પ્રેમનગર
અડધો કલાક થઇ ગયો કેમ નહિ આવ્યો હોય હજુ? કદાચ નવી જોબ છે એટલે વાર લાગી હશે. બસ-સ્ટેન્ડ પર આવતા લોકો બસ પકડીને ચાલતા થવા માંડ્યા પણ સુહાની .....!!? સુહાની તો ક્યાંય સુંધી રાહ દેખતી રહી પણ નિહાર તો આવ્યો જ નહિ. એક બે વખત એના મોબાઈલમાં રીંગ મારી જોઈ પણ નો રીપ્લાય આવ્યો. મેસેજ પણ કરી જોયા એનો પણ કોઈ જવાબ ન આવ્યો. હવે અંધારું થવા લાગ્યું હતું એટલે વધુ રોકાવું એને હિતાવહ ન લાગ્યું, એટલે એણે રીક્ષા બોલાવી અને ઘર તરફ પ્રયાણ કર્યું.
ઘરમાં જેવો પગ મુક્યો એટલે મમ્મીએ ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યું ‘કેમ બેટા આજે મોડું થયું?’
‘શું મમ્મી આટલી ચિંતા કરે છે હું નાની કીકલી થોડી છું ? જયારે હોય ત્યારે એકજ પ્રશ્ન?’
સુહાનીના આવા જવાબથી રમાબેન અવાક થઇ ગયા કારણકે સુહાની આ રીતે તો ક્યારેય વર્તે નહી. એમણે એના ચહેરા તરફ જોયું સાવ ઉતરી ગયેલો ચહેરો જોઈ એ સમજી ગયા કે આજે કલાસીસમાં કોઈકની સાથે બોલવાનું થયું હશે. એમણે એના તરફ ધ્યાન ન આપ્યું અને મેઈન રૂમનું બારણું બંધ કરી પાછા રસોડામાં જતા રહ્યા.
સુહાની પણ પગ પછાડતી પછાડતી એના રૂમમાં જતી રહી. પંખો ફૂલ કરી એ પલંગમાં આડી પડી. આંખ બંધ કરી દુપટ્ટાને મોઢા પર નાંખી દીધો. વધારે ટેન્શનમાં હોય ત્યારે આમ કરવાની એને પહેલેથીજ ટેવ હતી. કોલેજના છેલ્લા વરસની ફાઈનલ પરીક્ષા માથે હતી. નિહારનું આ રીતે બે દિવસથી ન મળવું તેના માટે કેટલાય સવાલોની વણઝાર લઈને આવ્યું હતું. ગઈકાલે તો એણે અગાઉથી જ કહી રાખ્યું હતું એટલે બરોબર હતું પણ આજે વળી શું કારણ આવ્યું હશે.
કોલેજમાં એક વર્ષ સીનીયર નિહાર અને સુહાની છેલ્લા એક વરસથી એકબીજા સાથે મીઠા સંબંધો ધરાવતા હતા. હમણાં જ એક મલ્ટીનેશનલ કંપનીમાં ઓફિસર તરીકે જોબ મળવાથી નિહાર સાથેનું મળવું અનિયમિત થયેલું હતું. જયારે નિહાર સાથે આવો બનાવ બને ત્યારે સુહાનીને એકજ વિચાર આવે કે ક્યાંક નિહાર મને છોડીને મીતાની સાથે તો નહિ હોય ને? આ અસલામતીની ભાવના જ કાયમ એને કોરી ખાતી હતી. કારણકે કેટલીય વખત એણે નિહારને એની પડોશમાં રહેતી મીતાની સાથે કોલેજમાં વાત કરતો જોયો છે. કેટલીય વખત એ બંનેની વાતોમાં નિહાર મીતાનો ઉલ્લેખ પણ કરતો. મીતા દેખાવમાં સાવ સિમ્પલ હતી પણ કોલેજની એ સ્કોલર છોકરી હતી. એ બંને એકજ ક્લાસમાં અને એમાંય પાડોશી એટલે એ બંને વચ્ચે બોલવા ચાલવાના સંબંધો સામાન્ય રીતે હોય એના કરતા વધારે હોવાનાજ. કારણ કે નાનપણથીજ એ બંને સાથે જ ઉછર્યા હતા. જોકે મીતાની ઓળખાણ નિહારે જ સુહાની સાથે કરાવી હતી, અને એનો ફાયદો પણ છેલ્લી એક્ઝામમાં થયેલો. આ દુનિયામાં સારો સ્વભાવ હોવો એ પણ ગુનો છે એવું લોકો કહેતા હોય છે, એ મીતાની બાબતમાં સિદ્ધ થતું હોય એમ લાગે. મીતા સ્વભાવની ખુબજ સૌમ્ય હતી. એની પ્રેમથી વાત કરવાની ટેવ જ સુહાનીને વિચાર કરી મુકતી હતી. એક વખત એણે સુહાનીને વણમાગી સલાહ આપી હતી કે કોલેજમાં ભણવા સિવાય તું કોઈ લક્ષ્ય ન રાખીશ. અને પછી ભાર મુકીને કહ્યું હતું કે જો કોઈની સાથે પ્રેમના ચક્કરમાં પડી તો એમ કહી શકાય કે તું તારી કેરિયર પ્રત્યે બેધ્યાન છું. બસ સુહાની એ દિવસથી જ વિચારતી હતી કે આ શાંત દેખાતી મીતાએ મને સલાહ આપી કે પછી નિહાર વિશે ગર્ભિત ચેતવણી આપી.
