પડીકાં સંસ્કૃતિ અમર રહો
યશવંત ઠક્કર
આપણી વાતચીતની ભાષામાં ‘પૅકેટ’ અને ‘પૅકિજ’ જેવા અંગ્રેજી શબ્દોનું ચલણ વધવાથી ‘પડીકું’ શબ્દનો વપરાશ ઓછો થતો જાય છે. ભવિષ્યમાં ઘણાંને તો આ શબ્દનો અર્થ જાણવા માટે શબ્દકોશની મદદ લેવી પડશે.
આપણી ભાષામાંથી જ નહિ, પરંતુ આપણા રોજિંદા વ્યવહારમાંથી પણ હવે પરંપરાગત પડીકાં અદૃશ્ય થતાં જાય છે. પ્લાસ્ટિકની કોથળીઓનું ચલણ વધવાથી કાગળમાં બંધાતાં પડીકાં બહુ ઓછા જોવા મળે છે. એમ તો ભવિષ્યમાં ઘણાંય એવું પણ પૂછશે કે, ‘આ આ કોથળી એટલે શું?’ તો કોઈ જાણકાર હશે તો કહેશે કે, ‘કોથળી એટલે બેગ.’
એક જમાનો હતો કે વેપારીના દીકરાએ ધંધો શીખવાની શરૂઆત પડીકાં વાળવાંથી કરવી પડતી હતી. દીકરો પડીકું વાળવામાં પાછો પડે એ વેપારી માટે શરમજનક વાત ગણાતી હતી. દીકરાને જે દિવસે પડીકું વાળતાં આવડી જાય એ દિવસે વેપારીના ઘરે લાપસીના આંધણ મુકાતાં હતાં. એ વેપારીને દીકરાના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી થઈ જતી હતી. એના હૈયાના ચોપડે એ વાત સોનેરી અક્ષરે લખાઈ જતી હતી કે, ‘મારા દીકરાને પડીકાં વાળતાં આવડી ગયું. હવે ગમે એનું પડીકું વાળવામાં એ ક્યાંય અને ક્યારેય પાછો નહિ પડે.’
વેપારીના દીકરાની ગણના મુરતિયા તરીકે થવા લાગતી ત્યારે એને જોવા માટે કોડીલી કન્યાના સગાવહાલા ગુપ્ત રીતે એની દુકાનાની બહાર જઈને ઊભા રહેતા, અને એની પડીકું વાળવાની ક્રિયાનું નિરીક્ષણ કરતા. એ નિરીક્ષણ દ્વારા તેઓ મુરતિયાના વ્યકતિત્વ વિષે ધારણા બાંધતા. મુરતિયો કોઈ વસ્તુનું પડીકું વાળવા માટે જરૂર કરતાં વધારે કાગળ અને દોરો ઉપયોગમાં લે તો એ મુરતિયો ઉડાઉ હોવાનું નક્કી થતું. વધારે કાગળ અને દોરો ઉપયોગમાં લેવા છતાં પડીકું સરખું વળ્યું ન હોય તો એ શિખાઉ હોવાનું નક્કી થતું. કાગળ અને દોરો જરૂર કરતાં ઓછા વાપરીને પડીકું ઢીલું વાળે તો એ કંજૂસ હોવાનું નક્કી થતું. પડીકું વાળવાના બદલે એ ગોટો વાળે તો એ ગોબરો હોવાનું નક્કી થતું. કાગળ અને દોરો માપસર વાપરીને વ્યવસ્થિત પડીકું વાળનાર મુરતિયો ચીવટવાળો હોવાનું નક્કી થતું. નબળું પડીકું એ અધૂરા વેપારીની નિશાની ગણાતું. વગર દોરે પડીકાં વાળી દે તો એ વિશેષતા માટે એને વધારાના ગુણ આપવામાં આવતા. નાનાં પડીકાં વાળવાં માટે દોરાની જરૂર નહોતી પડતી, વેપારીની આંગળીઓને કરામતની જરૂર પડતી. વળી, પડીકાં વળવાંની એની ઝડપ પરથી નક્કી થતું કે એ લાંબી રેસનો ઘોડો છે કે પછી ટાયડું છે.
