LED lightsni zadhadti duniya in Gujarati Magazine by upadhyay nilay books and stories PDF | એલઇડી લાઇટ્સની ઝળહળતી દુનિયા

Featured Books
Categories
Share

એલઇડી લાઇટ્સની ઝળહળતી દુનિયા

એલઇડી લાઇટ્સની ઝળહળતી દુનિયા

ભારતીય લાઇટીંગ ઉદ્યોગ અત્યારે રૂ. 14 હજાર કરોડનો છે. એલઇડીનો હિસ્સો એમાંથી અઢી હજાર કરોડ છે પણ 2020 સુધીમાં આ ઉદ્યોગ 37 હજાર કરોડનો થઇ જવાનો છે ત્યારે એલઇડીનું કદ હશે 22 હજાર કરોડનું : ગ્રાહકોના ખિસ્સા માટે કિફાયતી તો છે જ સરકારને ય વીજળીની બચત થાય છે એ સાથે એલઇડી ઉત્પાદન કરનારા ઉદ્યોગને ફાયદો છે ને રોજગારી પણ વધી છે.

-નિલય ઉપાધ્યાય

આપણે અત્યારે વીજળીની સરપ્લસમાં જીવી રહ્યા છીએ. ગમેત્યારે સ્વીચ ઓન કરતા જ લાઇટ, પંખા, એ.સી. કે ટીવી સેકન્ડમાં એનું કામ કરવા લાગે છે. અચાનક લાઇટ ગૂલ થઇ જાય ત્યારે આપણે કેવા બેબાકળા બની જઇએ છીએ ! હવે એવી કલ્પના કરો કે રોજ દિવસમાં એક કલાક વીજળીનો કાપ આવે તો શું હાલત થાય ? જીવવું દુષ્કર થઇ પડે. આવા દિવસો કદાચ ભવિષ્યમાં ભારતમાં પણ આવી શકે છે કારણ આપણો વીજળીનો વપરાશ જ એટલો બધો છે. વીજળીનું સર્જન ઓછું થાય છે. ઉત્પાદન ન વધી શકે તો શાણો માણસ ઉર્જાની બચત જરુર કરી શકે. ભારત અને ખાસ તો ગુજરાત એ જ રસ્તે છે. કેન્દ્ર સરકારે ઉર્જા બચતના ક્ષેત્રમાં ખરેખર મોટું કહી શકાય એવું પગલું ભરીને એલઇડી (લાઇટીંગ ઇમીટીંગ ડિઓડ)ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો આરંભ કર્યો છે. ઉર્જા અછત નીવારવાનો બહેતરીન ઉપાય છે. અત્યાર સુધી આપણે એલઇડી ટેલિવિઝનથી પરિચિત હતા. પાંચ વર્ષમાં એલઇડી લાઇટો આવી ગઇ છે. અગાઉ બહુ બહુ તો રંગબેરંગી એલઇડી મેળા કે રીક્ષામાં કરેલા ડેકોરેશનમાં જોઇ હોય. ગુજરાતમાં તો હવે ઘરે ઘરે પહોંચી ગઇ છે અને એ પણ ખિસ્સાને પોસાય એવા ખર્ચમાં જ.

અજવાળું સૌને ગમતું હોય છે. દિવસ હોય કે રાત મોટેભાગે ઘર, ઓફિસ કે દુકાનોમાં ટ્યુબલાઇટ કે બલ્બ ચાલુ જ હોય. અજવાળા માટે વીજળીનો વપરાશ બહુ મોટો છે. રાત્રે સ્ટ્રીટ લાઇટો કે રોડ પરની લાઇટો પણ હોય. વિચારો કેટલા બહોળા પ્રમાણમાં આપણે વીજળી વડે અજવાળું મેળવતા હોઇએ છીએ. સ્ટ્રીટ લાઇટોમાં નિયોન લાઇટ અને ટ્યુબલાઇટો વપરાતી આવી છે. છેલ્લાં એક વર્ષમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે જૂની લાઇટો નીકળતી જાય છે. એનું સ્થાન એલઇટી લાઇટો લઇ રહી છે.

એલઇડી લાઇટનો ઉદ્યોગ એટલો ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે કે અગાઉના લેમ્પ, ટ્યુબલાઇટો ગાયબ થવા લાગી છે એમ હવે સીએફએલ લેમ્પ પણ અદ્રશ્ય થઇ જવાના છે. સીએફએલ બલ્બના ઉત્પાદકો હવે એલઇડી બલ્બ બનાવવા માંડ્યા છે.

