Ek boj in Gujarati Short Stories by Rekha Vinod Patel books and stories PDF | એક બોજ

Featured Books
Categories
Share

એક બોજ

એક બોજ

રેખા પટેલ (વિનોદિની)

સુરજ અને ચાંદની , પ્રકૃતિને પરસ્પર જોડતા બે નામ . જેવા નામ તેવાજ બંનેને સ્વભાવ. સુરજ તપતો ઝળહળતો સિતારો અને ચાંદની અંધરાને પણ શરમાવી ભગાડતી શીતલ સ્વભાવની યુવતી.
કોલેજના બીજા વાર્ષિક મહોત્સવમાં યોજાએલા શીરી ફરહાદના સ્ટેજ પ્લેમાં શીરી અને ફરહાદના રોલને સંપુર્ણ ન્યાય આપતા આપતા થયેલા બંનેના મિલને તેમને આજીવન સાથે રહેવાના અને એકમેકના સુખ દુઃખમાં સાથ આપવાના કોલને પરસ્પર સમજુતી દ્વારા પ્રેમની મહોર લગાવી આપી. બહારથી સરળ લાગતા આ પ્રેમ સબંધમાં એકજ વિઘ્ન હતું જ્ઞાતિ અને ધનનું , એક રાજપૂત સાથે જમીનદાર પિતાનો નાનો લાડકો પુત્ર તો બીજી સાવ સમા છેડે કર્મકાંડી ભ્રામણ પિતાની ત્રણ દીકરીઓ માંથી સૌથી મોટી પુત્રી.

સુરજ તેના પિતાએ લઈ આપેલી નવી નકોર હોન્ડા સીટી લઈને કોલેજ આવતો ત્યારે તેની આજુબાજુ કેટલાય રૂપાળા પતંગિયા તેના અરમાનીના પરફ્યુમની મહેક લેવા ઉડાઉડ કરતા રહેતા. પરંતુ સુરજની નજરમાં જુહીના ફૂલ જેવી ઘવલ અને નાજુક ચાંદની વસી ગઈ હતી જેને નાં તો કોઈ પરફ્યુમની જરૂર હતી નાં સાજ શણગારની ,તેના વ્યક્તિત્વની આગવી મહેક હતી જેનો સુરજ દિવાનો થઇ ચુક્યો હતો .


પ્રેમમાં અંધ બનેલા એકમેક સિવાય સઘળું ભૂલી જતા હોય છે તેમને માત્ર યાદ હોય છે પરસ્પર નો પ્રેમ અને મળતા સમયને સ્નેહ ગાંઠે બાંધી લેવાની આતુરતા . આમાં તેઓ ભૂલી ગયા કે જો વડીલોની નાં હશે તો શું ? આ એક "શું " બહુ મોટી જવાબદારી લઇ આવે છે તેનો કોઈજ ખ્યાલ કે બીક હજુ આ પ્રેમી પારેવાને લાગી નહોતી .. સમય સમયનું કામ કરે જાય છે તેમાય સુખના દિવસો ચપટીક માં ચાર ખુશીઓના દાણાં વેરી ઉડી જાય છે.


કોલેજના બાકી રહેલા બે વર્ષ તો જોતજોતામાં પસાર થઇ ગયા હતા હવે બધાને વિખુટા પડવાનો દિવસ આવી પહોચ્યો ,ચહેરા ઉપર જીવનના સાચા સંઘર્ષને હસતા મ્હોએ ઉપાડવાના જોશ સાથે સાથી મિત્રોની જુદાઈને આંખોમાં તરવરતી રાખી મળતા રહીશું કહી બધા પોતપોતાના રસ્તે વિદાય થયા.. આ સુરજ અને ચાંદની જેવા જીવનભર સાથે રહીશુ ના કોલ આપનારા આંખોના ખૂણા ભીના કરી હજુ પણ કોઈકને કોઈક ખૂણે અટકી પડ્યા હતા ,કારણ તેમના મનમાં પેલા આપેલા વચનને કેમ પૂરા કરવો તેની મથામણ હજુ પણ ચાલતી હતી .

