“વાત આ મઝાની!!”
"વાત માં જાણે એમ છે કે આજકાલ લગ્નની સીઝન ચાલે તો થયું થોડા વિચારો એના પર પણ પાથરી દઈએ, વિચારોમાં તો જાણે કે ઘણું બધું લખાય એવો વિષય છે આ પણ વધારે કાંઈ ના કહેતા થોડી અગત્યની વાતો કરીએ તો મઝા પણ આવશે અને મેં વિચારેલું કેટલું સાચું ને કેટલું ખોટું એ પણ ખબર પડશે તમે અભિપ્રાય આપશો એટલે.. તો શરુ કરીએ?
"લગ્ન એક એવો લાડવો, જે ખાય ઈય પસ્તાય ને ના ખાય ઈય પસ્તાય, પણ ખાઈને પસ્તાવું સારું, અફસોસ ના રહી જાય! લગ્નમાં પાછા ૨ પ્રકાર આપ્યા છે, ૧) "LOVE MARRIAGE " ૨) ARRANGE MARRIAGE ". લગ્નની વાત આવે એટલે કહેવાય કે છોકરો-છોકરા મોટા ને સમજદાર થઇ ગયા છે, હવે એમનો સુખી સંસાર ચલાવી શકે એવી શક્તિ એમનામાં આવી ગઈ છે. ખરું ને??? આવું ઘરવાળા સમજતા હોય છે સાહેબ...."લગ્ન" એ ખુબ જ પવિત્ર બંધન છે દોસ્ત, જેમાં બંને ના તન-મન એક થાય, બંનેના પરિવારજનો સાથે આપમેળ બેસે, બંનેનો પરિવાર એક ગણાય અને પ્રેમ ને વિશ્વાસના મજબૂત તાંતણાથી બંને પરિવારની ડોર બંધાઈ જાય. ૨૧મી સદીના પ્રેમીપંખીડા ખબર નહિ લગ્નને મઝાક બનાવી ને મૂકી દીધી છે. "ગામ આખામાં હીરો પણ સહનશક્તિના નામ પર ઝીરો".સંબંધ થાય લગ્ન થાય ૨-૫ વર્ષ બધું ચાલે પછી બંનેને ખબર નહિ ક્યાં થી વાંધા-વચકા પાડવા લાગે છે કે વાત જ ના પૂછો.. અને આ આજના જમાના જ થાય છે એવું નથી, આ આતો વર્ષોથી ચાલતું આવ્યું છે પણ હમણાં થી એનો "RATIO " ખાલી થોડો વધી ગયો છે. હકીકતમાં થાય છે શું એ જોઈએ ચલો..
સમય સાથે આશા ને અપેક્ષા વધે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી.. માનવસહજ સ્વભાવ છે અને એ અપેક્ષાઓ પુરી કરવામાં થોડી પણ કચાસ આવે એટલે એક નવી વસ્તુનું સર્જન થાય છે એ છે "ઝગડા, મનમોટાવ..એક સાદુને સરળ ગણિત છે. તમે જે કાંઈ પણ કરો એ "NATURAL " રહીને કરો, તમે જેટલું કરી શકો છો એટલું જ કરો ને, જેવા તમે છો એવા જ રહો ને, પોતાની જાતને બદલીને તમે સામે વળી વ્યક્તિની નજીક જવાની કોશિશ કરશો શરૂઆતમાં ગમશે પછી તમે તમારી "ORIGINALITY " ને બહાર લાવવાની કોશિશ કરશો ત્યારે શું થશે?? "તમે પહેલા આવા નહોતા, તું પહેલા મને સમજતી હતી, ETC .... "પહેલા" અને "અત્યારે" આ બંને શબ્દને તમારી "PERSONAL LIFE " માં ના આવવા દેશો.
ઝગડાની શરૂઆતમાં પત્ની તરફથી આવતા શબ્દો આવા હોઈ શકે..."તમે પહેલા આવું નહોતા કરતા, તમને પહેલા બધું જ ગમતું તું, તમે હવે પહેલા જેવા નથી રહ્યા, તમને આપણા સંબંધમાં રસ જ નથી આખો દિવસ કામ જ કામ, તમે મને સમજતા જ નથી, તમે પહેલા બધું જ માનતા હતા મારુ અને હવે?, તમને તકલીફ થાય છે હવે મારી દરેક વાત થી, હવે તો હું ગમતી જ નથી તમને, ETC .... સામે જવાબમાં પણ સાહેબશ્રી કાંઈ પાછા થોડી પડે??? "તું પહેલા બધી વાત માં રોક-ટોક નહોતી કરતી, મારા જાડા-પતલા હોવાનો તને કાંઈ ફરક નહતો પડતો, તું પહેલા આટલા ઝગડા નહોતી કરતી, તું પહેલા બધું જ સમજતી હતી, તને આજે નાનીનાની વાતમાં તકલીફો થાય છે, તમે બૈરાઓ પુરુષની ભાવનાઓને સમજતા જ નથી, કોઈ માણસ બહારથી આવે એની સાથે આમ ઝગડાતું હશે? પ્રેમથી ૨ શબ્દ બોલતા પણ નથી આવડતું તને, દિવસ-રાત બસ ફરિયાદોના જ પોટલાં ખોલે છે.... ETC .... તું આમ, તું તેમ, ETC ...."
