curfew in Gujarati Short Stories by Kishor Chavda books and stories PDF | કરફ્યુ

Featured Books
Categories
Share

કરફ્યુ

કરફ્યુ

કરફ્યુ....એક એવો શબ્દ જે સાંભળીને સામાન્ય માણસના હોંશ ઉડી જાય છે. “માણસની રોજબરોજની જીંદગીને ઠપ કરી દેતી એક ઘટના એટલે કરફ્યુ”. કરફ્યુ લાગતાની સાથે જ લોકોથી ભરેલા રહેતા રસ્તાઓ અને બજારો અચાનક જ ખાલી થઇ જાય છે.એક શહેર જે થોડા સમય પહેલા ધમધમતુ હોય છે તે કરફ્યુ લાગતાની સાથે જ જાણે વેરાન બની જાય છે.કરફ્યુ એક એવી આપાતકાલીન ઘોષણા છે જેના થતાંની સાથે લોકોને પોતાની રોજબરોજની સામાન્ય જીંદગીનો ટ્રેક બદલીને ઘરમાં પુરાઇ રહેવુ પડે છે.કરફ્યુના લીધે કેટલાય લોકોના ધંધા અને રોજગાર ભાગી પડે છે. કરફ્યુ...જો લાંબો સમય સુધી ચાલે તો રોજ લોકોનુ અને દેશનુ કરોડો રુપિયાનુ નુકશાન થાય છે. કરફ્યુ... એક એવી ઘટના જે કોઇને પણ નથી ગમતી,પણ આપણી આસપાસ ક્યારેક એવી અણસાજતી ઘટનાઓ બની જાય છે જે આપણને ન ગમતી હોવા છતાં પણ આપણે તેનો સ્વીકાર કરવો પડે છે.‘એવુ જ છે આ કરફ્યુનુ’.કરફ્યુ લાગતાની સાથે જ સામાન્ય લોકો ઘરમાં પુરાઇ જાય છે અને તેમનુ ટી.વી ચાલુ કરીને જોવા બેસી જાય છે. હા,કેટલાક અસામાજીક તત્વો એવા પણ હોય છે જેમને શાંતિ પસંદ આવતી નથી.તે નિકળી પડે છે પથ્થર અને પેટ્રોલ બોબ્મ લઇને શહેરનો માહોલ બગાડવા માટે...આ એવા અસામાજીક તત્વો હોય છે જેમના લીધે જ કરફ્યુ જેવી કોઇને ન ગમતી સ્થીતીનુ નિર્માણ થાય છે.અને સરકારને ન ચાહવા છતા લોકોની રોજબરોજની જીંદગીને ઠપ કરવી પડે છે.પણ આ અસામાજીક તત્વો અહીંયાથી જ નથી અટકતા! સરકાર દ્વારા કરફ્યુ લગાવીને કરવામાં આવતા શાંતિના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવવા માટે તે તમામ પ્રયત્નો કરશે.આપણી સુરક્ષા માટે તૈનાત કરેલા સુરક્ષા જવાનો પર ક્યારેક પથ્થરમારો,તો ક્યારેક અન્ય હથિયારોનો પણ ઉપયોગ કરતા તે નથી અચકાતા! ક્યારેક વિચાર આવે છે કે શુ મળતુ હશે એવા લોકોને શહેરની અને દેશની શાંતિ ભંગ કરીને? શુ મળતુ હશે એમને લોકોને આમ ઘરમાં પુરાઇ રહેવા માટે મજબુર કરીને? બાળકોને તેમના શિક્ષણથી વંચિત કરીને? ધંધાદારી અને નોકરીયાત લોકોનુ નુકશાન કરીને? આપણી જ સુરક્ષા માટે તૈનાત સુરક્ષાદળો પર હુમલા કરીને? પણ આનો જવાબ કોઇની પાસે નથી.તેમની પાસે પણ નથી જેઓ આ બધુ કરી રહ્યા હોય છે. હમણા છેલ્લા ઘણા સમયથી આપણા દેશના મુગટ સમાન અને ધરતીનુ સ્વર્ગ ગણાતા કશ્મીરમાં પણ આવી જ સ્થિતી ઉભી થઇ છે,જેને કાબુમાં લાવવા માટે સરકારને કરફ્યુ લગાવવો પડ્યો.ત્યાંના લોકો છેલ્લા ત્રણ મહિનાથી ધંધારોજગાર બંદ કરીને ઘરમાં પુરાઇ રહેવા માટે મજબુર છે.ક્યારેક ફક્ત થોડા કલાક માટે કરફ્યુ હટાવવામાં આવે ત્યારે તો તે તેમની જીવન જરુરીયાત અને ખાવા પિવાની ચીજોની વ્યવસ્થા કરી શકે છે.સ્કુલો અને કોલેજો કેટલાય સમયથી બંદ પડી છે,વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકી ગયુ છે.કેટલાક થોડા અસામાજીક તત્વોના લીધે સમગ્ર કશ્મીરને કરફ્યુ જેવી સ્થિતીમાં જીંદગી વિતાવવી પડી રહી છે.ક્યારેક આપણી આજુબાજુ પણ આવી સ્થિતી ફક્ત એકાદ બે દિવસ માટે કે થોડા કલાકો માટે ઉભી થાય છે તો પણ આપણે કેટલા ગભરાઇ જઇએ છીએ!? ક્યારે બહારની સ્થિતી નોર્મલ થાય,અને ક્યારે કરફ્યુ દુર થાય તે માટે આપણે પ્રાર્થના કરીએ છીએ.જ્યારે કશ્મીરવાસીઓ છેલ્લા ત્રણ મહિનાથી આવી જ સ્થિતીમાં જીંગદી વિતાવી રહ્યા છે! તેમની હાલત કેવી હશે? શુ આપણે તેમની મનોદશા વિશે થોડુ પણ અનુમાન લગાવી શકીએ? ના કદાચ અહિંયા આપણા ઘરમાં બેસીને આપણે તેમની સ્થિતીને અને તેમની મનોદશાને ક્યારેય ના સમજી શકીએ.પણ આપણે તેમના માટે બીજુ કરી પણ શુ શકીએ? હા એટલી પ્રાર્થના જરુર કરી શકીએ કે આપણા એ સ્વર્ગમાંથી કરફ્યુ જલદીથી જલદી દુર થઇ જાય અને આપણુ એ સ્વર્ગ સમાન કશ્મીર એકવાર કરીથી ચેતનવંતુ બને.અને ત્યાંના લોકોની રોજબરોજની જીંગદી ફરીથી શરુ થઇ જાય.મારી પણ ભગવાનને એજ પ્રાર્થના છે.

કરફ્યુની સ્થિતીમાં લોકોને પડતી મુશ્કેલીઓ અને એ મુશ્કેલ પરિસ્થિતીમાં પણ લોકોમાં જોવા મળતા માનવાતાના ગુણોને દર્શાવતી ત્રણ વાર્તાઓ મે અહિંયા કહેવાનો પ્રયાસ કર્યો છે.મને આશા છે કે વાચકોને તે જરુર પસંદ આવશે.

