આજે આ સિઝનમાં પહેલી વાર ખુબ તો ના કહી શકાય પણ પ્રમાણમાં માપસર કહી શકાય એટલો વરસાદમાં પલળ્યો. ઘરેથી નીકળ્યો ત્યારેજ ઝરમર તો ચાલુ જ હતી. પણ તોય હું તો નીકળો કે આજે કદાચ પલળવા મળી જાય. મોટેભાગે ક્યાં તો કંપની પર હોવ કાં તો રાત હોય એટલે પલળવાનું નસીબ મળે નહી. થયું પણ એવુજ હજુ શેરી માંથી બહાર નીકળ્યો ત્યાં મોટી ધારે વરસાદ ચાલુ થયો. હું મન અને મુખ બંનેમાં મુસ્કુરાયો.
જેમ જેમ વરસાદ વધ્યો તેમ તેમ રસ્તામાં બેઠેલા શાકભાજી વાળા અને લારીઓ વાળા આમ તેમ કોઈ આડશ શોધવા ભાગવા લાગ્યા. જેમની પાસે તાલપત્રીની સુવિધા હતી તેઓ તેમની ગોઠવણમાં લાગ્યા. નાના છોકરાઓ નિશાળેથી છૂટતા હતા. તેમની મમ્મીઓ છોકરાઓને પોતાના હાથમાં રહેલી એક છત્રીની છાયામાં આવી જવા વારંવાર નિષ્ફળ પ્રયત્નો કરતી હતી. અને એવીજ રીતે નાના નાના ભૂલકાઓ થોડી થોડી વારે એ છત્રી માંથી બહાર નીકળીને વરસાદના બૂંદોને પોતાના બદન પર ધારણ કરતા કરતા ક્યારેક ખાબોચિયામાં ભરેલા પાણી સાથે મસ્તી કરતા હતા.
આ બધાથી પર, નજીકના એક ચોકમાં 7-8 ગાયો નિત્યક્રમ મુજબ નાખેલો ચારો ચરતી હતી અને મારી જેમ પલળવાનો આનંદ લઇ રહી હતી. ડામર રોડ હોવા છતાં ત્યાં પડેલા ઘાસચારા અને ગાયોએ કરેલા પોદળાને લીધે આજુબાજુ થોડું ગાર જેવું થયું હતું. વધુમાં વરસાદના કારણે તે વાસ પણ મારતું હતું. આ બધું જોતો હું ત્યાંથી પસાર થયો ત્યારે બાઈક ધીમી રાખી, ગૌમાતાને મનોમન વંદન કરી નીકળી ગયો, આમ પણ મારા શહેરમાં ફાસ્ટ બાઈક ચલાવાય એટલી મોકળાશ જ નથી. એ સારું પણ છે.
વાત એમ છે કે આ ભાઈને આવા ઠંડા મોસમમાં રસાવાળા ખમણ ખાવાની તલપ લાગી હતી. આ જનરલી સવારનો જ નાસ્તો છે એટલે સવારે જ મજા આવે, અને આજે કંપની પર પણ નહોતો ગયો તો...
બાઈક લારી પાસે ઉભી રાખીને ફટાફટ લારીની આડશમાં હું પેસ્યો કારણ કે લગભગ આગળનો અડધો ભાગ પલળી ચુક્યો હતો. એક ડીશ ઓર્ડર કરી. ટેવ મુજબ સહેજ રસો એક્ષ્ટ્રા નખાવ્યો ખમણ, સલાડ, સેવ અને ગરમાગરમ ધુમાડા નીકળતો રસો, બધું આમતેમ ઘમરોળીને ચાલુ કર્યું ચમચી વડે આરોગવાનું. મને મજા પડે છે આવા નાસ્તા કરવાની. ભલે લોકો કહે કે એમાં બોવ ગરમ મસાલો આવે અને શરીર માટે સારું નહિ ને ફલાણું ને ઢીકડું. વરસાદ હજુ ચાલુ જ હતો. આટલા વરસાદમાં પણ મારી જેવા 2-3 બીજા નાસ્તાના આશિક આવી પહોચ્યા હતા. અડધા પડધા પલળેલા હતા તોય ખમણનો સ્વાદ કઈક ઓર જ લાગતો હતો. ઉલ્ટાનો આવા ઠંડા વાતાવરણમાં આવી ગરમ ગરમ વસ્તુ ખાવાની વધુ મજા પડે. બીજા કોઈ દિવસોમાં ખાવ છું ત્યારે નાકમાંથી અને આંખમાંથી પાણી નીકળે ઉપરાંત એડકી તો આવેજ. આના પરથી તે રસાના સ્વાદની તો સમજ પડી જ જાય. આજે પણ એડકી તો આવી જ, બાકી ઠંડકે તેનું કામ કર્યું.