વેપારીઓ પડીકાં વાળવાંની પોતાની આવડત બાબત ગર્વ લેતા, અને ઘણા તો એવી ખાતરી પણ આપતાં કે, ‘મારું વાળેલું પડીકું ઘા કરવાં છતાંય નહિ છૂટે.’ દરેક વેપારીની પડીકાં વાળવાંની રીત અલગ અલગ રહેતી. ઘરાકો પણ કેવા હતા! જેમ કોઈ ચતુર વાચક માત્ર લખાણ જોઈને કહી દે કે આ લખાણનો લેખક કોણ છે, એમ ચતુર ઘરાક પણ પડીકું જોઈને કહી દેતો હતો કે આ પડીકાનો વાળનાર કોણ છે. બાપના બદલે બેટાએ પડીકું વાળ્યું હોય તો પણ ઘરાકને ખબર પડી જતી. ‘આ પડીકું માધવજી શેઠનું વાળેલું નથી લાગતું. એનું વાળેલું પડીકું આવું ઢીલુંઢફ ન હોય. આ તો એના દીકરાનાં કામાં છે.’ ઘરાકો દ્વારા આવી ટિપ્પણીઓ થતી.
પડીકાં વાળવાં માટે મોટા ભાગે છાપાંની પસ્તીનો ઉપયોગ થતો હતો. નાનાં પડીકાં વળવાં માટે ચોપડીઓ પણ ઉપયોગમાં લેવાતી. આ ચોપડીઓમાં કવિઓ અને લેખકોના સંગ્રહોનો પણ સમાવેશ થઈ જતો. કવિઓના કાવ્યસંગ્રહોનાં પાનાંનો ઉપયોગ પણ થતો. આ રીતે વેપારીઓ ચા, ખાંડ, હળદર, મરચું, જેવી સામગ્રીઓની સાથે સાથે વાર્તા, કવિતા, ગીત, જેવી સાહિત્યિક સામગ્રીઓ પણ ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરતા.
વેપારીઓ સિવાય વૈદો અને ડોકટરોને પણ પડીકાં સાથે નાતો હતો. એ લોકો મોટા ભાગે દવાની પડીકીઓ વાળતા. આજકાલ એ લોકો દર્દીઓને દવા પડીકીઓમાં નથી આપતા. થેલીઓમાં આપે છે. મોટા ભાગે દર્દીઓને યાદી પકડાવીને દવાની દુકાને મોકલી દે છે. દવાની દુકાને દવાઓ આકર્ષક[?] પૅકેટમાં તૈયાર હોય છે. દવા લેવા જનારે માત્ર પૈસા આપવાની તૈયારી રાખવી પડે છે.
પડીકાં વાળવાં એ કળા હતી, તો પડીકાં છોડવાં એ પણ કળા હતી. ઘરાકો પૂરી કાળજીથી પડીકાં છોડતા. પડીકામાં વપરાયેલા દોરાનો છેડો શોધીને પડીકું ખોલતા. દોરાનો સંગ્રહ કરતા. એ દોરાને બેવડો, ત્રેવડો, ચોવડો કરીને એને ઉપયોગમાં લેતા. પડીકાંમાં વપરાયેલા કાગળને ફાટવા નહોતા દેતા. એનું વાંચન કરતા. બીજાની ક્યાં વાત કરું? હું પોતે મારા ગામડે હતો ત્યારે પસ્તીનું વાંચન કરતાં કરતાં જ વાચન તરફ વળ્યો હતો. ત્યાં તો પુસ્તકાલય હતું નહિ, અને છાપું પણ આવતું નહિ.
તૈયાર પૅકેટનું ચલણ વધ્યા પછી હવે વેપારીના દીકરાને નિરાંત થઈ ગઈ છે. હવે એને પડીકાં વાળતાં ન આવડે તો ચાલે છે. બસ, ઘરાકને પૅકેટ વળગાડતાં આવડવું જોઈએ. પ્લાસ્ટિકની કોથળીઓ અને થેલીઓનું આગમન થયા પછી પડીકાં વાળવાંની કળા લુપ્ત થતી જાય છે.
ભલે વેપારીઓમાંથી પડીકાં વાળવાંની કળા લુપ્ત થવા લાગી હોય, પરંતુ સમગ્ર સમાજમાંથી પડીકાં વાળવાંની કળા લુપ્ત થઈ નથી. કારણ કે પડીકાં માત્ર વેપારીઓ જ નહોતા વાળતા, સમાજના દરેક વર્ગના લોકો વાળતા હતા, અને આજની તારીખે પણ વાળે છે. હા, એ પડીકાં જુદાં પ્રકારનાં હોય છે. એ પડીકાં વાળવાં માટે પસ્તીની અને દોરાની જરૂર પડતી નથી. પ્લાસ્ટીકની કોથળીઓ અને થેલીઓની પણ જરૂર પડતી નથી. એ પડીકાં વાળવાંની કળાની નોંધ છાપાંમાં અવારનવાર લેવાતી હોય છે. કઈ રીતે નોંધ લેવાય છે એ સમજવા માટે છાપાંમાંથી થોડા સમાચારોનાં મથાળાં ઉદાહરણ તરીકે આપું છું.
