Chalo Farie 3 - Kutch in Gujarati Travel stories by Kintu Gadhavi books and stories PDF | કચ્છ દેખા તો સબકુછ દેખા

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

કચ્છ દેખા તો સબકુછ દેખા

કચ્છ દેખા તો સબકુછ દેખા

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અમિતાભ બચ્ચનની કચ્છ પર બનેલી એડ ફિલ્મ જોઈને કોઈપણ પ્રવાસીને કચ્છ જોવાની ઈચ્છા થાય. આખા ભારતમાં ગુજરાતીઓ અને બંગાળીઓ સૌથી વધુ પ્રવાસ કરે છે. ગુજરાતના લોકસાહિત્યમાં એક દુહો છે,

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,

ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારેમાસ.

દુહામાં એકવાત દરેકને મૂંઝવણમાં મૂકે એવી છે. કચ્છ કેવી રીતે બારે માસ હોઈ શકે ? પરંતુ આટલો પ્રચલિત એવો દુહો અને તે પણ અનેક પેઢીઓ અને અનેક મોઢેથી બોલાઈને ચળાઈને આવ્યો હોય, ત્યારે ખોટો કેમ હોઈ શકે ? કચ્છ ખરેખર બારેમાસ માણવા જેવો પ્રદેશ છે.

કચ્છ એટલે કાચબો. પ્રાકૃતમાં ‘કચ્ચ’ એવો શબ્દ પ્રયોજાયો છે. જેના પરથી ‘કચ્છ’ શબ્દ અપભ્રંશ થઈને આવ્યો હોય તેવું મનાય છે. કચ્છનો નકશો પણ ઉંધા કાચબા જેવો છે. પ્રાકૃતિમાં માલુકા કચ્ચ એવો શબ્દ વપરાય છે. કચ્ચ એટલે પાણીથી ઘેરાયેલો પ્રદેશ.

હવે મૂળ વાત પર આવીએ. કચ્છની ધરતી આમ તો ખૂબ પ્રાચીન છે. અહીં ધાતુયુગ અને માટી યુગના અવશેષો છે. ધોળાવીરાને જોઈને આપણે કચ્છની પ્રાચીનતાનો અંદાજ લગાવી શકીએ છીએ. પરંતુ કચ્છના ભૂકંપ પછી કચ્છ ટુરિઝમની અસલ વિશેષતાઓ બહાર આવી છે. પરંતુ ઘણાં ખરાને કચ્છની સાચી માહિતીનો આજે પણ અંદાજ નથી. કચ્છનો ઈતિહાસ તો કચ્છના પ્રાગમહેલ કે આયના મહેલના બુક સ્ટોરમાંથી મળી જશે પરંતુ કચ્છમાં ક્યાં ક્યાં શું શું છે તેની ખબર આપણે અલગ રીતે તારવવી પડશે.

