Jivan khajano - 2 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન ખજાનો - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવન ખજાનો - 2

જીવન અમૃત

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૨

સંતના વિચિત્ર આશીર્વાદ

નગરમાં એક જ્ઞાની સંત આવ્યા હોવાનું જાણવા મળતા રાજા સંતને મળવા પહોંચી ગયા. સંતે રાજાને આશીર્વાદ આપ્યા,‘સૈનિક બની જાઓ.’ રાજાને આ વાત યોગ્ય ના લાગી. આખા રાજ્યનું સંચાલન જે કરે છે તેને સૈનિક બનવાના આશીર્વાદ આપનાર સંત વિશે વધુ જાણવા તેમણે રાજયના સૌથી વિદ્વાનને સંત પાસે મોકલ્યા.

સંતે તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું. ‘અજ્ઞાની બની જાઓ.’ સંતના આવા આશીર્વાદથી તે નારાજ થઈ ગયા અને રાજાને ફરિયાદ કરી. રાજાએ નગરશેઠને તેમની પાસે મોકલ્યા. તેમને સંતે આશીર્વાદ આપ્યા કે,‘સેવક બની જાઓ.’ શેઠ પણ આવા આશીર્વાદથી ગુસ્સે થઈ રાજાને કહેવા ગયા.

આખા રાજયમાં સંતના આશીર્વાદની ચર્ચા થવા લાગી. દરબારીઓ કહેવા લાગ્યા કે તે સંત નથી કોઈ લુચ્ચો માણસ છે. જેમ ફાવે તેમ બોલે છે. અને સન્માનનીય વ્યક્તિનું અપમાન કરે છે. કોઈએ તો એમ પણ કહ્યું કે તે કોઈ જ્ઞાની સંત નથી. સંતના વેશમાં માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી વ્યક્તિ છે. રાજાને થયું કે સંત વિચિત્ર આશીર્વાદ આપી રાજયના પ્રતિષ્ઠિત વ્યકિતઓનું અપમાન કરી તેમને નીચા બતાવી રહ્યા છે. તે યોગ્ય નથી. તેમણે સૈનિકને મોકલી સંતને રાજ દરબારમાં બોલાવ્યા. અને કહ્યું કે તમે રાજયના સન્માનનીય લોકોને ખોટા આશીર્વાદ આપી તેમનું અપમાન કર્યું છે. તમને દંડ આપવામાં આવશે.

રાજાની વાત સાંભળી સંત હસી પડયા. રાજાએ નવાઈથી તેનું કારણ પૂછયું તો સંત બોલ્યા.‘મને લાગે છે કે આ દરબારમાં બધા મૂરખ છે. કોઈ જ્ઞાની નથી. મેં જેને પણ જે આશીર્વાદ આપ્યા તે યોગ્ય જ છે. એમાં કોઈનું અપમાન થતું નથી. મેં દરેકને તેમનું કર્મ કરવાના જ આશીર્વાદ આપ્યા છે. મેં રાજાને કહ્યું કે તમે સૈનિક બની જાઓ. તેનો મતલબ એ છે કે રાજ્યની સૈનિકની જેમ રક્ષા કરો. સૈનિકનું કામ રક્ષા કરવાનું હોય છે. તેના જેવી ફરજ બજાવીને રાજયને સુરક્ષિત રાખવાની રાજાની જવાબદારી છે. એ અદા કરવાના આશીર્વાદ આપ્યા હતા. વિદ્વાનને અજ્ઞાની બની જવા કહ્યું. તેનો અર્થ એ છે કે વિદ્વાન જ્ઞાની હોય છે. તેને પોતાના જ્ઞાનનું અભિમાન ના આવી જાય એટલે મેં અજ્ઞાની બનવા કહ્યું. શેઠનું કર્તવ્ય છે કે પોતાના ધનથી ગરીબોની સેવા કરવી. એક સેવકની ભાવનાથી તેમણે કર્મ કરવાનું હોય.’

સંતના આશીર્વાદનો અર્થ જાણી રાજાને પોતાના વર્તનની શરમ આવી. અને સંતની ક્ષમા માગી.

લોક માલિકને ભૂલી બેસે,

સંત તું એટલી કમાલ ન કર.

- અદમ ટંકારવી

સંત પાસે જઇ સંત ન થાવ; પણ શાંત તો થાવ.


