈ કારને બદલે બાઈક પર નીકળ્યા. પ્રદીપભાઈ જોડે એમને ઘણો સારો ઘરોબો હોવાથી ઘણી વખત સુહાની એમની સાથે કારમાં કોલેજ જવા નીકળતી. પ્રદીપભાઈની બાઈક ગેટની બહાર નીકળી એટલે એમણે રમાબેન ઉભા હતા એ બાલ્કની તરફ જોયું અને રમાબેનના ચહેરા પર સ્મિત આવ્યું.
*****
કલાસીસમાંથી નીકળેલી સુહાની ઓટોમાં બેસી રોજની માફક એના બસ-સ્ટેન્ડે પહોંચી તો નિહાર ત્યાં પહેલેથી જ હાજર હતો. ઓટોનું ભાડું ચૂકવી સુહાની નિહારના બાઈક પાછળ જઈ બેઠી. સુહાનીના હાથ જેમ વધુ નિહારને ભીંસતા ગયા તેમ બાઈકની ગતિ વધતી ગઈ. આવેગમાં ને આવેગમાં સુહાનીએ નિહારને પીઠ ઉપર એક તસતસતું બચકું ભરી લીધું. નિહારે સ્હેજ પણ ઉંહકારો ન કર્યો આવું સુહાની ઘણી વખત કરતી પણ આ વખતનો આવેગ વધુ પડતો હતો એ એણે અનુભવ્યો. થોડીવારેજ એ લોકો “કોફી-ટોફી” પર પહોંચી ગયા. બાઈક ફૂટપાથની ઉપર પાર્ક કરી બંને જણા અંદર પ્રવેશ્યા.
“કોફી-ટોફી”ના ઠંડા વાતાવરણમાં ખૂણાના એક રાઉન્ડ ટેબલ પર સુહાની અને નિહાર સામસામે જઈને બેઠા. થોડીવાર તો કોઈ બોલ્યું નહિ પણ પછી તરત જ નિહારે કરેલા મેસેજ મોબાઈલમાં કાઢી સુહાનીની સામે ધર્યા. સુહાની એની સામું જોઇને ફક્ત હસી અને બોલી.
‘મને ખબર જ હતી કે તું આ જ બતાવીશ, પણ મેં સવારે વાંચી લીધા એ તારા બંને મેસેજ. આ તારી નોકરી પણ ખરેખર ત્રાસ કરે છે.’
‘તું એકવાર કહી દે અબ્બી છોડી દઉં.’ નિહારે સુહાનીના હાથ પર હાથ મુક્યો અને બોલ્યો.
‘ના બાબા ના ....એને થોડી છોડાય અને છોડીને કરીશ પણ શું? હવે આમેય આ અઠવાડિયા પછી કોલેજ જવાનું બંધ થશે અને મારે હવે ચોટલી પકડીને વાંચવા બેસવું પડશે.’
‘યસ...એ વાત સાચી આ છેલ્લું વરસ છે એટલે છેલ્લે છેલ્લે પણ જેટલી થાય એટલી મહેનત કરી લેવાની પછી હરવા-ફરવાનું તો આપણી મુઠ્ઠીમાં જ છે ને.’
‘તને આસાનીથી મળી શકાય એટલે તો મેં કલાસીસ આ એરિયામાં રાખ્યા છે. હજુ એકાદ મહિનો કલાસીસ ચાલુ રહેશે એટલે જેટલા દિવસ કલાસીસમાં આવું ત્યારે ઘેર જવાનું તારા બાઈક પર ..બરાબરને ..!!’
‘યસ માય ડીયર ...તારું ઘર અને મારું રહેવાનું ભલે અલગ અલગ દિશામાં હોય પણ આપણી મંઝીલ તો એકજ છે ને ...હું આવીશ તને રોજ મુકવા માટે ..બસ ને...!!’ હળવેથી સુહાનીના ગાલ પર ટપલી મારી નિહાર બોલ્યો.
કોફી-ટોફી’માંથી કિલ્લોલ કરતા બંને જણા બહાર નીકળ્યા ત્યારે અંધારાએ પોતાનો પ્રભાવ વધારવાનું શરુ કરી દીધું હતું. નિહારના બાઈકે પોતાની ગતિ સુહાનીના ઘર તરફ વધારી દીધી હતી.
****
પ્રદીપભાઈ એટલે પ્રદીપ નાયર સુહાની માટે એક સારા પાડોશી હતા. સુહાનીની મમ્મી રમાબેન પ્રદીપ પરિણીત છે અને એક દીકરીનો બાપ એ છ મહિના પહેલા જ બન્યો છે, પણ હા હવે એ કોર્ટમાં ધક્કા ખાય છે છૂટાછેડા માટે એ બાબત પણ એટલી જ સાચી છે.