નિહારનું નામ સ્પોર્ટ્સમાં પણ અવ્વલ હતું. એ રીતે બીજી સ્ટેજ એક્ટીવીટીમાં પણ એ યુનીવર્સીટી લેવલે મેડલ લાવી ચુક્યો હતો. દેખાવમાં એકદમ હીરો જેવો લાગતો હોવાથી કોલેજમાં નિહાર પર તો કેટલીય છોકરીઓ મરતી હતી. એવા સંજોગોમાં સુહાની પર એનો પ્રેમ કળશ ઢોળાયો એ કોલેજના વિદ્યાર્થીઓ માટે કોઈ નવાઈની વાત નહોતી કારણકે એની છાપ ફલર્ટ બોય તરીકે જ હતી. જો કે કોલેજમાં સુહાનીની સુંદરતાને કોઈ સ્પર્ધાનો સવાલ જ ન હતો. ભલે એ વેસ્ટર્ન ડ્રેસ ઓછા પહેરતી પણ એ પારંપરિક ડ્રેસમાં પણ ઘણી સુંદર લગતી. યુથ ફેસ્ટીવલમાં યુનીવર્સીટી લેવલે કોલેજની ગરબા ટીમ ફાઈનલ જીતી હતી એ ટીમની કેપ્ટન સુહાની હતી. ગરબાના પારંપરિક ચણીયાચોળી પહેરેલા ટીમના ફોટા કોલેજના બોર્ડ પર મુકેલા હતા એમાં સુહાની કોઈ રાજકુમારી જેવી લગતી હતી. ખરેખર તો એ ફોટો જ સુહાની અને નિહારને નજીક લાવવામાં કારણભૂત બન્યો હતો. એ ફોટો મુકાયાના બીજા જ દિવસે નિહાર સુહાનીને અભિનંદન આપવા આવ્યો સાથે મીતા હતી એટલે સુહાનીને વાત કરવામાં કોઈ સંકોચ નહોતો આવ્યો. બસ એ દિવસથી કોઈકને કોઈક કારણસર એ લોકોએ મળવાનું ચાલુ કર્યું અને ક્યારે સુહાની એની મીઠી મીઠી વાતોમાં ભરમાઈ ગઈ એ એને પણ ખબર ન રહી.
આ બધું વિચારતી વિચારતી સુહાની પથારીમાં આમથી તેમ પાસા બદલતી રહી. અંદરથી ધૂંધવાઈ ગયેલી એને કોઈ સૂઝ પડતી નહોતી કે શું કરવું. એટલામાંજ ફોનની સ્ક્રીન પર લાઈટ થઇ નિહારનો મેસેજ હશે તેમ સમજી એણે ચેક કર્યું પણ એક સહેલીનો મેસેજ હતો. નિરાશ થયેલી સુહાની ઉભી થઈને બારી પાસે જઈને ઉભી રહી. ફ્લેટના કોમન પ્લોટમાં નાનામોટા લોકો ની ચહલપહલ એના મન પરનો બોજ હળવો ન કરી શકી એટલે પાછી પોતાના પલંગ પર જઈને બેઠી.
