Attargali in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | અત્તરગલી

Featured Books
Categories
Share

અત્તરગલી

અત્તરગલી

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અત્તરગલી

મેં કેટલાં વરસો પછી પગ મૂક્યો, મારી અત્તરગલીમાં ? સાબુના કારખાનાની જગ્યાએ એક ઑફિસનું પાટિયું ઝૂલતું હતું, એનું વિસ્મય શમ્યું, ના શમ્યું ને સામે, બીજે ખૂણે એક પાનની દુકાન દેખાણી. એક પળ તો પગ થંભી ગયા; ખાતરી કરવા કે આ કોઈ બીજી ગલી તો નથી ને ?

પણ પછીનાં મકાનોમાં પરિચિતતા જડી. થયું કે આ જ... બસ, આ જ મારી સ્મરણમાં સચવાયેલી, મોંઘી મિરાત સમી અત્તરગલી.

નિત્યાએ ધકેલ્યો ના હોત તો અહીં આવ્યો હોત ખરો ? એક વિચાર સ્પર્સી ગયો. તેણે પ્રથમ સૂચન કર્યું. અને પછી જિદ પકડી હતી. છેલ્લે તો આજીજી જેવી ભાષા પ્રયોજી હતી - ‘સમીર, જઈ આવો ને, તમારી અત્તરગલીમાં ? કેટલી બધી વાતો કરો છો એની ? કાન્તાફોઈનો કાગળ પણ છે.’

પછી લાગણીભર્યા શબ્દોમાં બોલી હતી - ‘સમીર, બધાંને મળી લેજો. કોઈને ભૂલતા નહીં. કેવા સંબંધો છે તમારે ?’

મેં હા પાડી ને તેનો કરમાયેલો ચહેરો લીલોછમ બન્યો હતો. આટલી વાતમાં તે ખુશ થઈ હતી, સુખ મળ્યું હતું. નહીં તો તેને ક્યાં કશો પરિચય હતો આ ગલીનો.

પરણીને માત્ર ચાર દિવસ જ રહી હતી એ ઘરમાં. દિવસે નીચેના ખંડમાં ઉમા સાથે મીઠી મીઠી વાતો કરતી રહેતી, સંકોચ અનુભવતી આમતેમ જોયા કરતી. પણ રાતે મેડી પર આવીને સોળે કળાએ ખીલી ઊઠતી. એ બંધ મેડીમાં આખુંયે વિશ્વ ખૂલી જતું.

બીજી રાતે જ પૂછ્યું હતું - ‘આ સુગંધ આવે છે એ પાસેની હવેલીમાંથી ? ઉમા કહેતી હતી કે... ત્યાં તો સુગંધનો દરિયો છે. આખી હવેલી મઘમઘે છે જાતજાતનાં અત્તરોથી !’

ત્રીજી રાતે પૃચ્છા કરી હતી - ‘હેં સમીર, આ હવેલીવાળાની છોકરી એટલી બધી રૂપાળી છે ? ઉમા કહેતી હતી...!’

ચોથી રાતે તો વહેલી સવારે શહેરમાં જવાનું હતું ને એનાં રઘવાટમાં જ વીતી હતી.

બસ, આટલો જ સંબંધ - તેનો મારી અત્તરગલીનો.

શહેરમાં આવ્યા પછી, લાગણીવશ બનીને બાપુએ નિત્યાને થોડી વાતો કહેલી અત્તરગલીની, અમારા ઘરની, કે બાએ વાતવાતમાં એને ઉલ્લેખી હતી.

બાપુ કહે - ‘વહુ બેટા, ક્યાંય થવી નથી એ અત્તરગલી ! શું સંપ ? ક્યાંય દુઃખનો પ્રસંગ બને ને અડખી રાતે સૌ ભેગાં !’

અને નિત્યા સરસ મજાના હોંકારા દે.

પાંચ વરસમાં ક્યારેય ના જવાયું - વતનની ગલીમાં. ઘર કેવું સાંભરે ? આગળ સીસમની ડેલી, નમણી ફળી, મેડી પરનો વળાંકવાળો દાદર, પરસાળમાં પિત્તળના સળિયાવાળો હીંચકો, ને પાછળ...!

