કોફી હાઉસ પાર્ટ – 26
રૂપેશ ગોકાણી
(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે આલોક શેઠના પુત્રના અવસાન બાદ શેઠજીનો મોહ માયા ત્યાગ બાદ શેઠજી એક દિવસ પ્રેયને બહુ મોટી સરપ્રાઇઝ આપે છે કે તેઓ તેમની વસિયતમાં હોટેલ પ્રેયના નામે કરવાનો નિર્ણય પ્રેય સમક્ષ રજુ કરે છે. પ્રેય દ્વિધામાં મુકાઇ જાય છે કે આ હોટેલનો સ્વિકાર તે કરે કે નહી. ચાલો હવે વાંચીએ આપણે આગળ........)
“પ્રેય શું વિચારમાં પડી ગયો છે તુ? અહી તારી રાય જાણવા માટે મે તને બોલાવ્યો નથી, બસ મારા આ નિર્ણયની જાણ કરવા માટે જ તને બોલાવ્યો છે. રમાકાકી ઓ રમાકાકી, અમને બધાને મીઠુ મોઢુ કરાવો જરા. આજે મારા માટે અને સાથે સાથે મારા આ દિકરા માટે પણ બહુ આનંદભર્યો દિવસ છે.” “હા શેઠજી, હમણા જ લાવી.” “શેઠજી તમે બહુ મહાન છો, છતા પણ હજુ તમને કહું છું કે આપણા બન્નેના લાગણીના સબંધ વચ્ચે આ હોટેલને ન લાવો તો આપણા સબંધને ચાર ચાંદ લાગેલા જ રહેશે. મે ઘણી જગ્યાએ જોયુ છે કે સબંધો વચ્ચે જ્યારે પૈસો આવે છે ત્યારે તેમા કડવાહટ આવતા વાર લાગતી નથી.” “અરે ના ના દિકરા, એવુ કાંઇ નથી, આ સફેદ વાળ એમ ને એમ આવ્યા નથી મને. મારી અનુભવી આંખોએ તને પહેલી નજરે જ પારખી લીધો હતો. મે ઘણી વખત તને લાખો રૂપિયા આપી બીજા શહેરમાં મોકલ્યો છે ત્યારે તુ ધારે તો મને દગ્ગો કરી શકત પણ ક્યારેય તે મારી સાથે છળ કર્યુ નથી. છેલ્લા એકાદ વર્ષથી તો મે હોટેલ આવવાનુ જ છોડી દીધુ છે છતા હોટેલના ધંધામાં નફાનુ પ્રમાણ વધ્યુ છે, નહી તો ધારે તો તુ ગફ્લત કરી તુ આડી રીતે તારુ ભલુ કરી શકત. ભલે હું બહુ થોડો સમય જ હોટેલ આવતો પણ મારો વકિલ કે જે મારા તમામ ધંધાનુ સરવૈયુ સંભાળે છે આ બધુ તારણ તેણે જ તારવ્યુ છે.” મારા બે હાથ આપમેળે શેઠ આલોકનાથ સામે જોડાઇ ગયા અને હું તેમના પગે પડી ગયો. “આ ઋણ હું કઇ રીતે વાળી શકીશ કાકા, આપણું કોઇ સગુ પણ આવો ફેંસલો લેતા પહેલા દસ વાર વિચારે છે અને તમે એક જાટકે જ હોટેલ મને સોંપી દીધી તે તમારી મોટાઇ છે. નતમસ્તક થઇ હંમેશા આપનો ઋણી રહીશ શેઠજી.” આલોક શેઠે મને બે હાથ વડે ઉભો કર્યો અને મને ભેટી પડ્યા. તેમનુ રૂદન આજે સાફ સાફ જાહેર કરતુ હતુ કે તેના સંતાન વિના આજે તે કેટલા અધુરા છે? તેમની આટલી ચલ અચલ સંપતિનો વારીસ જ આજે તેનાથી દૂર હતો. “દિકરા, તુ કહેતો હતો ને કે મારી આ ભલાઇનો બદલો તુ કઇ રીતે વાળીશ, તો સાંભળ બેટા, આજીવન તુ ગરીબ અને બેસહારા લોકોની બને તેટલી મદદ કરતો રહેજે. આ નિઃસ્વાર્થ સેવા જ મારા માટે સૌથી સારો બદલો