Achetnam ashariram in Gujarati Short Stories by Chauhan Harshad books and stories PDF | અચેતનમ્ અશરીરમ્

Featured Books
Categories
Share

અચેતનમ્ અશરીરમ્

અચેતનમ્ અશરીરમ્

હર્ષદ ચૌહાણ

આપણે એક લાંબી સફર ખેડીએ છીએ. જીવનરૂપી સફર. આ સફરનો પ્રારંભ આપણા જન્મથી થાય છે. માતાના ગર્ભમાં આપણું શરીર સૂક્ષ્મથી સાકાર થાય છે.માનવ શરીરનું સર્જન પૂર્ણ થતાં આ જગતે આપણું આગમન થાય છે. હરખભેર આપણો પરિવાર આપણું સ્વાગત કરે છે. આપણી જીવનરૂપી સફરમાં આપણો પરિવાર સથવારો બની સફરને વધુ આનંદદાયક બનાવે છે. પરંતુ આ ઉતાર ચઢાવને વળાંકો ભરી સફરમાં અમુક સાથીઓ કાળક્રમે આપણાથી વિદાય લે છે જ્યારે અમુક આ સફરે જોડાઈને સથવારો વધારે છે. આ સફરનું ફ્યુલ એટલે પ્રેમ. જો આ સફરમાં પ્રેમ નહીં હોય તો આ સફર અધવચ્ચે જ થોભી જશે. આ પ્રેમરૂપી ફ્યુલની જ્યારે અછત વર્તાય ત્યારે અમુક સાથીઓ આપણી સફર છોડી ક્યારેક પરાયાની સફરના ભાગીદાર પણ બનતા હોય છે.

પરંતુ આ સફરે એક એવી પળ આવે છે જ્યારે વિદાય આપણે ખુદ લેવાની હોય છે. મંજીલ મળે કે ન મળે, પણ આ સફરને અલવિદા તો કહેવું જ પડે છે. આ સફરની શાશ્વત વિદાય એટલે મૃત્યું. આ મોતરૂપી વિદાયવેળા સુખદ ત્યારેજ નિવડે જ્યારે કોઈ પોતીકું અલવિદા કહેવા હાજર હોય. કોઈ ચહીતું, કે જેનો ચહેરો જોઈ વિદાય લઉં તો મોત પણ સુખદ બને.

આજે પણ અહીં એક વિદાય હતી. આત્મા વિહોણા,પંચતત્વ સર્જિત,અંતિમ પળે દિકરાના મુખને નિરખવા તરસેલી એક વૃદ્ધ માંના શરીરની વિદાય, અંતિમયાત્રા, સ્મશાન યાત્રા હતી.જીવનમાં પ્રથમ વેળા હું કોઈ સ્મશાન યાત્રાએ હાજરી નોંધાવાનો હતો. પ્રથમ વેળા માનવના અંતિમ પડાવે શરીરની વિદાય અર્પવા જવાનો હતો.

મને જાણ થઈ એક સંબંધીના મૃત્યુંની. આ વખતે આ સ્મશાન યાત્રાએ મારે જોડાવાનું હતું. જીવનની અનેક યાત્રાઓ અનુભવી, પણ આ યાત્રાથી મુદ્દલ અજાણ. બચપણે વડીલોથી દૂર રખાયો ને જિજ્ઞાસા પોષી. આજે યુવાનીએ જિજ્ઞાસા સંતુષ્ટ થવાની હતી. મનની મૂંઝવણોને પ્રત્યુત્તર મળવાના હતા. શોક વિષાદને આજે સમીપ જઈ જાણવો હતો.

હું એ શોકગ્રસ્ત ઘરે પહોંચ્યો. બહાર પુરુષો ખભે સફેદ કપડું નાખી રાહ જોતા હતા. સૌને ચહેરે મૌન હતું. વાતાવરણમાં ન તો વેદનાભર્યો પોકાર કે ન તો હૈયાફાટ રુદનનો ધ્વનિ હતો. હવામાં એક અગમ્ય શાંતી છવાયેલ હતી. ઘરની કાષ્ઠ રચિત ખંડિત થયેલ ખડકી ખુલી હતી. નાનું ફળિયું પૂર્ણ થતાં ગારમાટીના પરસાળ પર એક વૃદ્ધ અચેતન શરીર ઢળેલું હતું. ઉંમરના તકાજે રચેલા એ દુબળા શરીર પર સાડી ઢાંકેલી હતી. અનંત નિંદ્રામાં સુતેલા એ શરીરની ચોતરફ અડોસપડોસની મહિલાઓ એક અસંવેદી મૌન ધારણ કરી બેઠી હતી.