1

રાતના આઠ વાગી ગયા હતા પણ કૌશિક હજુ સુધી ઘરે આવ્યો ન હતો.કેતકી અને તેનો પાંચ વર્ષનો દિકરો હર્ષ ઘરમાં એકલા જ હતા.ટી.વી પર જેમ જેમ સમાચાર આવી રહ્યા હતા તેમ તેમ કેતકીનો જીવ ઉંચો થઇ રહ્યો હતો.કૌશિક સાત વાગ્યા સુધીમાં તો ઘરે આવી જતો હતો,પણ આજે તે હજુ સુધી આવ્યો ન હતો.ટી.વીમાં એક ચેનલના સંવાદદાતા ઘટના સ્થળ પરથી માહિતી આપી રહ્યા હતા...અનામત આંદોલને ઉગ્ર સ્વરુપ પકડ્યુ હોવાના લીધે શહેરમાં કેટલીય જગ્યાએ અનિચ્છનિય બનાવો બની રહ્યા છે. આંદોલનકારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ ભળકેલા આંદોલનકારીઓએ પોલીસદળ પર હુમલો કર્યો હતો.ત્યારબાદ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ બની ગયુ છે.ગુસ્સે ભરાયેલા આંદોલનકારીઓએ કેટલીય જગ્યાએ સરકારી બસો અને મિલકતોને આગ લગાડી દીધાના બનાવો સામે આવી રહ્યા છે.કેટલીક જગ્યાએ દુકાનો સળગાવી દીધાના સમાચાર પણ મળી રહ્યા છે.સરકારે તાત્કાલિક એક્શન લેતા શહેરમાં દરેક જગ્યાએ શક્ય તેટલા પોલીસદળોની તૈનાતી કરી દીધી છે.શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખુબ જ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે અર્ધસૈનિકદળો અને બી.એસ.એફની તૈનાતી માટે વાર્તા ચાલી રહી છે.રાકેશ,થોડા જ સમયમાં શહેરમાં કરફ્યુ લાગુ પડે તેવી સંપુર્ણ સંભાવનાઓ જણાઇ રહી છે.જો કે સરકારે હજુ સુધી કરફ્યુ લાગુ કરવાની કોઇ ઘોષણા કરી નથી.પણ શહેરની અત્યારની સ્થિતી જોતા થોડા જ સમયમાં કેન્દ્ર સાથે વાતચીત કરીને અર્ધસૈનિકદળો અને બી.એસ.એફની ટુકડીઓ આવી પહોચ્યા બાદ શહેરમાં તરત જ કરફ્યુની જાહેરાત થાય તેવુ લાગી રહ્યુ છે…..કેમરામેન જગદીશની સાથે હું સંજય શર્મા.......જેમ જેમ ટી.વીમાં પેલો સંવાદદાતા બધી માહિતી આપી રહ્યો હતો તેમ કેતકીનુ ટેંશન વધી રહ્યુ હતુ.

કેતકીનો ખુબ જ નાનો અને હર્યોભર્યો પરિવાર હતો.તેના પરિવારમાં તે,કૌશિક અને તેમનો પાંચ વર્ષનો દિકરો હર્ષ હતા.આમ તો કૌશિકનો ગામમાં ખુબ જ મોટો પરિવાર હતો.કૌશિક એક નાના ગામડામાંથી અહિંયા શહેરમાં ભણવા માટે આવ્યો હતો.શહેરમાં અભ્યાસ પુરો થયા પછી અહિંયા જ તેને એક કંપનીમાં નોકરી મળી ગઇ હતી.કંપનીએ તેને રહેવા માટે ઘર પણ આપ્યુ હતુ,તેથી તે અહિંયા જ સેટલ થવાનુ વિચારતો હતો.આમ પણ હવે તેને શહેરમાં જ નોકરી કરવાની હોવાથી તે અહિંયા જ સેટલ થવા માંગતો હતો.કેતકી પણ તેની કંપનીમાં જ કામ કરતી હતી.તેના નોકરીમાં લાગ્યાના થોડા જ મહિના પછી કેતકીએ તે કંપની જોઇન કરી હતી.કેતકી તેના જ ડિપાર્ટમેંટમાં તેની જુનિયર હતી,તેથી તે જ્યારે જોઇન થઇ ત્યારે તેને શુ કામ કરવાનુ છે તે શિખવાડવાનુ તેના જ ભાગે આવ્યુ.ધીમે ધીમે તે અને કેતકી દોસ્ત બની ગયા અને તે દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તેની તેમને ખબર જ ના પડી.કેતકીના સગામાં કોઇ હતુ નહિ.તે નાનપણમાં જ અનાથ થઇ ગઇ હતી.તેથી તેમને ફક્ત કૌશિકના ઘરવાળાને રાજી કરવાના હતા.કૌશિકના ઘરવાળાએ કેતકી અનાથ હોવાથી પહેલા તો તેમના લગ્ન માટે ખુબ જ વિરોધ કર્યો.પણ કૌશિક અડગ બનીને ઉભો રહ્યો.તેને તેના ઘરવાળાની મંજુરીથી જ લગ્ન કરવા હતા.બે વરસ સુધી તેને તેના ઘરવાળાને મનાવ્યા.આખરે તેમને કૌશિક આગળ નમતુ જોખવુ પડ્યુ.ત્યારબાદ ખુબ જ ધામધુમથી કૌશિકના ગામમાં જ તેમને લગ્ન કર્યા.લગ્ન બાદ તરત જ તે બંને શહેરમાં રહેવા માટે આવી ગયા.સમય તેનુ ચક્કર કાપી રહ્યો હતો અને સારો સમય ખુબ જ ઝડપથી વીતી જાય છે.જોતજોતામાં તો તેમના લગ્નને આજે સાત વરસ વીતી ગયા.આજે તેમને એક પાંચ વરસનો દિકરો હતો.કૌશિક અને કેતકી તેમના દિકરા હર્ષ સાથે ખુબ જ આનંદથી જીંગદી વિતાવી રહ્યા હતા.

હવે આજના દિવસની વાત કરીએ.બે દિવસ પહેલા જ કૌશિકનો મોટો ભાઇ સંજય અને કૌશિકના ભાભી કંચન બન્ને આવ્યા હતા.એક્ચ્યુલી કૌશિકના ભાભી પ્રેગનેંટ હતા.તેમને ડિલીવરી થવાની તૈયારીમાં જ હતી.તેથી સંજય તેને શહેરની હોસ્પીટલમાં બતાવવા માટે લઇને આવ્યો હતો.તે લોકો આવ્યા તે દિવસે રજાનો દિવસ હતો.તેના બીજા દિવસે તેઓ હોસ્પીટલમાં જવાના જ હતા,પણ અડધી રાત્રે જ કંચનને પેટમાં દુખાવો ઉપડતા તેમને રાત્રે જ હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા.ત્યારથી કૌશિક અને સંજય બન્ને હોસ્પીટલમાં જ હતા.કૌશિક રાતના ઘરે આવી જતો અને સવારે નાહી ધોઇને તૈયાર થઇને ફરીથી હોસ્પીટલે પહોચી જતો હતો.કેતકી બન્ને ટાઇમે ટીફીન તૈયાર કરીને હોસ્પીટલમાં આપવા માટે જતી હતી અને કંચનભાભીના સમાચાર પણ લઇ આવતી હતી.

આજે પણ તે બપોરે ટિફીન આપીને આવી હતી.પણ તેના ઘરે આવ્યા પછી આખા શહેરમાં તોફાનો શરુ થઇ ગયા હતા.તે ક્યારની કૌશિકને ફોન લગાવી રહી હતી.પણ તોફાની તત્વો શહેરના વાતવરણને વધારે ના બગાડે તે માટે સરકારે સમગ્ર ટેલીકોમ સિસ્ટમ અને ટાવર બંધ કરાવી દીધા હતા.કેતકી જેમ જેમ ટી.વીમાં સમાચાર જોઇ રહી હતી તેમ તેમ તેનુ દિલ જોરેથી ધડકી રહ્યુ હતુ.કારણકે જે વિસ્તારમાં હોસ્પીટલ હતી તે વિસ્તાર ખુબ જ સંવેદનશીલ વિસ્તાર તરીકે ટી.વીમાં બતાવી રહ્યા હતા.તે વિસ્તારના દ્રષ્યો જોઇને તેની ચિંતા વધી રહી હતી.તેને ટી.વી બંદ કરી દીધુ. ટોળાને ક્યારેય મગજ હોતુ નથી.આંદોલનકારીઓ બધી જગ્યાએ સરકારી બિલ્ડીંગો અને કચેરીઓને આગ લગાવી રહ્યા હતા.અને દુર્ભાગ્યથી કંચનભાભીને જે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે પણ એક સરકારી હોસ્પીટલ હતી.તેથી જ તેની ચિંતામાં વધારો થયો હતો.હવે તેને યાદ આવી રહ્યુ હતુ....તે દિવસે તે અને કૌશિક બન્ને સંજયને કંચનભાભીને કોઇ પ્રાઇવેટ હોસ્પીટલમાં દાખલ કરવા માટે સમજાવી રહ્યા હતા.પણ સંજયે તેની એક જ દલીલ કર્યે રાખી હતી,કે તેમના ગામનો ડોક્ટર સરકારી હોસ્પીટલમાં છે,તે સારી સારવાર કરે છે અને તેનુ ખર્ચ પણ ઓછુ આવશે.કૌશિકે દલીલ કરી હતી કે ખર્ચની ચિંતા તમે શા માટે કરો છો હુ અહિંયા બેઠો છુને..પણ...સંજયે તેની કોઇ વાત માની નહિ અને આજે કેતકીને તે વાત ફરીથી યાદ આવી રહી હતી.તે વિચારી રહી હતી કે તે લોકોએ જો વધારે દબાણ કર્યુ હોત તો સંજયભાઇ જરુર માની જાત.તે એમ જ વિચાર કરતી કેટલીયવાર સુધી બેસી રહી.