પૈસા ચૂકવીને મોબાઈલને રૂમાલની વચ્ચે પેક કર્યો અને પલળવાનું ઓફિશીયલ નક્કી કર્યું. બાઈક ચાલુ કર્યા પહેલા થોડી વાર ઉભો રહ્યો. હારબંધ દુકાનોના પહેલા માળ પર રહેલા પતરા કે છજ્જાની નીચે સૌં કોઈ વરસાદના થોભવાની રાહ જોતા હતા. અમુક અમુક તો રેઇનકોટ પહેરીને પણ આવી રાહ જોતા હતા તે મારી સમજ બહાર હતું. કદાચ તેમને પલાળવા ના મળે તો કઈ નહિ પણ મારી જેવા અમુક ને પલળતા જોઇને આનંદ થતો હશે, એટલું જ હું નક્કી કરી શક્યો.
મેં એન્ફિલ્ડની ચાવી ચાલુ કરી ઇગ્નીશન આપ્યું અને ગિયરમાં નાખીને નીકળ્યો. જાણે કોઈ લાંબી ટ્રીપ પર ગયો હોઉં એવી ફીલિંગ આવતી હતી. વરસાદી બુંદના ટપ ટપ સાથે એન્ફિલ્ડનો ધક ધક અવાજ કૈક અનેરું દૃશ્ય સર્જતા હતા. લગભગ બધા નાસભાગ કરતા હતા તેમની વચ્ચે હું આટલો અલમસ્ત બનીને પસાર થતો હતો. બાઈક બીજા-ત્રીજા ગિયરમાં જ હતી પણ મને તે લોકોના ચહેરાઓના ભાવ વાંચવાનો સમય નહોતો, અથવાતો મને કઈ પડી ન હતી એ બાબતની. રોડ સાફ હતો વાહનોથી, ક્યાંક ક્યાંક પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘરે પાછો પહોંચ્યો અગાસી પર નહાવા જવાનું જ હતું. ઉપરથી બાઈક જોઈ તો વરસાદમાં મસ્ત ધોવાઇ ગઈ હતી, જે કામની મને મોટે ભાગે આળસ આવતી.
અગાશી પર ઉભો રહ્યો, કઈ પણ બોલ્યા વગર દીવાલ સાથે અડકીને, ચપ્પલ પહેર્યા હતા હવે તે પણ કાઢી નાખ્યા અને પગથી પાણીનો સ્પર્શ કર્યો. મજા આવી. ઘણા સમય પછી વરસાદ સાથે આમ થોડો એકાંત મળ્યો. વરસાદ ધીમો પડ્યો અને વધુ ભીંજાઈ શકું એના માટે હાથ ખોલ્યા અને પહોળા કરીને પાળીને ટેકો દઈને ઉભો રહ્યો. વરસાદના અમુક ટીપાં મારા થોડાક લાંબા વાળમાંથી કપાળ પર થઈને બે નેણની એકદમ વચ્ચેથી નાકના ટેરવા પર આવતા હતા, અને જયારે ભારે થાય ત્યારે ટી-શર્ટ પર પડતા. અમુક ડોક પર થઈને પીઠ પર જતા. અમુક મારી વધુ પડતી દાઢીમાં ગુંચવાઈ જતા અને હું હાથ ફેરવું ત્યારે તેની સાથે બહાર આવી જતા. અમુક તો વળી હાથની રુંવાટીપર મોતી બિછાવતા. આ બધામાં એક વાત સાશ્વત એ હતી કે આ બધું મને ખરા અર્થમાં ભીંજવે છે. અને હું એની મશ્કરી કરતો હોઉં તેમ મુછ પર બાજેલા પાણીના બૂંદોને જાતેજ ફૂંક મારીને ફુવારા ઉડતા હોય એવું સેલિબ્રેશન કરું છું.
હવે વરસાદ બંધ થવા આવ્યો છે આકાશ રમણીય અને સ્વચ્છ સુંદર લાગે છે, એકદમ શ્વેત. હું પણ હવે નીચે ઘરમાં જાઉં, નીચે મમ્મીને એક વાતની ચિંતા હતી કે,........
.
.
.
કપડા ક્યારે સુકાશે?? હહાહા
Prince C. Karkar
Email: karkarprince78@gmail.com
Cell/Mo No.: +91 7405560760