All is well - 1 in Gujarati Short Stories by Kamlesh K Joshi books and stories PDF | ઓલ ઈઝ વેલ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઓલ ઈઝ વેલ - 1

ઔર નહીં અબ ઔર નહીં

કમલેશ કે. જોષી

શું વીતે એ પિતા ઉપર જેની અત્યંત વહાલી દીકરી, પ્રાણથીયે પ્યારી રાજકુમારી લાખ ટકાની કાળજાના કટકા સમી લાડકી ઘર છોડીને ભાગી જાય? દગાબાજી રમી જાય? અને બાપની આબરુની મજાક ઉડાવવાનો મોકો સમાજ આખાને આપતી જાય? જોકે મનુભાઇની મજાક કોઇએ ન ઉડાવી. બલ્કે સહાનુભૂતિપુર્વક સૌ એની હાલત પર મનમાં ને મનમાં રડી રહ્યાં. સરકારી શાળામાં પટાવાળો હતો મનુ. ઉંમર બેતાલીસની, વાન કાળો અને બાંધો એકવડો.

અર્ધી રાત્રે મનુની પત્ની ચંદને તેને હલબલાવીને જગાડ્યો હતો. “જાગો તો, કુસી ક્યાં?” કુસી એટલે કુસુમ. એક્વીસ વર્ષની, રુપાળી દીકરી કુસુમને સૌ વહાલથી કુસી કહેતાં. થોડી જ મિનિટોમાં ચંદન આખું ઘર ફરી વળી. કબાટ ઉપર રાખેલો પ્લાસ્ટીક્નો થેલોય ગાયબ હતો. કબાટમાંથી કુસુમના ચાર-પાંચ કપડાંય ગાયબ હતાં. અને કુસુમના સેંડલય ગાયબ હતાં. શું પારવતી ડોશીએ પોતાને સાબદા રહેવાની ચેતવણી આપેલી એ આજે સાચી પડી? ચંદન નું મોં કાળુ થાઇ ગયું. પગ ઢીલા પડી ગયાં. જાગેલો મનુ શેરીમાં દોડી ગયો. રિક્શવાળા મિત્ર જગુને જગાડ્યો. બસ સ્ટેંડ, રેલ્વે સ્ટેશન ..જ્યાં જવાયુ ત્યા ગયા. પણ સરીઆમ નિષ્ફળતા.

રજળપાટમાં રાત વીતી ગઇ અને દિવસ પણ ચડી ગયો. ઘર પાસે ટોળું જમા થયુ હતું. મનુ બેઇજ્જત થયો હતો. ભીતરથી એના સ્વાભિમાનના લીરે લીરા ઉડી ગયા હતાં. કોઇ કંઇ પૂછતુ નહોતુ છતાં મનુના પ્રાણ પીંખાઇ ગયા હતાં. શંકા હતી પાછલી શેરીમાં રહેતાં નીલીયા વાળંદ ઉપર. જગુ રિક્શાવાળાએ બેક સાગ્રિતોને ભેળા લીધા. મનુને સાથે લીધો ને પહોંચ્યા નીલીયાને ઘેર. તોડફોડ મચાવી બધો ગુસ્સો ઠાલવી નાખ્યો પણ વ્યર્થ. શું કરે એ છોકરાનો બાપ? શું કરે એ લાચાર માં? પણ ગાયબ દીકરાના કરતૂતો ભોગવ્યે જ છૂટકો.

આમાં ને આમાં બપોરેય વીતી ગઇ. હવે જગુ લઇ ગયો મનુને પોલીસ સ્ટેશને. એ લોકોએ એક રાત વાટ જોવા કહ્યું. ચંદને માતાજીની છબી આગળ અખંડ દીવડોય પ્રગટાવ્યો ને માનતાય લીધી. જગુ રિક્શાવાળો આખી રાત રખડ્યો પણ કોઇ સગડ ન મળ્યાં. મનુની દશા બગડતી જતી હતી. એ લાંબો સમય ગાળાગાળી કરી લીધા પછી દીકરી-દીકરીના ગાણાં ગાવા મંડ્યો હતો. આ શું કમત સુજી તને કુસી? તે બાપનો વચાર ન કરીયો? માંની મમતાય તને આડી ના આવી? હવે અમે ક્યે મોઢે જીવશું મારી માં?

