friendship day in Gujarati Short Stories by Bhartiben Gohil books and stories PDF | ફ્રેન્ડશીપ ડે

Featured Books
Categories
Share

ફ્રેન્ડશીપ ડે

ફ્રેન્ડશીપ ડે

ભારતીબેન ગોહિલ

ધનાબાપાના ત્રણેય દીકરા ફળિયામાં આવેલ લીમડા નીચે બેસી કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. વાત પૂરી થઈ. છેલ્લે તેઓ એક નિષ્કર્ષ પર આવ્યા, તે સાંભળીને લીમડો એકદમ ભયભીત થઈ ગયો. તેના ડાળી,પર્ણ અને લીંબોળી સહિત તમામ અંગો ધૂજવા લાગ્યા.ત્યાં જ ફરરર કરતું એક પક્ષી આવીને બેઠું. બેઠું તો બેઠું… પણ ડાળીઓ ધ્રૂજે..! ઊડીને ગયું બીજે..ત્યાં પણ ડાળી ધ્રૂજે..! ને આશ્ચર્યચકિત થયેલું પક્ષી પૂછે, “ લીમડા .લીમડા તું કાં ધ્રૂજે ?” ને જવાબ આપવાને બદલે લીમડાથી નિસાસો નખાઈ ગયો. પક્ષીએ તો પોતાની પાંખો ફફડાવી ફફડાવી ને પોતાની સહાનુભૂતિ વ્યકત કરી. પોતે આ ઝાડ પર અવારનવાર આવે તેથી ‘લીમડો તો મારો સગો..!’ એવી લાગણી અનુભવે ! ને હમણા લીમડો મને કાંઈક કહેશે એવી રાહ જોતો કાન માંડે.

લીમડો પણ પક્ષીને સ્વજન માની હૈયું ઠાલવવા માંડ્યો. ધનાબાપાની આગલી પેઢી વખતનો તે તેના આ ફળિયામાં ઊભો હતો. એટલે એની ત્રણ-ત્રણ પેઢીનો સાક્ષી. પરિવારની એક પણ વાત એવી નહીં હોય જે આ લીમડાની જાણ બહાર હોય. લીમડાને એક વાત યાદ આવી ગઈ. “ એક ચોમાસે મેઘો ભારે મંડાયેલો. બંધ થવાનું નામ જ ન લે. બધે પાણી પાણી થઈ ગયેલું. ને પછી તો શેરીમાંથી ફળીમાં ને ફળીમાંથી ઘરમાં. ધનાબાપાનો આખો પરિવાર ગભરાઈ ગયેલો. ને પછી તો પાણી વધતાં આખા પરિવારે મારી ઉપર આશરો લીધો…કિમતી ઘરવખરી સાથે ! બરાબર ચોવીસ કલાકે પાણી ઓસર્યું ને બધાના જીવ હેઠા બેઠા. ધીમે ધીમે સહુ નીચે ઉતર્યા..ને છેલ્લે ધનાબાપા. મારી સામું જોઈ આભાર વ્યક્ત કરવા માગતા હોય તેમ કંઈક બોલવા ગયેલા. પણ બોલી શક્યા નહીં. તે વખતે તેની આંખોમાં જે પાણી ભરાઈ આવેલું તે મને વરસાદના પૂર જેવું જ લાગેલું ! મને ગર્વ પણ થયેલો. એક ફળિયામાં સામસામે રહીએ..ને મારે લીધે એક પરિવાર સલામત રહી ગયો બીજું શું જોઈએ ?”

પક્ષીએ ટહુકો કરીને હોકારો દીધો.લીમડાને સારું લાગ્યું. પછી તો જાણે હવે કદી મળવાના જ નથી તેમ જાણતો લીમડો પક્ષી સાથે વાતોએ વળગ્યો. ને કહે, “ અલ્યા પક્ષી..તારી પાસે તો સુંદર મજાની બે પાંખો છે. ઊડી ઊડીને મોટા શહેરોમાં પણ જાય છે..તને કાંઈ નવું લાગે ?” પક્ષી તરત બોલ્યું, “ લીમડાભાઈ.. વાત જવાદો. મોટા શહેરોમાં તો એક પરિવારના બે ભાઈઓ હોય તો બે ને ત્રણ ભાઈઓ હોય તો ત્રણ. આમ ઘર વસાવે ને તેમ પણ ઘર વસાવે.” લીમડાને આશ્ચર્ય થયું..! “આમ ઘર ને તેમ પણ ઘર..એ શું વળી ?” પક્ષી હસ્યું.વાત આગળ ચાલી. “ ઘર વસાવે એટલે કે પરણે અને નવું ઘર લઈને પરિવારથી અલગ થાય.પોતાનો નવો પરિવાર વસાવે..આમ દિવસે દિવસે નવાં નવાં મકાનોની જરુરિયાત ઊભી થતી જાય. જમીન ખૂટી પડે. નડતાં ઝાડ કપાતાં થયાં તોય

મકાનની ઉપર મકાન ને એની ઉપર મકાન..એમ બાંધ્યા જ કરે..બાંધ્યા જ કરે..”