પ્રદીપ અને એની વાઈફ પરણીને તરતજ અહી રહેવા આવેલા. પ્રદીપ એક રીયાલીટી કંપનીમાં મેનેજર હતો એટલે પગાર પણ સારો હતો. મુખ્ય કામ લોકલ માર્કેટિંગનું જ હતું એટલે ઓફીસ એ ચાર દિવસ સુધી ન જાય તો પણ ચાલે તેવો તેનો પોર્ટફોલીઓ હતો. પોતાના સમયે એ મીટીંગ ફિક્ષ કરતો અને બાકીનું કામ એ ફોન ઉપર અને લેપટોપ પર જ કરતો. કમીશનની તગડી આવકને હિસાબે એની રહેણી કરણી પહેલેથી ઉચ્ચકક્ષાની હતી. એ સમયે નાનામોટા કામ માટે એની વાઈફ સુહાનીને ઘેર આવતી. બંને ઘરના સભ્યો એકબીજા સાથે સારી રીતે ભળી ગયેલા. એકાદ વરસમાં જ પ્રદીપની વાઈફ પ્રેગ્નન્ટ થતા એણે પોતાના પિયરમાં જવાની વાત કરી. એ બાબતે એ બંને વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો. સુહાનીના પપ્પાએ એ બંને ને ઘણા સમજાવ્યા રમાબેન પણ એમાં જોડાયા. થોડો વખત સારું ચાલ્યું અને એક દિવસ એ ઘર છોડી પોતાને પિયર કોઈને કીધા વગર જતી રહી. બસ ત્યારથી પ્રદીપ ખુબ ડીપ્રેશનમાં રહેવા લાગ્યો. સુહાનીના પપ્પા ઘણીવાર એની સાથે બેસતા એને સમજાવતા. કેટલીયવાર એ સાથે ઘેર લઈને આવે અને રમાબેનના હાથનું જમવાનું સાથે જ જમે.
એકાદ મહિનો રમાબેન અને તરુણ બંનેએ પ્રદીપનું ઘણું ધ્યાન રાખ્યું. કારણકે એકવાર પ્રદીપ દારૂના નશામાં આપઘાત કરવાની વાત કરતો હતો એટલે એને સધિયારો આપવો જરૂરી લાગ્યો. તરુણની પણ માર્કેટિંગની જોબ હોવાને કારણે એ દારૂ પીવાનો શોખ રાખતો હતો. તરુણ જયારે શહેરમાં હોય ત્યારે પ્રદીપ મોંઘી બ્રાન્ડની દારુ લઈને આવતો એ લોકો સાથે જ પીવા બેસતા.
સુહાનીના પપ્પા તરુણની આવી માર્કેટિંગની જોબને કારણે રમાબેનને ઘણીવાર ખરીદી કરવા એકલા જવું પડે. એક વખત એમને ખરીદી કરવા પ્રદીપ મોલમાં લઇ ગયો ત્યારે એ મોલમાં આવેલા એક કોફી શોપમાં એ રમાબેનને આગ્રહ કરીને લઇ ગયો કે એક વખત અહીંની કોફી પી જુઓ પછી વારે વારે અહીં આવવાનું મન થશે. સાહજીકતાથી બોલાયેલા આ વાક્યનો જવાબ જયારે રમાબેને એ રીતે આપ્યો કે આવી વિદેશી બ્રાન્ડની મોંઘી શોપમાં તમને એમ લાગે છે કે તરુણ મને લઈને આવશે? પ્રદીપ ત્યારે કશું ન બોલ્યો પણ કોફી પીતા પીતા એ બોલ્યો કે તમે જયારે કહેશો ત્યારે આપણે સાથે અહી કોફી પીવા માટે આવીશું એ મારું પ્રોમિસ. પણ આ પ્રોમિસ અને કોફીનો કેફ એ બંનેને નજીક લઇ આવવા માટે કારણભૂત બન્યો.
તરુણ પણ જાણતો હતો કે રમાને શોપિંગ કરવું હોય ત્યારે એ પ્રદીપ જોડે જઈ આવે છે. સુહાની પણ જાણતી હતી કે ઘણીવાર મમ્મી શોપિંગ કરવા જાય ત્યારે પ્રદીપ સાથે જાય છે. ગાઢ પાડોશી સબંધમાં આ સામાન્ય વાત હતી.
