Khanjar in Gujarati Short Stories by Madhu Rye books and stories PDF | ખંજર

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

ખંજર

ખંજર

નિમિષા દલાલ

અભ્યાસ સાયન્સના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, ફેશન ડિઝાઇનિંગનો ડિપ્લોમા. અનેક પત્રિકાઓમાં રચનાઓ પ્રકાશિત. ‘લેખિની’ સામયિકમાંની વાર્તા ‘વારસ’ને, રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં ‘અડધીમા’ વાર્તાને અને ‘દીદી, ‘મારી દીદી.’ વાર્તાને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક આદિ ઇનામો મળ્યાં છે. હાલ ‘વાર્તાસભા’ નામનું ગ્રૂપ શરૂ કર્યું છે, જેમાં સ્થાનિક વાર્તાકારોનું માર્ગદર્શન મેળવી લેખન સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ.

***

મોનાએ ધીમેથી આંખો ખોલી. તેને થોડાં ચક્કર આવી રહ્યાં હતાં. તેણે આજુબાજુ નજર કરી. એક મોટો ભવ્ય ઓરડો હતો, જેમાં વિશાળ પલંગ પર તેને હાથપગ બાંધીને સુવાડવામાં આવી હતી. મોં પર સ્કાર્ફ બાંધેલો હતો. મોનાએ હાથ ગોળ ગોળ ફેરવીને છૂટવાની કોશિશ કરી.

“નહીં છૂટે એમ સરળતાથી. મારા માણસોએ બાંધ્યા છે તારા હાથ.” મોનાએ અવાજની દિશામાં જોયું. પાર્થ? એ ચમકી. પાર્થ? અહી ક્યાંથી? અને હું? છેલ્લે તેણે શિલ્પા સાથે કોફી પીધી હતી, એટલું યાદ આવ્યું. અરે હા, શિલ્પા સાથે કોફી પીવામાં પાર્થ પણ તો સાથે હતો. શિલ્પા, મોનાની મા. પિતાના અવસાન પછી મોના કદી પોતાની માને દુઃખ થાય તેવું કરતી નહોતી. પાર્થ તેમના ઘરે મહેમાન બનીને આવ્યો હતો. પોતે પાર્થને ઓળખતી હતી, કદાચ મા નહોતી ઓળખતી, એટલે જ તો એને આટલા પ્રેમથી કોફી પીવડાવી હતી.

પાર્થને પોતાની પાસે આવેલો જોઈ મોના પલંગ પર જ થોડી ખસી. પણ.

“કશું નહીં કરું, ડર નહી. હું તને પ્રેમ કરું છું.” પાર્થે મોનાના મોં પરથી સ્કાર્ફ ખોલી નાખ્યો. મોનાને થોડી હાશ થઈ, પણ ગુસ્સા પર કાબૂ ના રહ્યો.

“તારી હિંમત શી રીતે થઈ?”

“તું ગુસ્સામાં પણ એટલી જ સુંદર લાગે છે.” પાર્થે ખંધુ હસતા મોનાના ચહેરા પરની વાળની લટ સાથે રમતા કહ્યું. મોનાએ તિરસ્કારભરી નજર પાર્થની આંખોમાં નાખી, ને પાર્થ થોડો પાછળ ખસ્યો.

“તું ગમે તેટલી મને નફરત કરે, પણ મારો તારા માટેનો પ્રેમ ઓછો કરી શકશે નહી.” થોડી ક્ષણો એમ જ મૌન પસાર થઈ ગઈ.

“પણ હું અહીં આવી શી રીતે? હું તો મારા.”

“ઘરે હતી એમ જ ને?”

“હા.”

“તારા ઘરેથી અમે તને ઉપાડી લાવ્યા.”

“અને મારી મોમ? એને તમે શું કર્યું?” પોતાને આ લોકો અહીં ઉપાડી લાવ્યા, તો મોમે તેને બચાવવાની તો કોશિશ કરી જ હશે ને? આ લોકોએ મોમને તો કઈ.

