Avinashno Prem in Gujarati Short Stories by Vikram Rojasara books and stories PDF | અવિનાશનો પ્રેમ

Featured Books
Categories
Share

અવિનાશનો પ્રેમ

અવિનાશ

અમદાવાદ તરફ આવતા નેશનલ હાઈવે નં. ૮ એ પર અવિનાશની ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ગાડી ચલાવવામાં થોડી પણ ગફલત થાય તો અવિનાશનો વિનાશ પાકો હતો. પણ આજે એને પોતાની પરવા નહોતી, કારણ કે આજે મોડું પહોંચવું પોસાય તેમ નહોતું. ગાડી કરતા ઝડપથી એનું મગજ ભુતકાળની ઘટનાઓને વાગોળી રહ્યું હતું.

અવિનાશને પોતાના બે વર્ષ પહેલાના પોતાના દિવસો યાદ આવી ગયા. જ્યારે એ અમદાવાદની જાણીતી એવી કંપનીમાં નવો સવો મેનેજર તરીકે જોડાયો હતો. યુવાન લોહી હતું એટલે એનામાં કંઈક નવું કરવા માટે ગજબનો તરવરાટ હતો. કંપનીનું માર્કેટમાં ઉચું સ્થાન બની રહે એટલા માટે તનતોડ મહેનત કરતો હતો. આમ, સરળ સ્વભાવનો પણ સમયની બાબતમાં બહુ નિયમિતતા વાળો હતો. કોઈ કામ સમયસર ન થાય તો જે તે જવાબદાર માણસને ઉધડો લઈ નાખતો. એક દિવસ એ જ્યારે ઑફિસમાં પહોંચ્યો, તો એણે કંપની વિશે જે વિગતો તૈયાર રાખવાનું કહેલું એ તૈયાર નહોતી. એટલે તરતજ એણે પટાવાળાને બોલાવીને જે ડેટા એન્ટ્રી ઓપરેટરને આ કામ સોંપાયું હતું એને મળવા માટે બોલાવવા કહ્યું. દસેક મિનિટ પછી પોતાની ચેમ્બરનું બારણું ખુલ્યું ને એક મૃદુ અવાજ સંભળાયો, “મેં આઈ કમીન સર” . અવિનાશે બારણાં તરફ નજર કરી ને તેની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. સામે એક બાવીસેક વર્ષની યુવતી ઊભી હતી. કમર સુધી પહોંચતા છુટા વાળ, ગોરો વાન, નમણાં ધારદાર નેણ અને સુઘડ વસ્ત્રોમાં સજ્જ એને જોતો જ રહી ગયો, પળવાર માટે બન્નેની આંખો મળી ગઈ. આગંતુક યુવતી એ જ્યારે બીજી વખત પુછયું કે “મેં આઈ કમીન સર” ત્યારે અવિનાશ સભાન થયો ને પોતાની જાતને માંડમાંડ સંભાળીને યુવતીને બેસવા માટે કહ્યું. યુવતી ને જોઈને એનો બધો ગુસ્સો બરફની માફક પીગળી ગયો. અવિનાશે નામ પુછ્યું, ને સામેથી જવાબ મળ્યો, “ આકાંક્ષા” .

અવિનાશ- આકાંક્ષા, તને સોંપેલું કામ આજે કેમ પુરું ના થયું?

આકાંક્ષા- સર, અસુવિધા બદલ માફી માંગુ છું, પણ હું કાલે મારા પપ્પાને દવાખાને લયને ગયેલી એટલે ડેટા એન્ટ્રી કરવાની રહી ગઈ હતી.

અવિનાશ- ઓકે, પણ કાલ સુધીમાં માહિતી તૈયાર કરીને મને આપી જજે. અવિનાશ મનેજર હતો એટલે ઓર્ડેર કરવા ટેવાયેલો હતો, પણ આકાંક્ષાને જોયા પછી તેના અવાજમાં કંઈક અલગજ બદલાવ આવી ગયો હતો. આકાંક્ષા ‘ઓકે, સર’ કહીને ચાલી ગઈ.