એકલતાની અગ્નિની જ્વાળાએ રમાને ક્યારે પ્રદીપ તરફ ઢાળી દીધી એ ખબર જ ન રહી. બંને જણા સમદુખિયા હતા એમ ન કહી શકાય પણ સંજોગો એવા ઉભા થયા હતા એ સ્પષ્ટ હતું. પહેલા કાયમ સાડી જ પહેરતા રમાબેન એક બે વરસથી સલવાર-કુર્તા પર આવી ગયા હતા. તરુણ અને સુહાની પહેલા ઘણો આગ્રહ કરતા ત્યારેજ એ સલવાર પહેરતા, અથવા ત્રણેય જણા સાથે ક્યાંક ગયા હોય ત્યારેજ એ એવું પહેરતા. એમના ઘરમાં એક સાથે બે ફેરફાર થયા હતા કે સુહાની પ્રેમમાં પડી એટલે એનું ડ્રેસિંગ આપોઆપ બદલાઈ ગયું અને સુહાનીએ જે સલવાર પહેરવાના બંધ કર્યા એ રમાબેને પહેરવાના ચાલુ કરી દીધા. સુહાની એમ સમજતી કે મમ્મીઓ બધી આવીજ હોય. નકામા પડેલા કપડા એમ પડી ન રહેવા દે એનો સદુપયોગ કરવાનું એમને આવડે જ. સુહાની યુવાન હતી પણ મમ્મીના સ્વભાવમાં આવેલો બીજો ફેરફાર એ નોટીસ નહોતી કરી શકી.
*****
નિહાર સાંજના પીક અવર્સના ટ્રાફિકને ભેદી સુહાનીને એના ઘેર પહોંચાડી પોતાને ઘેર પહોંચ્યો ત્યારે રાત પડી ગઈ હતી. નિહારે જોયું તો મીતાના ચાર મિસ્ડકોલ હતા. મીતાએ બેચાર જગ્યાએ નોકરી માટે અરજી કરી હતી પણ હજુ કોઈ જગ્યાએથી પોઝીટીવ રીપ્લાય આવ્યો નહોતો. મીતા પોતાના ગામડેથી દુર પોતાનું કેરિયર બનાવવા માટે આવી હતી. નિહાર કરતા ભણવામાં હોશિયાર હતી અને એ પ્રમાણે એનું રીઝલ્ટ પણ આવ્યું હતું. એને એક-બે જગ્યાએથી પહેલા ઓફર આવી હતી પણ એ બધી ઓફીસ વર્કની ન હતી. એણે પાર્ટ ટાઈમ એમબીએ શરુ કરી દીધું હતું એટલે ભણવા અને રહેવાનો ખર્ચો કાઢવા તાત્કાલિક નોકરીની જરૂર હતી. નિહાર સમજી ગયો કે આજે એ ક્યાંક ઇન્ટરવ્યુ આપવા જવાની હતી એટલે એ વિશે જણાવવા જ ફોન કર્યો હશે. એણે ફટાફટ શાવર લઈને મીતાને ફોન કર્યો.
‘હાય મીતા કેવું છે?’
‘ક્યાં હતો નિહાર..?? કેટલા ફોન કર્યા મેં ...પેલી સુહાની જોડે ફરવામાં તું તો અમને ભૂલી જ ગયો છે.’
‘લે હજુય તારા મગજમાંથી સુહાની નીકળતી નથી? એને મળ્યે તો કદાચ જમાનો થઇ ગયો.’ નિહારનો જવાબ આ જમાનામાં જીવતા દરેક ફલર્ટ જીવડાઓને છાજે એવો હતો.
‘કેમ તારા મગજમાંથી નીકળી ગઈ છે ?’ મીતાએ સામો સવાલ કર્યો.
‘ઓહ ડીયર ...મેં તને એ સમયે પણ કહ્યું હતું કે કોલેજમાં મારી પાછળ લટુડા પટુડા કરતી કેટલીય છોકરીઓ હતી એમાંની જ આ સુહાની છે....હવે કોઈનું દિલ તોડવાનું તો આપણને ફાવે નહિ....’
‘બસ તારી ભાષણ બાજી તારી પાસે રહેવા દે અને મને એ કહે કે મેં તને જોબ માટે વાત કરી હતી એનું શું કર્યું?’
‘હું તને પાક્કું કાલે સાંજે જણાવું છું. રેસ્ટ એસ્યોર કે મેં મારા સર્કલમાં ઘણા લોકોને વાત કરી છે. એક ઇન્ડસ્ટ્રીની માર્કેટિંગ ઓફીસ અહી નજીકમાં જ છે લગભગ તારું ત્યાં ગોઠવાઈ જશે.કાલે મારી પાસે એનો સોર્સ આવી જશે એટલે હું તને મોકલું છું તારા એક્સપેક્ટેશન કરતા સારું પેકેજ મળશે એ વિશે પણ વાત થઇ ગઈ છે.’