બહાર ગૌષ્ઠી જમાવેલ પુરુષોએ ચર્ચા પ્રારંભી. 'નસીબદાર શાંતા માડી કે છૂટી ગ્યા' બીડીની કસ લઈને એક બોલ્યો. 'બિચારાએ સેલ્લે બઉ પીડા ભોગવી હો ' એકે માવો ચોળતા શબ્દો લંવાવ્યા. 'પણ દિકરાની સેવા નો ફળી. માડીએ છેલ્લે અરજણ અરજણ બઉ કરું. જો થોડાક દિ આયા હોત તો માડી થોડું વધુ લંબાવત. '. 'હા , એ વાત હાસી તમારી ' ગોષ્ઠીએ સહમત રેલાઈ.

શાંતા માડીનો એક નો એક દિકરો અરજણ. કામ ધંધા ખાતર શહેર જઈ વસ્યો. બિઝનેસ શરૂ કર્યો ને સમૃદ્ધિ પણ મેળવી. પરંતુ માયા માણસની આંતર પ્રજ્ઞાને પણ બુઝાવી દે છે. શહેરે સંસાર બાંધી બાપ બન્યો. માં અહીં ઘરમાં એકાંતે જીવન વિતાવતી. વારતહેવારે આવી ખર્ચ પેઠે બે ચાર પૈસા આપી જાય. પરંતુ શાંતા માંડીએ તો પુત્ર વિયોગને અંતરે શમાવી રાખ્યો હતો. આખરે શરીર પણ કાળક્રમે રંગ ગુમાવે છે. ઢળતી ઉંમરે પણ વૃદ્ધ અંગઉપાંગોને બળજબરીપૂર્વક કામે લગાડી શાંતા માડીએ જીવન આગળ ધપાવ્યું. પરંતુ એક વારે માડીના શરીરે જંખના ખોઈ.શરીર પથારીવશ થયું. ન ઉભા રહી શકે કે ન બેસી શકે. બે સહારા પડેલી માંની ચાકરી દીકરાને ન ફળી. કોઈ સગો દિવસે બેચાર વખત આવી ખવડાવી જાય. જરૂર પડ્યે પડોશી એકબે વાર આવી મદદ કરી જાય. અરજણ મહિને બેચાર વખત આવી ખવડાવવા આવતા સગાને ખર્ચ પેઠે બેચાર રૂપિયા આપી જાય. એ માં દર્દથી કણસતી એ પથારીએ પડી રહી. ભૂખ તરસ લાગે પરંતુ કોણ તૃપ્ત કરે?. પોતેજ પોતાનો સહારો બની.

પરંતુ આખરે એ માંએ શરીર છોડ્યું. મધરાત્રીએ અનંત એકલતા અને અંધકારના સથવારે શરીર છોડ્યું. વહેલી સવારે પડોશીને જાણ થઈ. દિકરાને ટેલિફોન કર્યો. એક પછી એક સગાસબંધીઓ હાજર થયા. દિકરો આવ્યો. ફળીમાં ડૂસકાં ભરતા રુદને આસું સારતો પરસાળે જઈ બેઠો. એ સ્તબ્ધ ઘર આંગણે અરજણના રુદનનો ધ્વનિ પડધી રહ્યો હતો.

વહુ અને પૌત્રોએ શહેરથી આગમનની રાહ ન જોવા વિનવ્યું. એક સગો અરજણ પાસે આવી સાંત્વના પાઠવી. ઈશ્વર સમક્ષ માનવ માજબૂરીનો અહેસાસ કરાવ્યો. દિકરાએ આંસુ પોછ્યાં. ચાર વ્યક્તિઓએ લોહતત્વરચિત નનામી અંદર લાવી ફળીએ મૂકી. એ જડ થયેલા શરીરનું કોઈ પોતીકું હોય તે એક દિકરો અને બીજા બે સબંધીએ શરીર હળવેકથી ઊંચકી ફળીએ નનામી પર સુવડાવ્યું. નનામી પર ખર્ચ કરનાર દાતાના નામની પ્લેટ નનામીની એક તરફ લગાવેલી હતી. જે દાનના ઉદ્દેશ્યને પ્રગટ કરતી હતી. સૌ કોઈ મૌન ધારણ કરી ઉભા હતા. ઘરનાં એક એક અણુએ પણ નીરવ સ્તબ્ધતાભર્યું મૌન ધારણ કરેલું.