ઘડિયાળનો કાંટો દસ પર પહોંચી ગયો હતો પણ કેતકીની આંખમાં ઉંઘ ક્યાંય ડોકાતી પણ ન હતી. કેતકીએ ફરીથી ફોન લઇને સંજયનો નંબર ડાયલ કરવાની નિરર્થક કોશીશ કરી....પણ તેના ફોનમાં પણ નેટવર્ક જ ન હતુ.કારણકે હજુ પણ ટેલીફોન સેવાઓ સંપુર્ણ રીતે બંદ હતી.નાનો હર્ષ તો ક્યારનો જમીને ઉંઘી ગયો હતો.કેતકીએ ફરીથી ટી.વીનુ રીમોટ હાથમાં લીધુ અને ટી.વી ચાલુ કરી.હજુ પણ બધી ચેનલો પર એજ સમાચાર આવી રહ્યા હતા.....કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષાદળો મોકલવામાં આવ્યા છે અને થોડા સમયમાં જ તે આવી જતાં સમગ્ર શહેરમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવશે.શહેરમાં કેટલીય જગ્યાએ આગ લગાવવાના અને તોડફોડના બનાવો બન્યા હતા.તે ટી.વીની નીચી આવતી પટ્ટીમાં બતાવી રહ્યા હતા.કેતકી તે ધ્યાનથી વાંચી રહી હતી.અચાનક! તેમાં સરકારી હોસ્પીટલનુ નામ આવતા અને તેમાં આગ લાગી હોવાની વાત વાંચીને તે ચોંકી ગઇ! તે ખુબ જ ગભરાઇ ગઇ હતી. હોસ્પીટલમાં આગ લાગવાના બનાવમાં પાંચ લોકોના મ્રુત્યુ થયા છે,તે જોઇને તેની ચિંતામાં વધારો થઇ ગયો હતો.કારણકે આ એજ હોસ્પીટલ હતી જ્યાં કંચનભાભીને રાખવામાં આવ્યા હતા.તેને તરત જ ફરીથી કૌશિકને ફોન લગાડવા માટે ફોન કાઢ્યો પણ ફોનમાં નેટવર્ક આવ્યુ જ ન હતુ,તેની બધી જ કોશીશ બેકાર હતી.સમગ્ર શહેરની સંચાર સેવાઓ હજુ સુધી સંપુર્ણ રીતે બંદ હતી.હવે તે તેની જાતને રડવાથી ના રોકી શકી.કારણકે તેને ખુબ જ મુંઝવણ થઇ રહી હતી. તે અત્યારે ઘરની બહાર જઇને કૌશિક અને તેમના ભાઇ ભાભીના ભાળ પણ મેળવી શકે તેમ હતી,કારણ કે હર્ષ હજુ ખુબ જ નાનો હતો.તે તેને એકલો ઘરમાં છોડીને જઇ શકે તેમ ન હતી.આમ પણ બહાર કરફ્યુ લાગેલો હતો તેથી જો તે બહાર જાય તો તે પણ મુસીબતમાં પડી શકે તેમ હતી.તે ખુબ જ વિકટ પરિસ્થિતીમાં ફસાઇ ગઇ હતી.ના તો તે ખુદ બહાર જઇ શકે તેમ હતી કે ના કોઇને મદદ માટે બોલાવી શકે તેમ હતી.કારણકે તે શહેરમાં તે ખાસ કોઇને ઓળખતી ન હતી.તેની જેટલી પણ સહેલીઓ હતી તે અત્યારે આ શહેરમાં ન હતી.બધાના લગ્ન અન્ય જગ્યાએ થઇ ગયા હતા,એક બે સહેલીઓ તો વિદેશમાં સેટલ થઇ ગઇ હતી.તેમની બાજુમાં એક દંપતી રહેતુ હતુ,એમની સાથે તેમને ખુબ જ સારુ બનતુ હતુ,પણ તેના કમનસીબે તે પણ અત્યારે શહેરની બહાર ગયેલા હતા.તેના માટે આ ઘડીઓ ખુબ જ મુશ્કેલ હતી.એમને એમ રાતના બાર વાગી ગયા.તે થોડી-થોડી વારે નેટવર્ક ચેક કરી રહી હતી,પણ હજુ સુધી નેટવર્ક આવ્યુ ન હતુ.રડી રડીને તેની આંખો લાલ થઇ ગઇ હતી.

રાતના બાર વાગી ચુક્યા હતા.કેન્દ્ર સરકાર દ્વારા મોકલેલા સુરક્ષાદળો આવી પહોંચ્યા હતા.સમગ્ર કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર શહેરમાં પરીસ્થિતી ધીરે ધીરે કંટ્રોલમાં આવી રહી હતી.શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્થિતી નોર્મલ થઇ ગઇ હતી.અને જે વધારે સંવેદનશીલ વિસ્તારો હતા ત્યાં પણ અસામાજીક તત્વોને પકડીને સ્થિતીને કાબુમાં લાવવાની કોશીશ ચાલુ જ હતી.પણ ફરીથી કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે અત્યારે તો આખા શહેરમાં કરફ્યુ ચાલુ રાખવામાં આવ્યો હતો.શાંતિ કાયમ કરવા માટેના તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા હતા.કેતકીની ઉંઘ ઉડી ગઇ હતી,તે ક્યારની ટી.વી સામે બેસીને સમાચાર જોઇ રહી હતી.શહેરમાં સ્થિતી કાબુમાં આવી રહી હતી.તે જોઇને તેને થોડો હાશકારો અનુભવ્યો.પણ હજુ સુધી કૌશિક અને તેમના ભાઇ ભાભી બધા સલામત છેકે નહિ તેના કોઇ સમાચાર તેને મળ્યા ન હતા.તેથી તેને તેમની ચિંતા તો હતી જ..કેતકી જ્યારે આ સમાચાર જોઇ રહી હતી ત્યાં જ તેના ઘરની ડૉરબેલ વાગી...તે ઝડપથી દરવાજા તરફ ગઇ અને તેને દરવાજાની તડમાંથી જોયુ,તો બહાર કૌશિક ઉભો હતો.તેને તરત જ વિજળીની ગતિથી દરવાજો ખોલ્યો,અને સીધી જ કૌશિકને ગળે વળગીને રડવા લાગી.