"ચાંદની કોલેજ પછી આપણે કેમ કરીને મળી શકીશું ? , મને તારા વિના બિલકુલ નહિ ચાલે "


"સુરજ તને મળ્યા વીના મને પણ ક્યા ચાલે તેમ છે , છતાય હવે મળવું બહુ અઘરું થઇ જશે, કારણ વિના મમ્મી બહાર નહિ જવાદે "


"કઈક તો રસ્તો તારે શોધવો જ પડશે ને એમ તો કેમ ચાલશે " સુરજ ચાંદનીની હથેળીને પોતાના બંને પંજાની ભીસમાં લેતા બોલ્યો'


સુરજ પહેલા કોલેજ ચાલુ હતી ત્યારે વાત કઈક અલગ હતી , ત્યારે રજાના દિવસે પણ નોટ્સ લેવાનું કે લાઇબ્રેરીનું એવું બહાનું આગળ ધરી હું તને મળવા આવી જતી પણ હવે તો અઠવાડિયે એકાદ દિવસ શક્ય બનશે " ચાંદની નાં અવાજની ભીનાશ સુરજને સ્પર્શતી હતી.


" ચાલ પડશે તેવી દેવાશે બસ તું હિંમત રાખજે " કહી સુરજે ચાંદનીને આલિંગન માં ભીસી દીધી

કોઈને કોઈ બહાને ચાંદની ચાર પાંચ દિવસે સુરજને મળવા નક્કી કરેલા સ્થાને પહોચી જતી ,

આવા સમયે મોટેભાગે કોફી ટોક હાઉસમાં પરસ્પરની આંખોમાં અને વાતોમાં સમય અને સ્થાન ભુલાવી એકમેકમાં ખોવાઈ જતા તો ક્યારેકચાંદની ચહેરાને સ્કાર્ફમાં છુપાવી સુરજની હોન્ડા સિટીમાં શહેર બહારના હાઈવે ઉપર લોંગ ડ્રાઈવ માટે નીકળી જતી.


એક આવી જ બપોરે કારમાં વાગતી જગજીત સિંહ ની ગઝલમાં બંને એકબીજાની હથેળીઓને એક કરી ખોવાએલા હતા
"તું પાસ હૈ તો દિલકા અજબ હાલ સા લગે , દેખું કો જોઈ ફૂલ તેરે હોઠ સા લગે .....


અચાનક સુરજ બોલી પડ્યો " ચાંદની યાદ રાખજે તું જો મને નાં મળેતો હું આમ કોઈ બાવો બની ગીતો લલકારતો નહિ ફરું ".


તો તું શું કરીશ મેરે બહાદુર રાજપૂત પ્રેમી?" ચાંદની નામ જેવુજ સ્નિગ્ધ હસી પડી .


હું તને તું જ્યાં હશે ત્યાંથી ઉઠાવી જઈશ ,આ ભવે તો હું તને આંખ આગળથી અળગી નહિ થવા દઉં આ મારું વચન છે તને."


"હા હું જાણું છું આ વાતને સુરજ પણ આ સમાજ નાં દાયરા બહુ ટુંકા છે " ચાંદની કઈક વિચારતા ચુપ બની ગઈ હતી.કારણ તે જાણતી હતી કે તેના ચુસ્ત બ્રામણ પિતા અને સુરજના રાજપૂત પિતાને મનાવવા પણ સહેલા નહોતા.

જ્યારે બે ત્રણ દિવસ મળવા નું બનતું નહિ ત્યારે સુરજ બાકીના વિરહના દિવસો ફોન ઉપર લાંબી લાંબી વાતો કરીને ટુકાવી દેતો.

સુરજ આ ફોન નાં શોધાયા હોત તો તું શું કરત? એક પણ દિવસ તને વાત કર્યા વિના ચાલતું નથી" ચાંદની મીઠી ટકોર કરી દેતી

સાચી વાત છે ડીયર તારી અવાજ નાં સાંભળું તો દિવસ નકામો લાગે છે , ક્યારેક મને પણ વિચાર આવી જાય છે કે પહેલાના વખતમાં આવી દુરતામાં પરસ્પર પ્રેમ કરતા હૈયાઓ નું શું થતું હશે " .

