Anhad prem.. in Gujarati Love Stories by Abhishek Parmar books and stories PDF | અનહદ પ્રેમ...

Featured Books
Categories
Share

અનહદ પ્રેમ...

અનહદ પ્રેમ...

પ્રેમ-જગત આપણાં જગતથી અંતર રાખીને વસેલું છે. એમાં નિયમો ભિન્ન હોય છે, જીવવાની શૈલી ભિન્ન,સંબંધો ભિન્ન અને પરિણામો પણ ભિન્ન હોય છે.

તેમાં પણ પહેલો પ્રેમ એટલે બાળપણમાં પહેલી વખત બારાખડી શીખવા જેવું. અને એ બારાખડીમાંથી બનાવેલું એક માત્ર જ નામ અંત સુધી અસર કરી જતું હોય છે.

આવું જ એક નામ મેં દરિયામાંથી મોતી સમજી શોધેલું છે, કહો તો, તાજ-મહેલ કરતાંય સુંદર શોભે એમ એને મારા હ્દય ઉપર કોતરેલું છે.

*

હું રેલ્વે-સ્ટેશનનાં બાંકડે બેઠેલો અને તે બાજુનાં બાંકડે આવીને બેઠી, જ્યારે મેં તેને પ્રથમ વખત જોયેલી.

હું તો મોબાઇલ પર ટકા-ટક કરવામાં ગળાડૂબ હતો. તેનાં અત્તરની સુંગધે અથવા મારા ભાગ્યની રેખાએ મને તેનાં તરફ જોવાં મજબૂર કર્યો. અને વધારામાં આપણે તો ચુંબક જેવાં, એક વખત ખેંચાણ શું મળ્યું? છૂટવાનું તો આસાનીથી નહીં જ.

મેં હળવેકથી તેની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે નાની, નાની-નાની, નાનેથી મોટી વાતો થવા માંડી. તેણે પોતાનું નામ પણ કહયું.(શ્રુતિ). અને મેં મારું કહ્યું.(સિદ્ધાર્થ).

એટલામાં તેની ટ્રેન આવી અને તે હાથ હલાવતી એમાં ચડી ગઇ. જ્યારે હું મારા હૃદયને સાચવતો બાંકડે બેસી રહ્યો. કદાચ, એ ચોરી ન જાય!

ચોરી થઇ હોત તો પણ કાંઇ નુકશાન ન્હોતું. કારણ કે, બદલામાં તેનાં ચહેરાની અજોડ છાપ, તેની સાથેની ક્ષણો, સંવાદો, ધાતુનાં રણકાર સમી તેની ધ્વનિ મેં છુપાવીને રાખી લીધેલી હતી.

*

પ્રેમ એક વખતમાં થોડોને થાય છે! એ તો ફક્ત ઝણકાર હોય છે શરૂઆત થવાની. હવે, એકવાર મળાયું તો બીજી વખત મળવું જ મળવું હતું. છૂટકો ન્હોતો! પરંતુ હવે, કોઈ રસ્તોય ન્હોતો. કેમ કરીને શોધવી તેને?

હાં. વિચારોમાં વિચાર આવ્યો કે - શ્રુતિ દરરોજ તે જ ટ્રેનથી કોલેજ જાય છે.

પછી શું? બીજે જ દિવસે, ફરી જઇને હું બેસ્યો એ જ બાંકડે. તેની રાહમાં આમ-તેમ જોતો રહ્યો. કાંટો ફરીને ટ્રેનના સમય પર થૉભ્યો, ટ્રેન પણ આવી, પરંતુ તે ન આવી.

દરરોજ સ્ટેશન આવવું મારો નિત્ય-ક્રમ બની ગયો. હું આવીને બાંકડે બેસું, ટ્રેન આવે અને જાય પણ, પરંતુ તે ન આવે.

સતત સાત દિવસ ચક્ર ચાલતું રહયું. આઠમાં દિવસેય હું આવીને તે જ બાંકડે બેઠો. સમય થયે ટ્રેન આવી અને ચાલી પણ. આ... હા... તે આવી! દોડતી-દોડતી આવી અને સીધી ટ્રેનમાં ચડી ગઇ. હું તો જોતો જ રહી ગયો.

ટ્રેનના બારણેથી તેની નજર મારા પર પડી. ખબર નહીં! શું થયું? તેણે ચાલતી ટ્રેને ધુમકો માર્યો અને દોડીને મારા તરફ આવી.

'અરે, તું પાગલ તો નથી ને?' ,મેં તેને હસતાં હસતાં પુછ્યું.