કૌશિક પણ જાણતો હતો કે કેતકી અત્યારે કેવી મનોદશામાં છે.તેને કેતકીને થોડીવાર એમ જ રડવા દીધી.થોડીવાર પછી કેતકીના મનનો ઉભરો સમી ગયો એટલે તે શાંત પડી ગઇ.પછી તેને કૌશિકને પુછ્યુ,કૌશિક તુ કરફ્યુમાં અહિંયા કેવી રીતે પહોંચ્યોં? અને ભાઇ ભાભી ક્યાં છે? તને ખબર છે હુ કેટલી ટેંશનમાં આવી ગઇ હતી?જ્યારથી હોસ્પીટલ સળગ્યાના સમાચાર સાંભળ્યા ત્યારથી એક મિનિટ માટે પણ મારા મનને ચેન નથી પડ્યુ.ક્યારના મનમાં ખરાબ વિચારો જ આવ્યા કરે છે કે તને કે ભાઇ ભાભીને તો કંઇ થયુ નહી હોય ને? આ ચાર કલાક મને ચાર યુગ જેવડા લાગ્યા છે...કેતકી હજુ પણ આગળ બોલવા જઇ રહી હતી.ત્યાં જ,તેને અટકાવીને કૌશિક તેની બાજુમાં બેસીને તેના બરડામાં હાથ ફેરવીને તેને શાંત પાડતા કહ્યુ.કેતકી શાંત થઇ જા,હવે હુ આવી ગયો છુને? અને ભાઇ-ભાભી પણ એકદમ સલામત છે.જ્યારે તોફાનો શરુ થયા ત્યારે જ મને અંદેશો આવી ગયો હતો.તેથી મે અને ભાઇએ તરત જ ભાભીને ત્યાંથી નજીકના જ એક પ્રાઇવેટ હોસ્પીટલમાં ખસેડી દીધા હતા.હુ તને ફોન કરીને બધી વાત કરવાનો જ હતો પણ એ પહેલા જ બધી ટેલીકોમ સેવાઓ બંધ થઇ ગઇ.મને હતુ જ કે તુ ખુબ જ ટેંશનમાં હોઇશ.તેથી સ્થિતી થોડી કાબુમાં આવે કે તરત જ તારા સુધી આવવા માટેનુ વિચારીને જ બેઠો હતો.અને જ્યારે સ્થિતી થોડી સામાન્ય થઇ કે તરત જ હુ છુપાતો છુપાતો અહિંયા આવી ગયો.કેતકીએ તરત જ કૌશિકને વઢતા કહ્યુ,પણ બહાર કરફ્યુ લાગેલો હતો છતા તુ અહિંયા આવ્યો,રસ્તામાં તને કંઇ થઇ જાત તો? કૌશિકે તરત જ હસતા હસતા કહ્યુ,અરે મેડમ તમારા માટે તો જાન પણ હાજર છે....અને કેતકી પણ તેની વાત સાંભળીને હસી પડી.

2

નિરાલીને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો.નિરવે તેને ડોક્ટરે આપેલી ટેબ્લેટ આપી પણ તેનાથી પણ તેને કોઇ રાહત ના મળી.નિરાલી પ્રેગનેંટ હતી અને તેને નવમો મહિનો જઇ રહ્યો હતો.તેઓ ગઇકાલે જ ડૉક્ટરને બતાવીને આવ્યા હતા.ડોક્ટરે તેમને બેત્રણ દિવસમાં ડિલીવરી થવાની સંભાવના જણાવી હતી.અને સાથે જ નિરવને નિરાલીનુ આ બે-ત્રણ દિવસો દરમ્યાન વિશેષ ધ્યાન રાખવા માટે,અને તેની સાથે કોઇને કોઇને રહેવા માટે જણાવ્યુ હતુ.આમ તો નિરવે જ્યારથી નિરાલીના પ્રેગનેંન્સીના સમાચાર સાંભળ્યા ત્યારથી એક નોકરાણી ઘરકામ માટે રાખી લીધી હતી,તેથી નિરાલીને ઘરનુ કોઇ કામ કરવાની જરુર ન હતી.છતાં પણ નિરાલીને આખો દિવસ બેસવુ ગમતુ ન હતુ.તેથી તે તેનાથી થઇ શકે તેવા કામો કર્યે રાખતી હતી. નોકરાણી દિવસના સમયમાં ઘરનુ બધુ કામ કરીને જતી રહેતી હતી.પણ ડૉક્ટરના કહ્યા પછી નિરવે ઓફીસેથી ત્રણ-ચાર દિવસની રજા લઇ લીધી હતી.નિરાલીના પિયરમાં તેના માં-બાપ હતા,પણ તેમની આર્થિક પરિસ્થિતી ખુબ જ નબળી હતી.તેવામાં જો નિરાલી તેની ડિલીવરી માટે તેના પિયરમાં જાય તો તેમના પર વધારાનો બોજ આવી પડે.તેથી નિરવે જ પરિસ્થિતીને સમજીને નિરાલી પાસે જીદ કરીને તેને અહિંયા જ રહેવા માટે મનાવી લીધી હતી.તે આજનો આખો દિવસ નિરાલીની સેવા કરવા માટે તૈનાત રહ્યો હતો.પણ રાત્રે જમ્યાના એક કલાક પછી અચાનક જ! નિરાલીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ટેબ્લેટથી પણ ફરક ના પડતા નિરવે બારીનો પડદો ઉંચો કરીને બહાર નજર દોડાવી.બહારની પરિસ્થિતી હજુ પણ એવી જ હતી.આજે સવારથી જ એક જ્ઞાતીના લોકોએ તેમના અધિકારો માટે સરકારનો વિરોધ દર્શાવવા સમગ્ર રાજ્યમાં બંધનુ એલાન કર્યુ હતુ.કેટલાક શહેરોમાં બંધ સ્વેસ્છીક પાળવામાં આવ્યો હતો,તો કેટલાક શહેરોમાં બળજબરીથી બંધનો અમલ કરાવવાની કોશીશ કરવામાં આવી હતી.નિરવ જે શહેરમાં હતો ત્યાં પણ કેટલાક અસામાજિક તત્વો કે જે આવા મોકાનો લાભ ઉઠાવવા તત્પર રહેતા હોય છે,તેમને કેટલીક દુકાનોને બળજબરીથી બંદ કરાવવાની શરુઆત કરી હતી.એમાંથી જ શહેરમાં હિંસા શરુ થઇ હતી.સાંજ સુધીમાં હિંસાની આગ સમગ્ર રાજ્યમાં ફેલાઇ ગઇ હતી.સરકારે ખુબ જ મોડેથી પગલા ભરતા કેટલીય સરકારી મિલકતો બળીને ખાખ થઇ ગઇ હતી.સમગ્ર શહેરમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો.છતાં પણ કેટલાય વિસ્તારો હજુ પણ આંદોલનકારીઓના કબજામાં હતા,જ્યાં કેટલાય હિંસક ટોળાઓ ફરી રહ્યા હતા. તેથી સરકારે લોકોને જ્યાં સુધી સ્થિતી કાબુમાં ના આવી જાય ત્યાં સુધી ઘરોમાં જ રહેવા માટેનો ઓર્ડર બહાર પાડ્યો હતો.

નિરવે તેના લેંડલાઇન ફોનથી ડૉક્ટરને ફોન જોડવાનો પ્રયત્ન કર્યો.પણ ફોન ડેડ હતો.શહેરમાં થઇ રહેલા હિંસક બનાવોને વધતા અટકાવવા અને સોસીયલ મિડિયાનો દુરુપયોગ અટકાવવા માટે સરકારે સમગ્ર સંચાર સેવાઓ બંધ કરી દીધી હતી.નિરવ હવે ખુબ જ અસહાય મહેસુસ કરી રહ્યો હતો.તેને ફરીથી બારીનો પડદો ઉંચો કરીને બહાર નજર દોડાવી.તેનુ ઘર બીજા માળે હતુ ત્યાંથી થોડે દુર એક ચોકડી પડતી હતી ત્યાં તેને એક મિલીટરી જીપ પડેલી જોઇ.તેની આસાપાસ થોડા મિલીટરીવાળા જવાનો ઉભા હતા.એક સેકંડમાં જ તેને વિચાર કરી લીધો.તેને નિરાલીને કહ્યુ,નિરુ હુ બહારથી કોઇને મદદ માટે બોલાવીને તરત જ આવુ છુ,તુ થોડી હિમ્મત રાખજે,હુ તરત જ આવુ છુ.એટલુ કહીને તે તરત જ ભાગતો ઘરની બહાર નિકળ્યો અને વીજળીની ગતીથી સીડીઓ ઉતરીને નીચે આવી પહોચ્યો.નીચે આવીને તેને તેની ઝડપ ઘટાડી દીધી અને ધીમે પગલે તે જે જગ્યાએ મિલીટરીની ગાડી ઉભી હતી તે તરફ આગળ વધવા લાગ્યો.તે જ્યારે એ તરફ જઇ રહ્યો હતો ત્યારે એક જવાનની નજર તેના પર પડતા જ તેની બંદુક સજ્જ કરતા તેને દુરથી જ બુમ પાડીને પુછ્યુ, એ....કોણ છે ત્યાં? ઓ ભાઇ તુ આ તરફ કેમ આવી રહ્યો છે? અત્યારે કરફ્યુ લાગેલો છે તને ખબર નથી? તેને થોડી તોછડાઇથી પુછ્યુ.નિરવ તેના બંન્ને હાથ ઉપરની તરફ કરીને ઉભા રહીને મક્કમતાથી બોલ્યો,સાહેબ મારે થોડુ કામ છે હુ ત્યાં આવીને જણાવુ છુ.જવાને તેના ઉપરી તરફ જોયુ,તેના ઉપરીએ ઇશારામાં જ તેને આવવા દેવા માટે કહ્યુ.તેથી તેને ઇશારાથી નિરવને આવી જવા માટે કહ્યુ.

