Prem, Pranay, Pranay trikon ke pachhi in Gujarati Short Stories by Afjal Vasaya ( Pagal ) books and stories PDF | પ્રેમ , પ્રણય , પ્રણય ત્રિકોણ કે પછી

Featured Books
Categories
Share

પ્રેમ , પ્રણય , પ્રણય ત્રિકોણ કે પછી

પ્રેમ, પ્રણય, પ્રણય ત્રિકોણ... કે પછી ???

લેખક :- અફજલ વસાયા ('પાગલ')

"હેય પેલી પૂજાની વાત મળી કે નય તને ? તેને પેલો કિશન ડેટ કરી રહ્યો છે. પણ લાગે છે કે હવે તે પૂજાને ડમ્પ કરશે."

"ઓહ્હ.... સો... સેડ..."

"Hey guys નેક્સટ વીકથી આપણી internal ટેસ્ટ છે. મારે તો કંઈ જ તૈયારી નથી થઇ..."

"Waiter, one sandwich please"

કોલેજ કેન્ટીનમાં જુદી-જુદી દિશાઓમાંથી જુદા-જુદા પ્રકારની ગોસીપનો અવાજ આવી રહ્યો હતો.

આવી 'મહત્વની' ગોસીપમાં ધ્યાન આપવાને બદલે અર્જુન મદિરાપાન કરી રહ્યો હતો. ના... ના... શરાબનું સેવન નહિ પણ તેની પ્રિયતમાંની આંખોના નશાનું સેવન....

અર્જુન અને 'તેની' અનામિકા એકબીજાની આંખોમાં આંખો પરોવીને આ ટીખળખોર ટોળકીની દુનિયાથી અલિપ્ત થઇ ચુક્યા હતા. જાણે કોઈ લવર્સ પોઇન્ટ પર બેઠા હોઈ તે રીતે.... ત્યાં અચાનક જ અનામિકાની આંખની ચળકતી કીકીએ સમક્ષિતિજ સાથે અધોદિશામાં 45° નો ખૂણો બનાવ્યો અને ગુસ્સાથી અર્જુન સામે જોયું.... થોડીવાર તો અર્જુનને કંઈ સમજાયું નહિ પણ પછી ખ્યાલ આવ્યો કે અનામિકા તેના શર્ટની સ્લીવ તરફ ઈશારો કરી રહી છે, કે જે ટોમેટો સોસની પ્લેટમાં ડૂબીને સોસનો ખાટો મીઠો સ્વાદ માણી રહી હતી. તરત જ અર્જુને સ્લીવ સરખી કરીને ઉપર ચડાવી અને ફક્ત હોઠ ફફડાવી ઇશારાથી અનામિકાને સોરી કહ્યું. અનામિકાએ પણ હકારમાં મોં હલાવીને આંખો એક વાર બંધ કરી અને ખોલી અને તે પણ હોઠ ફડાવીને બોલી, "બુધ્ધુ... પાગલ..." અને રમતિયાળ સ્મિત કર્યું.અનામિકાએ જે રીતે હકારમાં ડોકું ધુણાવીને ,આંખો બંધ કરીને ખોલી તેનો મતલબ થતો હતો 'its okay' કે જે કદાચ અર્જુન જ સમજી શકતો હતો.