આમને આમ છ મહિના નીકળી ગયા ,એક દિવસ અચાનક સામેથી ચાંદનીનો ફોન આવ્યો " સુરજ મારે તને આજેજ મળવું છે "


સામે થી ચાંદની ભાગ્યેજ મળવા ઉતાવળ કરતી કારણ આ કામ તો સૂરજનું હતું " કઈ ઈમરજન્સી છે જાન , બધું બરાબર છે ને ?" અવાજમાં ચિંતા ભરી સુરજ બોલી ઉઠયો.


"તું બસ મને મળે પછી વાત વધુ કરીશ " સામસામે ફોન મુકાઈ ગયા.

કાયમ મળતા કોફી ટોક હાઉસના નક્કી કરેલા એક ખુણામાં સુરજ પહોચ્યો તો તેના આશ્ચર્ય વચ્ચે હંમેશા ઘરેથી બહાના બતાવી આવવામાં મોડી પડતી ચાંદની આજે વહેલી આવી ગઈ હતી.


"હાય ડીયર આજે શું વાત છે મને હરાવી દીધોને તે , બસ આમ હરાવતી રહેજે તને જીતતી જોઈ હું વધારે ખુશ થઈસ".


તેના આવા હળવા જોક ઉપર મીઠું હાસ્ય રેલાવતી ચાંદની આજે જરા પણ હસી નહોતી.


"આ જોઈ સુરજ ગંભીર થઈ ગયો. જાન બોલ શું વાત છે ,આમ ચુપ રહી મને બેચેન નાં બનાવીશ . તું જાણે છે તારી ઉદાસી મારાથી સહન થતી નથી "
સુરજની આ ભીની લાગણી ચાંદનીને સ્પર્શી ગઈ અને તેની બદામી લાંબી આંખો માંથી બે ઝાકળ જેવા બિંદુ સરીને સુરજના હાથ ઉપર સરી પડ્યા

"જાન કંઈક બોલે તો મને સમજાય કે તારી સાથે શું બન્યું છે ?"

મારા મમ્મી પપ્પાએ મારી જ્ઞાતિના આગેવાન લાભ શંકરજી નાં પુત્ર સાથે તેમના સામે ચાલીને આવેલા મારા લગ્ન માટેના પ્રસ્થાવને મારી ઈચ્છા વિરુદ્ધ સ્વીકૃતિ આપી દીધી છે.
મારી નારાજગી સામે પપ્પાએ મને કડક શબ્દોમાં કહી દીધું કે " અત્યાર સુધી તારી મરજી મુજબનું અમે બધું કરવા દીધું છે હવે આ સામે ચાલીને લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે તારી મરજી છે કે નહિ તે જાણવાની મને કોઈ જરૂર લાગતી નથી, લાભ શંકરજી સામે ચાલીને તારું માગું કર્યું છે તદુપરાત તને પહેરેલે કપડે લઇ જશે વધારામાં લગ્નનો બધો ભાર તે ઉપાડવા રાજી છે. હવે તારે વિચારવું રહ્યું કે તારી બે બહેનોના ભવિષ્ય માટે તારે શું કરવું છે " ચાંદની બે હથેળીઓમાં મ્હો છુપાવી રડી પડી.

સુરજ થોડીક ક્ષણો બહુ વિચલિત થઈ ગયો, પછી અચાનક તેની આંખોમાં લાલાશ ઉભરી આવી
બસ બહુ થઈ આ સમાજ અને માતા પિતાના ઋણ ની વાતો, આપણે આજના જમાનાના આધુનિક પ્રેમીઓ છીએ. આપણી ખુશી માત્ર આપણા હાથમાં છે, હવે આ હાથ કોઈ સામે નથી જોડવા . ચાંદની ચાલ ઉભી થા હું અને તું આજેજ મંદિરમાં ભગવાનની સાક્ષીએ લગ્ન કરીશું પછી સાથે બંનેના ઘરે જઈ આશીર્વાદ માગીશું ,જે આપણને પ્રેમ કરતા હશે તે સ્વીકારી લેશે અને જે નહિ સ્વીકારે તેમના મનોમન આશીર્વાદ લઈને આપણા માર્ગે આગળ વધીશું " બોલતા સુરજના અવાજમાં એક જોશ ભરાઈ આવ્યો તે લગભગ ચાંદનીને ખેચવા લાગ્યો હતો .

