Apurna Viram - 16 in Gujarati Fiction Stories by Shishir Ramavat books and stories PDF | અપૂર્ણવિરામ - 16

Featured Books
Categories
Share

અપૂર્ણવિરામ - 16

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૬

રુપાલી સ્તબ્ધ થઈને માયા સામે તાકી રહી હતી. આ શું બોલી ગઈ માયા? “હું અને મોક્ષ વધારે દિવસોનાં મહેમાન નથી” એટલે? માયાની ઝૂકેલી આંખોમાં વેદના ઝળહળી રહી હતી.

“માયા?” રુપાલીએ ચિંતાથી એના હાથ પર હથેળી મૂકી, “તું પ્લીઝ મને ડરાવ નહીં.”

“હું તને શું કામ ડરાવું?” માયાની આંખોમાંથી એક-એક આંસુ ટપકી ગયું.

રુપાલી એકદમ ઢીલી થઈ ગઈ, “તો પછી કેમ આમ બોલે છે, માયા?”

“ફરગેટ ઈટ. જસ્ટ એમ જ. તું ખોટા વિચાર ન કર.”

“ખોટા વિચાર ન કર એટલે? વધારે દિવસોના મહેમાન નથી એવું સાંભળીને કોઈને પણ એવો જ વિચાર આવે ને કે તમને લોકોને કોઈ સિરિયસ બીમારી લાગુ પડી ગઈ છે કે શું?”

“કશું થયું નથી અમને. શું થવાનું છે? વી આર ફિટ એન્ડ ફાઈન.”

“તો પછી કેમ આવું બોલી? વોટ્સ રોંગ?”

“નથિંગ.”

ટિશ્યુ પેપરથી આંખના ખૂણેે ઝબકી ગયેલાં આંસુ પોંછીને માયા સ્વસ્થ થઈ ગઈ. રુપાલી હજુય અવિશ્વાસથી જોઈ રહી હતી.

“ઓહ રુપાલી!” માયાએ કહૃાું, “મન સાદો તાવ આવ્યો હોય તો પણ તારાથી છુપાવી શકતી નથી, સિરિયસ બીમારીની ક્યાં વાત કરે છે? કમ ઓન! એક તું અને રિતેશ જ છો જે અમારું બધ્ધેબધ્ધું જાણો છો...”

રુપાલી ગંભીર થઈ ગઈ, એક ક્યારેય ન ઉચ્ચારાતાં સત્યના ભાર નીચે. સહન ન થઈ શકે એવા આ સત્યના ચારેય છેડા સાથે બન્ને સ્ત્રીઓ એને તેમના પુરુષો મુશ્કેટાટ બંધાયેલાં હતાં.તેને અવગણીને પકડ ઢીલી કરવા માગતી હોય તેમ ટટ્ટાર થઈને માયાએ માથું ધૂણાવ્યું. પછી હસવાની કોશિશ કરી, “હું તને સુમનને લગ્ન કરવાની ઈચ્છા થઈ રહી છે એની વાત કરતી હતી. વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ!”

એકાએક બન્નેને ભાન થયું કે તેઓ એક માલની ફૂડ કોર્ટમાં બેઠાં છે. આસપાસની ચહલપહલના અવાજો પાછા સપાટી પર સળવળવા લાગ્યા. રુપાલી મોં ફેરવીને કશેક દૂર જોવા લાગી. આ જ ફ્લોરનો સામેનો અડધો હિસ્સો જાતજાતની રાઈડ્સે રોકેલો હતો. ધડધડાટ કરતું એક મિની રોલરકોસ્ટર લોખંડી વણાંકો પરથી ઊંચકાતું, પછડાતું, અમળાતું પસાર થતું ગયું અને ચીસાચીસના અવાજોથી વાતાવરણ ધ્રૂજી ગયું.

“અહીં સાવ નાના બચ્ચાઓ માટે પણ કેટલી સરસ રાઈડ્સ છે!” રુપાલીનું ધ્યાન હજુ બીજી તરફ હતું, “પેલી પિન્ક ફ્રોકવાળી બેબીના ગાલ તો જો! ચો ચ્વીટ!”