થોડીવાર પછી કોલડ્રીંક્સ ની બોટલ્સ આવી, બધાએ એક પછી એક બોટલ ઉઠાવી જેવો અનામિકાનો વારો આવ્યો કે અર્જુનની ચકોર નજર અનામિકાની 'અનામિકા' (રિંગ ફિંગર) પર પડી અને તરત જ અર્જુનનું મોં ફુલી ગયું, કારણ કે અર્જુને આપેલી રિંગ અનામિકાના હાથમાંથી ગાયબ હતી. અર્જુનને મન તો તેની આપેલી રિંગ વગરની અનામિકા જાણે પતંગિયા વિનાના બાગ સમાન ભાસી રહી હતી. તરતજ અનામિકા એ મોબાઈલ ઉઠાવી અર્જુનને વોટ્સએપ પર મેસેજ કર્યો, "સોરી, બાબુ, હમણાં ફ્રેશ થવા ગઈ હતી ત્યારે રિંગ કાઢી હતી પણ પછી પહેરતા ભૂલી ગઈ.... ચલ જો હમણાં જ પહેરી લવ છુ, તરતજ અનામિકાએ રિંગ પહેરી અને બીજું કોઈ ન જુએ તેમ અર્જુનને રિંગ પહેરેલી આંગળી દેખાડી અને ધીરેથી તેના પર કિસ કરી....... બસ પછી તો પુછવું જ શું ? પ્રેમિકાની આવી રોમેન્ટિક અદા જોયા પછી કોઈ છોકરો જમીન પર રહે...??? અર્જુને પણ સામી ફ્લાઈંગ કિસ આપી, અલબત્ત બીજા કોઈને ખબર ન પડે તેમ... પ્રેમીઓની આવી ક્રિપ્ટોગ્રાફી સમાન આંખોના ઈશારા વડે અર્જુને કહ્યું,"ઇટ્સ ઓકે કુકડી..આઈ લવ યુ" કેવું છે નહિ ? પ્રેમીપંખીડાઓ કંઈ પણ બોલ્યા વગર પણ કેટલી બધી વાતો કરી લેતા હોય છે.!!!

પણ કહેવાય છે ને કે મિત્રો જેમ તમારું દુઃખ નથી જોઈ શકતા એમ કદાચ તમારું સુખ પણ જોઈ શકતા નહિ હોય.....તેમ અર્જુનના ખાસ મિત્ર ચિરાગે આ પ્રેમીપંખીડાઓની પ્રણાયલીલામાં રંગમાં ભંગ પડ્યો.

એય્ય... અર્જુનયા... પેલો સોસ પાસ કરને ભઈ.... પણ અર્જુનના કાનમાં મિત્રોના આવા કર્કશ અવાજ માટે તો જાણે નો એન્ટ્રી હતી ને ! તેના કાન તો હવે તેની 'અનુ' નો જ મીઠો મધુર અવાજ સાંભળવાના વ્યસની થઇ ગયા હતા.

ઓય્ય... એ ભાઈ.. અર્જુન.... અર્જુન..... અચાનક અર્જુનને કોઈકે હલબલાવી નાખ્યો અને અર્જુન એ કેન્ટીનના દૃશ્યોરૂપી યાદોના વમળમાંથી બહાર આવ્યો.

હા.. હે.. હા.. હા.. બોલને શું છે ? અર્જુન હડબડાતાં બોલ્યો.

'અરે ભાઈ ક્યારનો તને અવાજ આપુ છુ. ક્યાં ધ્યાન છે તારું ? ચાલ બહાર campus માં આંટો મારીએ.ચલ ભાઈ ચલ મસ્ત ઠંડો પવન આવે છે. ચોમાસું છે તો નક્કી નય ક્યારે વરસાદ આવી જાય ? ચાલ એકાદ ચક્કર લગાવી આવીએ....' શિશિર એકશ્વાસે બોલાય તેટલું બોલી ગયો.

હા, તો અર્જુન તેના મિત્ર શિશિર સાથે તેની કોલેજ તરફથી અમદાવાદની એક પ્રખ્યાત સંસ્થામાં ટેકનોલોજીકલ વર્કશોપ અટેન્ડ કરવા આવ્યો હતો. રોજ રાત્રે અનામિકા સાથે વાતો કરવાની આદત હોવાથી તેની યાદોને વાગોળી રહ્યો હતો ત્યાં જ શિશિર આવી ચડ્યો. પણ અર્જુન તો હજુ 'અનુ' ના કોલની રહે બેઠો હતો. હમણાં બે દિવસથી અનામિકા ઘરે ગયેલી હોવાથી કોઈ વાત પણ નહોતી થઇ. 'કંઈ કામ વગર શું ખોટી ઘરે ગઈ હશે ?, હોસ્ટેલ માં રહી હોત તો વાત તો થઇ શકેત.' આવું વિચારતો અર્જુન ગુમસુમ બેઠો હતો.