કચ્છના ભાગ પાડીએ તો વાગડ, કંઠી અને બન્ની એમ ત્રણ ભાગ છે. આ ચારેય ભાગને વિવિધ ઋતુ અનુસાર માણી શકાય છે, જાણી શકાય છે. વાગડમાં ગરમી વિશેષ પડે છે. પરંતુ વાગડનું ચોમાસુ રળીયામણું છે. અહીં પ્રકૃત્તિદત્ત લીલોતરી ચોમાસામાં જ જોવા મળે છે. વાગડનું ભરતગુંથણ વિશેષ રુપે વિકસીત છે. અહીંના કચ્છી ભોપા રબારીઓ પશુપાલન સાથે સુંદર ભરતકામ કરે છે. કાળા કપડાંમાં શોભતી રબારી સ્ત્રીઓ અને સફેદ પોષાકમાં પડછંદ દેખાતા ભોપા રબારીઓને વાગડ પંથકમાંથી ઊંટ લઈને પસાર થતાં જોવાનો એક મોકો છે. દેશ વિદેશમાંથી આવતા અનેક પ્રવાસીઓના કેમેરામાં ભોપા રબારીઓના ફોટોગ્રાફ આજે પણ સંગ્રહ બનીને બેઠા છે. કચ્છના વાગડ પ્રદેશમાં ભચાઉ અને રાપર જેવા નગરોનો સમાવેશ થાય છે. અહીં આવેલું વ્રજવાણી ગામ આજે પણ ‘વ્રજવાણીના ઢોલી’ની વાર્તાના સંસ્મરણો સાથે અડીખમ ઊભું છે. અહીં એકસો ને અઢાર આહીરાણીની ખાંભીઓ છે. તો વળી જે યુવાનોને ભાતીગળ પોષાકોને શોખ હોય તેમણે અહીંના રવેચીના મેળાને ચોક્કસ માણવો જોઈએ. રવેચીનો મેળો માણવા માટે લોકો દૂર દૂરથી નાની રવ નામના ગામે આવે છે. ધોળાવીરા પાસે આવેલું નાની રવ સુંદર રળીયામણું ગામ છે. અહીં આવેલા રવેચી માતાના મંદિરે સમગ્ર કચ્છ વિસ્તારના માલધારીઓ આવે છે. દરેક માલધારી પોતાનો આગવો પોષાક પહેરીને આવે છે.

પણ ચોમાસામાં આ પ્રદેશ વિશેષ આકર્ષણ ધરાવે છે. આખા વિશ્વના આર્કિઓલોજીસ્ટમાં વખણાતું ધોળાવીરા પણ કચ્છના વાગડમાં આવેલું છે. વાગડનો સીધો છેડો એક તરફ ગુજરાતના રાધનપુર અને પાટણને પણ અડે છે. આમ કચ્છ અને ગુજરાતના માલધારીઓ રાધનપુર અને પાટણના માર્ગે અવર જવર કરતા હતા. અહીંના લોકો પશુપાલન પર વધુ આધારિત છે કારણ કે અહીં વરસાદની ઋતુ સિવાય પાણીની અછત રહે છે. જેના કારણે અહીંના પહેરવેશ અને રીત રિવાજો પણ પાણી સાથે સંબંધિત છે.

વાગડથી આગળ જઈએ એટલે મુખ્ય કચ્છનો વિસ્તાર શરૂ થાય. જેમાં અંજાર, ભૂજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. ભૂજ અને અંજાર મૂળ સ્ટેટના પ્રદેશો હોવાના કારણે અહીં રજવાડી વાતાવરણની અનુભૂતિ થઈ શકે છે. અંજાર આજે પણ તલવારો માટે જાણીતું છે. અંજારની બજાર આખા કચ્છમાં પ્રખ્યાત હતી. કચ્છમાં અંજારનું ભાતીગળ બજાર, સોની બજાર અને ફૂડ બજાર પણ આખા ગુજરાતમાં નિરાળું છે. અંજારની દાબેલી આખા કચ્છમાં વખણાય છે. અંજારની લારીઓમાં મળતી કડક નામની આઈટમ ખાવા જેવી છે. દાબેલી સાથે વંચાતુ ‘કડક’, કોઈપણ અજાણ્યા મુસાફરને વિચાર કરતો કરી દે. આ કડક એટલે શું ? પણ જે ખાય એને જ ખબર પડે કે કડક તો ખરેખર કડક છે. પાઉંના કડક ટુકડાઓને રગડા સાથે મિક્સ કરીને બનાવવવામાં આવતી આઈટમ એટલે કડક. આ કોઈ પ્રાચીન આઈટમ નથી પણ છે મજાની. દાબેલીની સાથે સાથે લારીવાળાને કડકના ઓર્ડર પણ મળતા જાય છે. જો કે ઘણાં પ્રવાસીઓ તો કચ્છી દાબેલી જ દબાયા કરે. એક જમણ મિસ કરીને દાબેલી જ ખાધા કરે. અહીંની પાઉંભાજીની પેટર્ન પણ કંઈક અલગ છે. પાઉંભાજી સાથે ટામેટાનો સલાડ અને ડબલ મરીના ભૂંગળા વાળેલા પાપડ પણ આપવામાં આવે છે. જે જોઈને ખ્યાલ આવે કે કચ્છીઓ તીખું ખાવાના કેટલાં શોખિન હોય છે. કચ્છમાં નાસ્તાઓની વિવિધતાઓ વિશેષ છે. ભૂજમાં સુંદર દેખાતા બે મહેલો એટલે પ્રાગ મહેલ અને આયના મહેલ. આયના મહેલમાં સુંદર કલાકૃતિઓ આજે પણ સચવાયેલી પડી છે. કચ્છના શાસક ખેંગારજી પહેલાથી લઈને પ્રાગમલજી સુધીની સ્મૃતિઓ અહીં સચવાયેલી પડી છે. ભૂજનું મ્યુઝિયમ પણ સુંદર છે. જ્યાં કચ્છ રાજ્યના ચલણી સિક્કાઓ અને અવશેષો પણ આગંતૂકોને માહિતીનો ખજાનો ખોલી દે છે. કચ્છની મુખ્ય ભૂમિ એવા ભૂજથી પશ્ચમ, બન્ની અને કંઠી તરફ જઈ શકાય છે. ભૂજ પાસે આવેલા નિરોણા ગામમાં સુંદર ગાયની ઘંટડીઓ બનાવવાની કલા ફૂલીફાલી છે. નિરોણા અને આસપાસના ગામોમાં રોગન કલા પણ જાણીતી છે.