મમ્મીની ગોદમાં ઉછળકૂદ કરી રહેલી એ નાનકડી બાળકી ઢીંગલી જેવી દેખાતી હતી. માયા આનંદપૂર્વક જોઈ રહી. અચાનક એની આંખો વહેવા માંડી. આ વખતે વધારે સ્પષ્ટપણે, વધારે તીવ્રતા સાથે. રુપાલી ચમકી. એનો જીવ ચૂંથાવા લાગ્યો.

“માયા, પ્લીઝ. આપણે મજા કરવા માટે ભેગાં થયા છીએ. તું કેમ વાતવાતમાં ઢીલી પડી જાય છે?”

માયા શાંત રડતી રહી. આ વખતે રુપાલીએ એને અટકાવી નહીં. કદાચ માયાને જરુર છે રડી લેવાની, મનમાં જમા થઈ ગયેલા વિષાદને પુનઃ વહેવા દેવાની. થોડી વારે એ સ્વસ્થ થઈ. રુમાલથી ચહેરો સાફ કર્યો, “સોરી.”

“નો! આઈ એમ સોરી, માયા. મારે બચ્ચાઓનો ટોપિક કાઢવાની જરુર નહોતી.”

“ઈટ્સ ઓલરાઈટ. ખબર નહીં અત્યારે શું થઈ ગયું, બાકી હું હવે કઠણ થઈ ગઈ છું...” માયાએ બહુ કોશિશ કરી, પણ અવાજમાંથી પીડાના પરપોટા વગર રહૃાા નહીં, “મનનું કંડીશનિંગ કરી નાખ્યું છે મેં. બાળક નથી તો નથી. બસ, સ્વીકારી લીધંુ છે.”

રુપાલી ઉકળી ઉઠી. એ ખુદને રોકી ન શકી, “માયા, તારો જ વાંક છે. તું ફિઝિકલી ફિટ છે, મોક્ષ ફિઝિકલી ફિટ છે, યુ લવ ઈચ અધર, બન્નેને બાળકો ગમે છે, બન્નેને બાળકો જોઈએ પણ છે... તેં મોક્ષનો વિરોધ કેમ ન કર્યો? તું શું કામ બધું આસાનીથી સ્વીકારી લે છે? ખુદને ટોર્ચર કરતાં રહેવામાં તને મજા આવે છે, માયા?”

માયા કશું ન બોલી. ફકત મ્લાન હસી. સૂકાઈ ગયેલું પાંડદુ ખરતું હોય એમ. પછી ધીમેથી બોલી, મોક્ષ તો નાનાં બચ્ચાં પાછળ પાગલ છે... મારા કરતાંય વધારે.”

“શું મતલબ છે એનોે?” રુપાલી તમતમી ઉઠી, “મને ક્યારેક એટલો બધો ગુસ્સો આવે છે તમારા બન્ને પર...” એ ઊભી થઈ ગઈ. એનો મૂડ ખરાબ થઈ ચૂક્યો હતો, “ચલ. નીકળીએ.”

માયા પણ ધીમેથી ઊભી થઈ. એસ્કેલેટર પર ગોઠવાઈને બન્ને ધીમે ધીમે નીચે ઊતરતાં ગયાં. એક ભારઝલ્લું અર્થસૂચક મૌન એમની વચ્ચે સળવળતું રહૃાું, ક્યાંય સુધી.

૦ ૦ ૦

અકસા બીચ પર હજુ સૂર્યાસ્ત થયો નહોતો. મોક્ષ અને રિતેશ પેન્ટને નીચેથી ફોલ્ડ કરીને ધીમે ધીમે ઠંડી રેતી પર ટહેલી રહૃાા હતા. રજાનો દિવસ હતો એટલે બીચ પર ખાસ્સી વસ્તી હતી. થોડે દૂર મુકતાબેન ખાવાપીવાનો સામાન લઈને ચટાઈ પાથરીને બેઠાં હતાં. એમની નજર સુમન અને રીની પર હતી. રીના એટલે વોચમેન જોસેફની સાત વર્ષની દીકરી. જોસેફ ક્યારેક એને બંગલા પર લાવતો. સુમનની ઉંમર રીના કરતાં ત્રણ ગણી હતી, પણ બન્નેને એકબીજાની સાથે બહુ મજા આવતી. અત્યારે બન્ને દોડાદોડી કરતી ફ્લાઈંગ ડિશથી રમી રહી હતી.

