Nagar - 26 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 26

Featured Books
Categories
Share

નગર - 26

નગર-૨૬

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- મહારાજ ઇશાનને નગરનાં ભૂતકાળથી વાકેફ કરે છે. ઇશાન સ્તબ્ધ બનીને એ કથની સાંભળે છે...એ દરમ્યાન એલીઝાબેથનો ફોન ઇશાન ઉપર આવતા તે ત્યાંથી રવાના થાય છે...મોન્ટુ માથુર અંકલનાં ઘરે પહોંચે છે...હવે આગળ વાંચો.)

“ માથુર...માથુર...અંકલ...જહાંજ...અંકલ...દોરડું...” મોન્ટુથી સરખી રીતે બોલાતું પણ નહોતું. તે સખત રીતે ડરેલો હતો. જે રીતે તેણે માથુર અંકલને દરિયામાં ડૂબતા જોયા એ દ્રશ્ય તેનાં જહેનમાંથી હટતું નહોતું. જહાજનાં તૂતક ઉપર ઉભેલો એ શખ્શ, અને તેની આંખોમાં ધધકતી અગ્નિ જ્વાળા હજુપણ તેને ડરાવી રહી હતી. અને...એથી પણ વધુ જ્યારે દરીયા ઉપરનાં ધુમ્મસનાં પડછાયાએ તેનો પીછો પકડયો ત્યારે તો તેનું હ્રદય રીતસરનું ઉછળીને તેનાં મોંમાં આવી ગયું હતું. માંડ-માંડ તે એમાંથી છટકીને અહીં પહોંચ્યો હતો.

“ અરે પણ... તું કેમ આટલો ગભરાયેલો છે...? અહી આવ, મારી પાસે. પહેલા શ્વાસ લઇ લે અને પછી કહે, શું થયું...?” નીલીમાદેવી મોન્ટુની નજીક પહોંચતા બોલ્યા. તેમણે મોન્ટુનો હાથ ઝાલ્યો, અને તેની પીઠ પસવારતા તેઓ તેને પોતાનાં બેડરૂમમાં લઇ આવ્યા. બેડરૂમમાં મુકેલી એક ખુરશી પર તેને બેસાડયો અને બાજુમાં પડેલી ટીપોઇ ઉપરથી પાણીનો જગ ઉંચકી મોન્ટુને ગ્લાસમાં પાણી આપ્યું. ધ્રુજતા હાથે મોન્ટુએ પાણીનો ગ્લાસ પકડયો અને એક શ્વાસે આખો ગ્લાસ ખાલી કરી ગયો. નીલીમાદેવી મોન્ટુનાં ગભરાયેલા ચહેરાને જોઇ રહયાં. પાણી પીવાથી મોન્ટુને થોડીક રાહત થઇ અને તેનો શ્વાસ થોડો હેઠો બેઠો.

“ હવે કહે...! તું શું કહેવા માંગતો હતો..? માથુર સાહેબ વીશે તું કંઇક બોલ્યો. અને કયા જહાજની વાત તું કરે છે...?” નીલીમાદેવીએ તેની સામે ગાદલા ઉપર બેઠક લેતા પુછયું.

“ અંકલ...અંકલ...દરિયામાં ડૂબી ગયા. એક અચાનક જહાજ આવ્યું. તેનાં દોરડે અંકલ ટીંગાયા...અને પછી ડૂબી ગયા...!” ફફડતાં હ્રદયે મોન્ટુ બોલ્યો.

“ શું...?” નીલીમાદેવીને કંઇ સમજાયું નહિ.

“ હાં...અને પેલા માણસે તેમને તલવાર પણ મારી...!”

“ હેં...” નીલીમાદેવી ગભરાહટના માર્યા છળી ઉઠયા અને પલંગ પરથી ઉભા થઇ ગયા. તેમને મોન્ટુની વાતો સમજાતી નહોતી તેમ છતાં એ છોકરો જે કહી રહયો હતો એ ભયાનક લાગતું હતું. “ તું શાંત થા...અને પહેલેથી કહે કે તે શું-શું જોયુ...? માથુર સાહેબને શું થયું...અને કોણે તેમને તલવાર મારી...?”