જગુ માંડ માંડ મનુને શાંત પાડ્તો હતો. પણ વીતતો સમય મનુને વધુ ને વધુ વકરાવતો હતો. મોડે મોડે થાકેલા પાકેલા મનુને થોડી વાર પથારીમાં પછાડીને જગુય લાંબો થૈને પડ્યો. ડેલો ખોલતી કુસુમને જોતાં જ મનુભાઇના ચહેરા પર રોનકઆવી ગઇ. “લે કુસલી આવી ગઇ? ક્યાં ચાલી ગઇ હતી આમ કોઇને પણ કીધા કારવ્યા વિના?” પણ ખીલ ખીલ કરતી કુસુમ તો એની જ ધૂનમાં મનુભાઇની નજીક આવી અને હાથમાં પકડેલા પ્રસાદના પડીયામાંથી કેળાનો ટુકડો બાપુના મોંમાં મુકતા બોલી “જય શિવ પાર્વતી”. હરખાતા મનુભાઇ કોળિયો ગળતા હતા ત્યારે જ દ્રશ્ય ધ્રૂજવા માંડ્યું.

“અરે ક્હું છું જાગો”. ચંદન ઢંઢોળી રહી હતી. મનુભાઇએ ફાટી, પલળેલી આંખો ચોળતા પૂછ્યું, “ક્યાંકુસી?” અને એમને ભાન થયું કે આ તો સ્વપ્ન હતું. દીકરી પાછી ફરી નથી અને ઘડીભર પહેલાંનું હળવાશભર્યુ વાતાવરણ ફરી ભારેખમ્મ બની ગયુ. ચંદનના હાથમાંથી કળશિયો લઇ મોં પર છાલક મારી ત્યાં જગુ ડેલીમાં પ્રવેશ્યો. ચાની અડારી ચંદને ભરી આપી. કોઇ ક્શું બોલતું નહોતું. બહાર આવતાં જતાં જાણીતાં અજાણ્યાઓ ડેલી બાજુ નજર નાખી લેતા, પણ એ નજર અસહ્ય હતી.

પોલીસ સ્ટેશને જતાં પહેલાં જગુએ રિક્શાને મનુની નિશાળે લેવી પડી. સૌ જાણે શંકિત નજરે જોઇ રહ્યા હોય એવું લાગ્યુ મનુને. સમજદાર આચાર્ય ઓઝા સાહેબે પાંચ્સો પાંચ્સો વાળી બે નોટ મનુભાઇના ખિસ્સામાં મુકી, ધરપત આપવા ઇશ્વરને પ્રાર્થના કરવા જણાવ્યું અને જરુર પડે તો પોલીસ સ્ટેશને સાથે આવવાની તૈયારી બતાવી. આ બધી કાર્યવાહી મનુ હતાશાપૂર્વક કરી રહ્યો હતો. જગુ મનુની હાલતસમજતો હતો.જીગરી ભાઇબંધ પર તૂટી પડેલા આભની એને ખબર હતી. એટલે જ એ દિવસરાત મંડી પડ્યો હતો, પણ મનુ ધીમે ધીમે નિષ્ક્રિય થઇ રહ્યો હતો. જાણે કાર્યવાહીમાંથી અલિપ્ત થઇ રહ્યોહતો. ફજેતો થઇ ગયો. આવડી મોટી જીંદગીમાં પહેલી વાર જીવતર ઝેર થઇ ગયું. ગલીએ ગલીએ ચર્ચાઇ ગઇ મનુની આબરુ.

એ જેમ બને તેમ નજર ચોરી રહ્યો હતો. પોલીસવાળાના એ પ્રશ્નો મનુના લાગણીશીલ હ્રદયને હચમચાવી ગયા. “કોઇએ કંઇ ઠપકો આપ્યો હતો છોકરીને?” મનુ વીંધાઇ ગયો. “ઠપકો? મારો વહાલનો દરિયો હતી કુસી. મારો જીવ હતી. એને ઠપકો?” પોલીસસ્ટેશનેથી ઘરે આવ્યા બાદ મનુ ઓશીકામાં મોં દાબી નાના બાળકની જેમ પોક મૂકીને રડ્યો હતો. ચંદન ડઘાઇ ગઇ. જગુ વિહ્વળ બની ગયો. ડેલી બહાર બે-પાંચ માણસો આ નાટ્યાત્મક ઘટનાને જોતાં ઊભા રહી ગયાં.