મોટા ભાગના લોકો એવું માને છે કે કચ્છમાં પુષ્કળ ગરમી પડે છે એટલે ઉનાળામાં કચ્છ જવું નકામું છે. પરંતુ કંઠી વિસ્તાર અરબ સાગરના કિનારે આવેલું હોવાને કારણે અહીં વાતાવરણ પ્રમાણમાં ઠંડુ છે. અમદાવાદમાં જ્યારે ૪૫ ડિગ્રી હોય ત્યારે કંઠીના કિનારે આવેલા માંડવી બંદરનું તાપમાન ૩૦ ડિગ્રી જેટલું હોય છે. માત્ર કચ્છમાં જ વાતાવરણની વૈવિધ્યતા જોવા મળે છે. એક છેડે ૪૫ ડિગ્રી તાપમાન તો બીજી તરફ ૩૦ ડિગ્રી તાપમાન જોવા મળે છે. કચ્છી ખજૂર આખા વિશ્વમાં વખણાય છે. કચ્છના કેટલાંક ખેડૂતોએ રેકોર્ડ બ્રેકિંગ ખજૂરનો ફાલ ઉતારીને સાબિત કર્યું છે કે કચ્છની ધરતી પણ ફળદ્રુપ છે. કચ્છની કેસર કેરી પણ જૂનાગઢની કેસર સાથે ટક્કર લે તેવી ગુણવત્તાવાળી છે. કચ્છના કંઠી વિસ્તારથી લઈને ખડીર અને ખાવડા સુધી જાણીતી એક સુંદર સ્વાદિષ્ટ વાનગી એટલે માસૂક અને ગુલાબપાક. ભૂજમાં આજે પણ પ્રવાસીઓ માસૂક અને ગુલાબપાક લઈ જવાનું ભૂલતા નથી. બંન્ને વાનગીઓમાં કચ્છી ખમીરની ખૂશ્બું છે. ચોખ્ખા દૂધમાંથી બનાવવામાં આવતું માસૂક આમ તો એક જમાનામાં ખાવડાની મોનોપોલીમાં હતું પરંતુ હવે આ આઈટમ શહેરોમાં પણ મળે છે. છતાં ભૂજમાં તેની મોનોપોલી આજે પણ જળવાયેલી છે.

