P.O.Box No. 504 in Gujarati Short Stories by Shraddha Bhatt books and stories PDF | પી.ઓ.બોક્ષ નં. 504

Featured Books
Categories
Share

પી.ઓ.બોક્ષ નં. 504

પી.ઓ.બોક્ષ નં. 504

ભાગ 1

“મોમ, ઇટ્સ માય બર્થ ડે!! લેટ મી એન્જોય ઈટ એઝ આઈ વિશ.” નીહિતા ગુસ્સામાં બોલતી હતી.

“બેટા, મને ખબર છે કે કાલે તારો જન્મદિવસ છે. મેં એટલે જ તો આટલી તૈયારીઓ કરી રાખી છે. સવારનાં પશુપતિનાથના મંદિરે દર્શન કરીને પછી આખો દિવસ માં-દીકરી બજારમાં ફરીશું. તારી પસંદની બધી જ વસ્તુની ખરીદી કરવાની છૂટ છે તને. તારી ફેવરીટ રેસ્ટોરન્ટમાં લંચ અને પછી ત્યાંથી મુવી. સાંજે તારા ફ્રેન્ડ્સને ઘેર બોલાવીને ધમાચકડી મચાવજો. મોડી રાત સુધી એયને મસ્તી કર્યાં કરજો. બરાબર ને?” તન્વી ખુશીથી બોલતી જતી હતી.

“મોમ, તું સમજતી કેમ નથી? મારે મારો બર્થડે મારા ફ્રેન્ડ્સ સાથે સેલીબ્રેટ કરવો છે, તારી સાથે નહિ!!” નીહિતાને હતું કે એની મોમને આ નહિ ગમે, પણ એ લાચાર હતી. છેલ્લા દસ દિવસથી એ સમજાવતી હતી એને પણ મોમ સમજતી જ નહોતી, કે પછી ન સમજવાનું નાટક કરતી હતી!!

તન્વીને આ વાત અંદર સુધી દુખી કરી ગઈ. નીહિતા માટે શું નહોતું કર્યું એણે. એકલે હાથે એનો ઉછેર કર્યો હતો પણ ક્યારેય પોતાની તકલીફોની એને ખબર પણ પડવા નહોતી દીધી. અને આજે?? એ કહી રહી હતી કે એને એની માંની જરૂર નથી!! તન્વીને થયું, અત્યારે વાત કરવાથી વાત વણસી જશે. એ કંઈ જ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. નીહિતાને પણ લાગ્યું કે એણે સાવ આવું નહોતું કહેવું જોઈતું. પણ એને ખબર હતી એની મોમ વધારે સમય એનાથી નારાજ નહિ રહી શકે.

“શું હું વધારે પડતી કડક થઇ રહી છું નીહિતા સાથે?” તન્વી મનોમન પૂછી રહી. ‘નીહિતા આવતી કાલે સોળ વર્ષની થશે. કદાચ, એ વાત એના માટે બહુ મહત્વની હોઈ શકે. એ પોતાની રીતે, પોતાની મરજીથી એનો જન્મદિવસ મનાવવા માંગતી હોય તો એમાં ખોટું શું છે? ’

“અરે પણ, એમ કંઈ એને એકલી થોડી જવા દેવાય? એના ફ્રેન્ડ્સમાં તો છોકરાઓ પણ છે. ગમે તમે તોય હજી તો નાદાન જ કહેવાય. કંઈ ઊંચ-નીચ થઇ ગઈ તો?” તન્વીના માતૃ મને તરત જ આશંકા ઉભી કરી.

“ એ તારી દીકરી છે, તન્વી. એટલો તો ભરોસો રાખ કે એ કોઈ આડું-અવળું કામ નહિ કરે.” તન્વીનું દિલ નિહીતાને આઝાદી આપવાની તરફેણમાં હતું, જયારે એનું મન માં સહજ ચિંતાથી વ્યાકુળ થઇ રહ્યું હતું. ઘણા મનોમંથનને અંતે આખરે તન્વીએ નીહિતાને જવા દેવાનું નક્કી કર્યું.