વીતતો સમય આ હ્રદયદ્રાવક ઘટનાને ઠંડી પાડવા મથી રહ્યો. બપોર વીતી. સાંજ પડી. જગુ એના ઘરેથી ખીચડી શાક લઇ આવ્યો. તે ખૂબ કરગર્યો ત્યારે માંડ બે કોળિયા ધણી-ધણિયાણીના ગળે ઉતર્યા. આગ્રહ કરતાં જગુએ કહ્યું “મનુ તું ખાઇશ નહીંતો જીવીશ કેમ?” ત્યારે મનુ “આવું ઝેરીલું જીવવા કરતાં તો મારે મરી જ જાવું છે જગા.” એવું બોલ્યો ત્યારે જગુ ડઘાઇ ગયો. હવે મનુની હાલત એને વધુ ગમ્ભીર લાગી.

હવે મનુ ખાટલીમાંપડ્યો પડ્યો પલળેલી આંખે વિષાદના ઊંડા કૂવામાં મોતને ઝંખતો મહાપરાણે શ્વાસ લઇ રહ્યો હતો. “ શું કામની આ આબરુ વિનાની જીંદગી હવે? ના ગામમાં આબરુ રહી કે ન નાતમાં. મારું લોહી વગોવાઇ ગયું. ભલે મારી સામે કોઇ કાઇ ન બોલે પણ હું મારી દીકરીમાં સંસ્કારનો છાંટો નાખતા ભૂલી ગયો. એ મારો અપરાધ જગા આખામાં જાહેર થઇ ગયો. ઊણો ઊતર્યો હું અને નબળી પડી ચંદન.” મનુનું મનોમંથન કાળજાને કોતરી રહ્યુ હતું. પાંચ વરસની હતી કુસી ત્યારથી દર મહિને એના નામના બસ્સો રુપિયા બચાવવાનું ધણી-ધણીયાણીએ શરુ કરી દીધું હતું. વચ્ચે વચ્ચેચંદન કુસુમ માટે ઝીણો ઝીણો દાગીનોય બનાવવા માંડી હતી.

આંસુનું એક પછી એક બુંદ મનુની આંખમાંથી સરકતું ઓશીકાને ભીનું કર્યે જતું હતું. જોશથી ડેલી ખખડતા મનુ સફાળો બેઠો થઇ ગયો. “ મનુ જલદી ચાલ. કુસીનો પત્તો મળી ગયો છે.” કહેતો જગુ દાખલ થયો અને મનુ પૂછે કે “ ક્યાં છે? શું છે?” ત્યાં તો જગુએ એને “ જલદી નીકળ ઘરની બહાર, રિક્શામાં બેસ.” એવો કડક હુકમ છોડ્યો. ચંદનને પણ રિક્શામાં બેસાડી. ડેલી વાસી અને રિક્શા દોડાવી મૂકી. રસ્તામાં જગુએ વાત કરી કે એ અમથો તપાસ કરવા ગયેલો પોલીસસ્ટેશને તો સમાચાર મળ્યા કે બાજુના શહેરના પોલીસ સ્ટેશને એક યુવક અને યુવતીએ લગ્નકરીલીધા હોવાનું અને એના નામ કુસુમ અને નિલેશ હોવાનું જણાવ્યું છે. અને તેઓનો જીવ જોખમમાં હોઇ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે.

લિસોટો પડી ગયો મનુના જીગરમાં. ... પણ... જગુ બોલ્યે જતો હતો. ચંદન હિબકા ભરતીહતી. રિક્શા દોડ્યે જતી હતી. હાએ કુસુમ જ હતી, હા એ નિલેશ જ હતો, હા એમણે મંદિરમાં વિવાહ પણ કરી લીધા હતાં. હા પોલીસવિભાગે એમના રક્ષણની બાંહેધરી આપી હતી. બધી જ પ્રક્રિયાઓ થઇ. મનુએ કુસુમને જોઇ પણ અજાણ્યાની માફક. નિલેશ પણ અજાણ્યો. જાણે બધુ સમ્ભળાવાનું બંધ થઇ ગયું. એના ચહેરાની રેખાઓ, એની આંખો, બધું જ જાણે સંવેદનશૂન્ય બની ગયું.

એ દિવસથી મનુ મૌન થઇ ગયો. હણાઇ ગયો. ખલ્લાસ થઇ ગયો. બધુ થાળે પડવા માંડ્યું. કાગળિયા ચિતરાવા માંડ્યાં. દિવસો વહેવા માંડ્યાં. પણ મનુ... મનુ તો ત્યાં નો ત્યાં જ.