એ પ્રિય મકાન પણ વેચી નાખવું પડ્યું ઉમાના લગ્ન સમયે. બા-બાપુએ કેટલી પીડા અનુભવી હશે ?

મૂળ તો સાંકડી ગલીથી ઓળખાતી હતી, પણ હવેલી ચણાઈ કનોજવાળા મોજીલાલની અને આખી રોનક બદલાઈ ગઈ. બે ઘોડાવાળી બગી દરવાજે ઊભી રહે ને બગલાની પાંખ જેવાં શ્વેત વસ્ત્રોમાં મોજીલાલ ઠાઠથી બેસે. ક્યારેક પત્ની રૂપકુંવર પણ સાથે હોય.

આસપાસની બારીઓ ખૂલી જાય - એ દૃશ્યની ઝાંકી કરવા.

ઉમાએ એક વેળાએ કહ્યું હતું, ‘ભાઈ, તેં ગુલાબને જોઈ છે ? ઓહ, કેવી રૂપાળી છે - પરી જેવી !’

જોતજોતામાં ગલીનું નવું નામકરણ થઈ ગયું - અત્તરગલી ! એ ડેલી પાસેથી પસાર થનાર, તરબોળ થઈ જાય - સુગંધની વાંછટથી.

એ સર્પાકાર ગલીમાં મોજીલાલ, રૂપકુંવર તો હતા જ, ગુલાબ પણ હતી, પરંતુ એ ઉપરાંત ઘણાંય હતાં. પડછંદ બાંધાના પણ કોમળ હૃદયના જશુભાઈ બાલમંદિરવાળા, ગરબાની રમઝટ બોલાવતાં નિરુબહેન, મારો બાળગોઠિયો ચંદુ... અને બીજા તો અનેક.

એક વિશાળ પરિવાર હતો, મારી અત્તરગલીનો.

શહેરમાં આવ્યા પછી તો એ બધું યાદ કરવાનું જ રહ્યું.

(૨)

મને શહેરનો પટ લાગતો જતો હતો. જ્યાં રહીએ ત્યાં નવા માહોલમાં રંગાવું જ રહ્યું. છતાં સ્મરણો તો જાગે જ. બહુ મોટો સમય પણ થયો હતો, એ છોડ્યે !

કશા વિચારોમાં ચડ્યો હોઉં ને નિત્યા તરત જ કહે - ‘તમને પિયર યાદ આવી ગયું કે શું ?’

પછી હસી પડે - ખળખળ ઝરણા જેવું. ભારે રમતિયાળ નિત્યા. તે સાથે હોય તો તમે ગંભીર રહી જ ના શકો, ઉદાસી ટકે જ નહીં !

ક્યારેક તેના સપાટ પેટ પર હાથ પસારતાં પસારતાં એ કહે - ‘સમીર, આજે બા ટીકી ટીકીને શું જોતાં હતાં, ખબર છે ? આ મારું સપાટ પેટ ! ચકાસતાં હતાં કે જરાય ઊપસ્યું છે કે નહીં ?’

અને પછી ખુલ્લાસથી હસી પડતી.

તે સુખી હતી અને એનું કારણ તે પોતે જ હતી.

‘હમણાં... આ પેટ સાથે ગમ્મત નથી કરવી, ખરું ને સમીર !’ પછી તે પાછી ગંભીર બની જતી.

કેટલાં રૂપ હોય એક સ્ત્રીનાં ? મને તો બધાંય રૂપોનાં દર્શન કરાવતી હતી નિત્યા. એ મારું સુખ હતું - અંગત સુખ.

નિત્યા બા પાસે બા જેવી બની જતી. ઉંબરા પૂજતી અને વ્રતોની વાર્તાઓ વાંચી સંભળાવતી. બાપુ પાસે અતીતની વાતો સાંભળતી - હળવા હોંકારા દેતી, અને મારી પાસે કેવળ નિત્યાજ બની જતી - નખશિખ નિત્યા !

ઉમાનો પત્ર આવ્યો કે તેને...

નિત્યા બોલી હતી - ‘ચલો, એક સ્ત્રીનું પેટ તો ઊપસશે જ.’

પછી ઉમેર્યું હતું - ‘ના, બાબા... હમણાં તો એવું નથી કરવું ! રમાડીશ ઉમાના બચ્ચાને. ખરું ને, સમીર ?’