હતપ્રદ બનેલી ચાંદની પણ જાણે અજાણે તેની પાછળ ખેચાતી ચાલી ...... કલાકો પહેલા બે અલગ વ્યક્તિઓ ચાર મિત્રો અને એક બ્રામણ ની સાથે ભગવાનની હાજરીમાં એક થઇ ગયા.

સહુ પહેલા બંને ચાંદનીના ઘરે આવ્યા . અહી તો જાણે સૂર્યગ્રહણ અને ચન્દ્રગ્રહણ એક સાથે થઈ આવ્યા. ઘરમાં રોડકકળ શરુ થઈ ગઈ .
પપ્પા બોલતા હતા " અરે આતો ખાનદાનનું નાક બોલ્યું ,અરે જ્ઞાતિમાં થું થું થશે ,આ બે પાછળ બાકી રહી તેના હાથ કોણ ઝાલશે ? શું આ માટે તને ભણાવી હતી , અમારી માટે તો તું હવે મુએલી છે ".


મમ્મી જાણે ને ચાંદની સાચેજ મરી ગઈ હોય તેમ છેડો વાળી રડવા બેઠા "આના કરતા મારા પેટે પથરો પાક્યો હોય તો સારું ,આ દિવસ જોવાનો વારો નાં આવ્યો હોત વગેરે વગેરે...

ચાંદની દુઃખી પગલે સુરજની સાથે બહાર નીકળી આવી વિચારતી રહી " શું આજ એજ મા બાપા છે જે પોતાની નાનીનાની ખુશીઓ માટે જીવ પાથરતા હતા ? ક્યા ગયો તેમનો પ્રેમ? આજે તેમને પૂછ્યા વિના સામે ચાલી લીધેલી ખુશીમાં તેઓ આટલા દુઃખી થઈ ગયાકે જીવથી વ્હાલા કાળજાના કટકાને પળવારમાં રસ્તા ઉપર ફેકી દીધો " તે ધ્રુસકે ચડી.

બસ કર ચાંદની ભલે તારા માં બાપાએ તને નાં આવકારી પણ મારી માં અને બાપુ આપણને અવશ્ય સત્કારશે કારણ હું તેમો વ્હાલો દીકરો છું . પણ સુરજની આ આશા ઠગારી નીવડી. જ્યારે સુમેરસિંગે જાણ્યું કે તેમનો દીકરો તેમની મરજીની પરવા કર્યા વિના પરનાતની છોકરીને આ ઘરની વહુ તરીકે લઈને સીધો દરવાજે આવી પહોચ્યો છે તો " બસ ત્યાજ રહેજો બંને ,જેમ તમારે અમારી જરૂર નહોતી તેમ અમને પણ તમારી જરૂર નથી . હવે ઘરના દરવાજા તમારી માટે બંધ માનજો " કહી બારણે થીજ પાછા કાઢયા , સુરજ લાચાર બની માં અને ભાઈ ભાભીની આંખોના આંસુઓ ને જોઈ રહ્યો.

"કઈ નહિ આટલા જ અંજળ પાણી" કહી સુરજ ભારે હૈયે મિત્રના બંધ પડેલા મકાનમાં નવજીવનની શરૂવાત માટે મનને અને ચાંદનીને સજ્જ કરવા લાગ્યો , અત્યાર સુધી પપ્પાના પૈસાને પાણીની જેમ વાપરનારો સુરજ હવે દરેક જગ્યાએ ગણતરી કરતો થઈ ગયો હતો ,નવાનવા માંડેલા ઘરના બે છેડા ભેગા કરવા માટે ચાંદની અને સુરજ નોકરીની શોધમાં લાગી ગયા .