અવિનાશને આજ સુધી કોઈ છોકરી પ્રત્યે આવી લાગણી અનુભવાય નહોતી. જે આજે આકાંક્ષાને જોયને અનુભવાય હતી. તે રાત્રે પણ એનાજ વિચારોમાં ખોવાયેલો રહ્યો. એને પહેલી નજર ના પ્રેમ વિષે ઘણું સાંભળ્યું હતું, પણ આજે એ પોતેજ પહેલી નજરે આકાંક્ષાના પ્રેમમાં પડી ગયો હોય એવું લાગ્યું. વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ, અને સવાર પણ પડી ગઈ એ પણ ખબર ના પડી. અવિનાશ જલ્દી તૈયાર થઈને ઓફીસે જવા નીકળ્યો, આજે એને ઓફિસે જવાની ઉતાવળ નહોતી, પણ ઉતાવળ હતી આકાંક્ષાને ફરીથી જોવાની. ઓફિસે પહોંચીને થોડીવાર બેઠો ત્યાં આકાંક્ષા ફાઈલો લઈને આવી ગઈ. આજે એ વધારે રૂપાળી દેખાતી હતી. અવિનાશે ફાઈલો લીધી અને થોડી ઘરની વાતો પૂછી એટલે આકાંક્ષાને પણ ગમ્યું. અને ગમે પણ કેમ નહીં, ભૂખ્યા માણસને ભોજન મળી રહે તો એને બીજું છું જોઈએ. આકાંક્ષાની સ્થિતિ પણ કંઇક એવીજ હતી,એ ભોજનની ભૂખી તો નહોતી, પણ પ્રેમની ભૂખી હતી.

પોતે બે વર્ષની હતી ત્યારેજ મમ્મી ગુજરી ગયેલી. પોતાનાથી ત્રણ વર્ષ મોટો એક ભાઈ હતો અને પપ્પા શિક્ષકની નોકરી કરતા હતા. માં ગુજરી ગઈ ત્યારે પિતાની ઉંમર નાની હતી પણ બાળકોના ભવિષ્યનો વિચાર કરીને ફરી વખત લગ્ન નહીં કરેલા. એટલે આકાંક્ષા બાળપણથી જ માં ના પ્રેમથી વંચિત હતી, જો કે પિતા એને કોઈ વાતની ખોટ નહોતી વર્તાવા દેતા, પણ જ્યારથી ભાઈના લગ્ન થયા ત્યારથી ઘરનું વાતાવરણ તંગ રહેતું, કારણકે ભાભી થોડી તુંડ મિજાજની હતી. બીમાર સસરાની સેવા કરવાની વાત તો દુર રહી, પણ તેમની મર્યાદા પણ ન જાળવતી,એટલે ઘરમાં સતત ઝઘડા ચાલ્યા કરતાં. બધાથી તંગ આવીને ભાઈ ભાભીને લઇને બીજા સહેરમાં રહેવા ચાલ્યા ગયા હતા. શરૂઆતમાં ભાઈ આવીને ક્યારેક પપ્પાની ખબર પૂછી જતો. પપ્પાનું પેન્શન આવતું પણ બધું દવાના ખર્ચમાં વપરાય જતું, એટલે ઘર ચલાવવા માટે આકાંક્ષાએ આ નોકરી સ્વીકારી લીધી હતી. આવા કપરા સંજોગોમાં એને અવિનાશમાં કંઇક પોતીકું હોય એવી લાગણી અનુભવાય.

પછી તો કંઇકને કંઇક બહાને બંને મળી લેતા. અવિનાશ સતત આકાંક્ષાની દરેક પરિસ્થિતિમાં સાથે રહેતો અને પ્રેમની હુંફ આપતો. થોડા સમય પછી બંને તરફથી પ્રેમનો એકરાર પણ થઇ ગયો. એમજ સમજોને કે સાચો પ્રેમ હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. હવે બંને આ પ્રેમને લગ્નગ્રંથીથી જોડીને કાયમ કરવા માંગતા હતા.