મામાનું ઘર કેટલે ? દીવા બળે એટલે. કહેવતમાં દીવા એટલે પીળા ટમટમીયા લેમ્પ. જે 40થી 60 વોલ્ટ જેટલી ક્ષમતાના આવતા. ભરપૂર વીજળી બાળતા હતા. એને ઓવરટેક કરી ગયા કોમ્પેક્ટ ફ્લોરીસેન્ટ લેમ્પ અર્થાત સીએફએલ. સસ્તાં સીએફએલ એક કે બે વર્ષની ગેરંટી મળવાને લીધે ખૂબ ચાલ્યા પણ ખરાં. ટ્યૂબલાઇટોનું સ્થાન પણ ઘણી જગ્યાઓએ સીએફએલએ લઇ લીધું. જોકે સીએફએલ ઉદ્યોગનું આયુષ્ય પંદર વર્ષથી વધારે રહ્યું નહીં ત્યાં એલઇડીએ ધમાકો કર્યો છે. હવે સીએફએલ બિઝનેસ મુશ્કેલીમાં ઘેરાયો છે. એલઇડી તરફથી જબરજસ્ત પડકાર સર્જાયો છે. આ પડકાર નવી ટેકનોલોજી આવવાથી જૂની જાય એ પ્રકારનો છે.

સીએફએલના માઠાં દિવસો છે પણ એલઇડી દેશમાં ચાલી રહેલા વીજળી બચાવો અભિયાનનો ખૂબ મહત્વનો હિસ્સો છે. એલઇડી લાઇટો આમ તો બે-ત્રણ વર્ષથી ઇન થઇ છે પણ હવે ખરો ફાયદો આરંભાયો છે. કારણ એક જ છે એલઇડીના ભાવ ઘટીને સીએફએલની નજીક આવી ગયા છે ! ગુજરાતમાં તો 9 વોલ્ટનો એલઇડી લેમ્પ બજાર કરતા ત્રણ ગણો સસ્તો 75 રૂપિયામાં મળે છે. આની સામે સરેરાશ ખર્ચ પ્રમાણે જોતા ટ્યુબલાઇટ પણ મોંઘી પડે.

આવનારા પાંચ વર્ષમાં એલઇડીની માગ એટલી બધી વધવાની છે કે પુરપાટ વિકાસ થશે. ભાવ પણ હજુ ઘટશે, એલઇડી વીજળીના બીલ પણ ઘટાડશે. ખિસ્સાને તો ફાયદો છે જ પણ દેશમાં વેડફાતી મહામુલી વીજળી પણ વેડફાતી અટકશે.

એલઇડીની શોધ ખરેખર ક્રાંતિકારી છે. ત્રણ તબક્કે એલઇડીની શોધ અને તેમાં સુધારા થયાં. ઓલેગ લોસેવે 1927માં પ્રથમ વખત એલઇડી ટેકનોલોજી શોધી. મૂળએ સોવિયેટ સંશોધક હતો. એ પૂર્વે 1907માં બ્રિટીશ સંશોધક એ.જે. રાઉન્ડ નામની વ્યક્તિએ સીલીકોન કાર્બાઇડના ક્રિસ્ટલ વડે એલઇડી શોધવાની શરુઆત કરેલી. જોકે ઓલેગનું સંશોધન પ્રેક્ટીકલી ક્યાંય વાપરી શકાય એવું ન હતુ. બાદમાં ક્રમે ક્રમે ઘણા સુધારા વધારા થતા ગયા પણ ક્યાંય કોમર્શીયલી વાપરી શકાય એવા નક્કર સંશોધનો ન થયા.એ પછી 1961માં જેમ્સ બિયાર્ડ અને 1962માં નીક હોલોન્યાકે એમાં ધરખમ સુધારા અને સંશોધનો કર્યા. આ બન્નેના સંશોધનો એવા હતા કે તેનાથી લાલ રંગનું સુંદર અજવાળું મળતું થયું. આખરે આપણને મળ્યા એલઇડી લેમ્પ. એલઇટીનું પ્રથમ કોમર્શીયલ ઉત્પાદન 1962ના ઓક્ટોબરમાં થયેલું. બાદમાં હાઇ ફ્રિક્વન્સીવાળા અને નાની સાઇઝના છતાં તીવ્ર અજવાળું આપતા લેમ્પના સંશોધનો થયા. આરંભે તો એલઇડી અત્યંત મોંઘા પડતા હતા એટલે વપરાશ ઓછો હતો. ટીવી, રેડિયો, ફોન, કેલ્ક્યુલેટર અને ઘડિયાળોમાં સીંગલ યુઝ હતો.