તે આવા વિચારો કર્યા કરતી. બીકણ સસલીની માફક.

તેને કોઈએ કહ્યું હતું કે પ્રથમ પ્રસૂતિ તો કષ્ટદાયક જ હોય. આ વાત પણ તેણે જ મને કહેલી. શું આ જ કારણ હશે તેના ઇન્કારનું.

જોકે મેં તો હોંકારો જ દીધો હતો - તેના પ્રશ્નનો.

પાર્થ આવ્યો ને તે રમાડી આવી - બા, બાપુ સાથે.

બસ... પછી તો એની જ વાતો કર્યા કરે - રાતદિવસ. કેવા હાથ, પગ, આંખો... ! કોમળ કોમળ જાણે શ્વેત ઝાંયવાળાં પુષ્પોની ઢગલી ! અને હોઠો કેવા ? ને સમીર, એ કેવી આળસ મરડે ?

નિત્યા પાર્થ - મહિમામાં લીન થઈ ગઈ હતી.

કેટલાં બધાં કામો સ્થગિત થઈ ગયાં હતાં - દિનચર્યામાંથી ?

એક રાતે નિત્યાએ મને કહ્યું - ‘સમીર, મને થાય છે કે...!’

(૩)

લિફ્ટની ક્યાં સગવડ હતી ? પણ બીજી સુવિધાઓ ઠીક ઠીક હતી એટલે જ એ મકાન બદલ્યું નહોતું. પાછળ નાનકડી બાલ્કની હતી જેમાંથી શીતળ પવનનો પ્રવેશ થતો હતો. એ તરફ લીમડાનાં વૃક્ષો હતાં - પાર વિનાનાં. સવાર સાંજે ત્યાં બેસીને પ્રસન્ન થઈ જવાતું હતું. વળી પરસાળ, અમારી અત્તરગલીની પરસાળ જેવી જ હતી. હીંચકોય ગોઠવી શકાયો હતો. ત્યાં બેસીએ ત્યારે જૂના ઘરની અનુભૂતિ પામી શકાતી હતી, અહીં હોવા છતાં પણ.

બાકી બાપુ માટે તો બે દાદર ચડવા-ઉતરવાની વૈતરણી, દર વખતે પાર કરવી કષ્ટમય જ હતી.

એટલે જ જ્યારે ને ત્યારે જૂના ઘરની વાત માંડી બેસતા. ‘તને ખબર છે નિત્યા, આપણી ઉમાને ગુલાબનું વળગણ. તે લગભગ હવેલીમાં જ પહોંચી જતી.

ખબર છે, નિત્યા... રૂપકુંવર પાન ખાવાની શોખીન. પાછી પાન જાતે જ બનાવે. રીતસર... નાગરવેલના પાન પર કોમળ આંગળીથી ચૂનો, કાથો લગાડે. પછીતો હોઠ લાલ જ હોય ને ? ને આપણી ઉમાડી શું સમજે ?’

પણ એમાંય પાછી પુનરાવૃત્તિઓ થવા માંડી. જોકે નિત્યા તો એની એ જ વાતો રસપૂર્વક સાંભળતી હતી.

પછી એ બધુંય ઓછું થવા લાગ્યું હતું. કદાચ બાપુ જ થાકી ગયા હતા. આ રીતે મનને ફોસલાવવું કઠોર પણ બની ગયું હશે કદાચ.

બા-બાપુ રોજ સાંજે, એકમેકને ટેકે પાસેના પશુપતિનાથના મંદિરે તો જતાં જ હતાં, ને ક્યારેક પ્રસન્નતા મેળવીને પણ આવતાં હતાં.

અને એક દિવસ હરિકાકા આવ્યા; કહે - ચાલો, જાત્રાએ જઈ આવીએ... ગંગાજીના પવિત્ર જળમાં ખોળિયું બોળી આવીએ...!

બન્ને તરત જ તૈયાર થઈ ગયાં. આવી સ્થિતિમાં આ જ વિકલ્પ રુચ્યો હશે. તૈયારીઓ થઈ ગઈ.

હરિકાકાએ કહ્યું - ‘સમીર, ભાર ન રાખીશ. આ વયે તો આવી જ ઇચ્છા થાય. બરાબર... કાળજી રાખીશ બન્નેની.’

