जो सुख मे सुमिरन करै..
******************************
મહાભારતમાં કહ્યું છે – ‘सर्व सुखमिप्सितम’ અર્થાત, સહુને સુખની કામના હોય છે ! મનુષ્ય હોય કે પશુ, પક્ષી, પ્રાણી માત્રની આ જીવાત્મક વૃત્તિ છે. અલબત્ત, થોડાક આધ્યાત્મિક પુરૂષ એવાં પણ હોય છે કે જેઓ દુઃખની કામના કરે છે. શ્રીમદ ભાગવતમાં કુંતીએ ભગવાનથી દુઃખ માંગ્યું’તું. કબીરદાસજી પણ દુઃખની આરાધના કરતાં કહે છે –
सुख के माथे सिल पड़े, नाम ह्रदय से जाय..
बलिहारी वा दुःख की, पल-पल नाम रटाय !
ગુરૂદેવ રવીન્દ્રનાથ ઠાકુરએ પણ કદાચ આવા જ આધ્યાત્મિક ભાવથી લખ્યું છે - ‘आरो वेदना – आरो वेदना, दाओ प्रभु मोरे आरू चेतना’ સુખના કારણે માણસ ભગવાનને ભૂલીને અહંકાર લિપ્ત થઇ પાપકર્મમાં પ્રવૃત્ત થાય છે. દુઃખમાં આપણે થાકી હારીને નાછૂટકે પણ ભગવાનને યાદ કરીએ છીએ -
दुःख में सुमिरन सब करै, सुख में करै ना कोय,
जो सुख में सुमिरन करै, तो दुःख काहे को होय!
ચાર્વાક મુનિએ સુખની ભૌતિક વ્યાખ્યા આપતાં કહ્યું છે – ‘કંજૂસ માણસ પૈસા બચાવવા ખાતર ભૂખ્યો રહીને કષ્ટ સહે છે છતાં તેને એ કાયા-કલેશમાં પણ સુખ મળે છે !’ તેમ જ કદાચ પોતાના શરીરને કષ્ટ પહોંચાડીને આત્મહત્યા કરનારને જીવનથી વધુ સુખ મૃત્યુમાં મળતું હશે !?!
સુકરાત જેવા અલમસ્ત ફકીરને કોકે પૂછ્યું કે તમારી સદાબહાર ખુશીનું રહસ્ય શું ? સુકારાતનો જવાબ હતો – ‘આપણે કેટલી ચીજ વગર રહી શકીએ છીએ.’ કોઈ પણ જાતના મદ, મહેલ, માલ, મિલકત કે રૂપ વગર પણ સુકરાત પ્રસન્ન રહેતો હતો. અસલમાં આપણે ધન-ધાન્ય, ભૌતિક સગવડોને જ સુખનું માપદંડ બનાવી લીધું છે.
આપણી આવી આ મિથ્યા માન્યતાનું નિરાકરણ કરવા માટે જ જાણે નચિકેતાએ યમરાજ દ્વારા દેવામાં આવતાં સંપૂર્ણ ભૌતિક પ્રલોભનોનો અસ્વીકાર કરતાં માત્ર મૃત્યુના રહસ્યનું જ્ઞાન દેવાની જ પ્રાર્થના કરતાં કહ્યું હતું – ‘न वित्तेन तर्पणीये मनुष्यो !’
સંપત્તિથી સુખ નથી મળતું. સંપત્તિ સુખના સાધનો ખરીદી શકે છે – સુખ નહીં. સુંવાળા ગાદી, તકિયા, પલંગ, ખરીદી શકે છે – ઊંઘ નહીં. બત્રીસ જાતના પકવાન ખરીદી શકે છે – ભૂખ નહીં. તેમાંય પાછું સંપત્તિની ભૂખની તો કોઈ સીમા જ હોતી નથી. જેટલીય મળી રહે તેના પછી પણ એક તૃષ્ણા રહે છે – ‘तृष्णाना जीर्णावयमेव जीर्णः !’
કંચન, કામિની, કીર્તિથી સુખ મળી રહેત તો રાજકુમાર સિદ્ધાર્થ કે યુવરાજ વર્ધમાન પાસે આમાંનું શું નહોતું ? છતાં તેઓ કંઇક વિશેષ સુખની શોધમાં ‘મહાભિનિષ્ક્રમણ’ કરીને નીકળી પડ્યા અને અનુક્રમે ‘બુદ્ધ’ તેમ જ ‘મહાવીર’ બન્યાં. આપણે નચિકેતા, બુદ્ધ કે મહાવીર ના બની શકીએ પરંતુ સુકારાતની વાત યાદ રાખીએ કે જીવવા માટે જરૂરિયાતની વસ્તુઓને આપણે કેટલી હદે ઓછી કરી શકીએ છીએ ?