'છું નહીં, પરંતુ થોડાક જ દિવસોમાં થવાની છું!' ,શ્રુતિએ કહ્યું. તેનાં ચહેરા પરની તે હસી, તેનાં ગાલ લાલ કરી ગઇ.

'શું? અરે છોડ! તું ક્યાં હતી? કેટલાં દિવસો થયા!' ,મેં થોડા ઊંચા અવાજે કહી દીધું.

'એક્સકયૂઝમી! શું અર્થ છે તારો?' , તેણે ગુસ્સો કર્યો.

મને મૌન રહેવું યથાર્થ લાગ્યું.

અને એ ખડખડાટ હસવા લાગી.

'કેટલો ડરી ગયો! એ તો બસ મજાક. હું મામાના ઘરે હતી. તેમનાં લગ્ન હતાં' ,તેણે કહ્યું.

હું ચૂપ જ રહ્યો. કહેવાય પણ શું? તેણે જ વાત ચાલુ રાખી.

'તને કેવી રીતે ખબર? તું રોજે આવતો હતો સ્ટેશન મને શોધવા!'

'હા... નાં...હા... એક મિત્રને લેવાં...' ,મેં બહાનાં શોધવાની કોશિશ કરી. પરંતુ તેણે મારા હોઠે આંગળી મુકી ચૂપ કરી દીધો.

કેમ કે પ્રેમમાં,

ભાષાને નથી હોતું માન,

માત્ર, ઈશારાને જ છે સ્થાન.

મને તેનાં પ્રેમની ખબર પડી. જ્યારે તેણે ચાલતી ટ્રેને, માત્ર મારા માટે, કૂદકો માર્યો. તેને પણ મારા સાત દિવસનાં પ્રેમની કથા-વ્યથા ની જાણ હતી.

પ્રેમને કોશિશ તો મળી ગઇ.હવે, આ કોશિશને મંઝિલ સુધી પહોંચવાની દેર છે.

***

પછી તો મળવું રોજની આદત થઈ ગઇ. શ્રુતિનું વર્ણન કરવામાં કદાચ શબ્દો ખૂટે. પણ હા! એક શબ્દમાં કહેવાની કોશિશ કરવાં જાવ તો - તે કોઈ પ્રખ્યાત લેખકની કલમથી લખાયેલી 'પ્રેમની નવલકથા' હતી.

તેની દરેક વાતોમાં જાણે ઊંડો રસ ભર્યો હતો. આંખો પર પલકાતી પાંપણમાંથી નવલકથાના રહસ્યો છૂટાં પાડતાં હતાં. કમળની પાંખડી જેવાં કોમળ તેનાં હોંઠ નવલકથાના જીવંત પાત્રો હતાં. પવનની લહેરકી સાથે નવલકથાના પાનાં ઊડે એમ એનાં વાળ સરકીને ગાલને ચૂમી જતાં હતાં. અને આ નવલકથાને વારંવાર વાંચીને એનો વિશિષ્ટ આનંદ હું લૂટયા કરતો હતો.

શ્રુતિ : 'શું હું તને કંઇ પૂછી શકું?'

મેં કહ્યું : 'હા, કેમ નહિ?'

શ્રુતિ : 'હું તને પ્રેમ કરું છું! એવું "પ્રેમ" શબ્દનો ઉપયોગ કર્યા વગર કહી બતાવ.'

મેં કહ્યું : 'બસ. મુશ્કેલ નથી. પરંતુ એક શરત છે! તારે પણ હું કહું તે કરવું પડશે.'

શ્રુતિ : 'હા, ચોક્ક્સ. પક્કા પ્રોમિસ!'

મેં કહ્યું : 'બગીચામાં એક સુંદર ગુલાબનું સફેદ ફૂલ હતું. નાનકડું લાલ પક્ષી રોજે તે ફૂલ પર બેસવા આવતું. ફૂલ અને તેની સુગંધ,સુંદરતા એ પક્ષીની આદત બની ગઇ. પક્ષીએ એક દિવસ ફૂલને કહી દીધું - હવે તારી વગર જીવવું મુશ્કેલ છે. ફૂલ પોતાની સુંદરતા પર ઘમંડી હતું. તેણે કહયું - હું સફેદ અને તું લાલ. એક સંબંધમાં હોવાં એક રંગે રંગાવું પડે! આપણે ત્યારે જ એક બનીશું જ્યારે હું લાલ કે તું સફેદ થઈશ. અને એ શક્ય નથી. માટે તું કોઈ બીજું ફૂલ શોધી લે. પક્ષીને આ નામંજૂર હતું. તે તરત જ ઉડ્યું અને વારંવાર ફૂલની ડાળીનાં કાંટા સાથે અથડાવા લાગ્યું. થોડા સમયમાં તેને લોહી નીકળ્યું અને પછી તે ફૂલ પર જઇ બેઠું. બે પળમાં ફૂલ લાલ થઈ ગયું.પક્ષીને ફૂલ જોડે કાંઇક ખાસ હતું અને એવું જ મારે તારી માટે છે.'