જતાં જતાં બા કહેતી ગઈ નિત્યાને - ‘જો સાંભળ, જો તને કાંઈ હોય તો તરત લખી જ નાખજે. અમે આવતા રહીશું. કેમ ખ્યાલ રાખવો એનું તને શું ભાન હોય ? અને વહુ, એય જાતરા જ છે ને ?’

એ વાત નિત્યાએ અક્ષરશઃ મને કહી - હરખભેર.

પછી મૌન ઓઢીને બેસી ગઈ.

પછી નવો સિલસિલો શરૂ થયો હતો. પિરિયડમાં બેસે ને હતાશ બનીને પૂછે - ‘હેં સમીર, કેમ આમ ?’

પછી તો એટલું પૂછતી પણ નહીં. બસ... ચહેરા પરથી જ સમજાઈ જતું કે...!

અને બા તો દરેક પત્રમાં લખ્યા જ કરતી હતી કે...!

મેં મારા સ્પર્મનું પરીક્ષણ કરાવી જ નાખ્યું હતું. કેટલી મોટી તરસ જાગી હતી નિત્યાને ? અને એ અયોગ્ય પણ ક્યાં હતી ?

(૪)

નિત્યા વ્રત - વરતુલામાં શ્રદ્ધા રાખતી થઈ હતી. પૂજા-પાઠમાં કેટલો બધો સમય જતો હતો ? થોડી અલિપ્ત પણ થઈગઈ હતી અન્ય સાંસારિક કાર્યોથી.

ડૉક્ટર માનસીબહેને તેને વિટામિન્સ અને કેલ્શિયમની ગોળીઓ લખી આપી હતી એ પૂર્ણ શ્રદ્ધાથી, સમયસર ગળી જતી હતી.

ઘરમાં પગતાશ હતી પરંતુ ન સહી શકાય એવી ઉદાસી પણ હતી સાથોસાથ.

તે ઉમાને પત્રો લખતી હતી. પણ ક્યાં વંચાવતી હતી ? સાવ એકાકી બની ગઈ હતી - એકાકી ટાપુ !

તેને કશું ક્યાં કહેવાય તેમ હતું ? માનસીબહેને કહ્યું હતું - ‘જુઓ, ભવિષ્યમાં તમે કોઈ બાળકને એડોપ્ટ કરી શકો. પણ હમણાં તો તેમને કશું જ નહીં જણાવવાનું. હું તમને એક મનોચિકિત્સકનો નંબર આપીશ. એ જ સંભાળી લેશે, નિત્યાબહેનને.’

મને પણ આઘાત તો લાગ્યો જ હતો. હવે એક અભાવ સાથે જ જીવવાનું હતું અને મરવાનું પણ !

નિત્યાનું ચેક-અપ કર્યું હતું ડૉ. માનસીબહેને. સાંત્વના, આશા ને વધુ એક દવા ઉમેરી હતી પ્રિસ્ક્રિપ્શનમાં. સાથોસાથ ઈશ્વરને પણ યાદ કરવાનું ભૂલ્યા નહોતાં.

મેં આંખો દ્વારા જ તેમનો આભાર માની લીધો હતો. ખાનગીમાં એક ઉપાય કહ્યો હતો પણ નિત્યાને ઓળખનારી કોઈ પણ વ્યક્તિ સરળતાથી કહી શકે કે એ કોઈ તેને સ્વીકાર્ય ન જ બને.

અને બાપુનો પત્ર આવ્યો હતો - છેક હરિદ્વારથી. ‘સમીર-નિત્યા, અહીં ગમી ગયું છે - ગંગાના સાંનિધ્યમાં. થાય છે કે થોડો સમય રહી જઈએ. સરસ આશ્રમ છે. આપણાં માણસો પણ કેટલાં છે ? ગંગા-સ્નાનનો લાભ પણ કેટલો ? અરે, રાતે સૂતા હોઈએ ને ગંગાજળની ખળખળ સંભળાય !’

ભાવવિભોર બની ગયા હતા - લખતાં લખતાં. આંસુના બુંદોય પડ્યા હતા - કાગળ પર. એમ લાગ્યું કે બધી જ ઇચ્છાઓના મોક્ષનું સ્થાન - આ નદીઓ જ હતી.