1972માં હર્બટ પોલ મારુસ્કાએ બ્લ્યુ એલઇડી બનાવ્યા. એમાં ય ઘણા બીજા સંશોધકોએ નવી ટેકનોલોજી શોધી. પછી તો સફેદ એલઇડી પણ શોધવામાં આવ્યા. જોકે 2010 સુધી સફેદ પ્રકાશ ફેલાવે એવા એલઇડી અત્યંત મોંઘા હતા. 2012 પછી નવા નવા સંશોધનો અને રસાયણોના ઉપયોગથી પ્રકાશ એટલો જ પણ ખર્ચ ઓછો થાય એવા બલ્બ શોધાયા. આપણે આજે સાવ મફતના ભાવમાં એલઇડી લાઇટીંગ ખરીદીને ઉપયોગ કરતા થઇ ગયા છે. માત્ર એટલું જ નહીં વીજળીનું બિલ પણ પોસાય તેવું આવવા માંડ્યું છે.

સીએફએલ કરતા ય 30 ટકા સુધી વીજળીની બચલ એલઇડી દ્વારા થઇ શકે છે. એ કારણે જ સરકાર તેને વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે. સીએફએલ આધરિત સોલાર લાઇટીંગ સિસ્ટમમાં સરકાર અગાઉ સબસીડી આપતી હતી તે બંધ કરી દેવામાં આવી છે અને હવે આ સબસીડી એલઇડી તરફ વાળવામાં આવશે.

દેશભરમાં વર્તમાન સમયે એલઇડી લાઇટનું ઉત્પાદન 50 લાખ નંગનું થાય છે. એ રીતે કુલ બિઝનેસ અઢી હજાર કરોડનો હોવાનો અંદાજ છે. બેથી ત્રણ વર્ષમાં અંદાજે 50 ટકાના દરે એલઇડી લાઇટીંગ ઉદ્યોગ વિકાસ પામે એવો અંદાજ છે.

આવનારા વર્ષોની માગને લઇને લાઇટીંગ કંપનીઓ પણ હવે ઉત્પાદનક્ષમતામાં મોટાં વધારા માટે તૈયાર થવા લાગી છે. ટેકનોલોજીકલ ફેરફારો કંપનીઓ કરી રહી છે. ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો થઇ રહ્યો છે. નવા ફેરફારો અને બલ્ક ઓર્ડર લઇને કંપનીઓ એલઇડી લેમ્પ વધુ સસ્તાં બનાવવા સક્ષમ બની જશે.

બ્રાન્ડેડ એલઇડી બલ્બની કિંમત વર્તમાનમાં 125 - 200 રૂપિયા જેટલી છે. ગુજરાત સરકારે 70-85 રૂપિયામાં બલ્બ વેંચ્યા છે. સીએફએલ 130થી 215 રૂપિયામાં મળે છે. હજુ તે સસ્તાં થતા રહેશે.

ભારતીય લાઇટીંગ ઉદ્યોગનું ટર્નઓવર રૂ. 14 હજાર કરોડનું છે. એલઇડીનો હિસ્સો એમાંથી અઢી હજાર કરોડ જેટલો છે. 2020 સુધીમાં આ ઉદ્યોનું ટર્નઓવર 37 હજાર કરોડનું થઇ શકે છે. એ વખતે એલઇડીનો ભાગ તેમાં 22 હજાર કરોડનો હશે. આ હિસ્સો લગભગ કુલ ટર્નઓવરના 60 ટકા થવા જાય છે.

સરકાર એલઇડીના ઉપયોગ પર આવનારા વર્ષોમાં વધુને વધુ ભાર મૂકશે. સરકારને વીજળીના ખર્ચમાં તેનાથી મોટી બચત થવાની છે. દિલ઼્હીની વાત કરીએ તો ફક્ત જાહેર માર્ગો પરની લાઇનમાં વર્ષે 60 હજાર મેગાવોટ વીજળી વપરાય જાય છે. વપરાશ એલઇડીને લીધે અર્ધો થઇ જશે !