કચ્છના કંઠી વિસ્તારમાં લીલાછમ ખેતરો, વાડીઓ, કેરીના બગીચાઓ, નાળીયેરીઓ અને ખજૂરીના સંખ્યાબંધ વૃક્ષો આખા કચ્છનો સામાન્ય ખ્યાલ બદલી નાંખે છે. એક તરફ દરિયો અને બીજી તરફ વાડીઓ. લગભગ માંડવી અને મુંંદ્રા પાસે આવેલા ગામો આ હરિયાળીથી આચ્છાદિત છે. માંડવીમાં બનેલી હોડીઓ આખા એશિયામાં પ્રખ્યાત હતી. આજે પણ માંડવીના જહાજવાડામાં આ હોડીઓ બનતી જોઈ શકાય છે. એક જમાનામાં ભારતના અનેક બંદરોના વાવટા માંડવી બંદરે લહેરાતા હતા. કચ્છના ભાટીયાઓ યોજનો સુધી દરિયામાં પ્રવાસ કરતા હતા.

અહીં આવેલો વિજયવિલાસ પેલેસ અને નારાયણ સરોવરની યાત્રા આહ્લાદક અને રમણીય છે. માંડવી પાસે આવેલા બાડા નામના એક નાનકડાં ગામમાં ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર આવેલું છે. ધમ્મસિંધુમાં દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ વિપશ્યના સાધના શીખવા માટે આવે છે. અહીં ભગવાન બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલી ૨૫૦૦ વર્ષ જૂની વિપશ્યના સાધના શીખીને માનસિક શાંતિ મેળવી શકાય છે. આ સાધન અહીં નિઃશુલ્ક શીખવવામાં આવે છે. નારાયણ સરોવર અને કાળો ડુંગર વિશે મોટા ભાગના પ્રવાસીઓ રણોત્સવ થકી વાંચી ચૂક્યા છે પરંતુ કચ્છના એવા સ્થળો અને સુંદર લાઈફ સ્ટાઈલ વિશે આપણે અજાણ છીએ. કચ્છનું લખપત પણ એક એવું જ સ્થળ છે જ્યાં રાવ લખપતજીનો કિલ્લો આજે પણ મોજૂદ છે. કચ્છના બન્ની પંથકમાં આવેલા કચ્છી ભૂંગાઓને તેના પ્રકૃત્તિક વાતાવરણમાં જોવાનો અનોખો લ્હાવો છે. અહીં રહેતા જત પરિવારોના ભાતીગળ પોષાક અને સાદી જીવન શૈલી આપણને તણાવમુક્ત કરી દે તેવા છે. અફાટ રણ વચ્ચે પશુપાલન કરતા જત પરિવારો સુંદર પોષાક અને રળીયામણાં રિવાજોથી ઓપે છે. તો વળી નખત્રાણામાં રહેતા રબારી પરિવારોને પણ બસ અને છકડાંમાં હરતા ફરતાં જોવા એક લ્હાવો છે. બન્નીની બન્ની ભેંસ આખા ભારતમાં વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત છે. ચોમાસાની ઋતુમાં આખો બન્ની પ્રદેશ બેટમાં ફેરવાઈ જાય છે. બન્નીના માલધારીઓ અને બન્નીના ઘરેણાં પણ ફેશન ડિઝાઈનરોને આકર્ષે છે. કચ્છ માટે આટલી જગ્યા પર્યાપ્ત નથી પણ છતાં જો કચ્છનો પરિચય આપવો હોય તો જીવન શૈલી થકી જીવતી અને ઝઝૂમતી જાતીઓનો એક જીવતો જાગતો ચિતાર કચ્છમાં છે. કચ્છી પોષાક આજે વિશ્વભરના ઓનલાઈન બજારમાં જોવા મળે છે. કચ્છી ખોરાક પણ ગુજરાતમાં પોતાનું સ્થાન ધરાવે છે. ખરેખર કચ્છને જોવા માટે માત્ર સફેદ રણ પૂરતું નથી તેના માટે વધુ સમય અને રસપ્રદ આંખોની જરૂર છે.