‘રીયલી ....થેન્ક્સ યાર ...તું પાછું મારું મન મનાવવા નથી કહેતો ને ?’ મીતા પોતાની ખુશી સાથેની આશંકા ફોન પર છુપાવી ન શકી.
‘નો ...નો...આઈ એમ સ્યોર ...ધીસ ટાઈમ ઇટ્સ ફાઈનલ .....આ સોમવારથી તું જોબ પર હોઈશ એની મને ખાતરી છે.’
‘ઓહ નિહાર આઈ લાઇક યુ સો મચ....ખરેખર તારા જેવો ફ્રેન્ડ મળ્યો ન હોત તો મારે આ શહેરમાં જીવવું ભારે પડી જતું.’
‘ઓકે....ઓકે..હવે પાછા વધારે વખાણ ન કરતી નહીતર મને ઊંઘ નહિ આવે...બીજી કોઈ જરૂર હોય તો મને કહે પેલો મકાનમાલિક કાકો હવે હેરાન નથી કરતો ને ?’
‘ના રે ના ..હવે તો એ એકદમ સીધાસટ ચાલે છે. ઉપરથી મારી સાથે સહાનુભૂતિથી વાત કરતા થઇ ગયા છે. એમણે કાલે જ મને કીધું કે તેં આ વખતે બે મહિનાનું ભેગું રેન્ટ ચૂકવી દીધું છે. એવું શું કામ કર્યું?’
‘અરે એનું ભાડું છે જ કેટલું..?? બે હજાર રૂપિયા..??.આમેય એ બંને સીનીયર સીટીઝન એકલા રહે છે. બંનેને સરકારનું પેન્શન આવે છે એટલે પૈસાની કોઈ જરૂર જ નથી.ફક્ત ઘરમાં થોડી ચહલપહલ રહે એટલે તો એમણે તને પેઈંગ ગેસ્ટ તરીકે રાખી છે. હવે તો એ જયારે મળે ત્યારે તારા વધારે પડતા વખાણ કરે છે.’
‘કરે જ ને ..!!!..શું કામ ન કરે ગયા મહીને એ આન્ટી બીમાર પડ્યા ત્યારે અઠવાડિયું બંને જણાને મેં બનાવીને ખવડાવ્યું છે.’
‘ક્યાંક એમનો દીકરો અમેરિકાથી આવવાનો તો નથીને??? આટલા બધા મસ્કા એટલે તો નથી મારતી ને?’
‘માય ફૂટ ....એનો ફોટો જોયો છે તેં??? કેવો બબુચક જેવો લાગે છે.’
‘અરે યાર આ જમાનામાં છોકરીઓ ચહેરો ક્યાં દેખે છે? ગમે તેવો બબુચક હોય પણ અમેરિકાથી આવ્યો હોય તો છોકરીઓની લાઈન લાગે છે. પૈસાનો જ જમાનો છે ને યાર.’ નિહારે મીતાને ચીડવવાનો પ્રયાસ કર્યો.
‘પૈસાને તો કુતારાય સુંઘતા નથી. છોકરો દેખાવમાં તો સારો હોવો જ જોઈએ. નો ડાઉટ ધૂમ પૈસા કમાતો પણ હોવો જોઈએ.’
‘લે તું તો ડબલ ઢોલકી છે. તારે તો બંને બાજુ પગ રાખવો છે. પૈસાય હોય અને ડેશિંગ બી લાગવો જોઈએ મતલબ મારા જેવો જોઈએ એમ કહે ને ..!!!’ નિહારે ફરી ...
‘ઓહોહો ....મને ખબર જ હતી કે છેવટે તું આવું જ બોલીશ....તું તો મારા માટે ખાસ છે ....ખાસમખાસ.’
‘સારું હવે ખોટા મસ્કા નહિ....ફોન મુક, પછી વાત કરીશું.’
‘ઓકે બાય....’ ફોન મુક્યા પછી મીતા વિચારમાં પડી ગઈ કે નિહારની વાત ખોટી નથી. બબુચક બોલી તો ખરી પણ નરેન સાવ એવો નહોતો લાગતો. નાની ઉમરમાં એના કાકા એને ત્યાં ભણવા લઇ ગયા હતા. પરંતુ આજે એનો પોતાનો એક સ્ટોર પણ છે અને એક મોટેલ પણ છે.
મગજમાં ચાલતા અવનવા વિચારોની વણઝાર વચ્ચે એણે લેપટોપ લીધું, ફેસબુકમાં નરેનને સર્ચ કર્યો અને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી.
(ક્રમશ: )