સુહાનીએ નિહારને કરેલા મેસેજનો જવાબ બે કલાક પછી આવ્યો, કે સોરી ઓફિસમાં એક અરજન્ટ મીટીંગ હોવાથી ન મળી શક્યો. પણ નાકના ભૂંગળા ફુલાવીને બેઠેલી સુહાનીએ એના રીપ્લાયમાં ગુસ્સાવાળા બે સ્માઇલી મોકલ્યા. મમ્મી જમવા માટે બોલાવા આવી તો પણ એણે ભૂખ નથી એમ કહી દીધું. પછી સુહાનીએ એક મેસેજ નિહારને કરી દીધો કે ‘કાલે સાંજે ‘કોફી-ટોફી’માં સાંજે છ વાગે છેલ્લી વખત મળીએ’ અને પાછું પોતાના મોબાઈલનું નેટ બંધ કરી દીધું.
ઓફિસમાં નવા ડેટા કલેકશનમાં આવેલા કોઈ અપડેટ માટે મળેલી મીટીંગમાં એક કલીગની ભૂલને કારણે નિહારને ફાયરીંગ મળ્યું હતું એટલે એ ઘણો અપસેટ હતો અને એમાંય પાછું આ સુહાનીના રોજના નાટક્વેડા. એણે રીપ્લાયમાં સુહાનીને કરેલો મેસેજ અનડીલીવર્ડ જોયો એટલે સમજી ગયો કે સુહાની બરાબર ગુસ્સે થઇ લાગે છે. એને ખબર હતી કે એનો ગુસ્સો કાયમની જેમ સવારે ઉતરી જશે, એટલે એણે વતનમાં રહેતા પપ્પાને રોજની માફક ફોન કર્યો. નિહાર સિંઘ આમતો હતો રાજસ્થાનનો, પણ કોલેજ કરવા માટે અહી આવ્યો હતો. ત્યારથી જ એણે અહી સ્થાયી થવાનો વિચાર કરી લીધો હતો. એમાં આ શહેરમાં જોબ પણ સરસ મળી ગઈ હતી એટલે હવે પોતાની જીંદગી વિશે થોડું એડવાન્સમાં પણ વિચારતો થયો હતો. પોતાનો મનસુબો એના પિતા આગળ જાહેર કર્યો ત્યારથી એના પિતા એને કહેતા કે તું એ શહેરમાં પોતાનું ઘર લઇ લે. ગામમાં એકાદી ખેતર વેચીશું એટલે પૈસાની વ્યવસ્થા પણ થઇ જશે એવી હૈયાધારણા પણ આપી હતી. નિહારને એમાં કોઈ વાંધો પણ ન હતો કારણકે પોતે ઘરમાં એકમાત્ર સંતાન હતો. તે જાણતો હતો કે જો પોતાનું ઘર લઈશ તોજ પપ્પા-મમ્મી ક્યારેક થોડા દિવસ અહી રહેવા આવશે. દરવખતની જેમ આજે પણ પપ્પાએ પૂછેલો પ્રશ્ન કે તું હવે ક્યારે અહીં આવવાનું પ્લાન કરે છે? આવવાના અઠવાડિયા પહેલા મને સહેજ જાણ કરજે તો શેખાવતની છોકરીને જોવાનું પણ ત્યારે ગોઠવીશું.