આઇન્સ્ટાઇન એક જ સાબુથી નહાતો, દાઢી છોલતો અને તેનાથી જ રૂમાલ વિગેરે પણ ધોઈ કાઢતો. કારણ કે, તેનું માનવું હતું – ‘વધારે વસ્તુઓ રાખવા અને વાપરવાથી મુશ્કેલીઓ વધે છે. અને, કામ તો આનાથી પણ થઇ જ જાય છે !’ સત્ય છે કે, જીવન શૈલી જેટલી સરળ હોય, જેટલી ઓછી વસ્તુઓના આપણે ગુલામ થઇ શકીએ, એમાં જ સાચો આનંદ છે.
સુખ પ્રાપ્તિનો એક ઓર ઉપાય છે કે આપણે સુખ અને દુઃખમાં સંતુલન જાળવતા શીખીએ. ઘણુંખરું આપણે સુખમાં છકી જઈએ છીએ અને જરા સરખાં અમથા દુઃખથી છળી પડીએ છીએ. વાસ્તવમાં સુખ દુઃખ તો જાણે મા-જણ્યા સહોદર ભાઈઓ છે. દિવસ રાતની જેમ તેનો ક્રમ ચાલતો રહે છે. હિન્દી કાવ્ય જગતમાં છાયાવાદ યુગના મહાન કવિયત્રી મહાદેવી વર્મા આ વાતને અત્યંત સુંદર રીતે રજુ કરે છે –
यह साँझ-उषा की लाली, आलिंगन विरह-मिलन का,
चिर हास – अश्रुमय आनन रे.. इस जीवन का !
આપણે સુખ દુઃખની સ્વાભાવિક પ્રતિક્રિયાથી જેટલાં દૂર જશું એટલા જ વધારે આનંદિત થઇ શકશું. આ સ્થિતિને યોગેશ્વર શ્રીકૃષ્ણએ ‘સ્થિતિ-પ્રજ્ઞતા’ કહી છે. આપણાં હાથમાં માત્ર આપણું કર્તવ્ય છે. જેનું પાલન આપણે પૂર્ણ નિષ્ઠાથી કરતાં રહીએ. ફળની પ્રાપ્તિ આપણાં વશની વાત નથી તો પછી એની ચિંતા જ શાને કરવી ? || कर्मण्ये वाधिकारस्ते मा फलेषु कदाचन ||
વાસ્તવમાં મનુષ્ય ફળની આસક્તિ અને તેના મોહના કારણે જ દુઃખી થાય છે. ઇશાવાસ્ય ઉપનિષદમાં પણ ગીતાની જેમ કર્મનો ત્યાગ નહીં પણ ફળની કામના ત્યાગવા માટે કહેવાયું છે.
જ્ઞાન, ભક્તિ અને કર્મ પછી ધ્યાન અને યોગનો માર્ગ કહેવામાં આવ્યો છે. ધ્યાન તથા યોગ પ્રક્રિયાનું ચરમ બિંદુ સમાધિ છે. સાચી સમાધિ લાગી જાય તો પછી સુખ અને દુઃખ બંને અનુભૂતિઓ તિરોહિત થઇ જાય છે. કબીરદાસજીએ કહ્યું છે – ‘साधो, सहज समाधि भली !’
આજના તનાવયુક્ત જીવનમાં આવી સ્થિતિપ્રજ્ઞતાની સાધના બહુ જરૂરી છે. આજે સામાજિક, રાજનૈતિક, આર્થિક અને ધાર્મિક જગતમાં સર્વત્ર તાણ જ તાણ છે. આમાં જ જીવવું છે તો આપણે તનાવથી મુક્ત રહીને સુખ-દુઃખથી અપ્રભાવિત રહેવાનો અભ્યાસ કરતાં રહેવું પડશે. નહિતર રક્તચાપ, મધુમેહ, માનસિક અસંતુલન, વિક્ષિપ્તતા, હૃદયરોગ જેવી આધિ, વ્યાધિ અને ઉપાધિઓમાં વધારો થશે.
ટૂંકમાં સુખની પ્રાપ્તિ માટે માનસિક શાંતિ બહુ જરૂરી છે. ગીતામાં શ્રીભગવાનએ કહ્યું છે – ‘अशान्तस्य कुतः सुखं ?’ આ સંસાર અને જીવન દ્વંદાત્મક છે. સુખ-દુઃખ, નિંદા-સ્તુતિ, જય-પરાજય, લાભ-હાનિ, જીવન-મૃત્યુ, સંયોગ-વિયોગ.. આ આખી સૃષ્ટિ જ દ્વંદાત્મક છે.