આજે તો અર્જુન આકુળ-વ્યાકુળ થઇ રહ્યો હતો. જેમ અસ્થમાના દર્દીને ખાસ પંપ ની જરૂર પડે તેમ અત્યારે અર્જુનને.... અર્જુનના કાનને..... અર્જુનના દિલને અનામિકાના અવાજની જરૂર હતી. પણ કોણ જાણે કેમ આજે 'અનુ'નો એક પણ મેસેજ કે કોલ આવ્યો જ ન્હોતો.

શું થયું હશે મારી અનુને....? શું કરતી હશે 'અનુ' ...? આજે એનો દિવસ કેમ પસાર થયો હશે...? તે શું જમી હશે..? આજે તે મારા વિના એકલી પાણીપુરી ખાવા ગઈ હશે...? આજે તેણે તેની ફેવરીટ ચોકલેટ kitkat ખાધી હશે કે નહીં...? મારા વિના 10 મિનિટ પણ ન રહી શકતી મારી અનુએ આજે મને યાદ પણ ન કર્યો..? કોને ખબર કેટકેટલાય સવાલો અર્જુનના મનને ઘેરી વળ્યાં હતા.

'એય, ભાઈ ચાલ ને હવે શું વિચારે છે ?' અર્જુનને પણ થયું કે એક ચક્કર લગાવી આવું મારો મૂડ પણ ઠીક થઇ જશે. ત્યાં સુધીમાં કદાચ અનુ ફ્રી થઇ જાય તો કોલ કરશે.બન્ને મિત્રો રૂમમાંથી બહાર નીકળી લિફ્ટ તરફ આગળ વધ્યા. Campus માં તો આજે નકરી 'હરિયાળી જ હરિયાળી' હતી. બધા જ સ્ટુડન્ટસ 'ફ્રી વાઇ ફાઇ' નો પુરેપુરો ઉપયોગ કરી રહ્યા હતા. કોઈ ગ્રુપ just arrived bollywod HD વીડિયો ડાઉનલોડ કરી રહ્યા હતા. તો કોઈક વળી જીવવિજ્ઞાનના વિચિત્ર કહી શકાય તેવા શારીરિક પ્રેક્ટિકલ સમા કામુક વિડિઓ ડાઉનલોડ કરી રહ્યું હતું.

બન્ને મિત્રો કેમ્પસના મેદાન પર પહોંચી ગયા હતા. મેદાનની ચોતરફ આવેલ ફૂટપાથ પર ચાલવાનો - ટહેલવાનો બંનેનો નિયમ હતો. ફૂટપાથની બરાબર પાસે, ગેટ પાસે ચોકીદારની ઝૂંપડી હતી. તે ચૂલો સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ એકેય દીવાસળી કામ જ નહોતી કરતી, આગ લગતી જ નહોતી. આ બધું જોતા જોતા અચાનક જ અર્જુનની નજર શિશિર પર પડી, જે ચુપચાપ ચાલી રહ્યો હતો.

'કાં એલા શું થયું ભાઈ ?' -અર્જુને પુછ્યું

અરે શું કવ યાર એમાં વાત એમ છે ને કે..... કહીને શીશીરે પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.

'આપણા ક્લાસમાં પેલી અનામિકા છે ને....?' અનામિકાનું નામ સાંભળતા જ અર્જુનનાં કાન સરવા થઇ ગયા.

'આઈ લવ અનામિકા....' આ વાક્યથી અર્જુનનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. પરંતુ શિશિર સાથે મિત્રતા હોવાને લીધે અર્જુન કંઈ જ ના બોલ્યો.