છેલ્લે નોંધ તો હતી જ તાજા કલમમાં. તારી બા લખાવે છે કે નિત્યાને કશી જરૂર હોય તો - તરત જણાવવું જેથી...!

નિત્યાનું મોં પડી ગયું હતું.

મેં કહ્યું હતું - ‘દવાઓ લીધી ને બરાબર ?’

એથી વિશેષ શું કહું તેને ?

તેને હવે પૂજા-પાઠમાં પણ ક્યાં આસ્થા રહી હતી ?

મેં ડાયરીમાં જોયું - મનોચિકિત્સકના ફોનનંબર માટે.

મારા આશ્ચર્ય વચ્ચે, બીજે જ દિવસે ઉમા આવી હતી, ત્રણ વર્ષના પાર્થ સાથે.

અને આખો માહોલ બદલાઈ ગયો. નિત્યાનો કરમાયેલો ચહેરો ખીલી ઊઠ્યો. ઘર ફરી ઘર બની ગયું. હવા કિલ્લોલવા લાગી. પાર્થના કલરવની સાથે નિત્યાના શબ્દો ભળી ગયા.

પ્રસન્નતાની એક વાદળી આવી જેની એક કોર પર કાળી લકીર હતી. આ જાય પછી શું ? કેમ સચવાશે નિત્યા ? એ પ્રશ્ને ઘેરી લીધો હતો.

(૫)

એ સમય પણ આવી પહોંચ્યો. સામાન બંધાયો અને રિક્ષામાં મુકાયો. પછી ટ્રેનના કંપાર્ટમેન્ટમાં. છેક લગી, પાર્થ તેના કબજામાં જ હતો. વ્હિસલ વાગી ને કમને ઉમાને હાથમાં સોંપાયો હતો.

નજર ત્યાં જ ટીંગાઈ રહી હતી - ટ્રેન ગતિમાં આવી ત્યાં સુધી. આંખો ભીની હતી, પણ તે રડી નહોતી.

થયું કે રડી હોત તો સારું હતું. ખાલી તો થઈ જાત ! આ તો કશુંક થીજી ગયું હતું ભીતર.

એ જ દશામાં આખો દિવસ પસાર થયો. કલશોરની જગ્યાએ શૂન્યતા. ના, તે તો સ્વસ્થ જ હતી. જાણે ખાસ કશું બન્યું જ ન હોય તેમ, કશું નક્કી કરીને બેઠી હોય તેમ.

છેક રાતે તેણે મૌન તોડ્યું હતું; કહ્યું - ‘સમીર જઈ આવોને વતનમાં, તમારી પ્રિય અત્તરગલીમાં. કાન્તા ફોઈના કેટલા પત્રો આવી ગયા ! મળી આવો ને, કાન્તાફોઈને અને તમારાં એકેએક સ્વજનોને. અમસ્તાં તો કેટલી બધી વાતો કર્યા કરો છો, એ લોકોની ? ગયા એકેય વાર મળવા ? જુઓ, સહુને મળજો. કોઈને ભૂલી ના જતા.’

નિત્યાના સ્વરમાં આદેશ હતો, વિનંતી હતી અને આજીજી પણ. આમેય... આ દિવસોમાં તેની ઇચ્છાને અવમાનતો નહોતો જ. તે ખુશ રહેવી જોઈએ એ કરતાં, તે નાખુશ ના થવી જોઈએ એ જ રીત અપનાવી હતી. ને પછી તો થયુંય ખરું કે કાન્તાફોઈને મળવું જોઈએ. ને પછી મારી અત્તરગલી થોડી રહી જાય ? પાંચ વર્ષ થયાં - એને છોડ્યાં. એ પછી ક્યાં કોઈન મળ્યો હતો ? હા, એકબે મૃત્યુના સમાચારો મળ્યા હતા એટલું જ. આ તો, ખરેખર અપરાધ જ ગણાય. કેટલું દુઃખ લગાડશે એ લોકો ? અત્તરગલી સાથે આટલો જ સંબંધ ?

પ્રાણજીવનકાકા કહેશે - ‘કેમ... ના યાદ આવ્યા અમે, આ તારી અત્તરગલી ?’