***************

“મોમ, લેટ મી ગો. મોડું થઇ જશે તો પાછા વળતા પણ મોડી આવીશ હો!” નીહિતા બહુ જ ખૂશ હતી. પોતનો ‘સિક્સટીન બર્થડે’ એ પોતાની રીતે, પોતાના ફ્રેન્ડ સાથે સેલીબ્રેટ કરવાની હતી. ‘મોમ, યુ આર ધ બેસ્ટ મોમ ઇન ધીસ વર્લ્ડ.’ આવું એ તન્વીને સવારથી કેટલીય વાર કહી ચૂકી હતી!! હજી સવારે જ ખરીદેલું વ્હાઈટ અને પિંક કલરનું ફલોરલ પ્રિન્ટવાળું ફ્રોક પહેરીને નીહિતા જવા માટે તૈયાર થઇ ગઈ. તન્વી પણ એની ખુશીમાં ખુશ હતી. પણ જેમ જેમ સાંજ નજીક આવતી ગઈ એની ચિંતા વધતી ગઈ. દર બે મીનીટે એ કોઈ ને કોઈ નવી સુચના નીહિતાને આપ્યા કરતી હતી. ‘ જો બેટા, સાચવીને ચલાવજે. બહુ મોડું નહિ કરતી. અજાણ્યા લોકો સાથે વાત નહિ કરતી. અને હા, વહેલી આવી જજે. હું રાહ જોઇશ તારી....’ નીહિતા એની સૂચનાઓ સાંભળી ન સાંભળી કરી ઝડપથી ત્યાંથી ઉડન છૂ થઇ ગઈ.

ઉમરનાં જે પડાવમાંથી નીહિતા પસાર થઇ રહી હતી એની મજા જ આઝાદીમાં હોય છે. બાળપણ ક્યારે ચુપકીદીથી સરકી જાય અને મુગ્ધાવસ્થા ક્યારે પગપેસારો કરે એની ખબર પડતી જ નથી હોતી!! આમ જુઓ તો ઉમરનો દરેક પડાવ પોતાની સાથે એક અનુઠી અનુભૂતિ લઈને આવતો હોય છે. એમાય આ તો ‘સ્વીટ સિક્સટીન’!! મનમાની કરવાની ઈચ્છાઓ પ્રબળ બનતી જતી હોય, વડીલોની રોજ રોજની ટોક ટોક આંખના કણાની જેમ ખૂંચતી હોય, પળે પળે પોતાની આઝાદી છીનવાઈ રહી હોય એવો આભાસ થતો હોય... આ બધી મથામણમાં સૌથી અકળાવનારી બાબત હોય : વિજાતીય આકર્ષણની લાગણી. કૈક ન સમજાય એવી ઈચ્છાઓ મન પર હાવી થતી હોય ત્યારે મનને કાબૂમાં રાખવું ખૂબ અઘરું પડતું હોય છે. આવે વખતે માંનો પોતાના સંતાનોમાં મુકેલો વિશ્વાસ પાયાનું કામ કરે છે. તન્વીએ પણ એ જ કર્યું હતું.

***********

‘ફરી પાછો એ જ ટ્રાફિક!!’ તનય મનોમન બબડ્યો. રોજ સાંજે આ સમયે એ અહીંથી પસાર થતો જ હતો, એટલે આ ટ્રાફિકથી એ પરિચિત જ હતો. છતાં, આજનો આ ટ્રાફિક એને અકળાવી ગયો. આજનો દિવસ જ એટલો ખાસ હતો ને!! ખૂબ નાજુકાઈથી એણે ડેશબોર્ડ પર પડેલી ફાઈલ હાથમાં લીધી. લાલ કલરની ફાઈલ પર ‘અંગત’ લખેલું હતું. ફાઈલ હાથમાં આવતાં વેંત ચુમ્માલીસ વર્ષનો તનય ફરી પાછો પચ્ચીસ વર્ષનો નવજવાન બની ગયો હોય એમ એના રોમ રોમમાં ઉત્તેજના વ્યાપી ગઈ. આજના દિવસની એક એક સેકંડ તનય માટે અણમોલ હતી. ફાઈલ પાછી જગ્યાએ મુકીને એણે બહાર નજર કરી. બહાર ખડકાયેલા વાહનો જોઇને ફરી પાછો એ ઉતાવળો થઇ ગયો. આજનો ટ્રાફિક જામ કોઈ વી.આઈ.પી.નાં આગમનને આભારી હતો. એના કાફલાને રસ્તો કરી દેવા માટે આખાય રસ્તાને ગ્રીન દોરડાઓથી કવર કરી દીધો હતો.