મોન્ટુએ ગળે થુંક ઉતાર્યુ અને તેણે જે દ્રશ્ય જોયું હતું એ નીલીમા આન્ટીને કહી સંભળાવ્યુ. નીલીમા બહેન ખુલ્લા મોં એ મોન્ટુની કથની સાંભળી રહયા. માથુર સાહેબ દરિયાનાં પાણીમાં ડૂબી ગયા છે એ સાંભળીને તેમને ભયંકર આઘાતનો ઝાટકો વાગ્યો હતો.

“ ઓહ ગોડ...હે ભગવાન...! તું આ શું બોલે છે...? આ બધુ શું થવા બેઠુ છે...? માથુર સાહેબ...કયાં છો તમે...?” તેમણે નાનકડા મોન્ટુ આગળ જ ઠૂઠવો મુકીને જોરથી રડવાનું શરૂ કર્યું. મોન્ટુની કથની તેમને શત-પ્રતિશત સાચી લાગતી હતી, કારણકે મોન્ટુની પાછળ ધુમ્મસનું ટોળુ પડયું હતું. અદ્દલ એવો જ અનુભવ તેમને પણ થયો હતો. પરંતુ માથુર સાહેબનાં મોતની ખબર સાંભળીને તેઓ ભાંગી પડયા હતા. મોન્ટુ તો બઘવાઇને તેના નીલીમા આન્ટીને હૈયાફાટ રીતે રડતાં જોઇ રહયો . તેના બાળ સહજ માનસમાં આવી પરિસ્થિતીમાં શું કરવું જોઇએ તેની કંઇજ ગતાગમ પડતી નહોતી. એક તો તે પોતે ડરેલો હતો...અને તેમાં અત્યારે આવડા મોટા બંગલાનાં બેડરૂમમાં તેના આન્ટી ભયાનક રીતે રૂદન કરી રહયા હતા, એ જોઇ તેનો ડર બેવડાતો જતો હતો.

***

ઇન્સ.જયસીંહ રાઠોડ ખરેખર મુંઝાયો હતો. તેની નજરોની સામે તેની પોલીસ ચોકી ભડ-ભડ સળગી રહી હતી. કઠણ હ્રદયનાં જયસીંહનું કાળજુ પણ એક વખત તો કંપી ઉઠયું હતું. “ નહિ...નહિ...આ કોઇ સામાન્ય વારદાત તો નથી જ...” તેના મનમાં વારેવારે આવા તરંગો ઉઠી રહયા હતાં. પેલો જાડીયો રોશન પટેલ સાચુ જ કહેતો તો કે તેણે કોઇક અગોચર શક્તિને જોઇ છે, અને એ અગોચર શક્તિએ જ બોટ પર તેનાં મિત્રોનાં મોત નિપજાવ્યા હતા. જયસીંહને રોશન પટેલની વાતોમાં તથ્ય હોવાનો હવે રહી-રહીને અહેસાસ થતો હતો. તેને ઉડીને રોશન પટેલ પાસે પહોંચી જવાનું મન થયું.

“ તાવડે....તું અહીનું સંભાળ. હું હમણાં આવુ છું....” કહીને તે નગરની હોસ્પિટલ ભણી ભાગ્યો. જીપ હંકારતી વખતે તેનાં જીગરમાં અજીબ થડકારા થતા હતા. મારંમાર કરતો તે હોસ્પિટલે પહોંચ્યો.

***

સુરતમાં આવેલી “એન્ટિકપીસ” ગેલેરીનાં માલીક સેવકચંદ્ર મશરૂવાળાએ મૂર્તિઓ ખરેખર અદભૂત બેનમૂન બનાવી હતી. વિભૂતી નગરનાં સેક્રેટરી નવનીતભાઇ ચૌહાણ સવારેજ આ મુર્તિઓની ડિલિવરી લેવા સુરત આવી પહોંચ્યા હતાં. તેમણે જે પ્રકારનાં ફોટાઓ સેવકભાઇને આપ્યા હતા, સેવકભાઇએ આબેહૂબ એવીજ મૂર્તિઓ બનાવી હતી. ફોટામાં અને મૂર્તિઓનાં નાક-નક્શામાં, કદમાં, ચહેરાની રેખાઓમાં સહેજ દોરા ભરનો પણ ફરક વર્તાતો નહોતો. નવનીતભાઇને એ મૂર્તિઓ જોઇને અનહદ આનંદ થયો હતો. તેમણે સેવકભાઇની કારીગરીના વખાણ કર્યા અને આભાર માન્યો...પછી એ મુર્તિઓનું પેમેન્ટ ચુકવ્યું અને મૂર્તિઓને ટ્રકમાં ચડાવી તેઓ નગર તરફ રવાના થયા.