“મોમ? તારી મા? શિલ્પા?” અટ્ટહાસ્ય કરતા તૂટક તૂટક શબ્દોથી પાર્થે પૂછ્યું. “બહુ પ્રેમ કરે છે નહીં તું તારી માને?” મોનાને નવાઈ લાગી. આ પાર્થ પોતાની માનું નામ એટલું તુચ્છકારથી કેમ લે છે? એનો ગુસ્સો ઓર વધ્યો, એ બોલી નહીં પણ ગુસ્સાથી પાર્થ સામે જોઈ રહી.

“તને તારી માએ જ તો મને વેચી છે. પૂરા ૧૦ લાખ રૂપિયા લીધા છે એણે.”

“હું નથી માનતી. તારી વાત હું શું કામ માનું? તું છે કોણ? એક મવાલી? કોલેજમાં આવતી બધી છોકરીઓની છેડતી કરનારો ગુંડો?”

“એ.ઈ. મોઢું સંભાળીને બોલજે. ખબર છે ને તું ક્યાં છે?” પાર્થને ગુસ્સો આવી ગયો, તેણે બંને ગાલમાં આંગળી અને અંગૂઠાથી પોતાની હથેળી વડે મોનાનું મોં જોરથી દબાવ્યું. થોડી વાર માટે પાર્થનું આ સ્વરૂપ જોઈ મોના ડરી ગઈ. તેની આંખમાં ડર જોઈ પાર્થે તેનું મોં છોડી દીધું અને તેના ગાલ પર હાથ ફેરવતા કહ્યુંૹ

“તું માને કે ના માને પણ આ સત્ય છે જો” પાર્થે મોબાઇલમાં પોતાની પાસેની વીડિયો કલીપ બતાવી.

મોનાના માનવામાં નહોતું આવતું. સગી મા? આ શિલ્પા જ હતી? તેને વિશ્વાસ નહોતો આવતો. એની નજર સામે એ સાંજ આવી, જ્યારે પોતે મમ્મી-પપ્પા સાથે ડાઇનિંગ ટેબલ પર ડીનર લેતી હતી અને તેની ફ્રેન્ડ સીમાનાં ભાભીની વાત કરતી હતી.

“પપ્પા, આ સીમાનાં દાદી તો બહુ ખરાબ છે?” પોતાની ડીશ લેતાં મોનાએ કહ્યું હતું.

“કેમ?” એની ડિશમાં પરોઠો મૂકતા પપ્પાએ પૂછ્યું.

“કેમ શું? એનાં ભાભી પ્રેગ્નન્ટ હતાં. તેના દાદીએ ગેરકાનૂની રીતે તેનું ગર્ભ પરીક્ષણ કરાવ્યું. તેમાં દીકરી આવી તો તેનો ગર્ભપાત કરાવી નાખ્યો. એના ભાભી બિચારા બહુ રડતાં હતાં કાલે.”

“એવું તો ઘર ઘરમાં થતું હોય છે.” શિલ્પાએ કોળિયો મોંમાં મૂકતાં કહ્યું હતું.

“ના હો, મારાં દાદી એવાં નહોતાં. હે ને પપ્પા?” મોનાએ પિતા સામે જોતાં કહ્યું હતું. પણ દિશાંત કોઈ જવાબ આપી શક્યો નહોતો. એની નજર નીચી હતી. એ શું જવાબ આપે? કે એના દાદી પણ.

“ના બેટા, તારી મા સાચું જ કહે છે, એવું તો ઘર.” થોડી વાર મૌન રહી તે બોલ્યો.

“તો શું મારા દાદી પણ.”

“હા બેટા, તારા દાદીએ પણ તું જ્યારે ગર્ભમાં હતી ત્યારે.” દિશાંતનો અવાજ થોડો ભીનો થયો. તે વધુ બોલી ના શક્યો.

“તો પછી હું.” મોનાએ પિતા સામે પાણીનો ગ્લાસ ધર્યો.

“બેટા, તારી મા બહુ મક્કમ હતી. તે તને જન્મ આપવા માગતી હતી. એણે બધાં સામે લગભગ બળવો જ કર્યો અને આજે તું.” પાણી પી સ્વસ્થ થઈ દિશાંતે જવાબ આપ્યો હતો.