છેવટે બાકીના બધાં વાહનોની અવરજવર ચાલુ થઇ અને તનયને હાશકારો થયો. હજી તો એ કાર આગળ લેવા જાય ત્યાં જ એની આગળથી વ્હાઈટ કલરનું ફ્રોક પહેરેલી એક છોકરી પૂરપાટ વેગે એકટીવા લઈને નીકળી ગઈ. ‘આ યંગ જનરેશનથી તો તોબા!!’ મનોમન બબડીને એણે માથું ધુણાવ્યુ.

“અરે અરે સંભાળીને....” કારની બહારનું દ્રશ્ય જોઇને તનયથી બૂમ પડાઈ ગઈ. થોડી ક્ષણો પહેલા જે છોકરી એકટીવામાં પોતાને ઓવરટેક કરીને ગઈ એનાં પાછળના વ્હીલમાં જાડો લીલો દોરડો વીંટળાઈ ગયો હતો. એ ઝડપથી કારને સાઈડમાં લેવા ગયો ત્યાંતો એને જેનો ડર હતો એ જ થયું. સ્પીડને લીધે એ છોકરીથી એકટીવા કંટ્રોલ ન થયું અને ધડામ દઈને એ છોકરી માથાભેર રસ્તા પર પડી. તનય જલ્દીથી કાર પાર્ક કરીને ત્યાં પહોંચ્યો. ત્યાનું દ્રશ્ય જોઇને એને ફાળ પડી. છોકરીના માથાની આજુબાજુ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આસપાસના લોકો પોતપોતાની રીતે સલાહો આપ્યે જતાં હતા, પણ કોઈ આગળ વધીને એને હોસ્પિટલ લઇ જવા તૈયાર નહોતું થતું. એમ્બ્યુલન્સને ફોન કરવા જેટલી રાહ જોવાય એવું એ છોકરીની હાલત જોતાં લાગતું નહોતું. એક સેકંડ માટે તનયના મનમાં પેલી ફાઈલનો વિચાર આવ્યો... ‘આ છોકરીની લાઈફ એના કરતા વધુ જરૂરી છે.’ તનયે તરત જ નિર્ણય કરી લીધો. બીજી જ સેકન્ડે એની કાર હોસ્પિટલનાં રસ્તે દોડી રહી હતી.

*********************

ડાઈનીંગ ટેબલ પર બેઠેલી તન્વી નીહિતા વિષે જ વિચારતી હતી. આજે પહેલી વાર એવું બન્યું હતું કે નીહિતા એના બર્થડે પર ઘેર નહોતી. બાકી તો અત્યારે બંને માં દીકરીઓ ધમાલ કરતી હોય!! ઢગલાબંધ લોકોથી આખું ઘર ભરાઈ ગયું હોય. નીહિતાની પસંદની બધી જ વાનગીઓ તન્વીએ બનાવી રાખી હોય. આજનો દિવસ શ્રેષ્ઠ રીતે પસાર થાય એનો તન્વી હંમેશા ખ્યાલ રાખતી.

‘હશે! એનો જન્મદિવસ એની રીતે ઉજવશે તો એ જ ખુશ રહેશે. અને એની ખુશી એજ મારી ખુશી!!’ તન્વીએ મનને મનાવ્યું.

“પહોંચનો એક ફોન પણ નથી કરતી આ છોકરી!! હું જ ફોન ફરીને પૂછી લઉં.” કહેતી તન્વી અંદરના રૂમમાં ફોન લેવા ગઈ. એના બેડ પર સવારે જ નીહિતા એ ખરીદાવેલું ટોપ અને લેગીન્ગ્સ રાખેલા હતા. સાથે એની મેચીંગ એસ્સેસરીસ પણ હતી. બાજુમાં સુંદર અક્ષરે લખેલું હતું, “હેપ્પી બર્થડે ટૂ માય લવલી મોમ.” તન્વી તો માની જ ન શકી. ‘નીહિતાને યાદ હતું કે આજે મારો પણ જન્મદિવસ છે!!’ એ ખુશીની મારી રડી પડી.

“ મોમ,

મારી રાહમાં ઘરે બેસી ન રહેતી. તારો ડ્રેસ તૈયાર જ રાખ્યો છે. તૈયાર થા અને બહાર જા. કોઈ મોલમાં ફરી આવ. ઇટ્સ યોર બર્થડે!! એન્જોય!!