એ સમયે નગરમાં જે ઘટનાઓ બની રહી હતી, એનાથી તેઓ સહેજપણ વાકેફ નહોતા. તેમનાં હૈયામાં તો આ મૂર્તિઓના અનાવરણના પ્રસંગને લઇને હરખ સમાતો નહોતો. વર્ષો બાદ નગરનાં રચેયતા, સ્થાપક, સન્માનનીય બુઝૂર્ગોને તેમનાં ભગીરથ કાર્ય બદલ માન-સન્માન મળશે એ વિચારીને તેમને આનંદ ઉદ્દભવતો હતો.

***

મારતી જીપે ઇન્સ.જયસીંહ હોસ્પિટલે આવી પહોંચ્યો. તેનું દિમાગ ફાટ-ફાટ થતું હતું. રસ્તામાં ચાલુ જીપે તેણે ઘણાબધા વિચારો કરી લીધા હતા. તેને ખરેખર સમજાતું નહોતું કે આવી પરિસ્થિતીમાં તે શું કરે...? એકમાત્ર રોશન પટેલનો ચહેરો રહી-રહીને તેની નજરો સમક્ષ ઉજાગર થઇ રહયો હતો. તેના જીગરમાં રોશનને મળવાની ઉતાવળ છલકાતી હતી. હોસ્પિટલનાં પ્રાંગણમાં જીપ ખડી કરી- ન કરી, રીતસરનો તે રોશન પટેલને જ્યાં રાખ્યો હતો એ વોર્ડ તરફ, એ કમરા તરફ દોડયો. તે હવે કોઇપણ ભોગે આ કેસ સોલ્વ કરવાનાં મુડમાં આવ્યો હતો. એક પોલીસ અફસરને આવી રીતે સરેઆમ દોડતા જોઇને હોસ્પિટલ સ્ટાફ પણ અચંબીત બનીને તેને જોઇ રહયો. જો કે જયસીંહને તેની કોઇ પરવાહ અત્યારે નહોતી. બીજો કોઇ સામાન્ય દિવસ હોત તો જરૂર તે રૂઆબભેર હોસ્પિટલમાં દાખલ થયો હોત, પરંતુ આજે વાત અલગ હતી. ઉછળતા શ્વાસે દોડતો તે રોશન પટેલને ફળવાયેલા કમરા સુધી આવ્યો અને કમરાના બંધ દરવાજાને તેણે ધડામ કરતું ખોલી નાંખ્યું. પછી દરવાજાની અંદર, રૂમમાં દાખલ થયો. અંદર કોઇ નહોતું... રોશન પટેલને જ્યાં સુવડાવવામાં આવ્યો હતો એ બેડ ખાલી હતો. જયસીંહને આશ્ચર્ય થયું. કયાં ગયો હશે તે...? કદાચ બાથરૂમ ગયો હશે એવું વિચારી તે કમરામાં જ એટેચ્ડ બાથરૂમ તરફ લપકયો. બાથરૂમનો દરવાજો અધૂકડો ખુલ્લો હતો. તેણે અંદર ઝાંકયું... ત્યાં પણ કોઇ નહોતું. જયસિંહનું દિમાગ ચકરાવે ચડયું. કયાંક ભાગી તો નથી ગયો ને...? અચાનક એક વિચાર ઝબકયો તેનાં મનમાં. એ વિચાર ઉદ્દભવતાંજ તે સતર્ક બન્યો. પાછા ફરીને તેણે રૂમનો સંપૂર્ણ જાયજો લીધો. કયાંય કોઇ હલચલ થઇ હોય એવા ચિન્હો દેખાતા નહોતાં. ઝડપથી તે રૂમની બારી તરફ લપકયો અને બારી ચેક કરી. સેક્શન બારી અંદરથી બંધ હતી અને તેમાં લોંખડની ગ્રીલ પણ ઝડેલી હતી એટલે રોશન બારીમાંથી બહાર નીકળ્યો હોય એવી એક શક્યતાનો આપોઆપ છેદ ઉડી જતો હતો. જયસીંહ મુંઝાઇ ગયો. “ કયાં ગયો કમબખ્ત...?” બબડતો તે કમરામાંથી બહાર નીકળી કોરીડોરમાં આવ્યો. કોરીડોરનાં એક ખુણે ટેબલ ઉપર એક વોર્ડવોય બેઠો હતો.