સારા નસીબે સુરજને એક પ્રાઈવેટ કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં કામ મળી ગયું , અને ચાંદનીને ક્યાંક રીસેપ્સ્નીસ્ટ તરીકે કામ મળ્યું . જોકે સુરજ ચાંદનીના આ કામ થી નાખુશ હતો પરતું અત્યારે ખુશી નાખુશી કરતા જરુરી હતા રૂપિયા.


બધું સમય સાથે ગોઠવાતું ગયું હતું છતાં પૈસાની અછતમાં પ્રેમ વરાળ બની ઉડવા લાગે છે. પણ સાચો પ્રેમ હોય ત્યાં આવી બધી અડચણને નજરઅંદાજ કરી લેવાતી હોય છે. પરતું સગાવ્હાલા ઓના સાથની કમી હંમેસા તેમની વચમાં આવતી હતી , ક્યારેક સુરજની માં અને ચાંદનીની મમ્મી છાનામાંના ફોન ઉપર બંનેની ભાળ લેતા હતા. સુકા રણમાં આટલો પ્રેમ પણ તેમની માટે મીઠી વીરડી સમાન બની રહેતો. સુરજ અને રોશની આ ફોન ઉપર થયેલી એ વાતચીતને કેટલાય દિવસો સુધી મીઠી પીપરમીંટની જેમ ચગળ્યા કરતા .

લગ્નના ચાર વર્ષ દરમિયાન સુરજને તેની બુદ્ધિમતા અને આગવી સુઝના કારણે પગાર સાથે ઉંચી પોસ્ટ મળી ગઈ હતી . એક દિવસે ચાંદનીએ શુભ સમાચાર આપ્યા કે તે મા બનવાની છે. સુરજે તેને બેવ હાથમાં ઉચકી ગોળગોળ ફેરવી નાખી ..હવે તેમની દુનિયા આમજ ગોળ ફરવાની હતી તેમના પ્રેમનું પ્રતિક આ દુનિયામાં આવશે તે વિચારે તેઓ ખુશી સાથે એકસાઈટ હતા.


સાથે આશા હતી કે આવનાર બાળક બંને કુટુંબોને એક કરી દેશે ,પણ તેમની આ આશા ખોટી ઠરી. કેટલીય મુશ્કેલીઓ વચ્ચે છે મિત્રોની સહાય થી ચાંદની એ પ્રેગ્નેન્સીના દિવસો પુરા કર્યા અને એક સુંદર દીકરીને જન્મ આપ્યો. હવે તે નોકરી છોડી ઘરે બેસી ગઈ હતી કારણ નાનકડી રોશનીની દેખભાળ કરનાર દાદી કે નાની પાસે નહોતા. બસ આ બધા દરમિયાન એક વસ્તુ સારી બની કે દાદી અને નાની છાનાંમાના રોશનીને રમાડવા આવી જતા ક્યારેક સુરજના ભાભી પણ આવતા હતા.. સમય પાંખો ફેલાવી ઉડતો હતો આમ કરતા બે વર્ષ નીકળી ગયા ત્યાં એક દિવસ સુરજ સાવ નંખાઈ ગયેલી હાલતમાં ઘરે આવ્યો અને આવતાની સાથે સોફામાં ફસડાઈ પડયો .

" સુરજ શું થયું કેમ આજે આવો થાકેલો દુઃખી જણાય છે " સ્નેહથી માથામાં હાથ ફેરાવતા ચાંદની બોલી.
"ચાંદની મારી કંપની ટુક સમયમાં બંધ થાય છે તો બે મહિનામાં મારે બીજે ક્યાંક નોકરીની વ્યવસ્થા કરી લેવી પડશે".
"ઓહ ! આતો બહુ ખરાબ થયું , પણ હિમત ના હારીશ બધુજ બરાબર થઈ જસે , તું બીજે નોકરી માટે વેકેન્સી જોવા માંડજે હું પણ તારી માટે શોધ કરીશ " કહી ચાંદની સુરજની હમસફર નાં નાતે તેના દુઃખમાં તેની જોડાજોડ ઉભી રહેવાની તૈયારી બતાવવા લાગી.

