अहं ब्रह्मास्मि
ब्रह्म वा इदम अग्रे आसीत, तद आत्मानम एव अवेत. अहं ब्रह्मास्मि इती तस्मात तत सर्वं अभवत.”
ઉપરનું આ વાક્ય બૃહદઆરણ્યક ઉપનિષદનું મહાવાક્ય છે. જેનો અર્થ છે સૃષ્ટિની શરુઆતમાં સહુથી પહેલા કેવળ બ્રહ્મનું જ અસ્તિત્વ હતું. અને તે પોતાને જ ‘હું બ્રહ્મ છું’ એમ જાણતું હતું. અર્થાત એના સિવાય કશું જ હતુ નહીં. અને કદાચ તેને એકલવાયું લાગતું હશે તેથી તે સર્વ રુપ થયું. અને આગળ ચાલતા એમાં એમ પણ કહ્યું કે જેને મારી અનુભૂતિ થશે તે બ્રહ્મરુપ થશે. પરંતુ મારા જેવા કરોડો માનવો માટેતો આ મહાવાક્યમાંનું બ્રહ્મ છૂપું જ રહે છે, અને હું હું નો ભ્રમ જ બાકી રહે છે. (મારે માટે તો અહં ભ્રમમાં અસ્મિ કહેવું એજ યોગ્ય છે.) આ બ્રહ્મ શબ્દ મૂળ ધાતુ બૃહમાંથી બન્યો છે. બૃહનો અર્થ છે વધવું કે વિસ્તાર પામવું. એટલે જ તે એકમાંથી અનેક થયું. આ બ્રહ્મના પર્યાય વાચક બીજા ઘણા પ્રચલીત નામો છે. જેવા કે પરતાત્મા, પુરુષ, અદઃ, સચ્ચિદાનંદ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વગ્ન, શૂન્ય કે નેતિ નેતિ વગેરે વગેરે. અને સાકાર સ્વરુપે તે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ નામે પણ ઓળખાય છે. હું તો માનું છું કે અસ્તિત્વ એટલે જ બ્રહ્મ.
ત્રણ શબ્દના આ મહાવાક્યનો અર્થ સમજવા માટે બૃહદઆરણ્યક ઉપનિષદનો આધાર લેવો જરુરી છે એમ હું માનું છું. પરંતુ અન્ય ઉપનિષદોમાં આ ઉપનિષદ સહુથી મોટું છે. તેને સમજવાની શક્તિ મારમાં નથી તેથી તેના સારરુપ ઈશાવાસ્ય ઉપનિષદનો અધાર લેવાનો વિચાર કર્યો છે. કરણકે બૃહદઆરણ્યક અને ઈશાવાસ્ય ઉપનિષદના અમુક શ્લોક તો એક સરખા છે વળી બેઉ ઉપનિષદનો શાન્તિ પાઠ પણ એક જ છે. હું તો માનું છું કે ઈશવાસ્ય ઉપનિષદ એ બૃહદઆરણ્યકની સંક્ષિપ્ત સરળ અને સચોટ આલોચના જ છે.
શાન્તિ મંત્ર
पूर्णमदः पूर्णम ईदं पूर्णात पूर्णं उदच्यते
पूर्णस्य पूर्णं आदाय पूर्णं एव अवशिष्यते
આ શ્લોકમાં અદઃ એટલે બ્રહ્મ અર્થાત પુરુષ અને ઈદં એટલે બ્રહ્માંડ કે પ્રકૃતિ એવો અર્થ લઈએ તો એમ સમજાય કે બ્રહ્મ અને બ્રહ્માંડ બે અલગ અલગ પૂર્ણ છે. પણ વાત એમ નથી કારણ કે એક પૂર્ણમાંથી બીજું પૂર્ણ ઉદ્ભવ્યું છે. (पूर्णात पूर्णं उदच्यते) અર્થાત બ્રહ્મમાંથી જ બ્રહ્માંડ ઉદ્ભવ્યું છે. એટલે કે એક જ વસ્તુ બે જુદા જુદા રુપે દેખાય છે પરંતુ આ બે રુપ કદી એક સાથે દેખાતા નથી. તેથી જેને બ્રહ્મ દેખાય છે તેને બ્રહ્માંડ નથી દેખાતું અને જેને બ્રહ્માંડ દેખાય છે તેને બ્રહ્મ નથી દેખાતું. ઉદાહરણ તરીકે રમવાના બાવન પત્તાની જોડ હોય તો તે આ જોડ,એક ઢગલીના રુપમા અર્થાત (અદઃ)ના રૂપમાં દેખાય છે. પરંતુ તે બધા પત્તાને અલગ અલગ પાથરી દઈએ તો તે ‘આ બધા પત્તા’ (ઈદં સર્વં)ના રૂપમાં દેખાય છે. અને આ દરેક પત્તાને પોતાનું અલગ નામ અને રૂપ હોય છે. જેમ દરેક પત્તું એ આ જોડનો જ અંશ છે તેમ આ વિશ્વમાં રહેલા બધા પદાર્થો અને બધી જ શક્તિઓ આ બ્રહ્માન્ડમાં પથરાયેલા વિવિધ નામ રૂપ ધરાવતા બ્રહ્મના અંશ જ છે. હવે બ્રહ્મ અને અહં વિશે ઈશાવાસ્યમાં શું કહ્યું છે તે જોઈએ.