અને મૌજીલાલની હવેલીય એવી જ હશે ને ? અત્તરની સુગંધ પણ એવી જ...!

પછી તો મનની દિશા ખૂલી ગઈ. સારું કર્યું નિત્યાએ કે આ દિશાની યાદ અપાવી. અને કાન્તાફોઈનાં પોસ્ટકાર્ડો. બાપુએ મનથી માનેલાં બહેન - કાન્તાફોઈ. કેટલી લાગણી ? જાણે તરબોળ થઈ જઈએ.

નિત્યાએ મારી નાનકડી બૅગ તૈયાર કરી; ને કહ્યું ભાર દઈને - ‘જાઓ, મળીને જ આવજો સહુને. જરૂર પડે તો એક દિવસ લંબાવજો. મેં એક જોડ વધારાની મૂકી છે. ને મારી ચિંતા ન રાખશો.’

મેં જોયું, તે તદ્દન સ્વસ્થ હતી. હું દાદર ઊતર્યો ત્યાં સુધી તે મને જોતી હતી, હાથ હલાવતી હતી.

અંતે મને મારી અતીતની અત્તરગલી મળી. પરિચિતતા જડી. બસ... આ જ અત્તરગલી, પણ ક્યાં ગયાં મારા અતીતનાં સ્વજનો ? મકાનો કાં તો વધુ જીર્ણ થયાં હતાં અથવા સાવ નવાં.

અમારી ડેલીએ પ્રાણજીવનકાકાની તક્તી હતી, પણ એ જૂનું ઘર ક્યાં હતું ? ડેલી સિવાય કશું જ નહોતું અતીતનું.

પાસેના મૌજીલાલની હવેલી જીર્ણ થઈ ગઈ હતી. આમ કેમ ? કેટલી જાહોજલાલી હતી ? અત્તરની સુગંધ જ ન મળે. તેમની ડેલી પાસે જ ઊભો રહ્યો - ખાસ્સો સમય.

અત્તરગલીમાં અત્તરની સુવાસ જ ના મળી. કોઈના પદરવ સુણાયા પણ અડાબીડ મૌન. કોણ હશે ભીતર - મૌજીલાલ કે રૂપકુંવર ? ગુલાબ તો ક્યાંથી હોય ? તે પણ પરણીને સાસરે ના ગઈ હોય ?

કેવી હતી ગુલાબ ? ચંદુએ એક વેળાએ કહ્યું હતું - ‘સમીર, તેં તો જોઈ જ હશે ગુલાબને. સાચું કહેજે, છે એટલી રૂપાળી છોકરી આખી અત્તરગલીમાં ? અરે, આખા ગામમાં ?’

હું નિત્યાને પરણ્યો ત્યારેય ચંદુએ કહેલું - ‘ચાલો, એક સ્પર્ધક ઓછો થયો - ગુલાબ માટેનો !’

ઉમા કહેતી હતી - ‘ભાઈ, આટલો બધો વૈભવ પણ ગુલાબ તો કેટલી સાદી, તેનો ઓરડોય સાદો. બસ, વાંચ્યા કરે પુસ્તકો ! ભાઈ... ગુલાબને તમારી નોટ જોઈએ છે. તમે કવિતા લખી છે ને એ.’

હું મારી અગાશીમાં વાંચતો હોઉં ને તે તેની બાલ્કનીમાં ઊભી હોય. નજરો મળે ને હસી લે - મીઠું મધ જેવું.

ન મળ્યાં કોઈ સ્વજન. જાણે બીજી જ ગલીમાં પ્રવેશ્યો હોઉં એવું અનુભવ્યું.

અંતે ચંદુના ઘરે પહોંચ્યો પણ ત્યાંય તાળું. ક્યાં ગયા જગદીશકાકા, મોહનલાલ, અરવિંદભાઈ અને...?

કોઈ જ ન મળ્યા, એ સાંજે. નિરાશ થઈ જવાયું. એ લોકોનાં સરનામાં બદલાઈ ગયાં હશે ?

પછી આ સ્થળ પર વધુ રોકાવાનું કશું કારણ નહોતું. ગલીને નાકે એક રેંકડી પર ચાની પ્યાલી પીધી - જીવ બાળતાં બાળતાં. નિત્યા પૂછશે જ બધી વાતો. રાહ જોતી બેઠી હશે, એને શું કહીશ ?