રહેશે અને બીજુ કે આપણા આ સબંધને ભૂલી ન જતો. હું વારે-તહેવારે હરિદ્વારથી અહી આવતો રહીશ અને તને મળવા જરૂર આવીશ.” “હા કાકા હા, તમે જરૂર આવજો. મારી તો તમને એ જ સલાહ છે કે તમે અહી જ રહો. હું છું ને તમારી સેવામાં. આ બધુ મારે કાંઇ જોઇતુ નથી, તમારો બધો ધંધો હું સંભાળી લઇશ પણ માત્ર એક કર્મચારી તરીકે, તમે જ બધુ તમારી પાસે રાખજો. મારે બસ તમારી છત્રછાયા મળી રહે એટલે ઘણું છે. આમ પણ મારુ પણ પોતાનુ કોઇ રહ્યુ નથી, તમે અહી રહેશો તો મને પણ એક વડિલનો સાથ મળી રહેશે.” “મારા આશિર્વાદ તારી સાથે જ છે બેટા પણ હવે અહી રહેવાની મને જરા પણ ઇચ્છા નથી. અહી મને મારો પુત્ર જ નજરે આવે છે, હરિદ્વાર જઇ થોડા સારા કાર્યો કરી હું ભગવાને આપેલા આ માનવદેહને સાર્થક કરવા ઇચ્છુ છું એટલે આગ્રહ ન કર અને આ હોટેલની કામગીરી તન મન અને ધનથી સંભાળી લે, એટલે મારા જીવને ધરપત થઇ જાય.” “ઠીક છે કાકા, જેવી તમારી મરજી.” કહેતા તેમને પગે લાગી આશિર્વાદ મેળવ્યા. તેમણે પણ મને મનથી આશિષ આપી મીઠુ મોઢુ કરાવી વિદાય કર્યો. “ભગવાન, ભલે તુ મને દેખાતો નથી પણ આજે તારા હોવાનો પુરાવો મને મળી ગયો. હજુ વિચારતો હતો કે કુંજને મેળવવા કઇ રીતે પૈસાદાર બનુ અને તમે આ રીતે મને બક્ષીસ આપી દીધી. છપ્પર ફાડીને તમે આપનો વ્હાલ વરસાવ્યો છે પ્રભુ મારા પર પણ આ રીતે શેઠજીના પુત્રને છીનવીને મને ધનવાન બનવુ મંજુર નથી પ્રભુ. આ લીલામાં તમારી શું ઇચ્છા છે મારા નાથ???” ઠંડી હવાઓને મારા રોમ રોમમાં ભરતો લાખોટાની પાળીએ એકલો બેઠો પ્રભુ સાથે વાત કરી રહ્યો હતો ત્યાં ફોનની રીંગ વાગતા પ્રભુ અને મારી વચ્ચેના વાર્તાલાપમાં વિક્ષેપ ઉભો થઇ ગયો. “હાય ધ્વની, હાઉ આર યુ? આજે કેમ મને યાદ કર્યો?”
“એય ડફ્ફર, કાંઇ કામ હોય તો જ તને યાદ કરવાનો? કામ વિના તને ફોન પણ ન થાય મારાથી? એવો તે કઇ કંપનીનો મેનેજીંગ ડાઇરેક્ટર બની ગયો છે તુ કે પાંચ મિનિટ વાત કરવાનો પણ સમય નથી તને???” “બસ બસ મારી મા, ખીજાવાનુ બંધ કર મને. મે તો એટલા માટે પુછ્યુ કે કાંઇ ટેન્શન તો નથી ને? બીજુ કાંઇ નહી. આખો દિવસ ફ્રી જ છું હું તો.” “હા આમ પણ ચા વાળાને શું વ્યસ્તતા હોય જીવનમાં?”
“એય બસ કર હાઁ, હવે દાઝ્યા પર ડામ ન દે મને.” “હું તો જ્યારે ફોન કરીશ ત્યારે તને ચા વાળો જ કહેવાની છું, એ બહાને તને યાદ રહેશે કે તારે ચા વાળા માંથી બહુ મોટો ધનવાન બનવાનુ છે. યાદ છે ને મને શું વાયદો કરીને અહીથી નીકળ્યો હતો? તારા શેઠની જેવી કાર લઇને આયો હતો તેવી પાંચ સાત કારનો માલીક તારે બનવાનુ છે.”
