In - Mother in Gujarati Short Stories by Shital Jignesh gadhavi books and stories PDF | માં - મધર

Featured Books
Categories
Share

માં - મધર

સેરોગટ મધર

ચિંતન ગહન ચિંતનમાં હતો.

" શું કરવું. ચિનારને કેવીરીતે સમજાવી ? બધુય હોવા છતાં...અંતે તો એ એક સ્ત્રી..માતૃત્વ વગર અધૂરી.
બધા રિપોર્ટ નૉર્મલ નીકળ્યાં. સાચું જ કહ્યું છે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું નથી હલતું.. "

ચિંતનની બ્હેન રીંકુએ આવીને એને ઢંઢોળ્યો.

" ભાઈ,ક્યાં ગૂમ થઈ ગયાં! હું દૂરથી બૂમ પાડતી આવું છું. પણ તમે છો કે ક્યાંક..ભાભી સાથે હિલસ્ટેશન પહોંચી ગયાં. "

એમ કહી ભાઈને છંછેડીને હસવા લાગી.

" આવ રીંકુ બેસ. તું મને હેરાન કરવાનો એક મોકો નથી મુકતી. વારંવાર ફરવા જઈશ તો ઓફીસ કોણ સાચવશે. "

" રીંકુ બ્હેન, તમે ક્યારે આવ્યા. અગાઉ જાણ કરવી હતી તો હું તમારાં માટે ગરમ ગરમ ગોટા ઉતારીને રાખ્યા હોત. તમે બંને વાતો કરો. હું ચ્હા જોડે ઉપમા બનાવી લાઉં. ઈન્સ્ટન્ટ.. હવે આવ્યાં છો તો રાત્રે જમીને જજો. કુમારને અહીં બોલાવી લઈશું. "

ચિનાર રસોડાના કામમાં પ્રવૃત્ત થઈ ગઈ કે નહીં એ જોવાં ચિંતને રીંકુને મોકલી.પાછા વળતાં એના હાથમાં કવર હતું.

" ભાઈ લો આ..કોઈ માણસ આવીને ગયો. ક્યારનું કોઈક મેઈન ડોર ખટખટાવતું હતું. બેલ બગડ્યો છે કે શું? આ તો રસોડામાંથી વળતાં અવાજ સાંભળ્યો..નહીંતર આ કવર પાછું.. "

ચિંતને એ કવર હાથમાં લીધું. કાગળ કાઢી વાંચવા લાગ્યો.

" ભાઈ આ તો કોઈ ડૉક્ટરનો રિપોર્ટ લાગે છે. શું વાત છે મને જણાવ. "

ચિંતને રીંકુને બધી વાત કરી.

" હું તારી ભાભીને દુઃખી જોઈ શકતો નથી. બાળકને દત્તક લેવાની વડીલોના પાડે છે. કોનું અને કેવું લોહી હોય..બોલ હવે શું કરું ?"

રીંકુએ એને કોખ ઉછીની લેવાં વિષે સમજાવ્યું.

" એ તો હું પણ જાણું છું. ખર્ચો વધુ છે. જો કોઈ આપણાં ઘરની સ્ત્રી તે માટે તૈયાર થાય... "

રીંકુની સામે સવાલની નજરે જોઈ રહ્યો.
****************************************
સિંગલ મધર:-

"મમ્મી,મારો લંચ બૉક્સ અને સ્કૂલ ડ્રેસ તૈયાર છે. મારે ઉથવામાં મોડું થઈ ગયું. તું પણ ખરી છે...ચીમટો ભરી ઉઠાડી દેવાય. અને હા મારી સ્કૂલની ફી ભરવાનો આજે છેલ્લો દિવસ છે. કારવાળા કાકા પણ મહિનાનું ભાડું માંગતા હતાં. એમને શું કહું?" રિકીન એક શ્વાસે બધું બોલી ગયો.