“ ઓય...આમ આવ તો...”! જયસીંહે તેને હાંક મારી પાસે બોલાવ્યો. એ વોર્ડબોય સ્ટૂલ ઉપરથી ઉઠીને જયસીંહ તરફ આગળ વધ્યો. આ અફસરને હમણાં જ તેણે કોરીડોરમાં દોડતા, અને એ છેલ્લા કમરાની અંદર ઘુસતા તેણે જોયો હતો.

“ જી સાહેબ...” જયસીંહની એકદમ નજદીક આવતા તે બોલ્યો.

“ અહીનો પેશન્ટ કયાં છે...?” જયસીંહે કમરાની અંદર તરફ આંગળી ચીંધતા પૂછયુ.

“ અંદર જ હશે સાહેબ..”

“ અંદર નથી એટલે જતો તને પુછુ છું...” જયસીંહનો અવાજ થોડો ઉંચા થયો હતો. રોશન પટેલ જરૂર ભાગી ગયો હશે એ વિચારે જ તેનો પિત્તો ઉછળતો જતો હતો. પેલો વોર્ડબોય ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને ગભરાયો અને ઝડપથી તેણે કમરામાં એન્ટ્રી કરી. અંદર ખરેખર કોઇ નહોતું. દર્દીવાળો પલંગ ખાલી હતો. જયસીંહ જેવો જ વિચાર તેનાં મનમાં પણ આવ્યો અને તે બાથરૂમ તરફ લપકયો. બાથરૂમનાં ખુલ્લા દરવાજામાંથી તેણે અંદર જોયું. “સાહેબ...” અચાનક તે બરાડી ઉઠયો.

તેનો અવાજ સાંભળી જયસીંહ દોડતો રૂમમાં દાખલ થયો. તેણે વોર્ડબોયને બાથરૂમના દરવાજે ઝળુંબતો જોયો અને તે તેની તરફ લપકયો.

“ શું છે...? શેની બુમો પાડે છે...?

“ આ જુઓ સાહેબ...” વોર્ડબોયે બાથરૂમમાં અંદર તરફ આંગળી ચીંધી અને દરવાજેથી થોડો હટયો. જયસીંહે તેનું ડોકુ લંબાવીને વોર્ડબોયે બતાવેલી દિશામાં જોયું. વોર્ડબોય તેને બાથરૂમની પાછલી દિવાલમાં બનેલુ વેન્ટીલેશન બતાવી રહયો હતો. વેન્ટીલેશનને જોતાં જ તેનું મોઢુ પહોળુ થયું. “ડેમ ઇટ...” તે ફરી વખત બબડયો અને તેને પોતાના ઉપર ગુસ્સો આવ્યો. આટલી અગત્યની બાબત તેનાં ધ્યાનમાં કેમ ન આવી એ વાતની ઝૂંઝલાહટ, ગુસ્સારૂપે તેના ચહેરા ઉપર છવાઇ.

બાથરૂમની પાછલી દિવાલે હવાની અવર-જવર માટે કાચની પ્લેટો બેસોડેલું વેન્ટીલેટર બનાવેલું હતું. રોશન પટેલ એ વેન્ટીલેટરમાંથી જ બહાર ભાગી નીકળ્યો હશે એ બાબતમાં શંકાને કોઇ સ્થાન નહોતું. કારણકે એ વેન્ટીલેટરમાં લગાવેલી કાચની પ્લેટો ત્યાં નીચે, બાથરૂમનાં એક તરફના ખુણે મુકાયેલી સ્પષ્ટ નજરે ચડતી હતી. જયસીંહને ખરેખર પોતાની જાત ઉપર ગુસ્સો ચડયો. હમણાં થોડીવાર પહેલા તેણે અંદર ઝાંકયુ હતું ત્યારે આ બાબત તેનાં ધ્યાનમાં આવવી જોઇતી હતી. એક પોલીસ અફસર થઇને તેણે ગફલત કરી હતી.