-નવી ભરતીના નિયમોમાં સરકારે હાલના આચાર્યોના અનુભવનું પડીકું વાળી દીધું.
-જમીન સંપાદન બિલ પરના વટહુકમનું સરકાર દ્વારા સત્તાવાર રીતે પડીકું વાળી દેવાયું છે.
-ચોમાસુ સત્રની બરબાદી માટે જવાબદાર રાજકીય પક્ષો પર કોઈ ફરક પડ્યો નથી તેથી તેમણે કોઈ મુદ્દા વિના જ શિયાળુ સત્રનું પડીકું વાળી દીધું.
-સંસદસભ્યશ્રીએ પ્રજાને આપેલા વચનોનું પડીકું વાળી દીધું.
છાપાના આવા સમાચારો પરથી આપણને જાણવા મળે છે કે સરકાર અને રાજકીય નેતાઓ પણ પડીકાં વાળતાં હોય છે. વેપારીઓ દ્વારા વળાતાં પડીકાં કરતાં આ પડીકાં જુદા પ્રકારનાં હોય છે. આ ઉપરાંત એ તારણ પણ કાઢી શકાય કે ‘પડીકું’ શબ્દ છાપાંમાં હજી સચવાઈ રહ્યો છે. ક્યારેક ક્યારેક તો છાપાંમાં એવાં ખબર છપાય છે કે, ‘ટ્રક સાથે અથડાવાથી પૂર ઝડપે જતી કારનું પડીકું વળી ગયું.’ કારનું પડીકું! છાપાં પણ કવિઓને ટક્કર મારે એવી કલ્પના કરતાં હોય છે.
વળી, સમાચારો આપનારાં છાપાં પોતે પણ કેટલીક વખત અમુક સમાચાર મોટે ઉપાડે ખૂબ ચગાવે છે, અને પછી કોઈ કારણસર એ સમાચારનું પડીકું વાળી દેતાં હોય છે. ટીવીની ન્યૂઝ ચેનલો પણ જરૂર પડ્યે પોતે જ આપેલા સમાચારનાં પડીકાં વાળી દેતી હોય છે.
જો આપણે થોડો વધારે વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે સમાજના દરેક વર્ગના લોકો વખત આવ્યે પડીકાં વાળતા હોય છે. જેમ કે...
-શિક્ષકો અને આધ્યાપકો વરસ પૂરું થવા આવે ત્યારે બાકી રહેલા કોર્સનું પડીકું વાળી દેતા હોય છે.
-કેટલાક કથાકારો મૂળ કથાનું પડીકું વાળીને શેરશાયરી અને જોક્સ કહીને શ્રોતાઓને મનોરંજન પૂરું પાડે છે.
-કોઈ ટીવી સિરિઅલને પૂરતા પ્રમાણમાં દર્શકો ન મળવાથી એનું અધવચ્ચે જ પડીકું વાળી દેવાતું હોય છે.
-ઐતિહાસિક પાત્રો પર ફિલ્મ બનાવનારા ઘણી વખત ટિકિટબારીને ધ્યાનમાં રાખીને ઇતિહાસનું પડીકું વાળી દેતા હોય છે.
-બેંક પાસેથી લોન લઈને ઉદ્યોગ સ્થાપનારા કેટલાક સાહસિકો પણ લોનના બાકી હપ્તાઓનું પડીકું વાળી દેતા હોય છે.
-પ્રેમીઓ દ્વારા એકબીજાંને અપાયેલાં વચનોનું લગ્ન પછી મોટા ભાગે પડીકું વળી જતું હોય છે.
-ટેલિકોમ કંપનીઓ જાતજાતના પ્લાન જાહેર કરે છે પણ એમાંથી ક્યાં પ્લાનનું ક્યારે પડીકું વળી જાય તે નક્કી નહિ.
- અમુક ઓફિસોમાં તો લોકોની ફરિયાદોનાં પડીકાં વાળી દેવા માટે ખાસ માણસોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે.
-લેખકો અને કવિઓ પણ પડીકાં વાળતા હોય છે. એ લોકો તો સપનાંનાં પડીકાં વાળે, ઝાકળનાં પડીકાં વાળે, તડકાના પડીકાં વાળે, આફતનાં પડીકાં વાળે!