'અર્જુન, આપણી કોલેજ શરૂ થઇ ત્યારની આ વાત છે. એક વખત અનામિકા અને હું..... પાર્કિંગમાં ભેગા થઇ ગયા...અમારી આંખો મળી ..... અમે ધીરે ધીરે નજીક આવ્યા... અમે લેક્ચરમાં પણ એકબીજા સાથે આંખમીચોલી કરતા... અનામિકા મને 'શિશુ' કહેતી.... મને બાળક (શિશુ) કહીને ચીડવતી.... અમે બન્ને એકવાર ડેટ પર પણ ગયા હતા..... અને..... અમે....એકબીજાને...... અમે..... અને....... શિશિર બોલ્યે જ જતો હતો. પરંતુ અર્જુનનું મગજ ચકરાવે ચડી ગયું હતું. તેને હવે શિશિરના વાક્યો નહીં પણ ત્રુટક-ત્રુટક શબ્દો જ સંભળાતા હતા. શું પ્રતિભાવ આપવો તેનું કંઈ જ ભાન ન રહ્યું અર્જુનને......

ગુસ્સાથી અર્જુન ચોતરફ જોવા લાગ્યો. અચાનક જ તેની નજર ચોકીદારની ઝુંપડી તરફ ગઈ. થોડીવાર પહેલા જ્યાં આગ લગાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં પૂર્ણપણે આગ લાગી ચુકી હતી. અને જોતજોતામાં આગ એટલું તીવ્ર સ્વરૂપ ધારણ કરી ચુકી કે તેની જ્વાળાઓ ઝુપડીને ઘેરી વળી હતી. અર્જુનને પણ અત્યારે આવો જ કંઈક અનુભવ થઇ રહ્યો હતો. તેમ છતાં તેણે મન પર કાબુ રાખીને શિશિરને કહ્યું, 'હા તો પછી આગળ શું થયું ?'

થાય શું યાર ? એક દિવસ અનામિકાનો મેસેજ આવ્યો, "શિશિર તું મને ભૂલી જજે... આપણો સંબંધ આગળ નહિ વધી શકે... મારે પણ ઘણી મર્યાદાઓ છે... હું મારા પરિવારની ઈચ્છા વિરૂધ્ધ જઇ શકીશ નહિ. સોરી શિશિર....." બસ આટલું જ... પછી ન તો તે કોઈ દિવસ મારી સામું જુએ છે કે... ન તો મને ઓળખે છે. સાવ અજાણ્યા હોવાનો ડોળ કરે છે. ખબર નહીં તેને અચાનક શું થયું ? આટલી વારમાં પેલી ઝુંપડીમાં લાગેલી આગ કંઇક અંશે શાંત થઇ ચુકી હતી. લોકો પાણી છાંટતા હતા પણ હજુ એકાદ બે તણખલા તો સળગી જ રહ્યા હતા, તેમના પર આ પાણીની કંઈ જ અસર નહોતી થઇ. તેઓ હજુ પણ જ્વલનશીલ અવસ્થામાં જ હતા.!!!

અર્જુન સાવ મૂડલેસ થઇ ગયો. જલ્દીથી પોતાના રૂમ પર ચાલ્યો ગયો.

"હેય અર્જુન ક્યાં ભાગ્યો ? શું થયું ?"

શિશિર બૂમો પાડતો રહ્યો પણ અર્જુન અત્યારે કંઈ જ જવાબ આપવા નહોતો ઇચ્છતો. રૂમમાં જઈને અર્જુન પલંગ પર ફસડાઈ પડ્યો, હજુ પણ શિશિરના શબ્દો અર્જૂનનાં કાનમાં ગુંજી રહ્યા હતા. 'આઈ લવ અનામિકા...' તો જાણે કોઈક તેના કાનમાં ગરમ સીસું રેડી રહ્યું હોય તેવો અનુભવ કરાવી રહ્યા હતા.

