સ્વરાની ડાયરી
ભાગ ૬
રંજીશે હી સહી..
(ગતાંકમાં શું હતું?)
જયેશભાઈ દીકરી સ્વરાના ઘરે રહે છે. એમના મિત્ર હસમુખભાઈનું વેચાઈ ગયેલું ઘર - જે ખાલી કરવાનું હતું એમાં મદદ કરે છે. જયેશભાઈ ચકુ સાથે હળમળી ગયો છે. સ્કૂલમાં ફ્રેન્ડસ હતા.. બધાની સાથે સ્ટોન, પેપર , સીઝર્સ, અને બીજી નાની નાની ગેમ્સ રમતો અને એ ગેમ નાના ની પાસે રમતો. ચકુની ગેરહાજરીમાં જયેશભાઈ સિગારેટો ફૂંકતા. ગુલામઅલી, મહેંદી હસન, આબીદા પરવીનની ગઝલો સાંભળતા. દરમિયાન એમને ખબર પડી કે દીકરી સ્વરા ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છે. એક વખત એટલે હજુ એક દાયકા પહેલા સ્ટ્રોંગ, તોફાની, વાતવાતમાં લડી પડતી, છેડતી કરનારા છોકરાઓની ગમે ત્યાં ધોલાઈ કરી નાખતી, દાદાગીરી કરતી, જીવન પોતાની શરતોને આધીન જીવતી અને જયેશભાઈની વંઠેલી દીકરી તરીકે પંકાતી કરી સ્વરા, ડિપ્રેશનના HIGHEST DOSE પર છે એ વાત પિતા કેવી રીતે પચાવી શકે?
પત્નિ અનસૂયાની ગેરહાજરી એક તરફ સતત સાલે છે. બીજી તરફ એમની તબિયત નરમ રહ્યા કરે છે.. સ્વરાને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં એ મદદરુપ થઈ શકશે?
હવે આગળ
જયેશભાઈની સિગારેટોથી ઘર ભરાઈ જતું. મહેંદી હસનની “રંજીશ હી સહી, દીલ દુખાને કે લિયે આ... આ ફિરસે મુઝે છોડને કે લિયે આ...”ક્યારેક એમને અનસૂયાબેન યાદ આવતા ને આંખો ઉભરાઈ જતી. “ મહોબત કરનેવાલે કમ ના હોંગે, તેરી મહેફિલમેં મગર હમ ના હોંગે... “ એ ગઝલ સાંભળતી વખતે ક્યાંક ખોવાઈ જતા. સૂરજને સ્મોકિંગની આદત નો’તી, પણ એ વાંધોય લેતો નહતો. સ્વરાના ડિપ્રેશનની વાતે એ અકળાયા હતા. આ વિષયે સૂરજ સાથે વાત કરવી કે સ્વરા સાથે એ મૂંઝારો રહેતો અને એમાં બે ચાર સિગારેટો વધારે પીવાઈ જતી. પંદર દિવસે ડોક્ટર પાસે જવાનું થતું ને ડોક્ટરે સ્મોકિંગ ઓછું કરવાની સૂચના આપી હતી. અને બને ત્યાં સુધી જયેશભાઈએ એકલા ન રહેવું એવી પણ સલાહ આપી હતી. આમ તો એકલા પડવાનો સવાલ નહતો. સ્વરા તો ઘરે હોય જ. ચકુય વળી બે કલાક જ પ્લે ગૃપમાં જતો હતો. સૂરજની કોઈ મગજમારી નો’તી. ઓફિસથી ઘર, ઘર થી ઓફિસની જીંદગી જીવાતી. હા, હવે સૂરજ ઓવર ટાઈમ નો’તો કરતો. એના ચોપડા ને કાગળિયા લઈને ઘરે આવતો ને એમ જયેશભાઈ સૂરજની વચ્ચેની અંતર ઘટી ગયું.
એક અજબ અશાંતિ સૂરજના મોઢા પર દેખાતી. એમને પૂછવાનું મન થઈ આવતું. પણ એ અચકાતા.