સુખ-ચેનની શોધમાં, સાચું સુખ અને મિથ્યા સુખને પારખવામાં, આપણો વિવેક થાપ ખાઈ જાય છે. પ્રેમ અને ક્ષેમમાં અંતર હોય છે. ભગવાન ગૌતમ બુદ્ધે ‘ધમ્મપદ’ના પ્રવચનમાં સ્પષ્ટ રૂપે ‘વિયવગ્ગો અને સિયવગ્ગો’ એવાં બે અધ્યાયમાં પ્રેમ અને ક્ષેમનું અંતર સમજાવ્યું છે. પ્રેમ સાંસારિક સુખને કહેવાય છે, જે ક્ષણિક હોય છે. તેની તૃપ્તિ થતી નથી. ભોગથી ભોગ-લિપ્સા શાંત થતી નથી, ઓર વધે છે. વૈભવ, વિલાસ, સંપત્તિ કે ઐશ્વર્યની તૃષ્ણાની કોઈ સીમા હોતી નથી.
એટલે જ મહાપુરૂષોએ કહ્યું છે કે સુખની પ્રાપ્તિ ખાતર નૈતિકતા ભર્યું જીવન આચરણ જરૂરી છે. આનાથી વિપરિત કેટલાંક લોકોનું માનવું છે કે અનૈતિક વ્યક્તિ સાંસારિક રૂપે વધુ સમૃદ્ધ અને સફળ દેખાય છે. જ્યારે કે નીતિવાન વ્યક્તિને વધુ યાતનાઓ ભોગવવી પડે છે. સત્યનિષ્ઠ રાજા હરિશ્ચંદ્ર અને સુકરાત, અહિંસાના પૂજારી મહાવીર, મસીહ, મન્સૂર કે મોહનદાસ.. જે પણ હોય, તેમને કેવાં કેવાં કષ્ટો વેઠવા નથી પડયાં ? પણ અહીં અસલ મુદ્દો એ છે કે કર્તવ્ય-ભાવ અને ધર્મ-ભાવથી જે દુઃખ સહેવું પડે છે, તેમાં એક અજબ આત્મસંતોષ અને આત્મસુખ હોય છે. તાત્કાલિક દૃષ્ટિએ ભલે તેમના જીવન દુઃખમય દેખાતાં હોય પણ અંતતોગત્વા વૈશ્વિક દૃષ્ટિએ તેમનો વિજય થાય છે. પ્રહલાદ, ધ્રુવ, શ્રીરામ કે પાંડવ વિગેરે જ સફળ અને વિજયી થાય છે. શાંતિ, સૌહાર્દ અને પ્રેમ માનવના સાહજિક ગુણો છે.
જીવનને વધુ ને વધુ સુખમય બનાવવા માટે આપણે ત્યાં એક વહેવારિક જીવન વિધાન આપવામાં આવ્યું છે. જેને આપણે ‘ચતુર્પુરૂષાર્થ’ (ચાર પ્રકારનું પુરૂષાર્થ) ના નામે જાણીએ છીએ. આ વિધાનમાં અર્થ કે કામની ઉપેક્ષા નથી કરવામાં આવી. અર્થ અને કામ પણ સમાન રૂપે વાંછનીય છે.
વાસ્તવમાં માણસ એકાંગી નથી રહી શકતો. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન નૈસર્ગિક ક્રિયાઓ છે. એમનું વિવેક ભર્યું પરિ-સીમન થવું જોઈએ. આ સમગ્ર ક્રિયાઓ થકી નિર્મિત જીવન શૈલીમાં એમનું સંયમિત સંતુલન જળવાય તો સુખ જ સુખ સર્જાય છે. જ્યારે કે તેના અતિરેકથી દુઃખની નિષ્પત્તિ થાય છે. આથી કહી શકાય કે જીવનમાં સુખ પ્રગટાવવું કે પછી દુઃખ, તેનાં જવાબદાર આપણે પોતે જ હોઈએ છીએ.
તેમ છતાં આપણાં સૌની માતૃ-સંસ્થા જેવી પ્રકૃતિએ એવી સ્વયંસંચાલિત વ્યવસ્થા કરી છે કે સતત સુખ પછી સ્વમેવ દુઃખ આવી જાય છે. અને, નિરંતરના દુઃખ પછી આપમેળે સુખ ઉદ્ભવે છે. સુખ અને દુખના પરિવર્તનનો આ ક્રમ ચક્રવત અનવરત ચાલ્યા કરે છે. || चक्रवत परिवर्तन्ते.. सुखानि च – दुःखानि च ||
~~~ કુમાર જિનેશ શાહ ~~~