પેલી તરફથી આવી જવાનો સંકેત થતા જ તે ઝડપથી જીપ પાસે પહોંચી ગયો.ત્યાં પહોંચીને તેને તે એરીયાના ઇંચાર્જ ઓફીસર ભુપતસિંહને તેની પત્ની નિરાલી પ્રેગનેંટ હોવાની અને તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હોવાનુ જણાવ્યુ.ભુપતસિંહ ખુબ જ હોંશીયાર ઓફીસર હતા.તેઓ આવી પરિસ્થિતીમાં પહેલા પણ કેટલીયવાર ડ્યુટી કરી ચુક્યા હતા.કેટલીકવાર આંદોલનકારીઓ તેમને તેમની પોસ્ટ પરથી હટાવવા માટે નવા નવા પેંતરા અજમાવતા હોય છે તે વાત તે સારી રીતે જાણતા હતા.પણ કદાચ અત્યારે જે માણસ તેમની મદદ માગી રહ્યો છે તેની વાત સાચી પણ હોઇ શકે તેથી તેમને તેની વાતની ખરાઇ કરવા માટે તેની ઉલટ તપાસ માટે તેને પુછ્યુ.જો તમારી પત્નીને ડિલીવરી થવાની તૈયારી હતી તો પછી તમે તેમને હોસ્પીટલમાં એડમીટ કેમ ન કર્યા.નિરવે કહ્યુ,સર હુ કાલે જ મારી પત્નીને ડૉક્ટર પાસે બતાવીને આવ્યો તેમને કહ્યુ કે ડિલીવરીમાં હજુ બે –ત્રણ દિવસ લાગશે.તમને જો એવુ લાગે તો હોય તો બે દિવસ પછી તેમને એડમીટ કરાવી શકો છો.પણ આજે સવારે જ આ તોફાનો શરુ થઇ ગયા અને અત્યારે અચાનક જ તેના પેટમાં દુખાવો ઉપડ્યો છે.સર પ્લીઝ મારી હેલ્પ કરો,અત્યારે આવી પરિસ્થિતીમાં હુ એકલો તેને હોસ્પીટલ કઇ રીતે લઇ જાઉ.તેની હાલત ખુબ જ ખરાબ છે.નિરવ રીતસરનો ભુપતસિંહને કરગરવા લાગ્યો. ભુપતસિંહને પણ હવે વિશ્વાસ આવી ગયો કે તે સાચુ કહી રહ્યો છે.તેઓએ વધારે સમય વ્યર્થ કર્યા વગર તરત જ તેમના બે સિપાહીઓને નિરવની સાથે તેની પત્નીને જીપ સુધી લઇ આવવા માટે મોકલ્યા.તેમને હા પાડતા જ નિરવ તેમના પગમાં પડી ગયો અને તેમનો આભાર માનીને તે ફટાફટ તેના ઘર તરફ ભાગતો ગયો.બે સિપાહી પણ તેની પાછળ ભાગતા તેના ઘર તરફ ગયા.

નિરવ તેના ઘર તરફ નિરાલીને લેવા ગયો,તે સમય દરમ્યાન મિલીટરી ઓફીસરે બાજુના એરિયામાં ડ્યુટી પર રહેલા તેમના જુનિયર ઓફીસરને વાયરલેસથી મેસેજ મોકલ્યો કે તે થોડા સમય માટે એક ઇમરજંસી આવી હોવાથી તેમની જીપ લઇને બીજે જઇ રહ્યા છે.અને આમ તો આ એરિયામાં કોઇ ટેંશંવાળી વાત નથી છતા પણ થોડા સમયના અંતરે અહિંયા રાઉંડ મારતા રહેવા માટે જણાવ્યુ.એટલીવારમાં નિરવ અને તેમના બે સિપાહી નિરાલીને લઇને આવી પહોંચ્યા.તેમને નિરાલીને જીપમાં પાછળ સુવડાવી અને નિરવ પણ પાછળ બેઠો.ઓફીસરે જીપમાં આગળ જગ્યા લીધી અને જીપે હોસ્પીટલની દિશામાં ગતિ શરુ કરી.જે સરકલેથી તેઓ નિકળ્યા હતા ત્યાંથી બે સરકલ તેઓ વટાવી ચુક્યા હતા.હજુ સુધી તેમને કોઇ જ મુસીબતનો સામનો કરવો પડ્યો ન હતો.પણ જેવા તે ત્રીજા સરકલથી થોડે દુર હતા ત્યાંજ તેમને સરકલ પર ખુબ જ મોટી ભીડ જોઇ.તેમને તરત જ વાયરલેસ પર નજીકની પોસ્ટ પર તૈનાત ઓફીસરને અહિંયાની પરિસ્થિતીથી વાકેફ કર્યા અને તે જીપ લઇને આગળ વધ્યા.તેઓ જ્યારે સરકલની એકદમ નજીક પહોંચ્યા ત્યારે આંદોલનકારીઓએ તેમનો રસ્તો રોકી લીધો અને તેમને આગળ જવા માટેની મનાઇ કરી દીધી. ઓફીસર ભુપતસિંહ આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે જીપમાં એક પ્રેગનેંટ લેડી છે એને તેમને જો સમયસર હોસ્પિટલ અની પહોંચાડવામાં આવે તો તેમની જાનનુ જોખમ છે.પણ આંદોલનકારીઓ મિલીટરી ઓફીસરની કોઇ વાત માનવા તૈયાર ન હતા.નિરવ જે જીપમાં પાછળ બેઠો હતો, તે હવે ના રહી શક્યો તે જીપમાંથી ઉતરીને ટોળાની સામે આવ્યો અને કહ્યુ,જુઓ ભાઇઓ તમારી લડાઇ જેની પણ સામે હોય તમે લડો,તમારે જે બંધ કરાવવુ હોય તે કરાવો,પણ અત્યારે અમને જવા દો. મારી પત્ની પ્રેગનેંટ છે તેને જો સમયસર સારવાર નહી મળે તો તેને બચાવવી મુશ્કેલ થઇ જશે.પ્લીઝ અમને જવા દો.તમારી જે પણ સમસ્યા હોય તે તમે સરકાર સામે રાખો,સરકાર સામે લડો,પણ સામાન્ય માણસને શા માટે હેરાન કરો છો?