ભારત સરકારે એલઇડી લાઇટીંગ કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકાર ઉર્જા બચાવવાના ભાગરુપે ખાસ તો સ્ટ્રીટ લાઇટોમાં એલઇડીના ઉપયોગ પર સખત ભાર મૂકી રહી છે. દિલ઼્હી, મુંબઇ, અમદાવાદ, પૂના, પટના જેવા મોટાં શહેરોની જાહેર લાઇટો એલઇડીમાં તબદીલ થવા લાગી છે. રાજકોટમાં પણ ઠેકઠેકાણે હવે એલઇડી આવી ચૂકી છે.

એલઇડીનો વપરાશ સતત વધી રહ્યો છે. સરકારે હજુ એલઇડી ફરજિયાત બનાવી નથી પણ આજ ઢબે એલઇડીની માગ વધતી રહે તો ઉદ્યોગનો વિકાસ હરણફાળ થશે.

એલઇડી લાઇટ્સનો સૌથી વધુ વપરાશ હોય તો તે સ્ટ્રીટ અને રોડ લાઇન માટે છે. ઘરોમાં તેનો વપરાશ હજુ ઓછો છે. જોકે હવે એલઇડી લેમ્પના ભાવ ઘટી રહ્યા હોવાથી લોકો અપવાનાવવા લાગ્યા છે. જોકે સીએફએલની જેમ એલઇડીમાં પણ નબળી ગુણવત્તા અને સસ્તો માલ બનાવતા ઘણા ઉત્પાદકો છે. એ માટે સરકારે ફરજિયાત નોંધણીનો નિયમ બનાવ્યો છે.

ઘર આંગણે એલઇડી લાઇટસના ઉત્પાદનમાં મોટો વધારો થતો જાય છે. હવે તો વેરાઇટી પણ મળે છે. મોરબીના ઓરેવા ગ્રુપ દ્વારા સેન્સરવાળો ભારતનો પહેલો બલ્બ બનાવ્યો છે. સેન્સર નીચે જતા બલ્બ ચાલુ થાય અને ત્યાંથી હટી જતા થોડી સેકન્ડોમાં તે બંધ થાય.એક કંપની છે ઇઓટા. એણે બ્લુટૂથથી ચાલે એવા લેમ્પ શોધ્યા છે. એન્ડ્રોઇડ મોબાઇલની એપ્લીકેશનથી પણ તે ઓન ઓફ થઇ શકે છે.

એલઇડી લેમ્પમાં મોટાંભાગના સંશોધનો થઇ ગયા છે. લાલ, લીલાં, સફેદ, પીળા, બ્લુ વગેરે અનેક રંગોના લેમ્પ મળતા થઇ ગયા છે. હવે લેમ્પની પડતર કેટલી નીચી જઇ શકે તે માટેના સંશોધનો બધા જ દેશોમાં ચાલી રહ્યા છે. ટૂંકમાં હવે એલઇડી પણ મફતના ભાવે મળવા લાગે એ દિવસો દૂર નથી.

------

એલઇડી શા માટે વાપરવા જોઇએ ?

- આપણે ખિસ્સાનું ધ્યાન પહેલા રાખવાનું વિચારતા હોઇએ. એલઇડીનો પહેલો ફાયદો વીજળીની સાથે પૈસાની બચતનો છે.

- ટ્યુબલાઇટ કે સીએફએલ લેમ્પ કરતા તે ત્રણ ચાર ગણું વધારે આયુષ્ય ધરાવે છે.

- ઘરમાં સામાન્ય હોલ્ડરમાં પણ ફીટ થઇ જાય એવી ટેકનોલોજીના આવવા લાગ્યા છે.

- રેગ્યુલેટર સાથે જોડી દઇએ તો જેટલું અજવાળું જોઇતું હોય એટલું વધઘટ થઇ શકે છે, છતાં બલ્બને નુક્સાન થતું નથી.

- એલઇડી લેમ્પ તેના ફિલામેન્ટ સિવાય ગરમ થતો નથી.

- કાર્બન વાયુનું ઉત્સર્જન બહુ જ ઓછું કરે છે એટલે ઇકો ફ્રેન્ડલી છે.

- આયુષ્ય 50 હજાર કલાક તો ગેરેંટી સાથેનું હોય છે.

- ગુજરાતમાં તો નવો સરકારી એલઇડી ખરીદ્યા પછી 3 વર્ષની રીપ્લેસમેન્ટ ગેરેંટી મળે છે.