“તો આજથી જ મને ચા વાળો કહેવાનુ બંધ કરી જ દે. તને સારા સમાચાર જ આપવાનો છું.” “વાઉ!!! ગુડ ન્યુઝ???? જલ્દી કે પ્રેય મને.” “મે ધ્વનીને બધી વાત કરી, ધ્વની મારા માટે ખુબ ખુશ થઇ ઉઠી, સાથે સાથે તેને અરમાન સાથે જે બન્યુ તે બદલ તેણે દિલગીરી પણ વ્યક્ત કરી.” “હવે મારી પાર્ટી પાક્કી ને?” “હા ભુખ્ખડ હા.” “મારીશ હો એક લાફો. ભુખ્ખડ તુ.” હાસ્યના હિલોળા વચ્ચે અમારી વાત સંપુર્ણ થઇ. ભગવાનને માથુ ટેકવી હું ઘરે ગયો. આજે ઊંઘનું નામોનિશાન ન હતુ મારી આંખમાં. બેઠો બેઠો બસ ભગવાનની આ અકળ લીલાને પામવાનો પ્રયત્ન કરતો હતો પણ એ અંતર્યામીની લીલા કોઇ કળી શક્યુ છે તે મારા જેવા જીવની શી વિસાત????” “જુની યાદો સાથે તાણા વાણા સાધવા હું કુંજ સાથે વિતાવેલા પળોને યાદ કરતો તકિયાને બાહોમાં લઇને આડો પડ્યો. સાયદ ભગવાનની પણ ઇચ્છા હશે કે તેઓ અમને બન્નેને એક કરવા ઇચ્છતા હશે.
“એ બધા અહી આવો, મારે તમને એક વાત કરવાની છે.” આલોક શેઠે ચાર દિવસ બાદ હોટેલની મુલાકાત લીધી અને આવતા જ હરખથી બધા કામદારોને બોલાવવા લાગ્યા. થોડી વારમાં જ બધા એકઠા થઇ ગયા. “હું જાણું છું કે પ્રવીણે તમને કાંઇ સમાચાર તો આપ્યા જ નહી હોય, એટલે હું તમને બધાને સારા સમાચાર આપવા બોલાવ્યા છે.” “શું સારા સમાચાર છે શેઠજી.” લગભગ પચાસેક વર્ષની આસપાસ પહોંચી ગયેલા માલાકાકાએ પુછ્યુ. “માલા ભાઇ આજથી તમારા શેઠ બદલાઇ ગયા છે. હવે તમે મને આલોક કહીને જ બોલાવો.” “શું શેઠજી??? શેઠ બદલાઇ ગયા છે એટલે? તમે અચાનક કેમ હોટેલ વેચી મારી?” માલાકાકાનો સ્વર ચિંતામાં બદલાઇ ગયો “માલાભાઇ બહુ ચિંતા ન કરો. તમારા નવા શેઠજી તમારા બધાથી અજાણ્યા નથી. તમે બધા તેને જાણો જ છો. આ હોટેલના નવા શેઠજી બીજુ કોઇ નહી આ પ્રવીણ જ છે. હવે ઘણી મગજમારી કરી લીધી લૌકીક ઝંઝટો પાછળ. હવે કમાવવાને બદલે વાપરી જાણવાનું મન બનાવી લીધુ છે. હું હંમેશાને માટે હરિદ્વાર જાંઉ છું. ત્યાં રહી તન મન ધનથી લોકોની સેવામાં મારુ બાકીનું જીવન વ્યતિત કરવા ઇચ્છું છું. એટલે હવે તમે આજથી જ પ્રવીણને શેઠ કહેવાની ટેવ પાડી દો. પ્રવીણ એક કામ કર બેટા, મને છેલ્લી વખત તારા હાથની ચા પીવડાવી દે, આજે રાત્રે હું નીકળવાનો છું.”
“હા શેઠજી હમણા જ લાવું છું સ્પેશીયલ ચા તમારા અને આપણા બધા માટે. બધા માટે મસ્ત મસાલાવાળી ચા લાવ્યો અને બધાને મારા હાથે જ ચા આપી. ચા પીધા બાદ શેઠજીએ થોડી અગત્યની અને ગંભીર બાબતોની ચર્ચા કરી અને પછી તેઓ રવાના થયા. મે અને સાથે સાથે બધા કારીગરોએ શેઠજીને ભારે હૈયે વિદાય આપી અને બધા કારીગરોએ મને વધાઇ આપી અને ફરી પોતપોતાના કામે લાગી ગયા. હું પણ મારા કામે ચડી ગયો.” “શેઠજી તમને એક વાત કહેવી હતી.” માલાકાકા ચિંતીત મુદ્રામાં મારી સામે ઉભા હતા. “અરે કાકા, રોજ તો પ્રવીણ કહેતા અને આજે શેઠજી શબ્દ??? એ મને ન ગમ્યુ.”