“તું મને અહીં શું કામ લાવ્યો છે?” રિતેશ ઊભો રહી ગયો. ગણેશની રંગ ઉડી ગયેલી નાની પ્રતિમા પર એનો પગ આવતાં આવતાં રહી ગયો, “ભગવાનની મૂર્તિઓે પગમા ં આવે એે મને બિલકુલ ગમતું નથી, યાર. ખરેખર તો મૂર્તિઓને દરિયામાં પધરાવવાનો રિવાજ જ ખોટો છે. એમાંય અહીં તો મેં ક્યારેય સ્વચ્છતા જોઈ જ નથી. આ જો! પ્લાસ્ટિકના ગ્લાસ, છુટ્ટાં ચપ્પલ, નાળિયેરનાં છોતરાં... ”

“તું કેમ આટલો બધો કકળાટ કરે છે, દોસ્ત?” મોક્ષ મુસ્કુરાયો, “આ અકસા બીચ છે, માયામી બીચ નહીં. અહીં આવું જ રહેશે!”

“મને એ સમજાતું નથી કે બીચ પર તને શું મજા આવી જાય છે? સી-ફેસિંગ ઘરમાં તું જન્મ્યો છે. દરિયો જોઈ જોઈને તું હજુ કંટાળ્યો નથી?”

“બિલકુલ નહીં. કોલેજમાં હતા ત્યારે આપણે ટોળું વળીને મેગેઝિનોમાં છોકરીઓના ન્યુડ ફોટા જોયા કરતા, યાદ છે? એનાથી ક્યારેય કંટાળતા હતા આપણે? બસ, દરિયાનું પણ નગ્ન સ્ત્રીઓનાં શરીર જેવું છે. દર વખતે એ જુદો જુદો લાગે છે, નવો લાગે છે!”

“ઈનફ! હવે દરિયા પર કોઈ ડિસ્કશન નહીં!”

મોક્ષ હસી પડ્યો. બીચના લગભગ છેડા સુધી પહોંચીને તેઓ પાછા સુમનની દિશામાં ચાલવા લાગ્યા. સૂર્ય ક્ષિતિજને સ્પર્શ્યા વગર જ અસ્ત થવા માંડ્યો હતો. એના સોનેરી પ્રકાશમાં દરિયાની ચામડી પર સરકી રહેલી નાની હોડીઓ સુંદર દેખાતી હતી.

“આપણાં બૈરાં હજુ દેખાયાં કેમ નહીં?” રિતેશે ઘડિયાળમાં જોયું.

“રિતેશ, અત્યારે બૈરાં શબ્દ બોલ્યો એ બોલ્યો, એમની હાજરીમાં બોલતો નહીં. ધે વિલ કિલ યુ!”

“હુ કેર્સ?”

“અચ્છા?”

“જો ભાઈ, તારા જેવી ડીસન્સી ને સ્ત્રીદાક્ષિણ્ય મારામાં નથી. હું તો રુપાલીની હાજરીમાં છૂટથી ગાળો પણ બોલું છે. શરુઆતમાં એને બહુ તકલીફ થઈ જતી હતી, પણ પછી ટેવાઈ ગઈ. છૂટકો જ નહોતો. બૈરીને પ્રેમ કરતાં હો તો બિચારી ઘણું બધું ચલાવી લેતી હોય છે!”

“યુ નો વોટ,” મોક્ષે કહૃાું, “મને પણ લાગતું હતું કે સ્ત્રીઓના મામલામાં હું બહુ ડીસન્ટ અને સ્ત્રીદાક્ષિણ્યવાળો છું, પણ જ્યારથી મિશેલ ઘરમાં ઘૂસી છે ત્યારથી આ બધા ગુણ હવામાં ઓગળી ગયા છે.”