શ્રુતિ : ' વાહ! તેને પ્રેમ કહેવાય પ્રેમ! માની લીધું સિદ્ધાર્થ, સાહેબ. હવે, કહે મારે શું કરવાનું?'

શ્રુતિની આંખો ભરાઈ આવી હતી અને મારા પ્રેમ પરનો ગર્વ પણ સ્પષ્ટ છલકાતો હતો.

મેં કહ્યું : 'મને તારા પ્રેમની કોઈ સાબિતી આપી શકીશ?'

શ્રુતિ : 'હા. એક રાત્રે અમે મિત્રો ટ્રૂથ એન્ડ ડેર રમતાં હતાં અને બોટલ ફરતી-ફરતી મારા તરફ અટકી. તને તો ખબર છે! મારાં મિત્રો આપણાં વિશે જાણે જ છે. તેમણે પુછ્યું - આમ તો સિદ્ધાર્થ તારી ઘણી સંભાળ રાખે છે. પરંતુ તેની ગેરહાજરીમાં તે તારી મદદ કઇ રીતે કરી શકે? હું ઊભી થઈ, કબાટમાંથી બ્લેડ લીધી અને ડાબા હાથ પર તારું નામ કોતરી નાખ્યું(સીડ). મેં કહ્યું - આ દર્દ એ મારી જિંદગી છે અને તે નામ મને આ દર્દથી ટાઢક આપે છે. પછી સિદ્ધાર્થ હાજર હોય ક ન હોય!'

મેં તેનો હાથ તપાસ્યો. સાચે જ ! ડાબા હાથ પર ત્રણ અક્ષર લાલચોળ ઉપસી આવ્યાં હતાં. એસ આઈ ડી.

તેણે મારા ગાલ પર હળવું ચુંબન કર્યું અને ચાલતી થઈ. જતાં-જતાં તેણે કહ્યું - સિદ્ધાર્થ, તું ક્યારેય નહીં જાણી શકે હું તને કેટલો પ્રેમ કરું છું!

પ્રેમને પાછો મળે પ્રેમ, એ જ પ્રેમ ભલો,

હર એક હદ વટાવે પ્રેમ, એ જ પ્રેમ ભલો,

***

અમારો પ્રેમ બારમાસીની માફક દરરોજ ખીલી રહ્યો હતો. પરંતુ અમે ભૂલી ગયાં હતાં કે વરસમાં એક દિવસ ગ્રહણ પણ આવે.

ધીમે-ધીમે નવો પ્રેમ ઘસાતો ગયો. અમે પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત રહેવાં લાગ્યાં. ઊંમર વધતાં જવાબદારીઓનો ભાર વધતો હતો. અમારાં ગ્રેજ્યુએશન પણ પૂરાં થયાં હતાં અને નોકરીની દોડમાં લાગ્યાં હતાં.

મળવું મુશ્કેલીથી થતું હતું. કેમ કે, શ્રુતિની નોકરી મારાં કરતાં વધારે સમયગાળાની હતી. પરંતુ એ કરતાંય વાંધો બીજો હતો - શ્યામ. શ્યામ શ્રુતિ સાથે જ નોકરી કરતો હતો અને વળી, તે શ્રુતિનાં પિતાનાં મિત્રનો પુત્ર હતો. જે અમારી પૃથ્વી-ચંદ્રની જોડીમાં સૂર્ય બનીને તાપ દેવાં આવ્યો હતો.

તે અને શ્રુતિ મિત્ર હતાં અને શ્રુતિને તેનો સાથ ખાસ્સો પસંદ હતો. કારણ ખબર નહીં! પરંતુ એમની આ મિત્રતા મને ખૂચતી હતી. આખી રાત જે ધરતીને હું ચાંદનીથી ઠંડક આપતો રહ્યો તેને તેણે પ્રભાતનું અજવાળું કરી ઉડાવી દીધી.