સાત વર્ષ વીતી ગયા. મનુ જીવતું જાગતું યંત્ર બની ગયો. હવે એને ખરેખર કાનમાં બહેરાશ આવી ગઇ હતી. એની બુદ્ધિ પણ બુઠ્ઠી થઇ ગઇ હતી. નિશાળે જાય. ચૂપચાપ કચરા વાળે, સાહેબોને પાણી પાય, ડંકા પાડે, પણ હોય હંમેશા અન્યમનસ્ક.હવે મનુ માટે આ દુનિયા કે આ મહેફિલ કંઇજ કામની ન હતી. બેક વાર તો ખુદ કુસુમેય ઘરે આવી ગઇ. પણ મનુને કશું જ સ્પર્શતું નહોતું. કુસુમ પણ પસ્તાઇ, કેટ્લું રડી, કરગરી... પણ મનુ અન્યત્ર. ન ક્રોધ વ્યક્ત કર્યો કે ન હર્ષ. બસ કેવળ અપરિચિતતા. કુસુમ અને નિલેશે શહેર છોડી દીધું.

જગુ પણ થાકી ગયો. વૈદ, હકીમ, ડોક્ટર થી શરુ કરી દોર, ધાગા, ભુવા, ભરાડા.. બધુ એણે પોતાના જીગરી યાર માટે કરી જોયું. પણ પથ્થર પર પાણી.મનુ તો શૂન્ય બની થંભી ગયો. પણ કુસુમ અને નિલેશને ત્યાં જન્મેલી નાનકડી સુમન હવે પાંચ વર્ષની થઇ હતી. મંદિરમાં લગ્ન કરી લીધાં, પોલીસમાં નોંધ કરાવી લીધી અને બંનેના પરિવારજનોના હથિયાર હેઠા મૂકાવી દીધા પછીના લગ્નજીવનના શરુઆત્ના દિવસો નિલેશ અને કુસુમબંનેમાટે કસોટીરુપ હતાં. પોતેભરેલું પગલું સમાજમાન્ય નહોતું, એની પરવાહ તો તેઓને નહોતી પરંતુ મા-બાપની લાગણીઓઅંગે બંને પૂરા ચિંતિત અને સભાન હતાં.

એક દિવસ સુમનને તેડીને, નિલેશના હીરો હોન્ડામાં આગળ ઊભી રાખી, અને સુમને નિલેશનાગળા ફરતે હાથ વીંટાળ્યા ત્યારે ધ્રુજી ગઇ કુસુમ.. બાપ-દીકરીની એ સ્નેહ નીતરતી આંખો, કુસુમ બસ તાક્તી જ રહી. નિલેશ કે સુમનની સ્નેહાળ આંખોમાં ક્યાંય કશુંય અજુગતું દેખાય છે ખરુ? ડેલી બંધ કરી દોડતી કુસુમ રુમમાં આવી, ઓશીકામાં મોં દબાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નિલેશ સુમનને તેડીને અંદર આવ્યો અને પૂછ્યું “ શું થયું કુસી?” પતિ સામે જોઇ તેણે સ્થિર ભાવે પૂછ્યું. “નિલુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો?” “પૂછ ને ડાર્લિંગ.. “ નિલેશે વહાલથી કુસુમની આંખ લૂછતાં કહ્યું.

“તમારા મનના એકેય ખૂણે આપણી સુમી માટે કડ્વો, નબળો, દૂબળો વિચાર, રજ માત્ર પણ છે ખરો?” કુસુમે નિલેશની આંખમાં આંખ પરોવી પૂછ્યું. આવું જ ત્રાટક રચેલું રાખી નિલેશ બોલ્યો, “આ તું શું પૂછી રહી છે કુસી?” “ હું એમ જ પૂછું છું કે તું કે હું આપણે બેમાંથી એકેય ક્યારેય આપણી સુમનનું ખરાબ થાય એવું કલ્પી શકીએ પણ ખરાં?” “બિલ્કુલ નહીં, કુસી, બિલ્કુલ નહીં. આજેય નહીં અને આવતીકાલેય નહીં. હું શું દુનિયાનો કોઇ પિતા કે કોઇ માતા પોતાની વહાલી સુમી માટે ક્યારેય નબળું ન વિચારી શકે... પણ તું કહેવા શું માંગે છે?” કુસુમને આરામથી બેસાડ્તાં નિલેશ એની સામે બેઠો.