જીવનમાં સુખ અને દુઃખના ચક્રો આપણી ગતિએ નથી ચાલતા , જૂની નોકરી બે મહિના પછી છૂટી ગઈ અને ઘણી મહેનત કરવા છતાં આજે છ મહિના થતા પણ નવી નોકરી મળતી નહોતી ,હવે તો થોડી ઘણી કરાએલી બચત પણ વપરાઈ ગઈ. નશીબ કઈક જોર કરતુ હશે કે ચાંદની ને એક સરકારી કન્યા શાળામાં કરેલી અરજી પાસ થતા ત્યાં નીકરી મળી ગઈ. પણ હવે જીવનનું દ્રશ્ય બદલાઈ ગયું સુરજને ઘરે અહી રોશનીની સંભાળ લેવી પડતી અને ઘરકામમાં ચાંદનીને મદદ કરવી પડતી ,જે વાત સુરજના સ્વમાનને પ્રત્યેક દિવસે ઠેસ પહોચાડતી હતી જેની અસર તેના સ્વભાવની સૌમ્યતા ઉપર પડવા લાગી .

ઘરે એકલો કંટાળતી સુરજ હવે તેના નવરા પડેલા મિત્રોને ઘરે બોલાવતો અને સમય પસાર કરવા દારુ અને પત્તાની મહેફીલ જમાવતો ચાંદનીના આવતા પહેલા ઘર પાછું વ્યવસ્થીત થઇ જતું છતાય ચાંદની જાણી ચુકી હતી કે સુરજ હવે ડ્રીન્કસ લેવા લાગ્યો છે. એક સમયે જમાના સામે બળવો પોકારનાર સમયના દો જિસ્મ એક જાન પ્રેમીઓને અછતે આજે દો જિસ્મ દો જાન બનાવી સામસામે મૂકી દીધા હતા. ખેચાતાણી કરી સંસારની ગાડીને ખેચાતા હવે રોશની ચાર વર્ષની થઇ ચુકી હતી,

સુરજ હું રોશનીને હવે બાલ મંદીરમાં મુકીને કામ ઉપર જઈશ તું પણ હવે જેવું પણ મળે તેવું કામ શોધી લે ,હવે તારે ઘરે રહેવાની જરૂર નથી" આજે કડક શબ્દોમાં ચાંદનીએ સુરજને ફેસલો સંભળાવી દીધો.
ઘરે રહી આળસુ બની ગયેલો અને જીવનથી નાસીપાસ બનેલો સુરજ હવે તેના ઘરને તેના માતાપિતાને યાદ કરતો હતો ,વધારેમાં દારૂની સંગતમાં પુરેપુરો ઘેરાઈ ચુક્યો હતો આથી ચાંદનીની વાત તેનાં અહંને ઝંઝોળતી ચાલી.

' રોશની જો તું મને આ રીતે કહી નાં શકે હું ઘરે રોશનીની દેખભાળ કરવા રહેતો હતો , જેથી તારાથી બહાર નોકરી કરી તારું મનમાન્યું કરી શકાય. બાકી મને આ ચાર દીવાલો વચમાં જીવવાનો કોઈ શોખ નહોતો. તારા આવવાથી મારી આખી જિંદગી બદલાઈ ગઈ છે હું ક્યા હતો ને ક્યા આવી ચડયો " બોલતા તે આખો દારુ ભરેલો ગ્લાસ એકજ ઘટમાં ગટગટાવી ગયો અને લથડતી ચાલે બાજુના ઓરડામાં પુરાઈ ગયો.

ચાંદની આજે બાપની ઘર છોડતા રડી હતી તેનાથી પણ કરુણ રીતે રડી પડી ,આજે કોઈ તેને સાંત્વના આપવા હાજર નહોતી માત્ર તેની ત્રણ વર્ષની દીકરી તેને રડતા જોઈ બાજુમાં ઉભી રહી રડતી હતી.
રોશનીને આમ રડતા જોઈ તે જાતેજ ચુપ બની ગઈ અને તેને ગળે વળગાડી જાણે કશુજ નાં બન્યું હોય તેમ તેની સાથે રમતમાં લાગી ગઈ. "આજે એક માની જીત થઇ "

હવે સુરજનો પ્રેમ નશો અને ચાંદનીનો પ્રેમ રોશની બની ચુક્યા હતા ..શરૂવાતમાં સુંદર લાગતું જીવન ચિત્ર આખું આજે બદલાઈ ચુક્યું હતું ,આજે સુરજ અને ચાંદનીને એક કરવા સાંજના કોઈ મનોરમ્ય રંગો દેખાતા નહોતા.