તારી જીદ્દી ચકુડી”

‘મારી ચકુડી મોટી થઇ ગઈ છે હવે. થેંક યુ સો મચ બેટા.’ નીહિતા માટેની થોડી ઘણી ફરિયાદો પળવારમાં ઓગળી ગઈ. એ ખુશ થઈને તૈયાર થવા લાગી. ત્યાં જ એને યાદ કૈક યાદ આવ્યું અને એણે કબાટમાંથી એક ફાઈલ કાઢી. ‘પી.ઓ.બોક્ષ નં. 504’ લખેલી એ ફાઈલ ખાસ્સી દળદાર હતી. પળવાર એણે એ ફાઈલને જોયા કરી પણ પછી કઈ નક્કી ન કરી શકતી હોય એમ ત્યાં જ બેસી ગઈ. થોડી ક્ષણો એમ જ પસાર થઇ ગઈ.

‘શું કરું? જાઉં કે નહિ?’ કદાચ પંદરમી વાર તન્વીએ પોતાને આ પ્રશ્ન પૂછ્યો હશે!!

‘મળશો તો ગમશે એટલું જ લખ્યું હતું ને!! કંઈ વાયદો તો કર્યો નથી કે જવું જ પડે!!’

‘પણ એક વાર મળી લેવામાં વાંધો પણ શું છે? છેલ્લા એક વર્ષથી એની સાથે પત્ર દ્વારા વાતચીત કરે છે તો મળી આવ ને.’

તન્વી મનોમન પોતાની સાથે વાદ વિવાદ કરતી અસમંજસમાં બેઠી હતી. આમ તો આ પત્રની આપલેની શરૂઆત થઇ હતી એક નાના એવા પ્રશંસા પત્રથી. લગભગ એકાદ વર્ષ થવા આવ્યું એને. નીહિતાનાં જન્મ પછી તરત જ તન્વીએ આજીવિકા તરીકે પોતાની લેખન કળાનો આશરો લીધો હતો, અને એ એમાં સફળ પણ થઇ હતી. પોતાની અંગત જિંદગી બધાં સામે ખૂલી ન પડી જાય, બસ એ એક જ કારણથી એણે ક્યારેય પોતાની અસલી ઓળખ લોકો સામે પ્રગટ નહોતી કરી. એણે ‘અનુપ્રિયા’ નામથી લખવાનું શરુ કર્યું હતું. અત્યાર સુધીમાં એની પંદર નવલકથાઓ, અસંખ્ય લેખો, ટૂંકી વાર્તાઓ છપાઈ ચૂક્યા હતા. સાહિત્ય જગતમાં એની ગણના એક વિખ્યાત લેખિકા તરીકેની હતી. પરંતુ તન્વી એ બધી જ પ્રસિદ્ધિને પોતાની અને નીહિતાની વચ્ચે આવવા દેવા માંગતી નહોતી.

ખરું જુઓ તો એની પાછળનું એક જ કારણ હતું; કોઈ ચોક્કસ વ્યક્તિથી પોતાની ઓળખ છૂપી રાખવી. તન્વી પોતાનો ભૂતકાળ સાવ ભૂલી જ જવા માંગતી હતી. નીહિતાનાં જન્મ પછી તન્વીની દુનિયા જાણે એના પૂરતી જ સીમિત રહી ગઈ હતી. નીહિતા સિવાયની કોઈ બીજી વ્યક્તિનું જાણે અસ્તિત્વ જ નહોતું એના માટે. નીહિતાને પણ ખબર નહોતી કે એની મોમ આટલી મોટી લેખિકા છે. એને તો એટલી જ ખબર હતી કે એની મોમ કોઈ નાના એવા અખબાર માટે એડીટીંગનું કામ કરે છે.

છેલ્લા બે વર્ષથી એણે પોતાની પબ્લીશીંગ કંપનીનાં ઘણા આગ્રહ બાદ એક પોસ્ટ બોક્ષ નંબર રજીસ્ટર કરાવ્યો હતો, કે જેના દ્વારા વાચકો પોતાના પ્રતિભાવો એના સુધી પહોચાડી શકે. વાચકોના પત્રો પણ એ કંપની જ હેન્ડલ કરતી અને એને અનુસાર જવાબો પણ આપતી. બધું જ બરાબર ચાલતું હતું એમાં એક દિવસ એને એક વાચકનો પ્રશંસા પત્ર મળ્યો. કંપનીના કોઈ નવા એમ્પ્લોયીની ભૂલને લીધે એ પત્ર તન્વીના ઘેર પહોચી ગયો હતો.