“બહુ મોટી ભૂલ કરી ગયા આપણે.. આપણે બહુ મોટું પાપ કરી ગયાં. એ બેક્સૂર, વિવશ આત્માઓના લાડ-પ્યાર, સ્નેહ-વ્હાલની કિંમત તરીકે આપણે એમના કુમળા માનસ પર અણીદાર નખથી વિખોંળીયા ભરી લીધાં - ઉજરડા પાડી દીધાં, એ પણ એમના કશાં જવાંક ગુના વિના. બસ ધારી લીધું કે એ લોકો આપણું સારું નહીં કરી શકે. એથીયે વધુ ગહેરુ કારણ તો હતું આપણી મનમાની કરી લેવાની આપણી ઉતાવળ.” નિલેશને વાતની ગહેરાઇ સમજાતી હતી.તેણે કુસુમને બોલવા દીધી. “ઉંમરના આવેગમાં, યુવાનીના આવેશમાં આપણે કમઝોર મનોબળના હતા એટલે ઘસડાઇ ગયાં. ફિલ્મી દુનીયાના પોઇઝનીયસ વિચારો પી-પીને માત્રુત્વભર્યા હ્રદયના વાત્સલ્ય ભરેલા અમરુતને ઢોળી, પિતાનો વર્ષોથી માથા પર ફરતો પ્રેમાળ હાથ લોહી લુહાણ કરી, કેવળ અને કેવળ મનમાની કરવાએ નિર્દોષ સ્નેહ મૂર્તિઓને, એ કુમળા કુટુંબ માળાને પીંખી નાખ્યો.”

“ આપણી જુવાનીમાં એમણે આપણા કમઝોર, નાસમજ્બાળપણને સાચવ્યું, સીચ્યું, ઉછેર્યુ.. અને આપણે? આપણે આપણી જુવાનીના જોશમાં તણાઇને એમના બુઢાપાને, સંવેદનાઓને, સમજણને, અરે એમની આબરુને કચડી નાખી.શું આ જ આપણો પ્રેમ હતો?લવ મેરેજ? કે પછી મનમાની મેરેજ? ક્યા પરાક્રમબદલ આપણે ઉન્નત મસ્તકે ફરીએ છીએ? નિલેશ... બહુ મોટો અપરાધ કરી ગયા આપણે. કોઇ મંદિર, કોઇ ભગવાન આપણને આ અપરાધમાંથી મુક્તિ નહીં અપાવી શકે.”

સન્નાટો છવાઇ ગયો રુમમાં... કેટલીયેવારે નિલેશે ચુપકીદી તોડી. “છે એક મંદિર, છે એક ભગવાન.. કુસુમ જે આપણને પાપમુક્ત કરી શકશે.ચાલ અત્યારે જ એના ચરણોમાંપડી માફી માંગીએ. એ જ્યાં સુધી નહીં રીઝે ત્યાં સુધી આપણને કોઇ હક્ક નથી આપણી સુમીને રમાડ્વાનો કે એના પર સ્નેહ-લાગણી વર્ષાવવાનો.” અને પતિ-પત્ની નીકળી પડ્યાં સુમનને લઇ ગામે પરત આવવાં, મનુ ચંદનના ચરણો ચૂમવા, નિલેશના માતા-પિતાની માફી માંગવા. વાર તો લાગી.. પણ કુસુમ-નિલેશના ખરા અંત:કરણની સેવા ચાકરીએ અમુક અંશે મનુમાં ચૈતન્ય સંચાર કર્યો. સમય જતાં સુમીના કિલકિલાટ્માં મનુને કુસુમની છબી દેખાવા માંડી.

એક દિવસ સુમનને સાયકલના આગલા દાંડાપર ઊભી રાખી મનુ સીટ પર બેઠો અને સુમને અસ્સલ કુસુમની જેમ જ નાનાની ગરદન ફરતે પોતાનો નાનક્ડો હાથ વીંટાળ્યો ત્યારે એક અલગ ખુમારી મનુની આંખમાં છલ્કાતી હતી. અને આખું ગામ, આખો સમાજ, આ નવા પરિવર્તનને માનપૂર્વક વંદન કરી રહ્યો.

સંપૂર્ણ