“આઈ ડોન્ટ થિંક સો. તેં હજુ સુધી એના બેગ-બિસ્તરાં ઘરની બહાર ફેંક્યા નથી એ તારું સ્ત્રીદાક્ષિણ્ય જ છે. તારી જગ્યાએ હું હોત તો પહેલાં જ દિવસે... ” રિતેશ અટકી ગયો. એનું ધ્યાન અચાનક ભેળપુરીના સ્ટોલની બાજુમાં ઊભેલી માયા અને રુપાલી તરફ ગયું. એ તેમને શોધતાં ઊભાં હતાં.

“ આ આવ્યાં આપણાં બૈરાં!” રિતેશ જોરથી હાથ હલાવવા લાગ્યો, “હેય... રુપાલી... આ તરફ!”

માયાનું ધ્યાન ગયું. એ અને રુપાલી રેતીમાં સંભાળીને ચાલતાં નજીક આવ્યાં.

“હાઈ!”

“હાઈ! થઈ ગયું શોપિંગ?” મોક્ષે પૂછ્યંુ.

“શોપિંગ તો નથી કર્યું, પણ એના સિવાયનું ઘણું બધું કર્યું છે માયા મેડમે!” રુપાલી મુસ્કુરાઈ, “રોના-ધોના, પીલૂડાં પાડવાં, મૂડ બગાડવો...”

“કેમ, કેમ?”

“બસ, એમ જ!”

“બે બૈરાં બહુ દિવસે મળે એટલે ખૂબ મજા કરે, ખૂબ હસે અને કમસે કમ એકાદ વાર તો રડે જ,” રિતેશ બોલ્યો, “એવો નિયમ છે!”

“શટ અપ!”

માયા આંખો પહોળી કરીને ગુસ્સાને વધારે વળ ચડાવે તે પહેલાં દૂરથી ફેંકાયેલી પ્લાસ્ટિકની લાલ ફ્લાઈંગ ડિશ એના પગ પાસે પડી. રીની અને સુમન દોડતી, ચિલ્લાતી આવી. ઝપાઝપી કરીને, ઝૂંટવીને રીની ડિશ પકડીને મુકતાબેનની દિશામાં ભાગી ગઈ. સુમન એની પાછળ દોડી.

“આ છોકરી વોચમેનની દીકરી છે, રાઈટ?” રુપાલીએ પૂછ્યું.

“હા. રીની. આમ તો ગોવા રહે છે, મામાના ઘરે, પણ આજકાલ છુટ્ટીઓમાં મુંબઈ આવી છે. જોસેફ ક્યારેક પોતાની સાથે બંગલા પર લેતો આવે છે. સુમન બહુ એન્જોય કરે છે એની કંપની.”

“એ તો દેખાય જ છે. બહુ ક્યુટ છે બેબલી.”

“ચાલો ચાલો અહીં નીકળીએ, યાર,” રિતેશે અકળાઈને કહૃાું, “બહુ થઈ ગયું અકસા બીચનું સાઈટ-સીઈંગ. મારું ગળું સૂકાય છે. કોઈ મસ્ત જગ્યાએ જઈને બેસીએ. ખાઈએ-પીઈએ.”

“ઓહ યેસ. જસ્ટ મુકતાબેનને કહી દઉં,” મોક્ષે બે-ચાર ડગલાં આગળ વધી મુકતાબેનને ઊંચા સાદે સૂચના આપી, “મુકતાબેન... અમે લોકો જઈએ છીએ. રાત્રે ઘરે લેટ પહોંચીશું. તમે પણ છોકરીઓને લઈને અંધારું થાય તે પહેલાં જલદી નીકળી જજો.”

માયા અને રુપાલી-રિતેશ એને તાકી રહૃાાં હતાં.

“મને શું જુઓ છો?” મોક્ષ પાર્કિંગ તરફ ચાલવા લાગ્યો, “લેટ્સ ગો!”

સૌએ પગ ઊપાડ્યા. માયાએ છેલ્લી વાર છોકરીઓ તરફ નજર ફેરવી. એ થંભી ગઈ.