આ દરમ્યાન અવિનાશને કંપનીના માર્કેટિંગ અર્થે બે મહિના માટે વર્લ્ડ ટુર પર જવાનું થયું. આકાંક્ષા થોડી ઉદાસ હતી, પણ અવિનાશે સમજાવ્યું કે બ મહિનાની તો વાત છે, અને આકાંક્ષા પાસે પણ એને જવા દેવે સિવાય બીજો કોઈ છૂટકો નહોતો, કારણકે અવિનાશની કારકિર્દીનો સવાલ હતો.અને અવિનાશ બે મહિના માટે નીકળી ગયો. આખો દિવસ મિટીંગો કર્યા પછી, જયારે રાત્રે આકાંક્ષા જોડે ફોન પર વાત કરતો ત્યારે એનો આખા દિવસનો થાક ઓગળી જતો, આ જ તો પ્રેમની તાકાત હતી. પણ છેલ્લા બે અઠવાડિયાથી આકાંક્ષાનો ફોન લાગતો ન હતો. અવિનાશ સખત અકળાય ગયો હતો. અને હવે એ ટુર પૂરી થવાની ચાતક નજરે રાહ જોય રહ્યો હતો.ટુર પૂરી કરીને પહ્રલા દિવસે ઓફિસે જઈને આકાંક્ષાને મળવા આતુર હતો. પણ એને મળે એ પહેલા જ એને પોતાના ટેબલ પર મુકાયેલી એક ચિઠ્ઠી મળી ગઈ કે જેમે લખેલું હતું,

“અવિનાશ, તારા ટુર પર ગયા પછી જે કાંઈ બન્યું એ તને રૂબરૂ કે ફોન પર કહેવાની મારી હિંમત નથી રહી એટલે ચિઠ્ઠી મુકીને જાવ છું, અને યોગ્ય લાગે તો મને ભૂલી જજે, અને શક્ય હોય તો સારું પાત્ર શોધીને પરની જજે. કારણકે હવે મારા લગ્ન થઇ ગયા છે. મેં જે કાંઈ નિર્ણય લીધો છે તે પરિસ્થિતિને આધીન થઈને લેવો પડેલો છે. તારા મનમાં ઘણા સવાલો થતા હશે, એ બધાના જવાબ આપવા માટે સમય આવ્યે હું ચોક્કસ પછી આવીશ.

લિ.આકાંક્ષા આરવ”

ચિઠ્ઠી વાંચીને અવિનાશ ભાંગી પડ્યો અને રડી પડ્યો અને માંડ માંડ પોતાની જાતને સાંભળી.તેને આકાંક્ષાનો સંપર્ક કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ બધું વ્યર્થ હતું.હવે તો આકાંક્ષા રૂબરૂ આવીને મળે તો જ સવાલોનું ઘોડાપુર સમે એવું હતું. અને હવે તો એ આવે ત્યાં સુધી એની આશાએ આયખું ટૂંકું કરવાનું હતું.

આ ઘટનાના થોડા સમય પછી પોતે એ કંપની છોડીને રાજકોટ આવી ગયેલો,કારણકે ત્યાંની જૂની યાદો એને સતત કોરી ખાતી હતી. રાજકોટમાં આવીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરુ કર્યો હતો. તે પોતાની જાતને સતત કામમાં ડુબાડી રાખતો, જેથી જૂની યાદોને થોડે ઘાને અંશે ભૂલી શકાય.