સુરજનાં માની સમજાવટ થી હવે તેના પિતા સુમેરસિંહ હવે ઘણા ખરા પીગળી ગયા હતા તેમાય વ્હાલા પુત્રના આવા હાલ હવાલ જોતા તેને ઘરે લઇ આવવા તૈયાર થયા પરંતુ ચાંદની હજુ પણ તેમને ખટકતી હતી. તેમના મનમાં આ વાત ઘર કઈ ગઈ હતીકે " આ ચાંદનીના કારણે તેમનો પરિવાર વિખરાઈ ગયો હતો ". આ વાત ચાંદની જાણતી હતી. તેથી હવે તે જીવનમાં વધારે કોઈ રિસ્ક લેવા તૈયાર નહોતી. સુરજે ચાંદનીને સાથે આવવા સમજાવ્યું " જો તું તારી જીદમાં રોશનીના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે ,આપણી વચ્ચે નો મતભેદ કે મનભેદ માત્ર આપણા ખરાબ સમય પુરતો જ છે , હબધું બરાબર થઇ જશે તું મમ્મી પપ્પાની માફી માગી લેજે " .


"ના સુરજ તારા પિતા મને જોઈ રાજી નથી થયા તો મારે પરાણે ત્યાં નથી આવવું " ચાંદની હઠે ચડી. સુરજના કહેવા છતાં તે સુમેર સિંહના ઘરે જવા તૈયાર નાં થઇ.


સવારે રોશનીને તૈયાર કરી લંચ બનાવી ડબ્બો ભરી મા દીકરી બંને ઘરે થી નીકળી જતા અને સાંજે દીકરીને ભણાવતા રસોઈ બનાવી સાંજના બે ટ્યુશન કરી વધારાની આવક ઉભી કરી લેતી. આખો દિવસ તો દોડઘામ માં નીકળી જતો પરંતુ સાંજે રોશની જ્યારે તેના પપ્પાને યાદ કરી તેનો ફોટો પકડીને સુઈ જરી ત્યારે ચાંદનીની આંખો સાથે હૈયું નીતરી જતું. બરાબર તેજ સમયે એક સ્ત્રી માતાને હરાવવા આવી ચડતી ' સુરજ તેની જાતે તને એકલી છોડીને ગયો છે ,તેને તારી અને તેની દીકરીની કઈ ચીંતા નથી " ઓહ! અને તે ઓશીકામાં માથું ખૂપાવી દેતી .

આજકાલ કરતા છ મહિના નીકળી ગયા ," મમ્મી પપ્પા બહારગામ થી ક્યારે ઘરે આવશે ? મને પપ્પા બહુ યાદ આવે છે, કાલે પેરેન્ટ્સ ડે બધાનાં પપ્પા સ્કુલમાં આવશે અને મારા પપ્પા......" કહી રોશની રડવા ચડી.

બસ હવે બહુ થયું કાલે તો સુરજના પિતાના ઘરે જઈ કાં તો તેને અહી લઇ આવવા રાજી કરી લઈશ અથવા હું નાની છું સમજી તેમના ઘરમાં તેમની મરજી પ્રમાણે સમાઈ જઈશ, આમ પણ સુરજે તો મને સાથે આવવા કેટલી સમજાવી હતી. હવે હું મારા અને સુરજના અહં વચ્ચે અમારા અને ખાસ કરીને રોશનીના ભવિષ્યને બગડવા નહિ દઉં " ચાંદનીએ નિશ્ચય કરી લીધો.


બસ આજ એક નિર્ણય થી ચાંદનીના હૈયા ઉપરથી બધો જ બોજ ઉતરી ગયો, એક મા જીતી ગઈ .

રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર યુએસએ