એક દિવસ શ્રુતિએ અમારાં ત્રણને મળવાં સંજોગ ઊભો કર્યો. અમે ટી-પોસ્ટ પર કોફી પીવા ભેગાં થયાં.

શ્રુતિ પર મને વિશ્વાસ હતો. પરંતુ શ્યામ માટે લાગતું કે તે મનોમન શ્રુતિને ચાહે છે અને તે ટૂંક સમયમાં જ મિત્રતાની હદ પાર કરી નાખશે. મને થયું એ પહેલાં હું ઝડપથી સંભાળી લઉં.

શ્રુતિ વોશ-રૂમ જવાં ઊભી થઈ. અમે ( હું અને શ્યામ) બે જ ટેબલ પર હતાં.

મેં કહ્યું : 'કેમ પ્રેમમાં હંમેશા કોઈ ત્રીજો ઠેસ બનીને આવી જાય છે?'

શ્યામ : 'શું? શું કહેવાં માંગે છે તું?'

મારામાં ગરમી વધી રહી હતી. મેં સીધો તેનો કાંઠલો પકડ્યો.

મેં કહ્યું : 'બહુ ભોળો ન બને! તું છે ને દૂર જ રહેજે મારી શ્રુતિથી. મને ખબર છે તું પણ શ્રુતિને ચાહે છે.'

તે મારી નજીક આવ્યો અને કાનમાં કટાક્ષ ભર્યા અવાજે ધીમેથી બોલ્યો.

શ્યામ : 'હવે તે આ વિષય સમજી જ લીધો છે તો હું પણ તને કહી જ દઉ. હા, શ્રુતિ મને ગમે છે. ભલે એ અત્યારે તારા આકાશમાં પતંગ બની આમ-તેમ ઊડતી હોય ! હું હળવે-હળવે દોરીથી ખેંચીને એક દિવસ ઉતારી મારી પાસે રાખી જ લઈશ.

મને તેની આ વાત પર બહુ ગુસ્સો થયો. હું ઉભો થયો, તેનાં ગાલ પર તસ્મસ્તો તમાચો મારાવાં. ત્યાં શ્રુતિ આવી.

આવી અને ખડખડાટ હસવાં લાગી. શ્યામ પણ તેની જોડે હસ્યો.

મેં કહ્યું : 'કેમ? શું થયું?'

શ્રુતિ : 'કેટલો ડરે છે તું મને ખોવાથી! તું બહુ ક્યુટ છે.'

મેં કહ્યું : 'હા, પણ કેમ ન ડરું? તારા દૂર રહેવાથી વાગ્યા વગર દર્દ થાય છે હૃદયમાં! ખૂણામાં બેઠું-બેઠું તે રડે છે એકલતાની ભીડમાં!'

શ્રુતિ : 'તારે મારા પર વિશ્વાસ રાખવો જોઈએ અને હા, શ્યામ મને ચાહતો નથી. તે મારો સારો મિત્ર છે. તેનો પ્રેમ કોઈ બીજું છે.'

અને ત્યાંજ એક સુંદર છોકરી( શ્રુતિ કરતાં વધારે નહીં!) ટી-પોસ્ટમાં અંદર આવી અને મારા કલેજાને ( મારી બળતરાને) ટાઢક થઈ.

મેં કહ્યું : 'મને તારાં પર વિશ્વાસ છે જ. પરંતુ બધાં પર તેટલો જ થોડો હોય!'

શ્રુતિ ઊભી થઈ અને મને ભેટી પડી.અને મને ત્યારે એવું લાગ્યું કે ટેબલ પર પડેલી સુકી બ્રેડ ઉપર કોઇએ આવીને માખણ ચોપડી દીધું હોય.

શ્રુતિ : 'અરે, પાગલ. પ્રેમની દુનિયામાં ફક્ત બે જ વ્યક્તિ માટે પાસ હોય છે. ન કોઈ તેમાં આવી શકે, ન કોઈ બહાર જઇ શકે. એમાં નિયમો ભિન્ન છે, જીવન-શૈલી ભિન્ન, સંબંધો ભિન્ન અને તેનાં પરિણામો પણ ભિન્ન હોય છે.

સાચે જ! પ્રેમને સમજવાનો ન હોય. પ્રેમ તો કરવાનો હોય. અનહદ કરવાનો હોય. અપાર કરવાનો હોય. આંધળો કરવાનો હોય.

ન બાંધે કોઈ હદ તેને,

ન રોકે કોઈ ભીંત એને,

માટે તો એને આંધળો કહે,

ભટકાઈને પણ એ પાછો ફરે.

અભિષેક પરમાર