એ વાતને વરસ થવા આવ્યું હતું ને હવે તો એ પોતાના કામમાં પરોવાય ગયો હતો, પણ કદાચ કુદરતને આ મંજુર નહોતું. એટલે જ કાલે સાંજના સમયે એને એક ફોન આવ્યો હતો. અવિનાશે ફોન ઉપાડ્યો, નંબર અજાણ્યો હતો, પણ અવાજ ઓળખીતો હતો. આકાંક્ષાનો ફોન હતો, ને કહી રહી હતી કે અવિનાશ કાલે સાંજના પાંચ વાગ્યે હું અમદાવાદ એરપોર્ટ પર આવીશ, મને લેવા માટે આવજે. આટલી ટૂંકી વાત કરીને ફોન કપાય ગયો. અવિનાશ ફરી વિચારોના વમળમાં ફસાય ગયો. થોડીવાર તો વિચાર્યું કે હું શું કામને લેવા જાવ?? પણ આ વિચાર વધારે ટક્યો નહીં, કેમકે કંઈક તો હતું જે એને આકાંક્ષા તરફ ખેંચી રહ્યું હતું, અને એ એની સવાલોના જવાબ મેળવવાની માનવસહજ જીજ્ઞાશા હતી કે એનો આકાંક્ષા પ્રત્યેનો સાચો પ્રેમ હતો એ નક્કી કરવું મુશ્કેલ હતું. જે હોય તે અવિનાશે બીજા દિવસે આકાંક્ષાને મળવા જવા માટે નક્કી કરી નાખ્યું.

આજે સવારેજ એ રાજકોટથી ગાડી લઈને નીકળી ગયો હતો. આકાંક્ષાની ફલાઈટ પાંચ વાગ્યાની હતી, પણ તમ છતાં એને ત્યાં પહોંચવાની ઉતાવળ હતી. એટલે જ એ ઉતાવળથી ગાડી ચલાવી રહ્યો હતો. એ સમય કરતા ઘણો વહેલો એરપોર્ટ પહોંચીને ફ્લાઈટની રાહ જોતો આમતેમ આંટા મારવા લાગ્યો. અત્યારે એને એક-એક પળ એક વરસ જેવી લાંબી લાગતી હતી. અંતે પાંચ વાગતા ફ્લાઈટ આવી ગઈ, ને અવિનાશની નજરો ભીડમાં આકાંક્ષાને શોધી રહી હતી. દુરથી એને આવતી જોઈને થોડીવાર તો પોતે ડઘાઈ ગયો, કેમકે જે આકાંક્ષાના વખાણ કરીને એ થાકતો નહોતો એ આજે સાવ બદલાય ગઈ હતી. આકાંક્ષા અવિનાશ પાસે આવીને એને ભેટીને રડવા લાગી. અવિનાશને સવાલો તો ઘણા પૂછવા હતાં, પણ એને આકાંક્ષાને રડી લેવા દેવાનું વધારે યોગ્ય લાગ્યું. થોડીવાર પછી એ શાંત થઇ એટલે અવિનાશે એને પાણી આપ્યું. થોડીવાર બંને વચ્ચે મૌન જળવાય રહ્યું. પછી આકાંક્ષા એ જ બોલવાની શરૂઆત કરી, “અવિનાશ, આજે તારા બધા સવાલોના જવાબ આપીશ, એ પહેલા મારી આપવીતી સાંભળી લે, પછી તને કોઈ સવાલ હોઈ તો પૂછજે”

આટલું કહીને એને વાત ચાલુ કરી, “ અવિનાશ તારા વર્લ્ડ ટુર પર ગયા પછી પપ્પાની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. ડોકટરે કહ્યું હતું કે એમને છેલ્લા તબક્કાનું ગળાનું કેન્સર છે ને હવે એ વધારે સમય જીવી સકે એમ નથી. એમને પોતાની ચિંતા નહોતી પણ મારી ચિંતા હતી. એ જીવતે જીવ મને સારા ઘરે વળાવીને સંતોષ પામવા માંગતા હતા. એ કહેતા કે તારા લાઆઅન થઇ જાય તો મારું મોત સુધરી જાય. એ વખતે જ પિતાના એક સગા મારા માટે એક એન.આર.આઈ. મુરતિયાનું માંગુ લઈને આવેલા. એમને તો છોકરો ગમી ગયો. અને છોકરો અમેરિકામાં સારું એવું કમાતો હતો. એક બાપ માટે તો પોતાની દીકરી માટે સારો જમાઈ મળી રહે એનાથી વધારે ખુશી કઇ હોઈ. અમારી સગાઇ પહેલાની પ્રથમ મુલાકાત માં જ મેં એને આપણા પ્રેમ સંબંધની વાત કરેલી તો એને કહ્યું કે, “ નો પ્રોબ્લેમ, આઈ એમ ઓપન માઈન્ડેડ” પછી મેં પણ હા પડી દીધી. કેમકે છેલ્લી ઘડીએ પોતાનો બાપ પોતાને લીધે દુઃખી થાય એવું કઇ દીકરી ઇચ્છતી હોય. ના છૂટકે મારે એમની ખુશી માટે આપણા પ્રેમનું બલિદાન આપવું પડ્યું, અને એમણે મારે માટે જીંદગીમાં આપેલા બલિદાન કરતા તો આ ત્યાગની કિમંત ઘણી ઓછી હતી. પછી સગાઈ અને લગ્ન થોડા સમયમાં જ પતી ગયું. પપ્પાના મોં પર આ બધું જોઇને ખુબ સંતોષ જણાતો હતો. એ વખતે મારામાં એટલી હિંમત નહોતી કે હું તને આ બધી જાણ કરી શકું. લગ્ન પછી તરત જ અમેરિકા ચાલ્યા ગયેલા, ને એના એક અઠવાડિયા પછી પપ્પાના અવસાનના સમાચાર મળેલા પણ મારા માટે આવવું શક્ય નહોતું.