પરંતુ હવે તેનાથી કંઇ થઇ શકે એમ નહોતું. પંખી તો કોણ જાણે કયારનું ઉડી ગયું હતું. જોકે એક બાબતનું આશ્ચર્ય હજુપણ તેનાં જહેનમાં ઉભરાતું હતું કે રોશન પટેલ જેવો અદોદળો જાડીયો આદમી બાથરૂમનાં એ નાનકડા અમથા વેન્ટીલેટરમાંથી કેવી રીતે બહાર નીકળ્યો હશે...? ખિન્ન મને, પોતાની જાતને જ કોસતો તે રૂમમાં પાછો ફર્યો.

જોકે...એક સચ્ચાઇથી હજુ સુધી તે અવગત નહોતો. જયસીંહને જો એ હકીકતની ખબર હોત તો તે જરૂર છળી મર્યો હોત. એ ઘટના હતી “જલપરી” બોટના હાદસા બાદ રાજીવ નકુમની બોટમાં સવાર થઇને તે દરિયાની સપાટી ઉપર સર્ચ કરવા પહોંચ્યો હતો એ સમયની...! ત્યારે... રાજીવ નકુમની બોટનાં લંગરમાં, દરિયાનાં ઉંડા પાણીમાં, દરીયાની જમીનમાં ધસેલી એક ખુબસૂરત, કળાત્મક પેટી ફસાઇ હતી. રાજીવ નકુમે પાણીમાંથી લંગરને ઉપર ખેંચવા જોર વાપર્યું હતું, તેમાં એ કોઇ પુરાના જમાનાની મેક-અપ બોક્સ જેવી પેટી દરિયાના પેટાળમાંથી બહાર ખેંચાઇ આવી હતી...અને તેમાં સંગ્રહાયેલી તરેહ-તરેહની સ્ત્રી સૌંદર્યની ચીજો પાણીમાં ફેલાઇને વિખેરાઇ હતી. એ ચીજો બહુ ખતરનાક હતી. આપમેળે જ દરિયાનાં પાણી સાથે ઢસડાતી બોક્સમાની ચીજો નગરનાં દરિયાકાંઠે આવી હતી. એ ચીજો માંથી એક ઘડીયાળ હતી જે માથુર સાહેબનાં હાથમાં આવી હતી અને એક કલાત્મક અરીસો આંચલનાં નાનાભાઇ મોન્ટુને મળ્યો હતો. એ અરીસો મોન્ટુએ તેની દીદી આંચલ ચૌહાણને આપ્યો હતો. જે તે પોતાની સાથે તેનાં રેડિયો સ્ટેશને લેતી ગઇ હતી.

આવી ઘણી બાબતોથી અજાણ જયસીંહ નિર-ઉત્સાહ થઇ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો. આખરે રોશન પટેલ ભાગ્યો શું કામ હશે...? આ સવાલનો હાલ પુરતો તો કોઇ જવાબ નહોતો તેની પાસે.

***

મોન્ટુ બઘવાઇને તેનાં નીલીમા આન્ટીને હૈયાફાટ રૂદન કરતા જોઇ રહયો. નીલીમાદેવીનો રડવાનો અવાજ બંગલાનાં ખૂણે-ખૂણેથી પડઘાઇને પાછો આવતો હતો. તેનાથી બંગલાની અંદરનું વાતાવરણ હતુ તેનાથી વધુ બિહામણું બન્યું હતું. મોન્ટુને ત્યાંથી ભાગી જવાનું મન થતું હતું, પરંતુ ઘરની બહાર નીકળતા તે ડરતો પણ હતો. રખેને પેલું ધુમ્મસનું વાદળ તેને ખાઇ જાય તો...? તેના નાના નાજુક દિલમાં ડર પેસી ગયો હતો. તેને અહી રોકાવું નહોતું, તેમ બહાર પણ નીકળવું નહોતું. અજીબ કશ્મકશમાં ફસાઇને તે ત્યાંજ ઉભો રહયો.