દુર્ગુણો પર વિજય

એક વખત એક છોકરો પોતાના પિતા સાથે કયાંક જઈ રહ્યો હતો. ત્યારે શોરબકોર સાંભળી તે ઉભો રહી ગયો. એ સમયે રાજા તેમના સિપાઈઓ સાથે કયાંક જઈ રહ્યા હતા. રાજાની આસપાસ પાંચ-છ સિપાઈ ચાલી રહ્યા હોવાથી છોકરાએ કુતૂહલવશ પિતાને પૂછયું, ''આ કોણ જઈ રહ્યું છે?''

પિતાએ કહ્યું, ''એ આપણા રાજયના રાજા છે.''

થોડે દૂર ગયા ત્યારે છોકરાએ જોયું કે ચાર-પાંચ સિપાઈઓ એક વ્યકિતને બાંધીને લઈ જઈ રહ્યા છે. તેને નવાઈ લાગી. અને પિતાને ફરી પ્રશ્ન કર્યો, ''પિતાજી, આ કોણ જઈ રહ્યું છે?''

પિતાએ કહ્યું, ''એ કોઈ ગુનેગાર છે. જરૂર એણે કોઈ ગુનો કર્યો હશે.''

આ જાણીને બાળકને વધારે નવાઈ લાગી. તેણે પૂછયું, ''પિતાજી, એવું કેવી રીતે બની શકે? સિપાઈઓ જોડે જતા એક રાજા છે અને બીજો ગુનેગાર છે.''

પિતાએ હસીને તેને સમજાવતાં કહ્યું, બેટા, ''તારો સવાલ સાચો છે. એ બંનેમાં ફરક છે. રાજા સાથે પાંચ સિપાઈ હતા. તે રાજાને આધિન હતા. તે રાજાના હુકમ પ્રમાણે ચાલતા હતા. બીજો ગુનેગાર હતો. તે સિપાઈઓને આધિન હતો. રાજાએ તેને દંડ આપ્યો હશે. રાજા તેના ભાગ્યના નિર્માતા છે. પણ ગુનેગાર રાજાનું ભાગ્ય નક્કી કરી શકે નહિ. તે પોતાના વિશે પણ કંઈ નક્કી કરી શકે નહિ. તેણે પોતાના ખોટા કામનો દંડ ભોગવવો પડશે. એક રીતે જોઈએ તો બંનેમાં એક શાસક છે અને બીજો દાસ છે. રાજા શાસક છે અને ગુનેગાર ગુલામ છે. એટલે જો મનુષ્ય માયા, અભિમાન, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરી લે તો એ શાસક બની જાય છે. અને જો એના પર વિજય પ્રાપ્ત ના કરી શકે તો એ ગુલામ બની જાય છે.''


બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,અમે જાતની પણ કરી છે સમીક્ષા.

- જિજ્ઞા ત્રિવેદી

આ દુર્ગુણો બીજું કશું નથી, ૫ણ આ૫ણે ઘણા લાંબા સમયથી જાણતાં કે અજાણતાં આ૫ણા મનમાં સંઘરી રાખેલા વિચારોના પ્રતિનિધિ છે.


જીવનનું સત્ય

એક વખત એક ગામમાં સંત મહાત્માની પધરામણી થઈ. તેમને મળવા અને જ્ઞાન - આશીર્વાદ લેવા આખું ગામ ઉમટી પડયું. એક વ્યક્તિએ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો, ''મહાત્માજી, અમે એવું શું કરીએ કે જેથી જીવનની તમામ ચિંતાઓ દૂર થઈ જાય અને કોઈ પણ કામ બાકી ન રહે. આ સાંભળીને મહાત્માજી મધુરું હસ્યા અને બોલ્યા, ''પહેલાં મને થોડા જીવતા દેડકા લાવી આપો. એ પછી તમારા સવાલનો જવાબ આપીશ.'' આ સાંભળીને ગામ લોકોને નવાઈ લાગી. પણ મહાત્માજીનો આદેશ હતો એટલે ગામના તળાવ પાસે ગયા. અને બહુ મુશ્કેલીથી દેડકા પકડી લાવ્યા. એ પછી મહાત્માએ ત્રાજવું લાવવા કહ્યું. ગામ લોકો ત્રાજવું લઈ આવ્યા. એટલે મહાત્માજીએ લોકોને કહ્યું કે હવે દેડકાને તોલીને તેનું કુલ વજન જણાવો.

લોકોને કામ સોંપીને મહાત્માજી જતા રહ્યા. જેણે પ્રશ્ન કર્યો હતો તેણે ગામના લોકોની મદદથી દેડકાઓ તોલવાનો પ્રયત્ન શરૂ કર્યો. ઘણા પ્રયત્ન પછી પણ દેડકાનું વજન કરી શકયો નહિ. એક દેડકો ત્રાજવામાં નાખે તો બીજો કૂદી જાય બીજો નાખે તો ત્રીજો કૂદી જાય. દેડકાઓને ત્રાજવામાં સ્થિર રાખવા મુશ્કેલ હતા.