એક દિવસે સ્વરાને દવાખાને જવાનું હતું, ડોક્ટર પાસે જાય એટલે ત્રણેક કલાક તો થઈ જ જાય.સૂરજે કહ્યુંય, “રજા લઈ લઉં?” જયેશભાઈએ કહ્યું કે , ના ભાઈ ના. રજા શું કામ લેવી? એમ કંઈ નહી થઈ જાય! અને ચકુ બે કલાકમાં આવી જશે, પછી અમારે આજે તો કાશ્મીરની વાર્તાઓ કહેવાની છે. કેમ ચકુ? ત્યાં તો ચકુ એ ‘હું નાના નું ધ્યાન રાખીશ,મારે સ્કૂલે નથી જવું.’ એમ કહ્યું એટલે સૂરજને હાશ થઈ!! જયેશભાઈ ચકુ સાથે વાતો કરતા’તા. વાર્તાઓ કહી. ચકા ચકીની વાતો, રાજા રાણીની વાતો, અનસૂયા એટલે કે ચકુની નાનીની વાતોય કરી. કાશ્મીરની વાતો. કાશ્મીરમાં મોટા મોટા બરફના પહાડોની વાતો. જયેશભાઈ સતત ચકુના વાળમાં હાથ ફેરવતા હતા અને ચકુ વાતો કરતો કરતો સૂઈ ગયો.
ચકુને સૂવાડી રસોડામાં ગયા, સિગારેટ જલાવી. જયેશભાઈને અનસૂયા યાદ આવી. કોફી બનાવી. સામાન્યરીતે એક જ કપ બનાવતા જયેશભાઈએ આજે બે કપ કોફી બનાવી. અનસૂયાની જેમ જ. અને જ્યાં સ્વરા બેસતી’તી, ત્યાં જ બેઠા. સ્વરાની ડાયરી પડી’તી.
ડાયરી વંચાય? કોઈ પણ વ્યક્તિની privacy નો સવાલ હોય. પણ પછી સ્વરાના ડિપ્રેશનની વાત યાદ આવી, એટલે એમણે ડાયરી ખોલી:
પાના ઉથલાવતા ગયા. ઘણું ઘણું લખ્યું હતું સ્વરાએ :
“કયાં હશે ઈશ્વર? કોઈને રડતા બાળકોના આંસુઓમાં ઈશ્વર દેખાય છે તો કોઈક ને બાળકના હાસ્યમાં. કોઈક ને મંદિરમાં, તો કોઈને મસ્જિદમાં તો કોઈને ગરીબની આંખમાં ઈશ્વર દેખાતા હશે. મને ઈશ્વર દેખાય છે.. ચકુ ના ખળખળ હાસ્યમાં.., મારી મા સાથે થયેલી વાતોમાં ઈશ્વર છે તો આંખ બંધ કરું ને મનોમન પ્રાર્થના કરું ત્યારે હું ઈશ્વર સાથે એક મન થઈ જઉં છું.” 12:30am.
***
“ બે દિવસથી ઠીક નો’તું લાગતું.... શરીરમાં પાણી ભરાઈ જાય અને કોઈ રીતે ના નીકળે એવું થાય છે.. વારંવાર. As usual reasons are unknown. સ્કીનની દવા, સ્ટીરોઈડ્સ, ડીપ્રેશનની દવાઓ.. બધું બહુ ભેગું થયું છે. જીમ પણ નિયમિત જવાતું નથી. બિચારા મારા ડોક્ટર-- father like છે.. આંખો મા ઝળઝળિયા સાથે એમણે કેવું કહી દીધું: જીવવું હશે તો કસરત કર. તને કોણ six packs બનાવવાનું કહે છે. જે કંઈ medically કરવાનું છે એ જ કરીએ છીએ આપણે!! મિકેનિકલી કેમિકલ produce કરવું એ કરતા એ જ chemical naturally produce થાય તો સારું...
સ્વરા, બેટા, I wish કે, હું જીવતો હોઉં અને મારે તારા funeral માં ના આવવું પડે! સમજાય છે તને?? આનાથી વધારે સ્પષ્ટ અને harsh શબ્દો મારાથી સૂરજ સામેય નહી બોલાય....
૨૮/૦૮/૨૦૧૬”
જયેશભાઈ સ્તબ્ધ થઈ ગયા. એ મનોમન અનસૂયા સાથે વાત કરવા લાગ્યા:
અનસૂયા, આ બધું શું થઈ રહ્યું છે? આ છોકરીએ શું માંડ્યું છે? તારાને મારા સંબંધમાં આવું કંઈ થયું જ નો’તું....... હા, પણ તારા ને મારા સંબંધ આપણા ક્યાં હતા જ?? સંબંધ નિભાવવા માટે જે commitment જોઈએ.. એ તો તારું જ હતું.