નિરવની વાત સાંભળીને ટોળુ વધારે ગુસ્સે ભરાઇ ગયુ,અને જોરથી નારા લગાવવા લાગ્યુ.પોલીસ પ્રશાસન હાય...હાય.... અને સરકાર વિરોધી નારાઓ લગાવવા લાગ્યા.નિરવની વાત સાંભળવા માટે કોઇ તૈયાર ન હતુ.બધાને બસ તેમનો કક્કો જ સાચો સાબિત કરવો હતો.અત્યારે તેઓ કોઇની વાત માને તેમ લાગતુ ન હતુ.ભુપતસિંહને પણ લાગ્યુ કે હવે તેમને એક્શન લેવી જ પડશે,એ સિવાય અહિંયાથી કોઇ નહી ખશે પણ તેમ કરવામાં પણ સમય ખુબ જ લાગી જાય તેમ હતુ.કારણ કે તે ચાર જણ તો આટલી મોટી ભીડનો સામનો કરી શકે તેમ ન હતા અને વધારે ફોર્સ આવવામાં હજુ વાર લાગે તેમ હતી.તેઓ પણ મુંઝવણમાં હતા કે આ ભીડને કેમ કરીને સમજાવવી? ત્યાં જ અચાનક! ભીડમાંથી એક માણસ ભીડ ચીરીને આગળ આવ્યો.તેને જોઇને થોડીવાર પહેલા એક મિલીટરી ઓફીસરના કહેવાથી પણ શાંત ન થનારુ ટોળુ અચાનક જ શાંત થઇ ગયુ! તેને જોઇને નિરવ અને ભુપતસિંહ સમજી ગયા કે આ જ તેમનો લીડર છે.તેનુ નામ સજ્જનસિંહ હતુ.મજબુત દેહ કાઠી,પડછંદ કાયા,ચહેરા પર પાતળી અણીદાર મુછો...સજ્જનસિંહ એક ખુબ જ વિરલ વ્યક્તિત્વનો માલિક હતો.ઉમરમાં હજુ માંડ પચીસ વર્ષનો લાગતો આ યુવાન આ લોકોનો લીડર હતો! તે જોઇને ભુપતસિંહ અને નિરવ બન્ને આશ્ચર્યમાં હતા.

ટોળાની ઉપર સજ્જનસિંહની અસર જોઇને નિરવે સજ્જનસિંહને આખી વાત જણાવી અને તેમને અહિંયાથી જવા દેવા માટે વિનંતી કરી.નિરવની વાત સાંભળીને સજ્જનસિંહ પણ અવાક રહી ગયો! તેમને તરત અહિંયા રહેલી તેમની આંદોલનકારીઓની ટુકડીના આગેવાનને બોલાવીને તેને કહ્યુ,આ હુ શુ સાંભળી રહ્યો છુ?માન્યુ કે આપણી લડાઇ સરકારની સામે અને સરકારનો સાથ આપી રહેલા સરકારના સુરક્ષા કર્મચારીઓ સામે પણ છે,પણ આપણી આ લડાઇ સામાન્ય માણસ સામેની નથી.સામાન્ય માણસ એટલે આપણા જેવો જ આપણામાનો જ એક માણસ છે,તે પણ આપણી જેમ જ સરકારથી દબાયેલો અને સરકારથી ત્રાસેલો છે.આપણે તો તેને આપણો સહયોગ આપવાનો હોય,તેના બદલે તમે તેને હેરાન કરી રહ્યા છો? આ તમે કઇ દિશા આપી રહ્યા છો આપણા આંદોલનને? સજ્જનસિંહની વાત સાંભળીને આખા ટોળામાં સન્નાટો છવાઇ ગયો.સજ્જનસિંહે નિરવની માંફી માગી અને તેમને તરત હોસ્પિટલ જવા માટેનો રસ્તો કરી આપ્યો.અને તેમને આગળના નાકે કોઇ ફરીથી હેરાન ન કરે તે માટે તેમનો એક માણસ સાથે લઇ જવા માટે કહ્યુ.નિરવ આ બધુ જોઇને દંગ જ રહી ગયો.તે સજ્જનસિંહનો આભાર માનવા માંગતો હતો પણ તેના મોઢામાંથી કોઇ શબ્દો જ નિકળી રહ્યા ન હતા.તેને સજ્જનસિંહના હાથ પકડ્યા અને તેને ચુમી લીધા.અને ફટાફટ જીપમાં બેસીને હોસ્પીટલ જવા માટે નિકળી ગયા.હોસ્પિટલ પહોંચતા સુધી તે એજ વિચારતો રહ્યો, “માનવાતા હજુ પણ આ દુનિયામાં હયાત છે,તે મરી નથી પરવારી” .

3

સમગ્ર શહેરમાં હિંદુ અને મુસ્લીમ વચ્ચે દંગા શરુ થઇ ગયા હતા.એક સાવ સામાન્ય ઘટનાએ ખુબ જ મોટુ સ્વરુપ લઇ લીધુ હતુ.શહેરના એક મહોલ્લાના બે હિંદુ અને મુસ્લીમ જુથો વચ્ચેના ઝગડાએ મોટુ સ્વરુપ લઇ લીધુ અને જોતજોતામાં તે મુદ્દો મોટો બની ગયો.કેટલાક અસામાજિક તત્વોએ આ ઘટનાને તોડીમરોડીને તેને એક ધાર્મિક મુદ્દો બનાવીને મિડીયામાં રજુ કરી.તેથી સમગ્ર શહેરમાં શાંતિથી અને ભાઇચારાથી રહેતા હિંદુ અને મુસ્લીમો વચ્ચે દંગા શરુ થઇ ગયા.અને ધીમે ધીમે તેની અસર સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ શરુ થઇ ગઇ.સરકારે પ્રથમથી જ કડક કાર્યવાહીના પગલા ન ભરતા નરમ વલણ આપનાવ્યુ.તેથી અસામાજિક તત્વોને ખુલ્લુ મેદાન મળી ગયુ અને તેમને શહેરની કેટલીય માલ-મિલકતમાં તોડફોડ,લુંટ મચાવી અને આગના હવાલે કરી દીધી.જે શહેરમાં આ ઘટના બની હતી ત્યાં હાલત ખુબ જ ગંભીર હતી.સવારે એક સામાન્ય ઝગડાથી શરુ થયેલા આ દંગાએ સાંજ સુધીમાં કેટલાય માસુમ લોકોની જાન લઇ લીધી હતી,કેટલીય સરકારી અને બિનસરકારી માલ-મિલકર રાખ બની ગઇ હતી અથવા તો લુંટાઇ ગઇ હતી.છેક મોડી રાત્રે સમગ્ર શહેરમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યુ હતુ.અને એક દિવસ પહેલા શાંતિના ઉજાસ નીચે જીવતા આ શહેરને અચાનક દંગાના અંધારાએ ઘેરી લીધુ હતુ.

રાહુલ મ્યુનિસીપાલટીની સ્કુલમાં દસમાં ધોરણમાં ભણતો હતો.રાહુલના ઘરના તેને પ્રાઇવેટ સ્કુલમાં ભણાવવા માટે સક્ષમ ન હતા.રાહુલ ખુબ જ મસ્તીખોર હતો.ક્લાસમાં કોઇ પણ શરારતમાં તેનુ નામ તો પહેલુ હોય જ! પણ તે ભણવામાં પણ એટલો જ હોંશીયાર હતો એટલે જ બધા શિક્ષકો તેની શરારતને નજરાંદાજ કરતા અને તેને ભણાવામાં વધારે ધ્યાન આપવા માટે કહેતા હતા.રાહુલનુ ઘર સ્કુલથી થોડુ દુર હતુ.તેના ઘરની પરિસ્થિતી એટલી સારી ન હતી કે તેને આવવા જવા માટે રિક્ષાની સગવડ મળી રહે.તેથી તે ઘરથી ચાલીને જ સ્કુલે જતો હતો.પણ તે ગમે તેટલી ઉતાવળ કરે તેને સ્કુલે પહોંચવામાં હંમેશા મોડુ થઇ જતુ હતુ અને તેનો અભ્યાસ બગડતો હતો.બે વર્ષ તો તેને જેમ તેમ કરીને કાઢી નાખ્યા.પણ આ વખતે તે દસમાં ધોરણમાં હતો.આ વખતે બોર્ડમાં પરીક્ષા આપવાની હતી.હવે તેને સ્કુલ પહોંચવામાં રોજ મોડુ કરવુ પોષાય તેમ ન હતુ.તેથી તેને તેના પપ્પા ઉમેશભાઇ પાસે ખુબ જ જીદ કરાવીને એક સાયકલ લીધી હતી.નવી સાયકલ તો તે લઇ શકે તેમ ન હતા.તેથી ઉમેશભાઇએ તેને એક સેકંડહેંડ સાયકલ લઇ આપી હતી.પણ રાહુલ માટે તો તે નવી સાયકલ જ હતી.હવે તે સાયકલ પર જ રોજ ઘરેથી સ્કુલે જતો હતો.હવે તે સમયસર સ્કુલે પહોંચી જતો હતો.ક્યારેક સાયકલમાં પંચર પડી જતુ તો તેમની સ્કુલની જ થોડી આગળ આવેલી ઇસ્માઇલની પંચરની દુકાને તે પંચર બનાવી લેતો હતો.તેની સાયકલ થોડી જુની હતી,તેથી તેને ઘણીવાર પંચર પડી જતુ હતુ.હવે તો ઇસ્માઇલ જોડે તેને સારી એવી ઓળખાણ થઇ ગઇ હતી,તેથી ઇસ્માઇલ પણ તેના પંચરના રુપિયા ઓછા લેતો હતો.