નનામી પર શરીરને લાલ વસ્ત્ર વડે લપેટી ફૂલોના હારથી સજાવામાં આવ્યુ. તફાવત બસ એટલો જ કે આ શરીર ચેતના વિહોણું હતું. અરજણ અને બીજા ત્રણ લોકોએ નનામી ખભે ઉઠાવી ને ખડકી બહાર લાવી. દિકરાની આંખોએ ફરી આંસુ ઉભરાયા. આ આંસુએ સૂક્ષ્મ પશ્ચાતાપ પણ ભળીને વહેતો હતો. થોડે દુર શેરીના નાકે એક આધુનિક સ્મશામ રથ પણ મૌનધારી બની રાહ જોઇ રહ્યો. સૌને કંઠે રામનામનો જાપ પ્રગટ્યો. ધીરે ધીરે નનામી રથ ભણી આગળ ધપી. રથે પહોંચી નનામીને અંદર ચઢાવામાં આવી. દિકરા સાથે અમુક સગાઓ અને હું રથમાં બેઠો. રથનો ડ્રાઈવર ઉતાવળ કરવા હાકલ કરતો હતો. કદાચ કોઈ બીજા અચેતન શરીરને સ્મશામ સુધી પહોંચાડવાનો કરાર કર્યો હશે.

ડ્રાઈવરે રથની ચાવી ફેરવી. રથ શરૂ થયો. એક સ્વીચ દબાવતા જ સ્પીકરોમાં રામનામનું કરુણાશીલ શબ્દોભર્યું ભજન ગૂંજયુ. રથ ધીમે ધીમે આગળ ધપ્યો ને પાછળ સંબંધીઓ પગપાળા ચાલી આવતા હતા. નજર સમક્ષ એક નનામી અને તેના પર એક અચેતન શરીર પડ્યું હતું. હૈયું અને મન ચિંતને ચડ્યું. અંતરે એક અગમ્ય શબ્દરહિત ભાવ પ્રગટ્યો.

એક અચેતન શરીર જે કોઈ ગર્ભમાં ચેતના પામ્યું હતું. વિકાસ પામ્યું, જન્મયું, પંચતત્વ થકી પોષણ મેળવ્યું, હર્યું ફર્યું, દુઃખસુખ ભોગવ્યા, અભિલાષાઓ પૂર્ણ કરી ન કરી, બીમારી ભોગવી અને આખરે ફરી મારી સામે જડ થઈને ઢળેલું હતું. મન તર્કવિતર્કે ચડ્યું. આખરે શા માટે જંખે છે જીવ આ શરીર ? કેમ વિદાય લે છે ચેતના આ શરીરથી ? શું મારું શરીર ને હું ભિન્ન છું?

રામનામ ભજનના એ કરુણાશીલ ધ્વનિથી વાતાવરણ ગમગીન હતું. અરજણની નજર બહાર સડક પર હતી. એક દિકરાની નજીક સુતેલું એ માંનું શરીર જાણે રાહ જોઈને બેઠું હોય કે, હમણાં એક પ્રેમહૂંફ ભર્યો હાથ કપાળે ફરશે ને કહેશે, " હું અહી જ છું.તમે આરામ કરો. તમે ઠીક થઈ જશો." પરંતુ એ માંની એ અભિલાષા અપૂર્ણ જ રહી. પણ સંતાન ખાતર જ તો માંનું હૈયું ધબકતું હોય છે. એ મમતા ભરી ચેતના એ આ જગતથી વિદાય લેતી વેળાએ પણ એ દિકરાને હસતાં મુખે હૈયું ભરી દુઆઓ આપી હશે, એવી દ્રઢતા હું ધરાવું છું.

એક સ્ત્રી શરીર જે જન્મ લઈ દિકરી બની, યુવાનીએ એક પતિની પત્નિ બની, સંતાન જણીને એક માં બની, જીવનની ઈચ્છાઓને દફનાવીને એક પરિવારનો મોભો બની અને અંતે વૃદ્ધાવસ્થાએ બેસહારા થઈ આ જગતથી વિદાય લીધી. આખરે સ્ત્રીત્વનું બલિદાન નજર સમક્ષ પથરાયું.