જયેશભાઈ પાના ઊથલાવવા માંડ્યા:
“મનુષ્યનું જીવન કેટલું? પચાસ વર્ષ?, સાઈઠ કે વધુ માં વધુ સિત્તેર? સિત્તેર વર્ષ પછીનો પ્રત્યેક દિવસ માત્ર બોનસમાં ગણાવો જોઈએ. મરવાની કોઈ ઉંમર હોય છે? કોઈ પણ ઉંમર મરવાની ન હોય... અનંતકાળ માટે જીવાય? ઈડન ગાર્ડનમાં જો ફ્રુટ ઓફ નોલેજ ના ખાધું હોત તો?? તો આપણે બધા અનંતકાળ સુધી જીવતા હોત??
શું અર્થ છે જીવનનો? જેની સાથે વર્ષો રહ્યા, જેણે ઘડતર કર્યુ એ વ્યક્તિ આંખના પલકારામાં શ્વાસ છોડી દે છે. એક હરતું ફરતું અસ્તિત્વ લાકડા પર મૂકીને એને સળગતું જોવા કેટલી બધી હિંમત જોઈએ. નહી??? 1:30am
“સૂરજ સાથે નાની વાતમાં ઝગડો થયો’તો ને એટલે પાડોશવાળા આજે રેખાબેને પૂછ્યું : તને ક્યારેય પશ્ચાત્તાપ થયો છે?? નમી જવાનો ભય, ઝૂકી જવાનો, હારી જવાનો ડર લાગ્યો છે? નિર્ણયો ખોટા પડ્યાનો અહેસાસ થયો છે? અને મેં જવાબ આપ્યો’તો..
ના. કોઈ પણ પ્રકારનો ભય અથવા ડર એ time waste છે. પશ્ચાત્તાપની જેમ જ. મે જે કંઈ પણ કર્યુ છે એ એટલા માટે કર્યુ છે કેમકે મારે એ કરવું હતું. સંમ્પૂર્ણ આત્મ વિશ્વાસ સાથે હું એમાં પડી છું મારા જેવી વ્યક્તિ ડરી જાય અને પશ્ચાત્તાપ કરવા બેસે એ શક્ય જ નથી.... મારા નિર્ણયો પર અફર રહુંછું..અને જીવન મારી શરતોએ જીવું છું.
જયેશભાઈએ ઘણા પાના ઉથલાવ્યા. આખરે એમને કંઈક જડ્યું--
શું છે આ ડિપ્રેશન?
ના. એ disease એટલે કે રોગ નથી , એ symptom એટલે કે લક્ષણ છે. દવા રોગની થાય, લક્ષણોની??? આ અવું લક્ષણ છે જેના મૂળિયા ખૂબ ઊંડે ધરબાયેલા હોય છે. એ મૂળિયા સુધી ઘણી બધી વખત ના તો Psychiatrist જઈ શકે, ના તો counsellor. એમની પણ મર્યાદા હોય. માત્ર સમય અને ઈશ્વર જ કંઈક કરી શકે. સાજા થવાનું એ disturbed વ્યક્તિના હાથમાં નથી હોતું. સાચું કહું છું - નથી જ હોતુ. કાઉન્સેલર્સ વાત કરી શકે. Psychiatrist દવાઓ આપી શકે!!
Anyway, the point is - શું છે આ ડિપ્રેશન??? એની વ્યાખ્યા શું ?
જીવનમાં કંઈક અધૂરપ છે અને એ અધૂરપની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી એવો બૌદ્ધિક વિચાર આવે ત્યારે સમજી જવું કે...
કોઈ યુ ટર્ન નથી. માત્ર સીધી લીટી છે, ધૂળની ડમરીઓ વચ્ચે, બૂટમાં ખૂંચતા રેતીના ડંખ સાથે પણ હાંફતા ને દોડતા સતત હારતા જવાનું છે.એ વાસ્તવિકતા psychiatrist સમજી શકે છે.