“આઇ લવ યુ મોમ.” મોનાએ માને બાઝતા કહ્યું હતું. મોનાને તેની માતા પર ગર્વ થયો હતો.

“પણ મારી માએ તો એમનાં આખા કુટુંબ સામે લડીને મને જન્મ આપ્યો હતો. તો આજે.” મોના સ્વગત બબડી. એ શિલ્પા અને આજની શિલ્પા બંને અલગ વ્યક્તિત્વ લાગતાં હતાં. મોનાની મૂંઝવણ વધતી હતી.

“મગજને બહુ ત્રાસ ના આપ. જે આજની શિલ્પા છે, તે જ ગઈ કાલે પણ હતી. તને શું લાગે છે? દીકરી પર પ્રેમ હોવાને કારણે એણે તને જન્મ આપ્યો? ના, ઘડપણમાં એના શોખ તું પૂરા કરી શકે એટલે.”

“હું નથી માનતી. મારા પપ્પા તેના.”

“રહેવા દે. તારા સિદ્ધાંતવાદી પિતા પર તો તેને ત્યારે પણ ભરોસો નહોતો. એ તો.”

“શટ અપ. તું મારી માનાં ચરિત્ર વિશે કઈ પણ બોલીશ ને હું સાંભળી લઈશ?”

“તને કઈ સાબિતી જોઈએ છે, બોલ? હું તને આપું.” ટેબલના ખાનામાંથી કેટલાક ફોટા કાઢીને તેણે મોનાને બતાવ્યા. મોના જોઈ રહી હતી. આ તો પટેલકાકા, અને આ સુરેશ અંકલ પપ્પાના ખાસ મિત્ર, આ. અરે આ તો મિ. પંડ્યા, બાજુની સોસાયટીના પ્રેસિડેન્ટ. આ બધા સાથે મમ્મીના આવા ફોટા? જેમ જેમ ફોટા જોતી ગઈ, તેમ તેમ એ બધા ઓળખાવા લાગ્યા. મમ્મી જબરદસ્તી પપ્પા પાસે પાર્ટીઓ કરાવતી અને તેમાં આ બધાં જ આવતાં. મમ્મી હસી હસીને તેમની સાથે વાતો કરતી. શારીરિક છેડછાડો ત્યારે તેની સમજમાં નહોતી આવતી પણ આજે તેને સમજાય છે.

એટલે જ. એટલે જ, પપ્પાને નહોતું ગમતું આવી પાર્ટી આપવી અને તેના પૈસા પણ ક્યાં હતા એમની પાસે! એ ના પાડતા તો.

“તમારી પાસે પૈસાની અપેક્ષા મેં રાખી જ ક્યાં છે? તમે શું આપી શકવાના હતા મને? લો, આ પાર્ટીના પૈસા. હું આપીશ તો તમારો પૌરુષી ઘમંડ ઘવાશે.” કહી મમ્મી પૈસાનું બંડલ પપ્પા પર ફેંકતી, તે મોનાને યાદ આવ્યું. ત્યારે એ સમજી નહોતી શકતી કે, મમ્મી પૈસા આપે છે, તો પપ્પા શા માટે ના કહે છે. મોનાને પણ એવી પાર્ટીઓ ગમતી. દર પાર્ટી વખતે મમ્મી તેને માટે નવાં કપડાં લાવતી. બધાં જ તેને પણ કેટલું વહાલ કરતાં. એ વહાલ – એ સ્પર્શનો મતલબ મોના આજે સમજી શકતી હતી. આ બધું કદાચ પપ્પા સમજી ચૂક્યા હતા અને પોતાને લાચાર અનુભવતા, તેથી જ તેથી જ. એક સવારે ડ્રોઇંગ રૂમના પંખા પર.

“તારા પપ્પાના ગયા પછી તો તારી માને છૂટોદોર મળી ગયો જાણે.” પાર્થના અવાજે મોના વર્તમાનમાં આવી.

“પણ પણ. તને આ બધી વાત કઈ રીતે?”