“આજથી હવે આલોક શેઠ તમને આ હોટેલનો કારભાર આપી ગયા છે તો હવેથી તમને જ શેઠ કહેવા પડે ને? એટલે અત્યારથી જ મે ટેવ પાડી દીધી.” “ના, શેઠ બેઠ કાંઇ નહી. તમે મને પ્રવીણ જ કહો. તેમા એક અલગ જ મજા છે. બોલો બોલો શું કામ હતુ મારુ?” “દિકરા મારી પરિસ્થિતિની આલોકશેઠ સિવાય કોઇને ખબર નથી. તને પણ ખબર છે કે હું અહી ચા લેવા-દેવા માટે અને વાસણ માંઝવાનું જ કામ કરું છું. મને ગાઠીયા કે બીજુ ફરસાણ બનાવવાની ટેવ નથી. શેઠજીએ મારા પર અને મારા પરિવાર પર દયા ખાઇને મને અહી રાખ્યો હતો. મારા ઘરમાં હું, મારી ઘરવાળી, મારા સ્વર્ગસ્થ દિકરાની ઘરવાળી છે. એ બન્ને તો ક્યાંય કામે જઇ શકતા નથી. આખા ઘરની જવાબદારી મારા પર છે એટલે આલોકશેઠે અમારા પર દયા કરીને મને અહી કામે રાખ્યો હતો. હવે તમે મારા પર થોડી દયા રાખજો અને બની શકે તો મને કામમાંથી કાઢી ન મુકો તો તમારી ભલાઇ.” “અરે કાકા....... બેસો અહી. એક વાત કહો મને, આલોકશેઠ તમને કેટલો પગાર આપે છે?” “મહિને ચાર હજાર, દિકરા.” “ઠીક છે તો અહી નોકરી ચાલુ જ રાખવી હોય તો હું કહું એટલા પગારે નોકરીએ રહેવુ પડશે નહી તો રજા તમને.” “દિકરા, ચાર હજારનો આ પગાર અને દિકરાની વહુ સીવવાનુ કામ કરીને જે પૈસા મેળવે છે તેમાંથી માંડ ઘરનુ ચાલે છે પણ વાંધો નહી તમે કહેશો તો ઓછા પગારે પણ નોકરી કરી લઇશ, બીજુ શું?” માલાકાકાનો સ્વર રૂદનમાં ફર્યો નહી બસ એટલી જ ખામી હતી. “ઠીક છે કાકા, તો આજથી તમારો પગાર છ હજાર રહેશે. કામ કરવુ હોય તો ઠીક છે બાકી એ રહ્યો દરવાજો.” હું ખુબ ભારે સ્વરે અદબથી અને ઝડપથી બોલી ગયો. “હે....... શું કહ્યુ દિકરા? જરાક પાછો બોલ તો.” તેમની આંખમાં અજબની ખુશી તરવરી ઉઠી.
“હા કાકા હા. છ હજાર અને હજુ ઓછા લાગતા હોય તો કહેજો હજુ વધારે પગાર આપીશ તમને, પણ એક શરત કે મને બહુ મોટો ન બનાવી દો. તમારો પ્રવીણ હતો એ પ્રવીણ જ રહેવા દેજો મને.” “તારો આભાર કેમ માનું? શબ્દ નથી જડતા મને પ્રવીણ.” કહેતા તેમના બે હાથ જોડાઇ ગયા અને આંખમાંથી બોર જેવડુ આંસુ ટપકી પડ્યુ. “આભાર મારો નહી ઉપરવાળાનો માનો. હું કોઇ નથી જે તમને કાંઇ પણ આપી શકુ. આપવાવાળો તો મારો કાળીયો ઠાકર છે. તેણે જ મને આવી સદબુધ્ધી આપી અને મને નિમિત બનાવ્યો તમને મદદ કરવા માટે. મને પણ ક્યાં ખબર હતી કે શેઠજીના દિકરા સાથે આવી ઘટના બનશે અને શેઠજી બધુ છોડીને અને મને આ હોટેલ સોંપીને ચાલ્યા જશે. આવો વિચાર તો મને સ્વપ્નેય આવ્યો ન હતો. ભગવાને આપ્યુ ને આ બધુ? મારુ ક્યાં કાંઇ છે? હવે ભગવાને જે આપ્યુ તેમાંથી થોડો વધુ ભાગ હું તમને આપી દંઉ તો મારુ શું કાંઇ ઘસાઇ જવાનુ છે? તમે હૈયે ધરપત રાખજો, હું આજીવન તમને અહીથી નહી દૂર કરું. તમારા દિકરા સાથે થયુ તે કમી તો હું દૂર કરી શકુ તેમ નથી પણ હું મારી બનતી કોશિષ કરીશ કે તમારા જીવનમાં મદદરૂપ થઇ શકુ અને