રાતની ટ્રેનમાં જ પાછો ફર્યો. કેટલો માલદાર હતો, ગઈ કાલ સુધી ? આજે કંગાળ થઈ ગયો હતો. એ ગલીને સ્મરી સ્મરીને પાંચ વર્ષ પસાર કર્યાં હતાં - એ શહેરમાં. બા-બાપુ તો હજીય એ જ સ્મરતાં હશે, ગંગાના તટ પર પણ.

ન આવ્યો હોત તો, નિત્યાએ ના ધકેલ્યો હોત તો, હજી પણ એ જ સુખ માણતો હોત ને ? ચાલો, એક અધ્યાય પૂરો થયો. નિત્યાનેય શા માટે દુઃખી કરવી ? એને કહીશ કે... મળ્યો આખી અત્તરગલીને.

આવી ગયું મારું શહેર. રિક્ષાની ઘરઘરાટી. પરિચિત રસ્તાઓ, લઈ ગયો એ આખી બૅગ લગભગ અકબંધ હતી. હા, કાન્તાફોઈને મળાયું. બસ, એ જ ફળશ્રુતિ.

બે ખખડધજ દાદરા ચડીને મારા ફ્લેટના બંધ બારણે ઊભો. આંગળી મુકાઈ ગઈ ડોરબેલ પર. હું નિત્યાને આપવાના જવાબો ગોઠવતો હતો.

ત્યાં જ બારણું ખૂલ્યું. સામે ઊભી હતી સદ્યસ્નાતા નિત્યા. કેશ અને વસ્ત્રોમાંથી ટપ ટપ જળ ટપકી રહ્યું હતું. આંખોમાં રાતા રાતા ગુલમહોરનું શું ઘેન હતું. જાગી જ હશે આખી રાત - એમ લાગ્યું. પણ કારણ ?

કશું કહું એ પહેલાં, તે જ અધીરાઈથી બોલી - ‘આવી ગયા, સમીર. જઈ આવ્યા ને અત્તરગલીમાં ? પછી મળ્યા ને ગુલાબને ? એ માટે તો તમને મોકલ્યા હતી, સમીર. ઉમાએ કહ્યું કે એ છોકરી તો તમને મનોમન ચાહતી હતી, કોણ જાણે કેટલાંય વર્ષોથી. સમજણી થઈ પછી તો કડવા ચોથ પણ...!’

અને હું ચોકી ગયો હતો. શું કહેતી હતી નિત્યા ? શી મનઘડંત વાત ? પણ ઉમાએ કહેલી હતી ? શું ગુલાબ...?

મારા મનમાં પરદા પર આખો અતીત તગતગવા લાગ્યો. પણ નિત્યા તો માંડ શ્વાસ લેવા રોકાઈ હતી. કહેવા લાગી - ‘હા સમીર, એ છોકરી તમને પરણવાના કોડ લઈને બેઠી હતી, અને વચ્ચે આવી ગઈ હું ! પછી તો મને બદદુવા લાગે જ ને ? આ તો આડી તરત લીધાનું પાપ ! ક્યાંથી ભરાય મારી ગોદ ? એ ગુલાબ હજીય તમારી યાદમાં ઝૂરી રહી હતી. ઉમાએ મને કહ્યું. પછી તે પરણે ક્યાંથી ?

સમીર, તમે તેને મળ્યા ને ? ગુલાબને સાંત્વના અને સુખ આપ્યાં ને ? તો જ... સમીર, મને સુખ મળે. નહીં તો વાંઝણી જ રહું ને - જનમભર ! કહો ને, સમીર... તમે એ છોકરીને સુખ...!’

નિત્યાનું આક્રન્દ ચરમસીમાએ હતું. પળેપળ હું મૂઢ થતો જતો હતો. ઇચ્છાએ કેવું રૂપ લીધું હતું ? ને ગુલાબ... મને... ? આ નિત્યાને હું ક્યાં ઓળખી જ શક્યો હતો, સાવ નિકટ હોવા છતાં પણ ? અને ગુલાબનું મન પણ ક્યાં પમાયું હતું ?

મને લાગ્યું કે હું એવી ગલીમાં ભટકી રહ્યો હતો, જેનું કોઈ નામ નહોતું !