શેખાવત એટલે પપ્પા સાથે એકજ કચેરીમાં કામ કરતા એમના મિત્ર અને એમની છોકરી જીયા. ત્રણેક મહિના પહેલા કાકાને ત્યાં પ્રસંગ હતો એટલે નિહારને એક અઠવાડિયા માટે વતન જવાનું થયું હતું. કાકાને ત્યાં પ્રસંગ હતો એટલે પ્રસંગને લગતી બધીજ દોડાદોડ નિહારે કરી હતી. એ સમયે કામની દોડાડોદની સાથેસાથે એ આખુંય અઠવાડિયું જીયાના રૂપનું રસપાન પણ ધરાઈને કરેલું. જીયાનું ઘર અને કાકાનું ઘર એકજ સોસાયટીમાં હતું. નાનપણમાં જયારે જયારે વેકેશનમાં કાકાને ત્યાં રહેવા જવાનું થાય ત્યારે જીયા સાથે ઘણી બધી રમતો સાથે રમેલા પણ હાયરસેકન્ડરીમાં આવ્યા પછી એમના ઘરે એવું રોકાવા જવાનું થયેલું નહિ. એટલે બોલચાલનો વ્યવહાર જીયા સાથે બંધ થઇ ગયો. પ્રસંગને લીધે ત્યાં જવાનું થયું ત્યારે જીયાને જોઇને નિહાર એકદમ ચકિત થઇ ગયેલો. કાકાની છોકરી મતલબ કે અમિતાના લગ્નપ્રસંગે ગયેલો એની ખાસ બહેનપણી હોવાને નાતે એ દિવસ દરમ્યાન લગભગ એની સાથેજ રહેતી. શરૂઆતના બે દિવસ તો એણે નિહાર તરફ ખાસ ધ્યાન નહોતું આપ્યું પણ પછી કોઈના કોઈ બહાને એની સાથે વાત થતી રહેતી હતી. મોતી જેવા એના દાંત એ બોલે ત્યારે જાણે મોગરાની કળીની જેમ મહેંકતા હોય એમ લાગે. અમિતાની સાથે મુકાવેલી મહેંદી બે દિવસ પછી એની હથેળીઓમાં એટલી ઘેરી થયેલી કે નિહાર પણ એમ વિચારવા માંડ્યો કે આ રંગ ઘેરો કોના પ્રેમને કારણે થયો હશે? મેં તો હજુ એટલું ચાહવાનું શરુ જ નથી કર્યું. પછી એને મનોમન એમ થયું કે કદાચ એ કોઈની સાથે એન્ગેજ પણ હોઈ શકે.
એક દિવસ વાતવાતમાં અમિતા એમ બોલી કે નિહાર આવતા વરસે તારા લગન લેવાનું કાકા કહેતા’તા તે શું તે છોકરી શોધી ખરી? નિહાર જવાબ આપે એ પહેલા બાજુમાં બેઠેલી જીયા બોલી કે ‘અમને બોલાવશો ને ?’ તો જવાબમાં નિહાર એમ બોલ્યો કે ‘તારા વગર હું થોડો લગન કરવાનો છું?’
આવો જવાબ સાંભળી બંને સખીઓ એકબીજા સામું જોવા માંડી એટલે નિહારને લાગ્યું કે કંઇક બફાઈ ગયું કે શું ?એટલે એણે તરત વાત ફેરવી કાઢી અને કીધું કે ‘સાચી જ વાત છે ને હું આ અમિતાને બોલાવું તો એની પ્યારી સખીને મારે બોલાવવી જ પડે ને..’ પણ એ રાત્રે નિહારને ઊંઘ જ ના આવી. એ વિચારતો જ રહ્યો કે હું જે બોલ્યો એ જાતે બોલ્યો કે મારા હૃદયના કોઈ ખૂણે ટૂંટિયું વાળીને પડેલી ઈચ્છા બોલી?
જીયાના વિચારો કરતો નિહાર ક્યારે સુઈ ગયો એની એને ખબર જ ન રહી.
વહેલી સવારે સપનામાં વિહરતા નિહારને પહેલા તો ખબર ન પડી કે આ શેની શરણાઈ વાગે છે બીજીવાર એણે સાંભળી અને ઝબકીને જાગી ગયો. શરણાઈવાળી રીંગટોન એણે સુહાનીના નંબરમાં જ સેટ કરેલી હતી. ચાર્જીંગમાં પડેલા મોબાઈલને લેવા ઉભો થયો.
‘હેલો બોલ ડીયર’
‘સોરી નિહાર’ સામેથી સુહાની બોલી.
‘અરે એમાં શું સોરી મને ખબર હતી કે સવારે તારો ગુસ્સો ઉતરશે એટલે ફોન આવશેજ.’
‘ના યાર એમ નહીં ..મેં તારી સવાર સવારમાં ઊંઘ બગાડી.’
‘અરે એમાં શું?.તારા પ્રેમભર્યા આ અવાજ સામે ઊંઘ શું છે? આમેય થોડીવાર પછી એલાર્મ વાગતું એટલે ઓફીસ જવા ઊઠવાનું જ હતું ને..!!’
‘શટ-અપ .....હું અહી આખી રાત જાગી છું અને તું આરામથી ઊંઘે છે? મને ખબર જ હતી તું ઊંઘતો જ હોઈશ. મેં પહેલા પૂછ્યું હોત તો એમ જ કહેતો કે હું પણ તારી યાદમાં આખી રાત જાગ્યો છું. એટલે જ મેં તારી ઊંઘ બગાડવા બદલ સોરી કીધું....નહીતર તું ખોટું જ બોલતો.’