મારા જીવનને સાર્થક કરી શકું.” “આજે પણ તારા જેવા ભગવાનાને માનનારા લોકો છે તો મને શું ચિંતા દિકરા. હવે ક્યારેય ચિંતા નહી કરું. ભગવાન તને બહુ તરક્કી આપે દિકરા. ભગવાન કરે તારી બધી મનોકામના પુર્ણ થાય મારા લાલ. આ એક લાચાર બાપના હૈયેથી નીકળેલી દુઆ છે દિકરા જેની આંતરડી તે ઠારી છે એટલે ભગવાન તને જરૂરથી મદદ કરશે, જરૂર મદદ કરશે એ હજાર હાથવાળો.” કહેતા માલાકાકા પોતાને કામે વળગી ગયા. “કાકા, હું પણ આજે એ જ ઇચ્છા કરું કે ભગવાન તમે આપેલા આશિષ પુરા કરે. મારે બીજુ કાંઇ નથી જોઇતુ બસ મને મારી કુંજ મળી જાય એટલે બસ છે. આખી દુનિયા મને મળી જ જવાની છે.” મનોમન વાગોળ વાળતો હું કામે ચડી ગયો. “વાહ અંકલ, તમને તો લોટરી લાગી ગઇ. આવડી મોટી હોટેલ આલોકદાદા તમારે નામ કરી ગયા. આ એ જ હોટેલ છે કે જ્યાં આજે કોફીહાઉસ છે?” પાર્થે પુછ્યુ. “હા દિકરા, આ એ જ હોટેલ છે. આલોકશેઠે મને એ હોટેલ આપી ત્યારથી મારો સિતારો ચમક્યો દિકરા. ચાર પાંચ વર્ષ તો એ જ હોટેલમાં તનતોડ મહેનત કરી ખુબ જ પૈસા કમાઇ લીધા અને ઉપરની અગાશી કે જે મારા નામે ન હતી તે મે તેના માલીકને તેને માંગ્યા ભાવ આપી ખરીદી લીધી અને ત્યાં મારુ નાનુ ઘર બનાવી ત્યાં રહેવા આવી ગયો.” “વાહ પ્રવીણ્યા, તારી લોકલ ગાડી તો સુપર એક્સપ્રેસની જેમ દોડી ઉઠી. પછી ત્યારથી જ પૈસા કમાવવા પાછળ જ પડી ગયો બરોબર ને??? કુંજ તો ભુલાઇ ગઇ બરોબર ને?” પ્રતાપદાદા પુછી બેઠા. “ના કાકા એવું તે કાંઇ જ નથી કે મારા મન પૈસા કમાવવા એ જ પ્રાથમિકતા ન હતી પણ મારો કાળીયો ઠાકર બહુ નખરાળૉ છે, નાનપણમાં તેણે ગોપીઓને બહુ હેરાન કરી હતી તેમ અહી તે મારી પાછળ પડ્યો હતો. મને હેરાન કરીને, મારી સાથે પજવણી કરીને તેને મજા આવતી હશે તેમ મે પ્રયત્ન કર્યા હતા કે કુંજને શોધીને તેને મારા દિલની વાત કરુ પણ તે ઠાકોરે મને કુંજ સુધી પહોચવા જ ન દીધો, સાયદ આ બધી લીલામાં પણ તેની કાંઇ અકળ ઇચ્છા છુપી હશે તેમ માનીને જ જીવનના એક એક પળને ઓછા કરી રહ્યો છું. હવે તો એવુ લાગે છે કે આ ભવ તો મને કુંજ મળે કે ન........................” વાક્ય અધુરૂ રહી ગયુ પણ ભાવનાઓ બધુ કહી ગઇ. તેને છુપાવવા છતા પણ તે છુપી રહી ન શકી અને અનુભવી આંખો બસ મૂક નજરે તેને જોતી રહી, બસ જોતી જ રહી ગઇ.
To be continued……………………..
મિત્રો આપના મેસેજ અને રિવ્યુ એ વાત સાબિત કરે છે કે કોફીહાઉસ તમે ખુબ જ પસંદ કરી રહ્યા છો, એ બદલ આપનો ખુબ ખુબ આભાર. હવેથી મારી “કોફીહાઉસ” વીકલી નહી દર પંદર દિવસે આવશે. આપ સૌ મારી સ્ટોરી આ જ રીતે વાંચતા રહો અને આપના પ્રતિભાવ મને મારા ફોન નંબર (૮૦૦૦૦૨૧૬૪૦) અથવા મેઇલ આઇ.ડી. (gokanirupesh73@gmail.com) પર આપો એવી આશા સાથે પંદર દિવસ બાદ કોફીનો નવો સ્વાદ લેવા માટે મળીએ. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.........