અને ડોક્ટર્સ કહી દે છે- change લાવો, નવેસરથી શરુ કરો. Fresh start કરો.
“નવેસરથી શું શરૂ કરું?” Fresh start એટલે?? એનો જવાબ એ નથી આપી શકતા.
પ્રશ્ન એ છે કે disturbed અથવા depressed માણસ શું કરે તો છૂટી જાય?? સાવ છૂટી જવા જેટલી જગ્યા મળે તો???
જે અધૂરાપણું ઘરમાં લાગે છે,પોતાના હોય એમની વચ્ચે લાગે છે એ અધૂરાપણું ઘરની બહાર નીકળ્યા પછી તો એનાકોન્ડાની જેમ વીંટળાઈ જાય છે. કોઈપણ પરિસ્થિતિમાં અધૂરાપણાના ભારને અને શાપ ને વેંઢાર્યા જ રહેવો એ જ સંવેદનશીલ ઇન્સાનની નિયતિ છે?? એવા મગજની ધોરી નસને તોડી નાંખતા ભયાનક વિચારો..” 6:50pm
***
જયેશભાઈ સ્વરાની ડાયરી વાંચી સ્તબ્ધ થઈ ગયા હતા. સૂરજ અને સ્વરા બંને એક ઘર માં જીવાતા પાત્રો. બંને એકબીજા વગર રહી ના શકે એવા, અને બંને નો સંઘર્ષ જુદો.
આંખ બંધ કરી ઘડીક શૂન્યમનસ્ક બેસી રહ્યા. ઝોકું આવી ગયું કદાચ. કો’ક માથે હાથ ફેરવતું હોય એમ લાગ્યું ને જયેશભાઈ જાગ્યા. અનસૂયા હતી. કોફીની ચૂસકીઓ મારતી’તી. સામે જોઈ હસી. એણે કહ્યું:
“જીવનમાં અમુક સત્યો ખૂબ મોડે સમજાય છે. પછી પસ્તાવોય થાય..આપણે સાથે તો રહ્યા, પણ એકબીજાને ઓળખ્યા?? તમે મને ઓળખવાનો પ્રયત્નય નો’તો કર્યો ને??!!! હું તો સતત તમારી સાથે જ હતી. સાથે જીવવા માટેનો સમય ઓછો પડ્યો નહીં??!! તમારી વર્ષગાંઠ સરસ રીતે ઉજવી. મારેય આવવું’તું... હશે! બધું આપણી ઈચ્છા પ્રમાણે ક્યાં થાય છે? જો આપણી ઇચ્છાઓ પૂરી થઈ જાય તો સર્વોપરી ઈશ્વરની આપણને જરૂર જ ના રહે..!! હમણાં તમે ચકુને કાશ્મીરની વાતો કરતા’તા ને?!! મેં ય સાંભળી. આપણેય ગયા હતા.. કેમ?? યાદ છે? ગંડોલા?? બરફ ખોબામાં ભરી ભરીને એકબીજા પર ફેંક્યો હતો, તમે અને સ્વરાએ. પછી કેવી ઠંડી લાગી હતી? સ્વરાને?? ને પેલો એહજાઝ નામનો આપણો ગાઇડ સ્વરાને ઊંચકીને દોડ્યો હતો ને કામળ ઓઢાડી હતી. ગરમ ચા પીવડાવી ત્યારે સ્વરાને કંઈક ઠંડી ઓછી થઈ હતી. સાચું કહું? મેં ત્યારે તમારી આંખોમાં ઝળઝળિયા જોયા હતા.
તમારું પ્રમોશન અને પપ્પાની લાંબી બીમારીમાં આપણી એ બધી સ્વતંત્રતાઓ છીનવાઈ ગઈ.. પણ એ બધી ક્ષણો મેં સાચવી રાખી છે. મને અત્યારસુધી બોલવા જ ના દીધું તમે. જાણે સ્વરાને ‘ભગાડવામા’ હું સામેલ હોઉં.!!! સ્વરા ભાગી નથી, એ મને કહીને ગઈ હતી કે હું જાઉં છું. સૂરજને હું ઓળખું પણ છું. અનાથને અનાથ ન કહેવાય કારણ કે એની રખેવાળી તો ઉપરવાળો કરતો હોય!! મુકેશભાઈનો કેતુ તમે પસંદ કર્યો’તો ને? પછી કેવી વાસ્તવિકતા સામે આવી?? માવા મસાલા ખાતા છોકરા સાથે પરણાવાય છોકરીને?? લાલ દાંત વાળો છોકરો કેવો લાગે?? મને તો નો’તો ગમ્યો. પ્રમોદભાઈ નો વિધત પણ કહેવાય બિઝનેસમેન. લંડન ભણીને આવ્યો એટલે qualified કહેવાય??? ભલેને કરોડો રુપિયાનું ટર્નઓવર હોય પણ કેવો લફરાંબાજ નીકળ્યો.