‘ઓહ ..એમ નહિ સુહાની મેં તને રાત્રે બે વખત મેસેજ કર્યા. તારો કોઈ રીપ્લાય ન આવ્યો.’ સુહાનીની વાત કાપી નિહાર બોલ્યો.
‘હા ...બરાબર ..પછી શું કર્યું ??..સુઈ ગયો! એમજ ને. એક કામ કે પાછો સુઈ જા પેલા એલાર્મથી જ ઊઠજે.’ આટલું ગુસ્સામાં બોલી સુહાનીએ ફોન કાપી નાખ્યો.
હે ભગવાન ...આ છોકરીઓ પણ ઈન્ટેલીજંટ થઇ ગઈ છે ખરેખર મને ઊંઘમાંથી ઉઠાડી ઊંઘતો ઝડપી લીધો.’
પલંગમાં બેઠેલો નિહાર ઢીંચણ ઉપર બંને હાથની કુણી ટેકવી માથે હાથ મૂકી પોતાના વાળ ખેંચવા માંડ્યો. એને પોતાના મોબાઈલ સામું જોયું એમાં જાણે એને સુહાનીનો ગુસ્સા વાળો ચહેરો દેખાયો. સામેથી ફોન કરવાનું માંડી વાળી એ બાથરૂમમાં ગયો. જીયાની યાદમાં ને યાદમાં સુઈ ગયેલો એટલે પુરતો આરામ મળેલા એના શરીરને આળસ ખાતા ખાતા સ્ટ્રેચ કર્યું. એણે અરીસામાં દેખ્યું. ઊંઘીને ઉઠેલા એના એકદમ ફ્રેશ લાગતા ચહેરામાં પણ કપાળ પર સુહાની નામની ચિંતાની રેખા સ્પષ્ટ દેખાઈ. એણે સુહાનીને ફોન લગાવ્યો પણ એણે ન ઉપાડ્યો. બીજી વખત ટ્રાય કર્યો.
‘હેલો શું છે હવે?’ સુહાની એના અલગજ અંદાજમાં બોલી.
‘હવે ??..હવે નહિ ક્યારનુંય ….૧૧ માર્ચથી જે છે એ ....આઈ લવ યુ.’
‘જા હવે સાવ નક્કામા ....કેમ આટલી વાર લગાડી ફોન કરવામાં?’ સુહાનીનો ટોન એકદમ બદલાઈ ગયેલો મતલબ કે સુંવાળો થઇ ગયેલો.
‘હું બ્રશ કરવા ગયો’તો, મને એમ કે એકદમ ફ્રેશ તાજગીવાળી વાત થાય એટલા માટે.’
‘બસ હવે મસ્કા મારવાની કંઈ જરૂર નથી.’
‘હા હા હા ..વાહ આ તારા હોઠ પર મને દેખાતું સ્મિત મને પાગલ કરી દે છે.’
‘તને મારું સ્મિત ત્યાં બેઠા બેઠા દેખાઈ ગયું?’
‘અરે ડાર્લિંગ આ બંદાને તો અહીંથી બધું જ દેખાય છે ...બોલ તારા હાથમાં ચાનો કપ છે ને?’
‘ઓયે અમેઝિંગ ...હાઉ યુ નો ....યોર ગેસિંગ ઇસ પરફેક્ટ ...’
‘જોયું ..હવે મારાથી ચેતતી રહેજે ....બાય ધ વે તારું નહાવાનું બાકી છે ને?’
‘ઓહ જસ્ટ શટઅપ ..યુ નોટી......ચલ બાય તારે મોડું થતું હશે, પણ સાંજે કોફી-ટોફીમાં મળીયે છીએ .બરાબરને ??’સુહાનીએ બરાબર શબ્દ બોલવા પર વધારે ભાર મુક્યો.
‘ઓહ કોફી-ટોફીમાં ને? છેલ્લી વાર?’નિહાર હજુ મજાકના મુડમાં જ હતો.
‘બી સીરીયસ ...આજે નહિ મળે તો એય પાક્કું જ છે.’
‘ઓકે ડીયર.. સીરીયસલી સ્યોર મળીયે છીએ.બાય ...લવ યુ.’ ફોન મુકીને નિહારે દિવાલ પરની ઘડિયાળ સામે જોયું અને રોજની જેમ દિવસની દોડધામની પ્રક્રિયા આરંભી દીધી.
(ક્રમશ:)