પહેલા એક નાનકડાં મકાનમાં મોટો પરિવાર રહેતો.હવે તો મો….ટા મકાનમાં નાના નાના પરિવાર રહેતા દેખાય છે. વળી લીમડાની ડાળીઓ ધ્રૂજવા લાગી.તેને યાદ આવ્યું. ધનાબાપા અને તેના દીકરાઓ ખાટલા ઢાળીને છાંયડે આરામથી બેસતા ને ગામના નાના-મોટા સહુ કોઈ આવીને વાતે વળગતા. અહીં ગામની સમસ્યાઓના ઉકેલ આવતા અને નવાં કામોના મંડાણ થાતા. જાણે કોઇ દરબાર ભરાયો હોય તેવો ઠાઠ રહેતો ! હવે તો ધનાબાપા ગયા. ગામલોક આવતું બંધ થયું.બેઠકો વિખેરાઈ ગઈ.બસ હવે તો ઘરે ઘરેથી ટીવીના અવાજ આવ્યા કરે છે. ને માણસ માણસ પાસે જઈ એ રામ રા…મ કરતા તેને બદલે કાને મોબાઈલ રાખી કોઈ ધૂની માણસ રઘવાયો ફરતો હોય તેમ ફર્યા કરે છે.

પેલું પક્ષી હળવેથી ઊડ્યું .વળી બીજી ડાળીએ બેઠું. તેને લીમડાની વાતમાં રસ પડ્યો.

પછી તો બન્નેએ પેટ ભરીને વાતો કર્યે રાખી.ને વાતવાતમાં લીમડાએ પોતાની ગભરામણનું કારણ પણ કહી દીધું. ખતરો હજુ ટળ્યો ન હતો.પણ વાત કરી દેવાથી તેને અકળામણ અને ધ્રૂજારી થોડા ઓછા જરૂર થયા.પક્ષી ટહુકા કરતું કરતું ત્યાંથી ઊડ્યું ને પોતાના સાથીઓ પાસે ગયું,જઈને તેના કાનમાં કઈંક કહી આવ્યું.એકે કહ્યું બીજાને ને બીજાએ કહ્યું ત્રીજાને. ને આમ કરતાં કરતાં વાત ફેલાઈ ગઈ.

બે દિવસ પછી-

એક પક્ષી ફરરર કરતું આવ્યું ને લીમડા પર માળો બાંધવા લાગ્યું.

બીજું પક્ષી ફરરર કરતું આવ્યું ને લીમડા પર માળો બાંધવા લાગ્યું.

ત્રીજુ પક્ષી ફરરર કરતું આવ્યું ને લીમડા પર માળો બાંધવા લાગ્યું.

ને આમ કરતાં કરતાં આખો લીમડો પક્ષીઓથી ભરચક થઈ ગયો. ને આખા ઝાડ પર જ્યાં જુઓ ત્યાં માળા જ માળા. ક્યાંય ખાલી જગ્યા જ નહીં.નાજુક ડાળીઓ તો પક્ષીઓના ભારથી ને માળાના ભારથી નમી પડવા લાગી. કોઈને સરખું બેસાય તેટલી જગ્યા પણ રહી નહીં.

ત્રણ-ચાર દિવસ થયા.ધનાબાપાના ત્રણેય દીકરા લીમડા નીચે આવ્યા.કાંઈક ચર્ચા કરી.અચાનક સૌએ ઉપર જોયું.જેવું જોયું એવું અચરજ થયું…ને પછી તો તેને સૌને માળાથી ભરેલા લીમડાની જગ્યાએ જાજા મકાનોથી સાંકડું થયેલું પોતાનું ફળિયું દેખાવા લાગ્યું. ત્રણેય ભાઈઓ આખરે તો ધનાબાપાના વારસદારો.તરત સમજી ગયા.

ને તેણે નિર્ણય કર્યો.

લીમડો કાપવાનો નથી-

નવાં મકાન બાંધવા નથી-

જે છે તેમાં કશી મુશ્કેલી તો નથી જ…..

ને જેવું આ સાંભળ્યું કે લીમડાના જીવમાં જીવ આવ્યો. પેલાં પક્ષીએ ઈશારો કર્યો ને ભીડથી અકળાયેલાં બધાં જ પક્ષીઓ મુક્ત ગગનમાં ઊડવા લાગ્યાં…પણ પેલું લીમડાનું દોસ્ત પંખી ત્યાં જ બેસી રહ્યું. તેણે અનુભવ્યું..લીમડો હવે સ્વસ્થ થઈ ગયો હતો.ધ્રુજારી પણ ગાયબ થઈ ગઈ હતી.

માનવવિશ્વમાં સહુ “ ફ્રેન્ડશીપ ડે” એટલે કે મૈત્રીદિનની ઉજવણી કરી રહ્યા હતા તેનાથી બેખબર લીમડાની ડાળ પોતાના પક્ષીમિત્રને આનંદથી જુલાવી રહી હતી !!!

*****