" વાક્યો વચ્ચે થોડો શ્વાસ તો લે. એક સાથે બધું બોલી ગયો. મારો મીઠઠું પોપટ. બધાંને પૈસા ચુકવાઈ જશે. તું ભણવામાં ધ્યાન રાખ. સ્કૂલ ડ્રેસ તારા કબાટમાં જ છે. નાસ્તાનો ડબ્બો મારાં હાથમાં. મારો કુંવર... "

કહીને રીટાબેન એનાં કપાળ પર હળવું ચુંબન ભર્યું.

" ઉભો રહે કાન પાછળ ટીલું કરવાનું રહી ગયું. કોઈકની નજર.. "

એ તો બાય બાય કહીને સાંભળ્યા વગર ઘરની બહાર દોડી ગયો.

રીટાબેન રિકીનને એકલાં હાથે ઉછેરતા હતા. સરકારી નૌકરી સાથે સરસ મજાનું ઘર હતું. પૈસાની કોઈ તકલીફ નહોતી.પરંતુ 'વન મેન આર્મી'ની માફક બધે જ ઝઝૂમતા હતા.રિકીન એમનાં પ્રેમની નિશાની હતી. જુવાનીમાં કરેલી ભૂલ એવું કઈ નહોતું.પોતે સામે ચાલીને પ્રેમી પાસે બાળકની ઈચ્છા દર્શાવી હતી. એ વિષે એમણે ક્યારેય અફસોસ કે સામેની વ્યક્તિ પર ફિટકાર નહતો કર્યો. પ્રેમીએ દુનિયાથી લડી લઈને સાતફેરાનાં બંધનમાં જોડવવાં વારંવાર કહ્યું. રીટાબેન એક ના બે ન થયાં.

આજે એ સિંગલ મધર તરીકે રિકીનને ઉછેરતા હતા.પોતાના બાળક પાછળ પોતાનું જ નામ રાખ્યું હતું.રિકીને એ વિષે ક્યારેય સવાલ નહતો કર્યો.

" મમ્મી..મેં આજ સુધી તને ક્યારેય પપ્પા વિષે નથી પૂછ્યું. તું કદાચ દુઃખી થાય. મેં તને આજે સવારે બધું જ એકલા હાથે કરતી જોઈ એટલે...એમ તો કાયમ જોઉં જ છું. મારે જાણવું છે. હું કોનું સંતાન. મારાં પપ્પા કોણ..જીવે છે કે નહીં..શું એમને મારી યાદ નથી આવતી..હું ગમતો નથી... !"

" મારો પોપટ ફરી બોલ્યો. તેં મને ક્યારેય પૂછ્યું નથી અને મેં જણાવ્યું નથી.હું તને કદાચ ખોઈ બેસું તો..તારાં પપ્પા છે. ખૂબજ સારા માણસ છે. એવું નથી કે એ તને યાદ નથી કરતા. તું એમને બહુ વ્હાલો છે.મારે જ એમની સાથે રહેવું નહોતું.એમાં એમનો કોઈ વાંક નથી. "

" એવું શા માટે? તું મને ખૂબ પ્રેમ કરે છે...મારે પપ્પા પણ...તનેય થોડી રાહત રહે. "

રીટાબેન ફરી એકવાર પોતાના લીધેલ નિર્ણય અંગે અસમંજસમાં પડ્યા.

એક સાંજે રિકીનને સરપ્રાઈઝ આપવા લઈ ગયા.
પણ..એ પોતે જ સરપ્રાઈઝ થયા.
***************************************
અડોપ્શન:-

" હા, તો ડૉક્ટર તમારું વિજ્ઞાન શું જણાવે છે ? એ તમે અમને સરળ ભાષામાં સમજાવો. "

રૂબી અને રોબિન છેલ્લા બે વર્ષથી બાળક લાવવા પ્રયાસ કરી રહ્યાં હતા. રિપોર્ટ સતત નોર્મલ આવતા હતા. રૂબીની મહિનાની સાયકલ વ્યવસ્થિત ચાલતી હતી. બીજ પણ છુટું પડતું હતું. છતાંય ગર્ભ નહીં રહેવાનું કારણ પકડાતું નહોતું. આ અલગ પ્રકારનો રિપોર્ટ એમાં વધુ પ્રકાશ પાડી શકે એમ હતો.