આજનો દિવસે પણ રોજના જેમ તે ઘરેથી સાયકલ લઇને નિકળ્યો.આજે તેને પેટમાં થોડી ગરબડ હોય તેવુ લાગતુ હતુ.પણ આજે ગણિતનુ ખુબ જ અગત્યનુ ચેપ્ટર ક્લાસમાં ચાલવાનુ હોવાથી તેને સ્કુલે આવવુ પડ્યુ.કારણ કે તે બીજા અમીર ઘરનાં છોકરાઓની જેમ ટ્યુશન એફોર્ડ કરી શકે તેમ ન હતો.આજે તેની સાયકલ સહીસલામત સ્કુલે પહોંચી ગઇ હતી.તેના સારા નસીબે આજે તેની સાયકલને પંચર પડ્યુ ન હતુ. સ્કુલે પહોંચીને તે અભ્યાસમાં રત થઇ ગયો હતો.બાર વાગ્યાની રિશેષ પડી ત્યારે તેને પેટમાં ગરબડ હોવાથી સીધો સંડાશમાં પહોંચી ગયો.જ્યારે તે સંડાશમાં ગયો તે જ વખતે સમગ્ર શહેરમાં દંગા ફાટી નિકળ્યા હોવાથી બધા છોકરાઓના મમ્મી-પપ્પા તેમના છોકરાઓને લેવા માટે સ્કુલે આવ્યા અને તેમને લઇને ચાલ્યા ગયા.રાહુલના ઘરમાં તેના સિવાય તેના મમ્મી-પપ્પા બે જ હતા અને બન્ને મિલમાં કામ કરતા હતા.મિલ ખુબ જ સંવેદનશીલ એરિયામાં હતી.તેથી દંગા શરુ થતાં જ મિલને અંદરથી તાળા મારીને મિલમાં કામ કરતા બધા મજુરો અને અન્ય સ્ટાફ ત્યાંજ ફસાઇ ગયો.રાહુલના મમ્મી-પપ્પા તો અહિંયા ફસાઇ ગયા હતા,તેઓ પાસે તો હવે ઇશ્વરને પ્રાર્થના કરવા સિવાય કોઇ રસ્તો ન હતો.તેઓ તેમના દિકરાની સલામતી માટે પ્રાર્થના કરવા લાગ્યા.

આ તરફ રાહુલને પેટમાં ગરબડ થઇ ગઇ હોવાથી તે ઘણીવાર પછી સંડાશમાંથી બહાર આવ્યો.બહાર આવીને તેને જોયુ કે આખી સ્કુલ ખાલી થઇ ગઇ છે.તેને ક્યારનુ અંદરથી એવુ લાગી તો રહ્યુ હતુ કે રિશેષમાં આવતો છોકરાઓનો અવાજ અચાનક કેમ બંધ થઇ ગયો.પણ તે કંડીશનમાં તે બહાર આવી શકે તેમ ન હતો.તેને બહાર આવીને બધા રુમ ચેક કર્યા.બધા રુમે તાળા વાગી ગયા હતા.અને સ્કુલની સામેનો રસ્તો પણ એકદમ સુમસામ બની ગયો હતો.અત્યારે સ્કુલમાં કે સ્કુલની બહાર તેના સિવાય કોઇ નજર નહોતુ આવી રહ્યુ.તેને કંઇજ સમજમાં નહોતુ આવી રહ્યુ.તે સ્કુલના ગેટની પાસે આવ્યો.તેને દરવાજાની તિરાડમાંથી જોયુ બહાર રસ્તા પર એક ટોળુ હાથોમાં ખુલ્લી તલવારો,ભાલાઓ,બંદુકો જેવા હથિયારો લઇને જઇ રહ્યા હતા.તેઓ કંઇક નારા પણ લગાવી રહ્યા હતા,તે ટોળુ નજીક આવતા જ તે ખુણામાં છુપાઇ ગયો.હવે તેને થોડો અંદાજો તો આવી ગયો હતો કે બહાર શુ પરિસ્થિતી છે અને તે અહિંયા કેવી પરિસ્થિતીમાં ફસાઇ ગયો છે.પણ રાહુલ ખુબ જ મજબુત મનોબળવાળો અને હિમ્મતવાળો છોકરો હતો.

થોડીવાર સુધી તે એમ જ સંતાયેલો રહ્યો.થોડીવાર પછી જ્યારે તે ટોળુ દુર નિકળી ગયુ અને તેનો અવાજ સંભળાતો બંદ થઇ ગયો ત્યારે તે ગેટ ટપીને બહાર આવી ગયો અને રસ્તાની બન્ને તરફ જોયુ.આખો રસ્તો સુમસામ હતો.હવે કઇ તરફ જવુ તેની મુંઝવણમાં જ તે થોડીવાર ત્યાંજ ઉભો રહ્યો.પછી કંઇજ ન સુઝતા સ્કુલથી આગળના રસ્તા તરફ ચાલતો થયો.થોડો જ આગળ ગયો હશે ત્યાં જ તેને ફરીથી બીજા ટોળાના આવવાના અવાજો સંભળાવા લાગ્યા.તે ઝડપથી છુપાવા માટે જગ્યા શોધવા લાગ્યો.તેને આજુબાજુ નજર કરી અને અચાનક તેની નજર ઇસ્માઇલની દુકાન તરફ ગઇ અને કંઇ જ વિચાર્યા વગર તે સીધો ઇસ્માઇલની દુકાન તરફ ગયો,પણ ઇસ્માઇલની દુકાન તો બંધ હતી.તેથી તે તેની દુકાનની પાછળ આવેલા ઇસ્માઇલના ઘરની તરફ જવા લાગ્યો.ત્યાં પહોંચીને તેને ઘરની સાંકળ ખખડાવી....ઇસ્માઇલે અંદરથી જ દબાયેલા અવાજે પુછ્યુ,કોણ....છે? રાહુલે પણ ફક્ત અંદર સુધી સંભળાય તેવા અવાજે કહ્યુ,હુ છુ ઇસ્માઇલભાઇ રાહુલ... ઇસ્માઇલે અવાજ પરથી જ રાહુલને ઓળખી ગયો.તેને તરત જ દરવાજો ખોલ્યો અને તેને અંદર લઇ લીધો.રાત્રે મોડે સુધી દંગા ચાલતા રહ્યા.જ્યારે મિલીટરી ફોર્સ આવી ગઇ અને સમગ્ર શહેરમાં કરફ્યુ લાગી ગયો ત્યારે દંગા શાંત પડ્યા.છતાં પણ હજુ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પરિસ્થિતી કાબુમાં આવી ન હતી.ફોર્સ તેની તમામ તાકાત લગાવીને હિંસક પ્રવૃતિ કરવાવાળા વ્યક્તિઓની ધરપકડ કરીને પરિસ્થિતીને કાબુમાં કરવાની કોશીશ કરી રહી હતી.રાહુલની સ્કુલ જે વિસ્તારમાં હતી ત્યાંની પરિસ્થિતી તો અત્યારે શાંત થઇ ચુકી હતી.છતા પણ ઇસ્માઇલભાઇએ રાત થઇ ગઇ હોવાથી,અને ખુબ જ મોડુ થઇ ગયુ હોવાથી,રાહુલને સવાર સુધી તેમના ઘરે જ રોકી લીધો હતો.અને સવારે તે જાતે જ તેને તેના ઘરે મુકી આવશે તેવુ તેને કહ્યુ હતુ.રાહુલને તો હવે કોઇ ચિંતા ન હતી.તેને ફક્ત તેના મમ્મી પપ્પા તેનુ ટેંશન લેતા હશે તે વાતની ચિંતા હતી.સંચાર વ્યવસ્થા તો દંગા શરુ થતાની સાથે જ ઠપ થઇ ગઇ હતી.તેથી તે તેના સુરક્ષિત હોવાની વાત પણ તેના ઘર સુધી પહોંચાડી શકે તેમ ન હતો.હવે તો તેને સવાર સુધી રાહ જોવી પડે તેમ જ હતી.જેમ તેમ કરીને તેને ઉંઘવાની કોશીશ કરી અને ખુબ મોડેથી તેને ઉંઘ આવી.