રીની...

અચાનક, કોણ જાણે કેમ રીનીને જોઈને માયાનાં હ્ય્દયમાંથી એક ટીસ ઉઠી ગઈ. એક ન સમજાય એવી અજાણી ટીસ...

ષ્ઠ

ષ્ઠષ્ઠ૦ ૦ ૦

“હેય આર્યમાન... ” મિશેલ ઉત્તેજિત થઈને ફોન પર કહી રહી હતી, “તારો ફોન કેમ બંધ હતો બે દિવસથી? ઓલ વેલ? ઈન્ડિયા આવવાનું કેન્સલ તો નથી કરી નાખ્યુંને? એક મિનિટ...”

મિશેલ ટેરેસ-બાલ્કનીમાંથી બેડરુમમાં આવી ગઈ. કાચના સ્લાઈડિંગ ડોર બંધ કર્યા અને શરીરને પલંગ પર ફેંક્યું.

“યાહ... હવે બોલ! વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ છે?”

“ના. કેથે પેસિફિકની,” આર્યમાન કહી રહૃાો હતો, “સિડની ટુ બોમ્બે વાયા ન્યુ ડલી. સાડાસોળ કલાક.”

“આઈ નો. કેટલા વાગે લેન્ડ કરીશ?”

“એ બધી ડિટેલ્સ હું તને મેસેજ કરું છું, પણ તારે એરપોર્ટ આવવાની જરુર નથી. હું ટેકસી કરીને આવી જઈશ. આઈ વિલ મેનેજ.”

“શ્યોર?”

“યપ્પ! તું બસ તૈયાર રહેજે...ટોપ ટુ બોટમ!” આર્યમાનના પૌરુષિક અવાજમાં ગરમી આવી ગઈ, “કાન્ટ વેઈટ!”

મિશેલ મૌન થઈ ગઈ. ખામોશી વધારે ખેંચાઈ એટલે આર્યમાનને આશ્ચર્ય થયું, “મિશેલ, ઓલ ઓકે?”

“યાહ...” મિશેલ ગંભીર થઈ ગઈ હતી, “બસ, તું અહીં આવે તે પહેલાં મારે એક કામ પતાવવાનું છે!”

“ક્યું કામ?”

મિશેલ ચુપ રહી.

“મોક્ષનું કંઈ છે?”

“હા.”

“શું?”

“એ બધું હું તને ફોન પર નહીં કહી શકું,” મિશેલની આંખો ચકળવકળ થવા માંડી, “મૂકું છું. તું મને ફલાઈટની ડિટેલ્સ મેસેજ કર.”

ફોન ડિસકનેકટ થતાં જ મિશેલના રંગઢંગ બદલાવા લાગ્યા. રાત્રીના અગિયાર થઈ ગયા હતા. એણે અડધો દાદરો ઉતરીને ફર્સ્ટ ફ્લોરના બન્ને બેડરુમ દૂરથી ચકાસી લીધા. સુમન-મુકતાબેન સૂઈ ગયાં છે અને મોક્ષ-માયા ઘરમાં નથી. આ જ યોગ્ય સમય છે!