મને સવાલ એ થાય છે કે "લગ્ન કર્યા ત્યારે નહોતી ખબર કે "લગ્નજીવન" આને જ કેહાય?? નાના-મોટા ઝગડા, એકબીજાને કારણ વગર બોલવું, ગુસ્સો કરી એકબીજાને મનાવવું, અને પછી ફરી બધું જ ભૂલી નવા ઝગડા તરફ પ્રયાણ કરવું, હા હા હા..... સમય જતા આશા-અપેક્ષા વધે જ, સમજી શકાય પણ ઉંમર થાય એમ "સમજશક્તિ, સહનશક્તિ, સમજદારી ,પરિપક્વતા વધવી ના જોઈએ ????? આપો જવાબ હવે....તમે જેવા છો એવા જ તમારા ભાવિ પાત્રને ગમશો તો જ સંસારમાં મઝા આવશે. હા, બદલાવ જરૂરી હોય છે જીવનમાં પણ એક કહેવત તો યાદ જ હશે ને? "પ્રાણ-પ્રકૃતિ" જોડે જ જાય. બદલવાની કોશિશ જરૂર કરો પણ "સ્વભાવ" નહિ, "આદત".. "આદત" બદલી શકાય "સ્વભાવ" નહિ.. જરૂરી નથી કે "સ્વભાવ" ના જ બદલાય પણ સમય લાગે અને જરૂરી નથી કે "સ્વભાવ" બદલવો જ.. સમય સાથે ચાલીને એ સ્વભાવને પસંદ કરવો એ પણ એક સારી રીત છે...
જેમ તમે પૈસામાં રોકાણ કરો છો, તો સમય આવતા એ વધે છે. બરાબર ને?તો પછી સમય જતા સંબંધમાં કરેલું રોકાણ સંબંધને વધારે ગાઢ બનાવે છે સાહેબ એમાં આપણે "ડાઇવોર્સ" નામના પ્રાણીને જન્મ આપી દીધો છે. બધા જ ઝગડાનું મૂળ કારણ શું છે??? "EGO " બહુ વિચારવા જેવી વાત છે. કોઈને નીચા નમવું નથી એ પછી પતિ હોય કે પત્ની, બંનેને પોતાનું કહ્યું જ ચલાવવું છે જીવનમાં.. અરે! દોસ્ત. સંબંધ તમારી બંનની મંજુરીથી જ બંધાયો છે ને? તો પછી લગ્ન જીવનમાં આવતી દરેક પરિસ્થિથિનો સામનો સાથે રહીને કરો ને. શું કામ એક બીજાની સામ-સામે આવી જાઓ છો??? થોડી સહનશક્તિ વધારી દોને, થોડા નીચા નામી જાઓને, થોડું જતું કરતા શીખી જાઓને. શું ફરક પડે છે? જો તમારા ઝૂકી જવાથી સામે વાળા વ્યક્તિનો "EGO " સંતોષાય છે અને સંબંધ બચી જાય છે તો! એક દિવસ એ વ્યક્તિને અહેસાસ થશે જ.. સમય સૌથી મોટી દવા છે સાહેબ, "ઘાવ કિતના ભી ગહેરા ક્યુ ના હો, વક્ત કે સાથ ઝખ્મ ભાર હી જાતે હૈ!" આ બહુ જ સાચું કહ્યું છે જેને પણ કહ્યું છે.કોઈક જગ્યાએ સરસ વાંચ્યું હતું મેં કે,
"દૂર થવાના ૧૦૦૦ કારણ ભલે હોય પણ સાથે રહેવાનું એક કારણ પણ
એટલું મજબૂત હોય છે કે એ ૯૯૯ કારણને બાજુમાં મૂકી શકે."
માણસને "સજ્જન માણસ" બનવાની જરૂર છે બાકી બધું તો આપોઆપ સમય અને કર્મો સાથે સારું થઇ જ જવનું છે દોસ્ત. એક વ્યક્તિ બીજી વ્યક્તિને સમજી જાય તો "PROBLEM SOLVED " સાહેબ..