આટલી વાત કરીને એણે બે ઘૂંટ પાણી પીધું ને વાત આગળ વધારી. અવિનાશ શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ બે મહિના પછી આરવ બદલાય ગયો ને પોતાના મૂળ રૂપમાં આવી ગયો. આખો દિવસ કામથી બહાર રહેતો ને રાત્રે છોકરીયો જોડે ક્લબમાં જતો. એક સ્ત્રી બધું સહન કરી શકે પણ પોતાના પતિના પ્રેમમાં કોઈ બીજી આવીને ભાગ પડાવી જાય એ સહન નથી કરી શકતી. એનું બેંકનું ખાતું તો સંપતિથી છલકાતું હતું, પણ મારા માટેના એના લાગણીના ખાતામાં એક ફૂટી કોડી પણ નહોતી રહી. હવે હું માત્ર એના ઘરની નોકરની બની ને રહી ગઈ હતી. હવે મને સમજાય રહ્યું હતું કે એનો “ઓપન માઈન્ડેડ” નો મતલબ છું થતો હતો. હું કંટાળી ગઈ હતી એ જિંદગી થી એટલે જ એક મહિલા વકીલની મદદથી મહાપ્રયત્ને છૂટાછેડા લઈને અહીં નાસી આવી છું. અહિયાં આવીને ભાઈને કે બીજા સગાને ગળે પડવા કરતા હું મારો રસ્તો જાતે જ પસંદ કરું એ પહેલા તારા સવાલોના જવાબ આપવા આવી છું.” હવે મારી વાત પૂરી થઇ, હવે તારે કઇ સવાલ હોય તો મને પૂછી શકે છે.

ઘણા સમયથી એને સાંભળી રહેલા અવિનાશને હવે પોતાના બધાજ સવાલોના જવાબ મળી ગયા હતા, પણ તોય એ બોલ્યો, હજુ મારે એક સવાલ પુછાવાનો બાકી છે, “આકાંક્ષા તું મારી જીવનસંગીની બનીશ??” આ સાંભળીને આકાંક્ષા અવિનાશને વેલની જેમ વળગી પડી,ને એની મુક સંમતિ મળી ગઈ. આજે બંને ખુશ હતા કેમકે બંને જે અપેક્ષા સાથે મળ્યા હતા એના કરતા બંનેને વધારે મળ્યું હતું. પછી અવિનાશે મજાક કરતા કહ્યું, કે એક વાત કહી દવ, હું ઓપન માઈન્ડેડ નથી. અને સામે આકાંક્ષાએ પણ કહ્યું, કે મને ઓપન માઈન્ડેડ વાર કરતા સંકુચિત માનસવાળો વાર વધારે ગમશે, બંને ખડખડાટ હસી પડ્યા. ને ફરી એક સાંજ અવિનાશ અને આકાંક્ષાના સાચા પ્રેમની સાક્ષી બની રહી.....