પાછા કમરામાં આવીને મિશેલે મંત્રોચ્ચાર શરુ કરી દીધા. કાળું વન-પીસ ટોપ પહેરી આંખોને કાળા આંજણથી મઢી દીધી. ગળામાં વિચિત્ર મણકાવાળી પાંચ-છ માળા પહેરી, પેગન વિધિનો સરંજામ લઈ, ચોર પગલે પગથિયાં ઉતરી, મોક્ષના બેડરુમમાં ઘૂસી. લાઈટની સ્વિચ આન કરવાની તસ્દી લીધા વિના ડબલબેડ તરફ મોં કરીને ફર્શ પર પલાંઠી વાળીને બેસી ગઈ. અસ્ખલિત મંત્રજાપ વચ્ચે અંધારા ઓરડામાં જાડી લાલ મીણબત્તી જલાવી, કાચના નાનાં પાત્રમાં કશોક અજાણ્યો પદાર્થ સળગાવ્યો. તે સાથે એક વિચિત્ર ગંધ તેજીથી પ્રસરવા માંડી. પોતાની આસપાસ ફરતે એક પછી એક દસ સફેદ મીણબત્તીઓ પ્રગટાવીને એ ટટ્ટાર થઈને બેઠી. એની આંખો સતત લાલ મીણબત્તીની ફગફગી રહેલી જ્યોત પર જડાયેલી હતી. મિશેલનો અવાજ ઊંચો ચડતો ગયો, ચહેરો તંગ થતો ગયો. વહેતી જતી ક્ષણોમાં ખોફ ઘૂંટાતો ગયો. મંત્રતંત્રમાં એ એટલી રમમાણ થઈ ગઈ હતી કે મોક્ષ-માયા બંગલામાં પ્રવેશીને દાદરો ચડવા માંડ્યાં ત્યાં સુધી મિશેલ પોતાની જગ્યા પરથી હલી નહીં.

મોક્ષનો ચહેરો બદલાવા માંડ્યો હતો.

“ફરી પાછું આ શું થઈ રહૃાું છે આપણા ઘરમાં, માયા?”

“તું પ્લીઝ શાંતિ રાખ... ” માયાને ગભરાટ થઈ ગયો, “મિશેલ એની કોઈ વિધિ કરતી લાગે છે...”

“અરે પણ આ ગંધ શાની છે? એવું તે શું સળગાવે છે મિશેલ? માથું ફાટી જાય છે આ ગંધથી...”

ફર્સ્ટ ફ્લોર પર પહોંચતાં જ બન્ને આંચકો ખાઈને ઊભાં રહી ગયાં. પેલી તીવ્ર વાસ એમના જ બેડરુમમાંથી આવી રહી હતી.

“વોટ ધ હેલ ઈઝ ઘિસ? ” મોક્ષનો ક્રોધ ફાટી નીકળ્યો, “આ છોકરી આપણા રુમમાં વિધિ કરી રહી છે?”

માયા ફાટી આંખે બંધ દરવાજાને તાકવા લાગી.

“આજે તો એક ઘા ને બે કટકા કરવા જ પડશે...”

બેકાબૂ બની ગયેલા આખલાની જેમ મોક્ષ પોતાના બેડરુમ તરફ ધસ્યો. માયા પણ ઢસડાઈ. મોક્ષે ધક્કા સાથે દરવાજો ખોલી નાખ્યો. જાણે આ ક્ષણ માટે પહેલેથી સજ્જ હોય તેમ મીણબત્તીઓના વર્તુળ વચ્ચે બેઠેલી મિશેલે આંચકા સાથે મોક્ષ તરફ જોયું.

... અને જાણે સાવ નાક પાસે અચાનક લાલચોળ અગ્નિની પ્રચંડ જ્વાળા ભભૂકી ઉઠી હોય એવી જબરદસ્ત ઝાળ મોક્ષને લાગી! તે સાથે જ કોઈ અદશ્ય હાથોએ પ્રચંડ તાકાતથી ધક્કો માર્યો હોય તેમ એ દૂર ફેંકાઈ ગયો. મોક્ષની સાથે માયા પણ ઉથલી પડી. એના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ. કોઈએ શરીર પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી દીધી હોય એવી કાળી બળતરા બન્નેને થઈ રહી હતી. સમજાતું નહોતું કે એકાએક આ શું થઈ રહૃાું છે. ફર્શ પર પટકાયેલો મોક્ષ બેબાકળો થઈ ગયો.

‘‘માયા...?’

માયા કશું બોલી શકવાની સ્થિતિમાં જ નહોતી. એના મોંમાંથી ફકત દબાયેલો ઊંહકારો નીકળ્યો. મોક્ષે ટેકો દઈને એને બેઠી કરી. બન્નેએ લગભગ એકસાથે સામે જોયું.

ચહેરા પર ભયાનક ખૂન્નસ આંજી ઊભેલી મિશેલ બન્ને પર હજુય ત્રાટક કરી રહી હતી!