આખો દિવસ પ્રયાસ કર્યા પછી પણ દેડકાઓનું વજન કરવામાં સફળતા ના મળી. સાંજે મહાત્માજી પાછા આવ્યા.

તેમણે લોકોને દેડકાઓનું વજન કરવાનું બંધ કરવા કહ્યું અને બોલ્યા, ''જે રીતે જીવતા દેડકાઓનું ખુલ્લામાં વજન કરવાનું શકય નથી તેમ જીવનમાં બધું ઠીકઠાક કરીને નિશ્ચિત રહેવું શકય નથી. જીવનમાં ચિંતાઓ તો રહેવાની જ. એ માટે મહેનત, સાહસ, ધૈર્ય, બુધ્ધિ, શક્તિ અને પરાક્રમ જેવા સદગુણો ધારણ કરો અને જીવન પ્રત્યેનું તમારું દાયિત્વ નિભાવો. જીવનનું આ જ સત્ય છે.


જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું,

ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.

તફાવત એ જ છે, તારા અને મારા વિષે જાહિદ!

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

- અમૃત ઘાયલ


જે જીવનની કસોટી થતી નથી તે જીવન જીવવા લાયક નથી.


ચોખાની પરખ

વાત એ સમયની છે જયારે વોલ્ટર હાઈન્સ પેજ અમેરિકાની જાણીતી માસિક પત્રિકા વર્લ્ડસ વર્કસના સંપાદક હતા. એ પત્રિકામાં રચના છપાય એ કોઈપણ લેખક માટે સન્માનની વાત ગણાતી હતી. એટલે વોલ્ટર પાસે રચનાઓનો મોટો ઢગલો રહેતો હતો. જાણીતા- અજાણ્યા અનેક લેખકો પોતાની રચના મોકલતા રહેતા. દરરોજ તેમણે અનેક રચનાઓ સ્વીકૃત-અસ્વીકૃત કરવી પડતી હતી.

એક વખત એક લેખકનો એમને પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું કે ગયા સપ્તાહે તમે મારી રચના સખેદ પરત કરી દીધી. મારો દાવો છે કે તમે મારી રચના વાંચી જ નથી. મારું માનવું સાચું જ હતું કે તમારા જેવા સંપાદકો પોતાના કામમાં પ્રામાણિક હોતા નથી. એની પરિક્ષા માટે મેં મારી વાર્તાના વચ્ચેના પાનાંને ચોંટાડી દીધા હતા. તમે જયારે મને વાર્તા સખેદ પરત કરી ત્યારે પણ એ પાનાં ચોંટેલા જ હતા. મતલબ કે તમે મારી વાર્તા આખી વાંચી જ નથી. આ બાબત તમારા વ્યવસાય પ્રત્યેની અપ્રામાણિકતા છે. અને એ સાબિત થાય છે કે તમે સારા લેખકોને બદલે મસ્કા મારતા લેખકોને પત્રિકામાં વધુ સ્થાન આપો છો.

લેખકનો પત્ર વાંચીને વોલ્ટરે જવાબ આપ્યો. ''મહાશય, તમારું જ્ઞાન હજુ કાચું છે. માટલામાં ચોખા પાકી ગયા છે કે નહિ તે જોવા માટે એક જ દાણાને તપાસવો પડે છે. આખા માટલાના ચોખાને જોવાની જરૂર રહેતી નથી. જો પહેલો ચોખાનો દાણો કાચો છે તો બાકીના બધા જ દાણા કાચા હશે.'

આ જવાબ વાંચીને લેખકને પોતાની વાત પર શરમ આવી.

લેખકે વિનમ્રતાથી માફી માંગતો પત્ર લખી વોલ્ટરને કહ્યું કે, ''આજથી તમે મારા ગુરૂ છો. તમે નાનકડા ઉદાહરણથી મને મોટું જ્ઞાન આપ્યું છે. હવે હું માટલાના બધા જ ચોખા પાકે એવો પ્રયાસ કરીશ. મેં જ્ઞાનમાં તમને ઓછા આંકવાની કોશિશ કરી તેનો મને અફસોસ છે.''


બોલ્યા પંડિત પતંગિયું જોઈ

'કયારે પકડું, ને જ્ઞાન આપી દઉં!'

જનનીની ગોદમાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે, તે વેદોમાં ગોથા મારવા છતાં મળતું નથી.