" આવો બંનેય જણ. બેસો અને આ પાણી પીવો. હમ્મ..જવલ્લે જોવા મળતો કેસ આપનો છે. મને ખુદને આશ્ચર્ય છે. સાચી જ વાત..કુદરતથી મોટો કોઈ ડૉક્ટર નથી. અમે પણ એની સામે નતમસ્તક..

વેલ લેટ્સ કમ ટુ ધ પોઇન્ટ. રોબિન તું પણ નોર્મલ છે. રૂબી સંપૂર્ણ સ્ત્રી છે. પરંતુ એના શરીરમાં રચના જ વિચિત્ર છે. સ્પર્મ કાઉન્ટ પરફેક્ટ..તારા દ્વારા આવેલ એ સ્પર્મ એનું શરીર બહાર ફેંકી દે છે. એ ગર્ભની રચનામાં જરૂરી છે. એ જ ફેંકાઈ જાય તો.. એમાં રૂબીનો કોઈ વાંક નથી. "

રોબિન આ બધી વાત સાંભળી શૂન્યમનસ્ક થઇ ગયો. રૂબી રડી પડી.

" વૉટ ધ હેલ.. ના હોઈ શકે ડૉક્ટર.. આઈ નીડ માય ચાઈલ્ડ..એન્ડ વોન્ટ ટુ બી અ કમપ્લીટ.."

અને એ ત્યાં ફસડાઈ પડી.

રોબિને એને સહારો આપી ઉભી કરી. આ એનો ડોળ માત્ર હતો !

" રોબિન હવે તું શું વિચારે છે ? આપણે શું કરવું જોઈએ. હું ઉછીની ગોદ માટે પણ તૈયાર છું. જો તારી હા હોય..મારા બીજ છુટા તો પડે જ છે.."

" રૂબી તું સમજતી નથી. મારે નોર્મલ રીતે બાપ બનવું છે. એ રીતે ખર્ચો વધુ થાય અને હું એ ઉઠાવી શકું એમ નથી. એમ પણ મને એ રીતે બાળક લાવવું પસંદ નથી. સમજે છે હું તને શું કહેવા માંગુ છુ... પ્લીઝ "

રૂબીએ બાળક દત્તક લેવા માટે એને કરગરી. રોબિન ટસ નો મસ ના થયો. બંને જણ સહમતીથી લગ્ન જીવનનો અંત લાવ્યા. માત્ર એક ખોટા કારણના લીધે કે પછી 'મેન ઈગો' !

રૂબી એની જ એક બ્હેનપણી સાથે જઈને રહેવા લાગી. એ પણ કોઈક નજીવા ખટરાગના લીધે ત્યકતાનું જીવન વિતાવી રહી હતી.

" વેલકમ રૂબી..તું અહીં એકલી નથી. હું હંમેશા તારી સાથે..આ ઘર આજથી તારું પણ..બિન્દાસ જીવ. "

રુચીએ એને પ્રેમથી આવકારી. બંને ભેટીને ખૂબ રડી.

" ધેટ વોઝ અ બેડ ડ્રીમ..ફરગેટ ઈટ..લેટ્સ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર વિથ અવર ઓઉન હેન્ડ રાઇટિંગ.. "

બંનેય એક સાથે સ્વસ્થ થઈને એકબીજાને સાચવતા બોલી.

" રુચિ..યાર આપણે એકલાં. આખાં ઘરમાં એક-બે કિલકારી ગુંજે તો..તારું શું માનવું છે ?"

" રૂબી.. આપણે બે અને એકલાં.. પરંતુ તારો વિચાર વિચારવા લાયક ખરો. એને સાચવશે કોણ ! હું અને તું નૌકરી પર જઈએ.. એની સાથે ઘરે કોણ રહેશે ? હું તો કંઈક અલગ જ વિચારું છું."

બંનેય એક નિર્ણય પર પહોંચ્યા.

" રૂબી અને રુચિ..અહીં સહી કરો."

- શીતલ ગઢવી
*************************************