ચિંતનભાઈનો રોશન પણ, પેલી નિરાલી જોડે ચક્કર ચાલતુ’તું. ખબર છે? એક નંબરનો દારૂડિયો છે. ભલેને ઈંગ્લીશ દારુ પીતો હોય ને અઠવાડિયામાં એક વાર પીવે!! આપણા ઘરે એવું બધું ના ચાલે. સીધો સરળ છોકરો જોઈએ. ભલે ઓછું કમાતો હોય!! આપણે એક જ દીકરી છે ને .. છેવટે તો બધું એનું જ!!! અને સૂરજથી વિશેષ કોઈ વ્યક્તિ “દીકરો” બનાવવા લાયક નો’તો લાગ્યો.
મેં કહ્યું હતું ને કે સૂરજ સારો છોકરો છે.. પણ તમે....
ખરો છે ને ઈશ્વર પણ.... કો’ક ને નીચા બનાવ્યા, કો’ક ને ઊંચા... કો’ક ગોરા .. કાળા.. હિન્દુ ને ખ્રિસ્તિ ને મુસલમાન... પણ લોહીનો રંગ કેવો લાલ આપ્યો છે!! અનાથનું લોહી છે કે કરોડપતિ બાપના નબીરાનું , એ સમજાય નહીં.
યાદ છે? સ્વરાના જન્મ વખતે ડિલિવરીમાં મારે લોહીની જરુર પડી હતી. ને તમારા પપ્પાએ ના પાડી હતી કે , ‘બળ્યું ,કઈ નાતના માણસનું લોહી હોય? આપણને શું ખબર પડે???” ને તમે કેવા ચીડાયા હતા???
ને પહેલી વખત પપ્પા સામે ઉગ્ર અવાજે બોલ્યા હતા.. કે માણસ મહત્વનું છે.. નાત જાત નહીં.” સ્વરા અને સૂરજ વિશે મને આમ તો હતું કે તમે લગ્ન માટે તૈયાર નહી થાવ. પણ એ વાત યાદ આવી હતી ત્યારે મનોમન પ્રાર્થના કરી’તી કે તમે માની જાઓ તો કેટલું સારું !!!
આજે હવે બોલવા જ બેઠી છું તો કહી જ દઊં.... સાચું કહું ???—
આ જિંદગી એક પ્રવાસ છે. સૌ પોત પોતાની દિશામાં પ્રવાસ કરે છે. કેટલીક વ્યક્તિઓ થોડો સમય સાથે ચાલે છે તો કેટલીક અડધી જીંદગી.. તો કેટલાક અડધી જીંદગી કરતા વધારે!! એ સમય દરમ્યાન બંને એકબીજા પાસેથી શીખે છે.. સતત શીખે છે.. અને એની તમામ ઉણપ સાથે એને સ્વીકારી લે છે.. અત્યાર સુધી મેં ખોંખારીને નો’તુ કહ્યું: આજે કહી જ દઉં છું- સ્વરાની વાતે તમે જ ખોટા હતા...હતા ને??? મારી સામે સ્વીકાર ન કરો તો કાંઈ નહી... મનોમન તો સ્વીકાર કરજો.. મને ગમશે.”
ઘરનો ઝાંપો ખૂલ્યો, જયેશભાઈ અનસૂયાબેન સાથે એક તારે બંધાયા હતા, એ જાણે તૂટ્યો ..એ ઝબક્યા અને અનસૂયા એમ જ હસતી હસતી હવામાં ઓગળી ગઈ. જયેશભાઈ સ્તબ્ધ થઈ જોઈ રહ્યા. આ વાસ્તવિકતા હતી કે ભ્રમ???
(ક્રમશ:)