“હું તને મારા શેઠ અનિલ કોહલી માટે ખરીદવા આવ્યો હતો. પાંચ લાખ રૂપિયા લઈને. ત્યારે મને ખબર નહોતી કે એ તું હશે. તને જોતાં જ મને તારી મા પર બહુ ગુસ્સો આવ્યો હતો. તને પણ તે આ જ રીતે એના ધંધામાં પલોટવા માગતી હતી, એ મેં તારે ત્યાં આવીને જાણ્યું.” પાર્થ બોલતો રહ્યો ને મોનાને આઘાત આપતો રહ્યો.

“પણ મેં ધીરજથી કામ લીધું અને એને ડબલ રૂપિયા એટલે કે દસ લાખ ઓફર કર્યા. પૈસાની ભૂખી તારી માએ મારી સાથે તારો સોદો કરી નાખ્યો.”

મોના એ વાત માની નહોતી શકતી, પણ ધીરે ધીરે એણે જોયેલી/સાંભળેલી વાતો, એણે અનુભવેલા બધાના સ્પર્શ, એ પરથી તેણે તાળો મેળવવા માંડ્યો, ને એની આંખો આગળથી પોતાની માના સજ્જનતાનાં પડળ હટતા ગયાં. તેણે એક નજર પાર્થ સામે નાખી. આ નજરમાં તિરસ્કાર નહોતો પણ આજીજી હતી.

“મારી એક વાત માનશો પ્લીઝ?” તે ‘તું’ પરથી ‘તમે’ પર આવી ગઈ.

“જો મોના, હું તને પ્રેમ કરું છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. તે જ્યારે મને તમાચો માર્યો હતો, ત્યારે મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું પણ હવે. અને એટલે જ તને કાયમ માટે મેં તારી મા પાસેથી ખરીદી લીધી છે. એ તારી પાસે ધંધો કરાવવા માગે છે, તે મને મંજૂર નથી.”

“તો તને તારા એ પ્રેમના સોગંદ. મને એક વાર મારી માને મળવા દે.” પાર્થે થોડું વિચારી તેની વાત માની લીધી.

“જા મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. તું ભાગી નહીં જાય.” પાર્થે મોનાને છોડતા કહ્યું અને તેના હાથમાં થોડા રૂપિયા આપ્યા. “ટેક્ષીમાં જજે. અહીંથી તને કોઈ વાહન નહીં મળે, ઘરે જવા.”

ઘરે જતી વખતે રસ્તામાં એક મોલ આવ્યો. તે તેમાં ગઈ. તેમાં એક સેક્શન એન્ટિક પીસનું હતું ત્યાં પહોંચી. ત્યાં તલવાર, ઢાલ, ખંજર, વગેરે સજાવેલાં હતાં. એક સુંદર કલાત્મક ખંજર જોઈ, “ભૈયા, એ ખંજર પેક કર દેના.” તેણે ભાવ પૂછ્યા વિના જ.

મોનાએ ઘરનો બેલ માર્યો. ‘ડીંગડોંગ’ શિલ્પાએ બારણું ખોલ્યું, સામે મોનાને જોઈ થોડી ચમકી, પણ તરત જ સ્વસ્થ થઈ.

“અરે મારી દીકરી, ક્યાં જતી રહી હતી તું? મેં તો તારી બધી બહેનપણીઓને ફોન પણ કરી નાખ્યા. ક્યાંય તારો પત્તો નહોતો. પછી પોલીસચોકીમાં ફરિયાદ પણ નોંધાવી દીધી.”

“મોમ. પોલીસ પણ ૨૪ કલાક પછી ફરિયાદ નોંધે, અને મને તો હજુ ૧૫ કલાક જ થયા છે.” મોનાએ તીક્ષ્ણતાથી કહ્યું.

“અરે બેટા, વધારે સમય તને દૂર કઈ રીતે રાખું?” શિલ્પાએ મોનાને ગળે લગાડી.

“દસ લાખ લઈને.” કહી મોનાએ શિલ્પાને ધક્કો માર્યો.

થોડે દૂર ફંગોળાયેલી શિલ્પાને એમ જ સોફા પર પડી રહેવા દઈ, કઈ રીતે આ સ્ત્રીને મોતને ઘાટ ઉતારવી તે વિચારતા તેણે પર્સ ખોલ્યું, અને ખંજર પર હાથ દાબ્યો.