રથ સ્મશાને થોભ્યો. ચાર લોકોએ નનામી ઉતારી સ્મશાન અંદર ચાલ્યા. પાછળ સૌ અંદર પ્રવેશ્યા. રથનો ડ્રાઈવર એક પળ પણ ન વેડફાય એ ઝડપે પોતાનો બીજો કરાર પાર પાડવા નિકળી પડ્યો. નનામીને દહન સ્થાને લાવી એક ઓટલે મૂકી. દહનસ્થાને લોખંડના સ્ટેન્ડ પર લાકડા પાથરવામાં આવ્યાં. ત્રણ સગાએ શરીરને એ લાકડાઓ પર ઢાળ્યું. ઉપરથી ફરી અમુક લાકડાઓ મૂકીને એ શરીરને ઢાંકવામાં આવ્યું. બીજા વ્યક્તિએ લોખંડના સ્ટેન્ડ નીચે થર જામેલી રાખને એક નાના પાવડા વડે બહાર કાઢી. એક પછી એક બહાર આવતા પાવડાના હેલારે રાખ સાથે બળેલા અનેક શરીરોના પાંસળીઓનાં અંશો પણ બહાર આવતા હતાં. અંતરે કંઈક અજુગતું લાગ્યું. મન વિટંબણ પામ્યું. માનવ ચાહે સંપત્તિના શિખરે સુખ સગવડ ભોગવતો હોય કે ઝૂંપડામાં ભીખભર્યું જીવન જીવતો હોય, અંતે તો દરેકને આ રાખમાં જ વિલીન થવાનું છે. ન જાણે શા માટે આ માનુષ સુખ, સંપત્તિ, સુવિધા સારું ભાંગજડ કરી જીવન વેડફતો હશે..!

દિકરાએ ચિતાની પ્રદક્ષિણા કરી અગ્નિ અર્પીને પોતાની માંને અંતિમ વિદાય આપી. ધીરે ધીરે ચિતા આગને પોષવા લાગી. લાંબી જ્વાળાઓ આકાશે આંબવા મથવા લાગી. એક શરીર કે જેને કુદરતે સર્જ્યું, પંચતત્વે પોષયું, અને આજે ફરી એક કુદરતમાં વિલીન થઈ રહ્યું હતું. અગ્નિ શરીરની ચોતરફ જાણે ભેટી રહી હોય તેમ ખુદને લપેટવા લાગી. વાયરો અગ્નિને શરીરે લપેટવા મથતો હોય તેમ ફૂંકાઈ જ્વાળાઓને સબળ કરતો હતો. શરીરનો એક એક કોષ વિલીન થવા લાગ્યો. સાથે સાથે અમુક સપનાઓ, અભિલાષાઓ પણ લુપ્ત થયાં. અહીં આજે એક સવારી અંતિમ પડાવે પહોંચી ગઈ.

વિચાર વંટોળે ચડેલા અંતરે મારો જીવનપથ પ્રદર્શિત થવા લાગ્યો. મારી અંતિમ પળો નજર સમક્ષ રચવા લાગી. ન જાણે એક દિવસ એક પળ એવી પણ આવશે જ્યારે આવી જ એક ચિતામાં મારું શરીર પડેલું હશે. અગ્નિ મને બાથ ભીડી રહી હશે. મારી આ હાથની આંગળીઓ જેણે અનેક શબ્દો કંડાર્યા, એ આવીજ એક અગ્નિમાં વિલીન થવા લાગશે. પરંતુ મેં ત્યારે કેવું જીવન વિતાવ્યું હશે? મારી કેટલી ઈચ્છાઓ ને સપનાઓ અપૂર્ણ રહેશે? મારા અંતિમ શ્વાસે જીવેલા જીવનથી કેટલો સંતુષ્ટ હોઈશ?

બે પળ બાદ અંતરે એક અવાજ ગૂંજયો 'નહીં'. મારું જીવન નીરસ નહીં હોય. હું સપનાઓ પુરા કરીશ, લડીશ, મહેનત કરીશ. પડી આવેલા દુઃખોને હું હસતા મુખે છાતી બતાવીશ. એની શું મજાલ કે મને દુઃખી કરે. જીવનના એક એક રસને પી જઈશ. જરૂર પડ્યે નિયતિ સામે જંગ છેડતા પણ નહી અચકાવ. પણ ક્યારેય હથિયાર નહીં હારું. જો લડીને હાર મળશે તો એ હારને હસતાં મુખે પી જઈશ ને મારા અંતરને લડત ખાતર શાબાશી પઠાવીશ. જગતના સહારે નહીં પણ હું ખુદનો સહારો બનીશ. અને છેલ્લે જ્યારે મારી અંતિમ પળો ગણાતી હશે, શ્વાસ જંખના હારતું હશે, દ્રષ્ટિ ધૂંધળી થતી હશે ત્યારે મારી સમક્ષ મારુ સંપૂર્ણ જીવન પથરાશે. ત્યારે મારી આંખો ગર્વ અને હર્ષના આંસુડે ઉભરાઈ કહેશે, "વાહ, શું વીરતાભર્યું જીવન જીવ્યો તું..!"