સંબંધને પ્રેમની સાંકળથી બાંધો નહિ તો ચાલશે પણ એને લાગણીઓના છાંટાથી ભીંજવતા રહો, જેમ ગુલાબની સુગંધ અને ગુલાબનું સ્વરૂપ બંને કરમાઈ ના જાય એ માટે પાણીનો છંટકાવ જરૂરી છે એમ સંબંધોને તાજા રાખવા ક્યારેક લાગણીઓને ભીંજાવવી જરૂરી છે. "સંબંધને ક્યારેય સુકાવા ના દો" બસ પછી જોવો તાજા ફૂલોની સુગંધની જેમ એક નવી જ તાજગી તમારા જીવનમાં ભરાઈ જશે. તકલીફો દરેક સંબંધમાં પડે છે જ છે અને સમય કસોટી ના લે એ શક્ય નથી અને એમ પણ કાંટાઓમાં જ ગુલાબ ખીલે. તકલીફ બધે જ પડશે બસ સાંભળતા શીખવું પડશે એ પછી સંબંધ હોય કે જિંદગી.. પરખ સોનાની જ થાય લોખંડની નહિ, એમ કસોટી સાચાની જ થાય ખોટાની નહિ.. સંબંધોને પ્રેમ, વિશ્વાસ, લાગણીઓથી તરબતર રાખો પછી જોવો મઝા જિંદગીની!!
સંબંધમાં કોઈની સાથે જોડાવો ત્યારે એક વાત હંમેશા યાદ રાખો કે સામે વળી વ્યક્તિનું વ્યક્તિત્વ ખોવાઈ ના જાય. પતિ હોય કે પત્ની, બંને લગ્નગ્રંથીમાં જોડાયા એ પહેલા બંનેનું એક અલગ અસ્તિત્વ હતું, બરાબર ને? તો બસ લગ્ન પછી એ અસ્તિત્વ વધારે નિખરી જવું જોઈએ દોસ્ત, એ કોઈ કાળી અંધારી કોટરીમાં પુરાઈ ના જવું જોઈએ. એટલું ધ્યાન રાખજો કે એ વ્યક્તિના વ્યક્તિત્વને એની પાસેથી છીનવી ના લેતા દોસ્ત, માણસ આખો તૂટી જાય છે સાહેબ જયારે એને પોતાની અસ્તિત્વની તલાશમાં નીકળવું પડે અને ઘણું બધું શોધ્યા પછી એનું ખુદનું અસ્તિત્વ એક કાળી કોટરીમાં બંધ પડેલું મળે... વિચારવા જેવી વાત!
"તમારા "તમે"(ભાવિ પાત્ર)ની પોતાની "LIFE " છે એને અનુભવવા તો દો,
લગ્ન કરી સાથે જ છે તમારી પણ એને જીવવા તો દો,
જજ બની સવાલોના ટોપલા ઉતારતા પહેલા એમને કાંઈક કહેવા તો દો,
સાંકળની જેમ બાંધવાથી સંબંધ નથી રહેતા એમને પ્રેમનો પવન અડવા તો દો,
અતિની ગતિ ને રોકી લો, થોડો સમય રોકાઈને જોવા તો દો,
સમય સાથે ચાલે એ જ જીતે, પણ સમય પર એ વિશ્વાસ રાખી તો જો,
સુખને શોધવા ફાંફાં મારતાં પહેલા સુખ શું છે એ સમજી તો જો,
જોઈએ એ બધું મળે જ છે એ પહેલા ધીરજનું ફળ ખાઈ તો જો."
ઘણું બધું કહી શકાય આ વિષય પર તો પણ એક સાથે કહીએ તો મઝા પણ ના આવે ને?
અને હું એકલી જ બોલું, તમે સાંભળો તો પણ!! તો પછી થઇ જાય તમારા વિચારોની આપ-લે?? તમે શું વિચારો છો? શું અનુભવો છો ? તમારા મનમાં આ વિષયને લઇને ઉદ્દભવતા વિચારોના વમળને આપણે સાથે મળીને શાંત કરીએ અને એટલે જ આપણા અભિપ્રાયો મને જરૂરથી કહો એવી આશ સાથે.. અને હા, જરૂરી નથી કે મેં લખ્યું એ બધું સાચું જ હોય, બધાના વિચારો માં ભિન્નતા તો રેહવાની જ.. શરૂઆત મેં કરી હવે આગળ તમે વધો, તો જોઈએ કેવા પાનાં ખુલે છે આપણા નવા સફરના!
"સફર મારો સાથ તમારો" મારુ ફેસબુક પેજ છે, તમે તમારા અભિપ્રાયો મને વોટ્સ અપ કરી શકો છો અને ઇમેઇલ પણ..આભાર ઘણો..
-બિનલ પટેલ.