આખરે વીસેક મીનીટ બાદ નીલીમાદેવીનાં ડૂસકા અટકયા હતા. રડી-રડીને તેમની આંખો લાલઘુમ થઇ હતી. તેમનો કરચલીવાળો વૃધ્ધ ચહેરો વધુ નિષ્તેજ બન્યો.

“ તું મને એ જગ્યાએ લઇ જા...!” તેમણે ચહેરો ઉઠાવી મોન્ટુને કહયું. મોન્ટુની ધડકનો એ સાંભળીને રોકાઇ ગઇ.

“ હું ત્યાં ફરીવાર નહી જાઉ. તમારે જવું હોય તો તમે જાવ...” તે બે ડગલા પાછળ હટતા બોલ્યો. “ હું આ ઘર માંથી બહાર પણ નહી નીકળું. બહાર પેલું વાદળ મને મારી નાંખશે...” તેનાં અવાજમાં ડર સ્પષ્ટ વર્તાતો હતો. “ અને તમારે પણ અત્યારે બહાર ન જવું જોઇએ...”

“ હવે શું કોઇ મને મારશે...! તારા અંકલ નથી રહયા તો પછી હું જીવીને શું કરીશ...?” નીલીમાબહેને ફરીથી ઠૂઠવો મુકયો.

“ ઉભા રહો... હું પાણી લેતો આવું....!” કહીને મોન્ટુ પાછો ફર્યો અને નીચે જતા દાદર તરફ આવ્યો. હજુ તે દાદરનું એકજ પગથિયું ઉતર્યો હશે કે... “ધમ...ધમ...ધમ...ધમ” ડ્રોઇંગરૂમના મુખ્ય બારણા ઉપર કોઇ જોર-જોરથી હથોડો ઠપકાતું હોય એવો અવાજ આવ્યો. મોન્ટુના પગલા ત્યાં જ અટકી ગયા અને તે પાછો વળીને ભાગ્યો.

“ એ આવી ગયા...એ વાદળો આવી ગયા... એ આપણને મારી નાંખશે...” ચિલ્લાતો તે દોડતો આવીને નીલીમા બહેનનાં ગળે વળગી પડયો.

“ એ શેનો અવાજ હતો...? કોણ આવી ગયું છે...? મને લાગે છે કે દરવાજે કોઇક આવ્યુ છે...” નીલીમા બહેન મોન્ટુને બાથમાં લેતાં બોલ્યા. “ તું આટલો બધો ડરે છે શું કામ...? ચાલ મારી સાથે. આપણે દરવાજો ખોલીએ...”

“ નહિ....હું નહિ આવું...અને તમેય દરવાજો ન ખોલતાં. આવો જ અવાજ મેં દરિયાકાંઠે, પેલા જહાંજમાં થતો સાંભળ્યો હતો...અને પછી માથુર અંકલ ડૂબી ગયા હતા. જરૂર એ જહાજવાળો વ્યક્તિ અહી આવ્યો હશે.. તેણે મારો પીછો કર્યો હતો આન્ટી...” મોન્ટુ ભયાનક ડરથી બોલ્યો. તેની આંખો ચળક વળક થઇ રહી હતી અને તેમાં દુનિયાભરનો ખૌફ ઉતરી આવ્યો હતો. પોતાના બંને હાથે વધુ જોર કરીને તેણે નીલીમા આન્ટીને ઝકડી લીધા. પોતાના બંને હાથે વધુ જોર કરીને તેણે નીલીમા આન્ટીને ઝકડી લીધા. નીલીમા બહેનને પણ ડર તો લાગતો જ હતો. અને મોન્ટુની વાતોમાં રહેલું તથ્ય તેમને સમજાતું હતું એટલે તેમણે દરવાજો ખોલવાનો વિચાર માંડી વાળ્યો.

“ ધમ...ધમ...ધમ...ધમ...” ભયાનક ચિત્કાર જેવો.. જાડા, મજબુત પતરા ઉપર ઝનૂનપૂર્વક ઠોકાતા હથોડા જેવોજ અવાજ ફરી વખત દરવાજે થયો. એ અવાજથી મોન્ટુ અને નીલીમાદેવીનાં હાંજા ગગડી ગયા. તેમના શરીરમાંથી ભયાનક આતંકનું એક લખલખું પસાર થયું.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.

૯૦૯૯૨૭૮૨૭૮- વોટ્સએપ.