ઈશાવાસ્ય શબ્દની સંધી બે રીતે છૂટી કરી શકાય છે એક છે ઈશા+વાસ્યમ જેમા વાસ્યનો અર્થ છે વસ્ત્ર અને બીજો છે ઈશા+આવાસ્યમ એટલે ઈશાનું નિવાસ સ્થાન. અહીં આ એક જ શબ્દના બન્ને અર્થોનો ઉપયોગ કરી ઋષિએ કહ્યું છે કે આ વિશ્વના કણ કણમાં બ્રહ્મનો વાસ છે અને આ આખું જગત બ્રહ્મરૂપી વસ્ત્રથી ઢંકાયેલું છે. વળી ચોથા શ્લોકમાં એનુ વર્ણન કરતાં કહ્યું કે
अनेजदेकं मनसो जवीयो
नैनद देवा आप्नुवन पूर्वमर्षत
तद धावतो अन्यात अत्येति तिष्ठत
तस्मिन्न अपो मातरिष्वा दधाति ४
આ બ્રહ્મ તત્વનું વર્ણન કરતા કહ્યું કે તે સ્થિર હોવા છતાં મન કરતા પણ વધુ વેગે દોડીને સૌથી આગળ નીકળી જાય છે અને ઈન્દ્રિયો તેને પહોંચી શકતી નથી.
વળી શ્લોક આઠમાં તેનું વર્ણન કરતાં એમ કહ્યું કે
सः पर्यगात शुक्रं अकायं अव्रणं
अस्नाविरं शुद्धं अपापविद्धं
कविर्मनिषी परिभूः स्वयंभूः
यथातथ्यतः अर्थान व्यदधात शाश्व तीभ्यः समाभ्यः ८
જેનો અર્થ છે
તે કાયા રહિત,સ્નાયુ વિહોણું,પાપ વિહોણું, શુદ્ધ, અને સર્વવ્યાપી છે. તેને ઈન્દ્રિઓ જોઈ શકતી નથી તેથી આ બ્રહ્મ હંમેશા અદ્રશ્ય તત્વ જ રહે છે. અને એણે સૃષ્ટિના બધા જ પદાર્થોને પોત પોતાને સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવી દિધાં છે. અને આ બધા પદાર્થો આપણી સહુની સમક્ષ સદા દ્રષ્ટિગોચર કે અનુભવનીય પણ છે. તો જો આપણે આ દ્રશ્ય બ્રહ્મનો અર્થાત તેના પ્રત્યેક અંશનો અલગ અલગ અભ્યાસ કરી તે દરેક અંશનો સરવાળો કરીએ તો એ મૂળ બ્રહ્મ શું છે તે સમજાય, તેથી આ માર્ગ લેવો એ જ ઉચીત ગણાય. અને તેથી જ આજના વિજ્ઞાનીઓ અણુથી માંડી અનંતની ખોજમાં મગ્ન રહે છે. અને તેઓ હીક્સ બોઝોન પાર્ટીકલથી માંડી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલી નિહારિકાઓનો અભ્યાસ કરવામાં સફળ થયા છે પરંતુ બ્રહ્મતત્વ વિશે હજી પણ અજાણ જ રહ્યાં છે. આ ઉપરથીતો એટલું જ પુરવાર થાય છે કે अणोर अनीयान महतो महीयान એ ઉક્તિ સાચી છે. તો બ્રહ્મને જાણવાનો બીજો એક ઉપાય અજમાવવા જેવો છે. સંકૃતમાં બીજી એક ઉક્તિ છે કે यथा ब्रह्मान्डे तथा पीन्डे જે ઈશાવસ્ય ઉપનીષદમાં બતાવ્યો છે. તેના પહેલા શ્લોકમાં જ જગત્યાંજગત (જગતી અયં જગત)નો નિર્દેશ કર્યો છે. (જગતી) એટલે બ્રહ્માન્ડ અને (અયં જગત) એટલે એ જગત જે આપણે આપણા અહંથી એટલે કે આપણા અનુભવોથી ઊભું કરી આપણા અંતરમાં સંગ્રહી રાખીએ છીએ જેનું નામ છે અંત:કરણ.(મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર) આ અંત:કરણ એટલે આપણુ અંગત બ્રહ્મ, જેની દોરવણીથી આપણે જીવન વીતાવતા રહી રાગ,દ્વેષ,સુખ,દુઃખ વગેરે અનુભવીએ છીએ. પરંતુ અંતઃકરણની શુદ્ધિ અને શાંતિ વગર સચ્ચિદાનંદ બ્રહ્મનો અનુભવ થવો અશક્ય છે. અંત:કરણની શુદ્ધિ માટે ભટકતા મનને રોકી અહંનો ત્યાગ કરવો જરુરી છે. તો અહં શું છે તે જાણ્યા વગર તેનો ત્યાગ શી રીતે કરી શકાય.મારી દ્રષ્ટિએ અહંના બે રુપ છે. એક અહં એ છે જે (અદ્રશ્ય) પુરુષ રુપે સારી સૃષ્ટિમાં પ્રસરી ગયું છે, અને બીજું અહં દ્રશ્ય સૃષ્ટિ રૂપે દરેક મનુષ્યમાં અભિવ્યક્ત છે. જેને આપણે સહુ અહંકાર કહીએ છીએ. આ દ્રષ્ય અહંકારને અદ્રશ્ય કરવા માટે આપણી દ્રષ્ટિની દીશા બદલવાની જરુર છે અર્થાત જીવન પ્રત્યેનું વલણ (attitude)બદલવાની જરુર છે. અને તે અંગે ઈશાવસ્યમાં આ પ્રમાણે કહ્યું છે.
यस्तु सर्वाणि भूतानी आत्मनि एव अनुपश्यति
सर्व भूतेषु च आत्मानं ततो न विजुगुप्सते ६
જે વ્યક્તિ સર્વ ભૂતોને આત્મામાં દેખે છે અને એક આત્મતત્વને સર્વ ભૂતોમાં દેખે છે તેનાથી ઈશ્વર ઢંકાયેલો રહેતો નથી. અને જે આવી સ્થિતિએ પહોંચે છે તે અન્ય કોઈની ઘૃણા કરતો નથી અને શોક અને મોહમાં ફસાતો નથી. વળી આ માટે શ્રી.શંકરાચાર્યએ પણ કહ્યું છે કે
अहं निर्विकल्पो निराकाररूपो ; विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम
सदामे समत्वं न मुक्तिर्न बन्धः चिदानंदरूपः शिवोअह्म शिवोअह्म
જેનો અર્થ છે
આપણામાં રહેલ અહં એવો નિર્વિકલ્પ હોવો જોઈએ કે તેમાં હું, તું કે તે વિશે ભેદભાવ નહીં પણ સમભાવ હોવો જોઈએ. આર્થાત વિશ્વ ભરના સર્વ ઈન્ર્દિયધારિ પ્રાણીઓમાં હું રુપે ફેલાએલ એક જ શક્તિ છે કે જેને બંધન કે મુક્તિની કોઈ વળગણ નથી. અને ‘તે શક્તિ હું છું’ ‘તે શક્તિ હું છું’
चिदानंदरूपः शिवोअह्म शिवोअह्म
શ્રી. શંકરાચાર્યના આ ઉદ્ગાર એટલે
અહં બ્રહ્માસ્મિ
ગિરીશ દેસાઈ