“અનુપ્રિયા જી,

તમારું લખાણ વાંચ્યું. વાચકોના મન સુધી પહોચીને કઈ રીતે એની લાગણીઓને વાચા આપવી એ આપ ખૂબ જાણો છો. આવી જ રીતે સામાન્ય માનવીના મનને વ્યક્ત કરતા રહો એવી શુભેચ્છા.”

આપના લખાણોનો ચાહક.”

વખાણ કોને ન ગમે? ગમે તેવી નિસ્પૃહ વ્યક્તિ પણ પ્રશંસાનાં બે બોલ સાંભળીને ખુશ થયા વિના ન રહે. તન્વીને પણ આ પ્રશંસા પત્ર વાંચીને એક સંતોષ અને આનંદની લાગણી થઇ આવી. બસ, એ જ લાગણીથી પ્રેરાઈને એણે આ પત્રનો જવાબ લખીને મોકલ્યો હતો. બસ, એ પછી તો આ ક્રમ ચાલતો જ રહ્યો. ધીરે ધીરે ‘વાચક’ અને ‘લેખક’ – આવા ભેદ મટી ગયા અને બંને એકબીજા વિષે પૂછતા થઇ ગયા. ક્યારેક ‘સરસ્વતીચંદ્ર’ પર બંને એકબીજાના મંતવ્યો રજૂ કરતા, તો ક્યારેક કોઈ નવી મૂવી વિષે વાત થતી. તન્વી હવે કાગડોળે એના પત્રની રાહ જોવા લાગી હતી. કોઈ જ અપેક્ષા વગરનો એક એવો સંબંધ વિકસી રહ્યો હતો જે તન્વીને એની પોતાની એકલતામાંથી બહાર લાવી રહ્યો હતો. જોકે એ વ્યક્તિએ અત્યાર સુધી પોતાનું નામ સુદ્ધાં કહ્યું નહોતું, અને તન્વીને એ જાણવાની દરકાર પણ નહોતી. પોતાનો સાહિત્યિક રસ વહેંચવા માટે કોઈ પાત્ર મળ્યું છે એ વાતનો તન્વીને અનહદ સંતોષ હતો.

“અનુપ્રિયા

આપની સાથે શબ્દ દેહે લગભગ દર પંદર દિવસે મુલાકાત થાય છે. મારું મન કહે છે કે આ મુલાકાતને આગળ વધારીએ તો? આટલા સમય પછી આપણે એક બીજાને બહુ સારી રીતે ઓળખતા થઇ ગયા છીએ. તમને મળવાની ઈચ્છા છેલ્લા ઘણા સમયથી થયા કરે છે, પણ કહી શકાતું નહોતું. આજે હિંમત કરીને પૂછી લઉં છું. મને મળવા આવી શકશો? એક મિત્ર તરીકેની વિંનતી છે હઠાગ્રહ નહિ. જો આવશો તો ખૂબ ગમશે.સમય અને સ્થળ પણ મેં નક્કી જ કરી રાખ્યું છે. 14 ફેબ્રુઆરી, સાંજે 6.00 વાગે, કાફે કોફી ડે, ઇન ઓર્બીટ મોલ.

તા.ક. મળવા આવો ત્યારે મારા પત્રો સાથે લઇ આવવા ભૂલશો નહિ. આપણે એના થકી તો એકબીજાને ઓળખી શકીશું.

આતુરતાથી રાહ જોઈ રહેલ તમારો મિત્ર.”

તન્વીએ આ છેલ્લા પત્રનો જવાબ આપ્યો નહોતો. અત્યારે પણ એણે સાચવીને એ પત્ર પાછો ફાઈલમાં મૂકી દીધો અને નીહિતાએ કાઢી રાખેલો ડ્રેસ પહેરીને એ બહાર જવા નીકળી.

***************************************************************

તન્વીની એ અજનબી મિત્ર સાથેની મુલાકાત કેવી રહેશે? તનય નીહિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકશે? શું થશે તન્વીની વાર્તામાં આગળ..... જાણવા વાંચો પી.ઓ.બોક્ષ નં. 504 ભાગ – ૨

અને હા.... તમારા અભિપ્રાયો દેવાનું ચૂકશો નહિ.

આભારવશ.

શ્રદ્ધા ભટ્ટ