આપણા બધાંમા આ પ્રકારનાં પડીકાં વાળવાંની કળા સચવાયેલી છે. વખત આવ્યે આપણે પણ કોઈને કોઈ વાતનું પડીકું વાળી દેતા હોઈએ છીએ. ક્યારેક સંબંધનું, ક્યારેક જવાબદારીનું, ક્યારેક ચિંતાનું તો ક્યારેક નાનીમોટી ખુશીઓનું!
હવે કાગળ અને દોરા વગર બંધાયેલાં પડીકાં છોડવાંની કળા વિષે વાત કરીએ. સમાજના દરેક વર્ગના લોકોમાં જેમ આવાં પડીકાં વાળવાંની કળા સચવાઈ રહી છે, એમ જ આવાં પડીકાં છોડવાંની કળા પણ સચવાઈ રહી છે.
કેટલાંક ઉદાહરણો પર નજર નાખીએ...
-ચૂંટણી વખતે નેતાઓ મતદારોને ખુશ કરવા માટે વચનો આપવાના બહાને પડીકાં છોડતા હોય છે.
-નવું મકાન બુક કરાવવા માટે આવેલાં ઘરાકો સમક્ષ પડીકાં છોડવાં માટે બિલ્ડરો પગારદાર માણસો રાખતા હોય છે.
-લોકોમાં [અંધ]શ્રદ્ધા વધે તે માટે ધાર્મિક ઉપદેશકો શ્રોતાઓ સમક્ષ પડીકાં છોડવાંની કળાનું પ્રદર્શન કરતાં હોય છે.
-ચમત્કારોના નામે જયારે પડીકાં છૂટે છે ત્યારે ટેલિકોમ કંપનીઓની આવકમાં અસાધારણ વધારો થતો હોય છે. મંદિરની બહાર લોકોની લાઈનો પડી જતી હોય છે.
-ભવ્ય ભૂતકાળની વાતો કરતી વખતે ઘણા લોકો પડીકાં છોડીને એ વાતોને વધારે રસપ્રદ બનાવતા હોય છે.
-જાહેરાતનો તો આખો ઉદ્યોગ પડીકાં છોડવાંની કળા પર નિર્ભર છે. નાનીમોટી કંપનીઓ પોતાનાં ઉત્પાદનોની જાહેરાત માટે પ્રસિદ્ધ કલાકારો પાસે પડીકાં છોડાવવાંનું કામ કરાવતી હોય છે.
આમ તો માણસ માત્ર આવાં પડીકાં છોડવાને પાત્ર હોય છે, પરંતુ કેટલાક લોકો આ કળા વિશેષ પ્રમાણમાં ધરાવતા હોય છે. જ્યારે જ્યારે તોફાનો, રમખાણો, આંદોલનો ચાલતાં હોય ત્યારે ત્યારે આ લોકો પડીકાં છોડવાંમાં એકદમ સક્રિય થઈ જાય છે. તેઓ શાંત વાતાવરણને પણ તંગ બનાવી દે એવાં પડીકાં છોડતા હોય છે. જેમ કે, ‘એ હમણાં જ પાકા પાયે ખબર આવ્યાં છે કે આપણી સોસાયટી પર હુમલો કરવાં માટે કેટલાક લોકો હથિયારો લઈને લાલ મારુતિમાં નીકળ્યા છે. એનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવાનું છે.’ અથવા તો, ‘ગાંધી રોડ પર બસો દુકાનો સાફ થઈ ગઈ છે.’ પછી ભલેને ગાંધી માર્કેટમાં કુલ પચાસ જ દુકાનો હોય!
તોફાનો વખતે તો ન્યૂઝ ચેનલો અને છાપાં પણ જાણ્યે અજાણ્યે આ પ્રકારનાં પડીકાં છોડતાં હોય છે. ઘણી વખત તો ન્યૂઝ ચેનલ પરથી સંચાર સાંભળનારને પણ એવું લાગે કે, ‘આ સમાચાર ચેનલ જો પડીકાં છોડવાંનું બંધ કરી દે તો શહેરમાં વહેલી શાંતિ સ્થાપાઈ જાય.’
પડીકાં વાળવાં અને પડીકાં છોડવાં એ માનવ સ્વભાવનાં લક્ષણ છે. દરેક માણસમા આ કળા છુપાયેલી હોય છે, અને દરેક માણસ પોતાના જીવનકાળ દરમ્યાન યથાશક્તિ એ કળાનું પ્રદર્શન કરતો હોય છે.
પડીકાં વળતાં રહો. પડીકાં છૂટતાં રહો. પડીકાં સંસ્કૃતિ અમર રહો.
.