આ તરફ જ્યારે મિલવાળા વિસ્તારમાં થોડી શાંતિ થઇ ત્યારે મિલમાલિકે તરત જ બસો બોલાવીને બધાને તેમના ઘરે સહિસલામત પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી.તેથી જ રાહુલના મમ્મી-પપ્પા પણ તેમના ઘરે સુરક્ષિત પહોંચી ગયા હતા.પણ જ્યારે તેમને ઘરે પહોંચીને જોયુ કે તેમનો રાહુલ હજુ સુધી ઘરે આવ્યો ન હતો ત્યારે તેમને તેની ખુબ જ ચિંતા થવા લાગી.તેમને રાહુલની સાથે ભણતા તેમની જ શેરીના બધા છોકરાઓના ઘરે જઇને તેના વિશે પુછી જોયુ,પણ બધાએ એમ જ કહ્યુ કે તેઓ છુટીને ઘરે આવવા નિકળ્યા ત્યારે તેમને રાહુલને ક્યાંય જોયો જ ન હતો.હવે રાહુલના મમ્મી-પપ્પાનુ ટેંશન ખુબ જ વધી ગયુ હતુ.આવા માહોલમાં તેઓ ઘરેથી બહાર નિકળીને તેને શહેરમાં પણ શોધી શકે તેમ ન હતા.અને આવડા મોટા શહેરમાં તેને શોધવો પણ ક્યાં? તેમની પાસે હવે ઇશ્વર તેમના દિકરાને સહિસલામત તેમના સુધી પહોચાડી દે એવી પ્રાર્થના કરવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો ન હતો.તેઓ આખી રાત તેમના દિકરાની સલામતી માટે પ્રાર્થના કરતા રહ્યા.જેમનો દિકરો ઘરે પાછો ફર્યો ન હોય તેવા મા બાપને ઉંઘ તો કઇ રીતે આવે?

“પણ દરેક અંધારી રાતની એક ઉજળી સવાર હોય છે”.સવાર પડતા જ ઇસ્માઇલ તરત જ રાહુલને લઇને તેના ઘરે છોડવા માટે નિકળી ગયો.કારણકે તે પણ જાણતો હતો કે તેના મમ્મી-પપ્પા તેની ચિંતા કરતા હશે.થોડી જ વારમાં બન્ને જણ ઇસ્માઇલની સાયકલ પર રાહુલના ઘરે પહોંચી ગયા.રાહુલે ઘરમાં જઇને જોયુ તો તેના મમ્મી-પપ્પા બન્ને દિવાલે ટેકો દઇને બેઠા હતા.આખી રાત રડીને તેના મમ્મીની આખો સુજી ગઇ હતી.તેના પપ્પા પણ આખી રાત તેની મમ્મીને શાંત પાડવા અને તેને આશ્વાસન આપવા બેસી રહ્યા હતા તેમની આંખો પણ ઉજાગરાને લીધે લાલ થઇ ગઇ હતી.રાહુલને જોંતા જ તેની મમ્મી હરખથી ગાંડી થઇ ગઇ.તેમને દોડીને રાહુલને ગળે લગાડી દીધો અને તેના પર વહાલભરી ચુમ્મીઓનો વરસાદ કરી દીધો.તેના પપ્પાએ પણ તેને ગળે લગાડીને તેને માથેથી ચુમી લીધો.ઇસ્માઇલ તો દરવાજામાં ઉભો રહીને આખુ દ્રષ્ય જોતો જ રહી ગયો! એક માતાને તેનો ખોવાયેલો પુત્ર મળતા જ તેને જે ખુશી મળે તે જાતે જ રુબરુ જોઇને ઇસ્માઇલની આંખો પણ ભીની થઇ ગઇ.રાહુલના પપ્પાનુ ધ્યાન જ્યારે ઇસ્માઇલ તરફ ગયુ ત્યારે તેમને રાહુલને પુછ્યુ,બેટા આ ભાઇ કોણ છે? અને તુ આખી રાત ક્યાં હતો? રાહુલે કહ્યુ,આ ઇસ્માઇલભાઇ છે,અમારી સ્કુલની પાસે જ તેમની પંચરની દુકાન છે.અને આખી રાત હુ તેમના ઘરે જ હતો. રાહુલની વાત સાંભળીને તેના પપ્પાએ રોકી રાખેલા આંસુ તેમની આંખોમાંથી બહાર આવી ગયા.માંડ માંડ તેમને તેમની જાતને સંભાળી અને ઇસ્માઇલને ગળે લગાડીને કહ્યુ,ઇસ્માઇલભાઇ તમારો આભાર તો અમે જેટલો માનીએ એટલો ઓછો છે.અમારા એકના એક દિકરાને તમે હિંદુ મુસ્લીમ વચ્ચે દંગા થયા હોવા છતા પણ તમારા જાનના જોખમે તમારા ઘરે આખી રાત રાખ્યો.તમારો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે.અને તેઓ ઇસ્માઇલના પગે પડવા ગયા.ત્યાં ઇસ્માઇલે તેમને રોકીને કહ્યુ,અરે વડીલ તમે આ શુ કરી રહ્યા છો? અને મે તો ફક્ત મારી ફરજ અદા કરી છે.આપણે હિંદુ કે મુસ્લીમ પછી છીએ,પહેલા આપણે એક માણસ છીએ અને એક માણસ જો બીજા માણસના કામમાં ન આવે તો પછી તેની જીંદગી શુ કામની? મે કોઇ તમારા ઉપર ઉપકાર નથી કર્યો.મે તો કફ્ત એક માણસ તરીકેની મારી ફરજ નિભાવી છે.ઇસ્માઇલની વાત સાંભળીને ઉમેશભાઇએ કહ્યુ,વાહ ઇસ્માઇલભાઇ તમે શુ વાત કરી છે. “દુનિયાનો દરેક માણસ જો તમારા જેવા વિચાર રાખતો થઇ જાય તો પછી આ જાતિ અને ધર્મના નામે થતા ઝગડા ક્યારેય ના થાય”.અને તોજ આ દુનિયામાં સાચા અર્થમાં શાંતિ સ્થપાય.થોડીવાર બેસીને પછી ઇસ્માઇલ ઘરે જવા માટે નિકળ્યો.તેને જતા જોઇને ઉમેશભાઇ એક સાચા અર્થમાં મનુષ્ય ધર્મ નિભાવી રહેલા ઇસ્માઇલને મનોમન વંદન કરી રહ્યા.

* સમાપ્ત *