અર્જુન વિચારવા લાગ્યો કે શું આ એ જ અનામિકા છે કે જે તેને પ્રેમથી 'દિકકુ' કહેતી... ? શું આ એ જ અનામિકા છે કે જે અર્જુનને કોલેજ પર ન જુએ કે તરત જ બેચેન બની જતી ? શું આ એ જ અનામિકા છે કે જે અર્જુનને કોલેજ પર મોડા પહોંચવા બદલ પ્રોફેસર કરતા વધારે ખિજાતી હતી ? અને તેને મનાવવા માટે અર્જુનને તેને kitkat ખવડાવવી પડતી. અર્જુન નું મન કંઈ જ વિચારી શકતું નહોતું. તેની સાથે શું થઇ રહ્યું છે એની કંઈ જ ખબર નહોતી પડતી. શું કરું... શું ન કરું...? 'To be or not to be' જેવી સ્થિતિ થઇ ગઈ અર્જુનની.....

અચાનક અર્જુનનો મોબાઈલ રણક્યો. અનામિકાનો મેસેજ હતો.અર્જુને મેસેજ ઓપન કર્યો તે કંઇક આ મુજબ હતો,

"અર્જુન તું મને ભૂલી જજે.આપણો સંબંધ આગળ નહિ વધી શકે. મારે પણ ઘણી મર્યાદાઓ છે. હું મારા પરિવારની ઇચ્છા વિરૂધ્ધ જઇ નહીં શકું.સોરી અર્જુન... by the way always miss you....."

અર્જુનને થયું કે આ વાક્યો ક્યાંક સાંભળ્યા હોય એવું લાગે છે. અર્જુનને શું કરવું તેની કંઈ જ ખબર ન પડી.. હંસવું કે રડવું...??? અર્જુને એક અટ્ટહાસ્ય કર્યું... હસ્યો એ... પણ આ હાસ્ય ક્યારે રુદન માં પલટાઈ ગયું તેની અર્જુનને ખબર જ ના રહી. અર્જુન ની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. અને હા, કેમ્પસમાં પણ વરસાદ શરૂ થઇ ચુક્યો હતો.વરસાદના વધારે પડતા પાણી ને લીધે પેલા ચોકીદારની ઝુપડીની આગ તો બુજાય ગઈ હતી. પરંતુ સાથોસાથ ઝૂંપડીમાં રહેલો સામાન પણ તણાઈ રહ્યો હતો. ચોકીદાર મજબુર થઈને રોકકળ કરતા પરિવાર સાથે પોતાની ગૃહસ્થીને પાણીમાં તણાતી જોઈ રહ્યો હતો.

અર્જુનની લાગણીઓ પણ તણાઇને તેનાથી ક્યાંક દૂર જઇ રહી હતી. અર્જુન પણ તેની ગૃહસ્થી સમાન, તેની આજીવિકા સમાન, તેની જીવનજરૂરી લાગણીઓને તણાતી જોઈ રહ્યો હતો. કિનારે ઉભો ઉભો રોકકળ કરતા હ્રદયની સાથે ચુપચાપ ઉભો હતો. ત્યાં જ લાઈટ ચાલી ગઈ.... અર્જુને મીણબત્તી સળગાવી.. અને તેને અનામિકા સાથે 'tomatino' માં લીધેલું કેન્ડલ લાઈટ ડિનર યાદ આવી ગયું..... અર્જુન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ખૂબજ વરસાદ આવવાથી રૂમની છત પરથી પાણી ટપકી રહ્યું હતું.... ટપક... ટપક...ટપક.... અને અર્જુનની આંખોમાંથી પણ.... આંસુ ટપકી રહ્યા હતા......

અર્જુન શૂન્યમનસ્ક થઈને છત પરથી ટપકતા પાણીને જોઈ રહ્યો.............

...........................સમાપ્ત...........................

Written by :- Afjal Vasaya ('Pagal')

Date :- 01/10/2016.